Opinion Magazine
Number of visits: 9683576
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતમાં શાસકો, ઉદ્યોગપતિઓ, પત્રકારો અને બાવાઓનો બિકાઉ ચતુષ્કોણ રચાયો છે

રમેશ ઓઝા|Opinion - Opinion|23 January 2020

ગયા અઠવાડિયે બેઝોસ નામનો એક માણસ ભારતમાં આવીને ગયો એની તમને ખાસ જાણ નહીં હોય. જાણ ક્યાંથી હોય, આવી કોઈ જાણ ન થાય એટલા સારુ તો સી.એ.એ. અને એન.સી.આર. જેવા પાંસા ફેંકવામાં આવે છે કે જેથી પ્રજા એમાં જ અટવાયેલી રહે અને રોટી, કપડાં અને મકાનના મૂળભૂત સવાલથી નજર હટી જાય. સારા પત્રકારે વાચકનું બંને દિશામાં ધ્યાન દોરવું જોઈએ. નજરબંધીના ખેલ પણ ઊઘાડા પાડવા જોઈએ અને પ્રજાને કવરાવનારા મૂળભૂત પ્રશ્નો ધ્યાનબહાર ન જાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ. બાકી ભૂલભૂલામણી રચવા માટે તો અર્ણવ ગોસ્વામીઓ મોટી સંખ્યામાં છે. તેઓ તેમનું પેટ ભરી લે છે, પછી તમારું પેટ ભલે ખાલી રહે. કેટલાક ભાડૂતી બાવાઓ પણ વિદ્યાર્થીઓને સલાહ આપે છે કે તેમણે ભણવામાં ધ્યાન આપવું જોઈએ અને રાજકારણથી દૂર રહેવું જોઈએ. તેમને આની યાદ ૨૦૧૧માં અને ૨૦૧૨માં નહોતી આવી. આ દેશમાં આધ્યાત્મિકતા કાં તો ભયભીત છે અને કાં બીકાઉ છે.

ખેર, એ વાત જવા દઈએ, વાત બેઝોસની કરવાની છે. જેફ બેઝોસ એટલે ઓનલાઈન રીટેલ જાયન્ટ ‘ઍમેઝોન’ નામની કંપનીનો સ્થાપક. આ કંપની કેવડી મોટી છે એ કહેવાની જરૂર નથી. ૨૦૧૪માં પણ બેઝોસ ભારત આવ્યા હતા અને ત્યારે તેમને વડા પ્રધાને સમય આપ્યો હતો, એટલું જ નહીં તેમણે તેમના સ્વભાવ મુજબ બેઝોસને કહ્યું હતું, ‘બોલો, શું જોઈએ છે? હું જોઈએ તે વ્યવસ્થા કરી આપું, તમે ભારતમાં રોકાણ કરો.’ તમને કદાચ ૨૦૧૪નો વડા પ્રધાનનો જપાનનો પ્રવાસ પણ યાદ હશે. ત્યાં તેમણે જપાનીઝ રોકાણકારોને કહ્યું હતું કે, ‘હું તમને મારો ફોન નંબર આપીને જઉં છું. ફોન કરો અને બીજા જ દિવસે એક ધક્કામાં રોકાણ માટેની મંજૂરી મેળવી લો.’ આવી ઝડપ અને કાર્યદક્ષતા જોઈને તેમના વિરોધીઓ પણ મોંમાં આંગળા નાખી ગયા હતા. જો આ રીતે ઝડપથી નિર્ણયો લેવાય અને અમલદારશાહીથી દેશના વહીવટીતંત્રને અને અર્થતંત્રને મુક્તિ મળે તો દેશની જરૂર કાયાપલટ થઈ શકે.

પણ એ દિવસ અને આજની રાત. જપાનીઓને વડા પ્રધાનનો હોટ લાઈન નબંર મળ્યો નથી. દુનિયાના કોઈ પણ રોકાણકારને મળ્યો નથી. વહીવટીતંત્રમાં અને અર્થતંત્રમાં પણ કોઈ મોટા સુધારા કરવામાં આવ્યા નથી. વિદેશી રોકાણ આવતું ઘટ્યું છે અને છેલ્લા ચાર દાયકામાં અર્થતંત્ર તેની નીચલી સપાટીએ છે. સૌથી મોટું સંકટ રોજગારનું છે.

દેશની સ્થિતિ આવી છે ત્યારે ઍમેઝોનના સ્થાપક અને માલિક જેફ બેઝોસ ભારતમાં મોટું રોકાણ કરવાની તૈયારી સાથે ભારત આવ્યા હતા, પણ વડા પ્રધાને આ વખતે તેમને મળવાનો સમય આપ્યો નહોતો. વડા પ્રધાન અન્ય કામોમાં વ્યસ્ત હોય એ સમજી શકાય છે, પણ વાણિજ્ય પ્રધાને પણ સમય કાઢ્યો નહોતો. ઍમેઝોનના કારણે ભારતમાં નાના વેપારીઓના ધંધાને માર પડી રહ્યો છે એ કારણે ભારતે વિદેશી રોકાણનીતિ બદલી હોય તો એ સમજી શકાય એમ છે. સવાલ એ છે કે ભારત સરકારે ક્યારે એવું નીતિનિવેદન કર્યું છે? બીજું, વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ બેઝોસને મળીને ભારતની ચિંતા પ્રગટ કરી શક્યા હોત અને બેઝોસની વાત પણ સાંભળી હોત. તેઓ વાણીજ્ય પ્રધાન છે અને તેમનું કામ વિદેશવ્યાપાર વધારવાનું છે. ત્રીજું, વિશ્વના ટોચના ઉદ્યોગપતિમાંના એકની અવહેલના નહીં કરવા જેટલું સૌજન્ય પણ હોવું જોઈએ.

આની જગ્યાએ પીયૂષ ગોયલે બોઝોસને મળવામાં કોઈ રસ નહોતો બતાવ્યો એટલું જ નહીં બેઝોસે જ્યારે કહ્યું કે ઍમેઝોન ભારતમાં એક અબજ ડોલર્સનું રોકાણ કરવા ઈચ્છે છે અને તેના દ્વારા દસ લાખ લોકોને રોજગારી મળી શકે એમ છે ત્યારે વાણીજ્ય પ્રધાન પીયૂષ ગોયલે શું કહ્યું હતું ખબર છે? તેમણે કહ્યું હતું કે, ‘બેઝોસ ભારતમાં રોકાણ કરીને શું ભારત પર ઉપકાર કરે છે?’ ગોયલના વિધાનની ભારતમાં અને વિદેશમાં પણ નોંધ લેવાઈ અને ટીકા થવા લાગી ત્યારે પીયૂષ ગોયલે સૂર બદલ્યો હતો, પણ એનો કોઈ અર્થ રહ્યો નહોતો.

૨૦૧૪માં જે ઉમળકો હતો અને ૨૦૨૦માં કેમ ગાયબ થઈ ગયો? નાના વેપારીઓની ચિંતાને કારણે એવો જો તમારો જવાબ હોય તો તમે આ સરકારને ઓળખતા નથી. આનું કારણ એ છે કે જેફ બેઝોસ અમેરિકાના માતબર અખબાર ‘વૉશિંગ્ટન પોસ્ટ’ના પણ માલિક છે અને ‘વૉશિંગ્ટન પોસ્ટ’ નરેન્દ્ર મોદીની અને તેમની સરકારની ફાસીવાદી નીતિની સતત અને સખત ટીકા કરી રહ્યું છે. સરકારને ‘વોશિંગ્ટન પોસ્ટ’નું વલણ પસંદ નથી. જો કોઈ સમજદાર શાસક હોત તો બોઝોસને સમય આપીને, તેમની વાત સાંભળીને, હળવેકથી કાનમાં કહ્યું હોત કે તમારું અખબાર અમારી ખોટી ટીકા કરી રહ્યું છે તો એ તરફ જરા નજર કરો તો સારું. પણ અત્યારના શાસક પક્ષમાં એકથી એક હીરામોતી છે એટલે બી.જે.પી.ના વિદેશનીતિના સેલના પ્રમુખ વિજય ચોથાઈવાલાએ બોઝોસને જાહેરમાં કહ્યું કે વોશિંગ્ટન પોસ્ટના સંપાદકને કહો કે તે તેમની ભારત સરકાર પરત્વેની નીતિ બદલે અને ટીકા કરતું બંધ થાય. તેમના જ શબ્દોમાં : “ભારત સરકારનું મન જીતવાના પ્રયત્નો કરવાની જગ્યાએ તમે (બેઝોસ) તમારા ‘વૉશિંગ્ટન પોસ્ટ’ના કર્મચારીઓને સમજાવી દો, અન્યથા ભારત સરકારનું મન જીતવાનો પ્રયાસ વ્યર્થ નીવડવાનો છે.”

આખરે મરદ મૂછાળા રાષ્ટ્રવાદીઓ ને! ઝાલ્યા રહે એ બીજા. એકથી એક ચડે એવા છે. ખબર નહીં આવા બત્રીસલક્ષણા અત્યાર સુધી કેમ ઢંકાયેલા રહ્યા! આ વિજય ચોથાઈવાલા કોણ છે એ જાણવા માટે ગૂગલ કરી જુઓ. તેમના નામે કોઈ સિદ્ધિ નોંધાયેલી જાણવા મળે તો મને કહેજો. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના ઉપકુલપતિ અને નીતિ આયોગના ઉપાધ્યક્ષ વિષે ગૂગલ કરી જુઓ. એક જમાનામાં જેને હસી કાઢવામાં આવતા હતા એવા કાલી કાલી વાતો કરનારા મોટા મોટા પદો પર બેઠા છે. તો આ ભાઈને એટલું પણ ભાન નહોતું કે આવી વાતો જાહેરમાં કરવાની ન હોય. બેઝોસને સાનમાં સમજાવી શકાતા હતા. કદાચ સમજાવ્યા પણ હશે અને ધાર્યું પરિણામ નહીં મળતા તેઓ જાહેરમાં બોલ્યા હોય એવું બને.

તેમને એટલી અક્કલ નથી કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આબરૂ માનનીય શ્રી ચોથાઈવાલા અને પીયૂષ ગોયલના કારણે વધુ ખરડાઈ છે. વિજય ચોથાઈવાલાને જવાબ આપતા વોશિંગ્ટન પોસ્ટના સંપાદકે શું કહ્યું એ વાંચો : “અમારા અખબારના માલિક અમારે કેવી સંપાદકીય નીતિ અપનાવવી એની કોઈ સલાહ આપતા નથી. અમારા માલિક પોતાના ધંધા માટે અખબારનો ઉપયોગ કરતા નથી. સ્વતંત્ર પત્રકારત્વ એટલે સરકારની જીહજૂરી નથી થતો. અમારા રિપોર્ટરો અને કટાર લેખકો ભારતીય લોકતાંત્રિક પરંપરાનું નિર્વહન કરે છે.” બોલો શું કાંદો કાઢ્યો? નાક કાપીને હાથમાં આપી દીધું.

આ ચોથાઈવાલા સાહેબ વિદેશ વ્યવહાર ખાતાના સેલના અધ્યક્ષ છે, પણ તેમણે દુનિયા જોઈ હોય એમ લાગતું નથી. તેઓ પશ્ચિમ યુરોપ અને અમેરિકન પત્રકારત્વના ધોરણોથી પરિચિત લાગતા નથી. ક્યાંથી હોય, બાળપણથી વાંચવાની આદત જ ન હોય તો આ બધું ક્યાંથી સમજાય! તેમને બિચારાને એમ કે ભારતના ઉદ્યોગપતિઓની માલિકીની ચેનલ અને અખબારો જે રીતે ભાટાઈ કરે છે અને પડ્યો બોલ ઝીલે છે એમ અમેરિકાના અખબારો પણ કરશે. તેમને એ વાતની પણ જાણ નથી કે જેફ બોઝોસ પોતાની તાકાતથી સફળ નીવડ્યા છે, શાસકોની આંગળી પકડીને તેમની મહેરબાનીથી અબજોપતિ નથી થયા. જેવી શ્વાનવૃત્તિ ભારતમાં છે એવી અમેરિકામાં નથી. શાસકો, ઉદ્યોગપતિઓ, પત્રકારો અને બાવાઓનો બીકાઉ ચતુષ્કોણ ભારતમાં રચાયો છે એ હજુ યુરોપ અને અમેરિકામાં રચાયો નથી. આગળ શું થશે એ તો ભગવાન જાણે. આમ પણ ભારત વિશ્વગુરુ બનવાના મનોરથ સેવી રહ્યું છે.

તો વિજય ચોથાઈવાલાને એમ થયું કે જેફ બેઝોસ સાથે પણ ચોથાઈનો સંબંધ બાંધી શકાશે જે રીતે પેશ્વાઓ જીતેલા પ્રદેશો સાથે ચોથાઈનો સંબંધ બાંધતા હતા અને અત્યારે ભારતના ઉદ્યોગપતિઓ સાથે ચોથાઈનો સંબંધ જોવા મળી રહ્યો છે. આવું તેઓ માનતા હોય તો કાંઈ વાંધો નહીં, અરજ માત્ર એટલી જ છે કે દેશી-પરદેશી જોયા વિના જાહેરમાં ધમકાવવાનું અને ઈશારા કરવાનું બંધ કરે. ગોઠણની બુદ્ધિ ગોઠણમાં જ શોભે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 23  જાન્યુઆરી 2020

Loading

માણસવાદી લેખક શ્રીકાન્ત શાહને શ્રદ્ધાંજલિ

સુમન શાહ|Opinion - Opinion|23 January 2020

શ્રીકાન્ત શાહના અવસાનના સમાચાર જાણીને મારાં રૂંવાં ખડાં થઈ ગયાં. મને બહુ જ ગમતા મારા થોડા મિત્રોમાંના એક હતા. એમના વાર્તાસંગ્રહ ‘એક હતો – હું’-ના લોકાર્પણ સમારોહમાં મેં એમની વાર્તાઓ વિશે વક્તવ્ય કરેલું ત્યારનો એ આખો પ્રસંગ યાદ આવી ગયો. ૧૯૭૬માં એમની નવલકથા ‘અસ્તી’ પ્રગટી અને ૧૯૭૧માં મેં એને વિશે લખ્યું – જે મારા ‘ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો’ સમીક્ષા-ગ્રન્થમાં સંઘરાયું છે. એ વક્તવ્યમાં કહેલી કેટલીક વાતો પુન:પ્રકાશિત કરીને હું એમને શ્રદ્ધાંજલિ આપું છું.

મારાથી મોટા છતાં હું એમને ‘તું’-કારી શકતો. એટલું મોટું અને એટલું ખુલ્લું એમનું દિલ હતું. તેમ છતાં, શ્રીકાન્ત શાહ મારા માટે એક માણસ હતો છે અને હશે. એ એવો માણસ જેને માણસની વાતમાં, માણસની જ વાતમાં, રસ. આ બાબતનો લેખકના શીલ પરત્વે – રાઈટરલિ કૅરેક્ટર પરત્વે – ખૂબ મહિમા છે. સાહિત્યનું લેખન માણસ માટે હોય છે એ ખરું, પણ તે માણસે લખેલું હોવું જોઈએ. આપણે ત્યાં કે ગમે ત્યાં સમાજસુધારક વ્યક્તિ સાહિત્ય લખે, સભ્યતાનું હિત ચિન્તવનારો અધ્યાપક લખે, ધર્મ અને સંસ્કૃિતનો પક્ષકાર લખે, કે રાજકાજની તરફદારી કે સિફારસ કરનારો કોઈ સરકારી લેખક લખે, ત્યારે સાહિત્ય બનાવટ બની જાય છે – એક અસત્ પ્રવૃત્તિ. ત્યારે સાહિત્ય અમસ્તુ કાલયાપન બની રહે છે. ‘એક હતો – હું’-ની વાર્તાઓ; એ પહેલાં ‘અસ્તી’ અને ‘ત્રીજો માણસ’ નવલકથાઓ, ‘એક શ્રીકાન્ત શાહ’ ‘એક માણસનું નગર’ અને ‘અન્યથા’ કાવ્યસંગ્રહોમાં કાવ્યો, અને આઠ-નવ સંગ્રહો ભરીને નાટકો શ્રીકાન્તે માણસ થઈને, માણસ હોઇને લખ્યાં છે. પોતાનાં સર્જનોમાં સતત એ માણસને શોધે છે અને નિરૂપે છે. અને એમ કરીને માણસપણાનો તાગ મેળવવા કરે છે. જાણે શ્રીકાન્ત શાહ માણસવાદી લેખક છે.

એમને માણસવાદી કહેવાનો અર્થ એ કે માણસને તેઓ જેવો હોય તેવો બતાવે છે : એ જે કંઇ જીવે છે તે બતાવે છે. શ્રીકાન્તને સમાજ કે પ્રજાને સુધારવાના અભરખા નથી. તેથી પોતાનાં પાત્રોને તેઓ સંસ્કૃતિ સભ્યતા ધરમકરમ વગેરેના વાઘા ચડાવીને રજૂ નથી કરતા. એ પાત્રો ગુજરાતી હિન્દુ મધ્યમવર્ગીય કે શ્રીમન્ત હોઈ શકે છે. પરન્તુ એ આવરણોની નીચે, એ બધાં શું છે ને એમનાં જીવન કેટલાં તો નિ:સામાન્ય છે તેની આપણને તાબડતોબ જાણ થઈ જાય છે. આવરણ નીચેના માણસને ઓળખી પાડવો, એ ઓળખને વાચક ઓળખતો થઈ જાય એવો કલા-કીમિયો કરવો, તે શ્રીકાન્તનો લેખન-કીમિયો છે.

એ ઓળખ કઈ? મૂળે તો અસ્તિત્વગૂંચની ઓળખ. અલબત્ત, એમના નાયકો સંવેદનપટુ અને વિચારવન્ત હોય છે, બૌદ્ધિક લાગે – ઇન્ટેલૅક્ચ્યુઅલ; પણ બીજી જ પળે ઇડિયટ પણ લાગે. કેમ કે એઓ એ ગૂંચમાં ફસાયાં હોય. પાત્રો પૂરાંશૂરાં પણ કમજોર, વીક, વિનીત, રાંક, મીક. મનુષ્યસહજ જીવન જીવતાં એ પાત્રોથી વાચકને કરુણ રમૂજ મળે છે, પણ તુર્ત જ અનુકમ્પા થાય છે.

એક વાર્તા છે, ‘કન્વેયર બેલ્ટ પરનો માણસ’. ૧૮ પાનની આ રચના નટવરલાલની જીવનકહાણી છે. જીવનમાં એણે પોતે જ તાકેલા સ્વ-ના રૂપાન્તરણની, પોતે જ ઊભા કરેલા મહા પરિવર્તનની કશા છે. એક દુ:ખદ-સુખદ ઊથલપાથલની વારતા.

નટવરલાલની જિન્દગી સામાન્ય કોલાહલોથી ખીચોખીચ ભરેલી જિન્દગી છે. સામાન્ય દિવસ, સામાન્ય બપોર, સામાન્ય રાત. એવા નટવરલાલના દેહને લેખકે અ-સામાન્ય દર્શાવ્યો છે : એમનો દેહ સામાન્યથી ૩ ફીટ ઊંચો છે. એને ત્રણ આંખો છે. હાથપગમાં ૫-ને બદલે ૭-૭ આંગળીઓ છે. કપાળ કહી શકાય એવો પ્રદેશ છે જ નહીં, કેમ કે આંખની પીળા રંગની ભમ્મરથી જ માથાના વાળ શરૂ થાય છે.

હવે, આવા નટવરલાલને છેલ્લા કેટલાક દિવસથી જુદું થવા માંડ્યું છે. એમ કે પોતે જે જિવન જીવે છે એ બરાબર નથી. એટલે, જીવનમાં અનેક બાબતો અપનાવવાનો, જુદી જુદી સંખ્યાબંધ વસ્તુઓ કરવાનો, નિર્ણ લે છે. નિર્ણય અનુસાર તેઓશ્રીએ શું શું કરવા માંડ્યું તેની વાત લેખકે વિસ્તારથી કરી છે. ‘૩-૩ ભૂંડી ગાળ બોલવા માંડ્યા’-થી માંડીને ‘સવારના ઊઠી ફરવા જવું, પ્રાણાયામ કરવા, નાકથી પાણી પીવું, અને મૉઢેથી ૩ ગ્લાસ … નરણે કોઠે … પાણી ગટગટાવવાનું શરૂ કર્યું’ – ત્યાં લગીની ઓછામાં ઓછી ૭૭ ક્રિયાઓ અને બાબતોની લેખકે લાંબી યાદી આપી છે. છેવટે, નટવરલાલ બિલકુલ બીજાઓ જેવા બની જાય છે. એથી એમને ખાસ આનન્દ નથી થતો. ઊલટું થાય છે – આત્મભાન જાગે છે : હું નટવરલાલ નથી રહ્યો, સમૂહમાંનો બની ગયો છું. તો હવે શું કરવું? જાતને ફરીથી તૈયાર કરવા લાગ્યા : સમૂહને ભૂલી જાઓ ! એમાનાં કોઈ એક જેવા બની જાઓ ! અનુકૂળ આવે એવા કોઇ એક માફકસરનાને ખૉલી કાઢો – રમણીકલાલ કે રમાકાન્ત જેવાને. નટવરલાલને યોગ્ય નીવડે એવા માણસનાં ૩૦ જેટલાં લક્ષણોની પણ આ માણસવાદી લેખકે યાદી આપી છે. છતાં કોઈ મળતું નથી. છેલ્લે એક દિવસ નટવરલાલને નટવરલાલ જેવો જ એક મળી જાય છે — જેને હોય છે ૨ આંખ, હાથપગમાં ૫-૫ આંગળીઓ, કપાળ ખરું, સામાન્ય ઊંચાઈ, અને પગ જેવા પગ …

શ્રીકાન્ત શાહની આ વાર્તાસૃષ્ટિ ઉપરાન્તની નાટ્ય અને કાવ્યસૃષ્ટિઓ વિ-લક્ષણ છે. અનોખી સંવેદનપટુતા ધરાવતી વ્યક્તિ જ એનું વાચન-ભાવન અને મૂલ્યાંકન કરી શકશે. શ્રીકાન્તની એ સર્જકતા અનેક સર્જકો માતે પ્રેરણ બની શકે એવું સામર્થ્ય ધરાવે છે, ભલે એ સામર્થ્ય સાધકબાધકચર્ચાને અધીન હોય. ગુજરાતી ભાષા-સાહિત્ય વળી એવા સર્જકજન વગરનું થયું. પ્રભુ સદ્ગતના આત્માને શાન્તિ અર્પો.

= = =

(23 જાન્યુઆરી 2020; India)

Loading

એંગ્લો ઈન્ડિયનનું ખાસ પ્રતિનિધિત્વ ખતમ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|22 January 2020

સંસદના શીતકાલીન સત્રમાં અનુસૂચિત જાતિ અને જનજાતિની રાજકીય અનામતોને વધુ દસ વરસ લંબાવવાનો બંધારણ સુધારો પસાર કરવામાં આવ્યો છે. ભારતીય બંધારણના આર્ટિકલ ૩૩૪(એ)માં દલિતો-આદિવાસીઓ માટે લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં અનામત બેઠકોની જોગવાઈ કરવામાં આવી છે જ્યારે આર્ટિકલ ૩૩૪(બી)માં એંગ્લો ઈન્ડિયનનું વિધાનગૃહોમાં રાજકીય પ્રતિનિધિત્વ ન હોય તો લોકસભામાં બે અને તેર રાજ્યોની વિધાનસભામાં પ્રત્યેકમાં એકએક એંગ્લો ઈન્ડિયન સભ્યની નિયુક્તિની જોગવાઈ કરવામાં આવી છે. આ જોગવાઈની દર દસ વરસે સમીક્ષા કરવાની હોય છે. આ ખાસ જોગવાઈની મુદ્દત ૨૫મી જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ સમાપ્ત થતી હોઈ સંસદે ૧૨૬મા બંધારણ સુધારા દ્વારા તાજેતરમાં અનુસૂચિત જાતિ જનજાતિની અનામતોને જીવતદાન આપ્યું છે, પરંતુ એંગ્લો ઈન્ડિયન માટેની ખાસ જોગવાઈઓ લંબાવી નથી. એથી હવે એંગ્લો ઈન્ડિયનને ખાસ પ્રતિનિધિત્વ આપતી બંધારણીય બાંયધરી ખતમ થઈ ગઈ છે.

સત્તરમી સદીમાં ઈસ્ટ ઈન્ડિયા કંપની વેપાર અર્થે ભારતમાં આવી હતી. ત્યારબાદ એ સમયના નબળા રાજવટને કારણે બ્રિટિશ શાસન સ્થપાયું. તેણે ભારતમાં ખાસ્સાં બસો વરસ રાજ કર્યું હતું. અનેક બ્રિટિશ સૈન્ય અને વહીવટી અધિકારીઓ પણ ભારતમાં આવ્યા હતા. ભારતના દ્યોગિકીકરણ અને આધુનિકીકરણનો પાયો બ્રિટિશ અમલમાં નખાયો હતો. રેલવેલાઈન અને ટેલિફેન લાઈન નાખવા જે અનેક યુરોપિયનો ભારતમાં આવ્યા તેઓ અહીં લાંબો સમય રહ્યા. તેમનાં કુટુંબો યુરોપમાં હોઈ તેમણે અહીં જ ભારતીય સ્ત્રીઓ સાથે લગ્નો કર્યાં, બાળકો થયાં અને તેઓ ભારતમાં જ સ્થાયી થઈ ગયા. તત્કાલીન બ્રિટિશ સરકારે ભારતીય સ્ત્રીઓ સાથેનાં તેમનાં લગ્નોને પ્રોત્સાહન આપ્યું હતું (જો કે ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પછી તેના પર પ્રતિબંધ પણ મૂક્યો હતો). આવા યુરોપિયન પુરુષ અને ભારતીય સ્ત્રીનાં સંતાનો એંગ્લો ઈન્ડિયન તરીકે ઓળખાયા. યુરોપિયન પુરુષો બહુધા ભારતીય રેલવેમાં કાર્યરત હોઈ તેમને ‘રેલવે ચિલ્ડ્રન’ પણ કહેવામાં આવતાં હતાં.

૧૯૩૫ના હિંદ સ્વાતંત્ર્ય ધારા અને બંધારણના અનુચ્છેદ ૩૬૬(૨)માં જણાવ્યા મુજબ એંગ્લો ઈન્ડિયન એટલે એવી વ્યક્તિ જે ભારતમાં રહે છે પણ તેના પિતા કે પુરુષ પૂર્વજ યુરોપિયન હતા. આંગ્લ ભારતીય ભારતમાં બ્રિટિશરાજની નિશાની છે. તેઓ રંગેરૂપે ભારતીય કરતાં યુરોપિયન વધુ લાગે છે. ભાષા, પહેરવેશ, રીતરિવાજ અને ધર્મ પણ વિદેશી છે. તેમણે ભારતની આઝાદીની ચળવળમાં ભાગ લીધો નથી. સાઈમન કમિશને તેમને બ્રિટનમાં વસાવવાની માંગ સ્વીકારી નહોતી. એટલે તેઓ બ્રિટનના ઉપેક્ષિતો છે. ૧૯૪૭માં ભારત આઝાદ થયું તે પૂર્વે ઘણાં એંગ્લો ઈન્ડિયન લોકો બ્રિટન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ અને બીજા કોમનવેલ્થ દેશોમાં જઈ વસ્યા. છતાં આશરે ૫ લાખ એંગ્લો ઈન્ડિયન આઝાદી સમયે ભારતમાં હતા. ધીરેધીરે તેઓ ભારતની સ્થાનિક ભાષા, રીતરિવાજ, રહેણીકરણી અને ધંધા-રોજગાર અપનાવતા થયા હતા. ૧૮૭૬માં તેમણે ‘ધ ઓલ ઈન્ડિયા એંગ્લો ઈન્ડિયન એસોસિયેશન’ નામક સંગઠન બનાવ્યું હતું. મધ્યપ્રદેશના જબલપુરમાં પેદા થયેલા ફ્રેન્ક એન્થોની તેના સ્થાપક હતા. તેઓ બંધારણસભાના પણ સભ્ય હતા એટલે તેમણે બંધારણમાં એંગ્લો ઈન્ડિયનના અધિકારો સામેલ કરાવ્યા. સંવિધાનના અનુચ્છેદ ૩૩૧ મુજબ ભારતના રાષ્ટ્રપ્રમુખ લોકસભામાં બે અને તેર રાજ્યોની વિધાનસભાઓમાં એકએક સભ્યની નિયુક્તિ કરશે તેમ નક્કી કરવામાં આવ્યું હતું. ભારતની લોકસભામાં ૧૯૫૧થી જ એંગ્લો ઈન્ડિયન સભ્યોની નિયુક્તિ થતી રહી છે. સૌથી વધુ આઠ વખત (૧૯૫૧થી ૧૯૯૩માં અવસાન સુધી) ફ્રેન્ક એન્થોનીની લોકસભાના સભ્ય તરીકે નિયુક્તિ થઈ છે.

છેલ્લાં ૭૦ વરસોની સોળ લોકસભામાં ૩૩ એંગ્લો ઈન્ડિયન સભ્યો નિયુક્તિ પામ્યા છે, પરંતુ આ વિશેષ સુવિધા કે ખાસ રાજકીય પ્રતિનિધિત્વ હવે બે દિવસ પછી સમાપ્ત થઈ જશે.

એંગ્લો ઈન્ડિયનની નિયુક્તિની જોગવાઈ ન લંબાવવાના કારણમાં વર્તમાન સરકારે લોકસભામાં જણાવ્યું છે કે ૨૦૧૧ની વસતીગણતરી પ્રમાણે દેશમાં માત્ર ૨૯૬ જ એંગ્લો ઈન્ડિયન છે. એટલે તેમને ખાસ પ્રતિનિધિત્વ આપવાની જરૂર નથી. જો કે લોકસભાના ઘણા સભ્યોએ ભારતમાં એંગ્લો ઈન્ડિયનની વસતી આટલી ઓછી હોવાની સરકારની વાત સ્વીકારી નથી. જૂન ૨૦૧૯થી લોકસભામાં કોઈ એંગ્લો ઈન્ડિયનની નિયુક્તિ થઈ નથી. હાલની સરકારે તેની પહેલી મુદ્દતમાં જોર્જ બેકર અને રિચર્ડ હે નામક બે આંગ્લ ભારતીયોની લોકસભાના સભ્ય તરીકે નિયુક્તિ કરી હતી. જે કદાચ લોકસભાના છેલ્લા નિયુક્ત આંગ્લ ભારતીય સદસ્ય બની રહેશે. નિયુક્ત એંગ્લો ઈન્ડિયન સભ્યને રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં મતના અધિકાર સિવાયના તમામ અધિકારો અને લાભ મળે છે. અલ્પમતની સરકારો તેમની બહુમતી માટે એંગ્લો ઈન્ડિયન સભ્યોની નિયુક્તિ કરતી હોવાના પણ દાખલા નોંધાયા છે. કોંગ્રેસના વડાપ્રધાન પી.વી. નરસિંહ રાવ પાસે લોકસભામાં બહુમતી નહોતી ત્યારે તેમણે આંગ્લ ભારતીય સભ્યોની નિયુક્તિ કરીને આ ખોટ પૂરી કરી હતી. હજુ ગયા વરસે જ કર્ણાટકમાં બી.જે.પી.ની યેદિયુરપ્પા સરકાર પાસે વિશ્વાસ મત જીતવા જેટલા ધારાસભ્યો નહોતા ત્યારે તેણે પણ એક આંગ્લ ભારતીય સભ્યની નિયુક્તિ કરીને સંખ્યાબળ વધારવાનો પ્રયાસ કર્યો હતો. જેના પર સુપ્રીમ કોર્ટે લગામ લગાવી હતી.

આંગ્લ ભારતીયોની વિધાનગૃહોમાં નિયુક્તિથી તેમના સવાલો સરકાર, વહીવટીતંત્ર અને સમાજ સમક્ષ તો ઉજાગર થયા જ છે. તેમણે જેમ ભારતની મુખ્ય ધારામાં ભળવાનો પ્રયત્ન કર્યો છે તેમ વ્યાપક ભારતીય હિતના પ્રશ્નો પણ ઉઠાવ્યા છે. ફ્રેંક એન્થોનીને ઉપરાષ્ટ્ર પ્રમુખ કે પંજાબના રાજ્યપાલના પદની ઓફર થઈ હતી પરંતુ તેમણે આંગ્લ ભારતીય પ્રતિનિધિ બનીને તેમના શિક્ષણ, રોજગાર, આરોગ્ય અને પ્રતિનિધિત્વના સવાલો પર પોતાને મર્યાદિત રાખવાનું યોગ્ય માન્યું હતું. તો ઘણાં રાજ્યોમાં નિયુક્ત થયેલા એંગ્લો ઈન્ડિયન વિધાનસભ્યોની નિષ્ક્રિયતા પણ નોંધાઈ છે. આઝાદીનાં બોંતેર વરસો પછી, આંગ્લ ભારતીય મતદારો એક જથ્થે દેશમાં ક્યાં વસતા ન હોવા છતાં તૃણમૂલ કોંગ્રેસના ડેરેક ઓ બ્રાયન લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા છે તે મહત્ત્વની સિદ્ધિ છે.

આંગ્લ ભારતીયોની વસતીગણતરીમાં કોઈ અલગ નોંધણી ૧૯૭૧ પછી થતી નથી. એટલે તેમની ખરેખર કેટલી વસતી દેશમાં છે તેનો તાગ મેળવવો અઘરો છે. જેમણે ધર્મ કે જાતિના ખાનામાં આંગ્લ ભારતીય લખાવ્યું હોય તે જ સરકારી ચોપડે બોલે છે અને તેને આધાર માની સરકારે તેમને મળતું વિશેષ પ્રતિનિધિત્વ ખતમ કર્યું છે. ધાર્મિક સતામણીનો ભોગ બનેલા ત્રણ ઈસ્લામિક દેશોના લઘુમતી નાગરિકોને ભારતની નાગરિકતા આપવાનો કાયદો ચર્ચા અને વિવાદમાં છે ત્યારે બંધારણના ઘડવૈયાઓએ ભારતીય નાગરિક એવા લઘુમતી આંગ્લ ભારતીયોને આપેલું સંસદીય પ્રતિનિધિત્વ સમાપ્ત થઈ ગયું છે. તે ભારતીય લોકશાહીની બલિહારી છે.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 22 જાન્યુઆરી 2020 

Loading

...102030...2,6002,6012,6022,603...2,6102,6202,630...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved