Opinion Magazine
Number of visits: 9456500
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અવહેલના અને અજ્ઞાનમાં મસ્ત રહેવું ક્યારેક ભારે પડવાનું છે 

સોનલ પરીખ|Opinion - Opinion|12 February 2025

સુભાષ બાબુનો જન્મદિન ૨૩ જાન્યુઆરી. તેઓ નજરકેદમાંથી ભાગી નીકળ્યા તે ૨૬ જાન્યુઆરીનો દિવસ હતો. ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિન પણ છે. ઇતિહાસનાં વિસરાયેલાં પૃષ્ઠો નજર નાખવા જેવાં હોય છે …. 

ભારતમાં બાયોપિક એટલે કે જીવનકથન ફિલ્મો ખાસ લોકપ્રિય નથી અને શ્યામ બેનેગલ કહે છે તેમ એ ચોક્કસ સમયના અનુસંધાનમાં બનાવવાની હોવાથી બહુ મુશ્કેલ પણ છે, ‘વિદેશમાં પિરિયડ મૂવીઝ માટે ખાસ સપોર્ટ ટીમ અવેલેબલ હોય છે. અહીં બધો ભાર ફિલ્મસર્જકના ખભે આવે છે.’ આમ છતાં તેમણે ‘ભૂમિકા’ (અભિનેત્રી હંસા વાડકર), ‘અંતરનાદ’ (પાંડુરંગ આઠવલે) અને ‘મેકિંગ ઓફ મહાત્મા’ (મહાત્મા ગાંધી) જેવાં બાયોપિક-પિરિયડ બનાવ્યાં. 

૨૦૦૫માં શ્યામ બેનેગલે નેતાજી સુભાષચન્દ્ર બોઝ પર એક મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘બોઝ – ધ ફરગોટન હીરો’ બનાવી. સાડાત્રણ કલાકની આ ફિલ્મ, સુભાષબાબુએ કાઁગ્રેસ છોડી ત્યારથી શરૂ થઈ ત્રણ ભાગમાં તેમના જીવનના અંત સુધી વિસ્તરે છે. જર્મની, રશિયા, જાપાન, સબમરીન, ઓસ્ટ્રીઅન એમિલી સાથે લગ્ન, આઝાદ હિન્દ ફોજ – દિલધડક ઘટનાઓ, નીવડેલા કલાકારો, આબેહૂબ સુભાષબાબુ દેખાતા સચિન ખેડેકરનો ઉમદા અભિનય અને શ્યામ બેનેગલની ઉત્તમ માવજત. સુભાષબાબુના જ્વલંત દેશપ્રેમ અને અપ્રતિમ સાહસોને પડદા પર જોવાની ઘણી સારી તક હતી, છતાં ફિલ્મ બહુ ખરાબ રીતે પીટાઈ ગઈ અને શ્યામ બેનેગલની છેલ્લી ફિલ્મ બની રહી. 

૨૩ જાન્યુઆરી નેતાજીનો જન્મદિન અને ૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન. ૨૦૦૫ના અનુભવ પછી પણ શ્યામ બેનેગલે જીવ રેડીને ૨૦૧૪માં ‘સંવિધાન’ સિરિયલ બનાવી. એ પણ ખૂબ સરસ હતી. બંધારણ વિષે ઇતિહાસમાં ભણવાનું થાય ત્યારે બધા નાના હોય, અણસમજુ હોય, પરીક્ષા માટે પાઠ વાંચી લેતા હોય. પણ શ્યામ બેનેગલ જેવો માણસ તેના વિષે સિરિયલ બનાવે ત્યારે એ જોવામાં પણ કેટલા લોકોને રસ પડ્યો હશે એ પ્રશ્ન છે. ‘બંધારણ’માં સચિન ખેડેકરે ડો. આંબેડકરની ભૂમિકા કરી હતી. 

