Opinion Magazine
Number of visits: 9575691
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કેટલીક ઘરકામની કવિતાઓ (૨) : વાસણ ઊટકતાં

પ્રવીણ પંડ્યા|Opinion - Opinion|18 April 2020

જેમ ધરતી
વરસતા વરસાદમાં વહાવી દે
એકઠો થયેલો ગંદવાડ
એમ ઊટકું છું વાસણ
વરસાદની જેમ ભીતરથી વરસતા વરસતા.
વાસણનો ખડકલો જોઈ
ઊટકવા કમર કસી
ત્યાં જ
એના પર લાગેલી મેશ
જામી ગયેલો એંઠવાડ
અને ઘર કરી ગયેલી ચીકાશ જોઈ
બે ઘડી શરીર પર રાખ ચોળવાની ઈચ્છા થઈ આવી,
સહસા ભાન થયું
કે
આપણે તો વાસણની જેમ જ
જીવનભર ઊટક્યા કરી છે ઈચ્છાઓ
તો આ વાસણની શું વિસાત છે?
વાસણને ગમે તેટલાં ઊટકો
ગમે તેટલી વાર ઊટકો
ઊટકી ઊટકીને ફરી ફરી ઊટકો …
એનાં કદ આકાર એવાં ને એવાં અદલોઅદલ,
આગ-પાણી અને રાખનો
ત્રિવેણી અનુબંધ
જીવનભર એવો ને એવો જ અકબંધ !
પણ ધ્યાન રાખજે દોસ્ત,
તારાં હાથમાં કાચનું વાસણ છે.
જો કે
વાસણ ઊટકવાં
એ રમત વાત નથી
એમાં સાફ થવાની સાથે સાથે
એક ચમક પણ આવવી જોઈએ
જેવી આવતી હોય છે
કામવાળી જમનાની આંખમાં
પોતાનાં નિશાળે જતાં બાળકને જોઈને.
દરેક વાસણ પોતાનું કામ કરવામાં માહેર હોય છે
અને આ મહારત એના ઘડામણમાં હોય છે,
પિત્તળનો ચમકતો ઘડો
રાજાની જેમ બેઠો હોય છે રસોડામાં
પણ મેં ક્યારે ય ચમચા-ચમચીઓને
એનો જયજયકાર નથી સાંભળ્યાં.
હાથથી ઊટકતો ઊટકતો વાસણ
ભટકતો ભટકતો પહોંચું મોહન્જો દડો
ને મારે હાથ લાગું હું અવશેષ બની
એક માટીનું વાસણ,
ક્યારેક વાસણ ખખડવાથી
ખલેલ પડતી હતી કવિતામાં
અને ખૂબ ચિડાતો હતો
વાસણ ખડખડાવતી સ્ત્રી ઉપર
જે હકીકતમાં
મારાં જૂનાં કપડાંનાં બદલે
આપવા આવતી હતી
નવાં વાસણ જેવી કવિતા !
એક વાસણનો ખખડાટે ય
ઝીલતો નથી ભાષામાં
લાભશંકર ખરું કહેતા’તા’
કવિવર નથી રે થયો તું
શીદને ફરે ગુમાનમાં.
ક્યાં ગયું બધું?
અંદરનો એંઠવાડ
દાળશાકના ડાઘાડૂઘી
સાબુની સફેદ છારી,
ટોપલામાં રહ્યે રહ્યે
કિલકારી મારે છે વાસણ
એ જોઈને થાય છે
લાવને માથે ટોપલો મૂકીને
જમના પાર કરી મૂકી આવું ગોકુળમાં
મથુરાનું આ મહાનગર
હવે જીવવાલાયક નથી રહ્યું.
વાસણને ખૂણેખાંચરેથી
અંદરબહારથી
ધીરજપૂર્વક ઊટકવાં પડે છે સાહેબ,
આજે મારી ઊટકેલી થાળીમાં
મેં મારું હસતું પ્રતિબિંબ જોયું
અને થયું
મારે એ કવિતા લખવાની હજુ બાકી જ છે
ચીવટપૂર્વક ઊટકેલા વાસણ જેવી.
વાસણ ઊટકતાં ઊટકતાં
આજે આંખ ઉઘડી ગઈ
અને પછી ખબર નહીં કેમ
નળમાંથી વહેતાં પાણીનો અવાજ
વહેવા લાગ્યો મારી આંખ પાછળ,
બાપુજી ખૂબ ભાવપૂર્વક
ભૂમિ પર જળનું આવરણ કરી
દેવનું સ્થાપન કરતા,
આજે કંઈક એવા જ ભાવથી
મેં પ્લેટફોર્મ પર મુક્યો વાસણનો ટોપલો,
જગદંબાને મેં જોઈ નથી
પણ એ આમ જ મૂકતી હશે પૃથ્વી
જેમ જમના મૂકે છે
મારાં ઘરમાં ઊટકેલાં વાસણનો ટોપલો
ને સાડલાથી હાથ લૂછી
ઝાંઝરના છમછમ અવાજ સાથે
ચાલી જાય છે ઘરની બહાર.

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 18 ઍપ્રિલ 2020

Loading

કોરોના મહામારીમાં જિલ્લા ખનિજ ફંડના રૂ. ૫૭૩૦ કરોડ વાપરવામાં આવે

હેમંતકુમાર શાહ આનંદ યાજ્ઞિક, હેમંતકુમાર શાહ આનંદ યાજ્ઞિક|Opinion - Opinion|18 April 2020

ભારતના નાણા પ્રધાને કોરોના રાહત પૅકેજ જાહેર કરતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારો જિલ્લા ખનિજ ફંડનો ઉપયોગ પણ આ મહામારીના સમયે કરી શકે છે. ખાણ અને ખનિજ ધારા-૧૯૫૭માં ૨૦૧૫માં એક સરસ સુધારો કરવામાં આવ્યો. તે મુજબ જે કંપનીઓને ખાણકામ માટે ભાડાપટા આપવામાં આવે છે, તેમની પાસેથી સરકાર ખાણકામથી વિપરીત અસર પામતાં વિસ્તારો અને લોકોના આર્થિક-સામાજિક વિકાસ માટે નિર્ધારિત રકમ લે છે. આ નાણાં કંપનીને તા. ૧૨-૦૧-૨૦૧૫ અગાઉ ભાડાપટો અપાયો હોય તો રૉયલ્ટીના ૩૦ ટકા અને તે પછી અપાયો હોય તો રોયલ્ટીના ૧૦ ટકા જેટલાં હોય છે. ‘જિલ્લા ખનિજ ફંડ’ તરીકે ઓળખાતી આ રકમ કંપનીઓ જે રૉયલ્ટી આપે છે તે ઉપરાંતની હોય છે અને તે ‘જિલ્લા ખનિજ ફાઉન્ડેશન’માં જમા થાય છે.

1. ગુજરાતના ૩૨ જિલ્લામાં આવા જિલ્લા ખનિજ ફાઉન્ડેશનની રચના થઈ છે. તે એક મંડળી નોંધણી કાયદા-૧૮૬૦ હેઠળ સોસાયટી તરીકે નોંધાયેલાં છે. તેમની કામગીરી માટે ગુજરાત સરકારે તા. ૦૧-૦૪-૨૦૧૬ના રોજ નિયમો ઘડ્યા છે. આ નિયમોમાં તા. ૧૬-૦૯-૨૦૧૭ના રોજ ફેરફાર કરાયો અને જિલ્લા ખનિજ ફાઉન્ડેશન એક સખાવતી ટ્રસ્ટ તરીકે પણ નોંધાય એમ નક્કી થયું. આ રીતે જિલ્લા ખનિજ ફાઉન્ડેશન પણ મુખ્ય મંત્રી રાહત નિધિની જેમ જ દેખીતી રીતે એક સરકારી ફંડ હોવા છતાં લગભગ ખાનગી ફંડ થઈ ગયાં છે, ભલેને તે એક કાનૂની સંસ્થા હોય.

2. એપ્રિલ, ૨૦૧૬થી તા. ૦૮-૦૪-૨૦૨૦ સુધી ૩૨ જિલ્લા ખનિજ ફંડમાં રૂ. ૫,૯૮૪ કરોડ જમા થયા. તેમાંથી રૂ. ૨૫૪ કરોડ વાપરવામાં આવ્યા છે. રૂ. ૫,૭૩૦ કરોડ જમા પડ્યા છે. આ રકમ તેના નિયમ-૨ અનુસાર રાજ્ય સરકારના બજેટની બહાર છે.

3. આ ફંડમાંથી વિકાસ અને કલ્યાણ માટે ગુજરાતના બધા જિલ્લામાં ૧૩,૦૧૦ પ્રોજેક્ટ નક્કી થયા પણ ૫,૮૦૨ પૂરા થયા. જો કે, ભારત સરકારની વેબસાઇટ કહે છે કે ગુજરાતમાં ડિસેમ્બર-૨૦૧૯ સુધીમાં ૧૨,૯૮૯ પ્રોજેક્ટ મંજૂર થયા અને ૫,૨૭૦ પૂરા થયા.

4. આ ફંડ માટે દરેક જિલ્લામાં કલેક્ટરના અધ્યક્ષપદ હેઠળ ૧૩ સભ્યોની વહીવટી સમિતિ હોય છે અને તેણે વિવિધ વિકાસલક્ષી અને કલ્યાણલક્ષી કાર્યો માટે રકમ ખર્ચવાની હોય છે. રાજ્યસ્તરે સંકલન સમિતિના અધ્યક્ષ મુખ્ય પ્રધાન છે.

5. અમને ડર છે કે જિલ્લા ખનિજ ફાઉન્ડેશન હવે ૨૦૧૭થી સખાવતી પબ્લિક ટ્રસ્ટ છે. એટલે રાજ્યના કલેક્ટરોને કહેવામાં આવશે કે તેઓ આ ફંડની રકમ મુખ્ય મંત્રી રાહતનિધિ કે પી.એમ. કેર્સ ફંડમાં દાન તરીકે આપે. અને કલેક્ટરો તો સરકારનો હુકમ કેવી રીતે ઉથાપી શકે?  હકીકતમાં, આ ફંડની સ્થાપના ખાણકામથી જેમને વિપરીત અસર થઈ છે તેવા વિસ્તારો અને લોકોના આર્થિક અને સામાજિક વિકાસ અને કલ્યાણ માટે ખર્ચ કરવા જ થઈ છે. એટલે જો આ રીતે જિલ્લા ખનિજ ફંડની રકમ કોઈને પણ દાનમાં આપવામાં આવે તો તે ગેરકાનૂની ગણાશે.

6. જિલ્લા ખનિજ ફંડની આવકજાવકનું ઑડિટ થતું હોય અને તેના હિસાબો વિધાનસભામાં રજૂ થતા હોય તેવી કોઈ જ વિગત પ્રાપ્ત થતી નથી.

આથી અમે રાજ્ય સરકારને વિનંતી કરીએ છીએ કે

I. જિલ્લા ખનિજ ફંડની રકમ કોરોના મહામારીના સંદર્ભે પણ જે તે જિલ્લામાં જ વપરાય. જિલ્લા બહાર તે રકમ ના વપરાય.

II. કોઈ પણ હિસાબે મુખ્ય મંત્રી રાહતનિધિ કે પી.એમ. કેર્સ ફંડમાં જિલ્લા ખનિજ ફંડની રકમ દાનમાં આપવામાં ના આવે કારણ કે આ બંને ખાનગી ફંડ છે, સરકારી ફંડ છે જ નહીં અને કોઈ કાયદા હેઠળ તેમની સ્થાપના થઈ જ નથી, જ્યારે જિલ્લા ખનિજ ફંડ એ કાનૂની ફંડ છે.

III. ફંડની રકમ વાપરવા માટેની કેન્દ્ર સરકારની માર્ગરેખાઓમાં ઉચ્ચ પ્રાથમિકતા ધરાવતાં ક્ષેત્રોમાં પીવાનું પાણી, આરોગ્યસંભાળ, સફાઈ તથા મહિલાઓ, બાળકો, વૃદ્ધો અને વિકલાંગોના કલ્યાણ વગેરે જેવી બાબતો છે જ અને તે માટે જ કોરોના મહામારીના સંદર્ભમાં તત્કાળ ખર્ચ કરવામાં આવે.

IV. ફંડના ખર્ચની વિગતો જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતો તથા નગરપાલિકાઓ સાથે મળીને નક્કી કરવામાં આવે.

V. તમામ ૩૨ જિલ્લા ખનિજ ફંડના હિસાબો તત્કાળ બહાર પાડવામાં આવે. તેમનું ‘કેગ’ દ્વારા ઑડિટ કરાવવામાં આવે તો જ પારદર્શિતા અને ઉત્તરદાયિત્વ ઊભાં થશે.

VI. જિલ્લા ખનિજ ફંડના વિગતવાર હિસાબો અને કામગીરીના અહેવાલો વિધાનસભામાં રજૂ કરવામાં આવે. 

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 18 ઍપ્રિલ 2020

Loading

લૉકડાઉન-જંતર

ઉમેશ સોલંકી|Poetry|17 April 2020

નગર
ડગર
રણથી લગીર ઉપરની ચાદર પથરાઈ ડગર પર
પાંદડાં પડે, આથડે
ગેડ પડે, ખૂણો વળે
ન ખલલ, બસ લય ફરે
વળે દૂર
દૂ…ર પછવાડે શું હશે? ભૂત?
ભૂખ
હાથમાં ફરતું અટકી-અટકી ખંજર
પાછળ-પાછળ ખોડંગાતો ભય.
લથબથ-લથબથ ઘાયલ લય
રેલો નીકળ્યો, વધ્યો, છબછબ- છબછબ ભય
ઊછળ્યાં છાંટા-છાંટી
નીકળ્યાં રેલા-રેલી
પડ્યાં, ઘૂસ્યાં અંદર : શેરી ચાલી ગલી વાંકીચૂકી.
બહાર
શેરી-ચાલી-ગલીનો સંસાર
સાગર ભુલાય માંડ
ભરતી ભીતર
તત્પર-તત્પર
શું તણાશે? આખેઆખું તંતર?
કે ચાલશે જંતરડાનું જંતર?

e.mail : umlomjs@gmail.com

Loading

...102030...2,4612,4622,4632,464...2,4702,4802,490...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved