શેરઅલી આફ્રિદી. 2020માં આ નામ વિશે આપણે કશું ના જાણીતા હોઈએ એવું બને. આફ્રિદીનું નામ ભૂલાઈ ગયું છે એવું પણ ના કહેવાય, કારણ કે ખરેખર તો આ નામ કાયમ અપરિચિત જ રહ્યું છે. આફ્રિદીનો જન્મ તત્કાલીન પંજાબ રાજ્યના એ વિસ્તારમાં થયો હતો, જે આજે પાકિસ્તાનમાં છે. તે પખ્તુન હતા, ખૈબર એજન્સીમાં એક સમયે સિપાહી હતા, અને અંગ્રેજ શાસનકાળ દરમિયાન ટૂંકી જિંદગી જીવ્યા. આ વાત છે વર્ષ 1896માં સેલ્યુલર જેલનું બાંધકામ શરૂ થયું તેના કરતાં પચીસેક વર્ષ પહેલાંની અને 800 કેદીઓની પહેલી ટોળકી આજે જેને પોર્ટ બ્લેર કહીએ છીએ ત્યાં પહોંચી તેનાં થોડાં વર્ષો પછીની છે. આઝાદીપ્રેમી આફ્રિદીએ બહુ થોડા સમય માટે નામના મેળવી, જ્યારે તેમણે લોર્ડ મેયોની હત્યા કરી.
લૉર્ડ મેયોનો જન્મ રિચાર્ડ સાઉથવેલ બર્ક તરીકે 1822માં થયો હતો. તે ડબ્લિનની ટ્રિનિટી કૉલેજમાં ભણ્યા હતા. છઠ્ઠા ‘અર્લ ઓફ મેયો’ હતા, એટલે ભારતમાં એ ‘મેયો’ નામે ઓળખાતા હતા. તે વર્ષ 1869માં ભારતના વાઈસરૉય નિમાયા. આજે તેમને અંગ્રેજો અને અફઘાનો વચ્ચેના સંબંધો સુધારવામાં તેમની ભૂમિકા માટે યાદ કરાય છે. ભારતમાં તેમને સર્વપ્રથમ જાતિ-આધારિત વસતિગણતરી (કાસ્ટ-બેઝ્ડ સેન્સસ) માટે યાદ કરાય છે. ફેબ્રુઆરી 1872માં વાઈસરૉય તરીકે તેમણે આંદામાનની મુલાકાત લીધી ત્યારે શેરઅલીએ છરો ભોંકીને તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. શું કારણ હતું? માંડ 15 અઠવાડિયાં પહેલાં મેયોએ ક્રિમિનલ ટ્રાઇબ્ઝ એક્ટ(સી.ટી.એ.)ને લીલી ઝંડી આપી હતી અને અસંખ્ય નિર્દોષ લોકોને રાતોરાત ગુનેગારની શ્રેણીમાં મૂક્યા હતા.
આ કાયદો વર્ષ 1871માં આવ્યો, પણ તેની તૈયારી ઘણા દાયકા પહેલાં શરૂ થઈ ગયેલી. 1830-40ના દાયકામાં ‘સંગઠિત ટોળીઓ’ને ઝબ્બે કરવાનું કામ વિલિયમ સ્લીમન(1788-1856)ને સોપવામાં આવ્યું હતું. એણે ભારે મહેનત કરીને દરેકેદરેક સશસ્ત્ર જૂથ અને અંગ્રેજો સાથેની દરેક સશસ્ત્ર ઝપાઝપીની નોંધ તૈયાર કરી. આ તમામનાં નામની તેણે જાતિ અને સમુદાયના આધારે યાદી બનાવી. આમ કરવા સાથે તેણે એવી હવા ઊભી કરી કે જાણે મધ્ય ભારતમાં ઠગોનાં ટોળેટોળાં ખુલ્લેઆમ ફરી રહ્યાં છે. ઇંગ્લેન્ડમાં વિક્ટોરિયન સમાજને ઠગીની આ કહાણી ભારે સ્પર્શી ગઈ. બીજી તરફ, ભારતમાં લોકો સ્લીમનની આ કામગીરી અને એનાં લાંબા ગાળાનાં પરિણામોથી અજાણ હતા. તેનું સૌથી વધુ નાટ્યાત્મક પરિણામ બે દાયકા પછી આવ્યું ગુનાઈત જનજાતિના કાયદા સ્વરૂપે.
થોડું ઓછું નાટ્યાત્મક, પણ લાંબા ગાળે વધુ નુકસાનકારક પરિણામ એ આવ્યું કે ભારતમાં આપણે પણ સ્વીકારવા લાગ્યા કે સમાજના અમુક વર્ગો ‘કુદરતી રીતે જ ગુનાઈત’ હોય છે. કાયદાની યાદીમાં મુકાયેલી જનજાતિઓની ભવિષ્યમાં જે વલે થવાની હતી તેના વિશે આફ્રિદીને અંદાજ હતો કે નહીં, તે આપણને ખબર નથી. પણ એટલું સાચું છે કે ઘણા લાંબા સમય સુધી ઘણી વિશાળ સંખ્યાના ભારતીય નાગરિકો પર ગુનાખોરીનો સિક્કો વાગેલો રહ્યો છે.
કદાચ કોઈને એમ લાગે કે વર્ષ 1871માં અને એ પછીના ફેરફારોમાં સી.ટી.એ. કાનૂનના હેઠળ મુકાયેલા સમુદાયોની હાલત એક રીતે જોતાં સંસ્થાનવાદી સામ્રાજ્યની નીચે મુકાયેલા આપણા સૌ વર્ગો, સમુદાયો અને જૂથોની હાલત જેવી જ હતી. એ વાત સાચી, પણ તેમની ખરી કરુણાન્તિકા તો અંગ્રેજો ગયા અને ભારત દેશ આઝાદ થયો ત્યારે શરૂ થઈ. અંગ્રેજ શાસનમાં તેમણે જાતભાતના અંકુશોનો સામનો કરવો પડતો, જેમ કે તે અમુક વિસ્તારની બહાર ન જઈ શકતા અથવા તેમને સુધારવા માટેની વસાહતમાં તેમને ગોંધી રખાતા, તેમને જીવનનિર્વાહનાં પારંપરિક સાધનોથી વંચિત રાખવામાં આવતા અને તેમને જમીનની માલિકીનો હક નહોતો. પણ જ્યારે આપણે આઝાદ થયા, બંધારણ ઘડ્યું – અપનાવ્યું અને પહેલી ચૂંટણીની તૈયારીઓ આદરી, ત્યારે આ લોકો તો બંધાયેલા જ રહ્યા હતા. છેક ઓગસ્ટ 1952માં તેમને આઝાદ જાહેર કરાયા. પણ તેમની આઝાદી કંઈક જુદી જ તરાહની હતી. જે વસાહતોમાં તે અંગ્રેજોની બાંધકામ યોજનાઓ માટે પેઢી દર પેઢી વિના પગારે કાળી મજૂરી કરતા આવ્યા હતા, એ વસાહતો ખૂલ્લી તો મુકાઈ, પણ તે લોકો જાય તો જાય ક્યાં? ન તો તેમની પાસે જમીન હતી, ન જીવનનિર્વાહનું કોઈ સાધન, ઉપરથી તેમના પર ગુનાખોરીનો ધબ્બો લગાડાયેલો હતો.
વર્ષ 1952માં તે ગુનાખોરીના જાહેરનામામાંથી બહાર નીકળ્યા, એટલે કે ‘ડિનોટિફાઇડ’ બન્યા, પણ તેમણે ચારે કોરથી કલંક, તિરસ્કાર, અત્યાચાર અને પારાવાર ગરીબીનો જ સામનો કરવાનો હતો. દેશ આઝાદ થયા પછી ‘કલ્યાણરાજ્ય’ સ્થાપવા માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ(એસ.સી. અને એસ.ટી.)ને વિશેષ રાહતો અપાઈ, પણ ડિનોટિફાઇડ લોકોને તેમાં સ્થાન ન મળ્યું, કારણ કે મોટા ભાગનાં રાજ્યોએ તેમની યાદીઓ તૈયાર કરી નાંખી હતી. અત્યાર સુધીમાં કદી તમામ ‘ડિનોટિફાઇડ’ જનજાતિઓની વ્યવસ્થિત મોજણી થઈ નથી, પણ વર્ષ 1871 અને વર્ષ 1931ની વસતિ ગણતરી પરથી અંદાજ માંડીએ તો આજે તેમની વસતિ 14 કરોડ હોવી જોઈએ. આ લોકો સામાન્ય રીતે જાહેરમાં નજરે ચડ્યા વગર જીવન જીવી લેતા આવ્યા છે. લાંછને હજુ તેમનો પીછો છોડ્યો નથી.
પચીસ વર્ષ પહેલાં મેં તેમની સાથે કામ કરવાનું શરૂ કર્યું, ત્યારથી હું પ્રાદેશિક ભાષાઓના અખબારોમાં જિલ્લા સ્તરના સમાચારોમાં એક કોલમના મથાળા હેઠળ આવતી ટૂંકી નોંધ વાંચતો આવ્યો છું, જેમાં કોઈ વ્યક્તિને ઢોરમાર મારીને મારી નાખ્યાના કે ટોળાએ હત્યા કર્યાના કે પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયાના સમાચાર હોય છે. ઘણી વાર તે વ્યક્તિ ડિનોટિફાઇડ ટ્રાઈબનો-ડી.એન.ટી.નો- જ હોય છે. આપણી અવગણના અને સંવેદનહીનતાની વેદી પર તેનું બલિદાન અપાયું હોય છે. હિમાલયની તળેટીમાં ક્યાંક આઠ વર્ષની બકરવાલ છોકરી પર બળાત્કાર કરીને તેની હત્યા કરવામાં આવે છે, મહારાષ્ટ્રમાં પારધી જાતિની કોઈ સ્ત્રીને ટોળા સામે નિર્વસ્ત્ર કરીને કોઈનો પેશાબ પીવાની ફરજ પાડવામાં આવે છે, સિત્તેર વર્ષના એક બજાણિયાને કોળું ચોર્યાની માત્ર શંકાએ મારી મારીને પૂરો કરી નાંખવામાં આવે છે. આ તો માત્ર ગણતરીનાં ઉદાહરણ આપ્યાં. આવી ઘટનાઓથી ભારતનો અંતરાત્મા ઢંઢોળાઈને જાગતો નથી.
લૉક ડાઉન લદાયા પછી જે લાખો સ્થળાંતરિત શ્રમિકો સેંકડો માઈલ ચાલીને ઘરે જતા હતા અને જેમાંના કોઈ કોઈ ઘર સુધી પહોંચ્યા પણ નહીં, તેમાં બહુમતી ડી.એન.ટી. હતા. તે તો અંગ્રેજ શાસનની પહેલાં પણ વિચરતું જીવન જ ગાળતા હતા. ભારતના શાસકો, ભદ્ર સમાજ અને ઉચ્ચ વર્ગ તેમની વહારે ધાવામાં નામક્કર ગયો, કારણ કે અંગ્રેજોએ તેમને જે બીબાંમાં ઢાળ્યા છે તેને આપણે આપણી વિચારસરણીમાં ઉતારી લીધું છે.
સમાજના ધિક્કાર અને ઘૃણાની સામે ડી.એન.ટી. ગણાતા લોકો પણ સમાજ માટે એવી જ ઘૃણા અનુભવતા હશે, એવું લાગે. તેમની લાગણીઓ પર જેવો અત્યાચાર થાય છે, તેવો જ અત્યાચાર તેમને મુખ્ય ધારાના સમાજ સામે કરવાનું મન થતું હશે, એવું લાગે. પણ વાસ્તવમાં એવું નથી. તાજેતરમાં હું ડી.એન.ટી.ના યુવાનોનાં વિવિધ જૂથો સાથે વાત કરતો હતો. મેં તેમને પૂછ્યું વર્ષ 1871માં મેયોએ તેમને નૉટિફાય કર્યા, તેને આવતે વર્ષે 150 વર્ષ પૂરાં થશે, એ પ્રસંગ તમે કેવી રીતે ‘ઉજવવા’ વિચારો છો. તેમનો જવાબ હતો: “ઉત્તર ઈન્ગ્લેન્ડમાં કેમ્બ્રિયામાં મેયોની પ્રતિમા છે. ત્યાં જઈને અમે ક્ષમાના પ્રતીક તરીકે ગુલાબ અર્પણ કરીશું. તેમણે અમારા પર જે આચર્યું, તેના માટે અમે તેમને માફી આપવા ઈચ્છીએ છીએ. કારણ કે ઇતિહાસની ઘટનાઓનો બદલો લેવાની વૃત્તિ ભારતના સભ્ય સમાજ માટે સારી નથી.” કેવો ઉમદા વિચાર! હું પણ 2021માં તેમની સાથે કેમ્બ્રિયા જવા ઈચ્છું છું. હું આશા રાખું કે મોહમ્મદ ઘોરી અને બાબર સાથે ઇતિહાસનો હિસાબ કરવામાં રચ્યાપચ્યા રહેતા ભારતીયો ઘડીભરનો વખત કાઢીને આ યુવાનોની વાત સાંભળે.
અનુવાદ : આશિષ મહેતા
e.mail : ganesh_devy@yahoo.com
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 10 ઑગસ્ટ 2020; પૃ. 04-05
![]()


Contrary to present impression that Muslims are separatists due to whom the partition of India took place, the truth is that Muslims contributed to freedom movement and upheld India’s composite culture in equal measure. The partition process, mainly due to British policy of ‘divide and rule’ well assisted by Hindu and Muslim communalists is being hidden from the popular vision in India and Muslims in general are held responsible for the same. Not only that the communal historiography introduced by British to pursue their policies has become the bedrock of communal politics and worsening of the perceptions about Muslims is in progress in India.