Opinion Magazine
Number of visits: 9966512
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આશાવાદ નહીં, આયોજન અને સાવચેતી

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|19 May 2020

લૉક ડાઉન ખૂલી ગયું તેની રાહત કોને ન હોય? સપ્તાહોથી ઘરમાં પુરાયેલાં અનેક લોકો પાછા આર્થિક પ્રવૃત્તિમાં જોડાઈને પોતાનું-પરિવારનું ક્ષેમકુશળ સાધવા મચી પડશે, તેનો આનંદ પણ ખરો. અમદાવાદ-સુરતના અમુક વિસ્તારો સિવાય રાજ્યભરમાં લૉક ડાઉન હળવું કરવાનો સરકારી નિર્ણય સમજી શકાય એવો છે. તેની પાછળ બે પ્રકારની મજબૂરી કારણભૂત હશેઃ ૧) લૉક ડાઉન રાખીને પણ આપણે કશું ઉકાળી શક્યા નથી. કોરોનાના કેસમાં વધારો જ થતો રહ્યો છે. ૨) આમ ને આમ લૉક ડાઉન ક્યાં સુધી લંબાવ્યા કરવું? હવે ઉઘાડું મૂકી જોઈએ.

કોરોનાનો પ્રકોપ હજુ જરા ય ઓસર્યો નથી અને એ નહીં પ્રસરે, એવું તો જરા ય કહી શકાય તેમ નથી. એવા સંજોગોમાં સરકારી નિર્ણય આંધળુકિયું પણ લાગે. સામે પક્ષે એવી દલીલ કરી શકાય કે, આવા સંજોગોમાં બીજું થઈ પણ શું શકે? એક વાર આર્થિક પ્રવૃત્તિ પહેલાંની જેમ ધમધમતી થઈ જાય, એટલે બધું બરાબર થઈ જશે, એવો આશાવાદ આવા સમયે મન પર સવાર થતો હોય છે. આવા બંને બાજુના વિચાર પછી પણ, ‘બધું ખોલી નાખવાનો નિર્ણય સવળો ન પડ્યો ને અવળો પડ્યો તો તેના માટે કોઈ ‘પ્લાન બી’ સરકાર પાસે હશે?’ એવો સવાલ ચોક્કસ થાય. પછી યાદ આવે કે આખી કોરોના-કટોકટીમાં જે સરકાર પાસે ‘પ્લાન-એ’ જ ન હતો, તેમની પાસેથી આવી અપેક્ષા શી રીતે રાખી શકાય? અને કોઈ પણ સરકાર પાસે જવાબદારી બીજા પર ઢોળી દેવાનો સનાતન ‘પ્લાન-બી’ તો હોય જ છે.

કેન્દ્ર સરકાર હોય કે ગુજરાત સરકાર, કોરોનાકાળમાં તેમનો વહીવટ પાઠ્યપુસ્તકોમાં સામેલ કરવો પડે એવો બની રહ્યો છે. અલબત્ત, એ પ્રકરણનું મથાળું હશેઃ ‘આયોજન કેવી રીતે ન કરવું’. કાર્નિવાલો ને મેળાવડા ને જગતના સૌથી લાંબા ચાલતા ડાન્સ ફૅસ્ટિવલ ને વાઇબ્રન્ટ ને પ્રવાસી ભારતીય દિવસથી માંડીને ‘નમસ્તે ટ્રમ્પ’ સુધી એવો ભ્રમ ઊભો કરવામાં આવ્યો હતો કે બીજું ગમે તે હોય, આપણી સરકારો ને આપણા સાહેબોનું આયોજન એટલે કહેવું પડે. અમદાવાદ-ગાંધીનગર જેવા શહેરોમાં થતા એ તાયફાના જોશીલા પ્રચારની રંગતમાં એ તો ભૂલી જ જવાયું કે આમાનાં મોટા ભાગનાં આયોજનો સરકારનું કામ જ નથી. પ્રજાને મનોરંજનમાં ગુલતાન રાખીને મહત્ત્વના મુદ્દા ભૂલાવી દેવાનું મૉ઼ડેલ તો રોમનું હતું. એકવીસમી સદીમાં લોકશાહીમાં સરકારો એવું શી રીતે કરી શકે? અને એટલું ઓછું હોય તેમ, તેના આયોજન બદલ જશ પણ ઉઘરાવે? બીજી હકીકત એ કે શહેરી આયોજનોમાં કેટલા ચાલુ રૂટની એસ.ટી. બસો બંધ રાખીને, એ બસોને કાર્યક્રમની સફળતા માટે ફાળવાઈ અને એ રુટ પર તે દિવસે લોકોને વિના વાંકે કેટલી હાડમારી વેઠવી પડી, એ મિસમૅનેજમૅન્ટ કે અસંવેદનશીલતાનો હિસાબ માંડવાની સરકારને પરવા ન હતી અને ઘણા નાગરિકોને એ દેખાતો કે જોવો ન હતો.

કોરોના-કટોકટીએ સરકારની આયોજન-કુશળતાનો પ્રચારવાયુથી ફાટફાટ થતો ફુગ્ગો ફોડી નાખ્યો છે. વડાપ્રધાનથી માંડીને ગુજરાતના મુખ્ય મંત્રીએ પુરવાર કરી આપ્યું છે કે આટલાં વર્ષે પણ તેમને આયોજન કરતાં આવડતું નથી. એટલું જ નહીં, તેમને એની જરૂર પણ નથી લાગતી. કોમી ધ્રુવીકરણ-રાજકારણના કુટિલ કાવાદાવા – કોઈ પણ ભોગે પોતાના વાવટા ફરકાવવા સિવાયની બીજી બધી ક્ષમતાઓ તેમને મન ગૌણ લાગે છે અને પોતાનું રાજકીય હિત મુખ્ય. વડાપ્રધાન એ ખેલમાં સૌથી મોટા ખેલાડી છે. એટલે લોકરંજનીના ફૂટેજ ખાઈ લીધા પછી હવે જવાબદારી લેવાની આવી ત્યારે તેમણે હાથ ખંખેરી નાખ્યા છે. તેમને લાગે છે કે કોરોનાની ઐસીતૈસી, દિલ્હીના હાર્દ સમા સેન્ટ્રલ વિસ્ટા વિસ્તારનું વીસ હજાર કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્માણ કરવાથી ઇતિહાસમાં તેમનું નામ અમર થઈ જશે. એટલે, આર્થિક તંગીના આવા વસમા ગાળામાં પણ તેમના લાડકા પ્રોજેક્ટને આગળ વધવાની મંજૂરી મળી ગઈ છે. દુનિયાનું ઊંચામાં ઊંચું પૂતળું બનાવી દીધા પછી પણ તેમને ધરવ થયો નથી. ઘણા સમય પહેલાં એક લેખમાં આ પદ્ધતિને મૅનેજમૅન્ટના ‘ડિઝનીલૅન્ડ મૉડેલ’ તરીકે ઓળખાવી હતી, જેમાં દર થોડા સમયે તમારે (કશું નક્કર નહીં કરવાની અવેજીમાં) નવી રાઇડ ઉમેરતા રહેવું પડે.

લૉક ડાઉનના બબ્બે મહિના થવા આવ્યા. છતાં સડકો પર ચાલતા ને વતન પાછા જવા માટે હિંસાનો આશરો લેતા શ્રમિકો આ સરકારોની ફક્ત નિષ્ફળતા જ નહીં, અસંવેદનશીલતાનું પણ પ્રતીક છે. આ મામલે સરકારી અસંવેદનશીલતાની ઊંચાઈ સરદારના પૂતળાને પણ આંબી ચૂકી છે. વડાપ્રધાનને એ વાતની હૈયાધારણ હશે કે ચૂંટણીઓ તો હજુ ચાર વર્ષ દૂર છે. ત્યાં સુધી આપણા ડિઝનીલૅન્ડમાં સર્જિકલ સ્ટ્રાઇક જેવી એકાદી એકાદ ‘એડવૅન્ચર રાઇડ’ આણી દઈશું એટલે થયું. તેમનો આવો આત્મવિશ્વાસ ખોટો પાડવાનું કામ કોઈ રાજકીય પક્ષ નહીં કરે. એ નાગરિકોએ જ કરવું પડશે.

દરમિયાન, માસ્ક ચુસ્ત રીતે પહેરવો, માસ્કના આગળના ભાગને હાથ અડાડવો નહીં, રોજ માસ્ક સાબુના પાણીથી ધોવો, હાથ પણ સાબુથી ધોતા રહેવું — આ બધી કોરોનાકાળના આરંભે અપાયેલી જાણકારીનો હજુ પણ ચુસ્તીપૂર્વક જ અમલ કરવાનો રહે છે. બહાર હરવાફરવાનું શરૂ કરી દેનારા સૌએ તો ખાસ — અને તે સરકારે કહ્યું છે માટે નહીં, પોતાની ગરજે, પોતાના પરિવાર માટે. કેમ કે, કોરોના વાઇરસને આપણે આશાવાદી હોઈએ કે નિરાશાવાદી, તેનાથી કશો ફરક પડતો નથી.

e.mail : uakothari@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 19 મે 2020

Loading

નીંભર સરકારોના રાજમાં આત્મનિર્ભર થવાનો પડકાર

ચંદુ મહેરિયા|Opinion - Opinion|19 May 2020

“કોરોના-કોરોના કરીને ઘરમાં બહુ જ રહી લીધું, હવે કામધંધે વળગો” – એ મતલબના શબ્દો, એક અખબારી મુલાકાતમાં,  ગુજરાતના જુનિયર ચીફ મિનિસ્ટરે હજુ તો ત્રીજું લૉક ડાઉન ચાલતુ હતું ત્યારે કહ્યા હતા. આ મહાશયે મોદી-અમિત શાહ સામે રિસામણે બેસીને જે ‘ખાતાં’ મેળવ્યાં હતાં, તેમાંનું એક આરોગ્ય ખાતું છે. તેમના હસ્તકના આરોગ્ય ખાતાનાં ભોપાળાં અને બિનકાર્યક્ષમતા રોજેરોજ ઉજાગર થઈ રહ્યાં છે. તેનાથી લાજવાને બદલે તેઓ વેપારમંત્રીનો રોલ નિભાવતા કંઈક એમ કહે છે કે ઘરમાં બહુ રહી લીધું, હવે કામધંધે વળગો.

તુકબંધી કિગ પ્રધાનસેવકે ૧૭મી મે પછીનું ચોથું લૉક ડાઉન નવા રંગરૂપનું હશે, તેમ જે જણાવ્યું હતું, તે હવે દેખાઈ રહ્યું છે. અગાઉના એકેય લૉક ડાઉન અંગે કોઈને વિશ્વાસમાં ન લેનાર વડાપ્રધાને આ વખતે રાજ્યોને સત્તા આપીને તેનો રંગ દર્શાવ્યો છે. તે કેવું રૂપ લેશે તે ભા.જ.પા.શાસિત રાજ્યોની આ મુદ્દે જોવા મળેલી અકર્મણ્યતાથી સ્પષ્ટ થયું છે. ગુજરાતની નબળી રાજકીય નેતાગીરી અને અતિ નબળી બાબુશાહી દિલ્હીના આકાઓ તરફ મોં માંડીને બેઠી હતી. એટલે ૧૭મી મેના દિવસે ત્રીજું લૉક ડાઉન પૂરું થયા પૂર્વે ચોથા લૉક ડાઉનના નીતિ નિયમોની જાહેરાત થવી જોઈતી હતી, તે ૧૮મીએ રાત્રે અને તે પણ અડધીપડધી થઈ છે. છૂટછાટો જાહેર કરવી, પણ ઝોન પ્રમાણે વિસ્તારોની નવી યાદી ૧૯મી તૈયાર થશે, એમ કહેવાથી લોકોને કેટલી મુશ્કેલી પડશે અને કેવી અંધાધૂંધી સર્જાશે, એનો લોકોને કામધંધે વળગાવવા અધીરા રાજકારણીઓને અંદાજ ન હોય તે તો સમજાય, પણ વહીવટી તંત્ર પણ આવું કરી શકે ?

ગુજરાતમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત અમદાવાદ છે. ચોથા લૉક ડાઉનમાં પૂર્વ અમદાવાદમાં તાળાબંધી અને પશ્ચિમ અમદાવાદને છૂટછાટોનો નિર્ણય કેટલો તાર્કિક છે અને કેટલો રાજકીય તે સવાલ ઊઠે છે. અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર વિજય નહેરાની અધવચ બદલી પણ સવાલો જન્માવે છે. નહેરા પી.એમ.-સી.એમ.ના પ્રીતિપાત્ર હોવાનું કહેવાય છે. તેમ છતાં એગ્રેસીવ ટેસ્ટિંગના તેમના વાજબી વલણે અમદાવાદમાં કેસોની સંખ્યા વધારી. તેથી દિલ્હી અને ગાંધીનગર નારાજ થયું એટલે એમણે જવું પડ્યું — એવી લોકલાગણી જો સાચી હોય તો ચિંતાજનક છે. વડી અદાલતે ખાનગી હૉસ્પિટલોની કોરોના સારવારની બેફામ ફી અંગે સુઓ મોટો નોંધ લીધી, તે પછી રાજ્ય સરકારને ફી નિર્ધારણ કરવું પડ્યું કે દેશી બનાવટનાં ‘ધમણ’ વેન્ટિલેટરની કોરોના સારવારમાં બિનઉપયોગિતાનો વિવાદ પણ સરકારને આરોપીના પિંજરામાં ખડી કરવા પૂરતો છે.

ગુજરાતમાં પરપ્રાંતીય શ્રમિકોને વતનવાપસી માટે એકાધિક વાર અને એકાધિક શહેરોમાં હિંસક બનવું પડ્યું છે. તે સરકારની – વહીવટીતંત્રની અસંવેદનશીલતા અને અકાર્યક્ષમતા દર્શાવે છે. અમદાવાદના ગુજરી બજાર પાસે ભૂખ્યા શ્રમિકો હોવા અંગેના અંગ્રેજી અખબારોના અહેવાલો પરથી હાઈકોર્ટે સુઓ મોટો હુકમ કરવો પડ્યો હતો. અદાલતે તેના અતિ સૌમ્ય ચુકાદામાં, સરકારની રોજિંદી કાર્યવાહીમાં હસ્તક્ષેપ કરવાના ઈન્કાર સાથે “ગરીબો કોરોનાથી નહીં એટલા ભૂખથી પરેશાન છે, લોકો ભૂખથી ટળવળે છે અને પરિસ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે” એવી ટિપ્પણી કરી છે તે સરકાર સામેનું આરોપનામું કે અવિશ્વાસની દરખાસ્ત બરાબર છે. અમદાવાદની હજારેક બેડની સરકારી કોવિડ હોસ્પિટલમાં દરદીનાં કુટુંબીજનોને દરદીની ભાળ ન મળતાં પોલીસ ફરિયાદો કરવી પડે કે નધણિયાતી લાશો મળે અને દરદીનાં મરણના સમાચાર ના મળે કે મોડેથી મળે તે દર્શાવે છે કે સાડા છ કરોડના ધણી થઈને ફરવાનો દાવો કરતા ભા.જ.પ.શ્રેષ્ઠીઓની હેસિયત કોરોનાની મેડિકલ ઈમરજન્સીમાં હજાર દરદીઓને ઢંગથી સાચવવાની પણ નથી.

અરવિંદ કેજરીવાલ સવાયા મોદી બનવા જઈ રહ્યાનું અનુચ્છેદ ૩૭૦ની નાબૂદી, સી.એ.એ.-એન.આર.સી. વિરુદ્ધના આંદોલન વખતે જે જોવા મળેલું, તે કોરોનાકાળમાં વધુ દૃઢ થયું છે. એમનાં બહુ ગાજેલાં મહોલ્લા કિલિનિક્સ અને આરોગ્યનાં કામોને કોરોનાએ ઉઘાડા પાડી દીધા છે. બાકી હતું તે પરપ્રાંતીયની સાચવણીમાં દેખાયું અને હવે બધું જ ‘ખૂલ જા’નું તેમનું વલણ અને લોકો પાસે પાંચ લાખ સૂચનો મંગાવ્યાનો દેખાડો તેમને ખંધા રાજકારણી પુરવાર કરે છે. કૉન્ગ્રેસસહિતની રાજ્ય સરકારોએ સ્થળાંતરિત કામદારોની જે વલે કરી છે અને પછી શ્રમ કાયદામાં માલિકોને અનુકૂળ સુધારા કર્યા, તેનાથી આવનારા દિવસો ગરીબો અને શ્રમિકો માટે કપરા હશે. કર્ણાટકે પાડોશી રાજ્યોની સરહદો સીલ કરી, વધુ કેસવાળા ગુજરાત જેવા રાજ્યના નાગરિકોને પ્રવેશબંધી કરી તે તો હદ વટાવનારું અને રાજ્યોની સીમાઓને સરહદ બનાવી દેનારું પગલું છે. આ સંજોગોમાં નાગરિકે ખુદે સાજાનરવા રહીને લોકતંત્રનું રખવાળું પણ કરવાનું છે. નીંભર સરકારોના યુગમાં કોરોના સામે આત્મનિર્ભર બનવાનો પડકાર મોટો છે. પણ અશક્ય નથી.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 19 મે 2020

Loading

ભારતમાં કોરોનાનું ટેસ્ટિંગ : આંકડાની માયાજાળ

રિમ્મી વાઘેલા|Opinion - Opinion|18 May 2020

ભારત સરકારે 9મી મેના રોજ કોવિડ-19 માટે ટેસ્ટિંગની નવી માર્ગદર્શિકા જાહેર કરી. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મૅડિકલ રિસર્ચ (ICMR) તરફથી ‘રિવાઇઝ્ડ પેશન્ટ ડિસ્ચાર્જ પૉલિસી’ની જાહેરાત કરીને કોવિડ-19ની સારવારમાં અનેક મોટા ફેરફારો લાગુ કર્યા છે. ટેસ્ટ અંગેની આ નવી માર્ગદર્શિકા શું છે, તે સૌથી પહેલાં આપણે જાણીએ

નવી માર્ગદર્શિકા

અત્યાર સુધી કોરોના-સંક્રમિત દરદીઓને ઓછામાં ઓછા બે વાર, 24 કલાકના સમયાંતરે રિપોર્ટ નેગેટિવ આવે ત્યારે જ હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવતી હતી. પરંતુ નવી માર્ગદર્શિકા મુજબ કોરોનાનાં લક્ષણો ન ધરાવતા કે નજીવાં લક્ષણો ધરાવતા દરદીને દસ દિવસની સારવાર બાદ છેલ્લા ત્રણ દિવસમાં તાવ કે અન્ય કોઈ ફરિયાદ ના હોય, શ્વાસ લેવામાં કોઈ તકલીફ ના હોય કે કોઇ સપોર્ટ વગર ઑક્સિજન લઈ શકે તેવી સામાન્ય સ્થિતિ જણાય તો તેવા દરદીને પણ દસ દિવસ પછી, RT- PCRનો ટેસ્ટ કર્યા વગર જ રજા આપવામાં આવશે. માત્ર એચ.આઇ.વી. પૉઝિટિવ, ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરેલું હોય તેવા દરદી કે કૅન્સર જેવી ગંભીર બીમારીથી પીડાતા દરદીને જ RT-PCRનો ટેસ્ટ કરીને રજા આપવામાં આવશે.

નવી માર્ગદર્શિકાનાં જોખમો

ખુદ ICMRએ સ્વીકાર્યું છે કે ભારતમાં 80 ટકા કોરોના દરદીઓ લક્ષણો વિનાના છે. એવા સમયમાં કોરોનાનો ફેલાવો રોકવા માટે દરદીઓની ઓળખ અનિવાર્ય છે. જો આપણે સંક્રમિત વ્યક્તિની ઓળખ ન કરવાના હોઈએ, ટેસ્ટ કર્યા વગર જ ઉપરની શરતોનું પાલન કરીને દરદીને હૉસ્પિટલમાંથી રજા આપવાના હોઈએ, તો કોરોનાનો ફેલાવો આપણે કેવી રીતે રોકી શકીશું? ટેસ્ટ વગર જ કોરોનામુક્ત જાહેર કરાયેલી વ્યક્તિ સાઇલેન્ટ કૅરિયર (છૂપી વાહક) બનીને અનેક લોકોને સંક્રમિત કરી શકે છે. દેશના નિષ્ણાતો પણ કહી ચૂક્યા છે કે ભારતમાં જૂન સુધીમાં સ્થિતિ ઓર ભયજનક બની શકે છે. એવા સમયે સંક્રમિત વ્યક્તિઓની ઓળખ કરવા ટેસ્ટિંગ સિવાય અન્ય કોઈ વિકલ્પ જ નથી. ત્યારે નવી માર્ગદર્શિકા અતાર્કિક, તબીબી નૈતિકતાની વિરોધી અને લોકોનાં જીવનને જોખમમાં મૂકનારી સાબિત નહીં થાય?

વિશ્વથી વિપરીત ભારતની ગતિ:

કોરોના વાઇરસના ઉદ્દભવસ્થાન તરીકે ચીનના વુહાન શહેરને ગણવામાં આવે છે. ત્યાં ત્રીજી એપ્રિલ સુધી એક પણ નવો કેસ આવ્યો નહોતો. ચીનનું આ શહેરમાં સતત 11 અઠવાડિયા સુધી લૉક ડાઉનમાં હતું. 8મી એપ્રિલે આ લૉક ડાઉન ઉઠાવવામાં આવ્યું. ત્યાર પછી ચીનમાં છ નવા કેસ નોંધાયા છે. એટલે પછીના દસ દિવસમાં ચીનના તંત્રે વુહાન શહેરની ૧.૧ કરોડની વસતિનું ટેસ્ટિંગ કરવાનો નિર્ણય લીધો. તેમાં પણ ઉંમરલાયક વ્યક્તિઓ અને ગીચ વસતિ ધરાવતા વિસ્તારોને પહેલી પ્રાથમિકતા આપવામાં આવી. અલબત્ત, ચીનથી આવતી માહિતીની વિશ્વસનીયતાના પ્રશ્નો હંમેશાં હોય છે. એટલે, થોડી વાત બીજા દેશોની કરીએ.

ભારતથી નજીક આવેલો નાનકડો દેશ સિંગાપુર 1 જૂન સુધી લૉક ડાઉન હેઠળ છે. સિંગાપુરના આરોગ્યમંત્રી કોરોનાનો ફેલાવો અટકાવવા માટે 3,23,000 સ્થળાંતરિત મજૂરોનું ટેસ્ટિંગ કરવાનો નિર્ણય કર્યો. બ્રિટન, ફ્રાન્સ અને સ્પેનમાં કોરોનાસંક્રમિત દરદીઓની સંખ્યા અને તેમનાં મૃત્યુની સંખ્યા ઘણી વધુ છે. સ્પેનમાં નવમી મે સુધીમાં 2,72,646 જેટલા સંક્રમિત દરદીઓ નોંધાયા હતા, જેમાંથી 27,321 દરદીઓ મૃત્યુ પામ્યાં. સ્પેનમાં મૃત્યુનો આટલો ઊંચો દર હોવા છતાં ત્યાં કોરોનાનો ફેલાવો નિયંત્રણ તરફ આગળ વધી રહ્યો છે. તેની પાછળનું મુખ્ય કારણ મોટા પ્રમાણમાં કરાયેલું ટેસ્ટિંગ છે. સ્પેને દર દસ લાખ લોકોએ 52,781 ટેસ્ટ કર્યા છે. દુનિયામાં સૌથી વધુ ટેસ્ટિંગ કરનાર દેશ પોર્ટુગલ છે. તેની વસતિ 1.02 કરોડ છે. પોર્ટુગલમાં કુલ ટેસ્ટિંગની સંખ્યા 5,66,000 છે. એટલે કે આ નાનકડા દેશે પોતાની દસ લાખની વસતિએ કુલ 55,500 જેટલા ટેસ્ટ કર્યા છે. પેરુ ભારતથી 206મા ભાગનો દેશ છે. તેની ટેસ્ટિંગની સંખ્યા દર દસ લાખે 16,413 છે. દર દસ લાખની વસતિએ કતારે 48,290 ટેસ્ટ, તુર્કીએ 17,477 ટેસ્ટ, તો ચિલીએ 16,091 ટેસ્ટ કર્યા છે ત્યારે વિશ્વની મહાસત્તા બનવાની સ્પર્ધામાં સૌથી આગળ હોવાનો અને પાંચ ટ્રિલિયન ડોલરના અર્થતંત્રનું લક્ષ્યાંક રાખવાનો દાવો કરનાર ભારતમાં દર દસ લાખ લોકોએ 1,411નું ટેસ્ટિંગ કરાયું છે. (સ્રોત www.statists.com)

ભારતમાં કોરોનાનો પ્રથમ પૉઝિટિવ કેસ ૩૦મી જાન્યુઆરીએ કેરળમાં નોંધાયો હતો, જ્યારે દક્ષિણ કોરિયામાં પ્રથમ કેસ 20મી જાન્યુઆરીએ નોંધાયો હતો. 13મી માર્ચ સુધી આપણે દર દસ લાખ લોકોએ માત્ર પાંચ (બરાબર પાંચ જ) ટેસ્ટ કર્યા હતા. આમ 13મી માર્ચ સુધી આપણા દેશમાં માત્ર 6,000 ટેસ્ટ થયા હતા, જ્યારે એ જ સમયે દક્ષિણ કોરિયામાં દર દસ લાખ લોકોએ 4,000 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. (સ્રોત: Scroll, 18/03/20)

અમેરિકામાં કોરોના વાઇરસનો ભય ખૂબ જ વધારે છે. સંક્રમિત દરદીઓની સંખ્યા અને તેમના મૃત્યુમાં અમેરિકા સમગ્ર વિશ્વમાં પ્રથમ સ્થાને છે. હંમેશાં અમેરિકાના માર્ગે ચાલવાનું પસંદ કરનાર ભારતે એ વાત નોંધવી જોઈએ કે વ્હાઇટ હાઉસના અહેવાલો અનુસાર અમેરિકામાં રોજના ૩ લાખ ટેસ્ટ થઈ રહ્યા છે. (સ્રોત: The Guardian, 12/05/20) જો કે વ્હાઇટ હાઉસ દ્વારા થતા પ્રેસ બ્રિફિંગ ઉપર ખુદ અમેરિકાનાં માધ્યમોને કે નાગરિકોનો ભરોસો નથી. ટ્રમ્પ તંત્ર દ્વારા ‘સૅન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન’ને ગણતરીની પદ્ધતિ બદલીને કોરોનાથી થતાં મૃત્યુની સંખ્યા ઓછી બતાવવા દબાણ કરાઈ રહ્યું છે. અમેરિકાની સૌથી વિશ્વસનીય વ્યક્તિઓમાંના એક અને કોરોના વાઇરસ ટાસ્ક ફોર્સના સભ્ય એવા એન્થની ફૉસીએ પણ આ વાત સૅનેટ કમિટી આગળ ખુલ્લી પાડી છે. અલબત્ત, ભારત ટેસ્ટિંગની બાબતમાં અમેરિકાને અનુસરે કે ના અનુસરે, પણ આંકડા છુપાવવાની બાબતમાં અમેરિકાના તંત્રને અનુસરતું હોય તેવું લાગી રહ્યું છે.

WHOએ છેક માર્ચના મધ્યમાં જ કહ્યું હતું કે કોરોનાને ફેલાતો અટકાવવા માટે ટેસ્ટ, ટેસ્ટ અને માત્ર ટેસ્ટ સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. સોશિયલ ડિસ્ટન્સિંગ (હકીકતમાં શબ્દો હોવો જોઈએ ‘ફિઝિકલ  ડિસ્ટન્સિંગ’) અને પરિવહન પર પ્રતિબંધ એક માત્ર ઉકેલ હોઈ શકે નહીં. કારણ કે કોરોનાનાં લક્ષણો વિનાના દરદીઓ કોરોનાનો ફેલાવો ઝડપથી કરવા માટે જવાબદાર બની શકે છે.

આમ, સમગ્ર દુનિયા કોરોનાને અટકાવવા માટે, સંક્રમિત દરદીઓને ઓળખવા મોડે મોડેથી પણ ટેસ્ટિંગને મહત્ત્વ આપી રહી છે, એવા સમયે ભારતમાં ટેસ્ટિંગને અવગણવાની વાત જોખમરૂપ સાબિત થઈ શકે છે.

ટેસ્ટિંગ ન કરવા પાછળનું કારણ શું હોઈ શકે?

આમ તો ટેસ્ટિંગ ન કરવા પાછળ કોઈ પણ પ્રકારના વાજબી કારણનું અસ્તિત્વ હોય તેવું લાગતું નથી. પરંતુ શરૂઆતથી જ આંકડા અને કોરોનાને લગતી સરકારના વિવિધ વિભાગો દ્વારા અપાયેલી માહિતીમાં ગરબડો જોવા મળી છે. નવી માર્ગદર્શિકા પછી હૉસ્પિટલમાંથી રજા મેળવનાર દરદીઓની સંખ્યા અનેક ગણી વધી ગઈ છે. તેના પરિણામે દેશમાં અને રાજ્યમાં રોજેરોજ કોરોના-સંક્રમિત દરદીઓના કેસ વધતા હોવા છતાં, દરદીઓના સાજા થવાનું પ્રમાણ અચાનક વધી ગયેલું જણાય છે. આમ, નવી માર્ગદર્શિકા આવતાં પહેલાંના એક અઠવાડિયામાં દેશનો રિકવરી રેટ જે 26.59 ટકા હતો, તે આ નવી માર્ગદર્શિકા અમલમાં આવતાની સાથે જ 31.14 ટકા થઈ ગયો છે. આમ, આપણે સારવારની નીતિ બદલીને આંકડાકીય રીતે વિશ્વમાં આપણી છબી પણ ઉન્નત કરી દીધી અને લોકોને સાચુંખોટું એક આશ્વાસન પણ આપી દીધું કે વધુ ને વધુ દરદીઓ સાજા થઈ રહ્યા છે.

ગુજરાત એક 'મૉડેલ સ્ટેટ’ હોવાથી આપણે તો હંમેશાં આ પ્રકારની માર્ગદર્શિકાઓના અમલમાં અતિ ઉતાવળા હોઈએ છીએ. રાજ્યમાં રોજેરોજ કોરોનાના કેસ વધી રહ્યા હોવા છતાં પણ  ટેસ્ટિંગનું પ્રમાણ સતત ઘટાડાઈ રહ્યું છે. આપણા રાજ્યમાં 3 મેના રોજ,  374 પૉઝિટિવ કેસ નોંધાયા હતા, તેની સામે 5,944 ટેસ્ટ થયા હતા. 10 દિવસ બાદ રાજ્યમાં 13મી તારીખે નોંધાયેલા પૉઝિટિવ કેસની સંખ્યા 364 છે, જ્યારે તેની સામે થયેલા ટેસ્ટની સંખ્યા માત્ર 2,760 છે. (સ્રોત: નવગુજરાત સમય, 14/05/20) આમ, રાજ્યમાં કે અમદાવાદ શહેરમાં કોરોના પૉઝિટિવ દરદીઓની સંખ્યા કે તેમનાં મૃત્યુનો આંકડો ઓછો નથી થયો. તેમ છતાં રાજ્યમાં આ નવી માર્ગદર્શિકાના આધારે રિકવરી રેટ વધી રહ્યો છે. એક સમયે જ્યાં દેશનો સૌથી ઓછો રિકવરી રેટ હતો, આજે એ જ રાજ્ય દેશના સરેરાશ રિકવરી રેટ કરતાં પણ આગળ છે. આજ રોજ રાજ્યમાં સાજા થનાર દરદીઓનું પ્રમાણ  38.4 ટકાએ પહોંચ્યું છે. આમ તંત્ર આંકડાઓની માયાજાળ રચીને લોકોને વાસ્તવિકતાથી દૂર રાખવાનું જોખમી પગલું ભરી રહ્યું છે.

લોકો લૉક ડાઉનમાં છે. પોતે કોઈપણ નીતિ બાબતે પોતાનું મંતવ્ય રજૂ કરી શકે કે વિરોધ નોંધાવી શકે તેવી સ્થિતિમાં નથી. એવા સમયે આ પ્રકારનાં જોખમી પગલાં સરકાર પક્ષે અસંવેદનશીલતા દર્શાવે  છે. પોલીસની લાઠી, મજૂરોની હાલાકી, અબજો રૂપિયાનાં આર્થિક પૅકેજ, તેમ છતાં તંત્રના તમામ વિભાગો વચ્ચે સંકલનનો અભાવ એ હકીકત છે. તેનાથી કોરોના અટકશે નહીં. કોરોનાને અટકાવવાનો એકમાત્ર ઉપાય વધુ ને વધુ ટેસ્ટિંગ છે. આંકડાઓ સાથે રમત રમીને કદાચ આપણે દુનિયામાં દેશની છબી આંકડાકીય રીતે ઉજ્જવળ કરી શકીશું. પરંતુ લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી જોખમી નીવડે એવી છે.

e.mail : vaghelarimmi@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 18 મે 2020

Loading

...102030...2,4892,4902,4912,492...2,5002,5102,520...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved