હવાઓ ખળભળી જ્યાં સળવળી મંદિરની બાબત
ફરી ભયભીત કરવા નીકળી મંદિરની બાબત
રહે અકબંધ ભ્રમણા ને સિંહાસન જાય ના છૂટી
જઇને રાજનીતિમાં ભળી મંદિરની બાબત
અહીં તો ધર્મ તે અફીણ ને તેના જ સૌ આદી
નશો કરવા જ જાણે કે મળી મંદિરની બાબત
ભળ્યું જે અન્નરસમાં ઝેર તે આતંક ફેલાવે
ઘઉં ને બાજરી સાથે દળી મંદિરની બાબત
બીમારી, ભૂખ બાળકને ભણાવી પણ નથી શકતી
અને આ બાબતે તો આંધળી મંદિરની બાબત
ન આવ્યા પ્રશ્ન મુંઝવતા કદીયે કોઈના હોઠે
કહી સૌએ, બધાએ સાંભળી મંદિરની બાબત
પાડોશી ભાઈચારામાં જ કરતા થઇ ગયા શંકા
કરે છે ત્યાં ય જઇ જઇને સળી મંદિરની બાબત
વળી છે કળ હજી હમણાં જ દૃશ્યો ભયજનક ભૂલી
ઘરો જંપ્યા જરા ને ત્યાં વળી મંદિરની બાબત
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 10 ઑગસ્ટ 2020; પૃ. 15
![]()


શેરઅલી આફ્રિદી. 2020માં આ નામ વિશે આપણે કશું ના જાણીતા હોઈએ એવું બને. આફ્રિદીનું નામ ભૂલાઈ ગયું છે એવું પણ ના કહેવાય, કારણ કે ખરેખર તો આ નામ કાયમ અપરિચિત જ રહ્યું છે. આફ્રિદીનો જન્મ તત્કાલીન પંજાબ રાજ્યના એ વિસ્તારમાં થયો હતો, જે આજે પાકિસ્તાનમાં છે. તે પખ્તુન હતા, ખૈબર એજન્સીમાં એક સમયે સિપાહી હતા, અને અંગ્રેજ શાસનકાળ દરમિયાન ટૂંકી જિંદગી જીવ્યા. આ વાત છે વર્ષ 1896માં સેલ્યુલર જેલનું બાંધકામ શરૂ થયું તેના કરતાં પચીસેક વર્ષ પહેલાંની અને 800 કેદીઓની પહેલી ટોળકી આજે જેને પોર્ટ બ્લેર કહીએ છીએ ત્યાં પહોંચી તેનાં થોડાં વર્ષો પછીની છે. આઝાદીપ્રેમી આફ્રિદીએ બહુ થોડા સમય માટે નામના મેળવી, જ્યારે તેમણે લોર્ડ મેયોની હત્યા કરી.