Opinion Magazine
Number of visits: 9683775
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

૧૮૫૭નો બળવો ન થાત તો બધાં રજવાડાં ખતમ થઈ જાત!

રમેશ ઓઝા|Opinion - Opinion|26 January 2020

૧૭૫૭ની પ્લાસીની લડાઈ, ૧૭૬૪ની બક્સરની લડાઈ એવી નાનીમોટી ૧૧૧ લડાઈ લડીને અંગ્રેજોએ ભારતનો કબજો કર્યો હતો. ભારતીય શાસકો સાથે અંગ્રેજોએ વિશ્વાસઘાત કર્યો હતો અને ભારતીય શાસકોએ એકબીજા સાથે પણ વિશ્વાસઘાત કર્યા હતા. આમ આવડા મોટા દેશ પર કબજો કરવામાં અંગ્રેજોને કોઈ મોટી અડચણ નહોતી આવી. આમ છતાં હજુ મોટી સંખ્યામાં ભારતીય રાજ્યો બચ્યાં હતાં એનું શું કરવું એ પ્રશ્ન તો હતો જ. અંગ્રેજોએ વિચાર્યું કે ઉપરાઉપર લડાઈઓ કરવા કરતાં ભારતીય શાસકોને જ અંગ્રેજોના ગુલામ શા માટે ન બનાવવા? આમ પણ ભારતના રાજા-મહારાજો અને નવાબો પાસે વિકલ્પ પણ શો છે?

૧૭૮૯માં લોર્ડ માર્ક્વિસ વેલ્સલી કંપની સરકારના ભારતના ગવર્નર તરીકે કલકતામાં આવ્યો. તેણે બીજી ઓકટોબર ૧૮૦૦ની સાલમાં પોતાના મિત્રને લખ્યું હતું કે “તે કંપની બહાદુરના ચરણોમાં બાદશાહતોનો અને મહેસૂલી આવકનો ઢગલો કરી આપશે તે ત્યાં સુધી કે મારા માલિકો ધનથી ઓકરી જાય.”

આ ફરક હતો અંગ્રેજોમાં અને યુરોપિયનો ભારતમાં આવ્યા એ પહેલાનાં શાસકોમાં. શું કર્યું લોર્ડ વેલ્સલીએ? તેણે એક પછી એક ભારતીય રાજાઓ સાથે ‘સબ્સિડિયરી એલાયન્સ’ની સંધીઓ કરવા માંડી. સંધી એવી હતી કે હવે પછી કોઈ રિયાસતે પોતાનું લશ્કર રાખવાની જરૂર નથી. કંપની સરકારે કંપની દ્વારા રક્ષિત થનાર દરેક રિયાસતને બાંયધરી આપી હતી કે જો તમારા પર કોઈ આક્રમણ કરશે તો કંપની સરકાર તમારું રક્ષણ કરશે. આની સામે તમારે કંપનીને દર વરસે ઠરાવેલી રકમ આપવાની. જોતજોતામાં મોટા ભાગના રાજા-મહારાજાઓ અને નવાબોએ રાજી રાજી થઈને કંપની બહાદુર દ્વારા રક્ષિતનું બિરુદ મેળવી લીધું હતું. જે શાસકો નહોતા માન્યા અને આડા ચાલ્યા હતા તેના પર ચડાઈ કરીને તેને ખતમ કરી દેવામાં આવ્યા હતા. એક તો લશ્કર આંચકી લઈને દરેક રાજવીની ખસી કરી નાખી અને ઉપરથી તેમના પર આર્થિક જવાબદારી નાખી એટલે પ્રજા પાસેથી આકરું મહેસૂલ ઉઘરાવીને બદનામ રાજાઓ થાય અને ગજવા અંગ્રેજોનાં ભરાય.

વેલ્સલીએ હાથમાં શસ્ત્ર પણ ઉઠાવ્યા વિના મિત્રને કહેલી વાત સિદ્ધ કરી આપી હતી. આની સામે ભારતના રાજા-મહારાજાઓને બોલતાં મોઢું ભરાઈ જાય એવા ભારે ભરખમ ટાઈટલ આપ્યા હતા અને રિયાસતની સાઈઝ મુજબ તોપોની સલામી આપી હતી. ૨૧, ૧૧, ૯ તોપોની સલામી વગેરે. રાજાઓ તો એટલા પોરસાતા હતા એટલા પોરસાતા હતા કે જેની કોઈ સીમા નહોતી. કાંડા કાપી આપવાની વેદના પણ તેમણે નહોતી અનુભવી. આનું નામ ભારતીય માનસ.

લોર્ડ વેલ્સલી પહેલાં લોર્ડ કોર્નવોલિસ ભારતનો ગવર્નર હતો અને તેણે ખેડૂતોને કાયમી પટ્ટે  જમીન ખેડવા આપવાની અને તેની સામે વિઘોટી ઉઘરાવનારી જમીનદારી દાખલ કરી હતી. અમુક હજાર એકર જમીન જમીનદારને આપી દેવાની અને તેની સામે તે કંપની સરકારને નક્કી કરેલી રકમ આપે. જમીનદાર તેને આપવામાં આવેલી જમીન ખેડૂતોને વાવવા આપે અને ઠરાવેલી વિઘોટી ઉઘરાવે, પછી વરસ ગમે તેવું ગયું હોય. રાજાઓની માફક જમીનદારો ભલે બદનામ થાય. આમીર ખાનની ‘લગાન’ ફિલ્મ જોઈ હશે. ‘લગાન’ ફિલ્મનો જમીનદાર તો સંવેદનશીલ હતો, બાકી મોટા ભાગના રાજાઓ અને જમીનદારો અંગ્રેજોને વહાલા થવા પ્રજા પર સિતમ ગુજારતા હતા. ભારતમાં જે ઉપરાઉપર દુકાળ (ફેમીન) પડવા લાગ્યા એનું કારણ કમકમાં આવે એવું શોષણ હતું.

૧૮૪૮માં લોર્ડ ડેલ્હૌઝી ગવર્નર તરીકે આવ્યો હતો. તેની નીતિ એવી કે વધુમાં વધુ પ્રદેશ સીધા જ બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ બનવો જોઈએ એટલે તેણે ખાલસાની નીતિ અપનાવી હતી. જે રાજવીને સીધો પુરુષ વારસ ન હોય તેને વારસ દત્તક નહીં લેવા દેવો અને રિયાસત ખાલસા કરી નાખવી. આ ઉપરાંત કેટલાક રાજા-મહારાજાઓ પર રાજ કરતાં આવડતું નથી, એવા આરોપ મૂકીને તેમની રિયાસતો અને જાગીરો ખાલસા કરી નાખી હતી. અવધના બાદશાહ વાજીદઅલી શાહનું રાજ્ય આ રીતે આંચકી લેવામાં આવ્યું હતું. સત્યજીત રાયની હિન્દી ફિલ્મ ‘શતરંજ કે ખિલાડી’ જોશો તો લોર્ડ ડેલ્હૌસીની નીતિ કેવી હતી એનો ખ્યાલ આવશે. જો ૧૮૫૭નો બળવો ન થયો હોત તો બધાં જ રજવાડા ખતમ થઈ ગયાં હોત અને આખું ભારત બ્રિટિશ ભારત બની ગયું હોત. હકીકતમાં ૧૮૫૭માં બળવો થવા માટેનાં કેટલાંક કારણોમાં એક મુખ્ય કારણ લોર્ડ ડેલ્હૌઝીની રિયાસતો ખાલસા કરવાની ઉતાવળ હતું.

ખેર, ૧૭૫૭માં પ્લાસીની લડાઈ પછીથી ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યનો પાયો રોપાય છે અને ૧૮૦૦ની સાલ બેસતા સુધીમાં તેનો પાયો મજબૂત થઈ ગયો હતો તે ત્યાં સુધી કે ૧૮૦૦ની સાલમાં લોર્ડ વેલ્સલીએ તેના મિત્રને શેખી મારતાં લખ્યું હતું કે “તે કંપની બહાદુરના ચરણોમાં બાદશાહતોનો અને મહેસૂલી આવકનો ઢગલો કરી આપશે તે ત્યાં સુધી કે મારા માલિકો ધનથી ઓકરી જાય.”

ઇસ્ટ ઇન્ડિયા કંપનીના માલિકો જલદી ઓકરે એવા નહોતા. તેમણે શોષણને અને લૂંટને સંસ્થાકીય સ્વરૂપ આપ્યું હતું કે જેથી આવનારી અનેક પેઢીઓ સુધી કંપનીના શેરહોલ્ડરો કમાઈ શકે. માટે ભારતને સંસ્થાન તરીકે ઓળખવામાં આવે છે અને પેઢી દર પેઢી લૂંટવાની વ્યવસ્થાને સંસ્થાનવાદ તરીકે ઓળખવામાં આવે છે. શોષણ અને લૂંટનું સંસ્થાકીય સ્વરૂપ જગતે પહેલી વાર જોયું અને અનુભવ્યું હતું.

ભારત પર પકડ મજબૂત બનાવ્યા પછી અંગ્રેજોએ ચાર બાબત વિષે નિર્ણય લેવાનો હતો.

૧. ધર્મ. ભારતમાં અનેક ધર્મોમાં માનનારી પ્રજા વસે છે અને અંગ્રેજોનો ધર્મ ઈસાઈ હતો. તેમણે એ પણ જોયું હતું કે ભારતની પ્રજા ધર્મવૈવિધ્ય હોવા છતાં એકંદરે સંપીને રહે છે અને વચ્ચે વચ્ચે ધર્મને નામે ઝઘડે પણ છે. આ જોતાં બ્રિટિશ શાસકોએ ધર્મની બાબતમાં કેવો અભિગમ અપનાવવો એ સવાલ હતો.

૨. ભાષા અને શિક્ષણ. ભારતમાં સેંકડો ભાષાઓ બોલાય છે જેમાંની કેટલીક વિકસિત છે. તેમાં ઘણું સાહિત્ય લખાયું છે અને ભારતનાં બાળકો પોતપોતની ભાષામાં ભણે છે. એ શાળાઓનું સ્વરૂપ અંગ્રેજોએ જેવું પોતાને ત્યાં જોયું હતું એના કરતાં જુદું હતું. મહેતાઓની શાળાઓ હતી જેમાં માત્ર હિંદુ સવર્ણ વર્ગના છોકરાઓ ભણતા હતા અને એમાં પણ છોકરીઓને ભણવાની છૂટ નહોતી. બહુજન સમાજ માટે તો શાળાના દરવાજા બંધ હતા. સૈયદ કે શેખ જેવા ભદ્ર વર્ગના મુસલમાન બાળકો મૌલવીઓના મદરસામાં ભણતા હતા અને ત્યાં પણ મુસ્લિમ બહુજન સમાજના બાળકોને અને દરેક વર્ગની સ્ત્રીઓને ભણાવવામાં નહોતી આવતી. આ ઉપરાંત મહેતાઓની શાળામાં અને મદરસાઓમાં જે શિક્ષણ આપવામાં આવતું હતું એ વધારે ધાર્મિક હતું, થોડું લખી-વાંચી શકે અને ગણતરી કરી શકે એવું વ્યવહારુ ખપ પૂરતું હતું. અંગ્રેજોની દૃષ્ટિએ એ કોઈ શિક્ષણ જ નહોતું.

૩. સામાજિક રીતિરિવાજ. કેટલાક રિવાજ પરંપરાગત હતા અને કેટલાક ધાર્મિક હતા. આમાંના કેટલાક રિવાજ માનવીયતાની એરણે ટકી શકે એવા નહોતા, પરંતુ ભારતીય પ્રજાને એ વાતની નહોતી કોઈ શરમ કે નહોતો રંજ. કોઈ ઊહાપોહ નહોતો. અંગ્રેજોને આ વાત પણ અટપટી અને અસ્વીકાર્ય લાગી હતી.

૪. ન્યાય વ્યવસ્થા. શાસક થયા તો ન્યાય તો તોળવો પડે. ખસી કરી નાખવામાં આવેલી રિયાસતો એક રીતે તેમને માફક આવતી હતી. ન્યાય તોળવાનું કામ રાજવીઓ પોતાની આવડત મુજબ અને પોતાને ત્યાંના સામાજિક-ધાર્મિક રીતિરિવાજ મુજબ કરતા હતા. અંધેર નગરી ને ગંડુ રાજા જેવો ન્યાય તોળાય તો ય આપણા બાપનું શું જાય. પણ જે પ્રદેશ સીધો અંગ્રેજોના કબજામાં હતો ત્યાં શું કરવું? ન્યાય તો તોળવો જ પડે. તો બ્રિટિશ ધારાધોરણો મુજબ તોળવો કે સ્થાનિક ધારાધોરણો મુજબ એ તેમની સામે સવાલ હતો.

તમને એક હકીકત જણાવીશ તો આશ્ચર્ય થશે. ઈ. સ. ૧૮૦૦ની સાલ પછી ભારતના દેશી શાસકોનું શું કરવું એ અંગ્રેજો માટે મોટી ચિંતાનો વિષય નહોતો, ઉપર કહ્યા એ ચાર પ્રશ્નોનું શું કરવું એ મોટી ચિંતાનો વિષય હતો. રિયાસતોની તો ખસી કરી નાખી હતી એટલે થોડા અપવાદ છોડીને કોઈ અવાજ ઉઠાવી શકે એમ નહોતું. આ ચાર પ્રશ્ને અંગ્રેજોએ કેવો અભિગમ અપનાવ્યો હતો તેની વાત હવે પછી.           

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 26 જાન્યુઆરી 2020

Loading

ચલ મન મુંબઈ નગરી — 28

દીપક મહેતા|Opinion - Opinion|26 January 2020

સિત્તેર વરસ પહેલાંનો એ દિવસ

ગળામાં ગીત હતું : વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા

હૈયામાં હામ હતી : વો સુબહ કભી તો આયેગી

ભગવાનદાસકાકાને એ દિવસ બરાબર યાદ છે. ૭૦ વર્ષ પહેલાંનો એ દિવસ. ૨૬મી જાન્યુઆરી, ૧૯૫૦. એ એક દિવસ જ નહિ, એ આખું અઠવાડિયું મુંબઈ હિલોળે ચડ્યું હતું. રેશનમાં દાણોપાણી લેવા માટેની લાંબી લાઈનો થોડા દિવસ માટે અલોપ થઈ ગઈ હતી. એને બદલે સાંજ પડ્યે કોટ વિસ્તારમાં જતી ટ્રામ અને બસનાં સ્ટોપ પર લાંબી લાઈનો લાગતી હતી. કારણ? કારણ કોટ વિસ્તારનાં કેટલાંયે મકાનો ૨૫, ૨૬ અને ૨૭મીની રાતે રોશનીથી ઝળહળવાનાં હતાં, પહેલી વાર. પણ જે માનવમેદની ઊમટી હતી તેને લઈ જવાનું એકલી ટ્રામ કે બસનું ગજું નહોતું. એટલે ખટારાઓ ભરી ભરીને લોકો એ રોશની જોવા જઈ રહ્યા હતા. ચાલના ભાડૂતો એક ખટારામાં ઠાંસી ઠાંસીને ભરાયા હતા. તો સુખી કુટુંબના બે-પાંચ પડોશીઓ પોતાને માટે અલગ ટ્રક ભાડે કરીને જતા હતા. તેમાં બેસવા માટે ગાદલાં પાથરેલાં હતાં, ખાવાપીવાની વાનગીઓ સાથે રાખી હતી. તો વળી કેટલાક લાઉડ સ્પીકર પર દેશભક્તિનાં ગીતો વગાડતા હતા. પોતાની પાસે જે સૌથી સારાં કપડાં હોય તે સૌએ પહેર્યાં હતાં. મુંબઈના રસ્તાઓ પર ફુગ્ગા, ફરફરિયાં, પિપૂડાં, કાગળના ઝંડા વેચનારા ફેરિયાઓ ઊમટી પડ્યા હતા. તેમની પાસેથી હઠ કરીને ખરીદેલાં પિપૂડાં બાળકો જોર જોરથી વગાડતાં હતાં. તો વળી કેટલાક ખટારામાં ભૂતકાળને યાદ કરીને આઝાદીની લડત દરમ્યાન ગવાતાં ગીતો બહેનો ગાતી હતી : ‘વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા.’ તો કેટલાયે લોકો પગપાળા રોશની જોવા અને પહેલો પ્રજાસત્તાક દિવસ ઉજવવા નીકળી પડ્યા હતા. તેમનાં ટોળેટોળાં ચર્ચ ગેટ અને વી.ટી. સ્ટેશનોની બહાર ઠલવાઈ રહ્યાં હતાં.

 

૧૯૪૭માં આઝાદી આવી ત્યારે પણ આનંદ તો હતો જ લોકોમાં, પણ ઉત્સાહ જરા મોળો પડી ગયો હતો. કારણ દેશના ભાગલા, તેને કારણે થયેલી સામૂહિક હિજરત, હિજરતીઓ ઉપર થયેલા અત્યાચાર, આઝાદીના ઉત્સવથી દૂર દૂર ગાંધીજીનું નોવાખલી જઈ રહેવું. વળી ઓગસ્ટ એટલે તો મુંબઈ માટે ભર ચોમાસાના દિવસો. પણ એનું સાટું પહેલા પ્રજાસત્તાક દિવસે લોકોએ જાણે વાળવાનું નક્કી કર્યું હતું. એ વખતે હજી ટ્યૂબ લાઈટ આવી નહોતી. ઘણા લોકોએ ઘરની બહાર સાદા કે રંગીન બલ્બનાં તોરણ બાંધ્યાં હતાં. કેટલાંયે ઘરોની બહાર ત્રિરંગો ફરકતો હતો. હજી પ્લાસ્ટિકનું ચલણ થયું નહોતું એટલે બાળકો કાગળના ઝંડા હાથમાં લઈને ફરતા હતા. આ વરસથી નિશાળોમાં દર વર્ષે એક નવી છુટ્ટી ઉમેરાશે એનો આનંદ હતો. ગિરગામ, કાલબાદેવીની બજારો, ઝવેરી બજાર, દાણા બજાર, લુહાર ચાલની ઇલેક્ટ્રિક સામાનની બજાર, બીજી નાની-મોટી બજારો વેપારીઓએ શણગારી હતી. કેટલીક બજારોના રસ્તા પર ફૂલનાં, કે વાંસની રંગીન ટોપલીઓનાં, કે તાંબા-પિત્તળનાં વાસણોનાં દરવાજા-કમાન ઊભાં કર્યાં હતાં. કેટલીયે દુકાનોની બહાર રંગોળી પૂરીને ગાંધીજી, નેહરુ, સરદાર, નેતાજી, જેવા દેશનેતાઓનાં ચિત્રો તૈયાર કર્યાં હતાં. રોશની જોવા આવનારાઓ માટે ઠેર ઠેર પીવાનાં પાણીની વ્યવસ્થા કરી હતી. કારણ પીવાનું પાણી પ્લાસ્ટિકની બાટલીઓમાં વેચાય એવી તો ત્યારે કોઈએ કલ્પના પણ કરી નહોતી.

મુંબઈ મ્યુનિસિપાલિટીનું વડું મથક, વિક્ટોરિયા ટર્મિનસ (આજનું છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ), ત્યાંથી ફ્લોરા ફાઉન્ટન સુધીનાં કેટલાંયે મકાનો, મ્યુઝિયમ, રાજાબાઈ ટાવર, ગેટવે ઓફ ઇન્ડિયા, અને બીજાં કેટલાંયે જાહેર અને ખાનગી મકાનો ત્રણ રાત રોશનીથી ઝળહળતાં હતાં. મુંબઈમાં આવું પહેલી વાર બન્યું હતું. પણ પહેલી રાતે – ૨૫મીની રાતે ગમ્મત થઈ. રોશની જોવા કેટલા લોકો આવશે, રાતના કેટલા વાગ્યા સુધી આવશે એની કોઈને ખબર નહોતી. એટલે નક્કી થયું કે જ્યારે લોકોનાં ટોળાં આછાં અને ઓછાં થાય ત્યારે સૌથી પહેલાં રાજાબાઈ ટાવરની રોશની બંધ થશે, અને એ બંધ થઈ છે એમ જોયા પછી બીજાં બધાં મકાનોની રોશની બંધ થશે. પણ થયું એવું કે રાજાબાઈ ટાવરના રખેવાળને આવી ગઈ ઊંઘ. એટલે એ ટાવરની રોશની બહુ મોડે સુધી ચાલુ રહી, અને એટલે બધાં મકાનો વહેલી સવાર સુધી ઝળહળતાં રહ્યાં. રોશની ચાલુ રહે ત્યાં સુધી પોલીસ દળ ફરજ પર રહેશે એવું ઠરાવાયું હતું. એટલે વહેલી સવાર સુધી કોટ વિસ્તારમાં પોલીસો ફરજ બજાવતા રહ્યા. અલબત્ત, એ વખતે આતંકવાદ જેવો તો કોઈએ શબ્દ પણ સાંભળ્યો નહોતો, એટલે પોલીસો પણ લોકોના આનંદમાં સહભાગી થઈને ફરજ બજાવતા હતા. નહોતા ક્યાં ય મેટલ ડિટેક્ટર કે નહોતા સી.સી.ટી.વી. કેમેરા. લોકોને અને પોલીસને એકબીજા પર વિશ્વાસ હતો. ત્રણ રાત લોકોની ભીડ રહી હોવા છતાં ઘણા લોકો રોશની જોઈ શક્યા નહોતા, એટલે તેમની સગવડ ખાતર ચોથી રાતે પણ સરકારી મકાનો પર રોશની કરવામાં આવી હતી. જો કે કેટલાક ખાનગી મકાનોએ આમ કર્યું નહોતું.

મુંબઈના પહેલા મુખ્ય પ્રધાન બી.જી. ખેર

આજે આપણે જેને ચીફ મિનિસ્ટર – મુખ્ય મંત્રી – કહીએ છીએ તે એ વખતે પ્રાઈમ મિનિસ્ટર – વડા પ્રધાન તરીકે ઓળખાતા. રાજ્યો ત્યારે પ્રાંત તરીકે ઓળખાતાં અને દરેક પ્રાંતમાં એક વડો પ્રધાન હતો. આજનાં મહારાષ્ટ્ર, ગુજરાત, અને બીજા કેટલાક પ્રદેશોનો સમાવેશ મુંબઈ પ્રાંતમાં થતો હતો. પહેલા પ્રજાસતાક દિવસે બી.જી. ખેર મુંબઈ પ્રાન્તના ‘વડા પ્રધાન’ હતા. ૧૮૮૮ના ઓગસ્ટની ૨૪મી તારીખે રત્નાગીરીમાં જન્મ. વ્યવસાયે વકીલ. પૂના અને મુંબઈમાં અભ્યાસ. મણિલાલ નાણાવટી સાથે મળીને ૧૯૧૮માં મણિલાલ, ખેર એન્ડ કંપની નામની લો-ફર્મ શરૂ કરી. ૧૯૨૨થી રાજકારણમાં રસ લેતા થયા. બ્રિટિશ શાસન દરમ્યાન ૧૯૩૭થી ૧૯૩૯ સુધી તેઓ મુંબઈ પ્રાન્તના ‘વડા પ્રધાન’ બન્યા હતા. ૧૯૪૬માં તેઓ ફરી એ પદે આવ્યા. ૧૯૫૭ના માર્ચની ૮મી તારીખે તેમનું અવસાન થયું. અગાઉ જે લિટલ ગિબ્સ રોડ તરીકે ઓળખાતો હતો તેને પછીથી બી.જી. ખેરનું નામ આપવામાં આવ્યું. વાંદરા(ઇસ્ટ)માં અનુસૂચિત જાતિના લોકોને વસવાટ માટે તેમણે જગ્યા ફાળવી હતી તે આજે ‘ખેર વાડી’ તરીકે ઓળખાય છે. મુંબઈ યુનિવર્સિટીના કાલીના કેમ્પસમાં એક મકાન સાથે પણ તેમનું નામ જોડવામાં આવ્યું છે.

મુંબઈના પહેલા ગવર્નર રાજા મહારાજ સિંહ

અને પહેલા પ્રજાસત્તાક દિને મુંબઈ પ્રાંતના ગવર્નર હતા રાજા મહારાજ સિંહ. ૧૯૪૭માં દેશને આઝાદી મળી ત્યારે ૫૦૦ કરતાં વધારે દેશી રાજ્યો હયાત હતાં. અંગ્રેજો ગયા પછી કાયદાની દૃષ્ટિએ તેમાંનું દરેક રાજય ‘સાર્વભૌમ’ બન્યું હતું. પોતે હિન્દુસ્તાન સાથે જોડાવું, પાકિસ્તાન સાથે જોડાવું કે દેશી રાજ્ય તરીકે અલગ રહેવું એ નક્કી કરવાનો હક્ક જતાં જતાં અંગ્રેજો દેશી રાજ્યોને આપતા ગયા હતા. સરદાર પટેલ અને જવાહરલાલ નેહરુએ એક પછી એક દેશી રાજ્યને ભારત સાથે ભેળવ્યું. કેટલાક રાજવીઓએ અગમચેતી વાપરીને લગભગ સ્વેચ્છાએ ભારતમાં ભળી જવાનું સ્વીકાર્યું હતું. તેમની આવી ખેલદિલીને ધ્યાનમાં રાખીને સરકારે તેમાંના કેટલાકની નિમણૂક એક યા બીજા પ્રાંતના ગવર્નર તરીકે કરી હતી. કપૂરથાલાનું દેશી રાજ્ય ૧૯૪૭ના ઓગસ્ટની ૧૫મી તારીખે જ ભારતમાં ભળી ગયું હતું. રાજા મહારાજ સિંહ હતા તેના રાજવી કુટુંબના નબીરા. તેમનો જન્મ ૧૮૭૮ના મે મહિનાની ૧૭મી તારીખે, અવસાન ૧૯૫૯ના જૂનની છઠ્ઠી તારીખે. ઓક્સફર્ડમાં ભણીને એમ.એ. થયા, કાયદાની ડિગ્રી મેળવી, ૧૯૦૨માં મિડલ ટેમ્પલના બારના સભ્ય બન્યા. પણ પછી હિન્દુસ્તાન આવી સરકારી નોકરી સ્વીકારી. યુનાઈટેડ પ્રોવિન્સ(આજનું ઉત્તરપ્રદેશ)ના ડેપ્યુટી કલેકટર બન્યા, લખનૌ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર બન્યા, થોડો વખત કશ્મીરના ‘પ્રાઈમ મિનિસ્ટર’ બન્યા. ૧૯૪૮થી ૧૯૫૨ સુધી તેઓ મુંબઈ પ્રાંતના ગવર્નર હતા. તેઓ ગવર્નર હતા ત્યારે મુંબઈના ગવર્નર હાઉસમાં એક અદ્વિતીય ઘટના બની હતી. કોમનવેલ્થની ટીમ અને ગવર્નરની ટીમ વચ્ચેની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચ રાજભવનમાં રમાઈ હતી. અને ગવર્નરની ટીમના કેપ્ટન હતા ૭૨ વર્ષની ઉંમરના રાજા મહારાજ સિંહ. તેઓ ઘણાં વર્ષોથી ક્રિકેટ રમતા હતા, પણ આ એમની પહેલી અને છેલ્લી ફર્સ્ટ ક્લાસ મેચ હતી. સૌથી મોટી ઉંમરે પહેલી વાર ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચ રમવા માટે તેમનું નામ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડઝમાં દાખલ થયેલું છે.

યુવાન વયે ક્રિકેટ રમતા રાજા મહારાજ સિંહ

પહેલા પ્રજાસત્તાક દિને મુંબઈમાં યોજાયેલ ધ્વજવંદન અને પરેડમાં ગવર્નર રાજા મહારાજ સિંહે સલામી લીધી હતી અને બી.જી. ખેર અને તેમના પ્રધાન મંડળના સભ્યો હાજર હતા. પરેડમાં મુંબઈ પોલીસ અને ફાયર બ્રિગેડે ભાગ લીધો હતો. આ પ્રસંગે પણ લોકોની મેદની ઊમટી હતી. જો કે મુખ્ય સમાંરભ તો નવી દિલ્હીમાં યોજાયો હતો. ઇન્ડોનેશિયાના પ્રમુખ ડો. સુકર્ણો મુખ્ય મહેમાન હતા અને દેશના પહેલા પ્રમુખ ડો. રાજેન્દ્ર પ્રસાદે ધ્વજવંદન કર્યું હતું અને લશ્કરના જવાનોની સલામી ઝીલી હતી. એ વખતે સમાચાર માટેનાં બે જ સાધનો હતાં – છાપાં અને રેડિયો. છાપાં તો બીજે દિવસે સવારે સમાચાર આપે, પણ ઓલ ઇન્ડિયા રેડિયો (પછીનું નામ આકાશવાણી) પરથી હિન્દી અને અંગ્રેજીમાં દિલ્હીના સમારંભની રનિંગ કોમેન્ટ્રી પ્રસારિત થઈ હતી એ હજારો લોકોએ મુંબઈમાં સાંભળી હતી. અલબત્ત, એ વખતે ટી.વી., મોબાઈ ફોન વગેરે આવ્યાં નહોતાં. અરે, ટ્રાન્ઝિસ્ટર રેડિયો પણ આવ્યા નહોતા. એટલે ઘરના દિવાનખાનામાં ગોઠવેલા મોટા મસ રેડિયો સામે ઘરના લોકો ઉપરાંત અડોશપડોશના લોકો પણ જમા થયા હતા. ફિલ્મ્સ ડિવિઝન દ્વારા દર અઠવાડિયે આગલા અઠવાડિયાના બનાવો અંગે દસ્તાવેજી ચિત્ર તૈયાર થતાં, જે દરેક થિયેટરમાં મુખ્ય ફિલ્મ શરૂ થતાં પહેલાં બતાવવાનું ફરજિયાત હતું. પ્રજાસત્તાક દિવસની ઉજવણી અંગેનું દસ્તાવેજી ચિત્ર જોવા માટે થઈને કેટલાયે લોકો થિયેટરમાં ફિલ્મ જોવા ગયા હતા.

પહેલા પ્રજાસત્તાક દિવસે બહાર પડેલ ચાર ટપાલ ટિકિટ અને ફર્સ્ટ ડે કવર

પહેલા પ્રજાસત્તાક દિવસે દેશના ટપાલ ખાતાએ ખાસ ચાર નવી ટિકિટ અને ફર્સ્ટ ડે કવર બહાર પાડ્યાં હતાં. એ ખરીદવા માટે મુંબઈની જી.પી.ઓ. પાસે લોકોની લાંબી લાઈનો દિવસો સુધી જોવા મળી હતી. જો કે પ્રજાસત્તાક ભારતના પહેલવહેલા સિક્કા તે દિવસે નહિ, પણ ૧૯૫૦ના ઓગસ્ટની ૧૫મી તારીખે બહાર પડ્યા હતા. એ વખતે હજી દશાંશ પદ્ધતિનું આજનું ચલણ શરૂ થયું નહોતું. એ શરૂ થયું ૧૯૫૭માં. એટલે પ્રજાસત્તાક ભારતના પહેલા સિક્કા એક રૂપિયો, આઠ આના, ચાર આના, બે આના, એક આનો, અડધો આનો અને એક પૈસાના હતા. અગાઉ ગ્રેટ બ્રિટનનાં રાજા કે રાણી સિક્કા પર જોવા મળતાં તેનું સ્થાન અશોક સ્તંભે લીધું. શરૂઆતમાં રોજિંદા વ્યવહારમાં આ નવા સિક્કા હાથમાં આવતા ત્યારે ઘણા લોકો તેને વાપરવાને બદલે સંભારણા તરીકે સંઘરી રાખતા હતા.

પ્રજાસત્તાક ભારતના પહેલા સિક્કા

પણ મુંબઈગરાની એક ખાસિયત છે. કોઈ પણ બનાવ, ઘટના, પછી એ આનંદનાં હોય કે શોકનાં, તેમાંથી તે તરત બહાર આવી જાય છે, બીજાં કેટલાંક શહેરના લોકોની જેમ મુંબઈગરા તેને લાંબો વખત મમળાવ્યા કરતા નથી, તરત પોતાની રોજિંદી જિંદગી શરૂ કરી દે છે. પહેલો પ્રજાસત્તાક દિવસ ઉમંગ અને ઉત્સાહથી મનાવ્યા પછી તરત મુંબઈગરાઓએ રોજિંદુ જીવન ફરી શરૂ કરી દીધું હતું. એ જ રેશનિંગ માટેની લાઈનો, એ જ કામ પર ટાઈમસર પહોંચવા માટેની દોટ, લગભગ બધી જીવન જરૂરિયાતોની ખેંચનો સામનો, એ જ … પણ મનમાં એક આશા હતી : વો સુબહ કભી તો આયેગી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 25 જાન્યુઆરી 2020

Loading

૮૧ વર્ષનાં ‘વાઈલ્ડ’ વહીદા રહેમાન

રાજ ગોસ્વામી|Opinion - Opinion|25 January 2020

‘હીટ ગર્લ’ નામની આત્મકથામાં, એક્ટ્રેસ આશા પારેખ તેની હતાશા અને ચિંતાની વાત કરે છે. એ લખે છે, “મારી માતાના ગયા પછી મારા પિતા સાવ ચૂપ જ થઇ ગયા હતા. યાદદાસ્ત પણ નો’તી. ૨૦૦૩માં એ પણ જતા રહ્યા. મને પહેલીવાર થયું કે મારે કોઈ ભાઈ-બહેન હોવાં જોઈતાં હતાં. ખાલી ઘર મને ખાવા ધાતુ હતું. જીવનનો કોઈ અર્થ જ રહ્યો ન હતો. બીમાર વિચારો આવતા અને ગભરામણ થતી. મને થતું હતું કે હું પાગલ થઇ રહી છું.

એક દિવસે એટલો બધો ઊચાટ ઘેરી વળ્યો કે મેં વહીદા(રહેમાન)ને ફોન કરીને કહ્યું કે મને થાય છે કે ઘરની બાલ્કનીમાંથી નીચે કૂદી જાઉં. વહીદા ગભરાઈ ગઈ અને મને ધમકાવી, “બેકાર વાત ના કર. મને વચન આપ કે તું આવા વિચાર બંધ કરી દઈશ.’ બીજા દિવસે એ મારી પાસે આવી, અને કહ્યું કે – આશા, તું કસમ ખા, તું એકલી છું, એવું નહીં વિચારે. મને ક્યારેક વિચાર આવે છે કે હું તે દિવસે કૂદી ગઈ હોત તો?”

આશા પારેખ ૭૪ વર્ષની છે, અને વહીદા રહેમાન ૮૧ વર્ષની છે. આશા સિંગલ છે, એટલે આ ઉંમરે પરિવારની ગેરહાજરી સાલે, તે સ્વાભાવિક છે. પણ એમ તો બાળકો મોટાં થઇ જાય અને ખુદની દુનિયામાં જીવવા લાગે, તો સપરિવાર વ્યક્તિને પણ મોટી ઉંમરે એકલતા સતાવે જ. એમાં ય તમે સિનેમાની ચકાચાંધમાં જીવ્યા હો, અને અચાનક તાળીઓનો ગડગડાટ બંધ થઇ જાય, કેમેરાની ફ્લેશ લાઈટ અદ્રશ્ય થઇ જાય, ટેલિફોન સૂના થઇ જાય, લોકોની ભીડ વિખરાઈ જાય અને તમારી ઉપયોગિતા ખતમ થઇ જાય, તો ભલભલા સ્ટારનું જીવન આકરું થઇ જાય. એટલા માટે જ આશા પારેખની સરખામણીમાં વહીદા રહેમાને તેની ૮૧ વર્ષની ઉંમરે જે ‘નવું’ શરૂ કર્યું છે, તે કોઈપણ સિનિયર સિટિઝન માટે ઉદાહરણરૂપ છે.

એવું કહે છે કે શોખની કોઈ ઉંમર નથી હોતી. એમાં ય મોટી ઉંમરમાં તો શોખનો અને સ્વાસ્થ્ય વચ્ચે સીધો સંબંધ છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના સાઈકોલોજી વિભાગના પ્રોફેસર ડો. રચેલ વોએ એક અભ્યાસમાં કહ્યું છે કે મોટી ઉંમરમાં નવો હુન્નર શીખવાથી, છ જ સપ્તાહમાં તમારું મગજ ત્રણ દાયકા જેટલું યુવાન થઇ જાય છે. વૈજ્ઞાનિકો કહે છે કે યાદદાસ્ત ઓછી થવી, નિર્ણયશક્તિ ધીમી થઇ જવી અને બોલવામાં મુશ્કેલી આવે છે તેવા મોટી ઉંમરની અલ્ઝેઈમરની બીમારીમાં ફોટોગ્રાફી, સંગીત, પેઇન્ટિંગ કે લખવા જેવા શોખ મગજના પાવરને મજબૂત બનાવે છે.

વરિષ્ઠ એક્ટ્રેસ, વહીદા રહેમાન, ૮૧ વર્ષની ઉંમરે આ જ તો કરે છે. આ લેખ સાથે તમે જે ફોટો જુવો છો, તે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર વહીદા રહેમાનનો છે, અને તેની સાથે તેમણે લીધેલા બે સુંદર ફોટા છે. એકમાં કેન્યામાં આવેલા 'માસાઈ મારા'ના જંગલમાં લીધેલા જિરાફનો છે, અને બીજો ફોટો તાન્ઝાનિયાની ડુટુ સફારીમાં, અવળા ફરીને બેઠેલા બે ચિત્તાનો છે. હા, વહીદા રહેમાન છેલ્લા છ વર્ષથી વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરે છે, અને તેમની સાથેના ૨૪ ફોટોગ્રાફરો(જેમાં સૌથી નાનો ઉંમરનો ફોટોગ્રાફર ૧૮ વર્ષનો, અને સૌથી મોટી ઉંમરનાં વહીદા છે)નું એક પ્રદર્શન પણ મુંબઈમાં યોજાઈ ગયું છે.

વહીદાને કેમેરાનો શોખ તો વર્ષોથી હતો, પરંતુ જંગલોમાં જઈને પ્રાકૃતિક જીવનની ફોટોગ્રાફી કરવાનું હમણાં જ શરૂ કર્યું છે. તેમની પાસે બહુ શરૂઆતના રોલેઈફ્લેસ્ક અને પેન્ટેક્સ સહિતના ૨૫ કેમેરા છે. અત્યારે તે ઓલિમ્પસ કેમરા વાપરે છે. વહીદા કહે છે, "હું અને મારા પતિ (સ્વર્ગસ્થ શશી રેખી) હનીમૂન માટે ન્યૂયોર્કમાં હતા, ત્યારે તેમને મારા માટે ગિફ્ટ ખરીદવી હતી. મેં કહ્યું કે પેન્ટેક્સ ખરીદો, તો એ અચંબિત થઇ ગયા. મારે એમને કહેવું પડ્યું કે છોકરીનો અસલી દોસ્ત ડાયમન્ડ નહીં, કેમેરા હોય."

વહીદા રહેમાન, હિમાંશુ ચંદ્રકાંત શેઠ નામનાં એક ગુજરાતી વાઈલ્ડ લાઈફ અને લેન્ડસ્કેપ ફોટોગ્રાફર પાસેથી ફોટોગ્રાફીની તકનીક શીખ્યાં છે. "મારી ફોટોગ્રાફીમાં બહુ ભલીવાર નથી," વહીદા કહે છે, "પણ મને બહુ પહેલેથી વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં રસ હતો. હિમાંશુ શેઠ મારા ગુરુ છે. છ-સાત વર્ષ પહેલાં હું તેમને મળી હતી, જે મને સફારી પર લઇ જતાં હતાં, તેમાંથી આ સિલસિલો શરૂ થયો. અમે આ તસ્વીરો માટે પૂરા ભારત, તાન્ઝાનિયા, નામિબિયા, કેન્યા, આસામ અને અરુણાચલ પ્રદેશમાં ભટક્યાં છીએ."

હિમાંશુ શેઠ કહે છે, "ફોટોગ્રાફી શીખવાની વહીદાજીની બહુ જૂની ઈચ્છા હતી, પણ તેને વિકસાવવાની સરખી તક મળતી ન હતી. હું તેમના દીકરા, સોહેલ માટે, એક નાનકડું શૂટ કરતો હતો. એને ખબર પડી કે હું ફોટોગ્રાફી ટુર કરું છું, તેણે તરત મને કહ્યું કે તેની માતાને ફોટો સફારી પર આવવાનું અને ફોટોગ્રાફી શીખવાનું ગમશે. એ વાતને છથી વધુ વર્ષ થઇ ગયાં. દરેક પ્રવાસમાં અમારું બંધન વધુ મજબૂત થાય છે."

ઉંમરની વાતમાં વહીદા કહે છે, "ભારતમાં લોકોને ઉંમરને લઈને બહુ વાંધા હોય છે. 'આ ઉંમરે તેણે આવું બધું કરવાની શું જરૂર છે?' એવું લોકો પૂછ-પૂછ કરે. આ માનસિકતા બદલવાની જરૂર છે. તમારામાં થનગનાટ હોય, અને મન ખુલ્લું હોય, તો તમે જે ચાહો તે શીખી શકો. શોખને ઉંમરનો બાધ ના હોવો જોઈએ. ઉંમર થાય, તેમ શોખનું મહત્ત્વ વધી જાય. પૂરા લગાવથી કરો. એ ખર્ચાળ હોય, તે જરૂરી નથી. મારી ૮૭ વર્ષની બહેન (શહીદા માલિક) ભરતકામની શોખીન છે. મને તંદુરસ્ત શરીરના આશીર્વાદ છે. હું રોજ ઘરે યોગ કરું છું, જે મને ચૂસ્ત રાખે છે. વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી માટે આમ પણ ટ્રાવેલિંગ કરવું પડે અને લાંબુ ચાલવું પડે."

ઇન ફેક્ટ, મોટી ઉંમરે કેવી રીતે જીવાય, તે વહીદા પાસે શીખવા જેવું છે. ‘પ્યાસા,’ ‘કાગજ કે ફૂલ,’ ‘સાહેબ, બીબી ઔર ગુલામ,’ ‘ગાઈડ,’ અને ‘નીલ કમલ’ જેવી યાદગાર ફિલ્મોની સ્ટાર તેની સમકાલીન એક્ટ્રેસ આશા પારેખ (74) અને હેલન (81) સાથે સાથે ખાસ બહેનપણાં છે, અને ત્રણે અવારનવાર રખડવા ઉપડી જાય છે, સિનેમા જોવાં જાય છે અને ખાવા-પીવા પર ભેગાં થાય છે. વાસ્તવમાં, આ ‘ચાર ચોટલા’ હતાં, પણ સાધના અને નંદા એમાંથી ‘ખરી’ પડ્યાં.

આશા પારેખ કહે છે, “હું એકલી છું અને વહીદાને બે બાળકો છે, પરંતુ’ હેલનની સાથે અમે બંને એકબીજાંના સંપર્કમાં રહીએ છીએ. અમે ત્રણ જમવા માટે બહાર જઈએ છીએ અને હોલીડે પર જઈએ છીએ.” થોડાં વર્ષો પહેલાં એક ઇન્ટરવ્યૂમાં વહીદાએ કહ્યું હતું કે, “ હું આ બંનેને કહેતી રહું છું કે, જાતને વ્યસ્ત રાખવા માટે તમારે સતત કશું કરતા રહેવું જોઈએ. કોક દિવસ આપણે ત્રણેએ એક નાટક કરવું જોઈએ, જેમાં આપણે આપણી જ ભૂમિકા કરીએ અને એમાં વાતો કરીએ, એકબીજાંની ખીલ્લી ઉડાવીએ.”

હમણાં થોડા દિવસ પહેલાં ટ્વિંકલ ખન્નાને વહીદા રહેમાન સાથે એક નાનકડો ઈન્ટરવ્યુ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. એમાં ટ્વિંકલે પૂછ્યું હતું કે, “હવે જીવનમાં શું કરવાનું બાકી રહ્યું છે?” ત્યારે વહીદાએ આંખનું મટકું માર્યા વગર કહ્યું હતું, “સ્કુબા ડાઈવિંગ.”

ટ્વિંકલ સ્તબ્ધ થઇ ગઈ, “૮૧ વર્ષની ઉંમરે સ્કુબા ડાઈવિંગ કરવું છે?”

“તો શું થયું?” વહીદાએ વળતો સવાલ કર્યો, “હું તંદુરસ્ત હોઉં, તો હું એ પણ કરી શકું.”

આ જે “તો શું થયું?” સવાલ છે, તેમાં ઢળતી ઉંમરે કેવી રીતે વ્યસ્ત અને સકારાત્મક જીવાય, તેનો મંત્ર છુપાયેલો છે.

પ્રગટ : લેખકની ‘બ્લોકબસ્ટર’ નામક સાપ્તાહિક કટાર, “ગુજરાતી મિડ-ડે”, 25 જાન્યુઆરી 2020

Loading

...102030...2,5982,5992,6002,601...2,6102,6202,630...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved