Opinion Magazine
Number of visits: 9966370
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એલ.ઓ.સી અને એલ.એ.સી. તેમ જ બીજા ખુલાસા

કૅપ્ટન નરેન્દ્ર|Opinion - Opinion|1 July 2020

‘ગલવાન ઘટના, જરી સબૂરીથી’ નામે પ્રકાશભાઈ ન. શાહના પ્રકાશિત થયેલા લેખ માટે મેં મારો પ્રતિભાવ આપવા ધાર્યો, પણ ઘણો લાંબો થયો છે. આ સંબંધમાં કેટલીક વાતો પર પ્રકાશ પાડવા લખેલ વાતો નીચે આપી છે. આપને યોગ્ય લાગે તો તેને ‘ઓપિનિયન’માં સ્થાન આપવા વિનંતી.

અહીં મારો પ્રતિભાવ એક Old Soldier તરીકે આપીશ. કાશ્મીર ફ્રંટ પર LOC અને LAC પર સશસ્ત્ર સેનાના અધિકારી તરીકે સેવા બજાવી હોવાથી આ વિશે વારિસભાઈ માટે અને વડીલ પ્રકાશભાઈ માટે કહેવાની રજા લઉઁ છું.

સૌ પ્રથમ LAC – લાઈન ઑફ ઍક્ચ્યુઅલ કન્ટ્રોલ એટલે એ રેખા જ્યાં સુધી એક દેશના small arms fireથી આગંતુકોને રોકી શકાય. આ રેખા નકશા પર કે જમીન પર આંકવામાં આવી નથી અને બેમાંથી કોઈ દેશ તેને માન્યતા આપતો નથી. આ માત્ર એક સમજૂતીની અને કોઈ વાર ‘દાદાગીરી’ની વાત છે. સ્મૉલ આર્મ્સ એટલે રાઈફલ. આમ, ભારતની જ્યાં મોરચાબંધી છે ત્યાંથી રાઈફલની ગોળીની સામા પક્ષના સૈનિક પર ઘાતક અસર થાય તે ‘રેન્જ’ ગણાય. આ સ્થાન તે LAC થઈ. એક જમાનામાં આ રેન્જ ૩૦૦ મિટરની હતી. હવે આધુનિક સેમિ-ઑટોમેટિક હથિયારની રેન્જ ૫૦૦ મિટરની છે. અહીં જનરલ સેકટકરના “existing” LACનો મુદ્દો વ્યાજબી હતો, કેમ કે તેમણે ઘડેલા મુસદ્દા વખતે existing LAC ૫૦૦ મિટરની હતી. આ શબ્દ હઠાવવાથી LAC બસો મિટરની થઈ ગઈ. 

તે પ્રમાણે ચીન માટેની LAC જુદી છે. આ રેખાને disputed ગણવામાં આવે છે કેમ કે તેને બન્ને દેશોએ માન્યતા આપી નથી. ગાલવાનમાં આપણા દેશની અને ચીનની LAC જુદી જુદી છે. હાલ TV પર બતાવવામાં આવેલા સૅટેલાઈટના ચિત્રોમાં ભારતની LAC કાળી રેખાથી અને ચીનની લાલ રેખા દ્વારા દર્શાવાયેલા ચિત્રમાં LAC બતાવવામાં આવી છે. આ બેઉ રેખાઓ વચ્ચેનો જે વિસ્તાર છે તેને No Man’s Land કહેવામાં આવે છે. આ વિસ્તાર પર બેઉમાંથી કોઈ દેશનો અધિકાર નથી હોતો તેથી તેને આ નામ આપવામાં આવ્યું છે. બન્ને દેશો NO Man’s Landમાં પેટ્રોલિંગ પાર્ટીઓ મોકલે અને કોઈ વાર આમને-સામને થવાથી હિંસક ઘટના થઇ આવે. ૧૯૭૧માં મને પોતાને આવા No Man’s Landમાં જવાનો યોગ થયો હતો, અને સામા પક્ષેથી ભારે ગોળીબારનો અનુભવ પણ થયેલો. ચીને છાની રીતે No Man’s Landમાં ચોકી બાંધી, તેના માટે ભારતે વિરોધ નોંધાવ્યો અને ત્યાં ઝપાઝપી થતી રહી છે. ભારતના રાજદૂત મિસરીએ જે કહ્યું, “India hopes that China will vacate their defences to their side of the LAC”, આ જાહેરાતનો અર્થ થાય છે, “નો મૅન્સ લૅંડમાં ચીન તેમના સૈનિકોએ ખોદેલા માેરચાઓમાંથી તેમની પોતાની LACની હદમાં સૈનિકોને પાછા બોલાવે. એવી ભારત આશા રાખે છે”.

LOC એટલે લાઈન ઑફ કંટ્રોલ. કાશ્મીરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આંતરરાષ્ટ્રિય સીમા નથી. ૧૯૬૫ની લડાઈ થયેલ શસ્ત્રસંધિ બાદ જ્યાં જ્યાં બન્ને દેશોની સેનાઓ હતી ત્યાં પહેલાં LAC થઈ. ત્યાર પછી સંયુક્ત રાષ્ટ્રની મધ્યસ્થીથી બન્ને દેશોએ નકશાઓમાં એક રેખા દોરી તેને LOC તરીકે માન્ય કરી છે. જ્યાં સુધી કાશ્મીરના પ્રશ્નનો હલ ન આવે, ત્યાં સુધી આ વિસ્તરામાં આ રેખા LOC જ રહેશે, નહીં કે આંતરરાષ્ટ્રીય સીમા.

વારિસભાઈને કદાચ ખ્યાલ નહીં હોય, પણ જ્યાં ચીને ભારતના સૈનિકો પર જે હુમલો કર્યો હતો તે જગ્યા ૧૪,૦૦૦ ફૂટની ઊંચાઈ પર, ગાલવાન નદીની ભેખડ પર કર્યો હતો. ત્યાં જે પગદંડી છે, તે કેવળ ૩-૪ ફૂટ પહોળી છે. રાતના અંધકારમાં કશું દેખાતું નથી અને ઉપર માઈનસ વીસથી ૪૦ ડિગ્રીનું તાપમાન હોય છે. ભિષણ ટાઢ. પગદંડીની એક બાજુએ પહાડ અને બીજી બાજુએ ઊંડી ખીણ, જેની નીચે લગભગ શૂન્ય ડિગ્રી સેલ્સિયસના તાપમાનનાં પાણીની વેગીલી નદી વહે છે.

રહી વાત વારિસભાઈની, જેમાં તેઓ કહે છે કે લાકડીના મારથી આપણા સૈનિકો મરી ગયા તે બરાબર નથી. આ બનાવ બન્યો ત્યાં સુધી બન્ને પક્ષે સૈનિકો પોતાના હથિયાર sling-arm (એટલે રાઈફલને પીઠ પર લટકાવીને એ બીજાઓને મળતા અને હિંસા પર આવવું પડે તો કેવળ ધક્કામુક્કી સુધી મર્યાદિત હતું. ભારતીય સૈનિકોએ હંમેશના અનુભવ મુજબ હથિયાર પીઠ પર લટકાવીને ગયેલા. આ પ્રસંગ બન્યો તે સમયે પહેલી વાર ચીનાઓ છુપાવીને બેઝબૉલ બૅટ પર ખીલા અને કાંટાળા બાર્બ્ડ વાયરના તાર જડીને લઈ આવ્યા હતા, અને અચાનક આપણા સૈનિકો પર તેનાથી વાર કરવા લાગ્યા હતા. આવા પ્રહારથી નીચે પડેલા કેટલાક સૈનિકો બૅલેન્સ ગુમાવીને ગાલવાન નદીમાં પડી ગયા અને મૃત્યુ પામ્યા હતા. બીજા સૈનિકોએ ચીની સૈનિકોના હાથમાંથી આ બૅટ છિનવી તેમના પર હુમલો કર્યો હતો, અને તેમના સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. જો બિહાર રેજીમેન્ટની જગ્યાએ ગુરખાઓ હોત તો અનેક ચીની સૈનિકોનાં માથાં ધડથી જુદા થઈને વિખરાઈને ધૂળમાં પડ્યા હોત; ગુરખાઓ માટે રાઈફલ ઉપરાંત ખુખરી ફરજિયાત હથિયાર છે, અને તેઓ હંમેશાં તેને કમરપટા પર લટકાવીને જતા હોય છે. બે અંગત હથિયાર હોય છે. રાઈફલ અને ખુખરી. TV પર આપણા સૈનિકોએ ખૂંચવેલા આ દંડા અને બૅટ દર્શાવવામાં આવ્યા હતા, તે કદાચ, વારિસભાઈએ જોયા નહીં હોય.

www.captnarendra.blogspot.com

e.mail : captnarendra@gmail.com

Loading

મજૂર …

નારણ મકવાણા|Poetry|1 July 2020

વરહો ના વરહ વયા ગયા
કોમ કરતા કરતા,
અમાર ગળે તરહ ના પાળિયા થયા સ,
અમ ન બિસલેરીની બાટલી નથ ફાવતી,
હાંન્જ, દારુની પોટલી મળી જાય તો ભયો ભયો ભઇ, થોડોક થાક ય ઉતારવો પડ ન,

પેટ ને‌ ભૂખનાં ઓધાન રયા સ,
મોળું પડતું જાય સ લૉક ડાઉન મં,
આંખો જાણ, 
કયા સપનોમાં ઊંડ ન ઊંડે ઉતરતી જાય સ,
રૉમ જાણ,
હાથ મં મજ્જા નથ રૈ,
સલામું મારવામં હોશિયાર થઈ ગ્યા સ,
રોજ હવાર પડ ન  ઝણઝણાટી થાય સ,
ઈન તો બસ કૉમ જોઈએ, કૉમ …

ને આ મોં ન હવે મીઠાશ નથ ભાવતી,
સૂકાં રોટલા ન ચટણીનાં હેવા પડી ગયા સ,
જીભ ન એક લવારો પડી ગ્યો સ,
ભૈ સા’બ …….. ભૈ સા’બ …
બીજું કૈં બોલતાં શીખી જ નથ્ય,

પગ હવ પગ નથ રયા,
ટાંટિયા થઈ ગ્યા સ,
તો ય હાલવા મં મૂઆ પાસા પડતાં નથ્ય,
તરડાઈ ન ઠૂહ થઈ ગયા સ,
લો'યુની નદીઓ વહે ચાળા મં,
મૂઆ ને કશી અસર જ નથ,
પીડા પી  પી  ન ચિત્તભરમ થઈ ગ્યા સ,
હાયલા જ  ક ર સ, હાયલા જ  ક ર સ ..

જીવ જાણ પોપટ બની ગ્યો સ,
ઉયડા ક ર સ, ઉયડા ક ર સ,
આંય કાંકરેટ ના જંગલ મં,
રેત, ઈંટ, કપચી ન સરિયા,
અમારી નજરમાં એવા તો ખૂંપી ગયા સ
ક હવ કોઈ કાઢી નો હકો,
હવશ દિવસં ન દિવસ વધતી જ જાય સ,
સોકરાં નૈ ……
અમે તો મજૂર જણીએ સી,
સરકાર ની તો ખબર નથ્ય,
ઓલ્યો કન્ટ્રાટી જ અમાર મા-બાપ ..
એ ય મૂઓ ભાગી ગ્યો સ ..

લાચારીનું તો નામ જ નો લેતા,
અમે ઈને અમારે ગોમ મૂકી ન આયા સી,
કૉમ આલો ભૈ સા'બ, કૉમ આલો …….
દયાદાનનું ખઈ ખઈ ન હાડકાં હરામના થૈ જાહે, પસ શું કર સુ,
કૉમ ચાલું કરો. ભૈ સા’બ .. કૉમ ચાલું કરો.
અમાર કૉમ જોઈએ …..

૨૨/૫/૨૦૨૦

e.mail : naranmakwana20@gmail.com

Loading

મુશ્કેલ સમયમાં (28)

સુમન શાહ|Opinion - Opinion|30 June 2020

= = = = સાહિત્ય અઘરું લાગે, ન સમજાય, પણ આનન્દ આપે એવું હોય છે. અને સાહિત્ય સહેલું લાગે, સમજાય, પણ આનન્દ ન આપે એવું પણ હોય છે. અને સાહિત્ય સમજાય અને આનન્દ પણ આપે એવું પણ હોય છે. તેમ છતાં, અઘરું જ લાગે તો એક સહેલો ઉપાય છે – એવા સાહિત્યકારને હમ્મેશને માટે તિલાંજલિ આપી દેવી, એના ભણી કદી ફરકવું નહીં. = = = =

= = = = સાહિત્યકલાના મહેલમાં પ્રવેશાય અથવા તો દૂરથી એને રામ રામ કરી દેવાય … = = = =

આ લેખમાળાનું શીર્ષક છે, આ મુશ્કેલ સમયમાં; પણ તમને કહું, કેટલાક લોકોને આ સમય મુશ્કેલ નથી લાગતો. કોરોના વૉરિયર્સ તો ખુલ્લેઆમ દિવસ-રાત જે દિશામાં એમના જીવડાને હખ પડે ત્યાં નીકળી પડતા હોય છે. મેં હમણાં જ જાણ્યું કે કેટલાયે અમરિકનોને બીચ પર ગયા વિના ચાલતું જ નથી. મૉલમાં ન જવાય એ દિવસે એમને પેટમાં દુખે છે. Six Flags પર જઈને રોલર કોઅસ્ટર અને થ્રિલ્લ રાઇડ્સની મજા લૂંટવી જ હોય છે – કોરોનાની ઍસીતૅસી !

મેં હમણાં મારા મિત્રની પત્નીને કહ્યું : આમ સવાર-સાંજ ખાવાનું બનાવવાનું મને ગમે છે ખરું પણ બહુ અઘરું પડે છે. તો કહે, અઘરું છે પણ ગમે છે ને, તો સમજી જાવ, ધીમે ધીમે રાગે પડી જવાશે – અમને સ્ત્રીઓને તો અઘરું જે કંઈ છે એ બધું જ કોઠે પડી ગયું હોય છે. મને કહે, આ કોરોનાને સમજવાની ને રસી શોધવાની બધી ભાંજગડ નક્કામી મગજમારી છે. સમજો તો કોરોનામાં ય એક જાતની મજા છે, અલબત્ત, એક જાતની. ઘરમાં ચૉવીસે કલાક બધાં સાથે ને સાથે. તમારા ભાઈબંધ તો મારી હારે ને હારે જ હોય છે પણ દીકરાઓ, દીકરા-વહુઓ ને પોતરાં, એ ય તમારે જલસો, બહુ લ્હૅર પડે છે. અઘરું કશું હોતું જ નથી સુમનભાઈ, તમારા લેખો ય કેટલા સરળ હોય છે, બને તો, મથાળું બદલીને ‘આ સરળ સમયમાં’ કરી દો … હું હસી પડ્યો …

તે વખતે મારી નજર બારી બ્હાર હતી. રસ્તાઓ સૂમસામ હતા, વાહનોનું ચીંચીંપીપી તો, આમ લખું ત્યારે જ યાદ આવે છે. મને એ શાન્ત માહોલ ગમવા લાગેલો … થયેલું કે આવું ને આવું રહે તો કેવું સારું … દુષ્ટ વિચાર, આમ તો …

પણ સુથારનું મન બાવળિયે હોય એમ હું ‘સાહિત્યમાં અઘરું ને સ્હૅલું’ પર જઈ બેઠો. મારા લેખો મિત્ર-પત્નીને તેમ બીજાં ઘણાંને સરળ લાગે છે, પણ કેટલાકોને નથી લાગતા, અમુકોને તો ક્યારે ય નથી લાગતા. આ વાતમાં આ ક્ષણે મને એક હૂજકો પડે છે – સમજ – અન્ડરસ્ટૅન્ડિન્ગ. એમ કે, સાહિત્યકારો ત્રણ પ્રકારના હોય છે.

એક એવા કે એમનું સાહિત્ય અઘરું લાગે, ન સમજાય, પણ આનન્દ તો આપે જ. એમનામાં આપણો કશો ગજ વાગે નહીં પણ એમની સૃષ્ટિમાં આપણને મજા તો પડે જ. અને બીજા એવા કે એમનું સાહિત્ય સહેલું લાગે, સમજાય, પણ આનન્દ ન આપે. પણ ત્રીજા એવા કે સમજાય અને આનન્દ પણ આપે.

જેમ કે, બાણની ‘કાદમ્બરી’ -માં કશું ઝટ પલ્લે ન પડે, શબ્દગુચ્છોની વેલ વિસ્તર્યા કરતી હોય, તે, મૂળ વાત તો છેક પાંચમા પાને પૂરી થાય ! પણ એ શબ્દલીલા આપણને અભિભૂત કરી દે. શ્રીહર્ષના ‘નૈષધીયચરિતમ્’-ના કેટલાક શ્લોકને સમજવાનું કઠિનતમ, કેમ કે એવા કોઈ શ્લોકના તો પાંચ પાંચ અર્થ થતા હોય ! શિક્ષક પણ કવિના જેટલો જ પાણ્ડિત્યપ્રેમી હોય, તે એવા એક જ શ્લોકની ચર્ચામાં પીરિયડ પૂરો કરે ને નર્યા ઉત્સાહથી બધું બતાડે ત્યારે આનન્દ, કદાચ થાય. પણ સંસ્કૃત ભાષાનો એ વૈભવ જોઈને આપણી છાતી ફૂલે અને આપણે વગર સમજ્યે બસ ખુશ થયા કરીએ. ગીતાંજલિ’-ની કોઈ કોઈ રચનાઓ સમજાય બહુ મૉડેથી, પણ હમેશાં સંતોષ અને આનન્દ આપે, વાતમાં આપણો જીવ ઠરે. ‘સરસ્વતીચંદ્ર’-ના ત્રીજા-ચૉથા ભાગનું વસ્તુ ઘણું મૂલ્યવાન ભાસે પણ આનન્દ ન આવે તે ન જ આવે. ચિન્તક ગોવર્ધનરામ માટે માન થાય પણ સર્જક ગોવર્ધનરામની શોધ કરવા નીકળીએ તો આપણે ઘાંઘા થઈ જઈએ. એ ત્રીજા-ચૉથા ભાગના કોઈ વિશિષ્ટ વિદ્વાન બધું સમજાવે, તો થાય.

પણ બીજા સાહિત્યકારો કે જેમનું સાહિત્ય સહેલું લાગે છે, સમજાય છે, તેમનાં નામ કે કામનો શો મહિમા કરવો? એઓ તો પહેલા જ વાચને પમાઇ ગયા હોય છે ! એઓની સૃષ્ટિથી આનન્દ નથી મળતો, ફુરસદનો સમય આરામથી પસાર કરી શકાય છે. નૉંધપાત્ર વાત એ છે કે દુનિયાભરનાં સાહિત્યક્ષેત્રોમાં આ બીજા પ્રકારના લેખકો સંખ્યાબંધ હોય છે. ઘણી વાર તો એમ લાગે કે એમની હાજરીને કારણે જ સાહિત્ય વાજતું-ગાજતું રહે છે.

પણ, કાલિદાસ. એમનું ‘મેઘદૂત’ સમજાય પણ ખરું, આનન્દ પણ આપે. કબીર અઘરા તો ન જ લાગે, હમેશાં સમજાય અને સાતા આપે. સૉનેટકાર શેક્સપીયર ક્યારેક જ અઘરા પડે, પણ ચારમાંની બે ટ્રેજેડી – ‘હૅમ્લેટ’ અને ‘ઑથેલો’ જેટલી સમજાય, એટલો આનન્દ પણ આપે. કામૂ કાફ્કા હૅમિન્ગ્વે હમેશાં સમજાય, હમેશાં આનન્દ આપે. વર્તમાન ગઝલસર્જકોની તુલનામાં ગાલિબ મુશ્કેલ લાગે, પણ ગમે ઘણા. હું પ્રૉફેસર ઇમેરિટ્સના મારા એ સમયગાળામાં ઉમાશંકરની પદ્યરચના પર સંશોધનકાર્ય કરતો’તો. ત્યારે ઘણા મને પૂછે કે તમને સુન્દરમ્-ની પદ્યરચનાઓ સરળ નથી લાગતી? હું કહેતો કે હાલ તો હું ઉમાશંકરમાં છું, પછી વાત કરશું. સુરેશ જોષીની સૃષ્ટિમાં ઘણાઓને સમજ નથી પડતી પણ એમને મજા જરૂર પડે છે – ‘છિન્નપત્ર’ને ચૂસ્યા જ કરે, પાનાં પછી પાનાં ભલે ફરતાં જાય. આવાં બીજાં અનેક દૃષ્ટાન્તો ઉમેરી શકાય.

આ વાત સંગીતકલાને પણ લાગુ પડે છે. શાસ્ત્રીય સંગીતમાં, સાચું કહીએ તો, ઘણાઓને કશું સમજાતું નથી પણ એમનાં માથાં તો ડોલતાં હોય છે. આ વાત ચિત્રકલાને પણ લાગુ પડે છે. મૉડર્ન, ઍબ્સ્ટ્રેક્ટ, પેઇન્ટિન્ગમાં માણસને કશી ગતાગમ ન પડે, પણ તાક્યા કરે. શ્રીમન્તો એવાં ચિત્રો ખાસ ખરીદે છે ને ઘરની દીવાલ પર લટકાવીને કલાપોષક હોવાનો ગર્વ અંકે કરે છે.

આ વાત તત્ત્વચિન્તનને પણ લાગુ પડે છે. ઇમાન્યુએલ કાન્ટને સમજવા અને માણવા માટે બહુવિધ વ્યાયામની જરૂર પડવાની. નિત્શે બીજે તો ઠીક પણ ‘ધસ સ્પોક જરથુષ્ટ્ર’-માં સમજાય અને આનન્દ પણ આપે. સાર્ત્ર એમની નવલ ‘નૉશિયા’ વગેરે સર્જનાત્મક કૃતિઓમાં સમજાય અને આનન્દ પણ આપે, બાકી, તત્ત્વચિન્તક સાર્ત્રને પામવા તમારે કોઈને ગુરુ કરવા પડે કે પછી જાતે ગુરુ થઈને મથવું પડે. શોપનહાવરને, હાઇડેગર કે હ્યુસેર્લને, દેરિદાને, ફૂકોને કે બાદિયુને સમજવા માટે પણ ઘણી બધી વિદ્વદ્ત્તાસભર વ્યક્તિઓના માર્ગદર્શનની જરૂર પડે.

પણ આ બાબતે લેખાંજોખાં ન મંડાય, સરખામણીઓ ન કરાય. જેમ કે, નર્મદ અને દલપતની કે પ્રેમચંદ અને ‘અજ્ઞેય’-ની આ પરત્વે સરખામણીઓ ન જ થાય. પત્રકાર ચન્દ્રકાન્ત બક્ષીને કયા પત્રકાર સાથે સરખાવવા? હમેશાં સમજાય ને આનન્દ આપે. ઘણી વાર તો ગુસ્સો દાખવીને કે ચીડવીને પણ તમને રાજી કરી દે. આ પરત્વે, કિશોર જાદવ અને શિવકુમાર જોષીની તુલના ન કરાય, જેમ રામનારાયણ પાઠક અને જયન્તી દલાલની ન કરાય. સમજાય એવું છે કે ગની દહીંવાળા અને રમેશ પારેખની પણ આ વિષયે, તુલના ન જ કરાય.

તમને કહું, જાણ્યે-અજાણ્યે સાહિત્યકારો અઘરાની સાધનામાં જ વ્યસ્ત હોય છે. જુઓ, વિદ્વદ્પ્રિય લેખકો લોકપ્રિયોને એ કારણે જ ગણકારતા નથી. પોતાનાં લેખનો ન સમજાય તેને ગુણ ગણે છે ને લોકપ્રિયોનાં સમજાય તેમાં અવગુણ જુએ છે. તમને એ પણ કહું કે એક લોકપ્રિયની બીજા લોકપ્રિય જોડે સરખામણી ન કરાય. કેમ કે, દરેક લોકપ્રિય પોતાને અંદરખાને કંઈક તો વિદ્વત્તાતરફી ગણતો જ હોય છે. બાજુવાળા લોકપ્રિયને એ ગણકારતો નથી – એમ કે એની લોકપ્રિયતા ગ્રામ્ય છે, છીછરી છે.

વગેરે વગરે દાખલાઓ ઉમેરીને સાહિત્યમાં આ અઘરું ને સ્હૅલું-ની વારતાને બહેલાવી શકાય.

મૂળ વાત હતી કોરોનાની. એનો સાર એ છે કે કોરોના અઘરો છે, ન સમજાય એવો છે, એમાં આનન્દ કે મજાને તો જગ્યા જ નથી, બલકે રોજે રોજનાં મૉતથી એણે માનવસંસારને કલુષિત કરી મેલ્યો છે. એ જાય એ માટે એને કે એના મોકલનારને માત્ર પ્રાર્થના જ કરી શકાય છે.

બીજી વાત આ હતી, સાહિત્યની. એનો સાર એ છે કે સાહિત્ય અઘરું લાગે, ન સમજાય, પણ આનન્દ આપે એવું હોય છે. અને સાહિત્ય સહેલું લાગે, સમજાય, પણ આનન્દ ન આપે એવું પણ હોય છે. અને સાહિત્ય સમજાય અને આનન્દ પણ આપે એવું પણ હોય છે.

તેમ છતાં, અઘરું જ લાગે તો એક સહેલો ઉપાય છે – એવા સાહિત્યકારને હમ્મેશને માટે તિલાંજલિ આપી દેવી, એના ભણી કદી ફરકવું નહીં.

સાહિત્યકલાના મહેલમાં પ્રવેશાય અથવા તો દૂરથી એને રામ રામ કરી દેવાય …

= = =

(June 30, 2020: Ahmedabad)

Loading

...102030...2,4032,4042,4052,406...2,4102,4202,430...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved