૯મી ઓક્ટોબરના રોજ અમે કેટલાંક ઉપાહારગૃહોને આખો દિવસ માટે ખૂલતાં જોયાં. એવું જણાય છે લોકો ધીમે ધીમે ફરજિયાત રીતે પોતાનો ધંધો આખા દિવસ માટે કરતા થઈ જશે. તેમ છતાં, એક સફરજન ઉગાડનારે અમને જણાવ્યું, “જો આઝાદી મળવાની હોય, તો તે વરસમાં રૂપિયા ૯-૧૦ લાખ ખોવાના ભોગે પણ સફરજનનો પાક ઉતારીને વેચીશ નહીં.” (સફરજન-ઉત્પાદન વિશેનો ભાગ વિગત માટે જોવો.)
હાઉસબોટના માલિકો, કામદારો અને તે ધંધા પર આધારિત અન્ય લોકો વધુ ગંભીર અસર પામ્યા છે. પાંચ ઓરડીઓ ધરાવનાર એક હાઉસબોટના માલિકે જણાવ્યું કે એણે ચાલુ વરસે રૂપિયા ૭ લાખની ખોટ કરી. એક અત્તરના વેપારી, જે ગુજરાતમાંથી માલ લાવીને વેચતાં તેણે જણાવ્યું કે સંપૂર્ણ સંચારબંધી હોવાને લીધે માલ પૂરો પાડનારા જોડે સંપર્ક ટૂટી ગયો છે અને જો સંપર્ક ચાલુ હોત તો પણ ઘરાકીના અભાવે તે કશું કરી શકે એવું છે જ નહીં.
લગ્નસમારંભ થઈ રહ્યા છે, પરંતુ તેમાંની સંખ્યા અને ખાણીપીણીનો જથ્થો સામાન્ય સ્તર કરતાં ખૂબ નીચો ગયો છે. આશ નામે અનાથોનાં સમૂહલગ્ન યોજનારી સ્વૈચ્છિક સંસ્થાના વડાએ જણાવ્યું કે, ગયા વરસે તેઓ સમારંભમાં સૌને બિરિયાની ખવડાવી શક્યા હતા, પરંતુ આ વરસે માત્ર કહવા પીણું જ પૂરું પાડી શક્યા.
શ્રીનગર શહેર અને ગામના લોકોએ અમને જણાવ્યું હતું કે હડતાલ કે બંધની સ્થિતિમાં તેઓ ટકી રહેવા ટેવાયેલા છે, કારણ કે, સંઘર્ષના સમયે પરંપરાગત રીતે એકબીજાનો સહકાર અને ટેકો મેળવી લેતા હોય છે. જે ખાધા-ખોરાકી મેળવી શકવા સક્ષમ નથી તેમને મદદ કરાય છે. શ્રીનગરના આંચર જેવા સ્થાન પર લોકોએ પોતાની જાતને જ ઘેરામાં બંધ કરી લીધી છે કારણ કે, મોટા ભાગના ખેડૂતો છે અને તેઓની પાસે ડાંગરનો પૂરતો જથ્થો છે.
સફરજનનો વેપાર
અમે શોપિયાં અને સોપોરની ફળબજારની મુલાકાત લીધી. શોપિયાંનું ફળબજાર પૂરેપૂરું બંધ હતું અને મંડીની બહાર પણ ખટારાઓ ઊભા ન હતા. એક ઉત્પાદકે જણાવ્યું કે, જો હડતાલ દ્વારા તેમને આઝાદી મળતી હોય તો તે લાખોની ખોટ ખાવા તૈયાર છે.

સોપોરનું ફળબજાર પણ બંધ હતું, પણ બાગાયત વિભાગની કચેરી, જેના દ્વારા નાફેડ ફળની ખરીદી કરે છે તે ચાલુ હતી. ત્યાંના અધિકારીઓએ જણાવ્યું કે, સોપોરના ફળમબજારમાં દરરોજ આશરે ૩૦૦ ખટારા રોજ નીકળે છે, તેની સામે સપ્ટેમ્બર ૧૫ના રોજથી, જ્યારે બજાર – દરમિયાનગીરી યોજના દાખલ થઈ, માત્ર ૩ ખટારા જ નીકળી રહ્યા છે. અલબત્ત જે લોકોએ આઝાદપુર બજાર સાથે સીધા વાયદા કરેલા હતા, તેઓ સીધો જ માલ મોકલી રહ્યા હતા અને બજારની બહાર અનૌપચારિક ધંધો ચાલી રહ્યો હતો, પરંતુ એવું જોઈ શકાયું કે હડતાલ લગભગ પૂરેપૂરી હતી. ગયા વરસે બજારનો વકરો રૂપિયા ૧,૦૦૦ કરોડ હતો, હાલમાં બારામુલા જિલ્લાના ૯૪,૦૦૦ ખેડૂતોમાંથી માત્ર ૫૮૬ ખેડૂતોએ નાફેડ થકી માલ વેચવા નોંધણી કરાવી હતી, તે પૈકી માત્ર ૪૬ ઉત્પાદકો માલ વેચી શક્યા હતા ને કુલ માલનો જથ્થો ૩૦ મૅટ્રિક ટન જેટલો જ થયો હતો, જે પહેલાં જણાવ્યા મુજબ ત્રણ ખટારાઓમાં મોકલી દેવાયો હતો.
ધાર્મિક અસર કરતા પ્રતિબંધ
આ વરસે ભાગ્યે જ ઈદ ઊજવાઈ. કુપવારાના કલામાબાદની આસપાસ પોલીસે ફરીને ઇદગાહમાં લોકોના ભેગા થવા પર મનાઈ ફરમાવી અને લાઉડ સ્પીકર વાપરવા પર પ્રતિબંધ મૂક્યો. લોકોએ સ્થાનિક મસ્જિદોમાં નમાજ અદા કરી અને કલામાબાદની ઇદગાહમાં નમાજ ન થઈ શકી.
શિક્ષણને થયેલી નુકસાની
ઔપચારિક રીતે શાળાઓ ચાલુ છે, પણ બાળકો નિશાળે જતાં નથી. શિક્ષકો દિવસના અમુક કલાકો હાજરી આપે છે અને તે પણ અઠવાડિયામાં બે કે ત્રણ વાર. સૌરા ગામની ૬ વરસની એક બાળકી બોલી, “પોલીસઅંકલ ગોલી મારેંગે.” વાલીઓ બાળકોને નિશાળે મોકલવા માગતાં નથી કારણ કે, ભારે માત્રામાં ફોજની હાજરી છે અને ફોન ચાલતા નથી. લોકોએ જણાવ્યું કે પાંચ ઑગસ્ટથી કેન્દ્રીય અનામત પોલીસ દળે એસ.પી. હાયર સેકંડરી સ્કૂલ પર કબજો લઈ લીધો છે, પરંતુ અમે આ માહિતીની જાતે ખરાઈ ન કરી શક્યાં નથી. ગામની શાળાઓ બંધ છે. શાળાઓ ફળિયાંઓમાં હોવા છતાં સૈન્યબળ બધે જ છે અને લોકો ગોળીબારીની આશંકાથી ત્રસ્ત છે.
મધ્યમવર્ગીય શ્રીનગરના વિસ્તારની શાળાના એક શિક્ષકે જણાવ્યું કે, તેઓ જે વિદ્યાર્થીઓનાં સરનામાં છે, તેમને સ્વાધ્યાય મોકલાવે છે પણ જેમનાં સરનામા નથી, તેઓ સુધી કેમ કરી પહોંચવું તેઓ જાણતા નથી.
કૉલેજના એક શિક્ષકે જણાવ્યું કે, તે અને બીજા સહકર્મીઓ સમયાંતરે કૉલેજ પહોંચે છે, પણ કોઈ વિદ્યાર્થી આવતા નથી. ૯ ઑક્ટોબરે જ્યારે કૉલેજો આદેશ પ્રમાણે ઊઘડી, ત્યારે અમે ભાગ્યે જ કોઈ વિદ્યાર્થીને જોઈ શક્યા. અવરજવર માટે કોઈ જાહેર સાધનોના અભાવે શાળાઓ કે કૉલેજોમાં વિદ્યાર્થીઓ કઈ રીતે પહોંચશે, તે જાણી શકાતું નથી.
બાળકો / સગીરોની ધરપકડ
નાનાં બાળકો જેમની ઉંમર ૬ વરસની આસપાસ છે, તેમને પણ પકડીને એક દિવસ કે વધુ દિવસો રાખવામાં આવ્યાં છે અથવા રોજેરોજ કેટલાક દિવસ માત્ર સવાર-સાંજ હાજરી પુરાવવાની ફરજ પડાઈ છે. મોટા ભાગના કિસ્સાઓમાં ધરપકડનો કોઈ રેકર્ડ છે જ નહીં. બાળકોનાં મા-બાપ કે સગાંને સવારસાંજ પોલીસથાણે આવીને બાળકો અંગે ખાતરી આપવાની હોય છે. બાળકોને મસ્જિદના લાઉડ સ્પીકરોમાં પ્રતિકારના તરાના ગાવા-વગાડવાના અથવા પથ્થરમારો કરવાના વાંકે ઉઠાવી લેવામાં આવે છે અને આ ઑગસ્ટ ૫ પહેલાં પણ થઈ રહ્યું હતું અને હવે તેની ગતિની તીવ્રતા વધવા પામી છે.
પુલવામા અને શ્રીનગરના વિસ્તારોમાં અમને જણાવવામાં આવ્યું કે, બાળકો ધરપકડના ભયે પોતાના ઘરે જ રાત્રે સૂતાં બીવે છે. તેઓ સગાંઓ અથવા દાદા-દાદીનાં ઘરોમાં સૂએ છે. વરસ ઉપર થયું જ્યારે સૈન્યબળે ગામોમાં વસ્તીગણતરી કરી હતી. ઑગસ્ટ ૫ પછી જે કુટુંબોમાં યુવાવસ્તી છે, તે કુટુંબોને લક્ષ્ય પર લેવાનું સરળ બન્યું છે.
એસ.બી. ગામ, શોપિયાં જિલ્લો
આ ગામમાં બાળકોને ૨૦૧૯ના મે મહિનામાં ઉઠાવીને છોડી દેવામાં આવ્યાં હતાં. અમે એ પૈકી કેટલાંક બાળકો અને તેમનાં વાલીઓને મળ્યાં હતાં.
૧. એસ.એફ., ઉં.વ.૧૨, ધોરણ ૫
૨. એ.એમ., ઉં.વ.૯, ધોરણ ૪
૩. એ.એસ., ઉં.વ.૧૨, ધોરણ ૩
૪. એફ.એફ., ઉં.વ. ૧૪, ધોરણ ૭
બે વ્યક્તિઓ સાદા વેશમાં સ્કૂટર પર આવીને બપોરે આશરે ૩ વાગે એ.વાય.ના ઘરે આવ્યાં અને એને લઈ ગયા. પછી તેઓ એફ.એફ.ના ઘેર આવ્યાં અને તેને થાણા પર બોલાવ્યો. એ એની મા સાથે ગયો. પછી તેઓ એ.એમ. અને એ.એસ.ની ઘરે ગયા અને એમને પણ થાણે તેડાવ્યા. પોલીસે નાનાં બાળકોને રાત્રે છોડી દીધાં અને ફરી બીજા દિવસે સવારે થાણે હાજર થયાં. તેમને કેટલીક લાતો મારી, કાન પકડી ઊઠબેસ કરાવી. બધાંને એકથી વધુ વખત પકડી ગયાં મરઘો બનાવી ઊઠબેસ કરાવી. એ એમને તો ૨૦૧૬માં પણ પકડી ગયા હતા, જ્યારે એ માત્ર ૬ વરસનો જ હતો.
શ્રીનગર
અમે એક બાળક, જેની ધરપકડ કરી છોડી દેવામાં આવ્યો હતો, તેની જોડે વાત કરી. ૬ વરસના એચ.ને ૧૭ ઑગસ્ટના રોજ બપોરે ત્રણ વાગે ટી. ઉં.વ. ૧૨, ધોરણ ૭ની જોડે મસ્જિદથી પકડવામાં આવ્યો અને થાણે લઈ જવામાં આવ્યો હતો. તેઓને મધ્યરાત્રે છોડી મૂક્યા હતા એ શરતે કે ટી.ના પિતા અને એચ.ના દાદા દિવસો સુધી રોજ સવારે અને સાંજે થાણે હાજર થઈ રિપોર્ટ કરે. એચ.ના મગજમાં હવે સતત બંદૂક રમે છે અને એ બંદૂક વિશે જ વિચાર કર્યા કરે છે.
રિબામણી અને ત્રાસના કિસ્સાઓ
પરિગામ, પુલવામા
પરિગામ ગામ નજીકમાં બે સૈન્યછાવણીઓ છે. બે મહિનાથી હાઈસ્કૂલ બંધ છે. પહેલાં સૈનિકો ગામમાંથી પસાર થતા, ત્યારે ગામના રહેવાસીઓને કોઈ કનડગત નહોતી, પરંતુ ઑગસ્ટ ૫ પછી સૈનિકોએ મુખ્ય રસ્તા પર આવતાં ઘરોમાંથી ગમે તે યુવાઓને પકડી અને ત્રાસ ગુજારી ડર પેસાડી દેવાનું શરૂ કર્યું. ૬ ઑગસ્ટની રાત્રે ૮ ઘરોમાંથી શ્રૃંખલાબદ્ધ રીતે ઘરોનાં બારણાં ખખડાવી ૨૦થી ૩૦ વરસના ૯-૧૧યુવકોને પકડી લીધા.
અમે ૨૫ અને ૨૩ વરસના બે ભાઈઓ શબીર અહમદ સોફી અને મુઝફ્ફર અહમદ સોફી અને તેના પિતા સનાઉલ્લા સોફીને પરિગામમાં તેમના ઘરે મળ્યા. પરિવાર નાનવાઈ (તંદૂર અને બૅકરી) ચલાવે છે. ૬ ઑગસ્ટની રાત્રે સેનાએ પહેલાં ચોકીદાર અબ્દુલગનીનું બારણું ખખડાવ્યું અને કિરાણાની દુકાન ચલાવનાર કય્યુઅહમદ વાનીને બોલાવી લાવવા કહ્યું. પછી કય્યૂમને બૅકરીવાલાનું ઘર બતાવવાનું કહ્યું. જ્યારે સનાઉલ્લાએ બારણું ખોલ્યું, ત્યારે સૈનિકોએ તેના દીકરાઓ વિશે પૂછ્યું. (તેમની માહિતી વસ્તીગણતરીના લીધે સૈન્ય પાસે હતી અને તેમના પર તે પહેલાં કોઈ પણ આરોપ ન હતા.)
જે ૯થી ૧૧ યુવાઓને પકડ્યા (જે પૈકી સોફીબંધુઓ, કય્યૂમ અહમ્ વાની, યાસિન અહમદ મુઝ્ફ્ફર ભટ્ટ, અબ્દુલગનીનો દીકરો હતા.) અને તે સૌને મસ્જિદની બહાર એક સ્થળે લઈ જવામાં આવ્યા રાત્રે ૧૨-૩૦ અને સવારે ૩ વાગ્યા સુધી તાર અને લાકડીઓ વડે મારવામાં આવ્યા. અને બેભાન અવસ્થામાંથી બહાર લાવવા, તેઓને વીજળીના આંચકા આપ્યા. આ યુવાઓ હાથપગ ઘસડીને ઘરે પહોંચ્યા. બે મહિના સુધી તેઓ હલનચલન માંડ કરતા થયા, કામ કરવાની વાત તો દૂર રહી.
જ્યારે યુવાઓના પરિવારવાળાઓએ સૈનિકોને રોકવાની આજીજી કરી, ત્યારે તેમને પાછા કાઢવામાં આવ્યા અને ધમકાવવામાં આવ્યા કે જો કોઈ રોકવા આવશે, તો હજી વધુ માર મારશે. બીજા દિવસે સવારે આ યુવકોને બારઝુલ્લા, શ્રીનગર સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યા, જ્યાં હાડકાં અને તેનાં જોડાણોની સર્જરી કરવામાં આવી. વાલીઓ પોલીસમાં એફ.આઈ.આર. કરવા માગતા હતા, પણ પુલવામા થાણું ફરતે કાંટાળી તારથી બંધ કરી દેવામાં આવ્યું હતું.
કરિમાબાદ ગામ , શોપિયાં
આ ગામ આતંકીઓ માટે જાણીતું છે. અહીં શહીદોની ૧૧ કબર છે. સેનાએ બે વાર આ કબ્રસ્તાનને જમીનદોસ્ત કરી નાખ્યું છે, પરંતુ લોકો તેનું પુનર્નિમાણ કરી દે છે અને કબરો પર કાગળનાં ફૂલ ચડાવે છે. અહીંથી પણ સેનાએ યુવાઓની નિવારક અટકાયતો કરી અને આગ્રા જેલમાં મોકલી આપ્યા છે, આ યુવાઓને આતંક અને તેની ગતિવિધિઓ જોડે કોઈ વ્યક્તિગત સંબંધ નથી.
ધરપકડ કરાયેલામાં નીચે જણાવેલાનો સમાવેશ થાય છે?
૧. મમૂન અહમદ પંડિત, ઉં.વ. ૧૭, ડિગ્રી કૉલેજ પુલવામાનો બીજા વરસનો વિદ્યાર્થી, ૭ ઑગસ્ટે એની ધરપકડ થઈ અને એને આગ્રા મધ્યસ્થ – જેલમાં પી.એસ.એ. હેઠળ મોકલી દેવામાં આવ્યો છે. તેનો ગુનો માત્ર એટલો છે કે એ જાણીતા આતંકવાદી નાસિર અહમદ પંડિત જે ૨૦૧૬માં મરણ પામ્યો, તેનો સૌથી નાનો ભાઈ છે. અમે એની માતાને મળ્યા, તેણે જણાવ્યું કે સેનાએ ૭ ઑગસ્ટની રાત્રે ૨ વાગે આવીને પરિવારને જણાવ્યું કે આ યુવાનને તેઓ નિવારક અટકાયતના પગલે ૧૫ ઑગસ્ટ સુધી લઈ જઈ રહ્યા છે, જ્યારે પરિવારજનો ૧૬ ઑગસ્ટના રોજ પુલવામા પોલીસ પાસે ગયાં ત્યારે એવું કહેવામાં આવ્યું કે તેને બીજે લઈ જવામાં આવ્યો છે.
૨. મુનિરુલ ઇસ્લામ અથવા સુહૈલ ઉં.વ. ૨૦, બશીર અહમદ પંડિતનો દીકરો, જેની ધરપકડ ઑગસ્ટ ૮ની રાત્રે ૨.૪૫ વાગે કરવામાં આવી.
પરિવારજનો એને પુલવામા પોલીસ-સ્ટેશને મળ્યાં પણ તેને તરત જ પહેલાં શ્રીનગર મધ્યસ્થ જેલ અને પછી આગ્રા-જેલમાં લઈ જવામાં આવ્યો.
૩. બિલાલ અહમદ ડાર (બે બાળકોનો પિતા છે). અમે કોઈ પરિવારજનને મળી શક્યા નહીં તેથી વિગતો મળી નથી.
આ ત્રણે વ્યક્તિઓ પર પથ્થરમારો, કારને નુકસાન પહોંચાડવાનો અને આતંકીઓને મદદ કરવાના આરોપ છે. અમે આ અંગેના કોઈ કાગળો જોઈ શક્યા નથી અને પરિવારજનોએ આગ્રા મુલાકાત લીધી નથી અને કોઈ વકીલને પણ રોક્યા નથી.
પ્રોંગ્રૂગામ, હંદવારા
આ ગામમાં ૩ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને હજી સૌ જેલમાં છે. અમે તેમનાં પરિવારજનોને મળ્યાં :
૧. મોહમ્મદ શફી મીર દીકરો (મોહમ્મદ મકબૂલ મીર, ઉં.વ. ૩૫)
૨. અસગર મકબૂલ ભટ્ટ
૩. નદીમ મોહમ્મદ શેખ
સમુદાય બાંહેધરીવ્યવસ્થા અન્વયે એક વાર કોઈ વ્યક્તિ પકડાય, તો તે સમુદાયના લોકોને ખાત્રી આપવાનું કહેવામાં આવે છે. ઓ.એમ.ના કિસ્સામાં વિસ્તારના ૨૦ વડીલોને રોજ બાંહેધરી આપવા બોલાવવામાં આવતા હતા. તેમના ઓળખપત્ર લઈ લેવામાં આવે અને એકથી બે કલાક બેસી રહેવું પડે અમુક વાર પોલીસ-સ્ટેશનમાં આખો દિવસ પણ બેસી રહેવું પડે.
પ્રસારમાધ્યમ સાથે વાત કરવા બદલ ધરપકડ
સૌરાના દુકાનદાર ઇનાયત અહમદની ૨૯ ઑગસ્ટના અલ્ ઝઝીરા સાથે વાત કરવા અને પ્રતિરોધમાં ભાગ લેવા બદલ ધરપકડ કરવામાં આવી. પોલીસથાણામાં ૧૫-૧૬ દિવસ રાખ્યા પછી તેને પી.એસ.એ.ના આરોપી બનાવી શ્રીનગર મધ્યસ્થ જેલ લઈ જવામાં આવ્યો.
જેલ-જાપતામાં મોત
૩ સપ્ટેમ્બર ૨૦૧૯. નંદપુરા ભાંડીગામના નંદપુરા વૉર્ડ ભાંદીગામના ૨૦ વર્ષના રિયાઝ અહમદ ઠીકરીનું મૃત્યુ, ઉંમર આશરે ૨૦ વરસ.
ભાંદી ગુજ્જરોનું ગામ છે અને ત્યાંના ઘણા લોકો સામે જંગલખાતાના કેસ છે. ગામના લોકો કહે છે કે જંગલના અધિકારીઓ રૂપિયા ૧૦થી ૨૦ હજારની લાંચ લે છે અને કોર્ટની દરેક તારીખે વકીલને રૂપિયા ૫૦૦ની ફી આપવી પડે છે. કોર્ટ સુધી આવવાજવા અને આનુષંગિક ખર્ચા સાથે દરેક તારીખે રૂપિયા કુલ ૧,૦૦૦નો ખર્ચ થાય છે. એક વ્યક્તિએ કહ્યું કે એ ૨૦૦૫થી કોર્ટમાં હાજરી આપે છે. ૨૦૧૦થી જંગલખાતાએ કાંટાળા તાર બાંધી ગુજ્જરોનો રસ્તો બંધ કરી દીધો છે.
રિયાઝ અહમદ લદ્દાખમાં મજૂરી કરી પાછો જ ફર્યો હતો, જ્યારે પોલીસ ૨ સપ્ટેમ્બરના રોજ ઘરે આવી અને એને એક વરસ પહેલાં લાકડાચોરીના કિસ્સામાં થયેલ એફ.આઈ.આર. બાબતે પોલીસ સ્ટેશન આવવાનું કહી ગઈ. ૩ સપ્ટેમ્બરના પોલીસ તેના કાકા જમાલદીન શાબંગીના ઘરે ગઈ અને એમને પોલીસસ્ટેશન લઈ ગઈ. ત્યાં એમને જાણ કરવામાં આવી કે એમના ભત્રીજાએ પોતાના સલવારના નાડા વડે આપઘાત કરી લીધો છે.
જમાલદીન અને બીજાઓએ જોયું કે રિયાઝનું નાક તૂટેલું હતું અને શરીરના જમણા પડખે ખભેથી નિતંબ સુધીનો ભાગ ભૂરો પડી ગયો હતો અને ઉઝરડાયુક્ત હતો. હંદવારામાં પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું. પણ તેની નકલ પરિવારને આપવામાં આવી નથી.
રિયાઝનાં માતા શિરિનાબેગમ આંધળાં છે. એના ત્રણ ભાઈઓ છે, જે મજૂરી કરે છે. રિયાઝ પરિવારનો મુખ્ય કમાતો દીકરો હતો.
રિયાઝના પોલીસ-હિરાસતમાં મૃત્યુ થયા બાદ હેરલથી વરપુરા, કલામાબાદ સુધી એક સરઘસ નીકળ્યું, જેની પર પોલીસે અશ્રુગૅસ છોડ્યો. રિયાઝના મૃતશરીરનો બળજબરીથી પોલીસે કબજો લઈ લીધો અને બીજા લોકો આવે તે પહેલાં જબરદસ્તી તેના ઘર પાસે તેની દફનક્રિયા કરાવી દીધી. એના કાકા જમાલદીને વિરોધ કર્યો, તો એના મોઢા પર માર માર્યો.
નિષ્કર્ષ
જો સુપ્રીમ કોર્ટે પહેલાં જ દખલ કરી હોત – જે હજી કરી શકે – અને ધારા ૩૭૦ પુનઃસ્થાપિત કરી જમ્મુ અને કાશ્મીરને સંઘના એક રાજ્ય તરીકે પૂર્વસ્થિતિમાં લાવી દીધાં હોત, તો કેટલોક ગુસ્સો શમી ગયો હોત, પરંતુ હવે કાશ્મીરમાં અને કાશ્મીરની બહાર સૌ કાશ્મીર અને ભારત માટે ભાવિના ગર્ભમાં શું છે, તે અંગે અનિશ્ચિતતા અનુભવીએ છીએ.
[ટુંકાવીને]
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2019; પૃ. 10-12
![]()


મુકરદમાખોરીથી હિન્દુસ્તાન બરબાદ થઈ રહ્યું છે. દેશ આટલો નિર્ધન થઈ ગયો હોવા છતાં કોરટો અને મુકરદમાઓ પાછળ આજ જેટલો ખરચ થાય છે તેટલો બીજા કશા પાછળ નહીં થતો હોય. અદાલતોની જે પ્રથા ચાલુ છે તેમાં પાણીની પેઠે પૈસો વાપર્યા વિના એક તણખલું સરખું આમથી તેમ નથી થઈ શકતું.