સુભાષબાબુના જીવનમાં અનેકવાર સિદ્ધિ આવી આવીને સરકી ગઈ. કાઁગ્રેસમાં પ્રમુખ બન્યા ત્યાં રાજીનામું આપવું પડ્યું. જર્મની અને જાપાને તેમને પોતાના સ્વાર્થે મદદ કરવાનો દેખાવ કરી છેતર્યા. બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું. મોટી, અણધારી ઘટનાઓ વચ્ચે તેઓ ગર્જતા રહ્યા ‘જય હિન્દ’. ‘તુમ મુઝે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દુંગા’ એવા એમના સિંહનાદે આઝાદ હિન્દ ફોજના પિસ્તાલીસ હજાર સૈનિકોને માથું હાથમાં લઈને લડવા તૈયાર કર્યાં. વીરાંગનાઓની રાણી ઝાંસી રેજિમેન્ટ ઊભી કરી. ૧૯૪૫માં અમેરિકાએ અણુબોમ્બ ફેંક્યો ને જાપાન શરણે થયું પછી સુભાષબાબુને આઝાદ હિન્દ ફોજ વિખેરી નાખવી પડી. 48 વર્ષના નેતાજી વિમાની દુર્ઘટનાના શિકાર બન્યા. બ્રિટિશ સરકારે આઝાદ હિન્દ ફોજના કમાન્ડરો પ્રેમ સહગલ, ગુરુબક્ષસિંહ ધિલોન અને શાહ નવાઝને પકડ્યા અને વિદ્રોહી ખૂનીઓ સાબિત કરવા લાલ કિલ્લામાં જાહેર ખટલો ચલાવ્યો પણ ત્રણેના દેશપ્રેમ, નિર્ભયતા અને બહાદુરીએ દેશને હલાવી નાખ્યો. હિંદુ-મુસ્લિમ-શીખ એકતાના પ્રતીક એવા આ આઝાદ વીરોને છોડાવવા કાઁગ્રેસ અને મુસ્લિમ લીગ એક થઈ ગયા હતા. 

ભારતનું બંધારણ ઘડનારી સભામાં ૩૮૯ સભ્યો હતા. આપણને એમાંથી એક જ નામ યાદ છે અને તે ડો. આંબેડકરનું. ખબર છે, આ સભામાં ૧૫ મહિલાઓ પણ હતી : અમ્મુ સ્વામીનાથન્‌ (સુભાષબાબુની રાની ઝાંસી રેજિમેન્ટનાં કમાન્ડર ડો. લક્ષ્મી સહગલ (અને વિખ્યાત નૃત્યાંગના મૃણાલિની સારાભાઈનાં મા), દાક્ષાણની બેલાયુધ (પ્રથમ અને એકમાત્ર દલિત મહિલા સભ્ય), બેગમ એજાઝ રસૂલ (એકમાત્ર મુસ્લિમ મહિલા સભ્ય), દુર્ગાતાઈ દેશમુખ (સત્યાગ્રહી, શિક્ષણવિદ્દ), હંસા મહેતા (લેખિકા, સમાજસુધારક, નારીવાદી), કમલા ચૌધરી (સત્યાગ્રહી, લેખિકા), લીલા રોય (નેતાજીએ સ્થાપેલી મહિલા ઉપસમિતિનાં પ્રમુખ), માલતી ચૌધુરી (નમક સત્યાગ્રહી, ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીના વિરોધી), પૂર્ણિમા બેનરજી (સત્યાગ્રહી, સોશ્યલીસ્ટ), રાજકુમારી અમૃતકોર (ભારતના પ્રથમ આરોગ્ય પ્રધાન, AIMSના સ્થાપક), રેણુકા રોય (રાજકારણી), સરોજિની નાયડુ (સત્યાગ્રહી, કવયિત્રી), સુચેતા કૃપલાણી (હિન્દ છોડો વખતે સક્રિય, યુ.પી.ના મુખ્ય પ્રધાન), વિજયાલક્ષ્મી પંડિત (પંડિત નહેરુના બહેન, યુ.એન.ના પ્રથમ મહિલા અને પ્રથમ એશિયન પ્રમુખ), એની મસ્કરાન (કેરળની પહેલી મહિલા સાંસદ).

બંધારણ-સંવિધાન-કોન્સ્ટિટ્યૂશન એ પ્રજાસત્તાક દેશનો મૂળભૂત દસ્તાવેજ ગણાય છે. સરકાર કોઈપણ હોય, દેશનો વહીવટ બંધારણ અનુસાર જ કરવાનો હોય છે. વડા પ્રધાન કે કાયદાઓ બંધારણની ઉપરવટ જઈ શકે નહીં. 

બંધારણ ઘડવાનો સૌ પ્રથમ વિચાર સમાજવાદી ક્રાંતિકારી અને પોલિટીકલ થિયરિસ્ટ સર એમ.એન. રોયને આવ્યો હતો. તેમણે આપેલા પ્રસ્તાવ પર રાજગોપાલાચારીએ ભારતીય રાષ્ટ્રીય કાઁગ્રેસની ખાસ બેઠક બોલાવી મત લીધા અને ૧૯૩૫માં કાઁગ્રેસે બંધારણસભા રચવાની માંગણી કરી. ૧૯૪૦માં બ્રિટિશ સરકારે તેનો સ્વીકાર કર્યો. એ વખતે લોર્ડ લિનલિથગો ભારતના વાઇસરોય હતા. દેશના અને દુનિયાના તખ્તા પર ઝડપથી પરિવર્તનો થઈ રહ્યાં હતાં. 

પહેલી બેઠક ૧૯૪૬ના ડિસેમ્બરમાં મળી. ૨૯ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ બંધારણસમિતિ રચાઈ. તેના કાર્યકારી અધ્યક્ષ ડો. સચ્ચિદાનંદ સિંહ, ખરડા સમિતિના અધ્યક્ષ ડો. આંબેડકર અને પ્રમુખ ડો. રાજેન્દ્ર પ્રસાદ હતા. ૨૬ નવેમ્બર ૧૯૪૯ના દિવસે બંધારણ ઘડવાનું કામ પૂરું થયું અને ૨૬ જાન્યુઆરીથી એ અમલમાં આવ્યું. ભારત પ્રજાસત્તાક સાર્વભૌમ લોકશાહી રાષ્ટ્ર બન્યું. 

ભારતના બંધારણમાં ૧૨ પરિશિષ્ટો અને ૪૪૬ અનુચ્છેદ છે. તેનું આમુખ જવાહરલાલ નહેરુએ તૈયાર કર્યું હતું. આમુખનો વિચાર અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યો હતો. બ્રિટન, રશિયા અને ઓસ્ટ્રેલિયા, અમેરિકા, યુરોપના દેશોના બંધારણનો અભ્યાસ કરી સંસદની પ્રક્રિયા, વિશેષાધિકાર, જોગવાઈઓ, નાગરિકના મૂળભૂત અધિકારો અને ફરજો, માર્ગદર્શક સિદ્ધાંતો વગેરે નક્કી કર્યાં છે. અને અત્યંત ચોકસાઈથી અને દરેક બાબતનો ગહન અને સૂક્ષ્મ વિચાર કર્યા પછી આપણા જેવા બહુસાંસ્કૃતિક અને બહુધર્મીય દેશને અનુરૂપ એવી તેની રચના થઈ છે. ભારતનું બંધારણ દુનિયાનાં ઉત્તમ બંધારણોમાંનું એક ગણાય છે. તેમાં સુધારો કરવાની પણ જોગવાઈ છે અને ૯૮ જેટલા સુધારા થયા પણ છે. કેવી કેવી ચર્ચાઓ થઇ હશે તેની રચના વખતે ?  

આ બધું જાણવું ખૂબ રસભર્યું અને રોમાંચક છે, છતાં આપણને એનો એક જાતનો કંટાળો છે. આ કંટાળો અને ઉપેક્ષા નવી પેઢીમાં પણ ઊતર્યા છે. અલબત્ત ત્રીજા વિશ્વના દેશ તરીકે આપણે સ્પર્ધા અને સર્વાઇવલના સંધર્ષમાં ખૂબ અટવાયેલા હોઈએ છીએ. પાછા બૌદ્ધિક શ્રમથી જરા દૂર જ રહેવાની માનસિકતાના શિકાર પણ છીએ. એક જમાનો ભવ્ય ભૂતકાળમાં રાચવાનો હતો. હવે હાઇ જમ્પ મારી આપણે ટેકનોસેવી બની ગયા. પણ દેશનો રાજકીય ઇતિહાસ સમજવાની પરવા પ્રજા તરીકે આપણામાં ઓછી જ રહી. ક્યારેક, જેમ કે પ્રજાસત્તાક દિને કે સ્વાતંત્ર્યદિને આપણે આપણા ઇતિહાસના થોડાં પાનાં ખોલીએ અને નવી પેઢી પાસે મૂકી શકીએ તો નાગરિક તરીકે એક સંતોષ લેવા જેવી ફરજ બજાવી ગણાય. 

અંતે ફરી એક ફિલ્મને યાદ કરું : ૧૯૫૦માં ‘સમાધિ’ નામની ફિલ્મ આવેલી. સત્યઘટના પરથી બનેલી આ ફિલ્મનો નાયક આઝાદ હિન્દ ફોજનો એક અફસર (અશોકકુમાર) છે. અંગ્રેજ જાસૂસ લીલી (નલીની જયવંત) તેને પોતાની જાળમાં ફસાવે છે. બધું પકડાય છે ને સુભાષબાબુ પાસે જાય છે ત્યારે તેઓ અફસરને એક તક આપે છે અને જાસૂસને ભારત માટે કામ કરવા પ્રેરે છે. નેતાજીની ભૂમિકામાં કોણ હતું, ખબર છે? કે.એલ. સાયગલવાળા ‘તાનસેન’માં જે શહેનશાહ અકબર બન્યો હતો તે અભિનેતા મુબારક. એનું ગીત ‘ગોરે ગોરે ઓ બાંકે છોરે’ કોને યાદ ન હોય ? ફિલ્મ સફળ હતી; પણ સંગીતમાં પિયાનો વપરાયો હતો, તેને ‘ઐતિહાસિક ક્ષતિ’ ગણી થોડી ટીકા થઈ હતી. 

આપણે તો આરામથી આખા નેતાજીને જ ભૂલી ગયા ને બંધારણને ઘોળીને પી ગયા. આપણે એવા યુગમાં જીવીએ છીએ કે આવી બાબતોમાં ટીકા કરવાની કોઈને પડી નથી. બધાને જ ઊંઘવું હોય ત્યાં કોણ કોની ટીકા કરે? અવહેલના અને અજ્ઞાનમાં મસ્ત રહેવું ક્યારેક ભારે પડવાનું છે.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 19 જાન્યુઆરી  2025

Loading

સાવરકર પ્રતિમા સ્થાપનના અતિરેકમાં શૌરિનો પડકાર

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|12 February 2025

સાડા પાંચસો જેટલા સંદર્ભસ્રોતોથી સજ્જ શૌરિએ વિજ્ઞાનનિષ્ઠ નિબંધોને અને ઇતિહાસલેખનને તપાસ્યાં પછી એના ઉજાસમાં હાલની હિંદુત્વ રાજનીતિને લબડધક્કે લીધી છે

પ્રકાશ ન. શાહ

ગાંધી શ્રાદ્ધ પર્વના આખરી દિવસ સારુ લખી રહ્યો છું ત્યારે જોઉં છું કે અરુણ શૌરિએ ઝડપેલો સાવરકરનો એક્સ-રે ખાસી ચર્ચામાં છે. ‘ધ ન્યુ આઈકોન: સાવરકર એન્ડ ધ ફેક્ટ્સ’નું પ્રકાશન આમ તો ત્રીસમી જાન્યુઆરીએ થવાનું હતું, પણ જેમ તારીખ પસંદગીનું ચોક્કસ કારણ હતું એમ ચોક્કસ વર્તુળોમાંથી તે બાબતે વિરોધની પ્રતિક્રિયા પણ અપેક્ષિત હતી. અંતે આ પુસ્તક એકત્રીસમી જાન્યુઆરીએ વિધિવત રમતું મેલાયું છે.

ગાંધીહત્યા સાથે સાવરકરની કથિત સંડોવણી હંમેશ એક વિવાદમુદ્દો રહેલ છે. એ બાઈજ્જત બરી થયાનું કહેવામાં આવે છે, પરંતુ એટલું જ સાચું એ પણ છે કે એમની મુક્તિ કોરોબરેટિવ પુરાવાના અભાવે થઈ હતી. 1967માં રચાયેલી કપૂર કમિટીએ વિગતવિશદ તપાસથી દર્શાવ્યું છે કે આવો પુરાવો મેળવવાનું ને આપવાનું 1948માં નિ:શંક શક્ય હતું, પણ તંત્ર એમાં ઊણું પડ્યું.

શૌરિ આ પ્રકરણમાં નથી ગયા એમ નથી, પણ એમનો આશય આપણા રાજકીય મંદિરના ગર્ભગૃહમાં જે એક પ્રતિમાના નવસ્થાપનનો ઉજમ ફેક્ટરી એક્ટની તમા વિના અહોરાત્ર ચાલી રહ્યો છે એની સમગ્ર તપાસનો છે. ભા.જ.પ. દીનદયાલ ઉપાધ્યાયનો સતત મહિમા કરે છે અને પક્ષના બંધારણમાં એમના એકાત્મ માનવ દર્શનની સ્વીકૃતિપૂર્વકની વિધિવત કલમ પણ છે. તેમ છતાં, કેમ જાણે આ પક્ષને ખેંચતી પ્રતિભા ને પ્રતિમા સાવરકરની છે. કેન્દ્રમાં મોદી દશકના ઉત્તરાર્ધમાં વિક્રમ સંપત અને ઉદય માહુરકરનાં પુસ્તકો આવ્યાં છે.

વરિષ્ઠ પત્રકાર રહેલા ઉદય માહુરકરે ચિરાયુ પંડિતના સહયોગમાં 2021માં ‘વીર સાવરકર : ધ મેન હુ કુડ હેવ પ્રીવેન્ટેડ પાર્ટિશન’ લઈને આવ્યા ત્યારે તેઓ સેન્ટ્રલ માહિતી કમિશનર હતા તે લક્ષમાં લઈએ તો ઓપરેશન સાવરકર પૂંઠે રહેલી ભલે પરોક્ષ પણ સરકારી આયોજના સ્ફૂટ થયા વિના રહેતી નથી. માહુરકરની કિતાબનું છેલ્લું વાક્ય બિલકુલ ‘ડંકે કી ચોટ’ સ્કૂલનું છે કે દાયકાઓ લગી કોરાણે રહી ગયા પછી હવે સાવરકરનો જમાનો આવી પુગ્યો છે. ઊલટ પક્ષે, વાજપેયી પ્રધાનમંડળ પર રહી ચૂકેલા શૌરિના પુસ્તકનું શીર્ષક જ સૂચવે છે તેમ તે એક ‘આઈકોન’ કહેતાં દેવપ્રતિમા બાબતે ખરી તપાસ બલકે ખંડનના જોસ્સાથી ખાસી સંદર્ભ સામગ્રી સાથે બહાર પડ્યા છે.

હાલની સાવરકર ચર્ચામારી અને તર્કાતર્કીમાં આગળ જતાં પૂર્વે હું જરી આત્મકથાત્મક ઢબે સ્વરાજની પંચોતેર વરસની યાત્રામાં પાછો જવા ચાહું છું. 1948માં ગાંધીહત્યા (ગોડસેની ભાષામાં ‘ગાંધીવધ’) વખતે હું આઠેક વરસનો હોઈશ ત્યારે શકમંદોમાં સાવરકરનુંયે નામ ઉછળ્યું હતું, પણ મોખરે રહેલું નામ સ્વાભાવિક જ ખુદ નથુરામ ગોડસેનું હતું.

આ લખું છું ત્યારે સાંભરે છે કે વડોદરામાં અમારી રાવપુરા સરકારી શાળા સામે ચિત્તેખાન  હનુમાનની જોડે અભ્યંકરની દુકાન પર હલ્લો થયેલો, કેમ કે એ ગોડસેના મામાની દુકાન હોવાનું કહેવાતું હતું. મહારાષ્ટ્રની વાત જુદી હોઈ શકે પણ દેશના જાહેર મતમાં અને ઉછળતી લોકલાગણીમાં સાવરકર સહેજસાજ હોય તો પણ અદાલતે બરી કર્યા પછી એ ખાસ ચર્ચામાં નહોતા.

જે ઝાંખીપાંખી છાપ તે પછી તરતના સમયગાળાની મને છે તે 1857નાને પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ તરીકે નિરૂપતી એમની કિતાબની એ ગુજરાતી અનુવાદમાં પણ સુલભ છે. એક લેખક તરીકે, પોતાની તરેહના ઇતિહાસકાર તરીકે, એમની જરૂર પ્રતિષ્ઠા હશે. એક અંતરાલ પછી, 1976માં કટોકટીકાળે વડોદરાના જેલવાસમાં સી.પી.એમ.ના વસંત મહેન્દળે સાથે સાવરકરના વિજ્ઞાનનિષ્ઠ નિબંધો વાંચ્યા એ એક જુદો જ અનુભવ હતો. એમના મતે જે સ્વર્ણિમ ઇતિહાસપૃષ્ઠો હતાં તેનુંયે વાંચન કર્યું. વીસમી સદીના ભારતમાં વિવિધ રાજકીય પ્રવાહોમાંના એકથી વિશેષ કોઈ તત્કાળ ચર્ચામુદ્દો સાવરકર ત્યારે લગભગ નહોતા. 1998-2004ના વાજપેયી કાળમાં એ જરૂર ચિત્રમાં આવ્યા, પણ આજની જેમ એક કેન્દ્રીય વિમર્શ તરીકે એ હજુ ઉભર્યા નહોતા. પણ હવે એમનો જે દબદબો છે તે ત્યારે નહોતો તે નહોતો.

અરુણ શૌરિ

આ સંજોગોમાં શૌરિ મૂર્તિભંજનના જોસ્સા સાથે બહાર પડ્યા છે. સાડા પાંચસો જેટલા સંદર્ભસ્રોતોથી એ સજ્જ છે. વિજ્ઞાનનિષ્ઠ નિબંધોને (સીમિત અર્થમાં સેક્યુલર લેખનને) અને ઇતિહાસલેખનને તપાસ્યાં પછી એના ઉજાસમાં હાલની હિંદુત્વ રાજનીતિને લબડધક્કે લીધી છે. ગાયને માતા કહી પૂજવાની વેવલાઈ સાવરકરને બહાલ નથી. જે અર્થમાં ગૌરક્ષા એ હિંદુત્વ રાજનીતિનો મુદ્દો છે તે સાવરકરને ગ્રાહ્ય નથી. પોતે લંડનમાં ગાંધી સાથે મિત્ર તરીકે વાસ કર્યાના સાવરકરના દાવાને કે સુભાષબાબુને આઝાદ હિંદની પરિકલ્પના ને વ્યૂહરચના પોતે સમજાવી હતી એવા દાવાને પણ શૌરિએ પ્રમાણપૂર્વક પડકાર્યો છે, અને જાપાન તરફથી સહકારપ્રાપ્ત આઝાદ હિંદ ફોજ એક પા તો બીજી પા બ્રિટિશ લશ્કરમાં હિંદુ ભરતીનો સાવરકરી ઝુંબેશ બેઉ વચ્ચેના આંતરવિરોધનો મુદ્દો પણ ઉપસાવ્યો છે.

ક્યારેક કથિત જમણેરી છેડે તો અત્યારે કથિત લેફ્ટ-લિબરલ છેડે વરતાતા શૌરિ એક સ્વતંત્ર અભ્યાસ વિષય છે. પણ આપણા રાજકીય મંદિરના ગર્ભગૃહમાં સાવરકર પ્રતિમા સ્થાપનના અતિરેકી આવેશ પરત્વે એમની દરમ્યાનગીરી પૂરક, ઉપકારક ને સંસ્કારક (કરેક્ટિવ) ખસૂસ હોઈ શકે છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 12 ફેબ્રુઆરી 2025

Loading

બદનામ મન્ટો – બદનામ વાર્તાઓ

સોનલ પરીખ|Opinion - Literature|11 February 2025

જે ખામીઓને મારા નામે ચડાવવામાં આવે છે તે ખરેખર તો આ સમયની, આ સમાજની બૂરાઈઓ છે. તમે તેને સહન ન કરી શકો તો માનજો કે આ જમાનો જ નાકાબિલે – બરદાશ્ત છે … મને વિશ્વાસ છે કે તમે મારી વાર્તાને સન્માનથી જોશો કેમ કે તમે મારા પ્રિય વાચક છો, પ્રકાશક નથી.

— સઆદત હસન મન્ટો 

‘અમે બંને સાથે જ જન્મ્યા અને મરીશું પણ લગભગ સાથે જ. પણ એવું પણ બને કે સઆદત મરી જાય અને મન્ટો મરે જ નહીં …’ આ વાક્ય મન્ટોએ પોતાના વિષે લખેલા એક લખાણમાં લખ્યું હતું. પોતાની કબર પર લખવાનું વાક્ય પણ મન્ટો લખી ગયા હતા, ‘અહીં સૂતો છે વાર્તાકલાનાં તથ્યો અને રહસ્યોનો એક મર્મી જે હજી સુધી વિચારે છે, મોટો વાર્તાકાર કોણ – સર્જનહાર કે હું?’

કેવી હશે આ સર્જકની અંદર સળગતી આગ, જેણે તેને ક્યાંયનો ન રહેવા દીધો. વિભાજિત પ્રજાની વેદના પોતાની છાતી પર ઝીલીને એ જીવ્યો – ન ભારત છૂટ્યું, ન પાકિસ્તાન. મન્ટોનું જીવન એટલે પોતાના વિશ્વમાં, નશામાં, ડિપ્રેશનમાં ખુવાર થઈ જતા એક સર્જકનું ભયાનક ચિત્ર – સંતાનનું મૃત્યુ, ભારતમાંથી ભાગવું અને પાકિસ્તાનમાં ન ગોઠવાઈ શકવું, ક્ષય, અદાલતોનાં ચક્કર, ભૂખમરો, અર્ધવિક્ષિપ્ત મનોદશા, અપમાનો અને અકાળ મૃત્યુ.

મન્ટોની વાર્તાઓ માટે પ્રખ્યાત હિંદી સાહિત્યકાર કમલેશ્વરે કહેલું, ‘વિભાજન, રમખાણ અને સાંપ્રદાયિકતા પર જેટલા કટુ પ્રહારો મન્ટોએ કર્યા છે એ વાંચીએ ત્યારે માનવું મુશ્કેલ બની જાય છે કે કોઈ વાર્તાકાર આટલો સાહસિક, આટલો સત્યવાદી અને આ હદે મમતવિહોણો હોઈ શકે છે.’ 20 વર્ષની સાહિત્યિક કારકિર્દી દરમ્યાન મન્ટોએ 200થી વધુ વાર્તાઓ લખેલી. જેમાંની ‘કાલી સલવાર’, ‘ધુઆં’, ‘બૂ’, ‘ઠંડા ગોશ્ત’ અને ‘ઉપર, નીચે ઔર દરમ્યાન’ વાર્તાઓ અશ્લીલતાના આરોપસર અદાલતી કાર્યવાહીનો ભોગ બની હતી. 18 જાન્યુઆરીએ મન્ટોની પુણ્યતિથિ છે, એ નિમિત્તે વાત કરીએ એમની આ વાર્તાઓની. 

‘ખોલ દો’ અને ‘ઠંડા ગોશ્ત’ મન્ટોની કદી ન ભુલાય તેવી વાર્તાઓ છે : ‘ખોલ દો’ વાર્તામાં મારકાપ અને ભાગદોડમાં સિરાજુદ્દીનની પત્નીની હત્યા થાય છે અને દીકરી સકીના વિખૂટી પડી જાય છે. રાહતકેમ્પમાં સકીનાનું વર્ણન આપી રાહ જોયા કરતા વૃદ્ધ સિરાજુદ્દીનને ખબર નથી કે સ્વયંસેવકોને સકીના મળી ગઈ છે,  પણ … એક દિવસ ચાર માણસો લાશ જેવું કશુંક ઊંચકી લાવે છે અને દવાખાનામાં મૂકી ચાલ્યા જાય છે. ડૉક્ટર બત્તી કરે છે, સિરાજુદ્દીન સકીનાને ઓળખી પાછળ આવે છે. લાશની નાડી પકડી ડૉક્ટર કહે છે, ‘બારી ખોલી નાખ’ અને લાશનો બેજાન હાથ ઇજારની નાડી ખોલી ઇજાર નીચે સરકાવી દે છે. સિરાજુદ્દીન બૂમ પાડી ઊઠે છે, ‘જીવે છે, જીવે છે …’ ડૉક્ટર પરસેવાથી નીતરી જાય છે – અને વાચક? સકીના પર શું વીત્યું હશે એની કલ્પના પણ કરવાની તેનામાં તાકાત રહેતી નથી. 

‘ઠંડા ગોશ્ત’ મન્ટોની ખૂબ વગોવાયેલી વાર્તા છે. એને અશ્લીલ કહી કેસ કરનારા પણ નીકળ્યા અને તેને મન્ટોની કલાની પૂર્ણતાનો નમૂનો કહેનારા વિવેચકો પણ નીકળ્યા. જાડી ચામડીના અને એકબીજાનું માથું ભાંગે એવાં ગમાર ઇશરસિંહ અને કુલવંત કૌરને જોડી રાખનાર છે બળૂકી વાસના. રમખાણોમાં અહીં-ત્યાંથી ઘરેણાંપૈસા મારી લાવી કુલવંત કૌરને ખુશ કરતો ઇશરસિંહ ઘણા દિવસે આવ્યો છે. કુલવંત આવેશથી એને વળગે છે, ઇશરસિંહ પણ એના પર તૂટી પડે છે પણ છેલ્લે હારી જાય છે. ‘કોઈ છોકરી સાથે મજા કરી આવ્યો છે? બોલ, કોણ છે એ છીનાળ?’ કહેતી કાળઝાળ કુલવંત ઇશરસિંહના ગળા પર કિરપાણ ફેરવી દે છે. લોહીનો ફૂવારો ઊડે છે. ડચકાં ખાતો ને મૂછો પર જામતા લોહીને ફૂંકથી ઉડાડતો ઇશરસિંહ કહે છે, ‘મેં એક ઘરમાં જઈ છ જણને મારી નાખ્યા. એક રૂપાળી છોકરી પણ હતી. થયું, કુલવંત સાથે રોજ મઝા લૂંટું છું, આજે આ મેવો પણ ચાખું. છોકરીને ખભે લઈને ઝાડીમાં સુવડાવી અને એના પર ચડી ગયો પણ એ તો મરી ગઈ હતી – બિલકુલ ઠંડુ ગોશ્ત …’ અને એ બરફથી પણ ઠંડો થઈ જાય છે. અતિ કામુકતા સામે અતિ સંવેદનશીલતા મૂકી મન્ટોએ અતિ તંગ મનોદશા સર્જી છે. કેસ ચાલ્યો ત્યારે મન્ટોએ અદાલતમાં કહ્યું, ‘કેટલા ય માણસોની કતલ કરતાં જેનું રૂંવાડું નહોતું ફરક્યું તે માણસને પોતે જેના પર બળાત્કાર કરવા ગયો એ લાશ હતી એ જોઈ એવો જબરજસ્ત ઝટકો લાગ્યો કે એની મર્દાનગી ગાયબ થઈ ગઈ. જે લખાણ એવું બતાવે છે કે માણસ હેવાન બનીને પણ ઈન્સાનિયતથી નાતો નથી તોડી શક્યો એ અશ્લીલ કેવી રીતે હોઈ શકે?’ 

‘બૂ’ પણ આવી જ બદનામ વાર્તા છે. બૂ એટલે ગંધ. છોકરીઓનો શોખીન રણધીર એક દિવસ એક ઘાટણ છોકરીને ઉત્કટપણે ભોગવે છે. એ છોકરીના શરીરની ગંધને એ વર્ણવી શકતો નથી, પણ એને રોમેરોમમાં ઊતરી ગયેલી અનુભવે છે – ‘એ ગંધ બિલકુલ અસલી હતી. ઓરત અને મર્દના શારીરિક સંબંધ જેવી અસલી અને આદિમ.’ એ શ્યામ ગંધનો સ્વાદ લીધા પછી રણધીરને પત્નીનો ગૌર અને સુગંધી દેહ નીરસ અને નિર્જીવ લાગે છે. એક અવર્ણનીય સૂક્ષ્મ અનુભૂતિની વાતને સમજ્યા વિના જ આ વાર્તા પર અશ્લીલતાનો આરોપ લાગેલો અને અંગ્રેજ સરકારના સમયમાં કેસ ચાલેલો.  

મન્ટોએ વેશ્યાજીવનનું બયાન કરતી ઘણી વાર્તાઓ લખી છે. ‘કાલી સલવાર’ એમાંની એક છે. સારી કમાણીની આશામાં દિલ્હી રહેવા આવેલી સુલતાના બેકાર થઈ ગઈ છે. મહોરમ નજીક છે, એ દિવસે કાળી સલવાર પહેરવાની સુલતાનાની તમન્ના છે. શંકર નામનો ચાલબાજ સુલતાનાને કાળી સલવાર લાવી આપવાનું વચન આપે છે. વચન પાળી શકાય એ માટે તે તેની કાનની બુટ્ટી લઇ જાય છે. મહોરમના દિવસે સુલતાનાની ચાલીમાં રહેતી મુખ્તાર પૂછે છે, ‘કમીજ અને દુપટ્ટો તો રંગાવ્યા હોય તેવા લાગે છે, પણ આ સલવાર નવી છે … ક્યારે બનાવડાવી?’ સુલતાનાએ કહ્યું, ‘દરજી આજે જ આપી ગયો.’ કહેતાં કહેતાં એની નજર મુખ્તારનાં કાન પર પડી. ‘તેં આ બુટ્ટી ક્યાંથી લીધી?’ ‘મેં ય આજે જ મંગાવી.’ એ પછી બંનેને થોડીવાર માટે ચૂપ બેસવું પડ્યું.

‘ધુંઆં’માં પુખ્ત થઈ રહેલા કિશોરની વાત છે. તેને કામોત્તેજનાનો અનુભવ થાય છે પણ તે તેને સમજી નથી શકતો. તેના અંધાધૂંધ વિચારોને દિશા આપનાર કોઈ નથી. બહેનના શરીરનો સ્પર્શ, બહેન અને તેની બહેનપણીની શારીરિક નિકટતા અને એક ધૂમાડામાં ઘેરાતાં શરીર અને મનનો તરફડાટ વેધક બન્યો છે.

‘ઉપર નીચે ઔર દરમ્યાન’માં મોટી ઉંમરના પતિપત્નીએ એક વર્ષથી શરીરસંબંધ બાંધ્યો નથી. હવે બંને ઉત્સુક છે, ઇચ્છુક છે. પણ અભિજાત વર્ગના હોવાથી એને પણ દંભ અને છળમાં વીંટીને વ્યક્ત કરે છે. છેવટે સવાર પડે છે. નોકરો તૂટેલા ખાટલાની મરામત માટે સુથારને બોલાવવા જાય છે એ દૃશ્યથી વાર્તા પૂરી થાય છે. આ વાર્તા પર અદાલતમાં કેસ ચાલ્યો ને પ્રકાશક પાછળ હટી ગયો ત્યારે મન્ટોએ પોતે વાર્તા પ્રગટ કરી, ‘મને વિશ્વાસ છે કે તમે મારી આ વાર્તાને સન્માનથી જોશો કેમ કે તમે મારા પ્રિય વાચક છો, પ્રકાશક નથી.’ 

મન્ટો એક કલ્ટ છે, એક વિચાર છે, એક પાગલપણું છે, એક કહાણી છે. પોતાની વાર્તાઓ અશ્લીલ ગણવાઈ ત્યારે તે કલાની સચ્ચાઈ માટે લડ્યો, પણ ગરીબીના દિવસોમાં પણ રોયલ્ટી કે કોપીરાઇટની પરવા ન કરી. ‘જે ખામીઓને મારા નામે ચડાવવામાં આવે છે તે ખરેખર તો આ સમયની, આ સમાજની બૂરાઈઓ છે. તમે તેને સહન ન કરી શકો તો માનજો કે આ જમાનો જ નાકાબિલે-બરદાશ્ત છે.’ મન્ટોનું મૃત્યુ થયું ત્યારે કૃષ્ણચંદરે કહ્યું છે, ‘દુ:ખ મન્ટોના મૃત્યુનું નથી. એ તો સૌ માટે અફર સત્ય છે. દુ:ખ એ બધી વણલખાયેલી ઉત્તમ કૃતિઓનું છે જે માત્ર મન્ટો જ લખી શકતા હતા.’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 12 જાન્યુઆરી  2025

Loading

...102030...253254255256...260270280...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved