Opinion Magazine
Number of visits: 9663883
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પેટ માટે રોટલો, રોટલા માટે જમીન, જમીન માટે ઝૂઝવાનું

ચંદુ મહેરિયા|Opinion - Opinion|3 July 2025

ચંદુ મહેરિયા

જમીન સરકાર માટે મહેસૂલની આવકનું સાધન, સ્થાપિત હિતો-ઉધ્યોગકારો માટે નવું આર્થિક ક્ષેત્ર અને નફો, પર્યટકો માટે નવું પર્યટન સ્થળ, તો જમીનદારો માટે ગામમાં સ્ટેટસ સિમ્બોલ છે. પણ દલિત, આદિવાસી, વંચિત, પછાત, ગરીબ માટે તે જીવન છે, રોટલો રળવાનો એકમાત્ર આધાર છે. સરકાર સહિતના સ્થાપિત હિતો જમીનો ઝૂંટવતા રહે છે. જમીનદારો માટે તે ગરીબોનાં શોષણનું સાધન છે. એટલે જમીનવિહોણાઓને જમીન મેળવવા કે મળેલી જમીન ટકાવવા સતત ઝૂઝવું-ઝઝૂમવું પડે છે. 

સ્વતંત્ર ભારતમાં સરકારે જમીનદારી-ગિરાસદારી નાબૂદ કરી હતી. ૧૯૪૮માં અસ્તિત્વમાં આવેલા સૌરાષ્ટ્ર રાજ્યમાં મુખ્ય મંત્રી ઉચ્છંગરાય ઢેબરની ઈચ્છાશક્તિ અને સમજાવટને લીધે ભૂમિસુધાર કાયદાનો દૃઢતાપૂર્વક અમલ થયો હતો. તેથી એ સમયે ‘કણબી’ કે ‘ભોંયખોદિયા’ તરીકે ઓળખાતા ઘણાં પાટીદાર ગણોતિયાઓ જમીનમાલિકો બન્યા હતા. ૧,૭૨૬ ગામોના ૫૧, ૨૭૮ ગરાસદારોની ૨૨.૫૦ લાખ એકર જમીન પટેલ ગણોતિયાઓને મળી હતી. આજે સર્વક્ષેત્રે પટેલોના વર્ચસના મૂળમાં તેમની આ જમીન માલિકી છે. 

જો કે સૌરાષ્ટ્ર રાજ્યમાં કોઈ દલિત ગણોતિયાને આ કાયદા હેઠળ જમીનો મળી નહીં, તેનું રહસ્ય સમજવું અઘરું છે. રિપબ્લિકન પાર્ટીના ૧૯૫૮ના કાનપુર અધિવેશને ઠરાવ્યા મુજબ ગુજરાતમાં ભૂમિહીન દલિતોને સરકારી પડતર જમીનો આપવા પક્ષે આંદોલન ઉપાડ્યું હતું. એ વખતની સરકારે આશ્વાસનો આપ્યાં, પણ અમલ ન કર્યો. ૧૮મી ઓગસ્ટ,  ૧૯૬૦ના દિવસે નવરચિત ગુજરાત વિધાનસભાના પ્રથમ સત્રના પ્રથમ દિવસે રાજ્યભરના દલિતોએ અમદાવાદમાં વિધાનસભા સમક્ષ દેખાવો કર્યા હતા. સૌરાષ્ટ્રમાં ઠેરઠેર આંદોલન ચાલ્યું હતું. ફેબ્રુઆરી, ૧૯૬૧માં ભાવનગરમાં ભરાયેલા કાઁગ્રેસના રાષ્ટ્રિય અધિવેશન સામે પણ દલિતોએ દેખાવો કર્યા હતા. સતત સંઘર્ષ અને સત્યાગ્રહો પછી સૌરાષ્ટ્રના દલિતો સરકારી પડતર જમીનો મેળવવામાં સફળ થયા હતા. 

ગુજરાત રાજ્યની કુલ ખેડાણલાયક જમીનમાં દલિતોનો હિસ્સો નગણ્ય જ છે. એ સંજોગોમાં તેમને ભિન્ન ભિન્ન ભૂમિ સુધાર કાયદાઓ હેઠળ જમીનો મળવી જોઈતી હતી. ૧૯૪૮ના ગણોતધારા અને ૧૯૬૧ના જમીન ટોચમર્યાદા ધારા હેઠળ ગણોતિયા અને જમીનવિહોણાને જમીન આપવાની જોગવાઈ છે. સરકારી માલિકીની જમીન ચોક્કસ રકમનું ભાડું (સાંથ) લઈને ભૂમિવિહોણા ખેતકામદારને ચોક્કસ સમય માટે ફાળવવાની, આવી સાંથણીની જમીન અમુક વરસોના ખેડ હક પછી તે ખેડનારને આપવાની જોગવાઈ છે. 

રાજાશાહી કે અમલદારશાહીના જમાનાની વેઠના બદલામાં કે ગામના જમીન દફતર પરની પડતર જમીન ભૂમિહીનોને આપવાની પણ કાયદામાં જોગવાઈ છે. પરંતુ જમીન અંગેની કાયદાકીય જોગવાઈઓ કરતાં જમીની વાસ્તવિકતા સાવ જ જુદી છે. દલિતોને આવા નિયમો કે કાયદાઓ તળે જમીનો મળતી જ નથી કે પછી જ્યાં મળી છે ત્યાં  તેઓ કાયદેસરની વિઘોટી ભરતા હોવા છતાં જમીનોનો કાયદેસરનો કબજો તેમની પાસે નથી. ઘણાં ગામોમાં સાંથણીની જમીનોની કાં તો માપણી જ નથી થઈ કે માત્ર કાગળ પર ફાળવણી થઈ છે. વાસ્તવિક કબજો અપાતો નથી. ગુજરાતમાં જેતલપુર, ગોલાણા, સોઢાણા અને અન્ય દલિત હત્યાકાંડોના મૂળમાં દલિતોનો જમીનનો સવાલ રહેલો હતો. 

જંગલ સાથે આદિવાસીનો અભિન્ન નાતો છે. તેઓ પરંપરાગત રીતે પેઢીઓથી જંગલની જમીનો ખેડે છે અને વનપેદાશો પણ મેળવે છે. પરંતુ અંગ્રેજોના પગલે દેશી સરકારે પણ જંગલ જમીનો ખેડવા પર બંધી ફરમાવી હતી. ગુજરાતના આશરે ૧૮,૦૦૦ માંથી ૪,૭૩૨ ગામો વનવિસ્તારમાં આવેલા છે. પૂર્વપટ્ટીના આદિવાસી જિલ્લામોમાં જંગલ જમીન નામે કરવા લાંબો સંઘર્ષ ચાલ્યો હતો. તેના પરિણામે ઘણા આદિવાસીઓને જંગલ જમીનની સનદો આપવી પડી હતી. ગુજરાત ઉપરાંત છત્તીસગઢ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં જંગલ જમીનો નામે કરવાનો સવાલ હતો. કેન્દ્ર સરકારના વન અધિકારોની માન્યતા અધિનિયમ-૨૦૦૬ અને નિયમો-૨૦૦૭ના આધારે જંગલ જમીન ખેડનારાઓને જમીન અધિકારો આપવામાં આવ્યા છે. પરંતુ અમલના પ્રશ્નો તો છે જ. 

જમીન માલિકીમાં ભારે અસમાનતા પ્રવર્તે છે અને તે વધતી રહે છે. ૨૦૦૧માં દેશમાં ૪૪.૭ ટકા દલિતો જમીનો ધરાવતા હતા. તે ૨૦૧૧માં ઘટીને ૩૪.૫ ટકા થયા હતા. ૨૦૦૧માં જમીનવિહોણા દલિતો ૩૬.૯ ટક હતા તે ૨૦૧૧માં વધીને ૪૪.૫ ટકા થયા હતા. ગુજરાતમાં ૬૩.૨૪ ટકા દલિતો ભૂમિહીન છે. આ હકીકતો દર્શાવે છે કે વધુને વધુ દલિતો જમીનવિહોણા થઈ રહ્યા છે. ગરીબી અને જમીન માલિકીને સીધો સંબંધ છે. એટલે જમીન વિહોણા લોકો વધુ ગરીબ બને છે. એક અભ્યાસ મુજબ જો જમીન સુધાર કાયદાઓનો અમલ થાય અને માત્ર ૫ ટકા જમીનોનું જ પુનર્વિતરણ થાય તો પણ ૩૦ ટકા ગરીબી ઘટી શકે છે. તેથી જ કહેવાયું છે કે પેટ માટે રોટલો અને રોટલા માટે જમીન. 

બંગાળના દીર્ઘ ડાબેરી શાસનને બાદ કરતાં દેશમાં કોઈ રાજ્યે ભૂમિ સુધાર કાનૂનોનો અસરકારક અમલ કર્યો નથી. બિહારમાં મઠો અને મંદિરો પાસે સેંકડો એકર જમીનો છે. પરંતુ તે ભૂમિવિહોણા માટે નથી. ગુજરાતમાં જમીન ટોચમર્યાદા ધારા હેઠળ ફાજલ થયેલી જમીનો ખેત સહકારી મંડળીઓને આપવાની સરકારની અગ્રતા નીતિને લીધે વ્યવસાયી દલિત રાજકીય આગેવાનોની બેનામી મંડળીઓએ તે મેળવી લીધી છે અને તેના ખરા હકદાર ભૂમિહીન દલિતોએ તો જમીન માટે ઝૂઝવાનું જ રહ્યું છે.

નવી અર્થનીતિ, વધતા શહેરીકરણ-ઔદ્યોગિકરણ, સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન અને વિકાસની રાજનીતિના વર્તમાન માહોલમાં જમીન સુધારાની વાત સાવ હાંસિયામાં મૂકાઈ ગઈ છે. હવે તો ખુદ સરકાર નવતર પ્રકારના ભૂમિ કાયદા કરી રહી છે. ખેતીની સમૃદ્ધ જમીનો વિકાસ અને જાહેર હિતના નામે અધિગૃહિત કરી મોટા ઉદ્યોગગૃહોને આપી દેવામાં આવે છે. ભલે ભારત સરકારને વિપક્ષી દબાણ સામે ઝૂકીને ભૂમિ અધિગ્રહણ બિલ પડતું મૂકવું પડ્યું પણ રાજ્ય સરકારોએ આવા કાયદા ઘડ્યા જ છે ને? આ કાયદાઓ થકી જમીનો ભૂમિહીનોને નહીં ઉદ્યોગોને મળી છે. 

આ સ્થિતિમાં ભૂમિહીનોનો જમીન મેળવવાનો સંઘર્ષ વધુ આકરો થઈ રહ્યો છે. ડો. બાબાસાહેબ આંબેડકરે જમીન સુધારા સંદર્ભે સંસદને ચેતવતાં કહ્યું હતું કે, “જમીનના મુદ્દે આ સંસદની બહાર આગ સળગી રહી છે. એની ઝાળ આપણને પણ દઝાડી શકે છે. જમીનના મુદ્દે દલિતો અને બીજા જમીનવિહોણાઓ ઝંડો લઈને નીકળી પડશે ત્યારે આપણે અને આપણું  બંધારણ બધું જ ઝૂકી જશે. કશું જ નહીં બચે”. બાબાસાહેબની આ ચેતવણીની અવગણના સંસદ, વિધાનગૃહો, સરકારો અને સમાજ પોતાના અસ્તિત્વના ભોગે જ કરી રહી છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

ગાંધીપર્વ

મનુભાઈ પંચોળી 'દર્શક'|Gandhiana|3 July 2025

મનુભાઈ પંચોળી ‘દર્શક’

મહાભારતમાં જેમ ભીષ્મ, દ્રોણ-પર્વ છે, જેમાં આ બંને શાણા અને વીરપુરુષોની વ્યાસે વંદના કરી છે; તેમ વર્તમાન ભારતમાં ગાંધીપર્વ ગણાશે. ભલે એનું કામ અધૂરું રહ્યું. તેમ તો શ્રીકૃષ્ણનું પણ રહ્યું હતું.

યુદ્ધ બધા જ સ્વીકારે છે કે કાંઈ વખાણવા લાયક નથી. તે જીતનાર અને હારનાર બંનેને રડાવે છે. પણ તે છતાં યુદ્ધ કરવાનું માણસના નસીબમાં કાયમ રહેલું છે; અને તે પણ ફરી ફરીને; જર્મની ને ફ્રાંસ વચ્ચે આખા યુરોપ કે જગતને ઓરી દેનારાં ત્રણ મહાન યુદ્ધો થયાં. એકલા બીજા વિશ્વયુદ્ધમાં જ ફૌજી ને સનદી લાખ્ખો લોકો ઓરાયા, ને અન્ય કરોડો નિરાધાર થયાં.

ગાંધી આનો ઉપાય શોધવા જીવનભર મથ્યા છે. માણસ જાતની પાસે એવું કાંઈક હથિયાર હોવું જોઈએ કે તે વગર હિંસાએ ઝગડો પતાવી શકે. ભલે એમાં તબક્કા આવે.

એમણે ચીંધ્યો માર્ગ અસહકાર -સત્યાગ્રહનો.

દક્ષિણ આફ્રિકામાં જનરલ સ્મટ્સને નમાવીને કે સમજાવીને આવ્યા ત્યારે મુંબઈના ગવર્નરે તેમને મળવા બોલાવેલા ને પોતાના અંગત સચિવની હાજરીમાં પૂછયું : મિ. ગાંધી, આ સત્યાગ્રહ શું છે ?

ગાંધીજીએ તો હોંશથી, વિસ્તારમાં સમજાવેલું કે આ એક એવું હથિયાર છે કે વગર સામાવાળાનું લોહી રેડ્યે – હથિયાર પર જીવનારને જીતી શકે. ગવર્નરના અંગત સચિવે કહ્યું કે એવું ન બને – ભલે વાત સારી છે.

ગાંધીજીએ જાણે ભવિષ્ય જોયું હોય તેમ કહેલું કે “સાહેબ, તમે અને હું જીવતા હશું તો જોશું કે વગર યુદ્ધે જીતી શકાય છે.”.

1947માં એ વાણી સાચી પડી. અંગ્રેજોએ એક કાંકરીનો ઘા ખાધા વિના આ દેશ સલૂકાઈથી છોડ્યો.

ગાંધીજીએ જગતને અનેક વાતો કરી છે જે કિંમતી છે, પણ સૌથી કિંમતી ચીજ સત્યાગ્રહ – અસહકાર છે.

અનિષ્ટ તેને ટેકો આપનાર, તેની પાસે નમી પડનારા ન હોય તો ફાલે જ નહીં. અનિષ્ટને ભય કે વધારે પડતા ડહાપણથી સારા માણસો ટેકો આપે છે. એથી જ અનિષ્ટ સત્તા પર રહે છે.

એક અર્થમાં લોકશાહીનો પ્રયોગ પણ આવો જ એક નાનો પ્રયોગ છે, જેમાં અનિષ્ટને લોહી રેડ્યા વિના અંકુશમાં રાખવાનું આવે છે

પણ છતાં ગાંધીનો રસ્તો ક્યાંયે ચડિયાતો છે. કારણ કે લોકશાહીમાં તો દુષ્ટ પરિબળો મત લઈ જઈ શકે છે. કારણ વસ્તુત: મતદારોનું મતપરિવર્તન થયું જ નથી હોતું. ગાંધીએ ઉમેર્યું કે મત પરિવર્તન નહીં હૃદયપરિવર્તન. ને તે તો આપભોગ વડે જ થઈ શકે. તમારી વાત ખોટી છે, તે મારી જાતને હોડમાં મૂકીને પણ સમજાવીશ. અસ્પૃશ્યતા જે કાંઈ ગઈ, મંદિરો ખુલ્લા મૂક્યાં તે ગાંધીના અનશનથી. ગાંધી આમાં સત્તા માટે નથી લડતો. તે પહેલી વાત હતી. આથી એના વિરોધીઓ પણ ચૂપ થઈ શકતા.

સત્યાગ્રહ જેને સત્તા જ જોઈએ છે. તેનાથી સફળ ન થઈ શકે. દુબળી સફળતા મળે.

અહીં આપણે પહેલા ગવર્નર જનરલ તરીકે અંગ્રેજને રાખેલા તે યાદ કરીએ. 

ગાંધીનો સત્યાગ્રહ સત્ય માટે છે ને સત્ય સત્તાથી નથી મળતું. સત્ય તો પોતાના ને સામેનાના હૃદયપરિવર્તનથી થાય છે.

આ માટે સત્યાગ્રહીએ સાથેના માણસની સદ્દબુદ્ધિ જાતે સહન કરીને જગાડવાની છે.

તેમાં સાદાઈ, મહેનત, સૌજન્ય, પોતાની ભૂલ કબૂલ કરવાની તૈયારી, વિશ્વાસ, આવું બધું ઘણું ઘણું જોઈએ. આ દેશે મોટા પાયા પર રચનાત્મક કાર્યની ભૂમિકા પર એ કરી બતાવ્યું. વખત ગયો. પણ હિંસક યુદ્ધોમાં આથી ઓછો જોઈએ છે કે વધારે ?

કાર્ય એટલે સામાજિક દોષોનું આપમેળે નિરાકરણ. અસ્પૃશ્યતા નિવારણ, હિંદુ-મુસ્લિમ ઐક્ય આપણે સ્વીકારેલાં છે. અસ્પૃશ્યતા નિવારણના કાયદાથી દૂર કરેલ છે.

પણ અસ્પૃશ્યતા પણ ગાંધીએ જેટલી દૂર કરી તે સિવાયની બધે રહી છે. કારણ કે એ રચનાકાર્ય બંધ થઈ ગયું. આપણે બદલીએ નહીં ને સમાજ બદલાય તે આપઘાત કરી જીવવા જેવો ભ્રમ છે. આપણા લોકોએ કહ્યું કે જે સુધારવાને બદલે આપઘાત કરે તેણે સાત જન્મ એ જ કરવું પડે. આથી ગાંધીજીએ સત્યાગ્રહી પોતાનું જીવન બદલાવવાથી કામ શરૂ કરે તેમ ઠોકી બજાવીને કહ્યું ને કસ્તૂરબા પણ ભૂલમાં જગન્નાથના મંદિરમાં ગયાં તો ખેદથી કહી દીધું કે જ્યાં હરિજન જઈ શકતા નથી ત્યાં તારાથી જવાય કેમ ? તું દેવદાસ પાસે રહે. 

સામાન્ય માણસ કહેશે કે આવા બધા સુધારા કે’દી થાય ? અહીં ગાંધી 1916માં આવ્યા છે. 1947માં સ્વરાજ આવ્યું.

જેમની નજર સામે ચમત્કાર થયો છે તે પણ આમ કહે તેને ભોળી નાસ્તિકતા છે તેમ જ કહેવાય. ઈશ્વર છે તે તેના ભક્તની મદદે આવે છે, જેમ 1947માં ઇંગ્લાંડમાં એટલી સરકાર આવી જેણે ભારતને સ્વતંત્ર કર્યું. આ સ્વતંત્રતા કેવળ આપણા જ બળે નથી આવી. એટલી ને મજૂર પક્ષના કારણે પણ આવી છે. ચર્ચિલ હોત તો ન આવત. ભગવાન આપણે થાકીએ ત્યારે મદદે આવે છે. એટલે સત્યાગ્રહીનો છેવટનો આધાર ઈશ્વર પર છે. જે હિરણ્યકશિપુને હણે છે, તે જ કેટલાયે હારેલાને બેઠાં કરે છે. ગાંધીપર્વ એટલે ભક્તનું ભલું કરનાર ઈશ્વર પર આસ્થા દૃઢાવવાનું પર્વ. આસ્થા-દયા-ઉદારતા-અહં શૂન્યતાનું પર્વ -ઇતિહાસ આની જોઈએ એટલી સાક્ષી આપે છે.

03 જુલાઈ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 352

Loading

‘તમારાં દુઃખ મને અસહ્ય નથી લાગતાં’

----|Gandhiana, Opinion - Opinion|2 July 2025

રળિયાતબહેન

ગાંધીજીના વ્યક્તિત્વનાં બધાં જ પાસાં તેમના પત્રોમાં પ્રગટે છે. એ ઔપચારિક તો છે જ નહીં તેથી એમનો પત્ર વાંચતો વાચક સહજ નિકટતા અનુભવવાનો. લાગણીનું સંયત છતાં તદ્દન ખુલ્લું સ્વરૂપ પત્રોમાં જોવા મળે છે. આશીર્વાદ માગનારને ય જરૂર પડ્યે એમણે ઠપકો આપ્યા છે અને મદદ માગનાર સ્વજનને આશ્વાસન આપ્યા વિના જ વાજબી સલાહ આપી છે. એમનાં મોટાં બહેન મોંઘવારીને લીધે આર્થિક મુશ્કેલી અનુભવતાં હતાં. વધારે પૈસા મોકલવાની વ્યવસ્થા અંગે એમણે ગાંધીજીને લખેલું. ‘પૂજ્ય બહેન’ સંબોધન કરીને 1918ના ફેબ્રુઆરીની અગિયારમી તારીખે ગાંધીજીએ એમને આપેલો ઉત્તર આ પ્રમાણે છે :

“તમને કાગળ તો નથી લખતો, ૫ણ તમારી મૂર્તિ મારી પાસેથી એક ઘડીભર દૂર રહી નથી. તમે મારી પાસે નથી એથી જે ઘા મને વાગેલો છે તે ઘા કદી રુઝાઈ જ ન શકે એવો છે. એ તમે જ રૂઝવી શકો. તમે મારી પાસે હો તો તમારો ચહેરો જોઈને બાની કાંઈક યાદી તો આવે જ. તેથી પણ તમે મને દૂર રાખ્યો છે. તમારી સામેની મારી ફરિયાદ બંધ ન જ રહી શકે એવી છે. મારી બહેન પણ મારા કામમાં મને મદદ કરી રહ્યાં છે એમ અભિમાનપૂર્વક કહેવાને અવસર તમે નથી જ આપતાં. હું કાગળ લખું તોયે મારી બળતરા જ બતાવી શકું અને આમાં જેમ મારું છું તેમ મહેણાં જ મારી શકું. તેથીયે કાગળ લખવામાં ઢીલ કરું છું. હું જાણું છું કે અત્યારે મોંઘવારી છે, પણ તમને વધારે પૈસા હું ક્યાંથી આપું ? મારે મિત્રના પૈસા દેવાના. હું કયે મોઢે પૈસા માગું ? એ પણ પૂછે, ‘તારી બહેન તો તારી સાથે જ હોવાં જોઈએ.’ એનો જવાબ હું શું આપું ? જગત મને અભડાયેલો નથી માનતું. પણ તમારી પાસે તો હું અભડાયેલો છું. આવી દશામાં હું એક જ વસ્તુ તમને કહી શકું છું. તમે જે અગવડો ભોગવી રહો છો એથી વધારે સગવડ ભોગવીને હું રહેતો નથી. તેથી તમારાં દુ:ખ મને અસહ્ય નથી લાગતાં. તમે દળણું દળીને ખૂટતા પૈસા મેળવો છો તેમાં મને કશીયે શરમ નથી લાગતી. હું તો એટલું માગું છું કે તમને જરાયે દયાની લાગણી હોય તો તમે અહીં આવીને મારા સાથે વસો, મારા કામમાં ભાગ લો. એમ કરશો તો અત્યારે તો તમને ભાઈ નથી એમ લાગતું હશે તે દશા મટી જશે અને એકને બદલે ઘણા ભાઈઓને જોશો. અને ઘણાં બાળકોની તમે મા બનીને બેસશો. આ શુદ્ધ વૈષ્ણવ ધર્મ છે. એ તમને ન વસે ત્યાં સુધી આપણે વિયોગ-દુ:ખ સહન કરવાનું જ રહ્યું.”

– મહાદેવભાઈની ડાયરી, ભાગ ૪, પૃ. ૨૬

એક જ ફકરાના આ પત્રમાં ગાંધીજી કેટકેટલી બાબતોને સ્પર્શે છે ? આરંભનાં બે વાક્ય વાંચતાં એમ લાગશે કે આ પત્ર ગાંધીજીની અંગત લાગણી વિશે છે. બહેનનો ચહેરો જોઈને બાની યાદ આવે એ કથનમાં ગાંધીજી પોતે જ આશિષ ઝંખતા લાગશે.. અનેક નિગ્રહોમાં ય સતત જીવતા સ્નેહનું સ્વરૂપ પરખાશે. સ્નેહની પ્રતીતિની જ ભૂમિકાએ બહેનની મદદના પોતે હકદાર છે એમ ગાંધીજી સૂચવી દે છે. પછી એમને પૈસા મોકલવા અંગે પોતાની મૂંઝવણ એ જણાવે છે. એ મૂંઝવણ પણ નથી, સ્પષ્ટ અને સકારણ એવો નિર્ણય છે – વ્યાપક સંદર્ભમાં લેવાયેલો નિર્ણય. અસ્પૃશ્યતા તજીને બહેન આશ્રમમાં આવી રહે એ ઈષ્ટ સ્થિતિ ન સર્જાય તો એનો ગાંધીજીને કંઈક અસંતોષ જરૂર છે, વસવસો નથી. બહેન આશ્રમમાં આવીને રહે તો તેથી એમની અગવડો સગવડોમાં ફેરવાઈ જવાની નથી. અગવડોમાં ગાંધીજીને દુ:ખ દેખાતું નથી, એટલે સુધી કે બહેન દળણાં દળીને ખૂટતા પૈસા મેળવે એ ગાંધીજી જેવા ભાઈ માટે શરમજનક નથી. હા, ગાંધીજી જેવા ભાઈ માટે ज એ શરમજનક નથી.

આ પ્રકારના જે પત્રો અપરિગ્રહી ગાંધીજીએ પોતાનાં કુટુંબીજનોને લખ્યા છે એમાં વાંચી શકાય એમ છે કે સંબંધ છોડ્યા વિના ઘર છોડવાનું એમનું પગલું અભિનિષ્ક્રમણની યાદ આપે એવું છે. બહેન આશ્રમમાં આવીને રહે તો એમનો કુટુંબભાવ વિસ્તરે અને એ જ સાચો વૈષ્ણવ ધર્મ છે એમ કહ્યા પછી પત્ર પૂરો થાય તે પહેલાં લાગણીનો સ્પર્શ ફરી અનુભવાય છે.

પત્રમાં એકેય વાક્ય વધારાનું નથી. કોઈક વાક્ય તદ્દન અરૂઢ પણ લાગશે : ‘તમારી સામેની મારી ફરિયાદ બંધ ન જ રહી શકે એવી છે.’ આ વાક્ય પહેલી વાર લખાયું હોય એવો ભાસ થશે. ‘બંધ ન જ રહી શકે’ એ શબ્દો વિશેષણનું કામ આપે છે, પણ એનો એક શબ્દમાં વિકલ્પ વિચારી જુઓ, બળ અદૃશ્ય થઈ જશે.

ગાંધીજીના શબ્દમાં સૌંદર્ય છે, કારણ કે બળ છે, કારણ કે શબ્દ પોતે પણ કાર્ય છે.

(‘નિરીક્ષક’, 20 જુલાઈ 1969 અંકમાંથી)
02 જુલાઈ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 351

Loading

...102030...228229230231...240250260...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved