Opinion Magazine
Number of visits: 9574830
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઑગસ્ટ પંદરા, ગત તંદ્રા?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|14 August 2020

ઑગસ્ટ પંદરા, ગત તંદ્રા? સ્વરાજનાં શરૂઆતનાં વર્ષોમાં કવિને આવું કાંક પુછવાપણું લાગ્યું હતું એ આ ક્ષણે સહજ સાંભરે છે. કવિનો પ્રશ્ન, ખરું જોતાં યક્ષ-પ્રશ્ન, સાંભર્યો એનો ધક્કો ઑગસ્ટ પાંચમીના રામ જન્મભૂમિ મંદિરના ભૂમિપૂજનના વારાથી લાગેલો છે, કેમ કે ત્યારે યોજકો તરફથી કરાયેલ સત્તાવાર દાવો એક નવા સ્વાતંત્ર્યદિવસનો હતો.

આ જે નવા સ્વાતંત્ર્યદિવસનો દાવો, એના જેવી જ એક સહજ ધસી આવતી સાંભરણ ‘બીજી આઝાદી’ એવા હર્ષોદ્‌ગારોની છે : માર્ચ ૧૯૭૭માં પ્રચંડ બહુમતીથી કટોકટીરાજ સામેનો લોકચુકાદો આવ્યો ત્યારે – કેમ કે એને પગલે લોકશાહી પ્રક્રિયાનું પુનઃસ્થાપન શક્ય બનતું હતું – ‘બીજી આઝાદી’ સરખા ઉલ્લાસપ્રયોગનું એક ઔચિત્ય પણ હતું.

તે પછીના દસકાઓમાં ઉત્તરોઉત્તર આપણે શું સમજતા ને શીખતા ચાલ્યા છીએ? ભાઈ, સ્વતંત્રતા એ એક સતત ચાલુ પ્રક્રિયા છે. અધિકારો પોતે કરીને લોકજાગૃતિ અને લોકસંઘર્ષ વગર, રામના પદસંચાર વિનાની શલ્યા પેઠે સૂતેલા રહે છે.

આપણા સમયની વાત કરતે કરતે એક પેરેલલ તરીકે રામ ખરા ચાલ્યા આવ્યા. તાજું  નિમિત્ત, પાંચ ઑગસ્ટનું ન હોત તો પણ આવો ઉલ્લેખ સહજ ચાલ્યો આવ્યો હોત કેમ કે ઇતિહાસ પરંપરાની રીતે વાલ્મીકિના વારાથી તુલસી, કંબન આદિના પોતપોતાના સંસ્કરણ સાથે એ ભારતવાસીઓનો સહિયારો વારસો છે, અને ભાવાવરણ(ઈથોસ)નો સહજ હિસ્સો છે. ‘સારે જહાંસે અચ્છા’ – ખ્યાત ઈકબાલના શબ્દોમાં એ ઈમામે હિંદ છે, જેમ બીજે છેડે ‘નમક બિના ખાના ક્યા, કાના બિના ગાના ક્યા’ એ મતલબની રસખાનની સહજોક્તિમાં કૃષ્ણનીયે એક છબિ ઝિલાયેલી છે.

પ્રશ્ન આ છે : જવાહરલાલ નેહરુએ ૧૯૪૮માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને સંબોધતાં કહ્યું હતું તેમ તમે મુસ્લિમ છો અને હું હિંદુ છું, પણ પ્રાચીન ભારતની જે સિદ્ધિઓ – જેમ કે ‘શૂન્ય’ની શોધ- આપણી સહિયારી વિરાસત છે એનો સહજ રોમાંચ તમને ને મને, ચાહે મુસ્લિમ હોઈએ કે હિંદુ, હોય જ ને.

ઊલટ પક્ષે, યહૂદીનિકંદનમાં હિટલરની રાષ્ટ્રનિર્માણ સિદ્ધિ જોતો ગોળવલકરનો પણ એક અભિગમ છે. જો આ અભિગમ બરકરાર રહે તો પછી પેલાં સહિયારાં સ્પંદનનો અભિગમ બેમાની, બેમતલબ બની રહે છે.

૧૯૪૭માં રાષ્ટ્રીય નેતૃત્વ સમસ્ત એકંદરે જે સ્વરાજત્રિપુટીથી પરિભાષિત થતું હતું તે ગાંધીનહેરુ પટેલ હતા. એમની વચ્ચે, બીજા નેતાઓ વચ્ચે, પરસ્પર મતભેદ નહોતા એવું તો નહોતું. પણ જે એક એકંદરમતી ઉપસી રહી, છતે ભાગલે એક રક્તરંજિત માહોલમાં પણ, એ પાકિસ્તાનની પેઠે કોમી ભૂમિકાની નહીં પણ બિનસાંપ્રદાયિક ભૂમિકાની હતી. છાયાભેદે, ઝોકફેરે, પણ દેશને ‘હિંદુ’ ધોરણે વ્યાખ્યાયિત નહીં કરવાની બંધારણીય એકંદરમતી એ હતી.

આ નેતૃત્વે એમાં ગોથાં ખાધાં હશે, ટૂંકનજરી પેચ પ્રસંગો આવ્યા હશે, એમની શક્તિઓ ને મર્યાદાઓ પ્રગટ થઈ હશે, એમનાં સિન્સ ઑફ ઓમિશન્સ ઍન્ડ કમિશન્સ હશે, પણ એમણે એકંદરે પાકિસ્તાનવેડાથી પરહેજ કરી જાણી એ એમનો વિશેષ અને આપણું પ્રજાકીય સદ્‌ભાગ્ય રહ્યું. વહેવારુ રાજનીતિમાં સોમનાથ અને અયોધ્યા વચ્ચે વિવેક કરી શકતા પટેલનો અભિગમ આ ક્ષણે સાંભરે છે તો ગિરિલાલ જૈનનું (ઉત્તર વર્ષોમાં જે ભા.જ.પ.ના વૈચારિક વ્યાખ્યાકાર તરીકે ઉભર્યા હતા, એમનું) એ અવલોકન પણ સાંભરે છે કે નેહરુ લોક સાથે સંવાદ સાધી સર્વધર્મસમભાવની ગાંધી ભૂમિકા રાજ્ય સ્તરે બિનસાંપ્રદાયિકતામાં કેવી રીતે સંક્રાન્ત થાય છે એ સુપેરે સમજાવી શકતા હતા.

કૉંગ્રેસથી અલગ ભૂમિકાએ મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાના ઉદય સાથે જે લીગી રાજકારણ વિકસ્યું એની સંભાવનાઓ અને મર્યાદાઓ સમજીને રાષ્ટ્રીય નેતૃત્વે જે પ્રતિભાવ આપવાપણું અને પેચપેરવી કરવાપણું જોયું એનો સૌથી પહેલો મોટી કોઈ સીમાસ્તંભ જોવા મળતો હોય તો તે લખનૌ કૉંગ્રેસ પ્રસંગે ૧૯૧૬માં તિલક-ઝીણા વચ્ચેની ઈલેક્ટોરલ બેઠક વહેંચણીની ફોર્મ્યુલા છે. ગાંધીજી ભારતના સીધા રાજકારણમાં હજુ એપ્રેન્ટિસ જેવા ગણાય એ દિવસોમાં તિલક વગેરેને એટલું સમજાઈ રહ્યું હતું કે મામલો એક ‘નેગોશ્યેટેડ સેટલમેન્ટ’ની જેમ માવજત માગી લે છે. એમાં હિંદુ ભારત અને મુસ્લિમ ભારત એમ જુદા પાડવાની વાત નહોતી. એક સંયુક્ત એકમની ભૂમિકા એ હતી.

પછીના દાયકાઓમાં સાવરકરે પરિભાષિત કરેલ મુસ્લિમદ્વેષી હિંદુત્વ અને મુસ્લિમ લીગની પાકિસ્તાનની માંગણી, એ હદે આગળ ચાલ્યાં કે કૉંગ્રેસ અને ગાંધી બેઉ છેડેથી ટીકાસ્ત્રનો ભોગ બનતાં રહ્યાં. દેશમાં એકથી વધુ રાષ્ટ્રો છે – કમ સે કમ હિંદુને મુસ્લિમ બે તો જુદાં રાષ્ટ્રો છે જ – એ સાવરકરે હિંદુ મહાસભાના અમદાવાદ અધિવેશનમાં પ્રગટપણે પ્રતિપાદિત કર્યું તે પછી લીગનો પાકિસ્તાનનો ઠરાવ આવ્યો, એ ઇતિહાસવસ્તુ છે. ઇતિહાસવસ્તુ તો કમનસીબે એ પણ છે કે લીગના લાહોર અધિવેશનમાં પાકિસ્તનનો ઠરાવ રજૂ કરનાર ફઝલૂલ હક્ક બંગાળમાં મુખ્યમંત્રીપદે હતા ત્યારે શ્યામાપ્રસાદ મુખર્જી એમના મંત્રીમંડળમાં હતા અને ‘કિવટ ઈન્ડ્યિા’ના ઐતિહાસિક ઠરાવ પછી પણ એમણે મંત્રીમંડળ છોડવું મુનાસીબ માન્યું નહોતું. બલકે, આંદોલનકારોને બ્રિટિશ સરકારે પકડી લેવા જોઈએ એવી હિમાયત કરતાં સંકોચ કર્યો નહોતો.

આ આખી તવારીખ ઉતાવળે સંભારી આપવા પાછળનો આશય રામ જન્મભૂમિ આંદોલનની ક્ષ-તપાસમાં સહાય થાય તે છે.

૧૯૪૭ પછી આપણે બિનસાંપ્રદાયિક રાહ પર, ‘નેગોશ્યેટેડ સેટલમેન્ટ’ની સમજથી આગળ ચાલ્યા એ ‘હિંદુ’ લાગણીને કેવું ને કેટલું અઘરું લાગ્યું હશે એનો એક અંદાજ એ ઇતિહાસવિગતથી આવશે કે વલ્લભભાઈનું અવસાન થયું ત્યારે હિંદુ મહાસભાની કારોબારી એ માટે શોકલાગણી પ્રદર્શિત કરતો ઠરાવ કરવા સંમત થઈ શકી નહોતી. (અલબત્ત, સંઘ નેતૃત્વે એમને અંજલિ અવશ્ય આપી હતી.)

સંઘ, જનસંઘ, ભા.જ.પ. એ બધી તવારીખમાં નહીં જતાં અહીં એટલું જ કહીશું કે જનતા પક્ષથી છૂટા પડી ૧૯૮૪માં માત્ર બે બેઠકોમાં સમાઈ ગયેલ ભા.જ.પે. અડવાણીની પહેલથી મંદિર મુદ્દો ઊંચકી જે આગેકૂચ કરી એણે જન્માવેલ રાજકારણ કમનસીબે આઝાદીપૂર્વ ઉત્તર ઝીણાના આઝાદી બાદના હિંદુ અડધિયાનું હતું. કૉંગ્રેસ કે બીજા પક્ષોના નિઃશંક સિન્સ ઑફ ઓમિશન્સ ઍન્ડ કમિશન્સથી એબાકપણે આગળ વધી અહીં ખેલાઈ રહેલું રાજકારણ કોમવાદની એક પૂરા કદની રાજકીય વિચારધારા તરીકે પ્રાણપ્રતિષ્ઠાનું હતું. આ પૂરા કદની વિચારધારાને એમણે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ તરીકે વ્યાખ્યાયિત કરી અને એ રીતે આજે કાનૂનન મંદિર નિર્માણનો પથ પ્રશસ્ત થયો ત્યારે એના પર વર્તમાન નેતૃત્વ સાંસ્કૃતિક સ્વતંત્રતાનો થપ્પો મારી રહ્યું છે.

સ્વાતંત્ર્યસંગ્રામ, દાંડી કૂચ, ભગતસિંહની શહાદત, પુના કરાર, કરાચી કૉંગ્રેસનો મૂળભૂત અધિકારોનો ઠરાવ, ૧૫ ઑગસ્ટ ૧૯૪૭, ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ એ જે આખી પરંપરાને હવે કેમ જાણે ઉલટાવવાના (ખરું જોતાં વિપથ પ્રસ્થાનના) સત્તાવાર અભિગમ સાથે આગળ વધવાનું વલણ જણાય છે.

દીનદયાલ ઉપાધ્યાયે એકાત્મ માનવવાદમાં રામરાજ્ય એટલે કે ધર્મરાજ્યના ખયાલને આધુનિક શબ્દાવલીમાં સમજાવતા ‘રુલ ઑફ લૉ’ એવો અંગ્રેજી પ્રયોગ કર્યો છે. અયોધ્યામાં તમે જુઓ કે મુદ્દો ‘ટાઈટલ સુટ’નો અને ૧૯૪૯માં ચોરીછૂપીથી રામ લલ્લાના મૂર્તિસ્થાપનનો હતો. વળી ૧૯૯૨ના છઠ્ઠી ડિસેમ્બરના બનાવ માટે ગુનેગારોને નસિયત બાકી છે, અને ધ્વસ્ત ઈમારતને સ્થાને નિર્માણની શરૂઆત થઈ રહી છે. ના, આ રુલ ઑફ લૉ તો નથી જ.

આપણે આઝાદ થયા અને પ્રજાસત્તાક બંધારણ ઘડ્યું તે ઇતિહાસઘટના હિંદુ કે મુસ્લિમ તરીકેની નથી પણ નાગરિક તરીકેના નવયુગ પ્રવેશની છે. જે તોડફોડની તવારીખ અયોધ્યા કે સોમનાથની છે તેને અંગે ‘નેગોશ્યેટેડ સેટલમેન્ટ’ના રાહે આગળ વધવાની તિલક-ઝીણા સમજૂતી ‘રુલ ઑફ લૉ’ના ખાનામાં પડે છે. તોડફોડનો ભોગ બનેલાં ધર્મસ્થાનકો અંગે યથાસ્થિતિના સ્વીકારનો ૧૯૯૧નો કાયદો (જેમાં અયોધ્યાનો અપવાદ કરાયો હતો) ‘રુલ ઑફ લૉ’ને અન્વયે કરાયેલ ગોઠવણ હતી અને છે.

આ કહેતી અને લખતી વખતે તોડફોડના બચાવનો આશય મુદ્દલ નથી. પણ વાતને એક ચોક્કસ પરિપ્રેક્ષ્યમાં બાંધવાની રીતે, સામાન્ય રીતે, આપણે જે ઇતિહાસવિગતો જાણતા નથી કે જાણતે છતે ભૂલી જવાનું પસંદ કરીએ છીએ એનો ઊડતો ઉલ્લેખ ચોક્કસ કરવા ઈચ્છું છું.  મહાકાલેશ્વર (ઉજ્જૈન) પાસે ઓરંગઝેબનું દાનપત્ર છે, અગર તો અમદાવાદમાં ચિંતામણિ પાર્શ્વનાથ(રાજપુર)નું દેરું ધ્વસ્ત કરાયેલું એના નિર્માણની આજ્ઞા શાહજહાંની છે, આ કેવી રીતે ઘટાવીશું? અગર તો, રાણા પ્રતાપ ખ્યાત એકલિંગજીનું દેરું મૂળે જૈન સ્થાન હતું કે પંઢરપુરનું ભારતપ્રસિદ્ધ વિઠ્ઠલ મંદિર મૂળે જૈન મંદિર હતું એ સંશોધનને કેવી રીતે ઘટાવીશું? મહમદ ગઝનીએ મુલતાનની મસ્જિદ તોડી હતી એ બીનાને કેવી રીતે જોઈશું? ધર્મસ્થાનકો બાબતે પરસ્પર તોડફોડ અને છેડછાડ કેવળ હિંદુમુસ્લિમ મામલો નથી. તે માંહોમાંહે પણ ચાલુ છે. ગમે તેમ પણ, આ બધી બાબતને સામસામા રાષ્ટ્રવાદી સંઘર્ષમાં નહીં ખપાવતા સાથે રહેવાની રીતે ‘રુલ ઑફ લૉ’ની બાબત તરીકે અને પરસ્પર સદ્‌ભાવની રીતે ઘટાવવા અને ગોઠવવાની જરૂર છે.

આ રીતે જોતાં અયોધ્યામાં મંદિરનિર્માણનો પથ પ્રશસ્ત થયો; શુભ આરંભમાં જૂના પક્ષકાર ઈકબાલ અન્સારીએ સામેલ થવું પસંદ કર્યું; સર્વોચ્ચ અદાલતે ટાઈટલ સુટની મર્યાદા લાંઘીને ‘ક્લેક્ટિવ વિઝડમ’ની રીતે પ્રસ્તુત ચુકાદો આપ્યો; મુસ્લિમ સમુદાયે મોટે ભાગે કેવળ ચુમાઈને બેસી રહેવાની રીતે કે પછી ‘કજિયાનું મોં કાળું’ એમ આખી વાતને જોઈ. આ બધું જો સૌના સ્વસ્થ ને ન્યાયી વિકાસ માટેનો રસ્તો ખોલતું હોય તો બાકી ટીકા જરૂર મ્યાન રાખીએ, બલકે ઘૂંટડો ગળી પણ જઈએ. પણ સાંસ્કૃતિક સ્વાતંત્ર્ય એવી નવી આઝાદી તરીકે પાંચમી ઑગસ્ટને ઘટાવી હિંદુત્વ ઉર્ફે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના હર્ષોન્માદી ખ્યાલમાં રાચવું એ ન તો સત્તાપક્ષ સારુ ઈષ્ટ છે, ન તો દેશજનતા સારુ પથ્ય છે.

પાંચમી ઑગસ્ટે દિવાળીના માહોલનું સત્તાવાર પ્રક્ષેપણ ને મીડિયા હાઇપકારાથી ઉફરાટે, મર્યાદા પુરુષોત્તમ અને ઇમામે હિંદની સાખે આ થોડાંએક હિતવચનો, જેથી ‘ગત તંદ્રા?’ એ પૃચ્છાનો વિધાયક ઉત્તર આપવાની શક્યતા ખૂલે.

ઑગસ્ટ, 12, 2020

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2020; પૃ. 01 તેમ જ 10

Loading

સૌથી વધારે અરાજકતા અત્યારે શિક્ષણનાં ક્ષેત્રમાં છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|14 August 2020

કોઈ જીવલેણ રોગ જેવું ભયંકર અત્યારે ગુજરાતનું શિક્ષણ છે. કેવળ અરાજકતા એટલે શિક્ષણ એવી નવી વ્યાખ્યા કોરોનાએ ગુજરાતને આપી છે. પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, કોલેજ એમ તમામ શિક્ષણમાં માર્ચથી જે દશા બેઠી છે એનો છેડો જણાતો નથી. શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ જતા નથી, પણ તેમની પરીક્ષાઓ ને પ્રવેશની પ્રક્રિયાઓ કોઈક સ્તરે ચાલે છે. કોણ જાણે કેમ પણ પરીક્ષાઓ લેવાનું ઝનૂન ઓછું થતું નથી. ઓનલાઈન કે ઓફલાઈન પરીક્ષાઓનો વાવર ચાલ્યા કરે છે. પરીક્ષાઓ લેવાય છે તે નક્કી છે. તે કેવી લેવાય છે ને કોણ આપે છે ને તેનું શું પરિણામ આવે છે તે અંગે કોઈ સ્પષ્ટ ચિત્ર હાથ લાગતું નથી. શિક્ષણ વિભાગ નવરો પડી ગયો હોય તેમ રોજ નવા નવા પરિપત્રો બહાર પાડ્યે જ જાય છે ને બધા શિક્ષણાધિકારીઓને તેનો અમલ કરવાના હુકમો છોડ્યે જ જાય છે ને આજ્ઞાંકિત અધિકારીઓ કશા વિરોધ કે કશી સંમતિ વગર નિર્જીવની જેમ વર્ત્યે જાય છે. કોરોનાનું જોખમ વિદ્યાર્થીઓને જ હોય ને શિક્ષકો ને અન્ય સ્ટાફને તે થવાનો જ ન હોય તેમ, વિદ્યાર્થીઓને ઘરે રાખીને ભણાવવાના ને પરીક્ષાના પેંતરા ચાલ્યા કરે છે. આખા શિક્ષણ વિભાગને, શિક્ષણમંત્રી સહિત, સારવારની જરૂર છે. એ સ્વસ્થ થશે તો બાકીનાનું કાઉન્સેલિંગ નહીં કરવું પડે એમ લાગે છે.

ઓનલાઈન શિક્ષણનું ભૂત ધૂણે છે. થોડા દિવસ પર આદિવાસી વિસ્તારોમાં બસ વ્યવસ્થા નથી, શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી, શિક્ષક ન હોવાને કારણે બે વર્ગના વિદ્યાર્થીઓને એક જ વર્ગમાં ઠાંસીને ભણાવાય છે ને એમાં કૈં ગડ ન બેસતા વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો વધતો આવે છે – એ મતલબના સમાચારો હતા. જ્યાં બસનાં ઠેકાણાં નથી, ત્યાં મોબાઈલ કે નેટની શી સ્થિતિ હશે તે સમજી શકાય એવું છે. આવામાં ઓનલાઈન શિક્ષણનું કીર્તન કરતી સરકાર, એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે કે પછી એમને ભણાવવાનું સરકારના કાર્યક્ષેત્રમાં જ નથી આવતું તે નથી સમજાતું.

એક, બીજી ખબર જોઈએ. સંયુક્ત નિયામકની સહી સાથે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરે ૧૧ ઓગસ્ટ,૨૦૨૦ને રોજ એક પરિપત્ર તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને મોકલ્યો છે તેમાં જણાવાયું છે કે સી.બી.એસ.ઈ.માંથી ધોરણ ૧૦માંથી મેથેમેટિક્સ બેઝિક સાથે અભ્યાસ કરેલ વિદ્યાર્થીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળામાં ધોરણ ૧૧(વિ.પ્ર)માં પ્રવેશ ન આપવો. આવો ઠરાવ ૭ ઓગસ્ટે કરવામાં આવ્યો છે.

આ ગુજરાત શિક્ષણ વિભાગની નકરી સંકુચિતતાનું પરિણામ છે. કેન્દ્રીય શિક્ષણ બોર્ડમાંથી ગણિત સાથે ૧૦મું પાસ કરનારનો ગુજરાત શિક્ષણ બોર્ડ પ્રવેશ નકારે તે યોગ્ય નથી. આ વખતની બોર્ડની પરીક્ષાઓ પતી ગઈ પછી કોરોનાને કારણે શિક્ષણ બંધ થયું. એ પછી ૧૦માંનું પરિણામ જાહેર થયું. એમાં ગુજરાતીમાં લાખથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા. એમાં જે પાસ થયા તે ગ્રેસિંગથી થયા હોય તો તે જીવદયા ગણવાની. ગણિતમાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ થયા હોત, પણ બોર્ડે એમાં પણ જીવદયા દાખવી. ગ્રેસિંગ એમાં પણ અપાયું. કેટલું અપાયું તે જાણવું છે? ૮૦ માર્કમાંથી પાસ થવા ૨૬ માર્ક લાવવાના રહે. હવે જો ૫ માર્ક આવ્યા હોય તો તે આઉટ એન્ડ આઉટ નાપાસ જ થાય, પણ વિદ્યાર્થી પાસ થયો. તેને એક બે નહીં, ૨૧ માર્કનું ગ્રેસિંગ અપાયું. આ કોઈ એકાદ વિદ્યાર્થીનો સ્પેશિયલ કેસ છે એવું નથી. એવું ઘણા કિસ્સાઓમાં થયું છે. એવું ન કરે તો બોર્ડનું રિઝલ્ટ ૬૦ ટકા આવે નહીં. હવે પેલો ૫ માર્ક્સ પર ૨૧ માર્ક્સ ગ્રેસિંગના મેળવીને પાસ થયેલો વિદ્યાર્થી ગુજરાત શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થી હોવા માત્રથી ૧૧માં વિ.પ્ર.માં પ્રવેશ મેળવી શકે, પણ પેલો સી.બી.એસ.ઈ.નો વિદ્યાર્થી ૧૦માંમાં ૬૦ ટકા લાવ્યો હોય તેને પ્રવેશ ન આપવાનો પરિપત્ર વિભાગ બહાર પાડે તેને શું કહીશું? આ કયા પ્રકારની નીતિ છે તે નથી સમજાતું.

શિક્ષણ વિભાગ અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સંકલનનો ભારે અભાવ છે. ભારત સરકારના ગૃહ મંત્રાલયે ૩૧ જુલાઈએ કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાની જાહેરાત કરી. તેની ખબર શિક્ષણ વિભાગને ૭ ઓગસ્ટની આસપાસ પડી ને તેણે યુનિવર્સિટીઓને ૩૧ ઓગસ્ટ સુધી વિદ્યાર્થીઓ માટે બંધ રાખવાનું ફરમાન બહાર પાડ્યું. યુનિવર્સિટીઓએ તેમ કર્યું, પણ બિચારી ભોળી એટલી કે ઓફલાઈન પરીક્ષાઓ લેવાની છે તે તેને ભાન જ ના પડ્યું, એટલે પરીક્ષાઓ ન લેવાઈ. શિક્ષણ વિભાગ તો આગબબૂલા હો ગયા ને ફતવો બહાર પાડ્યો કે આમ પરીક્ષાઓ ન લીધી તે ઠીક ન થયું. પણ તેનો અર્થ શો, કારણ પરીક્ષાઓ તો મોકૂફ થઈ ચૂકી હતી. જો કે યુનિવર્સિટીઓ હજી એ સમજી નથી શકતી કે કોલેજો વિદ્યાર્થીઓ માટે બંધ રાખીને ઓફલાઈન પરીક્ષા લેવાય કઈ રીતે? કારણ ઓફલાઈન પરીક્ષાઓ લેવી હોય તો કોલેજો ખોલવી પડે, સ્ટાફ, વિદ્યાર્થીઓ, પટાવાળાઓ બધાંને બોલાવવા પડે. હવે બધાને બોલાવો તો કોલેજ બંધ કઈ રીતે કહેવાય? કોરોનાની રસી કદાચ મળી જાય,પણ બંધ કોલેજે ઓફલાઈન પરીક્ષા કઈ રીતે લેવાય તેનો ઉકેલ મળવો મુશ્કેલ છે.

બીજો ચમત્કાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ કર્યો છે. તેણે એમ.ફિલ., પીએચ.ડી.ની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આપણું શિક્ષણ ખરેખર ખાડે ગયું છે એટલે છેલ્લી પરીક્ષામાં જે તે યુનિવર્સિટીનો જ વિદ્યાર્થી ગમે તેટલા ટકે જ પાસ કેમ ન થયો હોય તેનો ભરોસો ન કરવાનો ને તેણે એન્ટ્રન્સ એક્ઝામ તો આપવાની જ, આવી પ્રથા છે. એન્ટ્રન્સ એકઝામમાં તો છબરડાં ના જ થાય એવો સૌને વિશ્વાસ છે. હવે ગમ્મત એ છે કે પી.જી.ની પરીક્ષાઓ લેવાના કોઈ ઠેકાણાં નથી ને પીએચ.ડી.ની નોંધણી ૩૧ ઓગસ્ટ સુધીમાં કરાવી દેવાની છે. સવાલ એ છે કે એન્ટ્રન્સ ટેસ્ટની નોંધણી કેવી રીતે કરાવવાની જો પી.જી.નું જ કોઈ ઠેકાણું ન હોય? એટલે પહેલાં તો યુનિવર્સિટીએ પી.જી.ની પરીક્ષા લેવી પડે. તેનું રિઝલ્ટ આપવું પડે ને તે બધું ૩૧ ઓગસ્ટ પહેલાં આટોપવું પડે, કારણ ૩૧મી ઓગસ્ટ નોંધણીની છેલ્લી તારીખ છે. પી.જી.ની પરીક્ષા પતે કે તરત પીએચ.ડી.ની એન્ટ્રન્સ એક્ઝામ માટે તૈયાર રહેવાનું. પરીક્ષા પર પરીક્ષા. બધાં જ સ્તરે પરીક્ષાની લ્હાય ઊઠી છે. ભણવાનું થાય કે ન થાય, પરીક્ષા આપતા રહો. છે ને કમાલ! પહેલાં પીએચ.ડી., બાદમેં પી.જી.! આ લોકોનું ચાલે તો પહેલાં બી.એ. કરાવે ને પછી એસ.એસ.સી.! કોઈ પણ તઘલખ ને શેખચલ્લી પાણી ભરે એવી ભવ્ય બૌદ્ધિકતા આપણી યુનિવર્સિટીઓ, શિક્ષણ વિભાગ ધરાવે છે. ખરેખર તો પી.જી.નું રિઝલ્ટ ન આવે ત્યાં સુધી, એમ.ફિલ., પીએચ.ડી.નું રજિસ્ટ્રેશન કરવું જ ન જોઈએ. એમાં એ તો જણાવવાનું હશે જ ને કે પી.જી.નું રિઝલ્ટ શું છે? કે એ રિઝલ્ટ વગર પણ રજિસ્ટ્રેશન શક્ય છે? નથી ખબર !

પરીક્ષા લેવાનો આગ્રહ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને પણ રાખ્યો છે. કોઈ પણ વિદ્યાર્થીને પરીક્ષા વગર ડિગ્રી નહીં મળે એવી જાહેરાત યુ.જી.સી.એ કરી છે. મામલો કોર્ટમાં છે, છતાં યુ.જી.સી.એ સ્પષ્ટ કર્યું છે કે પરીક્ષા લેવાશે જ ને તે વગર ડિગ્રી નહીં મળે. વિદ્યાર્થીઓની માંગ એવી છે કે છેલ્લા રિપોર્ટને આધારે પરિણામ જાહેર કરવામાં આવે, પણ યુ.જી.સી.એ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં પરીક્ષાનું આયોજન કરવાની સૂચના આપી છે ને ઓનલાઈન તેમ જ ઓફલાઈન પરીક્ષાઓના વિકલ્પો પણ ખુલ્લા રાખ્યા છે.

એ વાત સ્વીકાર્ય કે ગ્રેજ્યુએશન કે પોસ્ટગ્રેજ્યુએશન લેવલની પરીક્ષાઓ લેવાવી જોઈએ ને તેને આધારે જ ડિગ્રી આપવી જોઈએ, પણ જે પ્રકારની સ્થિતિ મહામારીએ કરી છે એમાં પરીક્ષા લેનાર કે આપનારની મનોદશા એવી નથી કે સ્વસ્થ ચિત્તે પરીક્ષા લઈ કે આપી શકાય. માર્ચ મહિનાથી જે વાતાવરણ બન્યું છે એમાં પૂરું ભણાયું નથી કે નથી પૂરું ભણાવાયું. પરીક્ષા થશે કે નહીં એની અનિશ્ચિતતાએ, વારંવાર પરીક્ષાની તારીખો બદલાયા કરવાથી વિદ્યાર્થીઓ સતત દ્વિધામાં, મૂંઝવણમાં રહ્યા છે ને એ સ્થિતિમાં ક્યારે ફેર પડશે એની આગાહી થઈ શકે એમ નથી. એમાં શિક્ષણ વિભાગની અસ્વસ્થતાથી મુશ્કેલીઓ જ વધી છે. સૌથી મોટી મુશ્કેલી સંકલનની, કોમ્યુનિકેશનની છે. સ્કૂલો જોડે, કોલેજો જોડે શિક્ષણ વિભાગ સ્વસ્થતાથી વર્તી શકતો નથી ને તુક્કાઓ પર આખો કારભાર ચાલે છે. બેઠકો, ઠરાવો થાય છે પણ તેમાં લાંબુ વિચારીને યોગ્ય નિર્ણયો લેવાતા નથી. ઉદાહરણ તરીકે જો ઓફલાઈન પરીક્ષા લેવાની હોય તો કોલેજ ખોલવી પડે ને આદેશ કોલેજો બંધ રાખવાનો શિક્ષણ વિભાગે જ આપ્યો હોય તો કોલેજ બંધ પણ રહે ને ખુલ્લી પણ રહે એવું એક સાથે કઈ રીતે બને તે વિભાગે સમજાવવું જોઈએ. એ અત્યંત દુ:ખદ છે કે કોઈ, કોઈને વિશ્વાસમાં લેતું જ નથી ને સૌ મનસ્વી રીતે વર્તે છે ને એમાં પોતાનું ભલું તો કદાચને થતું હશે, પણ શિક્ષણનું દળદર એથી ફીટતું નથી.

૦

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ’આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 14 ઑગસ્ટ 2020

Loading

આ મુશ્કેલ સમયમાં (34)

સુમન શાહ|Opinion - Opinion|14 August 2020

કોરોના-વિભીષિકા પ્રચણ્ડ વેગે પ્રસરી રહી છે. તેથી એક સાર્વત્રિક ચિન્તા પણ પ્રસરી રહી છે. ખાસ ચિન્તા તો એ છે કે શિક્ષણનું અને કેળવણીનું શું થશે – યુવા પેઢીને શી રીતે શું આપી શકાય એમ છે? સર્જકો, કેળવણીકારો, બુદ્ધિમાનો અને ભાવનાશીલ વ્યક્તિવિશેષો એ દિશામાં પોતાથી થાય એ બધા જ પ્રયાસો કરી રહ્યા છે …

એ જોઈને મને થાય છે કે માનવ્ય એના મૂળ સૂરમાં ગુંજી રહ્યું છે …

આવી જ કશી માનસિકતા વચ્ચે મેં ગઈ કાલે ભાવનગર યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના પીએચ.ડી. સ્ટુડન્ટ્સના ઑનલાઇન ક્લાસમાં સંશોધનપરક એક વ્યાખ્યાન આપ્યું.

અહીં એનું લેખ-સ્વરૂપ સાહિત્યના સૌ અધ્યાપકો અને વિદ્યાર્થીઓને સમર્પિત કરું છું :

•••

મારા સંશોધનકાર્ય વિશેના મારા અનુભવો / સુમન શાહ

વિભાગના અધ્યક્ષ પ્રિય મહેન્દ્રસિંહ અને સૌ વિદ્યાર્થીમિત્રો :

નમસ્કાર.

સંશોધન વિશે બોલવું અને સંશોધન કરવું – એ બે વાતોમાં, બોલવું સહેલું છે. સંશોધન કરવું જ મુશ્કેલ છે. તમે બધાં એ મુશ્કેલ કાર્યમાં લાગી ગયાં છો એ સારી વાત છે, એમાં સફળતા માટે તમને સૌને આગોતરી શુભેચ્છાઓ પાઠવું છું.

મારે તમને એ જણાવવું છે કે મુશ્કેલ સંશોધન સમ્પન્ન થાય છે ત્યારે જગ જીત્યાનો સંતોષ થાય છે. એ સંતોષ બેજોડ હોય છે.

મારે તમને એ પણ જણાવવું છે કે સાહિત્યિક સંશોધનની સફળતાના મૂળ આધાર શું છે.

પીએચ.ડી. પદવી માટેના મારા સંશોધનનો વિષય હતો : ‘સુરેશ જોષી, તેમનું સાહિત્ય અને તેનો આધુનિક ગુજરાતી સાહિત્ય પરનો પ્રભાવ – એક અધ્યયન’ : ૧૯૭૮માં એનું ‘સુરેશ જોષીથી સુરેશ જોષી’ ગ્રન્થ રૂપે પ્રકાશન થયું છે. ૨૦૦૦માં એની બીજી આવૃત્તિ થઈ છે.

તમે જાણો છો કે મેં ‘સાહિત્યિક સંશોધન’ પુસ્તિકા પણ લખી છે. પણ નૉંધો કે તે પહેલાં મેં આ સંશોધનકાર્ય કર્યું છે – પહેલાં અનુભવ અને પછી શાસ્ત્ર.

મારા આ વ્યાખ્યાનનું આજે એ મધ્યબિન્દુ છે – પહેલાં અનુભવ, પછી શાસ્ત્ર.

મને ચાર વર્ષ લાગેલાં – ૧૯૭૩થી ૧૯૭૭. ત્યારે હું બોડેલી કૉલેજમાં પ્રિન્સિપાલ હતો. મારી ઉમ્મર ૩૪-૩૫ હતી.

રોજ રાતના ૮થી ૨ લગી બધો ઉદ્યમ ૬ કલાક લગી ચાલતો. જમ્યા પછી પાણી વધારે પી લેતો જેથી એ ૬ કલાક દરમ્યાન બ્રેક લેવાનું અનિવાર્ય થઈ પડે. મારા જિગરી દોસ્ત રાધેશ્યામ શર્માએ મને એક ટૅબ્લેટ બતાવેલી – નામ ભૂલી ગયો છું – એ લેવાથી ઉજાગરાને સુખદ રાખી શકાતો’તો, ઊંઘ ન્હૉતી આવતી. જમીને તરત લઈ લેતો.

જુઓ, સંશોધનનું લેખનકાર્ય પૂરું થાય તે દિવસે બહુ જ સારું લાગે. એ પછી ટાઇપ કરાવવાનું – આવડતું હોય તો જાતે કરવાનું. મારા ટાઇપિસ્ટને મેં પૂછેલું – બે લાઇન વચ્ચે આટલી મોટી સ્પેસની શી જરૂર છે? તો કહે – સાહેબ, થીસિસમાં એટલી તો જોઈએ જ. એણે બારસોથી વધારે પેજ કરેલાં. એની પાંચ નકલો બાઇન્ડ થઈને આવી ત્યારે એ મહા ગ્રન્થના વજનનો અંદાજ આવ્યો. દરેક નકલ ઓછામાં ઓછા ત્રણ કિલોની હશે. પણ એને યુનિવર્સિટીમાં સબ્મીટ કરીને ઘેર પાછો ફર્યો ત્યારે જે હાશ થઈ, એ અવર્ણનીય છે.

એ સમયગાળા દરમ્યાન નવનિર્માણ આંદોલન શરૂ થયેલું. ત્યારે બન્ને દીકરાઓને સારી શાળામાં ભણવા મળે એ હેતુથી વડોદરામાં ઘર શરૂ કરેલું. હું બોડેલીથી વડોદરા શનિ-રવિ જ જઈ શકતો. સ્વજનોથી વિયોગ સ્વીકારી લીધેલો.

સંશોધન પ્રકાશિત થાય છે, પુસ્તક રૂપે, ત્યારે સંતોષ એ ગ્રન્થના અર્પણમાં ઠરતો હોય છે – જાણે, માતાના ખૉળામાં નવજાત બાળક ! હું હંમેશાં મારાં પુસ્તકોનાં અર્પણ લખતી વખતે પ્રસન્ન હોઉં છું. જો કે જેને અર્પણ કર્યું હોય એ ભાઈ કે બે’ન મને ભાગ્યે જ કશો પ્રતિભાવ પાઠવે છે. પુસ્તક ભેટ આપું ત્યારે ય મને શંકા બલકે ખાતરી હોય કે નહીં વાંચે, વાંચશે તો કશું પણ કહેશે નહીં. મારા લેખોનાં ‘બહુ સરસ છે’, ‘ખૂબ જ મજા આવી’ જેવાં મૌખિક વખાણ બહુ જ સાંભળવા મળે છે, કેટલાં તો મને ‘લાઇક્સ’ મળે છે, પણ મને ખબર હોય છે કે વાતમાં કેટલો માલ છે. પણ તમને કહું? કશું જ ન બોલતા પેલા અઠંગ દમ્ભી મુનિઓ કરતાં આ બધાં વખાણકારો ને ‘લાઇક’વાળાં ઘણાં સારાં – ટહુકો કરી હાજરી તો પુરાવે છે …

એટલે પહેલી આવૃત્તિના અર્પણમાં લખ્યું છે : સ્વજનો : રશ્મીતા, પૂર્વરાગ, મદીરને – જેમણે એ કાળા દિવસો અને સફેદ રાતો દરમ્યાન ઊછળતા-ઊછરતા વિયોગ-અશ્વને ઝાલ્યો, પડકાર્યો : સાહિત્યજન યશવન્ત શુક્લને અર્પણ કરતાં લખ્યું છે – જેમણે મારામાંના ‘વિદ્વાન’ને એની નાની વયે જ જાણ્યો અને જણાવ્યો : ૧૯૬૧માં હું જુનિયર બી.એ.માં હતો ત્યારે યશવન્તભાઈએ પ્રિન્સિપાલ ભાઈલાલભાઈ કોઠારીને કહેલું કે તમારે ત્યાં એક વિદ્વાન ઊછરી રહ્યો છે, એનું ધ્યાન રાખજો.

બીજી આવૃત્તિનું અર્પણ મેં મારાં સૌ વિદ્યાર્થીઓને કર્યું છે. લખ્યું છે : જેમણે મને વર્ગમાં સાંભળ્યો અને વર્ગચૈતન્યના મારા મૉંઘા અનુભવને નિરન્તર સમૃદ્ધ કર્યો : મેં તપાસ નથી કરી પણ લોકો એમ કહે છે કે છેલ્લા પાંચ-છ દાયકામાં પીએચ.ડી.ના કોઈ સંશોધન-ગ્રન્થની બીજી આવૃ્ત્તિ થઈ હોય તો તે ‘સુરેશ જોષીથી સુરેશ જોષી’-ની …

આમ, મુશ્કેલ સંશોધનને અન્તે સંતોષનું આવું અનેરું સુખ સાંપડે છે. આ હકીકતને દરેક સંશોધકે મનમાં રાખવી અને ખૂબ જ શ્રમ લઈને સંશોધનકાર્યમાં મચ્યા રહેવું. એથી જીવન એટલો સમય તો ખૂબ જ અર્થપૂર્ણ લાગશે.

જુઓ, સંશોધનની સર્વસામાન્ય મૅથડોલૉજીનું મહત્ત્વ જરૂર છે. એને આપણે સાયન્ટિફિક મૅથડ ઑફ ઇન્ક્વાયરી કહીએ છીએ.

પરન્તુ આ વાત બરાબર સમજી લેવી જોઈશે કે દરેક સંશોધનકારે પોતાના વિષયને ન્યાય મળે એવી આગવી પદ્ધતિ જાતે ઉપજાવવી પડે છે. એ તૈયાર નથી મળતી. એ મળે છે વિષય સાથેના પ્રગાઢ સમ્બન્ધ અને અનુબન્ધથી.

મારી પદ્ધતિની થોડીક વાત કરું : હું સુરેશ જોષીને એક પણ શબ્દ ચૂક્યા વિના ક્લોઝલિ વાંચી જતો. એમના દરેક મન્તવ્યને પૂરા ધ્યાનથી સમજતો. એમની દરેક સર્જનાત્મક વસ્તુને મન-હૃદયમાં એવી તો ઠરવા દેતો જેથી મને રસાનુભવ થાય. એ પ્રકારના અભિગમનું પરિણામ એ આવેલું કે એમની સૃષ્ટિ વિશે મારો પોતાનો આગવો સ્વકીય પ્રતિભાવ બંધાવા લાગેલો. અને એટલે, સ્વાભાવિકપણે, સુરેશ જોષી વિશેના અન્યોના પ્રતિભાવો પણ મને ફટાફટ દેખાવા લાગેલા. એક જાતના સરવાળા-બાદબાકી ચાલેલાં.

આ મુદ્દા માટે મારે એમ કહેવું છે કે આ પ્રકારના સ્વકીય તેમ જ અન્યોના પ્રતિભાવોનું સંશોધનમાં પાયાનું મહત્ત્વ છે.

તમે સાંભળ્યું જ હશે કે કોઈ પણ સંશોધકે સૌ પહેલાં સામગ્રીચયન કરવાનું હોય છે – ડેટા કલેક્શન. એ સામગ્રી પર કામ કરવાનું અને તો જ એ પર સંશોધનની ઇમારત ચણી શકાય.

જુઓ, શુદ્ધ વિજ્ઞાનોની – પ્યૉર સાયન્સિસની અને પ્રાકૃતિક વિજ્ઞાનોની – નેચરલ સાયન્સિસની સામગ્રી પ્રકૃતિ કે ભૌતિક પદાર્થો છે, વિચારસંરચનાઓ કે આંકડાઓ પાછળના નિયમો છે. એ સામગ્રી નકરા રૂપે મળે છે ને તે પર સીધું જ કામ શરૂ કરી દેવાય છે. પણ સમાજવિજ્ઞાનોની સામગ્રી જુદી છે. મોટો ફર્ક એ છે કે સમાજવિજ્ઞાનોમાં તેમ જ માનવવિદ્યાઓમાં, અને તેમાંયે સાહિત્યકલામાં, બધું માનવ સાથે જોડાયેલું હોય છે. સાહિત્યનો સર્જક માનવ, ભાવક માનવ, સમીક્ષક માનવ અને સંશોધક પણ માનવ.

એ મુખ્ય કારણે, સામગ્રી મેળવવાનું સરળ નથી હોતું. કેમ કે બધું મનુષ્યના ચિત્ત અને હૃદય સાથે ગૂંથાયેલું બલકે ગૂંચવાયેલું હોય છે. જુઓ ને, ગણિતવિષયક સંશોધન સીધેસીધું પોતાના લક્ષ્ય પ્રતિ આગળ ધપતું હોય છે પણ સાહિત્યવિષયક સંશોધન અટકતું ને ક્યારેક તો ખોડંગાતું ચાલતું હોય છે. સાહિત્યિક સંશોધનની આ સામગ્રીપરક વિલક્ષણતા ઘણી નિર્ણાયક વસ્તુ છે. એને નજરઅંદાજ કરીએ તો પરિણામો સારાં ન આવે બલકે સંશોધક વિપથગામી બની ગયો હોય, અવળા માર્ગે ચડી ગયો હોય, છતાં એને તો એમ જ લાગે કે પોતે ઉચિત માર્ગે જઈ રહ્યો છે.

મોટો સવાલ એ છે કે સાહિત્યિક સંશોધનમાં સામગ્રીચયન શી રીતે થાય છે. સામગ્રી શું છે ને તેને ક્યાં શોધવી?

ધારો કે આપણે મુનશીની નવલકથાઓ વિશે સંશોધન હાથ ધર્યું છે, તો શું એમની ‘ગુજરાતનો નાથ’ વગેરે તમામ નવલકથાઓના ઢગલાને સામગ્રી ગણવી? ‘અડધે રસ્તે’, ‘સીધાં ચઢાણ’ અને ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’ એમ ત્રણ ત્રણ પુસ્તકમાં એમણે આપેલી એમના જીવનની ઝીણીમોટી વીગતોને સામગ્રી ગણવી? અને એ બધી નવલકથાઓના ટૂંકસારને સામગ્રી ગણવી? આપણે ત્યાં સામાન્ય સંશોધકો એમ જ કરતા હોય છે. એક ભાગમાં ‘જીવન’ ને બીજામાં ‘કવન’. એક જમાનામાં એવાં બે અડધિયાંથી બંધાયેલા પુસ્તકને સંશોધન ક્હૅવાતું'તું !

એવો સંશોધક મુનશીએ સરજેલી શબ્દસૃષ્ટિને પોતાની રીતેભાતે કાપીકૂપીને નવેસરથી રજૂ કરતો હોય – એટલે કે, સુગરીના માળાના તન્તુ તન્તુને, તરણાં તરણાંને, આવડે એવી રીતે છૂટાં પાડતો હોય, ને પછી, આવડે એવી રીતે જોડી દેતો હોય. એ પ્રકારે મૂળનું માત્ર રીનોવેશન કે રીફર્બિશમૅન્ટ કરી નાખવું તે સંશોધન નથી, ડિગ્રી મેળવી લેવાનો સસ્તો કીમિયો છે.

એમાં, આપણે એવું કશું જ ભાળી શકતા નથી જેને શોધન કે સંશોધન કહી શકાય. એટલું જ નહીં, એ જેવી કંઈ પદ્ધતિ પર ઊભું હોય છે – જો એને પદ્ધતિ કહી શકાતી હોય તો – તેને કદી આપણે રીસર્ચ મૅથડોલૉજી નથી કહી શકતા. એ સાન્ટિફિક મૅથડ ઑફ ઇન્કવાયરી નથી હોતી.

એનું મુખ્ય કારણ એ કે એના પાયામાં ડેટા નથી હોતો. ડેટાના મૂળમાં રહેલી રસાનુભૂતિ હોતી નથી. રસાનુભૂતિના મૂળમાં રહેલું ભાવન નથી હોતું. ભાવનના મૂળમાં રહેલું સઘન વાચન નથી હોતું. જો વાચન, ભાવન અને રસાનુભૂતિ નહીં હશે તો પ્રતિભાવ બંધાશે નહીં. અને પ્રતિભાવ બંધાશે નહીં તો જેના પર કામ કરી શકાય એ ડેટા કે એ સામગ્રી હાથ આવશે નહીં.

વિષય સાથેના સમ્બન્ધ અને અનુબન્ધનું ફળ તે આ રીતેભાતે મેળવાયેલી સામગ્રી. એને હું સાહિત્યિક સંશોધનનો મૂળાધાર ગણું છું, એથી સંશોધનનો શુભારમ્ભ થાય છે.

અને એવા શુભારમ્ભ પછી હું સુરેશ જોષી પરના મારા શોધકાર્યમાં આગળ ધપતો હતો. મારી એ આગળની પદ્ધતિ કેવી હતી તેની પણ થોડી વાત કરું :

જુઓ, સાયન્ટિફિક મૅથડ ઑફ ઇન્ક્વાયરીને આપણે જ્ઞાન-સમ્પાદનની વિવિધ પદ્ધતિઓમાં શ્રેષ્ઠ ગણીએ છીએ. કેમ કે સાયન્ટિફિક મૅથડ સંશોધકને મનઘડંત તરીકાઓથી છૂટો કરે છે ને એને તર્કપૂત શોધમાં દોરી જાય છે. એટલે એથી મળેલા જ્ઞાનને સામો માણસ પોતાની તર્કબુદ્ધિથી ચકાસી શકે છે ને તેથી કરીને તેનો સ્વીકાર કરી શકે છે.

બાકી, વ્યક્તિને રીવિલેશનથી પણ જ્ઞાન તો થાય જ છે – એકાએક જાદુ જેવું થાય ને પ્રકાશ થાય ને જ્ઞાન પ્રગટે કે વસ્તુ આમ છે. બાબા વાક્યમ્ પ્રમાણમ્-ની રીતે પણ જ્ઞાન મેળવાય જ છે. જેમ કે, ગુરુ અને વડીલો પાસેથી એટલે કે આપ્તજનો પાસેથી વ્યક્તિ જ્ઞાન મેળવી શકે છે. વ્યક્તિને સહજસ્ફુરણા પણ થતી હોય છે – ઇન્ટ્યુઇશન, હૈયાસૂઝ, એથી પણ જ્ઞાન થાય. એ કહે કે સાંજ સુધીમાં પોતાને તાવ આવશે ને તાવ આવે ! માણસ કૉમન સૅન્સથી પણ ઘણું શીખતો હોય છે. બારીએથી એ ભૂસકો નથી મારતો. અંગારાની મૂઠી નથી ભરતો. કેમ કે એ તો કૉમન સૅન્સની વાત હોય છે. એટલી અક્કલ તો સામાન્ય છે. એ માટે એણે જ્ઞાની બનવું જરૂરી નથી.

પરન્તુ, આમાંની એક પણ રીત સંશોધનમાં ન ચાલે. દાખલા તરીકે, કૉમન સૅન્સ ખરી પણ એનો માલિક કોણ તે નથી જાણી શકાતું. તમે કોની કૉમન સૅન્સમાં વિશ્વાસ કરો? જ્ઞાન-સમ્પાદનની એ દરેક રીતમાં મારે માની લેવું પડે છે કે જે સમજાય છે એ બરાબર છે. એ એકેયમાં દલીલ તેમ જ તર્કથી કરી શકાતી ચકાસણીને સ્થાન જ નથી બલકે એટલે લગી પ્હૉંચવું જ અશક્ય હોય છે. પાણી પર ફૂંક મારીને રોગ મટાડવાનો દાવો કરતા પાખણ્ડી બાબાને પ્હૉંચી વળવાનું અશક્ય જ છે.

સાહિત્યિક સંશોધનોએ સંપડાવેલાં સત્યોને ૧+૧=૨ એમ પુરવાર નથી કરી શકાતાં એ ખરું પણ વિજ્ઞાનીય પદ્ધતિ-મતિએ સત્યોને અનેક લોકો સ્વીકારી શકે એવી બહુસમ્મતિ લગી વિકસાવવાનું હંમેશાં શક્ય હોય છે.

હું પ્રતિભાવો પર કામ કરતો હતો ત્યારે, મને જે અને જેવું સૂઝે તેને ખરું જ ગણીને ન્હૉતો ચાલતો. કોઈ મોટા વિવેચકે સુરેશભાઈની પ્રશંસા કે ટીકા કરી હોય તેના પર હું આંધળો વિશ્વાસ ન્હૉતો જ મૂકતો. સુરેશભાઈની કોઇપણ સર્જનાત્મક ગુણવત્તા બાબતે હું સહજસ્ફુરણાથી ન્હૉતો જ દોરવાતો. વાચન દરમ્યાન, સાથે સાથે, હું નિરીક્ષણપૂર્વક કાળજીભરી નૉંધો કરતો’તો. ધીમે ધીમે સરખે સરખા મુદ્દા ધરાવતી નૉંધોનાં હું વર્ગીકરણ કરવા લાગેલો. પછી એ પર વિચાર-મનન ચાલે, વિભાવનાઓ બંધાય, અર્થઘટન શરૂ થાય. અને છેવટે મને સારરૂપ કશોક સર્વસામાન્ય વિશેષ જડી આવે.

સુરેશ જોષીરચિત ટૂંકીવાર્તામાં ‘સન્નિધીકરણ’-નો વિશેષ મને એ રીતે જ જડી આવેલો. સુરશ જોષી ‘કલ્પનનિષ્ઠ’ સાહિત્યકાર છે એ સાર પર પણ હું એ રીતે જ પ્હૉંચેલો. આ બન્ને શોધ-વસ્તુઓ પર મારો વાચક તર્કપુર:સર વિચારે તો એમાં એને કશું ન સ્વીકારવા જેવું નહીં લાગે, બલકે એ એને વધાવી લેશે, ને એ પ્રકારે સુરેશ જોષીની સર્જકતાને વિશેનું એ જ્ઞાન પ્રસરશે. હા, ત્યારે એ ભાઈ મારું નામ ન લે અને બધું પોતે શોધી કાઢ્યું છે એમ ઠઠાડે, તો એમ થવાનો પૂરો સંભવ છે. રાજકોટની એક સભામાં એમ બનેલું. સુરેશ જોષી વિશે એ વક્તાશ્રી મારું જ બધું, લગભગ મારા જ શબ્દોમાં, બોલ્યે જતા’તા, એમને ખબર ન્હૉતી કે સભામાં હું હાજર હતો.

પણ આજે હું ખુશીથી એમ ઉમેરું છું કે જ્ઞાન તો પોતાના સતને પ્રતાપે પ્રસર્યા જ કરે છે, ભલે ને ચોરો એને ચોરી જતા …

મારે તમને એ જણાવવું છે કે આટલું અંકે કરીએ : રસાનુભૂતિ લગી લઈ જાય એવું સઘન વાચન કરીએ : પ્રતિભાવસ્વરૂપ સામગ્રી પર કામ કરવા તર્કપૂત શોધમાં દોરી જનારી સાયન્ટિફિક મૅથડને અપનાવીએ કેમ કે એનું પણ પાયાનું મહત્ત્વ છે, એ પણ મૂળાધાર છે.

પેલા સંતોષ સાથે જોડાયેલા બે પ્રસંગો કહું :

આપણે થીસિસ યુનિવર્સિટીમાં સબ્મીટ કરી દઈએ પછી ચિન્તા રહે કે તપાસવા માટે કયા પરીક્ષકને મોકલશે. વાયવા લેવા કોણ આવશે. આજકાલ એ ચિન્તાસંભવ ટળ્યો હશે કેમ કે કહે છે કે પરીક્ષકો જાતે જ પોતાનું નામ ફોડી દેતા હોય છે. મારા ગામમાં એક સી.આઈ.ડી. હતો, એ સૌને કહેતો ફરે કે – જોજો હાં, હું સી.આઈ.ડી. છું …

બનેલું એવું કે મારા આ સંશોધનકાર્યના પરીક્ષણ માટે કોઈ વિદ્વાન મળતો ન્હૉતો. એક પ્રથિતયશ વિવેચકે કહેલું કે એમની આંખો નબળી પડી છે, પાણી પડે છે. એ પછી બીજા બેત્રણ જણે સુરેશભાઈનું નામ જોઈને જ ના પાડેલી. ચં.ચી. મહેતા મારા વાઇવામાં આવેલા. એમણે થીસિસ વાંચ્યો જ હોય પણ મને કહે : અમે તો સુરેશને એવો કંઈ મોટો નથી માનતા : મારે શું કહેવું? પળભર મૂંઝાયેલો, પણ તરત કહેલું : મોટા-નાનાનો સવાલ અસ્થાને છે, એઓ જે અને જેવા છે તે મેં બરાબર દર્શાવ્યા છે. તો કહે – ઠીક; પણ આ ભદ્ર બુટાલા ક્યાંનો લેખક છે જેનું નામ તમે ટાંક્યું છે? મેં કહ્યું એ લેખક નથી પણ સુરેશભાઈનાં પુસ્તકોનો પ્રકાશક છે; એનું નામ મારા થિસિસના ઔપચારિક નિવેદન-માં છે, નહીં કે થીસિસની મેઇન ટૅક્સ્ટમાં. તો કહે – ઠીક … હું તો સુરેશભાઇવિષયક વિચારોથી ધમધમતો હતો, પણ મારો વાઇવા, આમ, એમના ઠીક ઠીકથી પતેલો … જો કે મને સંતોષ અને આનન્દ એ વાતનો હતો કે મારા સમુચિત ઉત્તરોને પ્રતાપે એમને ઠીક ઠીક સિવાયનું કશું જ સૂઝ્યું ન્હૉતું …

હું ૧૯૭૭માં ભાષાભવનમાં જોડાયો. એના ઇન્ટર્વ્યૂ વખતે થીસિસ પ્રકાશિત નહીં થયેલો. ઇન્ટરવ્યૂ-કમિટિમાં બેઠેલા એક વિદ્વાન મને કહે – ભાઈ, તમારો થીસિસ પ્રકાશિત નથી અમારે શું માનવું? મેં કહેલું : તમે મને પ્રશ્ન પૂછી શકો છો, કોઈપણ પ્રશ્ન : એમના ચિત્તમાં પ્રશ્ન જન્મે એ પહેલાં જ વાઇસ ચાન્સેલર ઈશ્વરભાઇ પટેલે એમને એ સંકટમાંથી બચાવી લીધેલા; કહેલું : એનો થીસિસ પ્રગટ છે એમ માનીને તમે એને બીજું જે પૂછવું હોય એ પૂછો : મને સંતોષ અને આનન્દ એ વાતે થયેલો કે હું ભાષાભવનમાં નિમાયેલો અને તે કારણે ત્યાં મારી કારકિર્દીનાં સર્વાધિક વર્ષો સુખે વીતેલાં – પૂરાં ૨૭.

આ સંતોષ અને આનન્દના વિકાસ માટે છેલ્લી વાત કરું : દરેક સંશોધકે પોતાના સંશોધનના વિષયક્ષેત્રમાં કારકિર્દી દરમ્યાન એ જ દિશામાં પણ કામ કર્યા કરવું જોઈએ. એથી સંતોષનો વિકાસ થશે, સંતોષમાં વૃદ્ધિ થશે. એટલું જ નહીં, એ વિષય પર એ સંશોધકની માસ્ટરી આવશે, એના નામનો એક હોલમાર્ક અથવા સ્ટામ્પ ઊભો થશે. વ્યક્તિ ‘પ્રૉફેસર ઑફ ગુજરાતી’ નહીં પણ ‘પ્રૉફેસર ઑફ ધ સુરેશ જોષી’સ જનાન્તિકે’ કહેવાશે. એને હું સંશોધનની ચરમ સિદ્ધિ ગણું છું.

સૌનો આભાર and please take care …

= = =

(August 14, 2020: Ahmedabad)

Loading

...102030...2,2252,2262,2272,228...2,2402,2502,260...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved