Opinion Magazine
Number of visits: 9456494
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

થાક 

વસુધા ઈનામદાર|Opinion - Short Stories|28 February 2025

સાંજે ઘરમાં પગ મૂકતાં જ આલાપે પત્નીને કહ્યું , “મારા માટે કોફી બનાવ. આજે હું ખૂબ જ થાકી ગયો છું. મારે આજે કામ પર બહુ મોટું પ્રેઝેંટેશન હતું. અપેક્ષા, ત્યારે મને એવું લાગતું હતું કે આખી કંપનીની સમસ્યાનો ભાર જાણે મારા જ માથે ના હોય ……”

ત્યાં તો બેડરૂમમાંથી અવાજ આવ્યો, “બેટા આલાપ, મારી છાતીમાં દુ:ખે છે, લાગે છે કે મારે હોસ્પિટલ જવું પડશે.” 

આલાપે કહ્યું, “પપ્પા, તમારી બી.પી.ની દવા લઈને થોડીવાર સૂઈ જાવ. સારું લાગશે. હું આજે ખૂબ જ બીઝી હતો ને થાકી ગયો છું. બેચાર દિવસે તમારી તબિયત વિશેની   ફરિયાદ હોય છે.”

ત્યારે પિતાએ કહ્યું હતું,  “બેટા, ચારપાંચ દિવસથી મારી દવા ખલાસ થઈ છે.”

આલાપે કહ્યું, “પપ્પા, કાલે તમને દવા લાવી આપીશ. આજે સૂઈ જાવ.”

“ભલે, બેટા,” કહીને તેઓ સૂઈ ગયા. 

સવારે આલાપ પિતાના રૂમમાં ગયો, ત્યારે તેઓ બેહોશ પડ્યા હતા. આલાપ એમને લઈને હોસ્પિટલમાં ગયો ત્યારે ડોક્ટરે કહ્યું, “ખૂબ મોડું થઈ ગયું  છે. એમને હાર્ટ એટેક અને સાથે સ્ટ્રોક પણ આવ્યો છે !” 

બે દિવસની બિમારી ભોગવીને એના પિતા ગુજરી ગયા. થોડાક દિવસ પછી આલાપ અને એની પત્ની એના પપ્પાની રૂમ સાફ કરતા હતા. આલાપ રૂમમાંથી બધી વસ્તુઓ કાઢીને ટ્રેશમાં નાંખતો હતો. ત્યાં એના હાથમાં એક પાકિટ આવ્યું. એમાંથી એના પપ્પાના હાથે લખેલી ડાયરી મળી. પાનાં ફેરવતાં તે ઓચિંતાનો અટકી ગયો. આલાપ શિક્ષક પિતાની જૂની ડાયરી વાંચવા લાગ્યો. એમણે લખ્યું હતું, આજે આલાપ પાંચ વર્ષનો થયો. અમે એની વર્ષગાંઠ નિમિત્તે એના બાલમંદિરાનાં મિત્રોને બોલાવીને પાર્ટી રાખી હતી .મિત્રો સાથે રમતાં રમતાં આલાપ પડી ગયો. મિત્રોના ગયા પછી મારો પગ દુ:ખે છે એમ કહી એણે રડવાનું શરૂ કર્યું. 

અમે જોયું તો એનો પગ ખૂબ સૂજી ગયો હતો. તે ઊભો પણ નહોતો થઈ શકતો, મેં અને એની મમ્મીએ એને ડોક્ટર પાસે લઈ જવાનું નક્કી કર્યું. ઠંડી ખૂબ જ હતી. શિયાળાની મોડી રાતે આ નાનકડાં ગામમાં કોઈ વાહન મળે નહીં. મેં આલાપને ખભે ઉપાડીને ઝડપથી ચાલવા માંડ્યું, એની મમ્મી પણ મારી પાછળ પાછળ હાંફતી ને લગભગ દોડતી હતી. તે મને વિનવતી હતી ને કહેતી હતી કે, એકલા એને ઉપાડીને તમે થાકી  જશો, મને થોડીવાર આપો ને હું કહેતો એ માંડ શાંત થયો છે. એની ઊંઘ બગડશે. ભલે મારી પાસે રહેતો ! માંદા દીકરાને તેડીને ચાલનારા બાપને ક્યારે ય થાક ન લાગે સમજી !

અને અમે એ રાતે અઢી કિલોમીટર ચાલીને ડોક્ટરને ત્યાં પહોંચ્યાં હતાં. આલાપની આંખો ભરાઈ આવી, તે આગળ ન વાંચી શક્યો ! એની આંખ આગળ ફ્રેક્ચરવાળા પગને કારણે એને તેડીને ફરતાં  મમ્મી  પપ્પાનાં  ચહેરાં દેખાયાં. તે હાથ જોડીને કહી રહ્યો હતો, “પપ્પા, હું એટલો નહોતો થાક્યો કે હું તમને ગાડીમાં ના લઈ જઈ શકું …… મને માફ કરશો ને, પપ્પા  ? પપ્પા, મને માફ  ……!” 

બોસ્ટન, અમેરિકા 
૧૬-૨-૨૦૨૫
e.mail : inamdarvasudha@gmail.com

Loading

NATOનો નાતો મજબૂત કરવા હાલજો રે …

આશા બૂચ|Opinion - Opinion|28 February 2025

આશા બૂચ

દુનિયા આખીના પ્રજાજનો અંદરો અંદર વાત કરે છે, એમાં સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામમાં થતા સંવાદ સાંભળવા જેવા.

“અલ્યા ભાઈ, અમેરિકાના હાકોટાનો જવાબ આપવા આ NATOના સભ્ય દેશો પોત પોતાના ખિસ્સામાં હાથ નાખે છે અને ‘સંરક્ષણ’ની સુરક્ષા ખાતર લડાઈના હવનમાં વધુ સમિધ નાખવા અંકોડા ભીડીને મંડ્યા છે, ઈ છે શું?

તેમાંના કેટલાક કહેવા લાગ્યા, “મને તો પહેલાં ઈ સમજાવો, પહેલા વિશ્વયુદ્ધની આગ ઓલવાણી પછી ઓલું લીગ ઓફ નેશન્સ શરૂ કર્યું. ‘કે છે કે બધા દેશો વચ્ચે ભાઈચારો વધે અને હળીમળીને ‘રે એટલે ઘણા દેશો ભેળા મળ્યા. તો ય કેટલાક દેશો હખણા નો રિયા તે વીસ વર્ષમાં પાછી લડાઈ માંડી. એમાં ય દુનિયા આખીના લોકને ઢસેડ્યા. એમાં નવું શું? જે દેશો ભાખડી પડ્યા ઈ પાછા બીજા ગરીબડા દેશો ઉપર રાજ કરતા’તા એટલે એના લબર મુછિયા જવાનોને ય હારે લીધા લડવા!

બીજી મોટી લડાઈ પતી એટલે લીગ ઓફ નેશન્સને માર્યું તાળું અને એને ઠેકાણે યુનાઇટેડ નેશન્સ ઊભું કર્યું. પાછું ‘કે છે, દુનિયાના નાના મોટા દેશો વચ્ચે શાંતિ રિયે અને સૌની સલામતી રિયે એવી કબૂલાત કરીએ. આખી દુનિયામાં એથી મોટું એકેય મંડળ ન મળે. અટાણે એના 193 સભ્યો છે.

ત્યાંતો એક વડીલ બોલ્યા, આ તો સારું જ કેવાય ને? બઉ લડ્યા, હવે ચૂપચાપ પોતપોતાની પ્રજાનું રખોપું કરે તો સરગ હાથવેંત છેટું રિયે.

પણ ત્યાં એક અદક પાંસળિયો બોલી ઉઠ્યો, “કાકા, તમને ખબર છે, આ યુનાઇટેડ નેશન્સ ચાલુ થયું ને, એના ચાર વરસ પછી તરત ઓલું શું કેવાય, (બોલવામાં અઘરું બઉ પડે છ) નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન (હાશ! હાચુ બોલ્યો તો ખરો) એને નાટો કેવાય, ઈ નામનું મંડળ પણ જોડી કાઢ્યું. એમાં યુરોપના 30 દેશો, અમેરિકા અને કેનેડાએ નામ નોંધાવ્યા. એકબીજાને વચન આપ્યું, બારના દેશનો કોઈ દેશ આપણા મંડળના કો દેશ પર હલ્લો કરશે ને, તો બાકીના બધા ય ભેળા થઇ બંદૂક અને ગોળા લઈને દુ:શ્મનને પતાવી દેશું. આંઈ મારી બુદ્ધિ બેર મારી ગઈ. ઓલાં ઉપર કીધાં ઈ બે મંડળ તો શાંતિથી જીવવા માટે સહકાર કરીને ભૈબંધની જેમ રહેવાની કબૂલાત કરીને શરૂ કર્યાં. બધાંને ગમ્યું, રાજાને અને પ્રજાને. આ નવા મંડળે ખાસ રશિયા સામે ખાલી રાજકીય નહીં પણ લશ્કરથી પણ એકબીજાને સલામત રાખવાની જોગવાઈ કરી. તે આ હોશિયાર પ્રધાનોને એટલું ય ભાન ન થ્યું કે બે મોટી લડાઈઓ અને બીજી નાની મોટી કેટલી ય લડાઈઓ લડી તો ય એકે દેશને જે જોતું ‘તું ઈમાંથી થોડું જ હાથ લાગ્યું અને એમ કરવામાં કેટલાંયના ઘર ઊજડ્યા ઈ નફામાં?

એક જુવાનિયો ઊભો થ્યો, ને મોટેરાં સામે જોઈને પૂછવા લાગ્યો, “વડીલો, તમારા ઘરની ચારેકોરના પાડોશીઓ ધારિયાં અને લાકડી-દંડા લઈને ઊભા રિયે તો તમને એ લોકોનો ભય ન લાગે?” આ નાટો પેલાં તો રશિયા સામે તોપ ધરીને ઊભું ‘તું, પણ પછી તો એનેય ઈ મંડળમાં આવવા દીધું, પણ તો ય છેલા વીસેક વરસથી યુરોપના બીજા દેશો સાથે એને મનમેળ નથી રયો.

થોડાક વધુ ભણેલા લોકો પણ વાતમાં ભળ્યા. વાત એમ છે કે 1990ની આસપાસ રશિયાના સામ્રાજ્યમાં હતા એ દેશો એનાથી છુટ્ટા પડવા માંડ્યા અને એ બધાની સીમ યુરોપના કોઈ ને કોઈ દેશને અડતી હોવાથી પોતાની રક્ષા ખાતર નાટોમાં જોડાવા લાગ્યા. 

ત્યાંતો વળી એક ઉત્સાહી જુવાન બોલી ઉઠ્યો, જો, હું તો કઉં છું કે લશ્કરી સેના જેટલી મોટી થાય એટલી વધુ બીક જેની સામે તોપ માંડી હોય એને લાગે અને એને પણ એથી ય મોટી તોપ માંડવી પડે ઈ આ મોટા મોટા નેતા ન સમજ્યા, નકર લશ્કરની બદલે સુલેહ સંધિ કરવા વાળા લવાદોનું મંડળ ઊભું કરીને એક મોટી શાંતિસેના ઊભી કરી હોત તો આટલું ખરચ ન થાત, આટલાં ઘર-બાર નાશ ન પામત અને આટલું લોહી ન રેડાત.

ખબર છે, નાટોના સભ્યોએ 2024માં 1.47 લાખ કરોડ અમેરિકન ડોલર ખરચવાની જોગવાઈ કરેલી. આટલું  બધું નાણું બધા દેશોને સાથે મળીને કામ કરવાની યોજના પાછળ, એની યુક્તિઓ ઘડવા પાછળ, રેડાર અને બીજાં ચેતવણીનાં સાધનો પાછળ, સૈનિકોને તાલીમ આપવા પાછળ, હવાઈ મથક અને નૌકા સૈન્યના બંદરો પાછળ અને બળતણ પૂરું પાડવા પાછળ ખર્ચે છે.

એક હોશિયાર વિદ્યાર્થી બોલી પડ્યો, “સાંભળ્યું છે કે અત્યાર સુધી એ મંડળના બધા સભ્યો પોતાના દેશની કુલ આવકના 2% રકમ આ નાટોના બજેટમાં આપે છે, પણ ઇંગ્લેન્ડ હવે 2.5% અને પછી તો એથી ય વધુ નાણું આપશે, તો અમારા જેવા વિદ્યાર્થીઓના ભણતર અને દેશની બીજી સેવાઓ માટે પૈસા ક્યાંથી કાઢશે?”

આમ આ ચર્ચા દિવસ રાત ચાલતી રહી, પણ મોટા ભાગના લોકોને આ બધા દેશો શા માટે લડ્યા કરે છે અને તેની પાછળ લખલૂટ ખર્ચ શા માટે કરે છે એ ન સમજાયું અને એનો તોડ પણ ન મળ્યો.

વાત એમ છે કે સશસ્ત્ર સંઘર્ષથી મોટા ભાગની સમસ્યાઓ હલ થઈ નથી એ વાત હજારો વર્ષના ઇતિહાસે સાબિત કરી બતાવ્યું છે. સામે પક્ષે અહિંસક ચળવળો તેનાથી ઓછા સમયમાં, ઓછા ખર્ચે અને કાયમી ઉકેલ આપતી હોય છે એ પણ અનુભવ્યું છે. NATO જેવાં સંગઠનો સત્તા લોલુપ સામ્રાજ્યવાદી અને એકહથ્થુ સત્તાધારીઓને ભડકાવનારા હોય છે. દરેક દેશના નેતાઓ એટલા શાણા હોવા જોઈએ, જે પોતાના પાડોશી દેશો અને દૂરના દેશોના નેતાઓની નીતિ, મુરાદ અને આચરણ ઉપરથી આવનારા સારા કે માઠા પરિણામોની આગાહી કરી શકે અને તેની તૈયારી રૂપે વાટાઘાટો અને શાંતિ કરાર કરી શકે. સાથે સાથે અહિંસક પ્રતિકાર માટે પણ સશસ્ત્ર સૈનિકોની માફક શાંતિ સૈનિકોને પણ પૂરતી તાલીમ આપી, તે માટે જરૂરી પુરવઠો પૂરો પાડવો આવશ્યક બને છે. મિસાઈલની સામે બીજાં વધુ વિનાશક મિસાઈલ જ ફેંકવામાં આવે છે અને તેની સામે વળતો ઘા ન કરવામાં આવે તો વેરની આગ શમી જાય છે એ પણ જોયું છે.

ઘડીભર કલ્પના કરીએ, જો NATO મિલિટરી જોડાણ ન હોત યુરોપ અને તેના મિત્ર રાજ્યોનો ડર રશિયા અને તેના મળતિયા દેશોને લાગ્યો હોત? જો રશિયાની દાનત ક્રાઇમિયા પર કબજો જમાવ્યો ત્યારથી ઓળખી કાઢીને રશિયાની સરહદને લગતાં બધાં રાજ્યોને શાંતિમય પ્રતિકાર માટે તૈયાર કર્યા હોત તો? એથી ઊલટું, બધા દેશો હોંશે હોંશે પોતાનું ‘ડિફેન્સ બજેટ’ વધારવા નીકળી પડ્યા છે!

NATOના સભ્ય દેશોની પ્રજા ખમીરવંતી હોય તો પોતાના કરવેરામાંથી સશસ્ત્ર લડાઈ જોગ ભાગનો કર ભરવાની ‘ના’ પાડે. જો કે મોટા લોકો મારા આ સૂચનને ‘અવ્યવહારુ’ કહીને હસી કાઢશે, બાકીના મૌન સેવી સમાચાર જોયા કરશે.

હિંસાને હોંશે હોંશે વધાવવા નીકળેલા નેતાઓના નિર્ણયથી સંતપ્ત બનેલ નાગરિક.

e.mail : 71abuch@gmail.com

Loading

નવા ચૂંટણી કમિશનરના મુદ્દામાં કેન્દ્ર સરકારની અભદ્ર અધીરાઈ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|28 February 2025

નેતા વિપક્ષે ઊભો કરેલો મુદ્દો આપણી બંધારણીય ને કાનૂની સંસ્થાઓની સ્વાયત્તતાની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વનો છે.

પ્રકાશ ન. શાહ

દેશના નવા ચૂંટણી વડા તરીકે જ્ઞાનેશકુમારે જવાબદારી સંભાળી એ ઘટના આગલા અનેક બનાવની જેમ વર્તમાન કેન્દ્ર સરકારની એકાધિકારી મનસ્વિતા વિશેની છાપ દૃઢાવેબઢાવે તો એ માટે કદાચ ફરિયાદનું કારણ ન હોવું જોઈએ. 

સમજવું જ હોય તો મુદ્દો સાવ સાદો છે. 19મી ફેબ્રુઆરીએ દેશની સર્વોચ્ચ અદાલત ચૂંટણી વડાની નિયુક્તિ પ્રક્રિયા વિશે નિર્ણાયક – વિવાદમુદ્દો હાથ ધરવાની ઘડિયાં લગન પેઠે નિમણૂક થઈ જાય એમાં કોઈ ‘ગ્રાન્ડ કોન્સ્પિરન્સી’નું તત્ત્વ ન હોય તોપણ એની પૂંઠે રહેલી અભદ્ર અધીરાઈ સારુ આશંકાનું કારણ તો છે જ.

2023થી આ ચર્ચા ચાલી રહી છે. લોકસભાની તરતમાં આવનારી ચૂંટણીની દૃષ્ટિએ ત્યારે માનો કે ખમી ખાવાનું એક લૉજિક હોઈ શકતું હતું. પણ ચૂંટણી પરિણામના આઠનવ મહિને ય સત્તારૂઢ કેન્દ્રીય નેતૃત્વ આ બાબતે મુદ્દતપાડુ ઢબે પેશ આવતું વરતાય તો એને શા સારુ સવાલિયા દાયરામાં ન જોવું એ સમજ્યું સમજાતું નથી. 

મુદ્દે, ચૂંટણી કમિશનર જેવા હોદ્દે નિમણૂક માટેની હાઇપાવર કમિટી પર દેશના વડા ન્યાયમૂર્તિ હોવા જોઈએ, એવી એક ભૂમિકા રચાયેલ છે. તેને બદલે વડા પ્રધાન અને એક કેન્દ્રીય પ્રધાન તેમ જ નેતા વિપક્ષની સમિતિ અત્યારે છે. દેખીતી રીતે જ, આ રચના સરકારની સીધી બહુમતીવાળી છે. સમિતિ પર જો વડા ન્યાયમૂર્તિ બેસતા હોય તો ચૂંટણી કમિશનરની નિમણૂક પરબારી સરકારી રાજરમતથી સહજક્રમે મુક્ત રહી શકે એ ઉઘાડી વાત છે. 

ચૂંટણી કમિશન તાજેતરનાં વરસોમાં ઠીક ઠીક ટીકાપાત્ર રહ્યું છે. શેષન અને લિંગ્દોહ તરેહના ચૂંટણીવડા હવે વન્સ અપોન આ ટાઈમ એવી ઇતિહાસવસ્તુ બની ગયા છે. આ સરકાર હસ્તક અગાઉ બબ્બે ચૂંટણી કમિશનરોએ શંકાસ્પદ સંજોગોમાં ખસી જવું પસંદ કર્યું છે. લવાસા જેવા અધિકારીએ તો આ સંબંધે, સરકારી દબાણથી મુક્ત કારવાઈ આડે અવરોધના સંકેતો પણ પ્રસંગોપાત આપ્યા છે. 

દસ વરસની સુવાંગ રાજવટ પછી ત્રીજી મુદ્દતમાં લોકચુકાદાવશ નેતા વિપક્ષની ઉપસ્થિતિના સંજોગો પેદા થયા તે સાથે અગાઉની ઉત્તરોત્તર વધુ સત્તા કેન્દ્રીકૃત કરવાનું વલણ એક યા જારી છતાં બીજી યા કંઈક પડકાર અનુભવી રહ્યું છે. આ કિસ્સામાં વડા પ્રધાન, ગૃહ પ્રધાન અને નેતા પ્રતિયક્ષની બેઠકનો જે હેવાલ બહાર આવ્યો છે તે ચિંતાજનક છે. વડા ન્યાયમૂર્તિ હોવા જોઈએ એ બાબત તરતના કલાકોમાં સર્વોચ્ચ અદાલતમાં હાથ ધરાવા પર હોય ત્યારે નિર્ણયમાં ઉતાવળ કરવાને બદલે ખમી ખાવું જોઈએ એ સાદો પણ બુનિયાદી મુદ્દો નેતા વિપક્ષ રાહુલ ગાંધીનો હતો. અને હવે તો એમની ‘ડિસેન્ટ નોટ’ (અસંમતિની નોંધ) પણ વિધિવત પ્રકાશિત થઈ ચૂકી છે. 

દરમિયાન, કેન્દ્ર સરકારે તો લગભગ કૂ દે તા કહેતાં રાતવરત ગુપ્ત છાપામાર શૈલીએ જ્ઞાનેશ કુમારની નિમણૂક બહુમતીથી એટલે કે ધરાર સરકારી રાહે કરી દીધી, એમણે હોદ્દો સંભાળી લીધો — અને ચૂંટણી પંચ હંમેશ જનતા જોડે રહ્યું, છે અને રહેશે એમ પણ બુલંદપણે કહી દીધું. સરકારે તો જે કરવું હતું તે કર્યું, પણ આવા સંદિગ્ધ, સંજોગોમાં ખરું જોતાં જે તે જવાબદાર અધિકારીને તો સૂઝવું જોઈએ ને કે હોદ્દો અખત્યાર કરવો અગર ન કરવો. 

પણ આપણા અધિકારીઓ વિશે શું કહેવું? કટોકટી બાદ શાહ તપાસ પંચનો હેવાલ બહાર પડ્યો ત્યારે અરુણ શૌરિએ માર્મિક ટીકા કરી હતી કે ગેરબંધારણીય કામોમાં પોતાને જોતરવામાં આવ્યા અને પોતે જોતરાયા પણ ખરા એ બધી વિગતો વિશે આપણી આઈ.એ.એસ. મંડળી કેમ કદાપિ ચર્ચા નથી કરતી. ત્યારે કટોકટીરાજ હતું. અત્યારે પોતાને કટોકટી સામેના લડવૈયા તરીકે દિવસરાત આગળ કરતો સત્તાપક્ષ છે. પણ પેલો પ્રશ્ન તો જેમનો તેમ ઊભો જ રહે છે. 

19મીએ (બુધવારે) કેન્દ્ર સરકારના જવાબદાર વકીલે પોતે અન્યત્ર રોકાયેલ છે એમ કહી આરંભે મુદ્દતપાડુ કોશિશ કર્યાના હેવાલો પછી બીજું કશું કદાચ કહેવાનું કદાચ રહેતું નથી.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 19 ફેબ્રુઆરી 2025

Loading

...102030...235236237238...250260270...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved