Opinion Magazine
Number of visits: 9680893
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંકુચિત ઓળખ અને તેના પર આધારિત રાજકીય તેમ જ દરેક પ્રકારની સરસાઈ સ્થાપિત કરવાનો ઉદ્દેશ ધરાવતા પરિવારોમાં અંતરાત્માના જાગતલો જોવા નહીં મળે

રમેશ ઓઝા|Opinion - Opinion|26 July 2020

કલ્પના કરો કે કોઈ એક પરિવારમાં નીતિની એરણે કોઈ ટપારનાર ન હોય, વારનાર ન હોય એ પરિવાર કેવો હોય? આખરે પરિવારથી લઈને દેશ સુધીની સામાજિક સંસ્થાઓ જે તે સંબંધ કે ઓળખના આધારે માણસે રચેલી છે અને તેમાં માણસો વસે છે. માણસ ક્યારે ય સંપૂર્ણ હોય નહીં એટલે માણસની કૃતિ પણ સંપૂર્ણ ન હોય. તુલસી ઇસ સંસાર મેં ભાત ભાત કે લોગના ન્યાયે અનેક પ્રકારનાં સારાં-નરસાં વિચારો, વૃત્તિઓ અને વલણો ધરાવતા લોકો લોહીથી રચાયેલા પરિવારોમાં જન્મે છે અને બાકીના પરિવારો(જ્ઞાતિથી લઈને રાષ્ટ્ર સુધીનાં અનેક પ્રકારનાં)માં પ્રવેશે છે. આનો કોઈ ઉપાય નથી. નથી તમે કોઈનો જન્મ રોકી શકતા કે નથી કોઈને પ્રવેશતા રોકી શકતા.

જો એમ હોત તો ઘણાં આદર્શ સમાજ રચાયાં હોત, પણ જગતમાં કોઈ સમાજ ખામીરહિત નથી. પોંડીચેરીમાં મધરે ‘ઓરોવિલ’ નામના એક ગામની કલ્પના કરી હતી જેમાં માત્ર અને માત્ર માણસ વસતા હોય અને તેમની સાથે રહેવાની એરણ માણસાઈની હોય. ત્યાં પણ માણસાઈની એરણે ઓછા ઉતરનારા નીકળી આવે છે અને ઓરોવિલનાં અસ્તિત્વ સામે સંકટ પેદા થતાં રહે છે. પાંચ દાયકા થયા, ઓરોવિલ આજ પણ આદર્શ વિલેજ નથી.

આમ માનવીએ રચેલી કોઈ કૃતિ ખામીરહિત ન હોઈ શકે. આપણી પાસે વિકલ્પ માત્ર એટલો જ છે કે આપણે આંખ, કાન અને બુદ્ધિ(વિવેક)ને જાગતા રાખીએ, ટપારીએ, વારીએ, રોકીએ, આડા ઊભા રહીએ અને જોઈએ તો ઝઘડીએ. આ મારાં છે એટલે મૂંગા રહેશો તો તમારાં પોતાનાં લોહીનાં પરિવારના કેટલાક લોકો મર્યાદા ઓળંગતા જશે. એ પછી એ પરિવાર કેવો નીવડે એ કહેવાની જરૂર નથી. તમે તમારી આસપાસ આવા ઘણાં દયાજનક રુગ્ણ પરિવારોને જોયાં હશે જેના સભ્યો લાજ-શરમ નેવે મૂકીને વર્તતા હોય. એવાં પરિવારની વાયકાઓ તમારે કાને આવી હશે. તમે તમારી દીકરી એવાં પરિવારમાં આપો? બસ, આ અંતિમ માપદંડ છે.

લોહી સિવાયનાં બાકીનાં પરિવારોને રચવા માટે અને રચ્યા પછી ટકાવી રાખવા માટે માણસ બે રસ્તા અજમાવે છે. એક રસ્તો છે ઓળખનો અને બીજો રસ્તો છે ઉદ્દેશનો. આપણે બ્રાહ્મણ છીએ કે હિંદુ છીએ અથવા મુસલમાન છીએ એટલે પરિવાર રચવાનો છે. આ ઓળખ થઈ. આપણે બ્રાહ્મણ છીએ, હિંદુ છીએ કે મુસલમાન છીએ એટલે દેખીતી રીતે મહાન છીએ એ ઓળખને પાકી કરવા માટેનો વરખ થયો. ઉપરનો ઓપ થયો. ધીરે ધીરે વરખનો ચળકાટ મૂળ પદાર્થની જગ્યા લઈ લે. આ ઓળખનું મિથ્યાભિમાન થયું. આપણે મહાન છીએ માટે આપણે આપણી મહાનતા સ્થાપિત કરવી જોઈએ, સરસાઈ મેળવવી જોઈએ અને બીજાઓ પાસે કબૂલ કરાવવું જોઈએ એ ઉદ્દેશ થયો.

પરિવાર-રચનાની આ યાત્રામાં હવે એક મુકામ પર જાગતલોની જરૂર પડે છે. જ્યારે ઓળખને પાકી કરવા જૂઠાણાંનો વરખ ચડાવવામાં આવતો હોય ત્યારે જાગતલોની જરૂર પડે છે. જ્યારે મિથ્યાભિમાન પોષવામાં આવતું હોય ત્યારે જાગતલોની જરૂર પડે છે. જ્યારે મિથ્યાભિમાનનો ઉપયોગ સરસાઈ સ્થાપિત કરવા માટે અને બીજાને ધકેલવા માટે કરવામાં આવતો હોય ત્યારે જાગતલોની જરૂર પડે છે. જ્યારે મિથ્યાભિમાનને અભિમાનમાં ફેરવવા ખોટો ઇતિહાસ લખવામાં આવતો હોય અને સાચો ઇતિહાસ બદલવામાં આવતો હોય ત્યારે જાગતલોની જરૂર પડે છે. જ્યારે કોઈનો હક મારવામાં આવતો હોય ત્યારે જાગતલોની જરૂર પડે છે. જ્યારે કોઈને હેરાન કરવામાં આવતા હોય, રસ્તા વચ્ચે ટોળે વળીને મારવાં આવતા હોય અને વિરોધીઓને મા-બહેનની ગાળો આપવામાં આવતી હોય ત્યારે જાગતલોની જરૂર પડે છે. જ્યારે કોઈના અવાજને ગૂંગળાવવામાં આવતો હોય ત્યારે જાગતલોની જરૂર પડે છે.

પણ આવું બનતું નથી. ‘ઇસ્લામ જગતનો શ્રેષ્ઠ ધર્મ છે અને ઇસ્લામ ખતરામાં છે’ એમ કહીને પેદા કરવામાં આવેલા મુસ્લિમ કોમવાદી રાજકારણે ભારતનાં મુસલમાનોને બિચારાઓને ત્રણ દેશમાં વિભાજીત કરી નાખ્યા, પણ કોઈ મુસ્લિમ લીગરે એ સમયે ઝીણાને ટપાર્યા નહોતા કે રોક્યા નહોતા. હકીકતમાં તેમણે વિભાજન ભારતનું નહોતું કર્યું, ભારતીય મુસલમાનોનું કર્યું હતું. પહેલાં બે દેશમાં અને પછી ત્રણ દેશમાં. લાખો નિર્દોષ મુસલમાનોએ વગર વાંકે જીવ ગુમાવ્યો અને કરોડો મુસલમાનોએ ઘરબાર ગુમાવ્યાં. કોઈ મુસ્લિમ કોમવાદી નેતાએ કે મુલ્લાએ નિર્દોષ  મુસલમાનોની માફી માગી? માફી જવા દો, રંજ પણ પ્રગટ કર્યો? કોમ સાથે આટલો મોટો ગુનો કર્યો હોવાની કોઈ પીડા ક્યાં ય અનુભવાતી જોઈ?

શા માટે અનુભવે? પાકિસ્તાનની રચના ઇસ્લામ અને મુસલમાન માટે થોડી કરવામાં આવી હતી? એ તો ઇસ્લામ અને મુસલમાનના નામે પોતાના માટે કરવામાં આવી હતી. મુસલમાનો ત્રણ દેશમાં વહેંચાઇ જાય કે ત્રીસ દેશમાં, એ મરે કે જીવે એનાથી શું ફરક પડે છે? જો નિસબત ઇસ્લામ અને મુસલમાન માટેની હોત તો કોઈ એકાદ પાકિસ્તાનવાદી મુસ્લિમ નેતાએ કે મુલ્લાએ ભારતીય મુસલમાનોની માફી માગી હોત. આવડો મોટો દ્રોહ આ ધરતી ઉપર કોઈ પ્રજા સાથે કરવામાં આવ્યો હોય એવી કોઈ બીજી ઘટના યાદ આવતી નથી. ઊલટું પાકિસ્તાનમાં તેને યોગ્ય ઠેરવવા જૂઠો ઇતિહાસ લખવામાં આવી રહ્યો છે અને ઇતિહાસ બદલવામાં આવી રહ્યો છે.

કોઈ રંજ નહીં, કોઈ પીડા નહીં, માફી તો બહુ દૂરની વાત છે. ઇસ્લામ જગતનો શ્રેષ્ઠ ધર્મ છે, મુસ્લિમ જગતની શ્રેષ્ઠ પ્રજા છે અને ઇસ્લામ અને મુસ્લિમ સામે જોખમ છે એવા મિથ્યાભિમાની તર્કશાસ્ત્રે જગતના બે ડઝન દેશોમાં મુસલમાનોનું ધનોતપનોત કાઢી નાખ્યું છે. છે કોઈ રંજ? છે કોઈ પીડા? ગ્લાનિની જગ્યાએ એ લોકો ગર્વ અનુભવે છે. જો કોઈ મુસલમાન ગ્લાનિ અનુભવે અને વિરોધ કરે તો તેનું કાસળ કાઢી નાખવામાં આવે અથવા જેલમાં મોકલી દેવામાં આવે. બાકી મુસ્લિમ કોમવાદીઓની અંદરથી કોઈ અવાજ આવે, પોતાને કવરાવે, રાતની નિંદર ઊડાડે  એવું જોવા નહીં મળે.

પણ કલ્પના કરો કે જ્યારે ઇસ્લામની અને મુસલમાનની ઓળખની ઉપર મિથ્યાભિમાનનું વરખ ચડાવવાનું શરુ થયું ત્યારે જ જાગતલોએ મોઢું ખોલ્યું હોત તો? ટપાર્યા હોત, વાર્યા હોત, આડે ઊભા રહ્યા હોત તો? તો આખો નિર્દોષ મુસલમાનોએ જીવ ન ગુમાવ્યા હોત.

પણ એવું બનતું નથી. શા માટે બનતું નથી? કારણ એ છે કે આવાં ઓળખનાં અને ઓળખ આધારિત ખાસ પ્રકારના ઉદ્દેશનાં પરિવારો રચાતાં હોય છે ત્યારે જાગતલોને તેમાં પ્રવેશ આપવામાં આવતો નથી. કોઈ પ્રવેશી જાય અને પછી જ્યારે ખબર પડે કે આનો અંતરાત્મા મરતો નથી અને પ્રશ્નો અને શંકાઓ કર્યા કરે છે ત્યારે તેને દૂર કરવામાં આવે છે. સિફતથી દૂર કરવામાં આવે છે. પેલા માણસને જ એમ લાગવા માંડે કે અહીં મજા નથી આવતી. એ પછી જે પરિવાર રચાય એ સરખેસરખાઓનો હોય છે. એક ગાળ બોલે તો બીજો એનાથી મોટી ભૂંડી ગાળ બોલે.

હવે એક નજર જગત ઉપર કરીએ. મુસલમાનોની વાત કહેવાઈ ગઈ છે.

નાઝી કે ફાસીસ્ટ પરિવારમાં કોઈનો અંતરાત્માનો અવાજ ઉઠ્યો હોય એવો એક પણ દાખલો ઇતિહાસમાં જોવા મળે છે?  

સામ્યવાદી શાસનમાં કોઈનો અંતરાત્માનો અવાજ ઉઠ્યો હોય એવો એક પણ દાખલો ઇતિહાસમાં જોવા મળે છે ?

રંગભેદીઓમાંથી કોઈનો અંતરાત્માનો અવાજ ઉઠ્યો હોય એવો એક પણ દાખલો ઇતિહાસમાં જોવા મળે છે?

વંશવાદીઓમાંથી, ભાષાવાદીઓમાંથી, પ્રાંતવાદીઓમાંથી કોઈનો અંતરાત્માનો અવાજ ઉઠ્યો હોય એવો એક પણ દાખલો ઇતિહાસમાં જોવા મળે છે?

તદ્દન નજીકના ઇતિહાસની વાત કરીએ તો શ્રીલંકામાં વંશવાદી તમિલોમાંથી કે શ્રીલંકન રાષ્ટ્રવાદી બૌદ્ધોમાંથી કોઈનો અંતરાત્માનો અવાજ ઉઠ્યો હોય એવો એક પણ દાખલો જડે છે?

તપાસી જુઓ જગતનો ઇતિહાસ. તમને સંકુચિત ઓળખ અને તેના પર આધારિત રાજકીય તેમ જ દરેક પ્રકારની સરસાઈ સ્થાપિત કરવાનો ઉદ્દેશ ધરાવતા પરિવારોમાં અંતરાત્માના જાગતલો જોવા નહીં મળે. શક્ય જ નથી. તેમને કાં તો પ્રવેશતા રોકવામાં આવ્યા છે કાં રવાના કરવામાં આવ્યા છે અથવા એવા લોકો ગૂંગળાઈને જતા રહ્યા છે. માટે આપણે ત્યાં ધોળે દહાડે લીન્ચિંગની ઘટના બને, દલિતોને સતાવવામાં આવે, હિન્દુત્વવાદી બળાત્કારીઓનો બચાવ કરવામ આવે, સ્ત્રીઓના અંગોનો ઉલ્લેખ કરીને હિન્દુત્વવાદી ટ્રોલ્સ મા-બહેનની ભૂંડી ગાળો આપે, નિર્દોષ ગરીબ મજૂરોને દોજખમાં ધકેલી દેવામાં આવે, ચીની આક્રમણનો સ્વીકાર જ કરવામાં ન આવે, કાયદાના અમલમાં પક્ષપાત કરવામાં આવે તો પણ સંઘપરિવારમાંથી કોઈ અવાજ ઉઠતો સાંભળવા નહીં મળે. એ શક્ય જ નથી.

તમે કંટાળ્યા નથી એમ ધારીને હજુ આ બાબતે એક વધુ લેખ લખવા ધારું છું.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 જુલાઈ 2020

Loading

જો ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ તરીકે નહીં ચૂંટાય તો શું બદલાઇ શકે છે?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|26 July 2020

નવા આવનારા પ્રમુખ સામે નવું કરવાનાં ઉત્સાહ કરતાં જૂનું સાફ કરવાની ધીરજ અને સમજ બન્ને હોય તે વધારે જરૂરી થઇ પડશે

એક તરફ વાઇરસ પોતાનું કામ કર્યે રાખે છે, અને કાળમુખો થઇને જિંદગીના કોળિયા ભરતો જાય છે અને બીજી તરફ વિશ્વની મહાસત્તા એવા અમેરિકામાં ચૂંટણીનો માહોલ પકડ જમાવી રહ્યો છે. થોડા સમય પહેલાં અમેરિકાની ક્વિન્યોક યુનિવર્સિટીએ કરેલા રાષ્ટ્રીય સર્વેમાં ટ્રમ્પ તેના નિકટના પ્રતિસ્પર્ધી ડેમોક્રેટિક પાર્ટીનાં જો બાઇડેન કરતાં પાછળ હોવાનું તારણ બહાર આવ્યું.

અમેરિકામાં જે પણ પ્રમુખ તરીકે જીતશે તેને પગલે વૈશ્વિક રાજકારણ પર બહુ મોટો પ્રભાવ પડતો હોય છે. કોરોનાકાળમાં પણ જેને સૌથી વધારે ફટકો પડ્યો છે તેવા અમેરિકાના અર્થતંત્રને પાટે લાવવાની જો બાઇડનની યોજના તેની તરફેણમાં છે. ડોનાલ્ડ ટ્રમ્પ એક બેફામ પ્રમુખ છે એમ કહેવામાં જરા ય અતિશયોક્તિ નથી. ટ્રમ્પની નીતિઓ ધનવાનોને ધ્યાનમાં રાખીને ઘડાઇ હોય તેવી છે, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ટ્રમ્પને કારણે ચીન સાથે સંબંધો ખૂબ વણસ્યા છે, તેમાં ય ખાસ કરીને વ્યાપારી સંબંધો તો વ્યાપારી યુદ્ધ બની ગયા છે. ચીનનો હ્યુસ્ટનમાં આવેલો દૂતાવાસ બંધ કરવાનો આદેશે, ટિકટૉક બંધ કરવાની વિચારણા એમાં ચીનના દૂતાવાસની અંદર દસ્તાવેજો સળગાવવા જેવું જાતભાતનું ઘણું ય યુ.એસ.એ.માં થઇ રહ્યું છે. બીજા વિશ્વયુદ્ધ પહેલાં આ રીતે સરકારી દસ્તાવેજો સળગાવવામાં આવ્યા હતા જે ખરેખર તો એક રીતે યુદ્ધનું આડકતરું આહ્વાન ગણાય છે.

નવેમ્બરની ત્રીજી તારીખે યુ.એસ.એ.માં ચૂંટણી થશે અને જો ટ્રમ્પ ચૂંટણી હારશે તો સ્વાભાવિક છે કે એ બરાબર ફુંગરાશે. યુ.એસ.એ.માં રાજકીય એક્સપર્ટ્સની ચર્ચાનો મુદ્દો એ પણ છે કે જો ટ્રમ્પ હારી જશે તો એ પોતાની હાર સ્વીકારશે ખરા? કે પછી કંઇ ખેલ કરીને ‘બાજી ફિટ્ટુસ’-વાળું પત્તુ નાખીને આખેઆખી ચૂંટણીનો છેદ ઉડાડી દેશે? ટ્રમ્પને આમે ય હાર સ્વીકારવાની જરા ય આદ્દત નથી જે ભૂતકાળમાં તેના વહેવારથી અનેકવાર સાબિત થયું છે. ટ્રમ્પની પ્રમુખ તરીકેની કામગીરી અનેકવાર વખોડાઇ છે અને ખાસ કરીને ચીન સાથેનો સંઘર્ષ ટ્રમ્પ વહીવટી તંત્રમાં જાણે કેન્દ્ર સ્થાને રહ્યો છે. વળી WHO સાથેની ટ્રમ્પની હુંસાતુંસી ય આખા વિશ્વએ જોઇ છે.

જો ટ્રમ્પ ફરી અમેરિકન પ્રમુખ તરીકે નહીં ચૂંટાય તો? આ એક તોંતેર મણનો ‘તો’ આ સવાલમાં છે ખરો પણ ટ્રમ્પ હોય કે ન હોય જે પણ યુ.એસ.એ.ના વડાની ખુરશી પર બેસશે તેણે સૌથી પહેલાં તો વિદેશ નીતિ પર જ કામ કરવું પડશે. મહાસત્તા હોવાને નાતે વૈશ્વિક રાજકારણ પર અમેરિકન પ્રમુખની ખુરશીનો મોટો પ્રભાવ હોય છે. ઓવલ ઑફિસ ધારણ કરનાર માટે એ આવશ્યક હશે કે પેન્ટાગોનના બજેટને બદલે રોગચાળો, અર્થતંત્ર, ક્લાઇમેટ ચેન્જ જેવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને વહીવટી ફેરબદલ કરે. બાવડાં ફુલાવવાથી કે સૈન્યની શક્તિનાં પ્રદર્શનોથી આખરે તો પાડોશી દેશોને પણ શૂરાતન ચડશે અને પછી આંતરરાષ્ટ્રીય સંબંધોની આંટીઘૂંટીમાં અર્થતંત્ર, માનવ અધિકાર, રોજગારી જેવા પ્રશ્નોનું બાષ્પીભવન થઇ જશે. એમ ધારીએ કે ટ્રમ્પને બદલે જો બાઇડન પ્રમુખની ખુરશી પર બેસે તો તે ઇરાન સાથે ન્યુક્લિયર ડિલ પર ફરી વાટાઘાટો કરવાની પહેલ કરશે અને જો એમ થાય તો તેહરાનની તેલની નિકાસ પરનાં સેન્કશન્સ હળવા થઇ શકે છે, ઇરાની બેરલ્સ માર્કેટમાં ફરી દેખાવા માંડે તેમ બને, જો કે એ કંઇ રાતોરાત નથી થવાનું પણ ન્યુક્લિયર ડિલ અંગેના વાટાઘાટોમાં હિલચાલ ચોક્સ થશે જેને કારણે તેલની કિંમતોનું ડિપ્રેશન યથાવત રહેશે. ટ્રમ્પના રાજમાં તેલની કિંમતોને મામલે ઇરાન એક બુલિશ ફેક્ટર રહ્યું છે. આ તરફ ઑસ્ટ્રેલિયા ચીન પર આર્થિક રીતે ઘણો આધાર રાખે છે અને અમેરિકા-ચીનની ખેંચતાણમાં ઑસ્ટ્રેલિયાને ય ‘સૂકા ભેગું લીલું બળે’ની સ્થિતનો ભોગ બનવો પડે એવી સ્થિતિ હાલમાં છે, પણ યુ.એસ.એ.નું સુકાન કોઇ બીજાના હાથમાં સોંપાય તો સંજોગો જુદાં હશે.

ભારતની વાત કરીએ તો ટ્રમ્પને બદલે બાઇડન પ્રમુખ હશે તો તે યુનાઇટેડ નેશન્સમાં ભારતનું સ્થાન બહેતર કરી શકશે અને બની શકે કે સિક્યોરિટી કાઉન્સિલમાં ભારતને કાયમી બનાવે. જો આપણા વડાપ્રધાને કાશ્મીર અને CAAને લઇને જે પગલાં લીધા છે તેની સામે બાઇડનને વાંધો છે અને તેમણે આની ટીકા પણ કરી છે. બાઇડન ભારત સાથે મળીને સીમા પાર થતા આતંકવાદ સામે ય ખડા થાય અને જ્યારે આપણા પાડોશી દેશ સ્ટેટસ ક્વો બદલી નાખે ત્યારે યુ.એસ.એ. ભારતની પડખે ઊભા રહેવા તૈયાર થઇ જ શકે છે.

યુ.એસ.એ.માં ટ્રમ્પને બદલે કોઇ બીજું પ્રમુખ બનીને આવશે તો? એવા સવાલનો જવાબ ઘણો જ લાંબો હોય તે સ્વાભાવિક છે અને તે એક જ વારમાં આપવો શક્ય ન બને. આ જવાબમાં માત્ર ચીન સાથેનાં સંબંધો, ઓઇલના વ્યાપાર, પાકિસ્તાન અને ભારત સાથેનું વલણ બધાં પર અલગ લેખ લખવા પડે એમ છે. છતાં ય એટલું છે કે યુ.એસ.એ.માં સત્તા બદલાશે તો યુ.એસ.એ.ના આંતરિક વહીવટમાં પણ ધરમૂળથી ફેરફાર આવે અને વિદેશ નીતિ સહિત ઘણું બધું બદલાઇ જશે. મુદ્દો એ છે કે સ્વભાવગત રીતે યુ.એસ.એ.ના પ્રમુખ સિક્યુરિટીમાં એટલે કે પેન્ટાગોનમાં તો આર્થિક ઇંધણ પૂરશે જ પણ આવનારા પ્રમુખે રાષ્ટ્રીય શક્તિનાં બીજા પાસા પર પણ એટલું જ ધ્યાન આપવું પડશે જેમાં ડિપ્લોમસી અને ટ્રેડ સૌથી અગત્યનાં છે.

બાય ધી વેઃ 

જ્યોર્જ ફ્લોય્ડ, વાઇરસ, ચીન, અર્થતંત્ર આ ત્રણ મુદ્દા ટ્રમ્પના પગ નીચેની જમીન પોચી પાડી તેને ગબડાવી દેવા માટે પૂરતાં છે. ટ્રમ્પની આડોડાઇ બધા જાણે છે અને એવું ય કહેનારા છે કે જો પોતે હારશે તો ટ્રમ્પ ‘છેતરપીંડી’ થઇ છે અને ‘વોટર્સ ફ્રોડ’ થયું છે એમ કહી ચૂંટણીના પરિણામને જ પડકારે એવું બની જ શકે છે. અંતિમવાદી જમણેરી વિચારધારા ધરાવતા ટ્રમ્પ જેમના સામાજિક સુધારાઓ કરતાં ધનિકોને કરવેરા મુક્ત રાખવામાં વધારે રસ છે તે ફેંકાઇ જાય એમાં કોઇ નવાઇ નથી પણ નવા આવનારા પ્રમુખ સામે નવું કરવાનાં ઉત્સાહ કરતાં જૂનું સાફ કરવાની ધીરજ અને સમજ બન્ને હોય તે વધારે જરૂરી થઇ પડશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 જુલાઈ 2020

Loading

આઝાદી સમયે બ્રિટિશ અને રિયાસતી એમ બે ભારત હતાં

રમેશ ઓઝા|Opinion - Opinion|26 July 2020

મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ બીજી ઓક્ટોબર ૧૮૬૯ના રોજ કાઠિયાવાડમાં પોરબંદરમાં થયો હતો. આ વાક્ય વાંચીને પ્રશ્ન થશે કે આમાં નવું શું કહ્યું? આ તો નાનું છોકરું પણ જાણે છે. પણ આના અનેક સૂચિતાર્થો છે. ૧૮૬૯ એટલે ૧૮૫૭ના વિદ્રોહ પછીનાં બાર વર્ષ. ભારતની પ્રજાએ તો નહીં, પણ સૈનિકોએ વિદ્રોહ કર્યો હતો જેને કેટલીક રિયાસતોએ મદદ કરી હતી. એ ઘટના પછી અંગ્રેજોએ ભારતીય રિયાસતોને જે તે બહાને જીતી લઈને કે ખાલસા કરીને તેને બ્રિટિશ ભારતમાં ભેળવી દેવાનું બંધ કર્યું હતું. આનું પરિણામ એ આવ્યું કે ભારતમાં લગભગ સાડા પાંચસો રિયાસતો કાયમ માટે પાછળ રહી ગઈ હતી. આનો અર્થ એ થયો કે ભારતને આઝાદી મળી ત્યારે ભારતમાં રાજકીય રીતે બે ભારત હતાં. રિયાસતી ભારત અને બ્રિટિશ ભારત.

પાછળ બચી ગયેલી રિયાસતો શરીરરૂપી ભારતમાં કોઢના ડાઘની જેમ ફેલાયેલી હતી, જેમાં સૌથી વધુ અસરગ્રસ્ત પ્રદેશ કાઠિયાવાડ હતો. કુલ મળીને ૨૨૨ રિયાસતો હતી, જેમાં સૌથી નાની રિયાસત વેજાનો નેસ હતી જેનું ક્ષેત્રફળ માત્ર અગિયાર ચોરસ માઈલ હતું. કાઠિયાવાડનો રાજકીય નકશો એવો હતો કે જાણે મોઢા ઉપર ઘાટા શીતળાના ડાઘ હોય. કવિ નાનાલાલે ‘કવિશ્વર દલપતરામ’ નામના ગ્રંથમાં આઝાદી પહેલાંના કાઠિયાવાડને દરિયામાં ઓટ હોય અને જે રીતે દરિયાકાંઠે ખાબોચિયાં રચાય એવાં ખાબોચિયાં સાથે સરખાવ્યું હતું. આ તો રિયાસતોની વાત થઈ. આ સિવાય જમીનદારો અને જાગીરદારો (કાઠિયાવાડની ભાષામાં ભાયાતો) જુદા.

અંગ્રેજો બહુ ચાલાક પ્રજા હતી. તેમણે બચી ગયેલ રિયાસતી ભારતનો લાભ લેવાનું શરૂ કર્યું હતું. આખરે ભારતનો ૪૦ ટકા પ્રદેશ અને ૨૩ ટકા પ્રજા રિયાસતી ભારતનો હિસ્સો હતી. જે અંગ્રેજો પોતાને જગતની શ્રેષ્ઠ અને સભ્ય પ્રજા સમજતા હતા એ અંગ્રેજોને ભારતના ૪૦ ટકા પ્રદેશની ૨૩ ટકા પ્રજાને કાયદાનું રાજ અને આધુનિક શિક્ષણથી વંચિત રાખવાનો કે પછી એ બન્ને મળે કે ન મળે એના તરફ ઉદાસીન રહેવાનો મોકો મળ્યો હતો. હવે તેમનો અંતરાત્મા ડંખવાનો નહોતો. અમે શું કરીએ? અમારું ક્યાં ત્યાં રાજ છે! તેઓ રિયાસતોનો ઉપયોગ બ્રિટિશ ભારતમાં શરૂ થયેલી નવજાગૃતિનો છેદ ઉડાડવા માટે કરતા હતા. તેમને ખાતરી હતી કે રિયાસતી ભારતમાં બહુ ઓછા પ્રમાણમાં નવજાગરણ થવાનું છે અને ઊલટું બ્રિટિશ ભારતમાં જે જાગૃતિ આવશે તેનો જૂનવાણી માનસ ધરાવનારા લોકો વિરોધ કરશે.

આનો અર્થ એ નથી કે રિયાસતો સંપૂર્ણ સ્વતંત્ર હતી. અંગ્રેજોએ રિયાસતો સાથે આંગળિયાતની સંધી કરી હતી. બધી જ રિયાસતો અંગ્રેજોની આંગળિયાત હતી જેને અંગ્રેજીમાં વેસ્સેલ સ્ટેટ અથવા સબસીડિયરી સ્ટેટ કહેવામાં આવે છે. રિયાસતો પણ અંગ્રેજોની ગુલામ હતી એટલે રિયાસતી ભારતનું શોષણ કરવાની અને ત્યાંનાં સંસાધનો તેમ જ બજારનો લાભ લેવાની તેમણે પાકી તજવીજ કરી હતી. રિયાસતી ભારત તેના દરેક વ્યવહારિક અર્થમાં ગુલામ હતું, માત્ર કહેવા પૂરતું સ્વતંત્ર હતું. અંગ્રેજોએ રાજવીઓના દાંત ખેંચી કાઢ્યા હતા અને નખ કાપી નાખ્યા હતા. કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી રાજવીઓની અને રિયાસતના રક્ષણની જવાબદારી અંગ્રેજોની. રિયાસતને રક્ષણ આપવા માટે અંગ્રેજો રાજવીઓ પાસેથી પૈસા લેતા હતા. ભારતમાં કોઈ રિયાસત બીજી રિયાસત ઉપર આક્રમણ કરી શકે એમ નહોતી, કારણ કે તેની પાસેથી શસ્ત્રો આંચકી લેવામાં આવ્યાં હતાં. આમ અંગ્રેજો કોઈ મદદ કર્યા વિના રક્ષણના નામે પૈસા લેતા હતા. બીજી બાજુ રિયાસતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી રાજવીની એટલે એ બિચારો કાયમ માટે આરોપીનાં પિંજરમાંમાં ઊભો રહેતો હતો.

દેખીતી રીતે રિયાસતો સાથે અંગ્રેજોએ જે ગોઠવણ કરી હતી તેનાં સામાજિક-રાજકીય-આર્થિક અને સાંકૃતિક પરિણામો અનિવાર્યપણે આવે એમ હતાં. એમાં પાછા એકલા કાઠિયાવાડમાં (અવિભાજિત ભારતના નકશા પર નજર કરશો તો ખોબા જેવડા) ૨૨૨ રિયાસતો એટલે ત્યાં આનાં સૌથી વધુ પરિણામ જોવાં મળ્યાં હતા. મોટા ભાગનાં રજવાડાંમાં દરબાર ગઢના ખર્ચા નહોતા નીકળતા. આને કારણે ભાયાતોનો રંજાડ હતો અને કેટલીક રિયાસતોમાં રાજવીઓ પણ રંજાડતા હતા. આર્થિક વિકાસ શૂન્યવત્ હતો. તાર-ટપાલ, રસ્તા-રેલવે જેવો ભૌતિક વિકાસ બહુ ઓછો થયો હતો. નાની નાની રિયાસતોમાં તો જરા ય નહીં. પ્રજાનો અંગત તેમ જ સામાજિક વિકાસ તો કોઈ પ્રાથમિકતા જ નહોતો ધરાવતો. શાળા, દવાખાનાં, અખબારો, સામયિકો, પુસ્તકો, પ્રકાશનો, ગ્રન્થાલયો, જાહેર પ્રબોધનો, સભાઓ, મંડળીઓ, ચર્ચાઓ શું કહેવાય એની કાઠિયાવાડની બહુ ઓછી પ્રજાને જાણ હતી.

ટૂંકમાં કાઠિયાવાડમાં મધ્યકાલીન જીવનમૂલ્યો અને અંગ્રેજ પૂર્વેની સામંતશાહી તેની સોળે કળાએ કાયમ હતાં. આધુનિકતાની દિશાની યાત્રામાં કાઠિયાવાડ એક પાછળ રહી ગયેલો, બાજુએ હડસાઈ ગયેલો, લગભગ ભૂલાઈ ગયેલો ઉપેક્ષિત પ્રદેશ હતો. કાઠિયાવાડમાં જાણે કે સમય થીજી ગયો હતો. પણ અંગ્રેજો કાઠિયાવાડને ભૂલ્યા નહોતા. તેનો તેમને ખપ હતો. બ્રિટિશ ભારતમાંના ઉપદ્રવીઓ માટે કાઠિયાવાડ આશ્રયસ્થાન હતું. દયાનંદ સરસ્વતીએ તો આધુનિક યુગના એક પ્રસિદ્ધ સંતને ઉત્તર ભારતમાંથી ભાગીને આવેલા અને કાઠિયાવાડમાં છૂપાયેલા ગુનેગાર તરીકે ઓળખાવ્યા હતા. ભારતમાં જેટલા સાધુઓ છે એમાંથી લગભગ ૭૦ ટકા સાધુઓ આજે પણ કાઠિયાવાડમાં જોવા મળશે. આજના દિવસે ભારતમાં જેટલા પરમ પૂજ્યો છે તેમના અનુયાયીઓ મોટા ભાગના ગુજરાતીઓ અને તેમાં પણ કાઠિયાવાડીઓ છે, પછી ભલે તે બિન ગુજરાતી હોય. અહીં કોઈનો વાળ પણ વાંકો ન થાય અને ઉપરથી પૂજાય. અંગ્રેજો કાઠિયાવાડનો ઉપયોગ રાજકીય ઉપદ્રવીઓને તગેડવા માટે પણ કરતા હતા કે જેથી ફરી વાર ૧૮૫૭ જેવી ઘટના ન બને.

ટૂંકમાં અંગ્રેજો રિયાસતોનો ઉપયોગ નવજાગરણને અને આધુનિકતાને નકારવા માટે કરતા હતા અને કાઠિયાવાડનો એક વિશેષ ઉપયોગ ઉપદ્રવીઓને ધકેલવા માટે ઓપન જેલ તરીકે કરતા હતા. કાઠિયાવાડની અરાજકતા બાકીના ભારતમાં ન પ્રવેશે એ સારુ વિરમગામ રેલવે સ્ટેશને દોરડાં બાંધીને ઝડતી લેવામાં આવતી હતી જે આજે પણ વિરમગામ લાઈનદોરી તરીકે ઓળખાય છે.

બીજું રિયાસતોમાં રાજપરિવારોમાં અને ભાયાતોમાં એટલી ખટપટ રહેતી કાઠિયાવાડી ખટપટ આઝાદી પહેલાનાં કાઠિયાવાડની ઓળખનો અનિવાર્ય હિસ્સો હતી. લાઠીના રાજવી કવિ કલાપીએ આ ખટપટથી કંટાળીને આત્મહત્યા કરી હતી. આ કાઠિયાવાડી ખટપટ સમાજશાસ્ત્રીઓ માટે અધ્યયનનો વિષય બની શકે એમ છે. અને કાઠિયાવાડની ત્રીજી ઓળખ એટલે અતિશયોક્તિ. રાજવીઓને અંગ્રેજો અપમાનિત કરતા હતા. તેઓ ખટપટરત અને ખટપટગ્રસ્ત અસલામત રહેતા હતા. ભાયાતો અંકુશમાં રહેતા નહોતા અને કાયદો હાથમાં લેતા હતા. દરબારગઢના ખર્ચા પણ નીકળતા નહોતા એટલે સુચારુ શાસન કરી શકતા નહોતા. આમ છતાં અંગ્રેજો તેમને ‘હીઝ હાઈનેસ’ તરીકે ઓળખાવીને અને દરેક રાજવીને તેના રજવાડાના કદ મુજબ તોપની સલામી આપીને તેમના મિથ્યાભિમાનને પોષતા હતા. 

જેમની પાસે હકથી ગર્વ કરવા જેવું કાંઈ જ નહોતું તેઓ બારોટો પાસે પ્રશસ્તિ કરાવતા હતા એટલે દેખીતી રીતે એમાં અતિશયોક્તિ અને કેટલીકવાર તો સાવ અસત્યનો આશરો લેવામાં આવતો હતો. આને કારણે અતિશયતા અને અતિશયોક્તિ કાઠિયાવાડનો સ્થાયીભાવ બની ગયો છે. બીજાની ક્યાં વાત કરીએ, શુદ્ધ ગાંધીવાદી ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રના બહારવટિયાઓની પ્રશસ્તિ કરવામાં અતિશયોક્તિ કરી છે.

ટૂંકમાં કહીએ તો અંગ્રેજો કાઠિયાવાડી અરાજકતાનો ઉપયોગ બ્રિટિશ ભારતના અરાજક તત્ત્વોની નિકાસ કરવા માટે કરતા હતા. કાઠિયાવાડી ખટપટ રાજવીઓના અસ્તિત્વના સંઘર્ષનું પરિણામ હતું અને કાઠિયાવાડી અતિશયોક્તિ રાજવીઓની નિર્બળતાને છૂપાવવાની ચેષ્ટાનું પરિણામ હતું.

તો આવું કાઠિયાવાડ જ્યારે તેની સોળે કળાએ અસ્તિત્વમાં હતું ત્યારે ગાંધીજીનો કાઠિયાવાડમાં જન્મ થયો હતો અને મોહનને મહાત્મા બનાવવામાં તેનો એક ફાળો છે. 

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 26 જુલાઈ 2020

Loading

...102030...2,2882,2892,2902,291...2,3002,3102,320...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved