Opinion Magazine
Number of visits: 9680780
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતમાં ૭૦ માળની ઇમારતો સંદર્ભે ચિંતન અને ચિંતા …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|21 August 2020

ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ ૫૦ અને ૭૦ માળનાં સ્કાયસ્ક્રેપર્સ, ગુજરાતનાં ૫ મહાનગરો ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં બાંધવાની વિધિવત જાહેરાત કરી છે એ સાથે જ બિલ્ડર લોબીમાં ઘણે વખતે સળવળાટ વ્યાપી ગયો છે. એ સારી વાત છે કે ગુજરાતનાં આ પાંચ મહાનગરો ઊંચી ઇમારતોથી દુબઈ, સિંગાપોરની જેમ ગુજરાતભરમાં ઝળહળે. આ બધું જ કાગળો પર વ્યવસ્થિત રીતે પાર પડાયું છે ને કાગળો પર તો બધું નિયમો અનુસાર થયું છે ને થશે. આમ કરવા પાછળનાં ધારાધોરણો અને હેતુઓ પણ જાહેર થયાં છે ને એ મુજબ થાય તો ગુજરાતનાં આ શહેરો  વિશ્વકક્ષાના આધુનિક શહેરોની જેમ ઝગમગતાં થશે એ નક્કી છે.

છેલ્લાં ચારેક વર્ષમાં રાજ્ય સરકારે ૨૦૦ જેટલી ટાઉન પ્લાનિંગ સ્કિમ્સ મંજૂર કરી દીધી છે. એ માટે કોમન જી.ડી.સી.આર.-૨૦૧૭માં જરૂરી સુધારા પણ કર્યા છે. આ પાંચ શહેરો આ યોજનામાં જાહેર કરવાનું એક કારણ એ પણ ખરું કે આ શહેરોનો રાજ્યના વિકાસમાં અને જી.ડી.પી.માં મહત્તમ ફાળો છે. બીજું કારણ એ કે આ શહેરોમાં રોજગારીની તકો વધુ છે અને ગ્રામ વિસ્તારોમાંથી રોજગારી માટે વધુ ને વધુ લોકો આ મહાનગરોમાં આવે છે. એમને રહેવાની સગવડો આ સ્કાયસ્ક્રેપર્સ પૂરી પાડશે. હકીકત એ છે કે એટલી જમીન નથી કે બધાંને તે પૂરી પડે. એ જોતાં વર્ટિકલ ડેવલપમેન્ટ એ જ એક ઉપાય બચે છે. હવે રહેવા દૂર નહીં, પણ ઊંચે જવું પડે એ સ્થિતિ છે. બીજું જમીન સાથેનાં મકાનો હવે સામાન્ય માણસને પરવડે એમ પણ નથી. એ સ્થિતિમાં પણ સ્કાયસ્ક્રેપર્સ એક સારો ઉકેલ છે. એવું પણ કહેવાય છે કે બિલ્ડિંગો ઊંચી જશે તો મકાનોમાં ઘૂસી જતી જમીન ખેતી માટે બચશે.

આઇકોનિક સ્ટ્રક્ચરનાં નિર્માણથી મંદી દૂર થવાની આશા પણ જન્મી છે. જો કે બાંધકામ મોંઘું થશે. સરકાર દ્વારા હાલ પેઈડ એફ.એસ.આઈ. જંત્રીના ૪૦% વસૂલવામાં આવે છે તે ૭૦ માળનાં નિર્માણ માટે જંત્રીના ૫૦% થશે. આને કારણે પ્રોજેક્ટ કોસ્ટ અને મેઈન્ટેનન્સ કોસ્ટ પણ વધશે. એટલે સામાન્ય માણસને એ કેટલું પરવડશે એ સવાલ તો ઊભો જ રહે છે.

રિયલ એસ્ટેટ ક્ષેત્રે સ્પર્ધા વધતાં ક્વોલિટી બાંધકામ વધશે ને ફરતે ખુલ્લી જમીન મળશે એવું કહેવાય છે, પણ વર્ટિકલ ડેવલપમેન્ટ માટે જવું જ એટલે પડ્યું છે, કારણ આસપાસ જમીનની ખેંચ ઊભી થઈ છે એટલે ખુલ્લી જમીન કેટલીક મળશે તે પ્રશ્ન જ છે. આ એફ.એસ.આઈ.નો લાભ ૩૦ મીટર પહોળા રસ્તાને જ મળશે. ૫૦ માળની ઈમારત માટે ૨,૫૦૦ ચો.મી.નો અને ૭૦ માળની ઇમારત માટે ૩,૫૦૦ ચો.મી.નો પ્લોટ હોવો જરૂરી છે. મુંબઈ-દિલ્હી શહેરોનાં મકાનોના નિયમોનો અભ્યાસ કરીને આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ફાયર સેફટી, બિલ્ડિંગ સેફટી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન વગેરે બાબતો અંગે પણ ગંભીરતાથી વિચાર કરવામાં આવ્યો છે, ઔડા, સુડા એમ ગમે તેમાં ઊંચી બિલ્ડિંગો બાંધી શકાશે, પણ આ બધું કાગળ પર છે. એમાં કાગળ પર સમિતિઓ પણ રચાશે ને ચકાસણીઓ પણ થશે, પણ વ્યવહારમાં કેટલી ગરબડો હોય છે તે મંત્રીથી માંડીને મુફલિસ સુધીના બધાં જ જાણે છે.

હજી તો ૧૯મી તારીખે ઇમારતો બાંધવાનું નોટિફિકેશન બહાર જ પડ્યું છે ત્યાં સુરતમાં એરપોર્ટ ન ખસે તો સિત્તેર તો શું, ૫૦ માળની ઇમારત બાંધવાનું પણ શક્ય નથી, એ વાત બહાર આવી છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નોકાસ પ્લાન પ્રમાણે સુરતમાં ૭૦ માળની ઈમારતો બાંધવાનું મુશ્કેલ છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા બાંધકામને ધ્યાનમાં રાખીને એક નકશો તૈયાર કરવામાં આવે છે. એ મુજબ ઓનલાઈન એપ્લિકેશન સિસ્ટમ ડેવલપ કરવામાં આવે છે તે નોકાસ પ્લાન તરીકે જાણીતી છે.તે દ્વારા એન.ઓ.સી. આપવામાં છે. આ નોકાસ પ્લાન મુજબ ૧૦૯ મીટરથી વધુ ઊંચાઈનું બાંધકામ શહેરમાં ક્યાં ય પણ શક્ય બને એમ નથી. એ હિસાબે ૩૫ માળથી વધુ ઊંચાઈની ઈમારત સુરતમાં શક્ય જ નથી, સિવાય કે એરપોર્ટ બીજે ખસે. એટલે એવું બને કે ક્યાં તો એરપોર્ટ અથવા તો ૭૦ મજલી ઈમારત-માંથી કોઈ એકથી જ સુરતે ચલાવવાનું આવે.

આમ દરેક વખતે સરકારની ટીકા કરવાનું યોગ્ય નથી, પણ ટૂંકી દૃષ્ટિને કારણે સરકાર મતલબી પુરવાર થતી આવી છે. તે આગળ પાછળનું વિચારીને વર્તે તો તેનાં દૂરગામી પરિણામો મળે, પણ કમભાગ્યે તેવું ખાસ થતું નથી. સુરતમાં ૭૦ માળની ઇમારતો બાંધવાની જાહેરાત કરતાં પહેલાં સુરત એરપોર્ટના નોકાસ પ્લાનનો સરકારે વિચાર કર્યો લાગતો નથી અથવા તો એરપોર્ટ ઓથોરિટીએ ક્યાંક કાચું કાપ્યું હોય એમ બને. આ અંગે ખુલાસો થવો જોઈએ.

૭૦ માળનું નોટિફિકેશન બીજા પણ પ્રશ્નો ઊભા કરે છે. ઊંચાઈએ રહેવાનું થાય તો આજુબાજુની જમીન બચે એ વાતમાં તથ્ય હશે, પણ ૫૦ માળ માટે ૨,૫૦૦ ને ૭૦ માળ માટે ૩,૫૦૦ ચો.મી.નો પ્લોટ જોઈએ. એમાં આજુબાજુની જમીન નથી જ જતી એવું નથી. ખેતીલાયક જમીન બચે એ વાત પણ ગળે ઓછી જ ઊતરે છે. ૩૦ મીટરનો રોડ હોય ત્યાં જ આવી ઇમારતો બંધાવાની હોય તો એટલો મોટો રોડ ખેતરમાં શું કામ હોય? એટલે ઇમારતો માટે તો એન.એ. થયેલી જમીનો જ ખપમાં આવવાની. ત્યાં ખેતીની જમીન બચવાની વાત સમજાતી નથી. શક્યતા તો એવી વધારે છે કે કરામતો કરીને ખેતીલાયક જમીન એન.એ.માં બદલવામાં આવે ને પરિણામ ખેતી માટેની જમીન ઘટવામાં આવે.

એક વાત આ પણ વિચારવા જેવી છે. થોડા મહિનાઓ પર સુરતમાં એક ક્લાસમાં આગ લાગેલી ને કેટલાંક છોકરાંઓ એ આગમાં બળી મરેલાં ને કેટલાકે જીવ બચાવવા ચોથા માળેથી પડતું મૂકેલું ને એમ પણ મોત જ વહાલું થયેલું. એ પછી આખા રાજ્યમાં ફાયર સેફટીની ચળવળ ચાલેલી ને ઘણા ક્લાસો ફાયર સેફટી ન હોવાને કારણે બંધ રહેલા. પૂરતાં સાધનો વસાવાયાં પછી જ ક્લાસો ફરી શરૂ થયેલા. એ તબક્કે તો એવું લાગેલું કે આખું ગુજરાત ફાયર સેફટીને મામલે એકદમ સજ્જ ને સજાગ થઈ ગયું છે. એ માન્યતા ખોટી પડી. કોરોનાના ૮ દરદીઓ અમદાવાદની હોસ્પિટલમાં આગ લાગવાને કારણે થોડા દિવસ પર જ ગુજરી ગયા. એનો અર્થ એ થયો કે પેલી ફાયર સેફટી ઝુંબેશ પોકળ હતી અથવા એમ માનવું પડે કે એ ક્લાસની ફાયર સેફટી પૂરતી જ સીમિત હતી ને એમાંથી હોસ્પિટલો બાકાત હતી, તે એટલે કે એમાં તો કદી આગ લાગતી જ નથી એવું કદાચ હેલ્થ વિભાગ માનતો હતો. બને કે બીજી બિલ્ડિંગો એ કારણે ફાયર સેફટી મામલે કંઈ નહીં કરે, કારણ તેમની  બિલ્ડિંગો કંઈ હોસ્પિટલ થોડી જ છે?

કોઈનું અહિત ઇચ્છવાનો અહીં રજમાત્ર પણ આશય નથી, પણ આવી માનસિકતા ૭૦ માળની બિલ્ડિંગની હોય ને ન કરે નારાયણ ને આગ ૭૦મેં માળે લાગે તો ફાયર સેફટીને મામલે એ સજ્જ હોય એવું લાગે છે? પવનમાં દીવો હોલવાઈ જાય તેમ ૭૦મેં માળે પવન જ એટલો હોય કે આગ હોલવાઈને જ રહે એવું માનનારાઓ નહીં જ હોય એમ માનવાને કારણ નથી. ચોથા માળે લાગેલી આગ જો બંબાવાળા ન હોલવી શક્યા હોય ને વિદ્યાર્થીઓનો અગ્નિસંસ્કાર ક્લાસમાં જ થઈ ગયો હોય તો ૭૦મે માળે ગુજરાતનાં બંબાખાનાં પહોંચે એમ લાગે છે? આવું જરા પણ ઈચ્છવા જેવું નથી, પણ આપણા ભ્રષ્ટ તંત્રો ૭૦ માળની પરમિશન મળતાં રાતોરાત બદલાઈને પ્રમાણિક થઈ જાય એવું સ્વપ્નમાં બને તો બને, બાકી ચાન્સ તો ભ્રષ્ટતાના ને અપ્રમાણિકતાના જ વધારે છે. જો આવી સ્થિતિ હોય તો ૭૦ માળની બિલ્ડિંગો કેટલી સલામત હશે તે ગુજ્જુઓએ વિચારી લેવાનું રહે. આપણે આરંભે શૂરા છીએ જ, પણ જ્યાં ફોલો અપની વાત આવે છે કે આપણે ભાગ્યે જ સફળ થઈએ છીએ. ફોલો અપમાં આખો દેશ બહુ ગરીબ છે.

આમ તો આ ભેંશ ભાગોળે ને છાશ છાગોળે જેવું છે, પણ સિત્તેરમે માળેથી સ્વર્ગ નજીક પડતું હોય તો પણ બીજાની બેવકૂફીનો ભોગ આપણે ન બનવું પડે એટલે આટલી આગોતરી ચિંતા કરી છે. આમાં ખોટા પડવાનું થાય તો તેનો આનંદ જ થશે. અસ્તુ !

૦

e.mail : ravindra21111946@gmail.com

સૌજન્ય : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 21 ઑગસ્ટ 2020

Loading

પ્રશાન્ત ભૂષણ કેસમાં ઉચ્ચ અદાલત અને જજની કસોટી થશે

રમેશ ઓઝા|Opinion - Opinion|20 August 2020

લોકતાંત્રિક ભારત દેશની સર્વોચ્ચ અદાલત આજે પોતે પોતાના વિષે ચુકાદો આપશે. સર્વોચ્ચ અદાલતમાં અત્યારે જે જજો બેઠા છે તેઓ આજે તેમના પોતાના વિષે ચુકાદો આપશે. ચુકાદાને વધાવનારાઓ કે તેની નિંદા કરનારાઓ ભારતના ભવિષ્ય વિષે ચુકાદો આપશે. આમ તો સર્વોચ્ચ અદાલતના સીનિયર વકીલ પ્રશાંત ભૂષણ સામેના અદાલતનો તિરસ્કાર કરવાના કેસમાં આ બધાએ ચુકાદો આપી જ દીધો છે હવે માત્ર ‘સજા’ની ઔપચારિકતા બાકી છે. ભારતના મુક્ત અવાજને, ભારતના ખુલ્લા સમાજને અને ભારતના લોકતંત્રને દંડવાં કે જવા દેવાં એ નક્કી કરવાનું છે.

કોઈ પણ દેશના લોકતાંત્રિક ઇતિહાસમાં આવી ક્ષણો આવતી હોય છે. ૧૯૭૦ના દાયકામાં સર્વોચ્ચ અદાલત અને તેના એ સમયના જજો ભીંસમાં આવ્યા હતા. ઇન્દિરા ગાંધીની આપખુદશાહી હતી અને કોઈ પણ આપખુદ શાસકને અદાલતોની સ્વતંત્રતા આંખના કણાની માફક ખૂંચતી હોય છે. માત્ર અદાલત જ નહીં, ચૂંટણીપંચ સહિતની તમામ લોકશાહી સંસ્થાઓ તેમના માર્ગમાં અવરોધ પેદા કરતી હોય છે. એમાં અત્યારના શાસકો માત્ર આપખુદ નથી, તેમની તો હિંદુ રાષ્ટ્ર વિશેની એક કલ્પના પણ છે જે તેઓ લાગુ કરવા માગે છે. હિંદુ રાષ્ટ્ર અને સેક્યુલર રાષ્ટ્ર પરસ્પર વિરોધી છે. તેનું સહઅસ્તિત્વ શક્ય નથી.

જો હિંદુ રાષ્ટ્ર સાકાર કરવું હોય તો બે વિકલ્પ છે; એક છે ભારતના બંધારણમાં પરિવર્તન. હવે બંધારણનો ઢાંચો આમૂલાગ્ર બદલવો અઘરો છે અને જગત પાછું ટીકા કરે. તો એના વિકલ્પે બીજો માર્ગ છે બંધારણની એટલે બંધારણપુરસ્કૃત લોકતંત્રની અને લોકતાંત્રિક મૂલ્યોની રખેવાળી કરનારી અદાલતની કમર તોડી નાખવાની. ન્યાયતંત્ર સિવાયની બીજી લોકશાહી સંસ્થાઓની પણ કમર તોડી નાખવાની. લાલચ, ખરીદી-વેચાણ અને ભય આ ત્રણ માર્ગ અપનાવવામાં આવે છે. આ ઉપરાંત ન્યાયતંત્રની બાબતે એક ચોથો વિકલ્પ પણ છે. છેક નીચેથી વૈચારિક રીતે અનુકૂળ હોય એવા જજોને ન્યાયતંત્રમાં દાખલ કરતા જવાના. એ જજ પછી એક દહાડો સર્વોચ્ચ અદાલતનો મુખ્ય ન્યાયમૂર્તિ બને, ત્યારે અનુકૂળ ન્યાયતંત્રનું વર્તુળ પૂરું થઈ જાય. એ પછી દેશમાં જે લોકશાહી બચે એ માત્ર કલેવરરૂપે હોય, એમાંથી પ્રાણ જતા રહ્યા હોય.

બીજા વિશ્વયુદ્ધ પછી ભારતની જેમ બીજા અનેક દેશો સંસ્થાનવાદી ગુલામીથી આઝાદ થયા હતા. એ બધા દેશો માટે ભારત દેશ દીવાદાંડીરૂપ હતો. જગતમાં જોટો જડે નહીં એટલી બહુવિધ પ્રજાએ સાથે મળીને લડીને આઝાદી મેળવી. લડીને આઝાદી મેળવી, તાસકમાં નહોતી મળી. બહુવિધ પ્રજાએ આઝાદી માટે લડતા લડતા વિમર્શ કર્યો અને સેક્યુલર લોકતાંત્રિક દેશની રચના કરવાનો સંકલ્પ કર્યો. દેશના ભાગલા પડ્યા અને કોમી લોહી વહેતું હતું ત્યારે બંધારણસભાના સભ્યોએ વિચલિત થયા વિના શાંત ચિત્તે જગતનું શ્રેષ્ઠ બંધારણ ઘડ્યું હતું. જો તેમની અંદરનો હિંદુ જાગ્યો હોત અથવા જાગવા દીધો હોત અને વિચલિત થયા હોત તો ત્યારે જ જગત માટે દીવાદાંડીરૂપ નીવડેલા ભારતીય રાજ્યનું કાસળ નીકળી ગયું હોત.

એ સમયે બીજા દેશોએ પણ ભારતનું અનુકરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. આધુનિક વિશ્વમાં સભ્ય તેમ જ સંસ્કારી બની રહીને આધુનિક બનવાનો અને વિકાસ સાધવાનો મનસૂબો બીજા તાજા આઝાદ થયેલા દેશો પણ ધરાવતા હતા. ભારત જેવો ગરીબ અને વિપુલ વિવિધતા ધરાવતો દેશ જગતનું શ્રેષ્ઠ બંધારણ ઘડી શકે અને દરેક અર્થમાં આધુનિક વિશ્વમાં જગ્યા મેળવી શકે તો આપણે કેમ નહીં! એ યુગમાં ભારત સાચે જ અધિકારપૂર્વકનું વિશ્વગુરુ હતું. જવાહરલાલ નેહરુનો જગતમાં જે દબદબો હતો એનું કારણ તેમનું વ્યક્તિત્વ તો હતું જ, પણ એનાથી વધારે મોટું કારણ એ નિર્ણાયક યુગમાં ભારતનું વિશ્વગુરુનું સ્થાન હતું. પાકિસ્તાનની બંધારણસભાના સભ્યોની અંદરનો મુસલમાન જાગ્યો અથવા પરાણે જગાડવામાં આવ્યો અથવા અંદરના માણસને ધરાર મારીને મુસલમાનને બંધારણસભામાં બેસાડવો પડ્યો એવું જો ભારતની બંધારણસભાના સભ્યોની બાબતમાં બન્યું હોત તો ભારત વિશ્વગુરુ ન બન્યું હોત. નેહરુનો કોઈએ ભાવ ન પૂછ્યો હોત. એ તો ઠીક છે, ભારતની હાલત આજે પાકિસ્તાન જેવી હોત.

પણ કેટલાક લોકોને ત્યારથી જ ભારત રાજ્યના અપનાવવામાં આવેલા સ્વરૂપ સામે વાંધો હતો. બહુમતીમાં હોઈએ અને માથાભારે ન હોઈએ તો બહુમતીનો શો અર્થ? કમસે કમ અમે બહુમતીમાં છીએ એની ખાતરી તો કરાવવી જ જોઈએ ને! આવું બંધારણ ન ચાલે જેમાં બહુમતી પ્રજાની શિરજોરી ન હોય. માથાભારે થવામાં શક્તિ શોધવી અને શક્તિનો અહેસાસ મેળવવો એ લઘુતાગ્રંથિનાં લક્ષણો છે. આવા લઘુતાગ્રંથિથી પીડાતા હિન્દુત્વવાદીઓને ભારત રાજ્યનું લોકતાંત્રિક સેક્યુલર સ્વરૂપ સ્વીકાર્ય નહોતું. તેમણે સત્તા સુધી પહોંચવા માટે તેનો જ ઉપયોગ કર્યો હતો, પણ હવે જે સીડી વાપરી હતી એ સીડી ફગાવી દેવી છે. કારણ એ છે કે બંધારણપુસ્કૃત સેક્યુલર-લિબરલ-ડેમોક્રેટિક સ્ટેટ માથાભારે થવામાં આડે આવે છે અને ઉપરથી ન્યાયતંત્ર, મુખ્યત્વે સર્વોચ્ચ અદાલત તેની રખેવાળી કરે છે. બંધારણના ઘડવૈયાઓએ ભારતની સર્વોચ્ચ અદાલતે બંધારણની અને બંધારણીય મૂલ્યોની રખેવાળી કરવાનું એક ખાસ અને પવિત્ર કામ સર્વોચ્ચ અદાલતને સોંપ્યું છે.

તેઓ તો બંધારણનો ઢાંચો જ બદલવા માગે છે, પણ એ પહેલાં અત્યારે તેઓ રખેવાળોની કરોડરજ્જુ ઉપર આઘાત કરી રહ્યા છે. લાલચ, ભય અને ભરતી એમ ત્રણ માર્ગ અપનાવવામાં આવી રહ્યા છે. છેલ્લાં કેટલાંક વરસોથી સર્વોચ્ચ અદાલતના જજો કસોટીમાં નાપાસ થઈ રહ્યા છે જે રીતે ૧૯૭૦ના દાયકામાં સર્વોચ્ચ અદાલતના કેટલાક જજો નાપાસ થયા હતા. ત્યારે કેટલાક જજો નાપાસ થયા હતા, સમૂળગી સર્વોચ્ચ અદાલત નાપાસ નહોતી થઈ. ન્યાયમૂર્તિ કૃષ્ણા ઐયર, ન્યાયમૂર્તિ ખન્ના અને ન્યાયમૂર્તિ હેગડે જેવા પ્રાત:સ્મરણીય જજો ત્યારે સર્વોચ્ચ અદાલતમાં હતા જેમણે સર્વોચ્ચ અદાલતને નાપાસ નહોતી થવા દીધી. બીજી બાજુ ન્યાયમૂર્તિ રે, ન્યાયમૂર્તિ બેગ, ન્યાયમૂર્તિ બહારુલ ઇસ્લામ જેવા હતા જેમણે ભય અથવા લાલચમાં આવીને પોતાનું, સર્વોચ્ચ અદાલતનું અને ન્યાયતંત્રનું નાક કપાવ્યું હતું. ૧૯૭૦ના દાયકાથી ઊલટું આજે જજો સાથે સમૂળગી સર્વોચ્ચ અદાલત નાપાસ થતી નજરે પડી રહી છે.

પ્રારંભમાં જ કહ્યું એમ આજે સર્વોચ્ચ અદાલત અને તેમાં બિરાજમાન જજો પોતે પોતાના વિષે ચુકાદો આપવાના છે. ચુકાદો પ્રશાંત ભૂષણ વિષે નહીં હોય, તેમના પોતાના વિશે હશે. બંધારણની, બંધારણીય મૂલ્યોની અને બંધારણપુસ્કૃત સેક્યુલર-લિબરલ-ડેમોક્રેટિક સ્ટેટની રક્ષા કરવાની તાકાત તે ધરાવે છે કે નહીં એનો ચુકાદો આવવાનો છે. આગળ કહ્યું એમ તેઓ તેમના વિષે ચુકાદો તો આપી જ ચુક્યા છે, માત્ર દંડવાનું બાકી છે. જોઈએ, આજે અદાલતો અને જજો પોતે જ પોતાને દંડે છે કે નહીં!

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 20 ઑગસ્ટ 2020

Loading

આંખોમાં બેઠેલા ચાતક કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|20 August 2020

હૈયાને દરબાર 

આંખોમા બેઠેલા ચાતક કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.
કોરી કુંવારી આ હાથની હથેળીમાં માટીની ગંધ રહી જાગી;
તરસ્યા આ હોવાના કોરા આકાશમાં આષાઢી સાંજ એક માંગી.
વરસાદી વારતાઓ વાંચી વાંચીને હવે ભીંજાવું એ તો આભાસ છે;
કોરપની વેદના તો કેમે સહેવાય નહીં રૂંવે રૂંવેથી મને વાગે;
પહેલા વરસાદ તણું મધમીઠું સોણલું રહી રહીને મારામાં જાગે
નસનસ આ ફાટીને વહેવા ચહે છે, આ તે કેવો આષાઢી ઉલ્લાસ છે.

•   કવિ : તુષાર શુક્લ   •   સંગીતકાર : નયનેશ જાની   •   ગાયિકા : નિશા કાપડિયા

—

કેટલાંક ગીતો અમુક કલાકારની સિગ્નેચર ટ્યુન જેવાં બની જાય છે. ગાયકનો જ ટ્રેડમાર્ક હોય એ રીતે. શીર્ષકનું જે ગીત છે એ કોનો ટ્રેડમાર્ક છે એ સુગમસંગીત પ્રેમીઓને કહેવાની જરૂર નથી. કવિનો શબ્દ, સંગીતકારનો શણગાર તો અતિ મહત્ત્વના છે જ, પરંતુ ગાયકની રજૂઆત એને ચાર ચાંદ લગાવી શકે. આંખોમાં બેઠેલા ચાતક … ગીત કવિ તુષાર શુક્લએ લાજવાબ લખ્યું છે, સંગીતકાર નૈનેશ જાનીએ કુંવારી કન્યાની લાગણીને શિવરંજની-મધુવંતી જેવા મધુર રાગથી સરસ શણગારી છે પરંતુ, નિશા ઉપાધ્યાય-કાપડિયાએ જે બખૂબીથી એ ગીત ગાયું છે, ક્યા કહેના!

આ ગીતમાં યૌવનથી થનગનતી કાચી કુંવારી છોકરીની પ્રેમની લાગણી બહુ નાજુક રીતે વ્યક્ત થઈ છે. પ્રેમ નવો હોય ત્યારે કેટકેટલી મિશ્ર લાગણી થતી હોય. એમાં ય વરસાદ એ તો ભીંજવા-ભીંજાવાની મોસમ. વિરહ-મિલનની ઋતુ. ગીતના શબ્દે શબ્દે લાવણ્યમયી યુવતીની લજ્જા અને લાગણી તાજાં ઝાકળ જેવી લાગે છે. ગીતમાં કુંવારી કોડીલી કન્યાની વાત છે જે પહેલી વખત પ્રિયતમને મળવાની અદમ્ય ઝંખનાનો અનુભવ કરવા ઉત્સુક છે. કુતૂહલ, મૂંઝવણ, પ્રતીક્ષા, લજ્જા, ઉત્કટતા, ઉત્તેજના જેવી મિશ્ર લાગણી સાથે એ પ્રિયજનના ઈન્તજારમાં છે. આ લાગણી થતી હોય ત્યારે ગાલ પર શરમના શેરડા ના ફૂટે તો બીજું થાય શું? આ મીઠી લાગણીને કવિએ કેવી સુંદર રીતે વાચા આપી છે. આવી સંવેદનશીલ વાત નાજુકીથી કાવ્ય દ્વારા રજૂ કરવી એ જ કેટલી મોટી વાત!

કવિ તુષાર શુક્લે અનેક વિષયોમાં અનન્ય કાવ્યો અને ગીતો આપ્યાં છે. પછી એ ગીત ભાષા વિશે હોય, માતૃત્વ-પિતૃત્વનું હોય, માનવ સહજ પ્રેમનું હોય કે પ્રકૃતિ ગીત. આંખોમાં બેઠેલા ચાતક, એમ પૂછીને થાય નહીં પ્રેમ, તારી હથેળીને દરિયો માનીને જેવાં ગીતો વિનાં સુગમ સંગીતના કાર્યક્રમો અધૂરા લાગે. શબ્દો સાથે તુષારભાઈની ગાઢ મૈત્રી. તુષારભાઈની વાક્પ્રતિભા કોઈને ય પ્રભાવિત કરી શકે. વિષય ઉપર એકદમ માપસર, સીધું અને હ્રદયપૂર્વક જોડાણ થાય એવું એમનું સંચાલન કે પ્રવચન હોય. એવા આ કવિએ આકાશવાણી કાર્યક્રમ નિયામક તરીકે જોડાયા ત્યારે આ ગીત લખ્યું હતું. ત્રણ-ચાર દાયકા પહેલાંની વાત છે. આ ગીત વિશે તુષાર શુક્લ કહે છે, "કવિતા આપોઆપ સૂઝતી હોય છે. હું માનું છું કે પહેલી પંક્તિ ઉપરથી આવે છે. બાકીની કડી કવિ પછી જોડતા જાય. ચોમાસું આસપાસ…વાળી વાત કવિતામાં પહેલીવાર આવી અને મન પ્રસન્ન થઈ ગયું. બાકીની પંક્તિઓ પછી ગોઠવાતી ગઈ. યુવાનીમાં પ્રવેશેલી નાજુક નમણી કન્યાને લાગે છે કે સંયમ, લજ્જા છોડીને હવે વ્યક્ત થવું જરૂરી છે. વરસાદી વાતો તો એક આભાસ છે. પ્રેમ ખયાલોમાં ન ચાલે. છત્રી-છજાં છોડીને ભરપૂર ભીંજાવું પડે. પ્રેમ થયો હોય તો ઈચ્છા કહેવી પડે. ઈજન સ્વીકારવું પડે. આષાઢી ઉલ્લાસને હ્રદયમાં ભરી લેવા ઈચ્છતી નાયિકાનું નિતાંત લાગણીભર્યું આ ગીત છે. જો કે, મારે કહેવું જ જોઈએ કે આ ગીતમાં સ્વરાંકન અને ગાયકીની વિશેષ મજા છે. નયનેશ જાનીએ મીઠું સ્વરાંકન કર્યું છે. નિશા કાપડિયાએ તો આ ગીતને એટલું લોકપ્રિય બનાવ્યું છે કે હવે તો ઘણા કલાકારો આ ગીત ગાય છે. હવે આ ગીત અમારું નહીં, નિશાનું થઈ ગયું છે.

સ્વરકાર નયનેશ જાનીનું પણ આ મનગમતું સ્વરાંકન છે. નયનેશ જાની માત્ર સુગમસંગીતને જ સમર્પિત છે અને ૩૫ વર્ષથી આ ક્ષેત્રે કાર્યરત છે. એમણે બહુ સરસ વાત કરી આ ગીત વિશે. "આ ગીત સૌપ્રથમ દૂરદર્શન પર ’મહેફિલ’ નામે એક કાર્યક્રમ આવતો હતો એમાં રજૂ થયું હતું. દૂરદર્શન દ્વારા ૮૦ના દાયકામાં મોટી સ્પર્ધા યોજવામાં આવી હતી. હર્ષજિત ઠક્કર રોય એના નિયામક. ૩૦૦૦ એન્ટ્રી આવી હતી જેમાંથી ૩૦૦ સ્પર્ધકો પસંદ થયા. એમાંથી ફાઈનલ રાઉન્ડમાં ૩૦ને પ્રવેશ મળ્યો. હું પણ સ્પર્ધક હતો અને ફાઈનલ રાઉન્ડ સુધી પહોંચ્યો હતો. નિશા પણ ફાઈનલમાં આવી. ફાઈનલ રાઉન્ડ માટે મેં જ તૈયાર કરાવેલું આંખોમાં બેઠેલા ચાતક ગાવાનું એણે નક્કી કર્યું ત્યારે મને ચેતવવામાં આવ્યો કે નિશાને બીજું ગીત ગાવાનું કહો તો કદાચ તમારો નંબર લાગી જાય! પણ એ તો જાત સાથે છેતરપિંડી કરી કહેવાય. એ તો મારી બહેન સમાન એટલે મેં એને વધારે સારી રીતે તૈયાર કરાવ્યું અને નિશા પ્રથમ આવી હતી. શબ્દોને સમજી ભાવપૂર્વક ગાનારી એ કલાકાર છે. આ બહુ જ જરૂરી છે. શબ્દોને તોડી-મરડીને ગાવાથી ગીતનું કાવ્યત્વ જ ગુજરી જાય. કવિતા શું માગે છે એ તો જુઓ! ફિલ્મ સંગીતની જેમ ત્રણ મિનિટમાં ગીત પરફોર્મ કરવાની કલા હસ્તગત કરવાની જરૂર છે. આ ગીત તુષાર શુક્લે મને આપ્યું ત્યારે જ એવું ગમી ગયું કે આકાશવાણીથી પાછાં ઘરે જતાં બસમાં એનું મુખડું બની ગયું હતું. પછી તો આખું ગીત કરવાની એવી ચટપટી લાગી કે ઘરે પહોંચીને જમ્યા વિના સીધો હારમોનિયમ પર બેસી ગયો હતો.

આ ગીત સાથેની સ્મૃતિઓ સંકોરતાં ગીતનાં મૂળ ગાયિકા નિશા કાપડિયા કહે છે કે, "આ ગીત સાથે જ મારી મુંબઈમાં એન્ટ્રી થઈ. ૧૯૮૯માં કોપવૂડ સંગીત સંમેલન બહુ મોટા પાયે મુંબઈમાં યોજાયું હતું. હું ભૂજની અને ગીતના સંગીતકાર નયનેશભાઈ કલોલથી આવ્યા હતા.

સુગમ સંગીતના અન્ય ધૂરંધરોની સામે અમે તો સાવ નવાં કલાકારો એટલે કોઈનું બહુ ધ્યાન પણ ન જાય. સોલી પણ એ વખતે મુંબઈમાં પહેલી વાર પરફોર્મ કરવાના હતા. સૌના આશ્ચર્ય વચ્ચે આંખોમાં બેઠેલાં ચાતકને જે જબ્બર પ્રતિસાદ મળ્યો એ અમારે માટે ધન્ય ઘડી હતી. સુગમ સંગીતના આ સંમેલન પછી મારી અને સોલી બન્નેની સંગીતજગતમાં નોંધ લેવાઈ અને અમારી કારકિર્દી ઊંચકાઈ. દૂરદર્શન પર તો આ ગીતે પ્રથમ સ્થાન મેળવ્યું જ હતું. તમે માનશો? ગીતનો આલાપ તો સ્પર્ધામાં જતાં પહેલાં રિક્ષામાં તૈયાર કર્યો હતો. આમ, આ ગીતે મારી કારકિર્દી ઘડવામાં નક્કર પ્રદાન આપ્યું એમ ચોક્કસ કહી શકું."

આપણે સૌ નિશાની ઉજ્જ્વળ કારકિર્દીના સાક્ષી છીએ જ. ગુજરાતી ફિલ્મોમાં તો એમણે ગાયું જ છે પરંતુ જાવેદ અલી સાથેનું એમનું ગીત બિન તેરે સનમ … ખૂબ લોકપ્રિય થયું હતું અને ગત વર્ષે મરાઠી ફિલ્મ ’સવિતા દામોદર પરાંજપે’ના એક અત્યંત કર્ણપ્રિય ગીત માટે એમને એવોર્ડ પણ મળ્યો છે.

વરસાદી માહોલમાં આ ગીત સાંભળવા માટે થઈ જાઓ સજ્જ. ઈન્ટરનેટના માધ્યમથી સાંભળી જ શકશો.

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 20 ઑગસ્ટ 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=654241

Loading

...102030...2,2502,2512,2522,253...2,2602,2702,280...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved