Opinion Magazine
Number of visits: 9966524
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાર દાયકા પછી ગુજરાતી દલિતકવિતાના નવા સ્વરૂપે દર્શન

ભી.ન. વણકર|Opinion - Literature|19 June 2020

બી / ઉમેશ સોલંકી

'તું છે કોણ?'
હું? 
હું સદીઓથી ધરામાં ખદબદતું બી
મળશે સ્હેજ અવકાશ 
તો તુર્ત વૃક્ષ
હશે મને અઠ્ઠાવીસ ડાળ
બધ્ધી ડાળમાં મોકળી હળવાશ
બધ્ધાં પાનમાં વ્હાલ નીતરતી ભીનાશ
ત્યારે 
છાંયડે મારા આવીશ તું
તો હું 
નહીં પૂછું
તું છે કોણ?
કારણ 
હું સદીઓથી ધરામાં ખદબદતું બી.

ઉમેશ સોલંકી ‘નિર્ધાર' નામના માસિકના તંત્રી છે. નવોદિત કવિ છે. ભારતીય સમાજવ્યવસ્થામાં સૌપ્રથમ પુછાતો પ્રશ્ન, ‘તું છે કોણ?’ જેમાં પ્રદેશ, ભાષા કે ધર્મ નહીં પણ જાતિ પુછાય છે. કેટલાક ગ્રામીણ પ્રદેશમાં ‘કુણ બીના છો?’ જેવી પ્રાદેશિક બોલીમાં પુછાય છે, જેમાં ચાતુર્વર્ણનો નિર્દેશ સહજ પ્રગટ થાય છે. મરાઠી કવિવર કેશવસુત દલિતોના પક્ષધર બની બિનદલિત સમાજને પૂછે છે, ‘શા માટે પૂછો છો તમે કોણ?’ પછી જવાબમાં કવિ કહે છે, ‘આ અમે જ છીએ જેમના સર્જને અમૃત વરસાવ્યું, આ અમે જ છીએ જેમણે તમને માંગલ્યનું શરણ આપ્યું.’ 

અહીં ‘તું છે કોણ?'નો પ્રત્યુત્તરમાં કવિ ‘હું?'ને પ્રશ્નાર્થંમાં મૂકે છે, વ્યવહારમાં ‘તું' અને ‘હું’ અહીં જાતિપરખ પરિચય કે પછી તારું 'અસ્તિત્વ શું?’ ઘડીભર કવિ પોતે પણ ‘હું’ને પ્રશ્ન પૂછે છે. ‘અહં બ્રહ્માસ્મિ’ કે ‘શિવોહમ્’ જેવો કોઈ આધ્યાત્મિક સવાલ નવી કે ‘પ્રશ્નોપનિષદ'નો કોઈ પ્રશ્ન નથી. કવિ કોઈ પ્રતિદોષ કે પ્રતિઘોષ કરવાને બદલે પોતાની એક નવી ઓળખ વ્યક્ત કરે છે, 

‘હું સદીઓથી 
ધરામાં ખદબદતું બી 
મળશે સ્હેજ અવકાશ 
તો તુર્ત વૃક્ષ' 

ઊગવા માટે અવકાશ શોધતા, ધરામાં ધરબાયેલા બી સાથે પોતાની ઓળખ વ્યક્ત કરે છે. બીમાં રહેલી ક્ષમતા, સર્જકતા અને પ્રગટ હોવાપણાની સજીવી શક્તિ અસીમ છે. અહીં આકાશી વાત નવી, ધરતી પરની વાત છે. બી વૃક્ષ નથી બની શકતું, કારણ, તેને અવકાશ નથી મળ્યો. 'ઐતેરેય ઉપનિષદ’ના ઋષિ ઐતેરેયમુનિ માતાને પૂછે છે, ‘બીજા બાળકોની-ભાઈઓની જેમ મને મારા પિતા વહાલ નવી કરતા?’ ત્યારે ઈતરા કહે છે, ‘બેટા, આપણે ધરતીપુત્ર છીએ.’ ધરતીમાં રહેલી ફળદ્રૂપતા સર્જનત્વ અને બીમાં રહેલી વૃક્ષ પ્રગટવાની ક્ષમતા આ બધું ય હોવા છતાં કવિ કહે છે, ‘મળશે સ્હેજ અવકાશ …' અને આ અવકાશ સાથે કવિ કહે છે ‘સદીઓથી’, અહીં કવિ નિજી સમસ્યાના તમામ સંદર્ભ વ્યકત કરે છે, દલિતોમાં રહેલી ક્ષમતા અપાર છે, પરંતુ દલિતોને વિકસવા માટે, પ્રગટ થવા માટે અવકાશ મળ્યો નથી અને તે ય સદોઓથી … બીનું પ્રતીક લઈ કવિ અનેક ગર્ભિત સૂચિતાર્થો કલાત્મક રીતે અભિવ્યક્ત કરે છે. 

બીજી ટૂંકમાં કવિ કહે છે, 

‘હશે મને અઠ્ઠાવીસ ડાળ 
બધી ડાળમાં મોકળી હળવાશ
બધ્ધાં પાનમાં વ્હાલ નીતરતી ભીનાશ' 

અહીં અઠ્ઠાવીસ ડાળનો ઉલ્લેખ કરીને દેશનાં અઠ્ઠાવીસ રાજ્યોનો ઉલ્લેખ કર્યો છે. આમ, આ વૃક્ષને રાષ્ટ્રીય ફલક મોકળી હળવાશ હશે પછી તો બધાં જ પાનમાં વહાલ નીતરતી ભીનાશ હશે. વૃક્ષ તેનાં ડાળે-ડાળે અને પાંદડે-પાંદડે ખીલી ઊઠશે. સમગ્ર રાષ્ટ્રમાં તે ફેલાયેલું હશે. રાષ્ટ્ર દેવો ભવ:! 

રાષ્ટ્રદેવતાને નમસ્કાર કરનાર નાગરિક બાબાસાહેબના શબ્દોમાં કહીએ તો, ‘હું પ્રથમ ભારતીય છું અને પછી પણ ભારતીય છું.' આમ, ભારત-રાષ્ટ્રની ભાવનાથી ભીંજાયેલો નાગરિક સોળે કળાએ ખીલી ઊઠ્યો હશે. સ્વામી વિવેકાનંદ કહે છે, ‘આવનાર યુગ દલિતશક્તિનો હશે'. કવિવર રવીન્દ્રનાથ ટાગોર તેમની ‘રથયાત્રા' રચનામાં કહે છે, ‘રાષ્ટ્રીય રથના કર્ણધાર શૂદ્રો હશે’ આવી કંઈક જીજીવિષાનાં કારણોસર બીમાંથી વટવૃક્ષ બનવાનાં સ્વપનાં સેવે છે અને ત્યારે કવિ કહે છે, 

‘છાંયડે મારા આવીશ તું 
તો હું, 
નહીં પૂછું 
તું છે કોણ?’ 

આજે દલિતો તરફ તિરસ્કારની ભાવનાથી પૂછવામાં આવે છે તે રીતે દલિતો નહીં પૂછે કે,

‘તું કોણ છે?’ 

અહીં સમભાવ, સદ્ભાવ મને સમરસતા (?) વ્યક્ત થાય છે. ‘ગીતાંજલિ’માં રવીન્દ્રનાથ કહે છે, ‘હે મારા દેશ, તેં જેમને તિરસ્કાર્યા છે, અપમાન કર્યા છે તે તારે ભોગવવા ૫ડશે.’ દલિતસાહિત્ય વિદ્રોહ, અને પ્રતિશોધની ભાવનાથી પ્રગટ થયું છે એવું આ કવિ માનવાનું ના પાડે છે. ગુજરાતી દલિતકવિતાના આજે ચાર દાયકા પછી નવાં દર્શન થાય છે પ્રતિશોધ નહીં પણ બંધુતા, સમાનતા અને સ્વતંત્રતા સૌ માટે હોવાનું કવિ અહીં પ્રગટ કરે છે. તું મને હુંના કારણે તો ‘સાબાર ઉ૫૨ માનુષ સત્ય' (ચંડીદાસ) જેવું સનાતન સત્ય ભુલાઈ ગયું છે. રવીન્દ્રનાથ ટાગોરે યથાર્થ જ કહ્યું છે, ‘આપણી સંસ્કૃતિ ત્યારે જ એની પૂર્ણતાને પામે છે જ્યારે માનવતાને પ્રગટ કરે છે … માનવજગતને યાતના સહન કરવી પડે છે કારણ કે અનેકવિધ ગતિ તાલબદ્વ નથી.’ આમ, કવિ ઈચ્છે છે કે હું સદીઓથી ધરામાં ખદબદું છું તેમ અન્યને નસીબે ના હો! તેમ છતાં સદીઓની યાતના કોઈ એક રાતમાં પૂર્ણ ના થાય, 

આમ જો કહેવા બેસું તો યુગો વીતી જશે
આમ જો તું સાંભળે, તો એક ક્ષણની વાત છે
એક રાતાચોળ ગુલમહોરે જે આરંભી હતી
હવે અનાદિકાળથી મ્હોરેલ વ્રણની વાત છે

                                                   – ભગવતીકુમાર શર્મા

આ વ્રણને વર્ણવવા બેસીએ તો યુગો વીતી જાય, પરંતુ ક્ષણમાં પૂર્ણ કરવી હોય તો માનવતા, બંધુતા અને પ્રેમ પૂરતો છે. આ ભાવનાથી બંધાયેલી પ્રજાની નાતો છે પરિણામે રાષ્ટ્ર પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે. કવિ કરસનદાસ માણેક્ના શબ્દોમાં કહીએ તો, 

‘નથી ગમતું ઘણું, પણ કૈંક તો એવું ગમે છે, 
બસ એને કારણે આ ઘરતીમાં રહેવું ગમે છે.’

આમ, કવિ સમગ્ર કવિતામાં દલિતોમાં રહેલી ‘વૃક્ષ' બનવાની અમાપ ક્ષમતાને વ્યક્ત કરે છે, જેમાં રાષ્ટ્રભાવના, માનવતા અને બંધુતાની વાત કરીને દલિતકવિતા એ પ્રતિશોધની નથી, પરંતુ રાષ્ટીય ભાવનાથી રંગાયેલી માનવીય સમરસતાની (?) કવિતા છે તે અહીં ‘બી'ના કલ્પન દ્વારા કવિએ સુપેરે વ્યક્ત કરી છે.

(પ્રગટ : 'દિશા' 15 સપ્ટેમ્બર, 2009)

Loading

તો શું ?

વિરાફ કાપડિયા|Poetry|19 June 2020

કાવ્ય તે વાતનો ઇશારો કરે છે જેનો વિચાર માનવીને જીવનમાં કદી કદી આવતો હોય છે.

ઘણાંયે વર્ષો પહેલાં લખેલું, અને હાલ મઠારેલું આ કાવ્ય મૂળ ડબ્લ્યૂ.બી. ઈટ્સના અને કવિ બચ્ચનના આધારિત કાવ્ય પરથી રચાયું છે.

તો શું ?  – વિરાફ કાપડિયા

જ્યારે એ ભણતો’તો ત્યારે સહપાઠીઓ ક્‌હેતા’તા,
મિત્ર, કરો કંઈ એવું જેથી આગળ જઈને કાઢો નામ;
એણે પણ એવું જ વિચાર્યું અને નિયમ-સંયમ સાધ્યો,
અને યુવાનીનાં વર્ષોને કરી નાખ્યાં આરામ હરામ.
            કોઈ પ્રેત પુરાતન બોલ્યું,
            એવું કરી નાખ્યું તો શું?
એણે જે કંઈ રચ્યું, પઢ્યું એને દુનિયાના લોકોએ;
એની એટલી ખપી કિતાબો, ધનનો એવો ઢગ લાગ્યો,   
જે ઇચ્છ્યું તે ખાધું, પહેર્યું અને ખવાડ્યું મિત્રોને,
મીત બન્યો જે એનો એણે સાથ નહીં એનો ત્યાગ્યો.
            કોઈ પ્રેત પુરાતન બોલ્યું,
            એવું કરી નાખ્યું તો શું?
એણે જે સુખ-સપનાં જોયાં’તાં તે સર્વે સત્ય થયાં —
પત્ની, પુત્રી, પુત્ર, રહેવાને સુંદર નાનું શું ઘર,
સાફ જગા જેમાં કોબી ને કંઈક ટમેટાં ઊગતાં હો,
કવિ, લેખક, સાહિત્યિક આવે એને મળવાને સાદર.
            કોઈ પ્રેત પુરાતન બોલ્યું,
            એવું કરી નાખ્યું તો શું?
વૃદ્ધ થયો તો એને લાગ્યું મારું કામ સમાપ્ત થયું,
મેં શૈશવની મધુ આશાઓને જીવનમાં રૂપ દીધું,
મૂર્ખ મને ભાંડે મનભર, પણ મેં ક્યારે હિમ્મત ખોઈ,
એક કામને હાથ લીધું’તું તેને મેં પરિપૂર્ણ કીધું.
            કોઈ પ્રેત પુરાતન બોલ્યું,
                 અને જોરથી,
            એવું કરી નાખ્યું તો શું?
                   ******

e.mail : vkapmail@yahoo.com

Loading

શરમાવા જેવી ઘટના બને તો વડાપ્રધાન મોઢું કેમ ફેરવી લે છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|18 June 2020

આખો દેશ ખિન્ન છે, ઉદ્વિગ્ન છે, દુઃખી છે અને થોડો ભયભીત પણ છે. લડાખમાં ગાલવાનની ખીણમાં ચીનાઓએ ૨૦ ભારતીય જવાનોના જીવ લીધા છે. સામસામે ગોળીબાર થાય અને જવાનો શહીદ થાય એની પણ પીડા હોય છે, પણ અહીં તો ચીની અને ભારતીય જવાનો વચ્ચે હાથાપાઈ થઈ હતી, જેમાં ચીનાઓએ ભારતીય જવાનોને ગડદાપાટુ મારીને અને ખીણમાં ફેંકીને મારી નાખ્યા. સવાલ એ છે કે પરિસ્થિતિ આટલી હદે વણસી શેને કારણે? આ અચાનક રાતોરાત બનેલી ઘટના નથી. ચીનાઓ બે મહિનાથી ભારતમાં પેશકદમી કરી રહ્યા છે એ જોતાં ભારત સરકારે વણસતી સ્થિતિનો સામનો કરવાની કોઈ યોજના કેમ નહોતી બનાવી? આવી રીતે ૨૦ જવાનોને કોઈ ટીપી ટીપીને મારી નાખે?

અહીં નોંધવું જોઈએ કે ૧૯૬૨ની લડાઈમાં શરમજનક પરાજય પછી ભારતે પોતાની સંરક્ષણ સ્થિતિ સુધારવા માંડી હતી અને એનું પરિણામ ૧૯૬૭માં સિક્કીમમાં નાથુ લા, જેલેપ લા અને ચો લા પર કબજો કરવાની કોશિશ કરી ત્યારે જોવા મળ્યું હતું. ભારતીય સૈન્યે ચીનાઓને જડબાતોડ જવાબ આપ્યો હતો અને મુખ્યત્વે નાથુ લા જેવા મહત્ત્વના ઘાટને ચીનના હાથમાં જતો બચાવ્યો હતો. એ સમયે ભારત કરતાં ચીનના સૈનિકોની ચાર ગણી વધુ ખુવારી થઈ હતી. એ ઘટના પછીથી ભારતીય સૈન્યનું મનોબળ અનેક ગણું વધ્યું હતું અને ત્યારથી લઈને આજ સુધી (૧૯૭૫માં અરુણાચલમાં નાનકડા છમકલામાં ગોળી ચાલી હતી એ અપવાદ) ચીન કે ભારતના એક પણ જવાને જીવ ગુમાવ્યો નથી. એ સમયે વડાં પ્રધાન હતાં ઇન્દિરા ગાંધી અને ભારત હજુ અમેરિકા પાસેથી પી.એલ.-૪૮૦ ઘઉં મેળવીને ગુજારો કરતું હતું. આમ છતાં ઇન્દિરા ગાંધીએ ચીનને બતાવી આપ્યું હતું કે ભારતે પોતાની લશ્કરી બાબતે ભૂલ સુધારી લીધી છે. તેમણે ભારતીય સૈન્યની શક્તિ તેમ જ મનોબળનો ચીનને તેમ જ દુનિયાને પરિચય કરાવી આપ્યો હતો.  

સૌજન્ય : "ગુજરાતી મિડ-ડે", 18 જૂન 2020 

પ્રારંભમાં કહ્યું એમ ભારતીય પ્રજા આજે ખિન્નતાનો અનુભવ કરી રહી છે એનું કારણ જવાનોની શહીદી છે, પણ સાથે ભયનો અનુભવ કરી રહી છે એનું કારણ સરકારની પ્રતિકૂળ વાસ્તવિકતા તરફથી મોઢું ફેરવી લેવાની મનોવૃત્તિ છે. શરમાવા જેવી કોઈ ઘટના બની નહીં કે મોઢું ફેરવ્યું નહીં. નિષ્ફળતા દેખાય કે તરત હોઠ સીવી લેવાના. જો ભીંસ વધે તો હાથ ખંખેરીની દૂર થઈ જવાનું. કોઈના બાપની તાકાત નથી કે વડા પ્રધાન પાસે મોઢું ખોલાવી આપે. ભૂલ જ સ્વીકારવાની નહીં એટલે સુધારવાનો તો પ્રશ્ન જ પેદા નથી થતો. નોટબંધી, જી.એસ.ટી., કોરોના તાળાબંધીની કસુવાવડ, કરોનાની વધતી મહામારી, અર્થતંત્ર વગેરે અનેક પ્રસંગે આપણને સરકારના આ વલણનો પરિચય થયો છે. આ ભાગેડુપણું છે એટલે ભય વધારે લાગે છે.

જે શાસકો હકીકતનો સ્વીકાર ન કરે તે હકીકત બદલી ન શકે. હકીકતનો જે સ્વીકાર કરે અને સામી છાતીએ તેનો મુકાબલો કરે તે હકીકત બદલી શકે. હકીકતનો સ્વીકાર કરીને લડી લેવા ભારતીય લશ્કર સજ્જ છે. ભારતીય પ્રજા સરકારની સાથે છે. પણ પહેલાં સ્વીકાર તો કરો! ભારતીય પ્રજાને અને વિરોધ પક્ષોને વિશ્વાસમાં તો લો! જે લોકો સંકટની ઘડીએ મદદ કરવા જેટલી ક્ષમતા ધરાવે છે તેની મદદ તો લો! આમાં કયું નીચાજોણું થવાનું છે અને દુનિયાના કયા શાસકે સંકટનો અનુભવ નથી કર્યો? કાંટાળો માર્ગ રસ્તામાં આવવાનો જ છે, કોઈ રોજ રેડ કાર્પેટ પાથરી આપવાનું નથી. માટે સરકારની આવી મનોવૃત્તિના કારણે ખિન્નતા સાથે ભયનો પણ અનુભવ થઈ રહ્યો છે.

ગાલવાન ખીણની ઘટનાની જ વાત લો. એ ઘટના ૧૫મી જૂનની રાતે બની હતી. સરકાર ચૂપ. જાણે કે કાંઈ બન્યું જ નથી. ૧૬મી તારીખે મોડી સવારે સૈનિકોના પરિવારોના જે તે વોટ્સેપ ગ્રુપ પર ખબર ફરવા લાગી. બપોર સુધીમાં જ્યારે તેણે દાવાનળનું સ્વરૂપ પકડ્યું ત્યારે સરકારે નાછૂટકે કબૂલ કર્યું કે લડાખમાં આવી ઘટના બની છે. જો સૈનિકોના પરિવારોના વોટ્સેપ ગ્રુપ પર ખબર ન આવી હોત તો? શું સરકારે આ ઘટના વિશે આંખ આડા કાન કર્યા હોત કે જેથી આબરૂ ન ગુમાવવી પડે? વડા પ્રધાને દેશની જનતાને ઉદ્દેશીને બુધવારે જે કહ્યું એ મંગળવારે સવારે સામેથી કહેવું જોઈતું હતું. એમ કર્યું હોત તો તેઓ કેટલા જવાબદાર લાગત.

ચીનાઓએ ગયા એપ્રિલ મહિનામાં લડાખમાં પ્રવેશ કર્યો હતો. સરકારે પહેલા તો એ ઘટના ઘૂપાવી હતી. જ્યારે ખબર ફરવા લાગી ત્યારે કહેવામાં આવ્યું કે એવું કાંઈ બન્યું જ નથી. પછી કહેવામાં આવ્યું કે હા, થોડા ચીનાઓ આવ્યા હતા અને એમાં ચિંતા જેવું કાંઈ નથી. એ દરમ્યાન અજય શુક્લા નામના સંરક્ષણનિષ્ણાત સતત કહેતા હતા કે ચીનાઓએ ભારતની ઘણી મોટી ભૂમિનો કબજો કર્યો છે અને ચીન મોટી સંખ્યામાં સૈનિકો ઠાલવી રહ્યું છે ત્યારે સરકારી ટ્રોલ્સ તેમની ઉપર તૂટી પડ્યા હતા. ગાળોનો વરસાદ વરસાવ્યો હતો. આમ છતાં અજય શુક્લાએ પોતાની વાત મૂકી નહોતી, અને જ્યારે રાહુલ ગાંધીએ અજય શુક્લાના અહેવાલોના આધારે પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું ત્યારે ટ્રોલ્સ તેમના ઉપર તૂટી પડ્યા હતા. આ બાજુ બીજી જૂને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેમણે નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી અને ચીનના સવાલને લઈને નરેન્દ્ર મોદી દુઃખી છે. એ દરમ્યાન મંદબુદ્ધિ ધરાવતા ભક્તોને અનધિકૃતપણે સાયબર સેલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભારતે ચીનાઓને મારી મારીને તગેડી મુક્યા છે. મંદબુદ્ધિ ભક્તો એ આગળ પહોંચાડવા લાગ્યા હતા.

જો ભારતે ચીનાઓને મારીને ભગાડી મુક્યા હતા તો છઠ્ઠી જૂને બે દેશો વચ્ચે તંગદીલીનો નિવેડો લાવવા બેઠક શા માટે યોજવામાં આવી એવો પ્રશ્ન મંદબુદ્ધિ ભક્તોને નહોતો થયો. એ બેઠક નિષ્ફળ નીવડી હતી, પણ સરકારે સ્પષ્ટ શબ્દોમાં એ વાત જણાવી નહોતી. નવમી જૂને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે બન્ને દેશો સરહદેથી પોતાનાં જવાનોને પાછા ખેંચીને તંગદિલી ઘટાડી રહ્યા છે. ૧૪મી જૂને રાજનાથ સિંહે કહ્યું હતું કે દેશને યોગ્ય સમયે વિશ્વાસમાં લેવામાં આવશે અને કાંઈ છૂપાવવામાં નહીં આવે અને ૧૫મી જૂને ઉપરની ઘટના બની હતી. આ દરમિયાન વડા પ્રધાન દ્વારા ચીન વિશે એક શબ્દ સાંભળ્યો? ચાર વરસથી નોટબંધી વિશે એક શબ્દ સાંભળ્યો? હમણાંથી કોવિડ વિશે કાંઈ સાંભળવા મળે છે? જમીન ભાંગવી ભારે પડે એવી પથરાળ લાગે એટલે મોઢું ફેરવી લેવાનું!

કલ્પના કરો કે ૨૦ ભારતીય સૈનિકોને હાથાપાઈ કરીને મારવામાં આવ્યા હોય તો ચીની સૈનિકોની સંખ્યા કેટલી હશે? જો ચીન સૈનિકો પાછા ખેંચી રહ્યું હતું તો આટલા સૈનિકો આવ્યા ક્યાંથી? જો ચીન તેના સૈનિકો પાછા નહોતું ખેંચતું તો ભારતે એટલી જ મોટી સંખ્યામાં જવાનોને કેમ ન મોકલ્યા?

આગળ શું થશે એ અત્યારે કહેવું મુશ્કેલ છે. જો ચીન સમજાવટથી નહીં માને તો ભારત પાસે બે જ વિકલ્પ છે. ચીન ભારતની ભૂમિમાં આગળ આવીને નવી એલ.એ.સી. (લાઈન ઓફ એક્ચુઅલ કન્ટ્રોલ) કાયમ કરશે અને ભારત ચૂપચાપ સ્વીકારી લેશે. જો એ સ્વીકાર્ય ન હોય તો કદાચ કારગીલ જેવો સંઘર્ષ થશે. ભારત અને ચીન વચ્ચે ૩,૪૮૮ કિલોમીટર લાંબી સરહદ છે. કારગીલમાં બન્યું હતું એમ લડાઈ લડાખ પૂરતી મર્યાદિત રહેશે? કહેવું મુશ્કેલ છે.

આનાં કરતાં બે મહિના પહેલાં ચીને જ્યારે લડાખમાં પ્રવેશ કર્યો ત્યારે જગતને ચોરે કાગારોળ કરી હોત તો? ઇન્દિરા ગાંધીએ ૧૯૭૧માં બંગલાદેશનું યુદ્ધ આખા જગતમાં કાગારોળ કરીને જીત્યું હતું. બલા ટળતી હોય તો કાગારોળ કરવામાં શરમ શાની? ભારતે જો કાગારોળ કરી હોત તો કેટલાકે હસ્તક્ષેપ કર્યો હોત, કોઈકે ચીનની ટીકા કરી હોત અને કોઈકે ચીનને સંયમ જાળવવાની હળવી સલાહ આપી હોત. ચીન પણ વિશ્વમતની ઉપેક્ષા ન કરી શક્યું હોત, કારણ કરે તો કોરોનાના પાપ પછી ભૂંડું લાગત. આપણા માટે આટલું પૂરતું હતું. પણ મરદ મૂછાળા એમ કાંઈ કરે? ઇન્દિરા ગાંધી કરે, ભડવીર ન કરે.

અહીં વડા પ્રધાનને એટલું જ કહેવાનું કે જે હોય તે શરમાયા વિના કહો અને આવડત મુજબ નેતૃત્વ કરો. આવડત ઓછી પડતી હોય ત્યાં બહારની મદદ લો. આખો દેશ સંકટની ઘડીએ તમારી સાથે છે.    

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 18 જૂન 2020

Loading

...102030...2,4172,4182,4192,420...2,4302,4402,450...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved