Opinion Magazine
Number of visits: 9966516
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પર્યાવરણની જાળવણીને લગતી જોગવાઈઓમાં સૂચિત ફેરફારો

પાર્થ|Opinion - Opinion|27 May 2020

કોરોના સામે દુનિયાભરની સરકારોએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. તે કેટલી અસરકારક છે અથવા નથી, તેના કેટલાક પરિણામો પણ સામે આવવા લાગ્યાં છે. ભારતમાં લૉક ડાઉનની તકલીફો સાથે હજારો સ્થળાંતરિત મજૂરોની આપદા જોવા મળી, જે હજુ ચાલુ છે. દુનિયાભરના અભ્યાસો દર્શાવે છે કે મહિલાઓ પર હિંસાનું પ્રમાણ વધ્યું છે, બજાર અને અર્થતંત્રો આવતા બે-ત્રણ વર્ષમાં બેઠા થશે કે નહીં તેને અંગે અટકળો ચાલી રહી છે. તો બીજી તરફ આરોગ્ય ક્ષેત્રે પણ સરકારની તૈયારીઓમાં ગંભીર ઊણપો સામે આવી રહી છે. લૉક ડાઉનનો એક હેતુ એ પણ હતો કે લોકો પોતાની પ્રવૃત્તિઓ ઓછી કરે અથવા બંધ કરે, ત્યારે સરકાર જાહેર સ્વાસ્થ્ય અને આરોગ્ય સેવાઓ અસરકારક બનાવવામાં પોતાની શક્તિ લગાવે. પણ તેમાં કેટલાક અપવાદો બાદ કરતાં કેન્દ્ર અને મોટા ભાગની રાજ્ય સરકારો પૂરતી ગંભીરતા સાથે આ અંગે કામ કરતી હોય તેવું લાગતું નથી. આ ઉપરાંત કેટલીક ઘટનાઓ એટલી ઝડપી બની રહી છે કે, ભય અને અનિશ્ચિતતાનાં આ વાતાવરણમાં આપણું પૂરતું ધ્યાન તે તરફ જતું નથી. તેમાંનો એક મહત્ત્વનો મુદ્દો છે પર્યાવરણ અને તેને લગતી નીતિમાં ફેરફારની હિલચાલ.

પર્યાવરણ ક્ષેત્રે એનવાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ (EIA) મહત્ત્વનું અને અત્યંત જરૂરી મનાયું છે. આ અંતર્ગત પ્રોજેક્ટનું નિર્માણ શરૂ થતાં પહેલાં તેના કારણે પર્યાવરણ (પ્રકૃતિ અને આસપાસના લોકો અને વિસ્તાર) પર શું અસર થશે તે અંગે અભ્યાસ કરવામાં આવે છે. આ અંગેનો અહેવાલ લોકોને બતાવવો અને તેમનાં સલાહસૂચનો ધ્યાનમાં લેવાં જરૂરી મનાયાં છે. અસરગ્રસ્ત લોકો વચ્ચે જાહેર સુનાવણીનું આયોજન પણ કરવાનું હોય છે. ત્યાર પછી પ્રોજેક્ટનું કામ શરૂ કરી શકાય અથવા જો લોકો-પર્યાવરણને થતું નુકસાન વધુ હોય તો પ્રોજેક્ટને મંજૂરી ન પણ મળે તેવી જોગવાઈ હતી. માર્ચ, ૨૦૨૦માં સરકારે આ અંગે નવી રૂપરેખા જાહેર કરી છે. લૉક ડાઉનના દિવસોમાં સરકારે એનવાયર્ન્મેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટના નવા જાહેરનામા પર લોકોને ટિપ્પણીઓ મોકલાવવા કહ્યું. ખેડૂતો અને આદિવાસીઓ જેને આનાથી સૌથી વધુ અસર થવાની તે પોતાની વાત કઈ રીતે રજૂ કરી શકે?

વળી સરકારે નવી રૂપરેખામાં નિર્ણયપ્રક્રિયામાં લોકભાગીદારી ઓછી કરવા સાથે મોટા પ્રોજેક્ટ માટે પર્યાવરણ જાળવણીની વાત બાજુ પર મુકવા પ્રયત્ન કર્યા છે. આ અંગેની કેટલીક ચિંતાજનક સૂચિત જોગવાઈઓ નીચે મુજબ છે.

• જાહેર સુનાવણી દરમિયાન લોકોએ પોતાની વાત રજૂ કરવા માટેની મુદત 30 દિવસથી ઘટાડીને 20 દિવસની કરવામાં આવી છે.

• 2006ની સૂચના હેઠળ જાહેર સુનાવણી 45 દિવસને બદલે હવે 40 દિવસમાં પૂર્ણ કરવાનું સૂચવાયું છે. આ સમયગાળો ઘટાડવાનું મુખ્ય કારણ એ છે કે નવાં રોકાણો માટે EIAની પ્રક્રિયાને એક રીતે ઔપચારિક અને ‘સરળ’ બનાવી દેવી. જાહેર સુનાવણીનો સમય ઘટશે તો પ્રોજેક્ટ દ્વારા અસરગ્રસ્ત લોકોને મંતવ્યો, ટિપ્પણીઓ અને સૂચનો તૈયાર કરવા પૂરતો સમય મળશે નહીં.

• પ્રોજેક્ટ બન્યા બાદ દર છ મહિને એક રિપોર્ટ તૈયાર કરવાનો હોય છે, જેમાં દર્શાવવામાં આવે છે કે જે શરતોને આધારે પ્રોજેક્ટને પરવાનગી આપવામાં આવી છે તે મુજબ તેમની પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે કે નહીં. નવા ડ્રાફ્ટ મુજબ, દર વર્ષે ફક્ત એક જ વાર રિપોર્ટ સબમિટ કરવો જરૂરી બનાવે છે. (આ જોગવાઈ પ્રક્રિયાની અસરકારકતા ઘટાડે છે. સાથે લાંબા ગાળે શક્ય છે કે પર્યાવરણમાં એવું નુકસાન થાય કે જેને સરભર કરવું શક્ય ન હોય.)

• નવા ડ્રાફ્ટમાં એવા પ્રોજેક્ટ અથવા પ્રવૃત્તિઓની સંખ્યામાં પણ ઉમેરો કરવામાં આવ્યો છે કે જેને હવે EIA પ્રક્રિયા કરવાની જરૂર નથી. ઘણા પ્રોજેક્ટને સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. જેથી હવે તેમને પર્યાવરણ કે સંબંધિત વિસ્તારના લોકો પર પ્રોજેક્ટનાં વિપરીત પરિણામોના કોઈ અભ્યાસ કરવાની જરૂર ન રહે.

એનવાયર્ન્મેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ૨૦૦૬ની જોગવાઈઓમાં સરકારે માત્ર ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને સુધારા કર્યા હોય તેવું લાગે. તેની પર્યાવરણ કે લોકો ઉપર પડનારી વિપરીત અસરો અંગે ખાસ કશું વિચારાયું લાગતું નથી. લૉક ડાઉનના સમયમાં આ પ્રક્રિયા ચલાવીને સરકાર લોકોને પોતાની વાત મુકવાની તક માર્યાદિત કરી રહી છે, તો બીજી તરફ મોટા પ્રોજેક્ટ અંગેની નિર્ણય પ્રક્રિયામાં લોકોની ભાગીદારી ઘટાડી રહી છે. ભારતના સંદર્ભમાં આ કાયદાકીય અને નીતિગત ફેરફારો અને તેની અસરો કોરોના પછી પણ ભારતીય લોકતંત્ર અને સમાજ પર તેની અસરો લાંબા સમય સુધી રહેશે. જાહેર સ્વાસ્થ્યની સુવિધાઓ વિકસાવવા અને જાળવવા માટે સરકારના હાથમાં વધુ સત્તા આવે તે આ સમયની જરૂરિયાત છે. પરંતુ આ સત્તાનો ઉપયોગ જરૂરિયાત મુજબ, કોઈ ભેદભાવ વિના અને નિશ્ચિત સમય પૂરતો મર્યાદિત રહે તે નિશ્ચિત કરવું જરૂરી છે.

આ ઉપરાંત પ્રશ્નો અને વૈચારિક વિરોધનું દમન પણ ન થવું જોઈએ. લૉક ડાઉન સહિત આ કોરોના કટોકટીમાં જે જરૂરી પગલાં લેવામાં આવે તેમાં માનવાધિકાર અને નાગરિકની પાયાની સ્વતંત્રતાનું રક્ષણ કરવું જરૂરી બને છે. કોઈ વ્યક્તિ ભોજન માટે લૉક ડાઉનનો ભંગ કરે તો તેની સામે થતી પોલીસની હિંસક કાર્યવાહી કે કાયદાની પ્રક્રિયા સ્વીકારી શકાય ખરી? સરકાર પોતાની સત્તા માનવીય સંવેદના સાથે ન વાપરે તો, સરકારનાં પગલાંની અસર સમગ્ર સમાજ માટે કોરોના કટોકટી પછી પણ લાંબા સમય સુધી ભોગવવાની આવશે. આ સમય પસાર થઈ ગયા પછી સરકારનાં પગલાંનું મૂલ્યાંકન અને સમીક્ષા કરીને પોતાના અધિકારો સુનિશ્ચિત કરવા, કામોનો હિસાબ માગવા અને લોકવિરોધી નીતિઓ સામે લડત આપવા માટે લોકોએ પણ તૈયાર રહેવું પડશે. કોરોના સામેની લડતમાં જીત્યા પછી બીજી લડત શરૂ.

e.mail : yuvaparth@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 27 મે 2020

Loading

આપણે કશું નહીં કરીએ તો કાયમ માટે કેદ થઈ જઈશું

અરુંધતિ રૉય|Opinion - Opinion|27 May 2020

કોરોના વાઇરસથી સર્જાયેલી મહામારીએ જાણે મૂડીવાદરૂપી મશીનનું એન્જિન ઠપ કરી દીધું છે.

પરંતુ આ પરિસ્થિતિ કાયમ રહેવાની નથી. આજે સમગ્ર માનવજાતિ થોડા સમય માટે પોતાના ઘરોમાં કેદ છે, ત્યારે પૃથ્વી પોતાની હાલત સુધારવાની ક્ષમતા ધરાવે છે તેનો અણસાર મળી રહ્યો છે. જ્યારે આપણે બીમાર અને કશું કરવાની ક્ષમતા ધરાવતા ન હતા, ત્યારે પણ પૃથ્વી બધું ખમ્યે જતી હતી તે વાસ્તવિકતા અચંબિત કરનારી છે. પરંતુ જે કામ જોરશોરથી ચાલુ છે તેને કેમ કરીને અટકાવીશું? ભારતનો દાખલો લઈએ, થોડા દિવસ પહેલાં વાઘ માટે સુરક્ષિત જંગલ વિસ્તારનો ઘણો મોટો ભાગ કુંભના મેળા જેવા એક વિશાળ ધાર્મિક આયોજન માટે લગભગ તૈયાર કરી દેવામાં આવ્યો. ત્યાં કરોડો શ્રદ્ધાળુઓ આવશે. આસામમાં હાથીઓ માટેનો સુરક્ષિત જંગલ વિસ્તાર કોલસાના ખોદકામ માટે પસંદ કરવામાં આવ્યો છે. અરુણાચલ પ્રદેશમાં આવેલી હિમાલયના જંગલોની હજારો એકર જમીન જળવિદ્યુત મથક માટે બંધાનારા બંધમાં ડૂબી જશે. આ બધા વચ્ચે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ પાછળ રહે? તેમણે ચંદ્ર પર ખોદકામ કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે!

જેમ કોરોના વાઇરસ માણસના શરીરમાં દાખલ થઈને અગાઉની બીમારીને વધારી દે છે, તેવી જ રીતે આ વાઇરસે અલગ અલગ રાષ્ટ્રો અને સમાજોમાં દાખલ થઈને તેની નબળાઈઓ અને માંદગીને સામે લાવીને મૂકી દીધી છે. તેણે આપણા સમાજમાં વ્યાપ્ત અન્યાય, સાંપ્રદાયિકતા, રંગભેદ, જાતિવાદ અને સૌથી વધુ તો અસમાનતામાં વધારો કર્યો છે. સત્તાનાં વિવિધ અંગો કે જેમનો આમ તો ગરીબોનાં દુઃખ કે પીડા સાથે કોઈ સંબંધ રહ્યો નથી અને ઝાઝો સમય તેમણે ગરીબોના દાઝ્યા પર ડામ દેવાનું જ કામ કર્યું છે, તેમની સામે આજે એ પ્રશ્ન આવીને ઊભો છે કે આ બીમારી જો ગરીબોમાં ફેલાશે તો તે પૈસાદાર લોકો માટે જોખમી સાબિત થશે. અત્યાર સુધી આ બીમારીના ઉપચાર માટે કોઈ સુરક્ષિત ઉપાય નથી. પરંતુ શક્ય તેટલી ઝડપી કોઈને કોઈ ઉપાય મળી આવશે. જે મોટા ભાગે વેક્સિન સ્વરૂપે હશે. અને હંમેશની જેમ તેનો પહેલો કબજો જેમના હાથમાં સત્તા છે તેમની પાસે જ રહેશે. અને રમત ફરી એક વાર શરૂ થશે — વ્યક્તિ જેટલી વધુ પૈસાદાર તેની જીવવાની સંભાવના એટલી વધારે.

ભારતીય ઉદ્યોગજગત સરકાર પર શ્રમિકોના અધિકારોમાં જે થોડું ઘણું બચ્યું છે તે બદલવા દબાણ કરી રહી છે. જેમાં દિવસના 12 કલાકના કામને મંજૂરી આપવા સહિતની માગણીઓ કેટલાંક રાજ્યોએ સ્વીકારી પણ લીધી છે. રાજસત્તા અને તેનું તંત્ર હાલમાં મહામારીના પ્રકોપથી હલી ગયાં છે. એ તો હંમેશાં વિકાસ અને સંસ્કૃતિના પોતાના ખ્યાલો સાથે વિનાશના પથ પર જ પૂરજોશમાં ગાડી ચલાવી રહ્યાં હતાં. જ્યારે પરમાણુ, રાસાયણિક તેમ જ જૈવિક શસ્ત્રોનો વધુ ને વધુ ઘાતક વિકાસ તેમ જ સંગ્રહ કરવામાં આવે છે, ત્યારે આ ગાડી બેફામ ગતિએ ચાલે છે અને જ્યારે આખા ને આખા દેશ પર એવા પ્રતિબંધ લદાય છે, જેને લીધે સમસ્ત જનતાને જીવનરક્ષક દવાઓથી વંચિત કરી દેવાય. ત્યારે આ ગતિ તેની ચરમ સીમાએ પહોંચે છે. આ એવી ગતિ છે, જેમાં પ્રકૃતિ-પૃથ્વીના નાશની ઝડપની સામે કોવિડ-૧૯થી થતું નુકસાન તો બાળકોની રમત જેવું લાગે! દુનિયા લૉક ડાઉનમાં રહી ત્યારે આ શતરંજની ચાલ ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. સરમુખત્યાર સરકારો માટે, કોરોના વાઇરસ જાણે ભેટ બનીને  આવ્યો છે.

રોગચાળો ફેલાય એ કોઈ નવી બાબત નથી, પરંતુ ડિજિટલ યુગમાં આવું પહેલી વાર બન્યું છે. આ આંતરરાષ્ટ્રીય આપદાના સમયમાં સ્થાનિક સરકારો અને આપદાના સમયે ફાયદો ઉઠાવતા મૂડીવાદીઓ તેમ જ ડેટા માઇનર(માહિતી ભેગી કરતાં લોકો-સંસ્થાઓ)ની પોતાના સ્વાર્થ માટે ઊભી થયેલી મિલીભગતના આપણે સાક્ષી બન્યા છીએ. આ બધું ભારતમાં પણ ઘણી ઝડપે થઈ રહ્યું છે. ફેસબુકે ભારતની સૌથી મોટી મોબાઈલ નેટવર્ક કંપની જિઓ સાથે કરાર કર્યો છે, જેમાં તે તેના 40 કરોડ વોટ્સએપ વપરાશકર્તાઓની પાયાની વિગતોની આપ-લે કરી શકશે. બિલ ગેટ્સ વડા પ્રધાન મોદીની પ્રશંસા કરી રહ્યાં છે. તેમના આ શિષ્ટાચારની પાછળ નફો મેળવવાની વૃત્તિ હોય, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. વડાપ્રધાનશ્રીની ભલામણથી અત્યાર સુધીમાં કરોડો લોકોએ આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે. (આરોગ્ય માટે કે સરકાર ચાંપતી નજર રાખી શકે તે માટે?) આ સાથે, માટે રહસ્યમય પી.એમ. કેર ફંડ છે, જેનું જાહેર ઓડિટ થવાનું નથી તેમાં એક દિવસનો પગાર જમા કરવાનું ફરજિયાત કરાયું છે.

જો કોરોના પહેલાં આપણે કોઈ વિચાર કર્યા વિના ધીમે ધીમે સર્વેલન્સ (સરકારી દેખરેખ) તરફ આગળ વધી રહ્યા હતા, તો હવે આપણે તેના ડરને કારણે સુપર સર્વેલન્સ તરફ દોડી રહ્યાં છીએ. જ્યાં આપણી પાસેથી આપણી અંગતતા, આપણું ગૌરવ, આપણી સ્વતંત્રતા — આ બધું કોઈ બીજાના કાબૂમાં જશે. આપણા ઉપર નિયંત્રણ કરવાની અને આપણી નાની નાની બાબતો નક્કી કરવાની સત્તા આપણે બીજાના હાથમાં આપવાનું સ્વીકારી રહ્યાં છીએ. લૉક ડાઉન સમાપ્ત થયા પછી પણ જો આપણે ઝડપથી આ અંગે વિચારીને કશું કરીશું નહીં તો, એ નિશ્ચિત છે કે ભવિષ્યમાં આપણે કાયમ માટે કેદ થઈ જઈશું. આ એન્જિનને આપણે કાયમ માટે કેવી રીતે બંધ કે નકામું બનાવી શકીએ? એને વિશે વિચારીને પગલાં ભરવા તે આપણું કામ છે.

[‘પ્રોગ્રેસિવ ઇન્ટરનેશનલ’]

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 27 મે 2020

Loading

કોરોના પછીના વિશ્વમાં અમેરિકા-ભારત-ચીનનાં સમીકરણ

ભરત મહેતા|Opinion - Opinion|27 May 2020

દિનપ્રતિદિન આપણે જોઈ રહ્યાં છીએ કે દુનિયાભરના અર્થતંત્રને તબાહ કરનાર અને વિશ્વની મહાસત્તા કોરોનાકાળમાં પોતાના જ નાગરિકોની રક્ષા કરી રહ્યું નથી! કોરોનામાં એક લાખનો મૃત્યુઆંક વટાવનાર તે પહેલો દેશ બન્યો. ત્યાર પહેલાં ભારતના દીવા-થાળી-ફૂલવર્ષાની જેમ વ્હાઇટ હાઉસમાં સર્વધર્મપ્રાર્થના રાખવામાં આવી હતી! ટ્રમ્પે આ ગાળામાં તદ્દન બિનજવાબદાર પ્રમુખની જેમ વિધાનો કર્યાં છે. પોતાની નિષ્ફળતાને છાવરવા દરેક જણ તબલિઘી જેવી શોધમાં હોય છે. હવે અમેરિકામાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ વાઇરસના નામે પોતાના નિષ્ફળ આયોજનનો ટોપલો કોઈના શિરે ઢોળી દેવા અમેરિકા તત્પર છે. શરૂઆતમાં જ કોરોના વાઇરસને ‘ચીની વાઇરસ’ કહીને ટ્રમ્પે એક સંકેત તો આપ્યો જ હતો. હવે તો યુદ્ધના ભણકારા પણ સંભળાઈ રહ્યા છે. ચૂંટણી જીતવા ટ્રમ્પ યુદ્ધોન્માદ સર્જતાં પણ નહીં અચકાય. ઈરાકમાં લોકશાહી સ્થાપવાના નામે, તાનાશાહ સદ્દામ હુસૈનથી પ્રજાને બચાવવાના બહાને, અમેરિકાએ જગતજમાદારની જેમ વર્તીને યુદ્ધ છેડ્યું અને ઈરાકના પેટ્રોલના કૂવા પર કબજો જમાવી દીધો. પણ ઈરાકમાં લોકશાહીનું હજુ સુધી ઠેકાણું પડ્યું નથી. બનાવટી સમાચારોનાં વાવાઝોડાં ઊભા કરીને પોતાનો સ્વાર્થ સાધી લેવામાં અમેરિકા માહેર છે. ઈરાકયુદ્ધ વખતે સંયુક્ત રાષ્ટ્રસંઘે કહ્યું હતું કે ઈરાક પાસે કોઈ કેમિકલ શસ્ત્રો (વેપન્સ ઑફ માસ ડિસ્ટ્રક્શન) નથી. છતાં યુનોની ઐસીતૈસી કરીને પ્રવાહી સોના જેવા પેટ્રોલ માટે ખાડીયુદ્ધ કરાયું. જનસંહાર અમેરિકા માટે રમતવાત છે. ઈરાક સામે યુદ્ધ નહીં કરવા નોમ ચોમ્સ્કી કે બ્રિટનના લેખક હેરોલ્ડ પિન્ટરથી માંડી પ્રબુદ્ધ બુદ્ધિજીવીઓએ તત્કાલીન પ્રમુખ બુશને ચેતવ્યા હતા. પણ કોઈનું સાંભળે તે બીજા.

આજે પુનઃ ટ્રમ્પ ચીન સાથે આવું જ કરવા જઈ રહ્યા છે, ત્યારે અમેરિકામાં કયા પ્રકારનું દ્વંદ્વ ચાલે છે તે જોઈએ. અમેરિકાની સેનાના જોઇન્ટ ચીફ ઑફ સ્ટાફના ચૅરમે માર્ક મિલી કોરોના વાઇરસ વુહાનની લૅબમાંથી આવ્યો છે તે માનવા તૈયાર નથી. દુનિયાભરના ઘણા વિજ્ઞાનીઓ તૈયાર નથી. બીજી તરફ અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પિયોએ દાવો કર્યો છે કે આ વાઇરસ ચીનની લૅબમાંથી આવ્યો છે, એ સાબિત કરતા તેમની પાસે ઘણા પુરાવા છે. તો વિદેશમંત્રી તેમની સેનાના ચેરમેનને એ પુરાવા આપી કેમ દેતા નથી?

સરકાર તરફી પ્રસાર માધ્યમો પણ આમાં ઝંપલાવી ચૂક્યાં છે. ટ્રમ્પને ચૂંટણી જીતાડવામાં મોટી મદદ કરનાર, જમણેરી ફોક્સ ન્યૂઝે એક વાર્તા ઘડી કાઢી છે. ફોક્સ ન્યૂઝના જણાવ્યા પ્રમાણે જિયો કવાંક નામના રિસર્ચ સાયન્ટિસ્ટે આપેલી કેફિયત મુજબ, આ વાઇરસ વુહાનમાંથી આવ્યો છે. આ રિસર્ચ સાયન્ટિસ્ટ ચીની છે. આ સમાચારને આધાર બનાવીને દુનિયામાં સર્વત્ર આ પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ હજુ એટલું સારું છે કે અમેરિકામાં વૈકલ્પિક મીડિયા સંસ્થાઓ પણ મજબૂત છે, ઊંડાણથી કામ કરનાર પત્રકારો છે. ‘ગ્રે ઝોન’ નામની સંસ્થા ચલાવતા મેક્સ બ્લ્યુમેંથલ અને ભારતીય પત્રકાર અજિતસિંહે ફોક્સ ન્યૂઝની આ વાર્તાની હવા કાઢી નાખી છે. અમેરિકાની આ પ્રયુક્તિ જૂની છે. ઈરાકયુદ્ધ વખતે પણ આવી રીતે ખોટી વીડિયો બતાવવામા આવી હતી. ત્યારે પણ અમેરિકન પત્રકારોએ સાબિત કર્યું હતું કે (અમેરિકાની સંસદના ઉપલા ગૃહ) સૅનેટમાં બતાવેલી વીડિયો ફિલ્મ ખોટી હતી.

મેક્સ બ્લ્યુમેંથલ અને અજિતસિંહે શોધી કાઢ્યું કે જિયો કવાંક ચીની છે, પણ વર્ષોથી અમેરિકામાં છે અને અમેરિકાનું ફંડ મેળવીને વારેતહેવારે ચીન વિરુદ્ધ ઝેર ઓકવામાં મોખરે છે. તેના વિશેની ફોક્સ ન્યૂઝની સ્ટોરીનો હવાલો આપીને ‘વૉશિંગ્ટન પોસ્ટ’માં કોલમ લખનાર જોશ રોગોને લખ્યું કે મારી પાસે પુરાવો નથી પરંતુ ચીનની લેબમાંથી જ વાઇરસ નીકળ્યો છે ! આમ, જે બાબતમાં વિશેષજ્ઞોના અભિપ્રાય જરૂરી હોય ત્યાં માધ્યમો આવું હાંક્યે રાખે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ છેવટે જાહેર કર્યું કે આ વાઇરસ ચીનની લૅબમાંથી નીકળ્યો નથી. અલબત્ત, ટ્રમ્પને અને બીજા ઘણાને લાગે છે કે વિશ્વ આરોગ્ય સંસ્થા પણ ચીનનું ઉપરાણું લે છે.

આપણે જાણીએ છીએ કે રશિયાના પતન પછી જગતજમાદાર બની ચૂકેલા અમેરિકાનો મુકાબલો ચીન કરી રહ્યું છે. ૧૯૭૬ સુધી જ્યાં નાગરિકો પાસે સાઇકલનાં ફાંફા હતા ત્યાં જીવનસ્તર ઘણું ઊંચું થયું છે. ભારત પછી બે વરસે આઝાદ થનાર આ દેશ આજે દુનિયાની મહાસત્તા ગણાય છે. એકચક્રી શાસનમાં માનતા અમેરિકાને ચીન આંખના કણાની માફક ખૂંચે છે. તેથી પોતાનાં તમામ માધ્યમોને કામે લગાડીને ચીને જ કોરોનાનો કાળો કેર વર્તાવ્યો છે તે ઠસાવી, પોતે દુનિયાનો તારણહાર હોવાના ડોળ સાથે પગલાં લેવા માગે છે, એવું તે સ્થાપિત કરશે. તેની અસરો દુનિયાના રાજકારણ અને અર્થતંત્ર પર પણ પડશે જ. વિશ્વ આરોગ્ય સંસ્થાની જાહેરાત પછી ચીને પણ કહ્યું કે વુહાનની ઘટના પૂર્વે વુહાનમાં ‘વિશ્વ સૈનિક સંમેલન’ યોજાયેલું. જેમાં પાંચસોથી વધુ અમેરિકાના સૈનિકો આવ્યા હતા એના દ્ધારા પણ આ વાઇરસ ચીનમાં આવ્યો હોય. (બીજી બાબતોની જેમ આક્રમક પ્રચારતંત્રની બાબતમાં ચીન પણ અમેરિકાથી પાછું પડે એમ નથી.)

હકીકત એ છે કે અમેરિકાના આ વલણ સામે ઉપખંડ તરીકે ભારતે શાણપણ બતાવવું પડશે. એક તરફ પાકિસ્તાની સુરક્ષા અધિકારીઓ ડૉ. માઈકલ રૂબિન જેવા બોલવા માંડ્યા છે કે ચીન પાકિસ્તાનને પોતાની ‘કૉલોની’ બનાવી નાખશે ! અરે ભાઈ, અમેરિકાએ પાકિસ્તાનને કૉલોની બનાવવામાં ક્યાં કંઈ બાકી રાખ્યું હતું? બીજી તરફ ભા.જ.પ.ના પ્રવક્તા રામ માધવ એકદમ શેખચલ્લીરંગમાં આવી જઈને ‘ઇન્ડિયન એકસપ્રેસ’માં લખે છે કે હવેની દુનિયા ભારત, જર્મની અને અમેરિકાની હશે! પર્યાવરણ, આરોગ્ય, ટેકનૉલોજીના કારણે વિદેશી કંપનીઓ ચીનના બદલે ભારતને પસંદ કરશે ! બીજી તરફ વાસ્તવિકતા એ છે કે ભારતમાં જ ચીનની કેટલી બધી કંપની છે. સ્ટેચ્યુ ઑફ યુનિટીના ભાગ ચીનમાં તૈયાર થયા અને અહીં લાવીને તેમને જોડવામાં આવ્યા હતા, એના સમાચાર જાણીતા છે.

આપણે પ્રજાને માસ્ક ને પી.પી.ઇ. કીટ પૂરાં પાડી શકતાં નથી ને ચીનની હરીફાઈની વાતો કરીએ છીએ! રામ માધવે લેખમાં લખ્યું કે ચીનનું ભાવિ અંધકારમય છે. પણ એ ભાઈ જરા વધારે નજીકનું જોશે તો તેમને સમજાશે કે ચીનના ભાવિ કરતાં પહેલાં આપણા વર્તમાનની ચિંતા વધારે કરવા જેવી છે. એકહથ્થુ શાસનથી નીતિનિયમો નેવે મૂકીને ચીન એટલું શક્તિશાળી બન્યું છે કે અમેરિકાને તે હંફાવે છે. તેથી ચીન અને અમેરિકાના ગજગ્રાહમાં ભારતે સૌથી પહેલાં અમેરિકા સાથેનો સંબંધ નહીં, પોતાનું હિત જોવાનું રહે છે.

e.mail : bharatmehta864@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 27 મે 2020

Loading

...102030...2,4612,4622,4632,464...2,4702,4802,490...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved