પ્રજાના અવાજનો પડઘો
કર્નલ સોફિયા કુરૈશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહની સંયત, શાલીન માંડણી તેમ જ સદ્ય વિધવા હિમાંશી નરવાલના નરવા ઉરબોલ, આપણી પ્રજાકીય અસ્મત અને અસ્મિતાનું બુલંદ જયગાન છે.

પ્રકાશ ન. શાહ
દેશ આખાએ સાતમી મે, બુધવારે એક નવપ્રભાત શો જે ચમકારો અનુભવ્યો, એ કલાકોને વડા પ્રધાન મોદીએ ‘દેશ માટે ગર્વની પળ’ રૂપે ઠીક જ વર્ણવ્યા. બાવીસમી એપ્રિલથી હજુ છઠ્ઠી મે સુધી પહેલગામ ઘટના સબબ જનમાનસ સરકારની સાથે તો બરાબર પણ સામે નહીં તો પણ પ્રસંગોપાત કંઈક ફરિયાદી અલગાવનો અનુભવ નહોતું કરતું એમ તો નહીં કહી શકાય. સાઉદીની મુલાકાત ટૂંકાવી દોડી આવવું અને તાકડે પહેલગામ નહીં પહોંચતાં અગ્રતા આપવી, પ્રવાસયોજકો વગર પરવાનગીએ બૈશરન જવા લાગ્યા એવું – આ ગાળામાં વગર પરવાનગીએ તાજેતરનાં વરસોમાં જવાનો સ્થાપિત રવૈયો છતાં – પરબારું ફટકારવું, આ બધું સંયમવશ મોટે સાદે ન બોલાયું સંભળાયું હોય તો પણ ધ્યાનમાં નહોતું આવતું એમ તો નહીં કહી શકાય. પણ બુધવારની બપોરે આ લખી રહ્યો છું ત્યારે જોઉં છું, અનુભવું છું કે આ તરેહનો લાગણીઉછાળો શમી ગયો છે, અને દેશજનતામાં રહ્યો છે તે તો એક રાષ્ટ્ર તરીકે સાર્થક અસ્તિત્વનો ભાવ ન કેવળ ગર્વની પળઃ
સવારે દસ વાગ્યા આસપાસ વિદેશ સચિવનાં પ્રાસ્તાવિક વચનો પછી કર્નલ સોફિયા કુરૈશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે જે સત્તાવાર બ્રીફિંગ સૌ નાગરિકો જોગ કીધું તે વિગતબદ્ધ એટલી જ સહજસ્વસ્થ સંયત શૈલીને સારુ સ્મરણીય રહેશે. જે વિગતજવર અભિવ્યક્તિ સત્તાપક્ષ પરત્વે અપેક્ષિત રહી શકતી નથી, તેનો આ એક રૂડો અવેજ હતો. જોસ્સો તો એમનો જી.ડી. બક્ષીથી ઓછો હોવાનો સવાલ નથી, પણ દાયિત્વ અને ઉત્તરદાયિત્વના પૂરા ખયાલ સાથેની સંયત રજૂઆત, જરૂર એક પ્રતિમાન લેશે યાદ રહેશે.

‘ઓપરેશન સિંદૂર’ એ નામાભિધાન પાછળ એક કલ્પકતા જરૂર છે. નારી ત્રણની અસ્મત અને પ્રજાની અસ્મિતા એ પ્રકારનું કદાચ કૈંક દૂરાકૃષ્ટ પણ સંધાન એમાં જરૂર છે. પણ એની જે ગરવાઈ ને નરવાઈ તે એવા સૈનિકી વિવેકમાં છે કે કોઈ સિવિલિયન ને મિલિટરી નિશાન એની સૂચિ પર નથી. જે છે તે આતંકી થાણાં. જૈશ, લશ્કર, હિઝબુલ વગેરે અંગે આપણે પૂર્વે એકાધિક ડોસિયર પાક હુકમરાનોને આપ્યાં હશે. બાવીસમી એપ્રિલને પખવાડિયું થયા આવ્યું છતાં પાક સત્તાવાળાઓએ પોતા થકી પોષાતાં રક્ષાતાં આતંકી થાણાં બાબતે નકરી નામકરાઈ ને નાગડદાઈ શો રવૈયો દાખવ્યો તે પછી ઓપરેશન સિંદૂર તરેહની ઉપક્રમનું લૉજિક સાફ હતું અને છે. જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી ઉમર અબદુલ્લાએ તે સચોટ સદ્દગૃહસ્થાઈ સાથે બોલી પણ બતાવ્યું છે.
વડા પ્રધાન જેને ગર્વની પળ કહે છે, જે હમણાં કહ્યું તેમ ક્ષણાર્ધ સારુ પણ સાર્થકતાનો ભાવ જગવી શકે તેવી તો ચોક્કસ જ છે, એ વખતે યાદ રાખવું રહે છે કે ઓપરેશન સિંદૂરે જગવેલ આશા ઘરઆંગણે આપણા થકી જ ભોંભેગી ન થઈ જાય, ‘એમણે ઘરમ પૂછ્યો’તો, જાત નહીં’ પ્રકારનાં કોઈ કોઈ સત્તાપક્ષી વર્તુળોના સનેડા કે દેશનાં અન્ય રાજ્યોમાં કાશ્મીરી છાત્રો સામે હિંસ્ર પ્રતિક્રિયાના કેટલાંક બનાવો યાદ કરતાં સરવાળે હિંદુ-મુસ્લિમ આડાઊભા વહેરાઈ મરવાની સ્થિતિ ટાળી શકાઈ છે તે જરૂર એક સધિયારો છે. જો કે, કાશ્મીરીઓને / મુસ્લિમોને નિશાન ન બનાવો એવી સદ્યવિધવા હિમાંશી નરવાલની આરતભરી અપીલને જે પ્રકારે ટ્રૉલબહાદુરોનો ભોગ બનવું પડ્યું તે આપણી આ ‘ગર્વની પળે’ સુરક્ષામાં કંઈ નહીં તો પણ છીંડું તો છે જ, અને તે પોતીકી કમાઈનું.
સંસદનું તાત્કાલિક અધિવેશન યોજાય એવી માંગ અને તે યોજના પરત્વે શાસકીય નેતૃત્વને પક્ષે નિર્ણયની ભીંસ, બેઉ પોતપોતાને ઠેકાણે ઠીક જ છે. પણ હવે તરતમાં સત્તાવાર પહેલથી સર્વપક્ષીય બેઠકનું આયોજન થઈ રહ્યું છે ત્યારે ધોરણસરની આપલે સાથે એક સક્રિય એકંદરમતીની રીતે કંઈક બની આવશે એવી આશાઅપેક્ષા અસ્થાને નથી. નેતા વિપક્ષ રાહુલ ગાંધી જ નહીં, અસહુદ્દીન ઓવેસી સહિતના સકારાત્મક પ્રતિભાવોની મોટી મૂડી વડા પ્રધાન પાસે આ ક્ષણે છે. દેશજનતા ભોંઠી ન પડે તે જોવાની જવાબદારી આ સૌની છે.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 07 મે 2025
![]()




“આખા ભારતવર્ષનાં સુખ દુઃખ, શુભ અશુભ અને જ્ઞાન અજ્ઞાન મારા હૃદયમાં આવી વસ્યાં છે. આજે હું ખરી સેવાનો અધિકારી થયો છું. હું જે થવા માટે રાત દિવસ મથતો હતો પણ થઈ શકતો નહોતો તે આજે થઈ ગયો છું. આજે હું ભારતવર્ષ છું. ભારતવર્ષની બધી જાતિઓ મારી જાતિઓ છે, બધાનું અન્ન એ મારું અન્ન છે.” આ શબ્દો છે ગૌરમોહન ઉર્ફે ગોરાના. આ ગૌરમોહન તે રવીન્દ્રનાથ ટાગોરની નવલકથા ‘ગોરા’નો નાયક. ‘તમે ગુરુદેવની ગોરા વાંચી છે?’ એવો પ્રશ્ન કોઈએ શરદબાબુને પૂછ્યો ત્યારે તેમણે જવાબ આપેલો: ‘મેં ગોરા વાંચી છે? હા, એક વાર નહીં, બે વાર નહીં, ચોસઠ વાર વાંચી છે!’ એવું તે શું છે આ ‘ગોરા’ નવલકથામાં કે શરદબાબુ જેવા અત્યંત લોકપ્રિય નવલકથાકાર એ ચોસઠ વખત વાંચે? પહેલી વાત તો એ કે ગદ્યમાં અને નવલકથા રૂપે લખાયેલી ગુરુદેવની આ કૃતિ મહાકાવ્યને આંબવા મથતી એક અસાધારણ નવલકથા છે. ઓગણીસમી સદીના સંક્રાંતિ કાળનું, એ કાળનાં મંથનો, વિચારો, પ્રવૃત્તિઓ, વ્યક્તિઓ, સંસ્થાઓ અને ઘટનાઓનું પ્રતિબિંબ આ નવલકથામાં ઝીલાયું છે. કહેવાય છે કે કથાનાયક ગૌરમોહનનું પાત્ર ટાગોરે આયરિશ ભારતપ્રેમી સન્નારી સિસ્ટર નિવેદિતા અને સ્વામી વિવેકાનંદના વ્યક્તિત્વના કેટલાક ઘટકોના મિશ્રણમાંથી નીપજાવ્યું છે અને એ મિશ્રણમાં પોતાના વ્યક્તિત્વના કેટલાક અંશો પણ ભેળવ્યા છે. કહેવાય છે કે સિયાલદા ખાતેની ટાગોરની જાગીરમાં એક સાંજે સિસ્ટર નિવેદિતા અને ટાગોર હાઉસ બોટમાં બેઠાં હતાં ત્યારે સિસ્ટર નિવેદિતાએ કહ્યું કે મને કોઈ વાર્તા કહો. ત્યારે ટાગોરે ગોરાની કથા કહી. પછીથી તેમણે એ વાર્તા નવલકથા રૂપે લખી જે બંગાળી ભાષાના જાણીતાં માસિક ‘પ્રવાસી’માં ૧૯૦૬થી ૧૯૦૯ દરમ્યાન હપ્તાવાર પ્રગટ થઈ. ૧૯૧૦માં તે પહેલી વાર પુસ્તકરૂપે પ્રગટ થઈ. સુરેન્દ્રનાથ ટાગોરે કરેલો તેનો અંગ્રેજી અનુવાદ ૧૯૨૪માં પ્રગટ થયો. ત્યાર બાદ ૧૯૯૭માં સુજિત મુખોપાધ્યાયે કરેલો અનુવાદ પ્રગટ થયો. રાધા ચક્રવર્તીએ કરેલો ત્રીજો અંગ્રેજી અનુવાદ ૨૦૦૯માં પ્રગટ થયો. રમણલાલ સોનીએ કરેલો ગુજરાતી અનુવાદ બે ભાગમાં ૧૯૮૦માં પ્રગટ થયો હતો.