Opinion Magazine
Number of visits: 9965629
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બાપીકા ઓરતા : વર્ણ ને વારસાની વાતડિયું

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|28 October 2020

‘આ જુદે જુદે સ્થળે વસતા ગુજરાતીઓ આજે શાથી એક બને છે ? એમને શું એક બનાવે છે ? ગુજરાતીપણું – ગુજરાતીતા – ગુજરાતની અસ્મિતા એટલે શું ? એ વધે છે કે ઘટે છે ? વધે છે તો કેટલી ને કેવીક વધે છે ?

‘આ અસ્મિતા શબ્દ 1913 – 14માં હું ‘યોગસૂત્ર’માંથી આપણા ઉપયોગમાં ખેંચી લાવ્યો, ત્યારથી હું તેના પર વિચાર કરું છું, અને તેને પોષે એવી સામગ્રી એકઠી કરું છું. અમે જન્મે ગુજરાતી છીએ, અમે ગુજરાતી બોલીએ છીએ, અમારા સંસ્કાર ગુજરાતી છે એમ કહ્યે આપણામાં ગુજરાતી અસ્મિતા આવતી નથી. અસ્મિતા જે મનોદશા સૂચવે છે તેના બે અંગ છે : ‘હું છું’ અને ‘હું હું જ રહેવા માગું છું’, એમાં એક વ્યક્તિત્વની સુરેખ કલ્પના અને એ વ્યક્તિત્વને હસ્તીમાં રાખવાનો સંકલ્પ બન્ને રહ્યાં છે. જ્યારે આપણે ‘ગુજરાતની અસ્મિતા’ શબ્દો ઉચ્ચારીએ છીએ ત્યારે કયા અને કેવા ગુજરાતની કલ્પના સેવીએ છીએ ? ને કયા ગુજરાતને હસ્તીમાં આણવાનો સંકલ્પ કરીએ છીએ ?’

સન 1937માં કરાંચી મુકામે મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના તેરમા અધિવેશન પ્રસંગે પ્રમુખસ્થાનેથી આપેલાં વ્યાખ્યાનમાં કનૈયાલાલ માણેકલાલ મુનશીએ આમ કહેલું.

આ વ્યાખ્યાન અંગે આચાર્ય આનન્દશંકર બાપુભાઈ ધ્રુવે ‘સાહિત્યવિચાર’માં વિષદ છણાવટ કરી છે. “વસંત” સામયિકના વર્ષ 36ના (શ્રાવણ-આશ્વિન, સં. 1993) ત્રીજા અંકમાં આનન્દશંકરભાઈ લખતા હતા : ‘અમે નિખાલસપણે કહીશું કે વર્તમાન સમયમાં પ્રાન્તિક સ્વરાજ્યને લીધે પ્રાન્તિક ‘અસ્મિતા’ ભારતના અભેદદર્શનમાં વિઘ્નકર થવાનો ભય છે.’ આગળ વધતાં એ કહેતા હતા : ‘… પ્રાન્તીય સ્વરાજ્યના આ દિવસોમાં હિન્દસમસ્તની એકતાની ભાવના લક્ષ્ય બહાર જતી રહેવાનો અમને ભય છે. અમે તો એક ગૂજરાતી તરીકેની આપણી અસ્મિતા વધારે ઉત્કટ ન બની જાય તેટલા માટે વ્યક્તિત્વવાદી વાચકોને વિચારવા વીનવશું કે રા. મુનશી જેને ગૂજરાતનું ‘સાંસ્કારિક વ્યક્તિત્વ’ કહે છે એના ઘટક અવયવો શા છે, કે જે ભારતની સામાન્ય સંસ્કૃતિમાં નથી અને જે ગૂજરાતની વિશિષ્ટતા બતાવે છે ? અમને તો ભાગ્યે કોઈ જડે છે.’

તળ ગુજરાતથી વળોટી એક મોટો સમૂહ દરિયાપાર જઈ વસ્યો છે અને આશરે સવાસો જેટલા દેશોમાં આ જમાત સ્થાયી બની છે. તેથી મુનશી સૂચવી અસ્મિતાની વ્યાખ્યા આજે કેટલે અંશે આ નવોદિત સંદર્ભે કારગત નીવડે ? આનન્દશંકરભાઈ તો ભારતના અભેદદર્શનમાં આ વિઘ્નકર થાય તેમ જણાવતા હતા. જાગતિક પરિપ્રેક્ષ્યે જોઈએ, વિચારીએ તો ય આજે આ વિચાર મુદ્દે વિશેષ ગાબડાં પડે તેમ સહજ દેખાઈ આવે.

હવે બીજી પાસ, બરાક ઓબામા લિખિત ‘ડૃીમ્સ ફ્રૉમ માઇ ફાધર – ઍ સ્ટોરી ઑવ્ રેઇસ એન્ડ ઇન્‌હેરિટન્સ’[બાપીકા ઓરતા : વર્ણ ને વારસાની વાતડિયું]માંથી પસાર થતા થતા ઓળખ [identity], વર્ગ [class], વર્ણ [race] સરખા પેચીદા કોયડાઓ સતત અથડાયા કર્યા. અને પરિણામે ન અહીંના, ન તહીંના તેમ ત્રિશંકુ શી હાલતમાં લપેટાયા હોઈએ તેમ લાગ્યા કરે છે.

બરાક ઓબામા વકીલાતનું ભણી રહ્યા હતા. હાર્વર્ડ લૉ સ્કૂલનો અભ્યાસ ચાલતો હતો. તેવાકમાં ‘હાર્વર્ડ  લૉ રિવ્યૂ’ના પ્રમુખપદે એમની વરણી થાય છે. અને ચોમેર જે કંઈ સમાચારો પ્રસિદ્ધ થયા તેને આધારે એક પ્રકાશન જૂથે બરાકભાઈને અમેરિકી વર્ણભેદ સંબંધક પુસ્તક કરવાનો પ્રસ્તાવ મુક્યો. ડિગ્રી મળ્યા કેડે એક વરસનો સમયગાળો લઈને પુસ્તક કરવાનું એ કબૂલે છે. પરંતુ તે ત્યારે એમ કરી ન શક્યા. ઓબામા શિકાગોમાં પગ ખોડી રહ્યા હતા. મિશેલ જોડે ઘરસંસાર માંડે છે અને નાનુંમોટું કામ કરે છે. પણ પેલો કીડો સળવળ્યા કરે છે. પુસ્તક ન થયાનો વસવસો ભીસતો ય રહ્યો છે. અને તે પોતાની માતા, સ્ટેન્‌લી એન ડનહામ પાસે ઇન્ડોનેશિયા જઈ પુસ્તકના લેખનમાં પરોવાય છે. માતા માનવશાસ્ત્ર વિજ્ઞાની છે. એ લેખકને સલાહસૂચન આપે છે અને છેવટે આ પુસ્તક આપણને મળે છે.

પુસ્તકને નવ પ્રકરણો છે. છેલ્લે ઇતિલેખ છે. પરંતુ તે ત્રણ વિભાગમાં વહેંચાયેલું છે : ઓરિજિન, શિકાગો અને કિન્યા. હોનોલુલુ તેમ જ શિકાગોમાં પસાર કરેલા આરંભિક દિવસોની વાત આરંભથી અહીં વણી લેવામાં આવી છે. બરાક ઓબામા સ્મરણકથાની આ ચોપડીમાં પોતાના પિતા, જેમનું નામ પણ બરાક ઓબામા છે, તેમનાં મૂળને સમજવા, પામવા મથ્યા છે. અને તેને સારુ એ ખુદ કિન્યાની મુલાકાતે નીકળે છે અને પોતાના બાપીકા વિસ્તારની યાત્રાએ જાય છે. વિક્ટોરિયા સરોવરના કંઠાર વિસ્તારમાં જન્મેલા વરિષ્ટ ઓબામા લૂઓ જાતિપરંપરાનું ફરજંદ. તેથી તે વિસ્તારમાં જઈ એ ગ્રામપ્રદેશમાં રોકાણ કરે છે. તેના પિતાના સગાંશાહીને મળેહળે છે. ભાંડુંઓને હળેમળે છે તેમ પોતાનાં દાદીમા, હબીબા અકુમુ સાથે ય તાલમેલ કરે છે. દાદીમા સહિત સૌનો પારાવાર સ્નેહ મેળવે છે.

પણ આ વાત અહીં અટકતી નથી, બરાક ઓબામા પોતાની ઓળખ જાણવા સમજવામાં ખોવાયેલા રહે છે. કિશોર બરાક ઓબામા હવાઈ ટાપુના હોનોલુલુ નગરની પુનાહૂ એકેડેમીમાં ભણતા હતા, તે વેળા તે કીથ કાકુગાવા નામે તેમનાથી મોટા સહવિદ્યાર્થીના સંપર્કમાં આવે છે અને તે બરાકને આફ્રિકન-અમેરિકન જમાતમાં લઈ જાય છે. અને પછી, એમની ખોજનો, આંતરખોજનો આરંભ થાય છે. બરાક ખુદ લખે છે કે આ ખોજને કારણે એક પ્રકારે ઊંડી વેદનામાં તે જઈ પડે છે.

એમના સમકાલીન અને જગતને સાંપડેલાં એક મોટાં ગજાંના અમેરિકી સાહિત્યકાર તેમ જ નોબેલ પારિતોષિક વિજેતા ટૉની મોરિસન લખે છે તેમ, બરાક ઓબામાને થયેલા અનેક અભૂતપૂર્વ અનુભવોની જાળમાંથી કુનેહપૂર્વક પોતાનો માર્ગ ગોઠવી લેનાર આ લેખકે જે રીતે સંવાદો મુક્યા છે, પ્રસંગો કંડાર્યા છે, લખાણને વહેતું રાખ્યું છે તેથી તે કોઈ સાધારણ પ્રકારની રાજકીય સ્મરણકથા રહેતી જ નથી. તે અનુપમ સ્મરણકથા બને છે. ટૉની મોરિસનના મતાનુસાર, બહુ સરળતાએ જોઈએ તો આ ચોપડીની બરોબરી કરાય તેવી બીજી ચોપડી આપણને જડશે ય નહીં.

પુનાહૂ એકેડેમીથી શરૂ થયેલી આ ખોજ એમને હાર્વર્ડમાં, ન્યૂ યૉર્કમાં, શિકાગોમાં અનેક પ્રકારના કાચાપાકા અડાબીડમાં ધકેલે છે. એ વાંચે છે ખૂબ. મબલખ વિચારે છે. તેથી આ ખોજ તેમને મજબૂત બનાવે છે અને તેનો તાગ મેળવવા તે બાપીકા મુલકની જાતરાએ ય જાય છે. બાપીકા ઓરતા : વર્ણ ને વારસાની વાતડિયું સમજે છે, પહેચાને છે. અને તેના પરિપાક રૂપે આપણને આ મજેદાર પુસ્તક મળે છે.

આવી આવી ખોજ આપણી પણ છે. દેશપરદેશ ગયા, વસ્યા, એક સ્થાનેથી ઉખડ્યા, કોઈ વાર મૂળ સોતાં ય ઉખડ્યા, ક્યાંક રોાપાયા, ક્યાંક કરમાયાં, ક્યાંક ઉછર્યા, ક્યાંક વળી મૂળ ઊંડાં ઊતારીને વિસ્તર્યાં પણ ખરાં; અને તેમ છતાં, આપણા વારસાને પામવાના ઓરતા તો સતત રહ્યા કર્યા છે. ઓળખ નામે જાળામાં ગુંચવાઈએ છીએ, જરૂર. બીજી પાસ, ક.મા. મુનશીને ‘યોગસૂત્ર’ વાટે મળી જે અસ્મિતા સમજાઈ છે તેને આનન્દશંકરભાઈએ પડકારી તો છે જ. તો બીજી કોરે ઓબામાએ આજના સંદર્ભે, અમેરિકા તથા આફ્રિકા નામે બે ખંડમાંના જાત અનુભવોમાંથી પસાર થઈ, વળી, તેને નાણી જોઈ છે અને એકવીસમી સદીના નવા આયામોમાં મૂકી આપી છે. આ સૌની સરાણે આપણે હવે આપણી ઓળખ પીછાણવી રહી.

આપણી ઓળખ ? તેને ભાષાની બાજુ છે, તેને ધર્મની બાજુ છે, તેને સંસ્કૃતિની બાજુ છે, તેને વારસાની બાજુ છે, તેને સમાજકારણ—અર્થકારણ—રાજકારણની ય બાજુ છે, તેને સાહિત્ય, સંગીતની તેમ જ કળાની બાજુઓ તો છે જ છે, પણ તેને ખાણીપીણીનાં વિવિધ વાનગીઓ ઉપરાંત અનેક વ્યંજનોની, તેને ભૂગોળની, અરે ઇતિહાસની ય બાજુ છે. મારા સરીખાને વળી ખુદ ત્રણ ખંડોનો અનુભવ છે અને તે ત્રણ પેરે ફંટાય તેવા ત્રિભેટે આવીને ઊભો છે. આથી આજને તબક્કે આપણે કયા ઓજાર કામે લગાડવા જોઈશે ? વિચારું છું તો સમજાય છે કે મુનશી દીધાં સાધન ટૂંકાં પડે અને તેની આનન્દશંકરભાઈના પડકારે સતત સરાણ કાઢવી રહે. વળી, બરાક ઓબામાને જે લાધ્યાં તે રાચરચીલાં ક્યાંક કામ લાગે તેમ છે. કેમ કે ઓબામા નામે લેખક વિચારક આ એકવીસમી સદીની વાત માંડે છે. એટલું જ નહીં, અમેરિકાના જાહેરજીવનમાં એક પછી એક સોપાન સર કરતાં કરતાં તે રાષ્ટૃપતિ પદ પણ સોહાવે છે. ત્યારે અને તે પછી, નિવૃત્તિમાં યે તે સતત વિધેયક રહ્યા છે અને અમેરિકા-કેન્દ્રી રહ્યા છતાં જાગિતક સ્તરે, માનવીય વિચારધારામાં લપેટાયેલા જોવા મળે છે.

વિલાયત માંહેના એક અવ્વલ વિચારક મિત્ર ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી “ઓપિનિયન”ના જુલાઈ 1995ના અંકમાં લખતા હતા : “ગુજરાતી સમાજમાં ખળભળાટ મચાવવામાં આપનો ત્રીજા અંકના અગ્રલેખનો વિષય ગુજરાતીઓની સંઘશક્તિ, કાજે મોખરે રહે છે. અને વ્યક્તિગત રીતે આ અગ્રલેખ મને એક (ઘટનાની) યાદ અપાવી જાય છે. ૧૯૬૦ના અરસામાં સ્વ. ઈશ્વર પેટલીકર પૂર્વ આફ્રિકાના પ્રવાસે આવ્યા હતા. મોમ્બાસા(કિન્યા)ના પટેલ સમાજના ખંડમાં ભાષણ કરતાં મર્મ-સ્પર્શી વાક્યો એમણે ઉચાર્યાં હતા, તેની યાદ આવી જાય છેઃ 'મારા પૂર્વ આફ્રિકાના પ્રવાસમાં પટેલને મળાયું; વણિકો(શાહ)ને મળ્યો; બાહ્મણોને મળ્યો; કાઠિયાવાડીઓને મળ્યો; પણ ન મળ્યો કોઈ ગુજરાતીને. પટેલ સમાજોમાં ભાષણો કર્યાં; બ્રહ્મસમાજમાં ભોજનો લીધાં; કાઠિયાવાડી સમાજની ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો પણ એક ગુજરાતી સમાજનો સમાગમ ન થયો.’

ડાહ્યાભાઈ મિસ્ત્રીએ “ઓપિનિયન”ના જૂન 1995 અંકમાં પ્રગટ અગ્રલેખનો ઉલ્લેખ કરેલો છે. તેમાં ઇતિહાસના આપણા ઉત્તમ અધ્યાપક અને સાહિત્યકાર બળવંતરાય કલ્યાણરાય ઠાકોરે આઠનવ દાયકાઓ પહેલાં કહેલા શબ્દો ટાંકવામાં આવેલા. બ.ક.ઠા. લખતા હતા :

'આપણાં ગુજરાતીઓમાં પ્રજાપણું નથી. આપણાંમાં પ્રજાપણાનું ઐક્ય નથી. પ્રજાપણાનો ટેક નથી. પ્રજાપણાનાં સતત આગ્રહી ઊજમ અને જોમ નથી. આપણા નેતાઓને પ્રજાપણાવાળી પ્રજાના પીઠબળનો ટેકો નથી. મતભેદ અને ચરિત્રભેદને લીધે ટીકા, ચર્ચા, વૈમનસ્ય અને મતામતિ આપણે ત્યાં જ થાય છે એમ નથી; સર્વત્ર થાય છે. પરંતુ બીજે જ્યારે પ્રજાપણાની ઉષ્માથી એ થતાં આવે તેમ ઓગળતાં પણ જાય છે, અને આરંભેલ સંસ્થા કે કાર્યપ્રવાહ આગળ વધવા પામે છે તેમ તેમ એ વૈમનસ્ય અને મતભેદની નડતર ઓછી પડી જાય છે, ત્યારે આપણે ત્યાં એ નડતર જ વખત જતાં વધુ મોટી બનીને ગમે તેવાં કાર્ય કે કાર્યપ્રવાહને મંદ કરી નાખે છે, અને થોડા જ વખતમાં રૂંધી નાખે છે. આપણા પારસીઓ ગુજરાતી નથી, આપણા મુસલમાનો ગુજરાતી નથી, આપણા કાઠિયાવાડીઓ ગુજરાતી નથી, આપણા કચ્છીઓ ગુજરાતી નથી, આપણા ઈડિરયાઓ ગુજરાતી નથી, આપણા મુંબઈગરા ગુજરાતી નથી, આપણા ગુજરાતીઓમાં પણ સૌ કોઈ ગુજરાતી છે તે કરતાં તે અમદાવાદી કે સુરતી કે ચરોતરી કે પટ્ટણી કે મારવાડી, અગર તો નાગર, બ્રાહ્મણ કે વાણિયા કે અનાવિલ કે જૈન કે પટેલ કે બીજું કંઈ વિશેષ છે.’

ટૂંકમાં, કેટકેટલી ઓળખોમાં આપણો સમૂહ વહેંચાયેલો એ દરેકને જોવા મળ્યો હશે ! અને આવી વહેંચણી અહીં વિલાયતમાં, પણે અમેરિકાના કે આફ્રિકામાંના મુલકોમાં ય આપણે ભાળીએ છીએને ! આપણા અગ્રિમ પત્રકાર – વિચારક પ્રકાશભાઈ ન. શાહે, કદાચ તેથીસ્તો, ક્યાંક લખ્યું છે ને: ‘ગુજરાતીઓ હજી પ્રજાપણાની ભાવનાએ પહોંચ્યા નથી અને એક પ્રજા તરીકે આપણામાં જે સંઘશક્તિ હોવી જોઈએ એમાં કેવળ બાળક છીએ.’

સમકાલીન ઘટનાઓ પર નજર કરું છું અને મને સમજાય છે. એક સમે મારી જન્મભૂમિએ જુલિયસ ન્યરેરે સરીખા મુઠ્ઠી ઊંચેરા આગેવાન જોયા છે. આજના આગેવાનો સાથે સરખામણી કરીએ તો નેતાગીરીનો આલેખ નીચે ધસમસતો લાગે. આવું મારી વારસાની ભૂમિનું છે. એક સમે જવાહરલાલ નેહરુ, વલ્લભભાઈ પટેલ, રાજેન્દ્ર પ્રસાદ સરીખા સરીખા આગેવાનો ધણીધૂરી પદે હતા. આજે ? આગેવાનીનો આલેખ સપાટીએ સડક સપાટ થઈ પલોંઠ લગાવી બેઠેલો જોવા પામીએ. આવું મારા વતનભોમકાની વાત. એક દા વિન્સ્ટન ચર્ચિલ, ક્લેમન્ટ એટલી સરીખા સરીખા આગેવાનોએ અમારા મુલકનું ઘડતર કરેલું. જ્યારે આજે ? રૂદિયો બેસી પડે તેવી હાલત છે. અમેરિકે ય એક દા જ્હૉન કેનેડી શા આગેવાન હતા; આજે ? વાત ન જ કરીએ; ક્યાંક રહીસહી આબરૂ ય લજાઈ મરે ! તેના લીરા ય શોધ્યા નહીં જડે !!

આપણા એક અડીખમ પૂર્વસૂરિ રણજિતરામ વાવાભાઈ મહેતાએ, છેક 1908માં, કહ્યું હતું, તે આ સંદર્ભે યાદ કરવાનું આથી મન કરું છું :

‘સર્વત્ર સ્ફૂરણ પેઠું છે − જાગૃતિનાં ચિહ્ન દૃષ્ટિને પથે પડે છે. પણ ગુજરાતમાં નેતા નથી. બંગાળા, મહારાષ્ટૃ, પંજાબ, વગેરે પ્રાંતોમાં છે તેવા નથી. મુંબઈમાં, અમદાવાદમાં કે દેશી રાજ્યોમાં બુદ્ધિશાળી ગુજરાતીઓ અનેકધા દેશહિતનું કામ બજાવે છે. પણ ગુજરાતને દોરનાર નેતાઓની તો ખોટ જ છે. અમે સર્વે ગુજરાતી છીએ − હિન્દુ, મુસલમાન, પારસી હોવા છતાં ગુજરાતી છીએ − એવી ભાવના જનેજનમાં જગાવે અને દક્ષિણી કે બંગાળીમાં જેવા પ્રતાપ ગુજરાતીઓ ગુજરાતમાં અને ખંડેખંડના પરદેશ નિવાસમાં બતાવી શક્તિમાન કરે, એવા નેતાની આપણે ત્યાં ખોટ છે.'

આમ ચોમેર વ્યાકુળ કરી મેલે તેવી ભુલભુલામણી શો પટ પડ્યો છે, અને તેમાંથી પોતીકો કેડો શોધવાનો છે. હાંફ ચડે, હામ ખોઈએ તેમ પણ બને; પરંતુ કોઈક પ્રકારના જોમજોસ્સા સાથે પંડે વિધેયક રહ્યે રહ્યે હીંડ્યા કરવા સિવાય કોઈ ચારો ય નથી. કેમ કે, આપણામાંના અનેકોની પેઠે મારું ય વણજારાની જેમ જીવન વીત્યું છે. તેની રઝળપાટ જેમ બીજાને થઈ હોય તેમ હું ય તેનો માર્ગી. કાંઈ નવું નહીં. અને છતાં તેમાં નકરો મારો નિજી અનુભવ દેખા દે; ક્યાંક અલાયદા નિરીક્ષણો ય હોય. પરિણામે એક તરફ ઉમાશંકર જોશી લાલબત્તી ધરી ધરી સતત કહ્યા રાખે જ છે ને : ‘એ તે કેવો ગુજરાતી / જે હો કેવળ ગુજરાતી’. અને બીજી તરફ, અસમિયા કવિ ગાયક ભૂપેન હઝારિકા પોકારી પોકારીને મને ઢંઢોળતો રાખી સંભારી આપે છે : આમી એક જાજાબૉર … પ્રિથિબિ અમાકે અપોન કોરેછે … ભૂલેછી નિજેરી ઘૉર … આમી એક જાજાબૉર … …

વારુ, … આવી આવી રઝળપાટની વાત ક્યારેક, હવે પછી −

પાનબીડું :

એ તે કેવો ગુજરાતી
એ  તે  કેવો ગુજરાતી
જે હો કેવળ ગુજરાતી

હિન્દભૂમિના નામે  જેની  ઊછળે ના છાતી
મહારાષ્ટ્ર દ્રવિડ બંગાળ બિહાર બધે અનુકૂલ
જ્યાં પગ મૂકે  ત્યાંનો  થઈને  રોપાયે દ્રઢમૂલ

સેવા  સુવાસ   જેની   ખ્યાતિ
તે જ બસ નખશીખ ગુજરાતી

ના ના તે નહિ ગુજરાતી જે હો કેવળ ગુજરાતી
એ  તે  કેવો  ગુજરાતી  જે હો કેવળ ગુજરાતી
ભારતભક્તિ  દેશવિદેશ
ન    જેની    ઊભરાતી
એ  તે  કેવો   ગુજરાતી

સાગરપાર    આફ્રિકા    એડન    લંકા   સિંગાપુર
મોરિશ્યસ ફિજી ન્યૂઝિલેન્ડ જાપાન બ્રિટન અતિ દૂર
કાર્ય કૌશલ આતિથ્ય સુહાતી
બધે  ઉર-મઢૂલીઓ ગુજરાતી

તે નહિ નહિ જ ગુજરાતી
જે હો કેવળ ગુજરાતી એ તે કેવો ગુજરાતી
હિન્દભૂમિના નામે  જેની  ઊછળે ના છાતી

ભારતભક્તિ  દેશવિદેશ
ન    જેની    ઊભરાતી
એ  તે  કેવો   ગુજરાતી

                                                       — ઉમાશંકર જોશી    

[1944 શબ્દો]

હેરૉ, 08-13 જૂન 2020

e.mail : vipoolkalyani.opinion@btinternet.com

પ્રગટ : ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક", પુસ્તક : 85 – અંક : 3; જુલાઈ – સપ્ટેમ્બર, 2020; પૃ. 50-55

Loading

કાંદા ગયા તેલ લેવા, આપણે સફરજન ખાવ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|27 October 2020

વરાછામાં રેશનિંગની દુકાને મહિલાઓ અનાજ લેવા ગઈ તો ઘઉં, ચોખા, ચણામાં ધનેડા, ઇયળ પડેલી. એવું સડેલું અનાજ વજનમાં અપાયું. એમાં એકલી જીવાત જ ન હતી, થોડું અનાજ પણ હતું. દુકાનદારે કહ્યું કે આવું અનાજ પુરવઠા વિભાગમાથી આવ્યું છે. એ પણ બિચારો શું કરે? આવ્યું તે આપ્યું. એને આંખો થોડી જ છે કે જુએ કે ઇયળ છે કે અનાજ? આવામાં વળી પુરવઠા વિભાગ જુદો જ બચાવ કરશે. રેશનિંગમાં અપાતું અનાજ મોટે ભાગે ભિખારીઓને અપાતું હોય એવું જ હોય છે. લોકો પણ જાણે છે કે સસ્તું એટલે સડેલું. તે ખાઈ પણ લે છે ને એમાં કોઈને કૈં થયું તો મરે અથવા સિવિલમાં જાય. નસીબ હશે તો જ ઘરે બીજું સડેલું અનાજ ખાવા આવશે. આ અકસ્માત નથી. અકસ્માતે જ આવું નથી બનતું. વિચારવાનું એ રહે કે પુરવઠા વિભાગ જથ્થો ગોડાઉનમાં મુકાય કે ત્યાંથી બહાર મોકલાય ત્યારે એ જુએ છે ખરો કે એ છાણ છે કે અનાજ? પણ એ પણ શું કરે? એ તે પોતાનો પુરવઠો જુએ કે લોકોનો?

ગાય ભાંભરે છે કે કૂતરાં રડે છે તો ખબર પડે છે કે જીવે છે, પણ લોકોએ કૈં કહેવા કૂટવાનું નથી એટલું સારું છે. સરકારમાંથી વિપક્ષ ગયો છે એમ દેશમાંથી લોક અવાજ ગુમ થયો છે. પહેલાં – રામ રાખે તેમ રહીએ – એવું ગવાતું, હવે દામ રાખે તેમ રહીએ – એમ ગવાતું હોય તો નવાઈ નહીં. છ વર્ષમાં પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટી 258 ટકા અને ડીઝલ પર 820 ટકા વધી ને એમાં 18 લાખ કરોડની કમાણી સરકારને થઈ. થાય. સરકાર બિચારી પણ શું કરે? એણે ય કમાણી તો લોકોમાંથી જ કરવાની છેને ! એ આપણામાંથી નહીં ખાય તો કોનામાંથી ખાશે? ગાવ રે બધાં – રામકે નેતા, રામકા ખેત, ખા લો નેતા, ભર ભર પેટ !

શું છે કે ઝાડ હોય તેને ડાળ, પાન પણ હોય. એમ જ નેતા હોય તેને અધિકારી, પટાવાળા પણ હોવાના. એમને ય પેટ લાગેલું છે. એ ભૂખા રહે ને આપણને ખવડાવે એવું તો ઓછું જ બનવાનું. એમને હોજરી હોય ને આપણને હાજરી હોય એટલે એ ખાય ને લોકો ગાય તો જ કારભાર ચાલે. એમના કારભારમાં – કાર – હોય આપણા કારભારમાં માર હોય. આપણે સમજી લેવાનું રહે કે એ મારવા માટે ને આપણે મરવા માટે જ છીએ.

આપણે બધું ખાવા-ગાવામાંથી જ ઊંચા નથી આવતા. બધું બઢાવી-ચઢાવીને જ બોલીએ છીએ. ગરીબોને તો કાંદા એ જ કસ્તૂરી એમ ચલાવ્યું. તે એટલે કે કાંદા સહેલાઇથી મળી રહેતા હતા ને સસ્તા હતા. હવે હાલત એ છે કે કસ્તૂરી મૃગ મળે, પણ કસ્તૂરી મળે એમ નથી. કારણ કાંદા, ગાંડા કરી મૂકે એટલા મોંઘા છે. આમાં યુક્તિ એવી કામ કરે છે કે બધું મોંઘું કરતાં જવાનું, એમાં જે ખરીદી શકે તે આગળ આવે ને ન ખરીદી શકે તે પાછળ જાય. પાછળ જ જતા જાય ને એક દિવસ દેખાતા બંધ થાય. એટલે જ કહ્યું છેને કે જે સક્ષમ છે તે ટકશે ને નથી તે અટકશે.

એક વસ્તુ માર્ક કરી છે? લગભગ ચોમાસા પછી તરત જ કાંદા, બટાકા, ટામેટાંમાંથી કોઈ નહીં ને કોઈનો ભાવ કિલોના સો રૂપિયા થઈ જ જાય છે. સામાન્ય સંજોગોમાં જે દસ, પંદર રૂપિયે મળતા હોય એ એક્દમ જ સો રૂપિયાનો ભાવ પકડી લે તો ભડકો થાય જ. થયો. એમાં બહાનું અત્યારે એ છે કે ચોમાસું ખરાબ ગયું. બહુ વરસાદ પડ્યો ને એમાં પાક ધોવાઈ ગયો. ભાવ વધારવા માટે ચોમાસાથી સારું બહાનું બીજું નથી. વરસાદ ન પડે તો, તો પાક જ ન થાય. એ સંજોગોમાં પણ અછત સર્જાય ને ભાવ વધે. ચોમાસું સારું જાય કે ખરાબ, અછત કોમન છે ને એ ભાવ વધારવા માટેનું મજબૂત કારણ છે. ખરેખર તો ચોમાસાને કારણે કાંદા આ વખતે તેલ લેવા ગયા છે, તે એ હદ સુધી કે તેના કરતાં સફરજન સસ્તાં છે. આ સ્થિતિમાં કાંદાબટાકાનું શાક ખાનારા સફરજનબટાકાનું શાક કરે તો રજવાડી આનંદ આવે એમ બને.

આમાં સરકારો બિચારી મહેનત તો બહુ કરે છે, પણ કૈં કાંદા નથી કાઢતી તે પણ હકીકત છે. સરકાર, – સર – છે ને – કાર-માં ફરે છે. એ થોડી જ આપણી કાંદાની લારી ફેરવવાની હતી?

સરકાર જેમ દેશમાં છે તેમ કાંદા ય દેશભરમાં છે ને ચેન્નઈ જેવામાં તો તે 150 રૂપિયે કિલો પર પહોંચ્યા છે. મહારાષ્ટ્ર જે સૌથી વધુ કાંદા પકવે છે ત્યાં પણ કાંદાના ભાવ 100ની પાર પહોંચ્યા છે. અગેઇન, સરકાર ભાવ કાબૂ કરવાના પ્રયત્નો કરી રહી છે, પણ ભાવોનું તો એવું છે કે એણે ઘટવા હોય ત્યારે જ એ તો ઘટે. વેપારીઓ કહે છે કે કાંદાની આવક નથી એટલે ભાવ વધ્યા છે, જ્યારે સાચું તો એ છે કે વેપારીઓ બહુ ભલા છે. તે લાભ વગર લોટતા નથી. આવક નથી, એ ખરું, પણ કોઠારોમાં ટનબંધી કાંદા પડેલા છે તે કાઢે તો આવક થાય જ ને ભાવ ઘટે જ, પણ એ બહાર એમને એમ તો ન નીકળેને ! પૂરો ભાવ વધારો બધે થઈ જાય, હોજરી તર થઈ જાય કે કાંદા બહાર ને ગાંડા અંદર ! એમાં સરકારનું પણ બહુ ચાલે નહીં. એવું કહેવાય છે કે ગેંડાને ઘા મારો તો એને મોડી ખબર પડે. સરકારનું પણ એવું જ છે. બધે પૂરતો ભાવ વધી જાય પછી જ એને ભાન થાય છે ને ભાવ ઘટાડાના પગલાં લે છે.

આ વખતે કૃષિબિલ રજૂ થયું તેમાં સરકારે મોટે ઉપાડે સ્ટોક લિમિટ ઊંચકી લીધી. એનો વેપારીઓએ તરત જ લાભ લઈને કાંદાનો સ્ટોક કરી લીધો. ચોમાસાએ તો પાક ધોયો એટલે અછત તો ઊભી થઈ જ, તેમાં સ્ટોકની લિમિટ ન રહી એટલે સંગ્રહ બેફામ થયો. એથી બજારમાં ઑર અછત થઈ ને લોકોને જરૂર તો હતી જ, એટલે ભાવ સીધા કિલોના 150 થઈને જ રહ્યા. એ પછી સરકારને જાગવાનુ થયું અને તેણે ફરી સ્ટોક લિમિટ લાગુ કરી. છૂટક વેપારીઓ માટે 2 ટન અને જથ્થાબંધ વેપારીઓ માટે 25 ટનની મર્યાદા લાગુ કરાઈ, પણ એ બધું ખાતર પર દિવેલ થઈને જ રહ્યું. એ જુદી વાત છે કે નાફેડે બજારમાં કાંદા ઠાલવ્યા છે ને સરકાર પાસે અત્યારે 25,000 ટન જેટલો જથ્થો જ બચ્યો છે ને એ પણ નવેમ્બરના પહેલાં અઠવાડિયા સુધી જ ચાલે એમ છે. પછી શું? પછી બીજી વસ્તુ મોંઘી થશેને ! એટલે કાંદા પરથી ધ્યાન ખસેડીને કંચન પર ક્યાં નથી ગોઠવાતું? દિવાળી આવે છે એટલે સોનાનો ભાવ ઊંચકાવાનો જ છે ને ત્યારે કાંદાને કોણ પૂછવાનું હતું? ને ત્યાં સુધીમાં તો કાંદામાંથી ભરપૂર કમાણી થઈ ગઈ હશે ને સંગ્રહાયેલા કાંદા તે પછી બહાર આવશે એટલે ભાવ ડાઉન ને લોકો અપ ! લોક-અપ!

ન ગમે એવી સ્યુગરકોટેડ વાસ્તવિકતા એ છે કે હવે જુદી રીતે સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટનો નિયમ જ બધે કામ કરે છે. ટકી શકે તે ટકે, બાકી અટકે. એમાં મદદ થાય તે કરે, પછી એની પણ એક લિમિટ આવે. આ બધાંમાં લાગણી, મૂલ્યો, આદર્શની વાતો નામશેષ થઈ રહી છે એટલું નક્કી છે. એની ય કેટલીક ચિંતા કોઈ કરશે? એમાં પણ એમ જ માનવનું રહે કે જેનામાં પણ કૌવત હશે તે ટકશે, પછી એનો પણ લોપ થાય તો નવાઈ નહીં. જો સત્ય, પ્રેમ, કરુણા, પ્રમાણિકતા ન ટકે તો એમ જ માનવાનું રહે કે એની જરૂર જ નહીં રહી હોય. ઢોરને પણ એ બધાં વગર ચાલે જ છેને, એમણે ઓછું જ કૈં જીવવાનું છોડી દીધું છે? જેમ એ જીવે છે તેમ માણસો ય જીવશે.

0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : “ધબકાર” દૈનિક, 26 ઑક્ટોબર 2020; પૃ. 04

Loading

સ્વાયત્તતા મુદ્દે જનજાગૃતિ આંદોલન જારી રહેશે : પ્રકાશ ન. શાહ

મુલાકાત : દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|27 October 2020

‘અકાદમીની સ્વાયત્તતા મુદ્દે ચૂંટણીમાં મત સ્વરૂપે અમને નિર્ણાયક સ્વીકૃતિ મળી છે. સ્વાયત્તતા જેવા મુદ્દે જાગૃતિ ઝુંબેશ પરિષદના વિકાસની જ પ્રક્રિયા છે’

(નવરંગપુરા, અમદાવાદના પોતાના નિવાસસ્થાને (પ્રકાશ બંગલો) હીંચકા પર ઝૂલતા પ્રકાશભાઈની 2018ના વર્ષમાં તેમના જન્મદિવસ નિમિત્તે લીધેલી તસવીર. તસવીરકાર : બિનીત મોદી)

‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ની પ્રમુખ પદની ચૂંટણીના ત્રિપાંખિયા જંગમાં વિજેતા બન્યા પછી પ્રકાશ ન. શાહે ‘દિવ્ય ભાસ્કર’ને પોતાની સૌપ્રથમ વિસ્તૃત મુલાકાત આપી હતી. પોતાના ઇન્ટરવ્યૂમાં તેમણે પરિષદના વિકાસથી માંડીને સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા મુદ્દે સંઘર્ષ અંગે તેમનાં આગામી આયોજનો અને રણનીતિ અંગે વિગતે વાતો કરી હતી.

• તમે અગાઉ અન્ય લોકો માટે ઉમેદવાર પદેથી ખસી ગયા હતા, તો આ વખતે એવું તે કયું જુનૂન સવાર થયું કે ઉમેદવારી માટે છેક સુધી મક્કમ રહ્યા?

પ્રશ્ન જુનૂનનો નહિ, દૃઢતાનો હતો અને છે. છેલ્લાં વર્ષોમાં બે-એક વાર મારું નામ સૂચવાયું ત્યારે જે સંજોગો હતા, એમાં મને વ્યક્તિગત ઉમેદવારી રૂપે દરમિયાન થવા જેવું લાગ્યું નહોતું. હું સ્વાયત્તતાના સંદર્ભે આંદોલનમાં સંકળાયો, તેના ભાગ રૂપે ટોપીવાળા ને સિતાંશુના સમર્થનમાં રહેવાનું નક્કી કરેલું. મારું નામ સૂચવનારાઓને આ મુદ્દે સમજાવેલા. આ વખતે જોયું કે અકાદમીની સ્વાયત્તતા મુદ્દે ઝીંક ચાલુ રાખે એવી ઉમેદવારી નથી. એથી મને પૂછવામાં આવ્યું ત્યારે મેં હા પાડી. જો કે, આ ચર્ચા અગાઉ થઈ શકી નહોતી, એટલે થોડા મોડા પડ્યા હતા. અમે ચૂંટણીમાં ઝંપલાવવાનું વિચાર્યું ત્યારે હર્ષદભાઈ અને તેમના સાથીદારો – ડંકેશ ઓઝા અને કિરીટ દૂધાત વગેરેએ કામગીરી શરૂ કરી દીધી હતી.

બીજું કે હું નિર્ણય લીધા પછી પાછી પાની કરતો નથી. મેં મારા નિર્ણયની કસોટી હાર-જીત રાખ્યાં નથી. કરવા જેવું લાગે, તે હું હાર-જીતની પરવા કર્યા વિના કરું છું.

• આજે રાજ્ય-દેશની રાજકીય-સામાજિક-સાહિત્યિક પરિસ્થિતિમાં તમે તમારી જીતને કેવી રીતે જુઓ છો?

સામાન્ય રીતે રાજકીય પક્ષના અર્થમાં નહિ, પણ લોકશાહી સમાજના વ્યાપક દર્શન માટે ઊભા રહેવું, એવું મનોબંધારણ અને 40-50 વર્ષના જાહેરજીવનના સંધાનનું આ પરિણામ છે. અને સ્વાયત્તતા એ માત્ર કોઈ એકલદોકલ સંસ્થાનો સવાલ નથી, પરંતુ એકદંર અભિગમ અને આબોહવાનો સવાલ છે. એટલે લોકશાહી મોકળાશની માગણીની તરફેણમાં આ પરિણામ આવ્યું ત્યારે મને હરિકૃષ્ણ પાઠકની પંક્તિ યાદ આવે છે : ‘ઘેઘુર ઘેન મત્ત મહુડો ચુગે, ભળભાંખળું થયું છે, સૂરજ કદાચ ઊગે … તમે નોંધ્યું હશે કે ચૂંટણી લડનારાઓમાં હું અને હરિકૃષ્ણ સ્વાયત્તતા બાબતે પહેલેથી આગ્રહી રહ્યા છીએ, ચૂંટણીમાં મત સ્વરૂપે અમને નિર્ણાયક સ્વીકૃતિ મળી છે, એમાં હું ઊંડે ઊંડે અક્ષરજીવન અને જાહેરજીવનની એક નિરામય મોકળાશના એંધાણ જોઉં છું.

• સાહિત્ય પરિષદના પ્રમુખ માટે એવું કહેવાય છે કે તેણે અધ્યક્ષીય પ્રવચન આપવા અને ‘પરબ’ના તંત્રીલેખ લખવાથી વિશેષ કશું કરવાનું હોતું નથી. તમે શું માનો છો અને શું કરવા ધારો છો?

વ્યાપક દર્શન અને એ માટેનું નેતૃત્વ, એ પરિષદ પ્રમુખનું દાયિત્વ છે. પ્રમુખે કશું કરવાનું નથી રહેતું, એમ કહેવામાં અતિશયોક્તિ અને અલ્પોક્તિ બન્ને છે. હા, હું માનું છું કે પરિષદ પ્રમુખને વહીવટી કામો સાથે ગોટવી ન દેવો જોઈએ. જાહેરજીવનમાં સાહિત્ય પરિષદ એ કંઈ ‘હી/શી ઓલ્સો રેન’ જેવી અમથી અમથી સંસ્થા નથી કે એ કિટી પાર્ટી પણ નથી, એની નક્કર હાજરી અને ભૂમિકા છે. એ અંગેની દિશા-દોરવણી, એ પરિષદ પ્રમુખનું પરમ કર્તવ્ય ગણાવું જોઈએ.

 • ‘પરબ’ના પ્રમુખીય(તંત્રીલેખ)માં તમારી આગવી ભાષા બરકરાર રહેશે કે તમે સરળ ભાષા અપનાવશો?

મારી ભાષા જુદી છે, એથી સરળ નથી, એવું નથી. મારી વાત લોકો સુધી પહોંચે છે. વળી, હાલના પ્રમુખ સિતાંશુની ભાષા લોકો સુધી પહોંચી હોય તો પ્ર.ન. શાહની ન પહોંચવાનું કોઈ કારણ નથી. ભાયાણીસાહેબ કહેતા કે તમારી આ જે ભાષા છે, તે કોઈ પણ કહે તો છોડશો નહીં, કેમ કે, એમાં ગુજરાતી છાપાની પ્રિડાઇજેસ્ટેડ ફૂડ જેવી ભાષા કરતાં એક જુદી જ સોડમ છે.

• છેલ્લાં વર્ષોમાં સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાનો મુદ્દે તમે નેતૃત્વ લીધેલું છે. પ્રમુખ તરીકે સ્વાયત્તતાના મુદ્દે સંઘર્ષ હવે કોઈ નવું સ્વરૂપ ધારણ કરશે?

આમાં બે-ત્રણ વસ્તુ છે. પહેલું કે એને હું સંઘર્ષ કહેવાની ઉતાવળ નહીં કરું. સ્વાયત્તતા મુદ્દે જનજાગૃતિ આંદોલન જારી રાખવાનું રહેશે. આ લડતને મેં આંતરબાહ્ય સ્વાયત્તતા માટેની લડત તરીકે જોઈ છે, જે કદી પૂરી થતી નથી અને પ્રેમની જેમ સતત સાધ્ય કરવી રહે છે. બીજું ગુજરાતમાં એટલું થયું કે પરિષદની ચૂંટણીમાં સ્વાયત્તતાના મુદ્દે પ્રમુખ પદ શક્ય બન્યું. સરકારને આ અંગે એકથી વધુ વાર કહેવાનું બન્યું છે. વળી, અકાદમીમાંથી સાહિત્યકારોનાં રાજીનામાં પડ્યાં છે, તેમ છતાં સરકારની પોતાની સંવેદનશીલતા અને વ્યાપક જનજાગૃતિ ઓછાં પડે છે, એટલે એ દિશામાં વધારે સક્રિય રહેવું પડશે. હકીકતે થોડા મહિના પર સિતાંશુ યશશ્ચંદ્રના નેતૃત્વમાં પાલનપુર – પ્રસ્તાવમાં અમે રોડમેપ નિર્ધાર્યો હતો, પણ કોરોનાને કારણે એમાં આગળ વધાયું નથી, એમાં વહેલી અનુકૂળતાએ એ દોર સાંધી લઈશું. પાલનપુર પ્રસ્તાવ મુજબ પરિષદ સ્વાયત્તતાના મુદ્દે લડતને આગળ ચલાવાશે.

• પરિષદ પ્રમુખ તરીકે તમારું ફોકસ પરિષદનો વિકાસ રહેશે કે અકાદમી મુદ્દે સંઘર્ષ?

સ્વાયત્તતા જેવા મુદ્દે જાગૃતિ ઝુંબેશ પરિષદના વિકાસની જ પ્રક્રિયા છે. અક્ષરજીવન અને જાહેરજીવન ભેગા મળે, એ સંગમભૂમિ પર પરિષદે પોતાની હાજરી અને વજૂદ પુરવાર કરવાનાં છે, એટલે એને પરિષદના ચાલુ કામમાંથી જુદા પાડીને જોવાની જરૂર નથી. એ સાથે લોકો અને સાહિત્ય વચ્ચે એક પ્રકારે પારસ્પર્ય વિકસે, વિસ્તરે અને વિલસે એ જોવાની અમારી કોશિશ રહેશે.

• પરિષદની નિયમિત પ્રવૃત્તિઓ સિવાય તમે કઈ કઈ નવી પ્રવૃત્તિઓ શરૂ કરવા ધારો છો?

સૌથી પહેલાં તો નિયમિત પ્રવૃત્તિઓને વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ રહેશે. પરિષદ પ્રવૃત્તિઓ કરે છે, પરંતુ તેની નોંધ લેવાતી નથી. એ માટે અમે મીડિયાનો પણ સહયોગ ઇચ્છીએ છીએ. આવનારા સમયમાં અમે પ્રવૃત્તિઓને વેગ આપીશું અને વધુ ને વધુ લોકોને સાંકળવા પ્રયાસો કરીશું.

• ડિજિટલ-સોશિયલ મીડિયાના યુગમાં પરિષદની બદલાયેલી ભૂમિકાને કેવી રીતે જુઓ છો?

પરિષદની પોતાની વેબસાઇટ તો ઘણાં વર્ષોથી છે. તાજેતરમાં વેબપત્રિકા શરૂ કરી છે. નવા લોકો સુધી પહોંચવા માટે નવાં નવાં માધ્યમોને વધારે અજમાવીશું.

• પરિષદને યુવાનો માટે પણ ફેવરિટ ડેસ્ટિનેશન બનાવવા માટેની તમારી કેવી રણનીતિ રહેશે?

સોશિયલ મીડિયા અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ થકી યુવાનોનો સંપર્ક વધારીશું. પરિષદના કાર્યક્રમોમાં યુવાનોનું ઇન્ટરેક્ટિવ પાર્ટિસિપેશન થાય, એવી અમારી કોશિશ રહેશે.

• પરિષદ સામેનો સૌથી મોટો પડકાર આર્થિક છે. પરિષદના આર્થિક પ્રશ્નો ઉકેલવા માટે તમે કેવા ઉપાયો અજમાવશો? તમે આ અંગે કોઈ ઉકેલ વિચાર્યા છે?

પરિષદનો વહીવટ એકંદરે સીમિત સાધનોથી ચાલે છે. જાહેર સંસ્થાઓમાં સરકારના અનુદાનનો નિયમસર મળવાપાત્ર હિસ્સો મોડો અને અનિયમિત પહોંચતો હોય એવો અનુભવ છે, એમાં પરિષદ પણ બાકાત નથી. લોકસહયોગ તથા બિનસરકારી સહાય મેળવવા માટે અમારી કોશિશ રહેશે. પરિષદે સ્વાયત્તતાના મુદ્દે જે સહજ સ્ટેન્ડ લીધું, એને પગલે અકાદમી મારફત મળતો આર્થિક ટેકો એણે જતો કર્યો છે. આ એક એવો નૈતિક નિર્ણય છે, જેની કદર મહાજન ગુજરાત મોડા-વહેલા પણ કરશે અને હાલના ટેકાને વધુ સુદૃઢ કરશે, એવી અમને ઉમેદ છે. સુરતની સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી કે પાલનપુરના વિદ્યામંદિરે તાજેતરનાં વર્ષોમાં પરિષદનાં સત્ર કે અધિવેશન અંગે જે જવાબદારી નિભાવી, તેમાં ગુજરાતની ઉજમાળી પરંપરાના દર્શન થાય છે.

• દલિત-આદિવાસી-નારીવાદી-ડાયસ્પોરા સાહિત્યને પ્રોત્સાહન આપવા માટે તમે શું શું કરવા માગો છો?

તમે જોશો તો છેલ્લાં વર્ષોમાં આ તમામ માટે કંઈ ને કંઈ વિભાગીય કામગીરી પરિષદ દ્વારા કરવામાં આવી છે. આવાં ઉપક્રમોને વધારે સઘન અને વ્યાપકપણે ચલાવવાની કોશિશ કરીશું.

નર્મદે એના સમયમાં પ્રશ્ન પૂછેલો કે ‘કોની કોની છે ગુજરાત …’ પછી એણે જ જવાબ આપેલો, ‘સૌની છે ગુજરાત …’ સૌની ગુજરાતમાં જવાબ શોધવાનો આપણા સમયનો વિશેષ મેન્ડેટ છે. આ સમય ખરા અર્થમાં જનયુગ છે.

• પરિષદના વહીવટમાં પારદર્શકતા આવે, એ માટે લોકપાલ-તટસ્થ ઓડિટ જેવી કોઈ કામગીરી તમારા એજન્ડામાં છે?

પરિષદમાં નિયમિતપણે ઑડિટ થાય છે, એટલે અત્યારે ઑડિટ નથી થતું, એવો પ્રશ્ન નથી. બધા મિત્રોને ઠીક લાગે તો મારા મતે કોર્પોરેટ અને અન્ય ક્ષેત્રોની જેમ સોશિયલ ઑડિટ કરાવવાનો વિચાર કરવો જોઈએ. હું પદભાર સંભાળું પછી, સાથીઓ, મધ્યસ્થ સમિતિ, ટ્રસ્ટી ગણ વગેરે સાથે પરામર્શ કરીને પછી આ અંગે નિર્ણય લેવાનું બની શકે.

(તા. 25 ઑક્ટોબર, 2020ને રવિવારના ‘દિવ્ય ભાસ્કર’ની અમદાવાદ આવૃત્તિના સિટી ભાસ્કરના પ્રથમ પાને પ્રકાશિત ઇન્ટરવ્યૂ. સ્થળસંકોચને કારણે અખબારમાં સમગ્ર મુલાકાત પ્રકાશિત થઈ શકી નહોતી, તેને અહીં વાંચકો માટે ઉપલબ્ધ કરાવી છે.)

http://samaysanket.blogspot.com

સૌજન્ય : “સમયસંકેત”, 26 ઑક્ટોબર 2020

Loading

...102030...2,2242,2252,2262,227...2,2302,2402,250...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved