Opinion Magazine
Number of visits: 9966724
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હાથ ધોઈને જિંદગી બચાવવાની તબીબી સલાહ આપવા બદલ માનસિક સંતુલનથી અને આખરે જિંદગીથી હાથ ધોઈ બેઠેલા ડૉ. સેમેલ્વિસ

દીપક જોશી, દીપક જોશી|Opinion - Opinion|15 May 2020

કોવિડ-૧૯ના સંક્રમણથી બચવા અને અન્યને બચાવવા સમગ્ર વિશ્વને લાગુ પડતી સલાહ શું છે? માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો અને સૌથી અગત્યનું, સેનિટાઈઝરથી ૨૦ સેકન્ડ સુધી ઘસીને હાથ ધુઓ. હા, ઘસીને દિવસમાં વારંવાર હાથ ધોવાના છે. અમેરિકાના સૅન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલની સલાહ પ્રમાણે તો દિવસમાં સામાન્યતઃ ૧૦ વખત હાથ ધોવાના છે. ‘વૉશ યૉર હેન્ડ્ઝ’ હાલ એક મંત્ર સમાન છે. કોવિડ-૧૯ વિષાણુ સામે કોઈ રસી હજુ શોધાઈ નથી, તેથી સ્પર્શ-સંસર્ગથી વિષાણુ શરીરમાં પ્રવેશ કરે તે પહેલાં જ સેનિટાઈઝરથી તેનો નાશ કરવાનો ઉપાય હાથવગો રહ્યો છે.

સામાન્ય સંજોગોમાં તો એ જાણવામાં કદાચ રસ ન પડે, પણ અત્યારે એ જાણવા જેવું છે કે વર્ષ ૨૦૦૮થી દર વર્ષે ૧૫ ઑક્ટોબરનો દિવસ વિશ્વભરમાં ‘વર્લ્ડ હૅન્ડ વૉશિંગ ડે’ તરીકે ઉજવાય છે. કોરોનાથી પહેલાં પણ હાથ ધોવાનું આટલું બધું મહત્ત્વ શી રીતે ઊભું થયું, તેની પાછળ વિજ્ઞાનની રસિક અને કરુણ કથા રહેલી છે. જીવાણુઓનાં કારણે વિવિધ પ્રકારના રોગ થાય છે તેવા મતલબની ‘જર્મ થિયરી’ની ઘોષણા કરનાર લૂઈ પાશ્ચર કે જીવાણુઓના નાશ માટેની એન્ટીસેપ્ટિકની પ્રક્રિયાના પ્રર્વતક જોસેફ લિસ્ટર હજુ પોતાના અભ્યાસો-સંશોધનોનાં પરિણામોને ચકાસતા હતા. કોઈ એક ચોક્કસ જીવાણુ અને તેના કારણે ફેલાતા ચોક્કસ રોગ અંગેનો રોબર્ટ કોખનો સિદ્ધાંત ૪૦ વર્ષ પછી પુરવાર થવાનો હતો. જીવાણુથી થતા રોગનો સામનો કરતી પહેલી એન્ટિબાયોટિક પેનિસિલિનના શોધક એલેકઝાન્ડર ફ્લેમિંગનો જન્મ થયો ન હતો. પાઉલ એહરલિકની જીવાણુને શોધી શોધી મારી શકે તેવી જાદુઈ ગોળી (મૅજિક બુલેટ) ‘સાલવરસન’ના આગમન માટે વિશ્વને ૭૦ વર્ષ રાહ જોવાની હતી. વિષાણુ ઉર્ફે વાઇરસની ઓળખ ઘણી દૂર હતી.

ત્યારે ૧૫ મે, ૧૮૫૦ ની સાંજે વિયેનાની મૅડિકલ સોસાયટીના ભવ્ય પ્રવચન ખંડના મંચ પરથી એક યુવાન સ્ત્રીરોગશાસ્ત્રી ડૉ. ઈગ્નાઝ ફિલિપ સેમેલ્વિસે તબીબો સમક્ષ દરદીઓને બચાવવા માટે ઘસીને હાથ ધોવાનું સૂચન કરતું પ્રવચન કર્યું. શહેરની જનરલ હૉસ્પિટલમાં રોગોનું સંક્રમણ અટકાવવાના પોતાના અનુભવ અને ક્લોરિનેટેડ લાઈમના દ્રાવણથી હાથ ધોવાના ફાયદા સેમેલ્વિસે જણાવ્યા. તબીબી ક્ષેત્રની કેટલીક મહાન શોધોની જાહેરાતના સાક્ષી બની ચૂકેલા તે ખંડમાં સેમેલ્વિસના વિદ્યાર્થીઓ અને સાથીઓ ઉપરાંત ઓસ્ટ્રિયાના નામાંકિત તબીબો-સ્ત્રીરોગ નિષ્ણાતો પણ હાજર હતાં. તેમના પ્રવચનના અહેવાલો પણ ઑસ્ટ્રિયાનાં સમાચારપત્રોમાં પ્રસિદ્ધ થયા. પરંતુ કેટલાક દાયકા સુધી તબીબી આલમે સેમેલ્વિસની શોધને ગંભીરતાથી લીધી નહીં.

યુરોપના દાક્તરોએ દરદીઓને તપાસતાં પહેલાં અને પછી, દરદીઓની વાઢકાપ કરતાં પહેલાં અને પછી તથા લેબર રૂમમાં પ્રસૂતિ કરાવ્યા પહેલાં અને પછી હાથ ધોવાની-સ્વચ્છતા જાળવવાની ટેવ અપનાવી ન હતી. ત્યારે, વર્ષ ૧૮૪૭ના અરસામાં ૨૯ વર્ષના સેમેલ્વિસ વિયેનાની જનરલ હૉસ્પિટલના પ્રસૂતિગૃહમાં મદદનીશ તબીબ તરીકે નીમાયા. બે ભાગમાં વહેંચાયેલા હૉસ્પિટલનું પ્રસૂતિગૃહમાં સેમેલ્વિસે ફર્સ્ટ ક્લિનિકમાં હૉસ્પિટલના પ્રૉફેસર જોન ક્લેનના હાથ નીચે કામ કરવાનું હતું અને વિદ્યાર્થીઓને તાલીમ આપવાની હતી, જ્યારે સૅકન્ડ ક્લિનિકમાં દાયણો દ્વારા પ્રસૂતિ કરાવાતી હતી.

યુરોપ-અમેરિકાની શ્રેષ્ઠ ગણાતી હૉસ્પિટલોમાં વર્ષ ૧૮૫૦ પહેલાં તબીબો દ્વારા કરાવાતી પ્રસૂતિ દરમિયાન માતાના મૃત્યુનો દર, દાયણો દ્વારા ઘરે કરાવાતી પ્રસૂતિ વખતના મૃત્યુદર કરતાં ઘણો વધારે રહેતો હતો. બાળકના જન્મના ર૪ કલાકમાં જ પ્રસૂતાના મૃત્યુની કોઈ નવાઈ ન હતી. આ પરિસ્થિતિનું કારણ પ્રસૂતાઓને લાગતી ચાઇલ્ડ ફીવર નામની બીમારી હતી. તે દિવસોમાં યુરોપમાં મોટા ભાગની સ્ત્રીઓ ઘરે રહીને પ્રસૂતિ માટે દાયણોની સેવાઓ લેવાનું પસંદ કરતી હતી. પરંતુ અનૈતિક સંબંધો, નાજુક સ્વાસ્થ્ય અને મોટે ભાગે ગરીબીને કારણે ઘણી સ્ત્રીઓને પ્રસૂતિ માટે સરકારી દવાખાનાનો આશરો લેવો પડતો. કમનસીબે હૉસ્પિટલમાં થતી પ્રસૂતિઓને કારણે માતાઓનાં મરણનું પ્રમાણ રપ-૩૦ ટકા સુધી પહોંચી જતું હતું. કેટલાક લોકોના મતે દવાખાનાંની ગીચતા, અપૂરતાં હવા-ઉજાસ કે પ્રસૂતામાં ધાવણની શરૂઆત જેવાં કારણો આવાં મૃત્યુ માટે જવાબદાર હતાં. કેટલાક જીવલેણ-અસાધ્ય રોગો પણ કારણભૂત હોવાનો ત્યારના અગ્રણી તબીબોનો મત હતો.

સેમેલ્વિસ શરૂઆતથી જ માતાઓનાં મૃત્યુ અંગેનાં તથાકથિત કારણો સાથે સહમત ન હતા. તેમણે પોતાના વિભાગીય વડાના વિરોધ છતાં સાચાં કારણ શોધવાનું નક્કી કર્યું. તેમણે જોયું કે ફર્સ્ટ ક્લિનિકમાં દાખલ થતી ગર્ભવતી સ્ત્રીઓ ક્લિનિકમાંથી રજા લઈ પ્રસૂતિ માટે ઘરે જવાનો આગ્રહ કરતી હતી, પરંતુ સૅકન્ડ ક્લિનિકમાં દાખલ કરાતી સ્ત્રીઓને આવી કોઈ ફરિયાદ ન હતી. થોડા મહિનામાં સેમેલ્વિસના ધ્યાને એક આશ્ચર્યકારક હકીક્ત આવીઃ સૅકન્ડ ક્લિનિક કરતાં ફર્સ્ટ ક્લિનિકમાં માતાઓનો મૃત્યુદર લગભગ ત્રણ ગણો વધારે હતો.

ડૉ. સેમેલ્વિસે બંને ક્લિનિકમાં દાખલ થયેલાં દરદીઓ, તેમને તપાસનારાં, દરદીઓનાં સ્વાસ્થ્યની સ્થિતિ અને સારવાર તથા મૃત્યુ કે પ્રસૂતિ બાદ રજા આપ્યાની વિગતો સહિતની વિસ્તૃત માહિતી તૈયાર કરી. સાથેસાથે બન્ને ક્લિનિકની વ્યવસ્થા-સગવડો અને દાયણો તથા તબીબી વિદ્યાર્થીઓની કાર્યશૈલીની પણ ઝીણવટભરી નોંધો તૈયાર કરી. સેમેલ્વિસનું પ્રાથમિક તારણ એ હતું કે તબીબોની હાજરીવાળા વોર્ડમાં પ્રસૂતાઓના વધુ મૃત્યુનું કારણ તબીબો સાથે સંકળાયેલું હોવું જોઈએ. તેમના બારીક નિરીક્ષણે એ બાબત નોંધી કે સામાન્ય રીતે તબીબી વિદ્યાર્થીઓ પહેલાં દવાખાનાના શબઘરમાં મૃતદેહોની ઑટોપ્સી કરતા હતા અને ત્યાર બાદ હાથ સાફ કર્યા વિના ફર્સ્ટ ક્લિનિકમાં જતા હતા, જ્યારે દાયણોને શબઘરમાં કશું કામ ન હોવાથી તે ત્યાંથી દૂર રહેતાં હતાં. સેમેલ્વિસે વિચાર્યું કે ઑટોપ્સી દરમિયાન મૃતદેહોમાંથી કોઈ પ્રકારનું ઝેર તબીબો દ્વારા પ્રસૂતિગૃહમાં સંક્રમિત થતું હોવું જોઈએ. આ દરમિયાન ચાઇલ્ડ ફીવરની બીમારીથી અવસાન પામનાર એક સ્ત્રીની પ્રસૂતિ કરાવતાં લાગેલા ઘામાં ચેપ લાગતાં એક સાથી તબીબનું અવસાન થયું. તબીબ અને મૃત પ્રસૂતાની બીમારીનાં લક્ષણોમાં સામ્ય જોવા મળતાં સેમેલ્વિસની ધારણાને બળ મળ્યું. કેટલાક અખતરા બાદ સેમેલ્વિસે તમામ દાક્તરોને ઘસીને હાથ ધોવાની સલાહ આપી. શરૂઆતના તબક્કે સાબુનાં પાણીનો ઉપયોગ સફળ ન થતાં ક્લોરિનેટેડ લાઈમનાં દ્વાવણનો ઉપયોગ કરવાની સૂચનાઓ કરી અને તમામ તબીબી કામગીરી દરમ્યાન ફરજિયાતપણે હાથ ધોતા રહેવાની નીતિ અખત્યાર કરાવી. પરિણામે ફર્સ્ટ ક્લિનિકમાં પ્રસૂતા સ્ત્રીઓનાં મૃત્યુની ટકાવારી  ૧૮.૨૮ ટકાથી ઘટીને ૧.૨૭ ટકા થઈ ગઈ. ૧૮૪૮ના ઑગષ્ટ મહિનાથી સેમેલ્વિસના ફર્સ્ટ ક્લિનિકમાં ચાઇલ્ડ ફીવરને કારણે થતાં પ્રસૂતાનાં મૃત્યુ અટકી ગયાં.

સેમેલ્વિસને ચાઇલ્ડ ફીવરના સંક્રમણ અને ઉદ્દભવ માટે જવાબદાર જીવાણુનો તે સમયે ખ્યાલ કે વિચાર આવ્યો ન હતો. વિયેનાના યુવાન તબીબોને સેમેલ્વિસની શોધનું મહત્ત્વ સમજાયું હતું. પરંતુ અનુભવી અને ઉપરી તબીબો સેમેલ્વિસને સમજી શક્યા ન હોવાથી તેમની ટીકા કરતા હતા. ચાઇલ્ડ ફીવરનું કારણ માત્ર સ્વચ્છતાનો અભાવ હોઈ શકે. તેવી સેમેલ્વિસની ધારણાની હાંસી ઊડાવવામાં આવી. કેટલાકને વારંવાર હાથ ધોવાની કાર્યપદ્ધતિની અગવડ પસંદ ન હતી. એટલું જ નહીં, ઘણા તબીબોએ સેમેલ્વિસનાં સૂચનો અને ઘસીને હાથ ધોવાની પદ્ધતિને અવગણ્યાં. ઇતિહાસકારો નોંધે છે કે પોતાના ઉપરી તબીબો દ્વારા હાથ ધોવાની પદ્ધતિની અસરકારકતાનો ખાતરીબદ્ધ પુરાવા સેમેલ્વિસ આપી શક્યા ન હતા. પ્રસૂતાઓનાં મૃત્યુ માટે ખરાબ હવા જવાબદાર છે, તેવી માન્યતામાં ઉપરી તબીબો શ્રદ્ધા ધરાવતા હતા. તબીબી વ્યવસાય દૈવી ગણાતો હોવાથી તબીબો પોતે જ કોઈ રોગ માટે જવાબદાર હોય, તેવી સેમેલ્વિસની ધારણા તેમને સદંતર અસ્વીકાર્ય હતી.

સૈદ્ધાંતિક અને વૈચારિક ઘર્ષણના પરિણામે વિયેનાની જનરલ હૉસ્પિટલમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકેની સેમેલ્વિસની નિમણૂંક રિન્યૂ કરવામાં ન આવી. તેથી સેમેલ્વિસ નિરાશ થઈ વિયેના છોડી હંગેરીમાં પોતાના વતન બુડાપેસ્ટ ગયા. ૧૮૫૧માં તેઓ સેન્ટ રોકસ હૉસ્પિટલમાં સ્ત્રીરોગ વિભાગના વડા નીમાયા. ત્યાં તેમણે દાક્તરો અને નર્સોને સંક્રમણ અટકાવવા ક્લોરિનેટેડ લાઈમના દ્રાવણથી હાથ ધોવાની પ્રણાલીમાં જોડ્યાં અને તે હૉસ્પિટલનો માતાઓનો મૃત્યુદર ઘટાડવામાં સફળ થયા. એટલું જ નહીં, સેમેલ્વિસે આ પ્રણાલીનો ઉપયોગ તબીબી તપાસ, વાઢકાપ અને પ્રસૂતિમાં વપરાતાં તમામ સાધન-ઓજારોનાં નિજંતુકરણ માટે કરવાનું પણ શરૂ કર્યું. દવાખાનાંઓની આંતરિક વ્યવસ્થાઓમાં હાથ ધોવા માટે પાણીની વ્યવસ્થા, વૉશ બેઝિન, સાબુ અને ચોખ્ખા રૂમાલની સગવડોનો પણ ઉમેરો કર્યો. દરદીઓની સારવાર માટેની કાર્યપદ્ધતિમાં મહત્ત્વના ફેરફાર સૂચવ્યા. તેમ છતાં સેમેલ્વિસની શોધને સાર્વત્રિક આવકાર ક્યારે ય ન મળ્યો. બુડાપેસ્ટના અન્ય સ્ત્રીરોગ નિષ્ણાતોએ સેમેલ્વિસના વિચારોને સ્વીકાર્યા ન હતા.

ક્લોરિનેટેડ લાઈમનું દ્રાવણ હકીકતમાં ચાઇલ્ડ ફીવર માટે જવાબદાર જીવાણુઓનો નાશ કરે છે અને આ જીવાણુઓ સડેલા મૃતદેહો કે અન્ય પદાર્થોમાંથી સંક્રમિત થતા હોવાનો તાર્કિક સંબંધ સેમેલ્વિસ સમજાવી શક્યા ન હતા. જો કે પ્રોફેસર બર્લીના અવસાન બાદ વર્ષ ૧૮૫૫ માં સેમેલ્વિસ પેસ્ટ યુનિવર્સિટીમાં પ્રોફેસર બની શક્યા હતા. ત્યાં સુધી ક્લોરિનેટેડ લાઈમના દ્રાવણના જીવાણુનાશક તરીકેના ઉપયોગની તેમની શોધ અને તેનાં પરિણામ તેમણે પ્રસિદ્ધ કર્યાં ન હતાં. આખરે વર્ષ ૧૮૬૧માં તેમણે પોતાનું સંશોધન પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ કરી ચાઇલ્ડ ફીવરના સંક્રમણની પદ્ધતિ સમજાવી અને તેના નિવારણ માટે ઘસીને હાથ ધોવાની કાર્યપદ્ધતિની અસરકારકતાનાં પરિણામો રજૂ કર્યાં. એ જ પુસ્તકમાં તેમણે પોતાના ટીકાકારોની ખૂબ આકરા શબ્દોમાં ટીકા પણ કરી હતી.

સેમેલ્વિસના વ્યક્તિત્વને સમજવું અને તેમના સાથે કામ પાર પાડવાનું અઘરું હતું. અભ્યાસીઓના મતે તેમનું વ્યક્તિત્વ પણ એક રીતે તેમની શોધના અસ્વીકારનું એક કારણ બની ગયેલું. મિત્રોના આગ્રહ છતાં તેમણે ૧૩ વર્ષ સુધી પોતાના સંશોધનને પ્રસિદ્ધ કરવાનો ઈનકાર કર્યા હતો. તે માનતા હતા કે લાઈમ વોટરના દ્વાવણથી હાથ સાફ કરવાની શોધને કોઈ પુરાવાની જરૂર નથી. કહેવાય છે કે તે ઉદ્ધત અને અહંકારી પણ હતા. પોતાની શોધના અસ્વીકારના કારણે વ્યાપેલી હતાશાને કારણે તેઓ ક્રોધાવેશમાં સૌથી શક્તિશાળી અને ઉપરી તબીબોનું ખરાબ રીતે અપમાન કરતા હતા. તબીબી ક્ષેત્રના વ્યવસાયિકોની પોતાના તરફની ઉદાસીનતાથી સેમેલ્વિસ અકળાઈ ગયા હતા અને યુરોપના જાણીતા સ્ત્રીરોગ નિષ્ણાતોને તેમણે તીખી ભાષામાં જાહેર પત્રો લખવાનું શરૂ કર્યું હતું. અપમાન સહન નહીં કરવાના કારણે તેમના વર્તનમાં આવેલ પરિવર્તન અને આક્રોશને કારણે તેમનાં પત્ની મારિયા અને મિત્રોએ માન્યું કે સેમેલ્વિસે માનસિક સ્થિરતા ગુમાવી છે. વર્ષ ૧૮૬૫માં તેમને અસ્થિર મગજના લોકોની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યાં પખવાડિયા બાદ તેમનું મૃત્યુ થયું. હૉસ્પિટલમાંથી ભાગવા જતાં હૉસ્પિટલના ચોકીદારોના મારથી તેમનું મૃત્યુ થયાની ધારણા છે.

ઉપરની તસવીરોમાં ડૉ. સેમેલ્વિસના પ્રદાન પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે જર્મની, ઑસ્ટ્રિયા અને હંગેરીએ જુદા જુદા સમયે પ્રગટ કરેલી ટપાલટિકિટો

નવી શોધ કે નવા પુરાવાની અવગણના કરવાના વલણને વિજ્ઞાનના ઇતિહાસકારો સેમેલ્વિસે રીફ્લૅક્સ તરીકે ઓળખાવે છે. સ્થાપિત ધોરણો અને માન્યતાઓથી વિરુદ્ધની નવી શોધો જ્યારે જૂના વિચારો માટે પડકારજનક સાબિત થાય છે, ત્યારે તેમના શોધકો સેમેલ્વિસની જેમ અવગણનાનો ભોગ બનતા હોય છે. તબીબી વિજ્ઞાનના ઇતિહાસકારો સેમેલ્વિસને યોગ્ય રીતે જ ‘સંક્રમણનિયંત્રણના પિતા‘ અને ‘માતાઓના ઉદ્ધારક‘ તરીકે ઓળખાવે છે. તે જ્યાં અધ્યાપક હતા તે બુડાપેસ્ટની મેડિકલ સ્કૂલનું નામ તેમની સ્મૃતિમાં ‘સેમેલ્વિસ યુનિવર્સિટી ઓફ મેડિસિન‘ રાખવામાં આવ્યું છે.

ઈંગ્લેન્ડના સર્જન જોસેફ લિસ્ટરે વર્ષ ૧૮૬૫માં જ એક અસરકારક જીવાણુનાશક —એન્ટીસેપ્ટિક એજન્ટ તરીકે કાર્બોલિક એસિડ(ફિનોલ)ની શોધ પ્રસિદ્ધ કરી, જેનો વ્યાપકપણે સ્વીકાર થયો. સેમેલ્વિસની શોધ અને સંઘર્ષથી અજાણ લિસ્ટર પછીથી તેમના પ્રત્યે આદરભાવ વ્યક્ત કરવાનું ચૂક્યા ન હતા.

વર્ષ ૧૮૫૦માં ચાઇલ્ડ ફીવરને રોકવા કે તેનો સામનો કરવા કોઈ દવા કે રસી શોધાઈ ન હતી, તેમ કોવિડ-૧૯ના પ્રતિકાર માટે પણ આજે કોઈ ઉપાય ઉપલબ્ધ નથી. તેથી ૧૫ મે, ૧૮૫૦ પછી બરાબર ૧૭૦ વર્ષ પછી ૧૫ મે, ૨૦૨૦ના દિવસે પણ એક જુદા જ રોગનુ સંક્રમણ રોકવા ડૉ. સેમેલ્વિસની ‘વૉશ યૉર હૅન્ડ્ઝ ટુ સેવ લાઇવ્ઝ’ની સલાહ વર્તમાન વિશ્વ માટે એટલી જ સાચી છે.

e.mail : dipakjoshi3057@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 15 મે 2020

Loading

વાઇરસની સાથે અને સંસદ વિના જીવવાની આદત?

શ્રવણ ગર્ગ|Opinion - Opinion|15 May 2020

દેશે હવે કોરોના વાઈરસ સાથે જીવવાનું શીખવું પડશે એવા એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ સમાચાર અજાણતાં કે પછી જાણીબૂઝીને સરકારના એક અધિકૃત પ્રવક્તા-અધિકારી દ્વારા આપવામાં આવ્યા, તે ભારે નવાઈની વાત છે. આ જાણકારીમાં અત્યાર સુધી દેખાડવામાં આવતાં હતાં તેવાં કોઈ આશાનાં કિરણ દેખાતાં નથી. એ અંગે કોઈ આશ્વાસન કે જાહેરાત પણ નથી કરવામાં આવી કે કોરોનાસંકટ ક્યાં સુધી કાબૂમાં આવી જવાની ઉમેદ છે, દવા કે વૅક્સિનની શોધનું કામ ક્યાં પહોંચ્યું છે, આવનારા કેટલા દિવસોમાં જીવન રાબેતા મુજબ થઈ શકશે, નાગરિકોએ સરકાર પાસેથી ક્યા પ્રકારની મદદની અપેક્ષા રાખવી જોઈએ વગેરે … આવા કોઈ સવાલ ન પત્રકારોએ પૂછ્યા કે ન તો પ્રવક્તાએ આ બાબતે કંઈ કહ્યું. આટલા મોટા સમાચાર શાકભાજી સાથે મફત અપાતાં આદુમરચાંની જેમ આપવામાં આવ્યા અને જેમણે આ બાબતે માહિતગાર થવાનું હતું તે તો તરતોતરત ભૂલી પણ ગયા.

મહામારી સાથે જીવવાનું નાગરિકો જરૂર શીખી જશે. આવી પરિસ્થિતિમાં તેમની પાસે તે અપેક્ષિત પણ છે. પરંતુ શું જેની સાથે તેમની આસ્થા અને વિશ્વાસ જોડાયેલાં છે, તે લોકતાંત્રિક સંસ્થાઓ સાથે જીવવાનું પણ તેમણે અચોક્કસ મુદ્દત સુધી ભૂલી જવું પડશે?

થોડા સમય પહેલાં એક લેખમાં દેશના પ્રતિષ્ઠિત ન્યાયવિદે જણાવ્યું હતું કે મહામારી સાથે કામ પાડવા માટે દુનિયાભરની સરકારોએ અસામાન્ય સત્તાઓ ધારણ કરી લીધી છે. ફ્રાન્સમાં તો ચૂંટણીઓ ટાળી દેવાઈ છે, એમ જણાવીને તેમણે સૂચન કર્યું છે કે હાલના અસામાન્ય સંજોગોમાં જ્યારે બધા લોકો સરકારનો સહયોગ કરી રહ્યા છે, ત્યારે વહીવટી તંત્રના નિર્ણયો લેવાનાં કામમાં અદાલતોએ કોઈ પણ પ્રકારના અવરોધ ઊભા ન કરવા જોઈએ.

મહામારી સાથે જીવવાની આદતોનો સંબંધ શિસ્તપૂર્વક સોશિયલ કે ફિઝિકલ ડિસ્ટન્સિગનાં પાલન સાથે હોય, તો પછી નાગરિકોએ લૉક ડાઉન પ્રતિબંધોની સાથે એ માની લેવાનું રહે કે હવે લાંબા સમય સુધી સંસદ કે વિધાનસભાની બેઠકો પણ મળી શકશે નહીં. શું વડાપ્રધાન, સંરક્ષણપ્રધાન અને ગૃહપ્રધાન સંસદમાં પાસે પાસે બેસી શકશે? સંસદની સીમિત જગ્યામાં આટલા બધા સાંસદો અપેક્ષિત શારીરિક અંતર રાખીને કઈ રીતે બેસી શકશે? જો ટુકડે ટુકડે પણ આ મહામારી બે-ત્રણ વરસ સુધી રહેવાની હોય તો ચૂંટણીઓ યોજાવાની સંભાવના વિશે જનતાએ ક્યા પ્રકારની માનસિક તૈયારી રાખવાની થશે? આ વરસના અંતે યોજાનારી બિહાર વિધાનસભાની ચૂંટણીનું શું થશે? બિહાર પરત આવનારા સ્થળાંતરિત કામદારોની સંખ્યા જ લાખોની છે. અત્યારની રીતે ચાલતું રહ્યું તો તેમની વતનવાપસીની ટ્રેનો ચૂંટણીની તારીખો સુધી ચાલતી રહેશે? લૉક ડાઉન દરમિયાન સંસદ સહિતની બધી લોકતાંત્રિક સંસ્થાઓના ભવિષ્યની ચિંતા અંગે કૉન્ગ્રેસ અને વિપક્ષ સાવધ નથી, એમ તો માની લેવાય નહીં. તો પછી ક્યાંક એવું તો નથી ને કે કૉન્ગ્રેસમાં આ મુદ્દે વાત કરવાનું સાહસ નથી?

જે પ્રતિષ્ઠિત ન્યાયવિદના લેખનો ઉપર ઉલ્લેખ કર્યો છે તેમણે કટોકટી દરમિયાન ૧૯મી જૂન ૧૯૭૫થી ૨૧ મી માર્ચ ૧૯૭૭ સુધી લોકશાહીને એક તરફ ધકેલી દેવાઈ હોવાનું જણાવ્યું છે. તેમણે એમ પણ લખ્યું છે કે કટોકટીના ગાળામાં જો લોકશાહીને કશું નુકસાન નથી પહોંચી શક્યું તો લૉક ડાઉન વખતના પ્રતિબંધોથી પણ લોકશાહીને ચોક્કસપણે કોઈ નુકસાન થવાનું નથી. હવે એ સવાલનો જવાબ કોની પાસે માગવો કે મહામારીના સંકટનો સામનો કરવા માટેના સરકારી પ્રયાસો માટે આભાર વ્યકત કરતો પ્રસ્તાવ મૂકવા અને સ્થળાંતરિત મજદૂરો સહિત દેશના નાગરિકોએ ભોગવેલી હાડમારીની જવાબદારી નક્કી કરવા માટે વર્ષ ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીઓ પહેલાં, દેશ પાસે કોઈ સંસદ કે વિધાનગૃહ ઉપલબ્ધ હશે કે નહીં.      

અનુવાદઃ ચંદુ મહેરિયા

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 15 મે 2020

Loading

કોરોના મહામારી અને દેશવ્યાપી તાળાબંધી : કેટલી જરૂરી હતી? કેટલી અસરકારક રહી છે?

અંબરીષ મહેતા|Opinion - Opinion|14 May 2020

કોવિડ-૧૯ની મહામારીને ખતમ કરવા માટેની દેશવ્યાપી તાળાબંધીને પચાસ દિવસ પૂરા થયા છે, ત્યારે અત્યાર સુધીની પરિસ્થિતિનું આકલન કરીને નીચેના પ્રશ્નોના તથ્યો આધારિત જવાબો મેળવવા ખૂબ જરૂરી છે :

૧. આ તાળાબંધી કેટલી જરૂરી હતી? ૨. મહામારીને અટકાવવામાં તે કેટલી અસરકારક રહી છે? ૩. અત્યારની પરિસ્થિતિ શું છે? ૪. આવનારા દિવસોમાં શું કરવાની જરૂર છે?

વાઇરસને રોકવા માટે ૧.૩૫ અબજ લોકોની વસતિવાળા આખા દેશને બંધ કરી દેવાનો આ કદાચ પહેલો દાખલો હશે. છતાં, ખતરનાક બીમારીથી બચવા માટે એમ કરવું જરૂરી છે, એમ માનીને આપણે સૌએ તેને ટેકો આપ્યો છે – અનેક મુશ્કેલીઓ વેઠીને તેનું પાલન પણ કરી રહ્યા છીએ. સરકારના પ્રખર આલોચકોએ પણ તાળાબંધીની જરૂરિયાતના મુદ્દે સરકારની કોઈ ટીકા નથી કરી. સંકટના સમયે આમ આખો દેશ એક થાય એ ઘણી સરાહનીય બાબત છે. આમ છતાં, અને કદાચ એટલે જ, પચાસ દિવસ પછી ઉપરના પ્રશ્નોના જવાબ મેળવવાનો પ્રયાસ જરૂરી છે. લોકતાંત્રિક દેશના નાગરિક તરીકે એ આપણી ફરજ પણ છે.

એ તો સૌ સ્વીકારે છે કે આ તાળાબંધી તેમ જ સોશિયલ ડિસ્ટન્સિંગ વગેરેને કારણે આપણે ખૂબ મોટી આર્થિક અને સામાજિક કિંમત ચૂકવી રહ્યા છીએ અને આવનારા દિવસોમાં હજી વધારે કિંમત ચૂકવવાની થશે. આપણે એ પણ જાણીએ છીએ કે આ પગલાંઓને લીધે સરકારોની અને ખાસ કરીને પોલીસની દંડાત્મક સત્તામાં અસીમ વધારો થઈ ગયો છે, જેનો દુરુપયોગ પણ થઈ શકે છે અને તે જોવા પણ મળી રહ્યો છે. દેશમાં જ્યાં ઇચ્છીએ ત્યાં રહેવાના અને કામ ધંધો કરવાનો મૂળભૂત અધિકાર અને સ્વતંત્રતા પણ કોરાણે મુકાઈ ગયાં છે. તેમ છતાં એક વાઇરસે પેદા કરેલા અસાધારણ સંકટનો સામનો કરવા માટે આ પગલાંને આપણે વાજબી માન્યાં છે. એટલે આ લેખમાં વર્તમાન સ્થિતિમાં ઊભા થયેલા બીજા મુદ્દા બાજુ પર રાખીને, લેવાયેલાં પગલાં કેટલાં જરૂરી હતાં અને કેટલાં અસરકારક પુરવાર થયાં છે, એની જ ચર્ચા કરીશું.

01 માર્ચથી 12 મે, 2020 સુધીમાં ભારતમાં પ્રતિદિન દસ લાખની વસ્તીએ નોંધાયેલા કોવિડ-19ના નવા કેસ, સ્રોત : ભારત સરકાર

ભારતમાં કોરોના મહામારીની તરાહ અને સ્થિતિ

ઉપરનો આલેખ આપણા દેશમાં ૧લી માર્ચથી ૧૨ મે ૨૦૨૦ સુધી દરરોજ કોવિડ-19ના કેટલા નવા કેસ નોંધાયા તે દર્શાવે છે. ડાબી ધરી દરરોજ નવા કેટલા કેસ નોંધાયા તે દર્શાવે છે. (આ આંકડા પાંચ દિવસની ચાલુ સરેરાશના સ્વરૂપમાં હોય છે, જેથી રિપોર્ટીંગની ભૂલોને કારણે પેદા થતી વિસંગતિ દૂર થઈ જાય). જમણી ધરી દસ લાખની વસતિએ કુલ કેટલા નવા કેસ નોંધાયા તે દર્શાવે છે. આલેખ દર્શાવે છે કે ૨૪ માર્ચના રોજ જ્યારે તાળાબંધી લાદવામાં આવી ત્યારે દૈનિક નવા કેસની સંખ્યા ૯૫ (દર દસ લાખની વસતિએ ૦.૦૬ની) જેટલી હતી. ત્યાં સુધીમાં કુલ ૪૬૯ કેસ નોંધાયા હતા અને ૧૦ વ્યક્તિઓ મૃત્યુ પામી હતી. આ તમામ કેસ વિદેશપ્રવાસેથી પાછા આવેલા કે તેમનાં કુટુંબીજનો કે તેમના સીધા સંપર્કમાં આવેલા લોકોના જ હતા.

આલેખ પરથી જોઈ શકાય છે કે ૨૫મી માર્ચ પછી પણ નવા કેસની સંખ્યા સતત વધતી જ રહી છે અને ૧૨ મે સુધીમાં રોજના ૩,૭૦૦ (દસ લાખની વસતિએ ૨.૮) કેસ સુધી પહોંચી ગઈ છે. શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ૭૪,૨૮૧ કેસ (દસ લાખે ૫૪) થયા છે અને કુલ મૃત્યુ ૨,૪૧૫ (દસ લાખે ૧.૭૮) થયાં છે. આ તમામ કેસ એવા છે જેમનો ટેસ્ટ પૉઝિટિવ હોય. આઇ.સી.એમ.આર.ના પ્રતિનિધિએ ૨૧મી એપ્રિલના રોજ પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યા મુજબ, લગભગ ૮૦ ટકા કેસમાં રોગનાં કોઈ લક્ષણ જોવા મળતાં નથી. બીજા ૧૫ ટકા કેસમાં હળવાંથી મધ્યમ લક્ષણો જોવાં મળે છે અને ફક્ત પાંચ ટકા જ ગંભીર લક્ષણો ધરાવે છે, જેમને વૅન્ટિલેટરની જરૂર પડી શકે છે.

આ આંકડા શું દર્શાવે છે?

સૌ પ્રથમ તો આંકડા એ દેખાડે છે કે માર્ચ મહિનામાં દેશમાં કોરોનાને લઈને એવી કોઈ જ કટોકટી ઊભી નહોતી થઈ કે જેને ડામવા માટે આવી દેશવ્યાપી તાળાબંધી કરી દેવી પડે. ૨૪ માર્ચ સુધીમાં દેશમાં કોરોનાના પાંચસોથી ઓછા કેસ નોંધાયા હતા અને એમાંથી દસ વ્યક્તિઓ મૃત્યુ પામી હતી. આની તુલનામાં આપણા દેશમાં દરરોજ ટી.બી.ના સરેરાશ ૭,૩૭૦ નવા કેસ થાય છે અને રોજ ૧,૨૬૦ જેટલાં લોકો મૃત્યુ પામે છે. તેમ છતાં, હજી સુધી કોઈએ ટી.બી.થી થતાં મૃત્યુથી બચાવવા માટે તાળાબંધી કરવાની હાકલ કરી નથી.

એવું કહેવાય છે કે આ એક નવો જ રોગ છે, જેની સામે કોઈ દવા કે રસી નથી અને એણે બીજા દેશોમાં તબાહી મચાવી જ દીધી હતી, એટલે આપણા દેશમાં એને ઊગતો જ ડામી દેવા માટે તાળાબંધી જરૂરી હતી. નવા રોગને ઊગતો ડામી દેવાનો ઉદ્દેશ્ય તો ઉમદા જ હતો અને એની સામે કોઈને વાંધો ન જ હોય. પરંતુ એ માટે શું તાળાબંધી જ ઉપાય હતો? તે માટેનો સારામાં સારો ઉપાય તો એ દિવસોમાં વિદેશથી આવનારા બધા જ લોકોને પંદર દિવસ માટે ક્વૉરન્ટીન કરી દેવાનો હતો, જેથી એમાં કોઈ પણ વ્યક્તિ ચેપવાળી હોય તો તે પોતાના ઘરે જતાં પહેલાં સાજી અને વાઇરસમુક્ત થઈ જાય. પરંતુ આપણે તેમ ન કર્યું. માત્ર તેમને ચકાસીને જેમનામાં લક્ષણો હતાં એવા જ લોકોને અલગ કરીને ક્વૉરન્ટીન કરેલા. આના કારણે લક્ષણો વગરના ઘણા લોકો બહાર આવી ગયા અને રોગ ફેલાવવા લાગ્યા. માર્ચના અંતમાં પણ, છેલ્લા એક મહિનામાં વિદેશ યાત્રાથી પરત ફર્યા હોય તેમને અને તેમના સંપર્કોને શોધીને એમને પંદર દિવસ માટે અલગ (ક્વૉરન્ટીન) કરી દેવાનું નક્કી કરવામાં આવ્યું હોત, તો પણ એ આખા દેશને બંધ કરી દેવા કરતાં સહેલું હતું.

બીજી વાત આ આંકડા એ કહે છે કે જો તાળાબંધી કરવી જ હતી, તો પણ પ્રવાસી શ્રમિકોને તેમના ઘરે જતા અટકાવવા માટે કોઈ કારણ નહોતું. ત્યારે આખા દેશમાં પાંચસોથી પણ ઓછા કેસ હતા અને તે પણ વિદેશ-યાત્રાથી પાછા આવેલાં કે એમનાં કુટુંબીજનોમાં જ હતા. એટલે તે સમયે સ્થળાંતરિત શ્રમિકોને આ રોગનો ચેપ લાગ્યો હોવાની સંભાવના શૂન્ય હતી. અને એટલે તે પોતાની સાથે વાઇરસ લઈ જશે અને પોતાના વતનનાં ગામો અને નગરોમાં તે ફેલાવશે એ વાત સાવ કાલ્પનિક હતી. તેમ છતાં, આપણે તેમને વતન જવા દેવાનો કોઈ સમય પણ ન આપ્યો અને વ્યવસ્થા પણ કરી નહીં. એટલું જ નહીં, નાનાં બાળકો, વૃદ્ધ કે સગર્ભા બહેનો સહિત તેઓ જ્યારે પોતાની રીતે પગે ચાલીને જવાં માંડ્યાં, ત્યારે એમને રસ્તામાં જ રોકી દીધાં કે કામચલાઉ જેલોમાં પૂરી દીધાં અને કેટલાયે કેસમાં તેમની સાથે પ્રાણીથી પણ બદતર વ્યવહાર કર્યો. પોતાના બાવડાના બળે પ્રામાણિક રોજી રળતાં આ લોકોને બીજાની દયામાયા પર જીવવાને મજબૂર બનાવી દીધાં. સ્થળાંતરિત શ્રમિકો સાથેનો આ વ્યવહાર તાળાબંધી પરનો મોટામાં મોટો ધબ્બો છે.

ત્રીજી બાબત આ આંકડા એ જણાવે છે કે તાળાબંધી અને સોશિયલ ડિસ્ટન્સિંગ દ્વારા આપણે મહામારીને ઊગતી જ ડામી દેવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છીએ. હકીકતમાં તો કેસોની સંખ્યા દિવસેદિવસે વધતી જ રહી છે અને હવે તો કુલ કેસોની સંખ્યા ૭૪,૨૮૧ જેટલી થઈ ગઈ છે અને રોજના ૩,૭૦૦ નવા કેસ નોંધાયા છે. તબીબી નિષ્ણાતો એક દલીલ એવી કરે છે કે આ તાળાબંધીનો ઉદ્દેશ્ય વાઇરસને શરૂઆતમાં જ ખતમ કરી દેવાનો નહીં, પરંતુ તેની ઝડપ ઓછી કરી દેવાનો હતો, જેથી એક દિવસના મહત્તમ કેસોની શિખરસંખ્યા (ટોચ) નીચે લાવી શકાય અને આપણી આરોગ્યવ્યવસ્થા વધારે પડતા કેસોના ભારથી તૂટી ન પડે.

પરંતુ એ પણ ખાસ મોટા પાયે થઈ રહ્યું હોય એવું જોવા મળતું નથી. નવા કેસ વધવાનો દર કદાચ થોડોઘણો ધીમો થયો હશે, પરંતુ હજી તો આપણે ટોચ પર પહોંચ્યા નથી. અને અત્યારે તો હવે જે ઝડપથી કેસ વધી રહ્યા છે એ જોતાં કોઈ ખાસ ફરક પડશે એમ જણાતું નથી.

આની સાથે જોડાયેલો મુદ્દો એ છે કે એ સ્થિતિમાં એક રસ્તો શરૂઆતમાં મહામારીને રોક્યા વિના આગળ વધવા દેવાનો છે, જેથી કરીને વધારે ને વધારે લોકો એની સામે ઇમ્યુનિટી મેળવતા જાય અને આપણે ‘હર્ડ ઇમ્યુનિટી’ પ્રસ્થાપિત કરી શકીએ. શરૂઆતમાં કોઈમાં આ વાઇરસ સામેની ઇમ્યુનિટી હોતી નથી, એટલે તે ઝડપથી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાવા માંડે છે. પરંતુ જેમ જેમ વધારે ને વધારે લોકોને એનો ચેપ લાગતો જાય છે, તેમ તેમ તે સૌ તેની સામે ઇમ્યુનિટી પણ મેળવતા જાય છે અને એટલે ફરી એમને એ રોગ લાગી શકતો નથી. આવી ઇમ્યુનિટી ધરાવનાર વ્યક્તિઓનું પ્રમાણ સમાજમાં વધતું જાય એટલે વાઇરસ માટે ઇમ્યુનિટી વગરની વ્યક્તિઓના સંપર્કમાં આવવાનું મુશ્કેલ બનતું જાય છે અને વાઇરસ નવી વ્યક્તિને ચેપ આપ્યા વગર જ મરવા માંડે છે. આમ થોડા વખતમાં આ મહામારી ખતમ થઈ જાય છે, સમાજમાં ઇમ્યુનિટી વગરની ઘણી વ્યક્તિઓ હોવા છતાં. સમાજમાં લોકો રોગ થવાને કારણે તેની સામે ઇમ્યુનિટી મેળવી લઇને પોતાને જ નહીં, બાકીના ઇમ્યુનિટી વગરના લોકોને પણ રોગ સામે રક્ષણ આપે છે. આ બાબતને હર્ડ ઇમ્યુનિટી (Herd Immunity) કહે છે.

હર્ડ ઇમ્યુનિટી પછી જરૂર પડે તો પાછળથી સોશિયલ ડિસ્ટન્સિંગ કે તાળાબંધી જેવા ઉપાય પણ લાગુ કરી શકીએ, જેથી હર્ડ ઇમ્યુનિટી અને આ ઉપાયો એમ બંને મળીને મહામારીને ઝડપથી ખતમ કરી દે. સાથે સાથે જેમને એનાથી વધારે જોખમ છે એવા ૬૫ વર્ષથી મોટાં તેમ જ બીજી ગંભીર બીમારી ધરાવનારાઓને પહેલેથી અલગ રાખીને રોગથી બચાવી શકીએ. પરંતુ એમ ન કરતા આપણે શરૂઆતથી જ આખા દેશમાં તાળાબંધી લાગુ કરી દીધી. એમ કરવાથી મહામારી વધારે સમય સુધી રહે છે અને હર્ડ ઇમ્યુનિટી સ્થપાતી નથી, પરિણામે પ્રતિબંધો ઉઠાવી લઇએ ત્યારે મહામારી પાછો ઊથલો મારે છે અને ફરી શરૂ થઈ જાય છે.

અત્યારની પરિસ્થિતિ શી છે?

વધતા જતા કેસ સાથે પણ આપણા દેશની પરિસ્થિતિ હજુ એટલી ખરાબ નથી અને બીજા દેશોની સરખામણીમાં તો ઘણી સારી છે. અત્યાર સુધીમાં આપણે ત્યાં ૭૪,૨૮૧  જેટલા કેસ થયા છે એટલે કે દસ લાખે ૫૪ કેસ. તેમાંથી ૨,૪૧૫ મરણ થયાં છે. પ્રતિદિન નવા કેસની સંખ્યા ૩,૭૦૦ (દસ લાખે ૨.૮) જેટલી છે. આની સરખામણીમાં અમેરિકાના કુલ ૧૨ લાખ (દસ લાખે ૩,૬૦૦) કેસ નોંધાયા છે અને ૭૦,૦૦૦ (દસ લાખે ૨૦૦) લોકો મૃત્યુ પામ્યા છે. યુરોપમાં ૧૪ લાખ કેસ તથા ૧.૪૪ લાખ લોકો મૃત્યુ પામ્યા છે.

આપણી સ્થિતિ સારી છે તે તાળાબંધીને લીધે છે એવી પણ એક દલીલ થઈ રહી છે. પરંતુ એ સાચું નથી. તાળાબંધી, સોશિયલ ડિસ્ટન્સિંગ વગેરેથી પરિસ્થિતિ થોડી હળવી થઈ શકે છે, આવો ધરખમ તફાવત નથી પડતો. અને એમ હોત તો આંકડાઓમાં એ જરૂર દેખાત.

આપણી પરિસ્થિતિ સારી છે એનું એક કારણ કદાચ એ છે કે દક્ષિણ-પૂર્વી એશિયાના અન્ય દેશો, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડની જેમ આપણા દેશમાં પણ જે વાઇરસ આવ્યો એ નરમ પ્રકારનો છે, જ્યારે દક્ષિણ કોરિયાથી ઇરાન થઇને ઇટાલીથી ન્યૂયોર્ક ગયેલો વાઇરસ વધારે તીવ્ર પ્રકારનો હતો. બીજું કારણ એ પણ હોઈ શકે કે આપણે ત્યાં આ મહામારી શિયાળો પૂરો થયા પછી, માર્ચ મહિનામાં ફ્લુની સીઝન પૂરી થયા પછી શરૂ થઇ એટલે પણ એ નરમ હોય. એ જે હોય તે, પણ આપણે ભૂલવું ન જોઇએ કે તાજેતરમાં જે ઝડપથી કેસ વધવા માંડ્યા છે તે જોતાં હજી પણ પરિસ્થિતિ વણસી શકે છે. એટલે બધું સારું છે એમ માનીને શાંતિથી બેસી શકીએ એમ નથી.

હવે શું કરવું જોઇએ?

એ તો સ્પષ્ટ છે કે તાળાબંધી કે સોશિયલ ડિસ્ટન્સિંગ કે જેમને ચેપ લાગ્યો હોય એ બધાને શોધીને અલગ હૉસ્પિટલમાં ક્વૉરન્ટીન કરી દઈને મહામારીને આગળ વધતી અટકાવવાના પ્રયત્નો કેસ ઓછા હતા ત્યારે પણ નિષ્ફળ ગયા છે. એટલે હવે જ્યારે કેસ ખૂબ વધી ગયા છે ત્યારે એ ઉપાયો ચાલુ રાખવાનો કોઇ મતલબ નથી. તેને બદલે, નવો જ અભિગમ અપનાવીને આ તાળાબંધીના પ્રતિબંધોને દૂર કરવા જોઈએ અને જેમને તેનાથી જોખમ નથી એ લોકોમાં આ રોગ ફેલાવા દેવો જોઈએ, જેથી ઝડપથી હર્ડ ઇમ્યુનિટી પ્રસ્થાપિત થવા માંડે. આપણી બધી શક્તિ અને ધ્યાન વૃદ્ધો તેમ જ ગંભીર બીમારીવાળાં લોકોને આ રોગથી બને ત્યાં સુધી બચાવવા માટે તેમ જ રોગ થાય તો તેમને તરત જ યોગ્ય સારવાર મળી રહે તેના પર કેન્દ્રિત કરવું જોઇએ. વેલોર મૅડિકલ કોલેજના ડૉ. જયપ્રકાશ મુલીયિલ જેવા પ્રતિષ્ઠિત એપીડેમીયો-લૉજિસ્ટ ૧૪મી એપ્રિલે તાળાબંધીનો પહેલો તબક્કો પૂરો થયો ત્યાર પહેલાંથી આ અભિગમ અપનાવવાની સલાહ આપી રહ્યા છે. પરંતુ આપણે એ ધ્યાને નથી લીધી. કમ સે કમ હવે તો એ ધ્યાને લઈએ, એ સમયનો તકાજો છે.

મહામારીને ખતમ કરવા માટે એને વધવા દેવાનો આ અભિગમ સહેલાઈથી ગળે ઊતરે એવો નથી અને કેસ જ્યારે કૂદકે ને ભૂસકે વધી રહ્યા હોય, ત્યારે તો એ અપનાવવાની બીક લાગે એ પણ સ્વાભાવિક છે. પરંતુ આપણે એ ભૂલવું ન જોઈએ કે વ્યવહારમાં (એની રસી ન મળે ત્યાં સુધી) એકમાત્ર હર્ડ ઇમ્યુનિટી જ આ મહામારીને ખતમ કરી શકે છે. અને એ પણ ન ભૂલવું જોઈએ કે આ રોગના ૮૦-૯૦ ટકા કેસો કાં તો લક્ષણો વગરના કે ખૂબ હળવાં લક્ષણોવાળા જ છે, જેમને કોઈ સારવારની જરૂર નથી. એટલે ૭૦,૦૦૦ કેસમાંથી પણ ૭,૦૦૦થી ૧૪,૦૦૦ એવા કેસ છે જેમને કદાચ હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી શકે અને માત્ર ૩,૫૦૦થી ૭,૦૦૦ કેસમાં જ ઑક્સિજન કે વૅન્ટિલેટરની જરૂર પડી શકે એમ છે. આ અભિગમ અપનાવવાનો અર્થ એ થાય કે:

૧. તમામ ચેપી કેસ અને તેમના સંપર્કોને શોધીને એમને ક્વૉરન્ટીન કરવાના બધા પ્રયાસ બંધ કરી દેવા જોઈએ. આ ઉપાયો કારગત નથી નીવડ્યા અને વધતા જતા કેસો જોતાં એનો અમલ કરવો-કરાવવો અશક્ય છે.

૨. જેટલું બને એટલું જલદી તાળાબંધીનો અંત લાવીને, બને એટલી ઝડપથી ઉદ્યોગો, ધંધા, રસ્તા, રેલવે તેમ જ વિમાન દ્વારા થતા જાહેર પરિવહન પરના તમામ પ્રતિબંધ હટાવવા જોઈએ અને શાળાઓ-કોલેજોને ખોલવાં જોઈએ.

૩.માસ્ક પહેરવો, બે મીટરનું અંતર જાળવવું જેવા સામાજિક અંતર જાળવવાના નિયમોના ફરજિયાત અમલીકરણનો અંત લાવવો જોઈએ. જે લોકો તેનું પાલન કરવા માગતા હોય તે ચોક્કસ એમ કરી શકે છે.

૪. વૃદ્ધો અને ગંભીર રોગો ધરાવતી વ્યક્તિઓને કાયમ, પોતાનાં ઘરોમાં પણ, કડક સામાજિક અંતર (માસ્ક, અંતર વગેરે)નું પાલન કરવાની સલાહ આપીને ચેપથી બચાવીએ. અને જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી, તે ઘરના અન્ય સભ્યો સાથે પણ બને તેટલું અંતર જાળવીને અલગ રૂમમાં રહે એવી સલાહ આપવી જોઈએ.

૫ તેમને ન્યૂમોનિયા અથવા શ્વાસ લેવામાં તકલીફ જેવાં લક્ષણ જણાય તો તેમને તરત જ સમયસર સારવાર આપવી જોઈએ.

૬. તમામ ખાનગી હૉસ્પિટલો-ડૉક્ટરોને કોવિડ-૧૯ દરદીઓની સારવાર કરવાની મંજૂરી આપવી જોઈએ. અલબત્ત, એક શરતે કે તે જે દરદીઓને સારવાર આપશે એમની સ્થિતિ અંગેના દૈનિક રિપોર્ટ એમણે આપવાના રહેશે. આવા સંજોગોમાં દેશની સંપૂર્ણ આરોગ્ય સેવાઓને સાંકળવી જરૂરી છે.

૭. આ મહામારી કેવી રીતે આગળ વધે છે એનું નજીકથી અને ઝીણવટપૂર્વક ધ્યાન રાખવું જોઈએ.  હર્ડ ઇમ્યુનિટી વિકસિત થઇ રહી છે કે નહીં એના પર નજર રાખવા માટે નિયમિત રીતે સૅમ્પલ કેસોમાં એન્ટિબોડી ટેસ્ટ કરતા રહેવું જોઈએ. આ માત્ર રાષ્ટ્રીય સ્તરે જ નહીં, પણ રાજ્ય અને જિલ્લા સ્તરે પણ થવું જોઇએ અને મહામારીની સ્થિતિને આધારે જુદા જુદા રાજ્યો માટે જુદી જુદી વ્યૂહરચનાઓ અપનાવવી જોઈએ.

સ્પષ્ટ છે કે આ વાતો આપણે અત્યાર સુધી જે કરતા અને સાંભળતા આવ્યા છીએ તેનાથી વિપરીત છે અને એટલે સ્વીકારવી મુશ્કેલ છે. આશા રાખીએ કે આપણે બદલાતી પરિસ્થિતિને અનુરૂપ નવો માર્ગ અપનાવવાની વિનમ્રતા અને સાહસ ધરાવીએ. એનાથી આ રોગ વિશેની ખોટી બીક પણ આપણા મનમાંથી નીકળી જશે. તાળાબંધી અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોની સૌથી મોટી આડઅસર એ પેદા થઇ છે કે એણે આ રોગ વિશે એવો તો હાઉ પેદા કરી દીધો છે કે આપણે આપણા પાડોશીઓને પણ બીક અને શંકાની નજરે જોતાં થઈ ગયાં છીએ અને વર્ષોથી આપણને ઘરકામમાં મદદ કરતાં બહેનો કે ભાઇઓથી પણ ડરી રહ્યાં છીએ. આ માહોલમાંથી આપણે જેટલી ઝડપથી બહાર આવી જઇએ એટલું સારું.

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 14 મે 2020

Loading

...102030...2,5012,5022,5032,504...2,5102,5202,530...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved