Opinion Magazine
Number of visits: 9680958
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક પ્રાણીનું મોતઃ કોમવાદ, કરુણા, અધકચરી માહિતીની શતરંજની કર્કશ ચિંઘાડ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|7 June 2020

અમેરિકામાં જ્યોર્જ ફ્લોય્ડનું પોલીસના અત્યાચારથી મોત થયું, ત્યાં તોફાનો ફાટી નિકળ્યાં અને ભારતમાં વૉટ્સએપ સ્ટેટસ ફાટી નિકળ્યા. પોતાના દેશમાં થતી સમસ્યાઓ પર રાજકીય ઝુકાવ અનુસાર કોલાહલ કરાય છે જે શરમજનક કહેવાય.

કોરોના, તીડ, નિસર્ગ આ બધાંની વચ્ચે એક ચિંઘાડ બીજી ઊઠી અને એ કદાચ આઘાતની બધી સીમાઓ પાર કરી ગઇ. લૉકડાઉનમાં સોશ્યલ મીડિયા પર સતત એક્ટિવ રહેનારાઓ કેરળની એ દર્દનાક ઘટનાને એક યા બીજી રીતે કવખોડી, તેની પર આર્ટવર્કસ પણ બન્યા જે સતત શેર પણ કરાયા. માનવતા મરી પરવારી છેનો ઘોંઘાટ પણ ગરજ્યો અને પછી રતન તાતાથી માંડીને બૉલીવુડનાં સિતારાઓ, પી.એમ.ઓ. સહિત દરેકે પીડાની ટીસ વ્યક્ત કરી. મોડી રાત સુધીમાં જાત ભાતની ચોખવટો, ચર્ચાઓ અને વિશ્લેષણ પણ આવ્યા અને કેન્દ્ર સરકારે આ મુદ્દામાં પૂરી તપાસ થશે તેમ પણ કહ્યું. બદનસીબે એક મુંગા પ્રાણીનો જીવ ગયો અને તેની પર રાજકારણીઓની રોટલી પણ શેકાવા માંડી તો તેને કોમી રંગ આપવાનો ખેલ પણ પ્રસાર માધ્યમોએ કર્યો.

એક સગર્ભા હાથણીનું મોત થયું કારણ કે તેને ફટાકડા ભરેલું અનાનાસ ખવડાવી દેવાયું. આ અમાનુષી ઘટનાની ચર્ચાઓનો દેકારો એટલો થયો કે અમુક વાસ્તવિકતાઓ ઘોંઘાટમાં દબાઇ ગઇ. પહેલા તો સમાચાર એમ આવ્યા કે આ ઘટના મલ્લાપુરમમાં થઇ જ્યાં સંજોગોવશાત મુસલમાનોની સંખ્યા મોટી છે તો હકીકતમાં હાથણીનું મૃત્યુ પલક્કડ જિલ્લાનાં મન્નારક્કડ વિસ્તારમાં થયું હતું. ‘ધી હિંદુ’ અખબારમાં આવેલા એક રિપોર્ટ અનુસાર મન્નારક્કડનાં ડિવિઝનલ ફોરેસ્ટ ઑફિસર અનુસાર હાથણીને આ અનાનાસ જાણી જોઇને ખવડાવાયું હતું તેવા કોઇ પુરાવા ન હતા. બીજી એક સામાન્ય હકીકત બહાર આવી છે કે જંગલની સરહદ પાસે જે ખેડૂતો રહેતા હોય છે તે પોતાના પાકને જંગલી સુવરોથી બચાવવા માટે આવા ફટાકડા ભરેલા અનાનાસ મુકતા હોય છે. વળી કેરળ સરકારા તો હજી માર્ચમાં જ એવો કાયદો પસાર કર્યો હતો કે જંગલી સુવરોને સરકારી અધિકારીઓ ધારે તો ગોળીએ દઇ દઇ શકે અને આ કાયદો પાછો એક અન્ય વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972નાં સેક્શન 62ને સમાંતર છે જેમાં અમુક પ્રાણીઓને વર્મિન એટલે કે નુકસાનકારક ગણીને તેમની કત્લ કરી શકાય છે.

તમે માનશો નહીં પણ જંગલી સુવર ઉપરાંત નિલગાય અને માંકડા પણ આ લિસ્ટનો ભાગ છે. પ્રાણીઓ તો આ પણ મૂંગા જ છે. હવે બિચારી સગર્ભા હાથણી સાથે જે થયું એ ખરેખર દર્દનાક છે પણ તેની પાછળ જે ખેલ થઇ રહ્યો છે વધુ ચિંતાજનક છે. જંગલખાતાના અધિકારીઓએ આ કૃત્ય કરનારાઓને સ્વાર્થી કહ્યા, મીડિયામાં શરૂઆતનાં રિપોર્ટ્સમાં પણ હકીકતો ખોટી હતી અને લોકોને જાણે કોરોનાનાં કાળમુખા સમાચારો વચ્ચે કંઇ નવી ચર્ચા મળી ગઇ, તો રાજકારણીઓએ પોતાની ચોપાટનાં પાસા નાખ્યાં.

જંગલો આખરે છે કોની માલિકીનાં? હાથણીનાં મોતની સાથે સાથે એક બીજા હાથીનાં મોતની ચર્ચા પણ ચાલી. કેરળમાં હાથીઓનાં મોત થવા સામાન્ય બાબત છે એવો અવાજ પણ ઉઠ્યો. મુદ્દો એ છે કે વિકાસને નામે હાથીનાં મોત પર મગરનાં આંસુ સારનારા લોકોએ જંગલોનો સફાયો કરી નાખ્યો છે. બે હાથે અંકરાતિયાની માફક માંસાહાર કરનારાઓએ પણ આક્રંદ કર્યો પણ તેમને જે પ્રાણીઓ ખાવાં છે, તેના ઉછેર માટે પણ તો જંગલો કપાતા રહે છે, પાણીનાં સ્રોત પર પણ માણસને કબજો કરવો છે. પ્રાણીઓ તેમના પોતાના વસવાટનાં વિસ્તારો ગુમાવતા રહે છે અને ભૂલથી સ્વાર્થી માણસોનાં પ્રદેશોમાં આવી જાય છે અને જીવ ગુમાવે છે, પછી તે હાથી હોય, દીપડા હોય કે પછી કોઇ બીજા પ્રાણીઓ.

હાથી હોય કે સુવર, હત્યા તો કોઇની પણ ક્રૂરતા જ છે. જેમનાં ઘર છીનવી લીધા છે તેમનાં મોત પર રોદણાં રડવાને બદલે જે ખરી સમસ્યા છે તેનો વિચાર કરવો જરૂરી છે. અહીં કોઇ પણ રાજકીય પક્ષની વાત છે જ નહીં બસ વાડાબંધી, ફાટાબંધી, કોમવાદ નહીં પણ નક્કર સમસ્યા પર જે જોઇ શકે તેવી સત્તાની જરૂર છે.

બાય ધી વેઃ

અમેરિકામાં જ્યોર્જ ફ્લોય્ડનું પોલીસના અત્યાચારથી મોત થયું, ત્યાં તોફાનો ફાટી નિકળ્યાં અને ભારતમાં વૉટ્સએપ સ્ટેટસ ફાટી નિકળ્યા. પોતાના દેશમાં થતી સમસ્યાઓ પર રાજકીય ઝુકાવ અનુસાર કોલાહલ કરાય છે જે સાવ શરમજનક કહેવાય. વૉટ્સએપ પર સાઇન કરાતા પિટીશન્સથી કોઇ ફેર નથી પડતો એ પણ તમારે સમજવાની જરૂર છે. અરુણાચલ પ્રદેશમાં જે 3 લાખ વૃક્ષો એક બંધનાં પ્રોજેક્ટને લીધે કપાઇ જવાનાં છે તેની પીડા પણ એટલી જ થવી જોઇએ. માણસ અને પ્રાણીઓનાં સંઘર્ષ ઘટાડવા માટે જંગલ બચાવવાં પડશે એટલું સાદું સત્ય વિકાસ ભૂખ્યા માણસને ખબર પડવી જોઇએ. ગરીબ ગુરબાં ખેડૂતો જે ટચૂકડી જમીન પર કંઇક ઊગાડીને પેટ ભરે છે તેની ય ચિંતા સત્તાવાળાઓને થવી જોઇએ અને જ્યારે જંગલખાતા પાસે તેઓ મદદ માગે અને હતાશા સાંપડે ત્યારે તેઓ અનાનાસ ભરેલા ફટાકડા વાપરી પ્રાણીઓથી પાકને બચાવે તો તેમને માથે માછલાં ધોવા કે સત્તાધીશોનો કૉલર પકડવો તે પણ આપણે વિચારવું પડે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 07 જૂન 2020

Loading

ભારતે સરહદી વિવાદનો કાયમી ઉકેલ લાવવો જરૂરી છે

રમેશ ઓઝા|Opinion - Opinion|7 June 2020

ભારત સામે એક સમસ્યા છે. એમાં ઓછામાં ઓછા બે અને કેટલીકવાર તો પાંચ કે છ પક્ષકાર છે. પક્ષકાર દેશી છે, વિદેશી છે, એક સમયના દેશી પણ હવે વિદેશી છે. જે દેશી છે એ ધર્મ, ભાષા, પ્રદેશ અમે દરેક પ્રકારના દેશી છે. એ સમસ્યા સો વરસ, દોઢસો વરસ અને એનાથી પણ જૂની છે અને દરેક પક્ષકારને સમાધાન થાય એ રીતે તેનો હજુ નિકાલ આવતો નથી. સમસ્યા અંગ્રેજોને પણ વારસામાં મળી હતી, અંગ્રેજોએ તેનો લાભ લઈને વધારે અઘરી કરીને વારસામાં આપી છે અને અંગ્રેજોએ પેદા કરીને સ્વતંત્ર ભારતને વારસામાં આપી હતી. અને આવી સમસ્યા એક-બે-પાંચ નથી; પણ પચાસ છે. આ ભારત દેશ છે. આવી જે પચાસ જેટલી સમસ્યા છે એમાં એક ચીન સાથેનો સરહદી વિવાદ છે.

મને સમજાતું નથી કે ચપટી વગાડતા દરેક સમસ્યાને હલ કરવાનો આત્મવિશ્વાસ આપણા વડા પ્રધાન ક્યાંથી લઈ આવે છે? કાં તો એમને સમસ્યાના સ્વરૂપનું ભાન નથી અથવા તેમને એ ઉકેલવામાં કોઈ રસ નથી. મને તો બંને સંભાવના એક સરખી સાચી લાગે છે, કારણ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને ક્યારે ય ભારત સમજાયું નથી અને વિદેશથી આયાત કરેલા રાષ્ટ્રવાદના ચશ્માંથી તેઓ ભારતને જુએ છે. તેમને ભાન જ નથી કે ભારત ઇટલી નથી. જો ભારતનાં સ્વરૂપની સાચી સમજ હોત તો સવાલ થવો જોઈતો હતો કે જેમાં બંને પક્ષકાર હિંદુ છે એવી સમસ્યાઓ કેમ ઉકેલાતી નથી? અને આવી એક-બે નથી; એક ડઝન સમસ્યાઓ છે જેમાં બંને પક્ષકારો હિંદુ છે. ઉદાહરણ આપવાં હોય તો હિંદી ભાષાના રાષ્ટ્રભાષા તરીકેના સ્વીકારનું આપી શકાય. બે રાજ્યો વચ્ચેનાં સરહદી વિવાદોનું આપી શકાય, પ્રાંતીય ભાષાઓનું આપી શકાય. અનામતનું આપી શકાય, ભૂમિપુત્ર અને પરપ્રાંતીઓનું આપી શકાય. જેમાં બંને પક્ષકારો હિંદુ હોય એવી સમસ્યાઓ કેમ નથી ઉકેલાતી? આર.એસ.એસે. અત્યાર સુધી દરેક સમસ્યાનું રાષ્ટ્રવાદના નામે સરળીકરણ જ કર્યું છે. તેમની સમસ્યા એ છે કે જો દેશની સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કરે તો તેમના ધ્યાનમાં આવે કે અહીં તો બાંધછોડ કરવી પડે એમ છે અને બધાને સાથે રાખીને ચાલવું પડે એમ છે. એટલે ભાંગી નાખું કાપી નાખુંના પાડો બરાડા!

આમ વડા પ્રધાનને ભારતની ટિપીકલ સમસ્યાઓની ખાસ કોઈ સમજ હોય એમ લાગતું નથી, કારણ કે સંઘને સમજ નથી. આ ઉપરાંત સમસ્યા ઉકેલવા તેઓ કોઈ ગંભીર હોય એમ પણ લાગતું નથી. જરૂર શું છે જ્યારે પાળેલા શ્વાન બોલેલા શબ્દોને બ્રહ્મવાક્ય માનીને ચાટતા હોય અને ભક્તો તાળીઓનો ગડગડાટ કરતા હોય. બંને મળીને સાચવી લેશે.

શ્વાનો તો પૈસા માટે જયજયકાર કરે છે પણ ભક્તોએ એક વાર અમસ્તા વિચારવું જોઈએ કે દાદાભાઈ નવરોજીથી લઈને મનમોહન સિહ સુધીના શું બધા જ લોકો નમાલા અને નાસમજ હતા? સમજદારી અને બહાદુરીનો પ્રાદુર્ભાવ પહેલી વખત ૨૦૧૪માં થયો? જો સમસ્યા એક બે નહીં પચાસ જેટલી હોય, એ પાછી સો દોઢસો વરસ જૂની હોય, એમાં અનેક પક્ષકારો હોય અને દાદાભાઈ નવરોજીથી લઈને મનમોહન સિંહ સુધીના એકાદ હજાર મહાનુભાવો હલ કરી શક્યા ન હોય એ આપણા સાહેબ ચપટી વગાડતા ઉકેલી નાખે! થોડી તો અક્કલ વાપરો!

ચીન સાથેનો સરહદી વિવાદ આવો પેચીદો છે. એમાં ભારત, પાકિસ્તાન. ચીન, તિબેટ અને કાશ્મીર એમ પાંચ પક્ષકારો છે. એ અંગ્રેજોએ આપણને વારસામાં આપ્યો છે અને તેને ૧૦૭ વરસ થઈ ગયાં છે. ૧૯૧૩માં બ્રિટિશ ભારત-તિબેટ અને ચીન વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી થઈ હતી જેમાં અંગ્રેજોએ ખેંચેલી સરહદની રેખા ચીને તેની નિર્બળતાને કારણે માન્ય રાખવી પડી હતી. એ સમયે સમજૂતી ઉપર સહી કરતી વખતે ચીનના પ્રતિનિધિએ લખ્યું હતું: નોટ એક્સેપ્ટેબલ એન્ડ સાઈનિંગ વિથ પ્રોટેસ્ટ. ભારતને આઝાદી મળી અને અને ચીન સામ્યવાદી બન્યું એ પછી બે દેશ વચ્ચે એક વાર યુદ્ધ થઈ ચૂક્યું છે. ચીને અનેક વાર સરહદનું ઉલ્લંઘન કર્યું છે અને તેની પાછળનો ઈરાદો ભારતને મૂંઝવવાનો હોય છે. પાકિસ્તાને અક્સય ચીનનો પ્રદેશ ચીનને આપી દીધો છે જ્યાંથી કોર્રાકોરમ હાઇવે કાઢવામાં આવ્યો છે. હવે પાકિસ્તાનના ગ્વાડર બંદર સુધી બીઝનેસ કૉરીડોર બનાવી રહ્યું છે. ચીને ભારતનાં તમામ પાડોશી દેશો સાથે સમજૂતીઓ કરીને ભારતને લગભગ ઘેર્યું છે. આ ઉપરાંત ચીનની લશ્કરી અને આર્થિક તાકાત ૧૯૬૨ની તુલનામાં અનેકગણી છે. ચીન અત્યારે એક મહાસત્તા છે.

આનો અર્થ એવો નથી કે ભારતે ચીન સામે ઝૂકી જવું જોઈએ. જો લડી શકાય એમ હોય અને લડવું હોય તો લડવાની ગંભીરતાપૂર્વક તૈયારી કરવી જોઈએ જે રીતે ઇન્દિરા ગાંધીએ ૧૯૭૧માં કરી હતી. જો સરહદીવિવાદ સાચો હોય (અને સાચો છે જ) તો તેનો વાતચીત દ્વારા આપ-લેના ધોરણે ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ. જો ભારતે પોતાના કબજાનો પ્રદેશ ન જ છોડવો હોય અને લડાઈ પણ ટાળવી હોય તો એ રીતના સંભવ હોય એવા પ્રયાસ કરવા જોઈએ. આગલી સરકારો આ ત્રીજા વિકલ્પ માટે પ્રયાસો કરતી આવી છે એ કોઈ પણ દૃષ્ટિએ નબળાઈ તો ન જ કહેવાય. પણ નરેન્દ્ર મોદીને એમ લાગતું હોય કે તેઓ ઈંટનો જવાબ પથ્થરથી આપી શકે એમ છે તો કરે તૈયારી!

આ ત્રણ સિવાય કોઈ ચોથો વિકલ્પ નથી. વડા પ્રધાન કોઈ એક વિકલ્પ અપનાવી લે. આજે બન્યું છે એવું કે ચીને લદાખમાં દસેક હજાર સૈનિકો ઉતાર્યા છે અને પંદર-વીસ કિલોમીટર વિસ્તાર કબજે કરી લીધો છે અને ભારત નથી વાસ્તવિકતાનો સ્વીકાર કરી શકતું કે નથી વાસ્તવિકતા બદલી શકતું. ડોકલામમાં પણ આવું જ બન્યું હતું. હાકલા પડકારા કરતા રહીએ અને સાથે પ્રદેશ ગુમાવતા રહીએ એ ડહાપણનો સોદો કહેવાય?

મારો અંગત અભિપ્રાય એવો છે કે ભારતે બીજો વિકલ્પ અપનાવવો જોઈએ. ૧૯૧૩ની સરહદ-સમજૂતી એકપક્ષીય અને દાદાગીરીવાળી હતી. એ વાત જુદી છે કે ચીન જે પ્રદેશ ઉપર દાવો કરે છે એ ચીનનો પ્રદેશ નથી, પણ તિબેટનો છે જેને ચીન રક્ષણ કરવાને નામે ગળી ગયું છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 07 જૂન 2020

Loading

વાલ્ડેમર હાફકિન : હિંદુસ્તાનને બે મહામારીથી બચવાનાર

કિરણ કાપૂરે|Opinion - Opinion|7 June 2020

માનવજાતને મહામારીથી સુરક્ષા બક્ષનાર અને આજે ભૂલાઈ જનારમાં વાલ્ડેમર હાફકિનનું નામ મોખરે લઈ શકાય. આઝાદી પૂર્વે ભારતને બે મહામારીમાં લાખોનાં જાન બચાવનાર વાલ્ડેમર હાફકિનનું નામ ભાગ્યે જ ક્યાંક દેખા દે છે. વાલ્ડેમરનું આ યોગદાન અપૂર્વ હતું અને તેમની સ્મૃતિરૂપે આજે પણ મુંબઈમાં હાફકિન ઇન્સ્ટિટ્યૂટ ઊભું છે. અંગ્રેજોની ગુલામી કાળ દરમિયાન કેટલીક જે મહામૂલી વ્યક્તિઓ હિંદુસ્તાનના સંપર્કમાં આવી તેમાં એક વાલ્ડેમર હતા. વાલ્ડેમરનું ભારત આવવું એક માત્ર સંયોગ હતો અને પછી તેઓ બે દાયકા સુધી અહીં રહ્યા. અહીંયા તેમણે કોલેરા અને પ્લેગની મહામારીમાં વેક્સિન શોધીને લાખોનાં જીવનને સુરક્ષિત બનાવ્યા.

વાલ્ડેમરના કહાનીની શરૂઆત ઓડેસ્સા (યુક્રેન) નામના રશિયાના શહેરથી થઈ હતી. 1860માં ઓડેસ્સામાં એક યહૂદી વેપારી પરિવારમાં તેમનો જન્મ થયો. યુક્રેનમાં જ તેમનું શિક્ષણ આરંભાયું. મેલોરોસિસ્કી યુનિવર્સિટીમાં નેચરલ સાયન્સમાં તેમનો પ્રવેશ થયો અને તેઓ અહીંયા ભવિષ્યમાં નોબેલ પારિતોષિકથી સન્માનિત થનારા એલી મેચનીકોવ[Ilya Mechnikov]ના સંપર્કમાં આવ્યા. અહીંયા તેમણે ડૉક્ટરનો અભ્યાસ પૂર્ણ કર્યો પરંતુ રશિયાની તત્કાલીન ઝારશાસનમાં યહૂદીને ઉચ્ચ ડિગ્રી મળતી નહીં, તેથી તેઓ ડૉક્ટરેટની ડિગ્રીથી વંચિત રહ્યા. આનું એક કારણ તેઓ યુવાન વયે ક્રાંતિકારી યહૂદી જૂથો સાથે સંપર્ક ધરાવતા હતા તે પણ હતું. રશિયામાં ક્રાંતિ કરવાના તેમના સપનાં હતા સાથે કારકિર્દીમાં આગળ વધવાનું ઝનૂનેય હતું; તેથી તેઓ 1888માં સ્વિત્ઝર્લેન્ડની ‘યુનિવર્સિટી ઓફ જિનિવા’ પહોંચ્યા. અહીંયા તેમનો ભેટો વેક્સિન સંશોધનમાં પાયારૂપ કાર્ય કરનારા લુઈ પાશ્ચર સાથે થયો. હાફકિન અહીં લાઇબ્રેરિયન તરીકે જોડાયા હતા, પરંતુ સાથે-સાથે તેઓ બેક્ટેરિયા પર સંશોધનનું કાર્ય પણ કરતા.

તે કાળે કોલેરા મહામારી ખૂબ પ્રસરેલી તેથી વાલ્ડેમરના પ્રયોગ કોલેરાની રસી બનાવવાનો હતો. 1892 આવતા સુધીમાં તેઓ કોલેરાની વેક્સિન બનાવવાના પ્રાથમિક સ્ટેજમાં પહોંચી ચૂક્યા હતા. પેરિસની ‘સોસાયટી ઓફ બાયોલોજી’માં તેમણે તેમના પ્રાથમિક સંશોધનનાં પરિણામ રજૂ કર્યા. અને પછીથી પોતાની જાત પર જ આ વેક્સિનના પ્રયોગ આદર્યા. આ ગાળામાં તેમની મુલાકાત અર્નેસ્ટ હેનકીન સાથે થઈ, જેઓ ભારતમાં મલેરિયા, કોલેરા અને અન્ય મહામારી પર સંશોધન કરી રહ્યા હતા. તેમણે વાલ્ડેમર હાફકિનને પ્રયોગ માટે ભારત આવવા જણાવ્યું. બંગાળમાં તે વખતે ખૂબ મોટા પાયે કોલેરા પ્રસર્યો હતો. 1893માં વાલ્ડેમર ભારત પહોંચ્યા અને તેમને અંગ્રેજ સરકારે વેક્સિનના પ્રયોગ માટે તત્કાલ મંજૂરી પણ આપી દીધી. અહીં તેઓ પ્રેસિડન્સી હોસ્પિટલમાં બેક્ટેરોલોજિસ્ટ તરીકે જોડાયા. બસ, અહીંયાથી ભારત સાથેનો તેમનો શરૂ થયેલો નાતો બે દાયકા સુધી ચાલ્યો. હાફકિનને જે પદ મળ્યું હતું તેમાં અંગ્રેજ સરકારની માગણી મુજબ ઝડપથી રસી શોધવાની હતી. રસી શોધવાનો પડકાર તેમની સામે હતો તેમ અહીંના અંગ્રેજ પદાધિકારીઓ અને હિંદુસ્તાનમાં તેના પ્રયોગ કરવાનાં પણ પડકાર હતા. પરંતુ મહિનાઓમાં જ રસી શોધીને બે વર્ષમાં અંગ્રેજ સૈન્ય, નાગરિકો અને સ્થાનિકો સહિત વાલ્ડેમરના દેખરેખ હેઠળ 42,000 કોલેરાની રસી આપી.

આ રસીનાં પરિણામ તત્કાલિન સરકારને સારાં દેખાયા. હજુ તો કોલેરાની રસી આપીને તે બીમારી પર કાબૂ મેળવ્યો હતો ત્યાં તો વળી મુંબઈમાં ઑક્ટોબર 1896માં મોટા પાયે બ્યુબોનિક પ્લેગ પ્રસર્યો. આ પ્લેગમાં મૃત્યુઆંક ખૂબ હતો, તેથી ઝડપથી રસી શોધવાની જવાબદારી ફરી હાફકિન પર આવી પડી. ચાર મહિનામાં ગાળામાં તેઓ ફરી પ્લેગની રસી શોધી શક્યા અને તેનો પ્રયોગ પણ પહેલાં જાત પર જ કર્યો. ત્યાર બાદ તે પ્રયોગ ભાયખલા જેલના કેદીઓ પર થયો. તે વખતે કેદીઓ પર રસીના પ્રયોગ થવા તે વાત સામાન્ય હતી. 154 કેદીઓ પર થયેલા પ્રયોગમાંથી ત્રણના મૃત્યુ થયા, પરંતુ ત્યાર બાદ તે રસીનાં પરિણામ સારાં મળ્યા. બસ, પછીના ત્રણ મહિનામાં 11,000 રસી પ્લેગગ્રસ્ત ક્ષેત્રમાં આપવામાં આવી. 1898માં બરોડા રાજ્યમાં પણ પ્લેગ પ્રસર્યો હતો અને ત્યાં ઉંધેરા ગામમાં હાફકિને આયોજનબદ્ધ વેક્સિનેશન કાર્યક્રમ કર્યો. અને તેના પરિણામ પણ સારાં મળ્યા, તેથી પછી મોટી સંખ્યામાં રસીનું ઉત્પાદન થયું અને અસરગ્રસ્ત ક્ષેત્રોમાં રસીકરણ કરવામાં આવ્યું.

પ્લેગ સામે જે રક્ષણ હાફકિને આપ્યું તેનાથી તેઓની ખ્યાતિ ઇંગ્લંડ સુધી પહોંચી. જો કે આ વચ્ચે એક ધર્મે યહૂદી અને મૂળે રશિયન હોવાના નાતે તેમના પર અનેક આરોપ પણ લાગ્યા. ઘણી વાર અંગ્રેજ અધિકારીઓના શંકાના દાયરામાં આવતા રહ્યા. જો કે હાફકિન આ બધાથી ચલિત થયા વિના પોતાના કામમાં મથતાં રહ્યા અને બીમારીઓ સામે લોકોને રક્ષણ આપતા રહ્યા. થોડાં વર્ષો પછીથી તેમના દ્વારા શોધાયેલી પ્લેગની રસી પચાસ ટકા જ કારગર હતી એવું પુરવાર થયું. જો કે પ્લેગની મહામારીની અસરને તેઓ આ રસી દ્વારા પચાસ ટકા ઘટાડી શક્યા હતા.

1902માં એક એવી ઘટના બની તેનાથી હાફકિનની તમામ ખ્યાતિ પર પાણી ફરી વળ્યું. બન્યું હતું એમ કે પંજાબના મુલ્કોવલ ગામમાં પ્લેગ પ્રસર્યો હતો. આ ગામમાં હાફકિનના દેખરેખ હેઠળ 107 લોકોને રસી આપવામાં આવી. આ રસી આપ્યા બાદ અહીંયા લોકો મૃત્યુ પામવા લાગ્યા અને પછી તેના આરોપ હાફકિન પર લાગ્યો. હાફકિન પર તપાસ બેસાડવામાં આવી અને તેઓ પોતાનો પક્ષ રજૂ કરતા રહ્યા. અંતે તપાસમાં એ નિષ્કર્ષ આવ્યું કે રસી આપવામાં થયેલી ગેરરીતિનાં કારણે લોકોના મૃત્યુ થયા, તેમાં હાફકિનની કોઈ ભૂલ નહોતી.

હાફકિનનો ભારત સાથેનો નાતો 1915 સુધી રહ્યો, પછી તેઓ કાયમ માટે યુરોપમાં રહ્યા. 1918માં ભારતમાં સ્પેનિશ ફ્લૂ પ્રસર્યો ત્યારે તેમને યાદ કરવામાં આવ્યા. પરંતુ હાફકિનના જીવનમાં વિજ્ઞાન સાથે હવે યહૂદી ધર્મ પ્રત્યે અપાર આસ્થા પ્રગટી હતી. તેમનું પાછલું જીવન મહદંશે ધાર્મિક રહ્યું. 1925માં તેમની સ્મૃતિમાં મુંબઈમાં તેમના નામે ‘વાલ્ડેમર હાફકિન ઇન્સ્ટિટ્યુટ’ નિર્માણ પામી. ભારત સરકારે તેમના સન્માન અર્થે 1960માં પોસ્ટલ સ્ટેમ્પ પણ પ્રકાશિત કરી.

વાલ્ડેમરનાં જીવન બહુરંગી છે અને તેમના અનુભવ પણ વ્યાપક હતો. અહીંયા માત્ર તેમના વિજ્ઞાન શાખાની ચર્ચા છે, બાકી તેમના ધર્મ પ્રત્યેના વલણનો પણ વિસ્તૃત અભ્યાસ થઈ શકે એમ છે. તેમના જીવનને આલેખતું 'મહાત્મા : ધ સેવિઅર મેનકાઇન્ડ નેવર ન્યૂ' નામનું પુસ્તક પણ પ્રકાશિત થઈ ચૂક્યું છે.

Loading

...102030...2,3492,3502,3512,352...2,3602,3702,380...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved