Opinion Magazine
Number of visits: 9965306
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જયપ્રકાશ નારાયણ : એ નેતા જેમણે પોતાને ‘લોકનાયક’ માન્યા નહીં

ગુણ-નિવેદનમ્‌ – વિનોબા (અનુવાદ : ભદ્રા સવાઈ)|Opinion - Opinion|30 October 2020

વ્યક્તિ વિશેષ

(૧૧ ઑક્ટોબરે જે.પી.નો જન્મદિવસ. તે નિમિત્તે એમને અંગે વિનોબાએ કહેલું, કેટલુંક સમજીએ.)

જયપ્રકાશ નારાયણનો જન્મ ૧૧ ઑક્ટોબર ૧૯૦૨ના રોજ પટણા પાસેના સિતાબદિયારા ગામમાં થયો હતો.

‘પૈસા આપણા સામાજિક જીવનને દૂષિત કરે છે, એટલે વ્યાવહારિક જીવનને શુદ્ધ બનાવવા માટે પૈસાનો ઉચ્છેદ કરવો જરૂરી છે.’ આવા વિચારથી પવનાર આશ્રમમાં અમારો કાંચન-મુક્તિનો પ્રયોગ શરૂ થયો હતો. પ્રાર્થનામાં ગીતાઈનો પાઠ રહેંટ ચલાવતાં ચલાવતાં થતો હતો. એક વાર જયપ્રકાશજી મને મળવા આવ્યા. તે દિવસોમાં અમારો વિચારભેદ હોવા છતાં તેઓ મારી સાથે રહેંટ ચલાવવામાં જોડાઈ ગયા. તેઓ ઘણી પ્રેરણા લઈને ગયા. (જે.પી.એ કહ્યું હતું, “મેં ત્યાં પ્રકાશનું કિરણ જોયું. વિનોબા સાથે એમની એ પહેલી મુલાકાત હતી.)

જયપ્રકાશજી વિદ્યાપ્રાપ્તિ માટે અમેરિકા ગયા હતા. અહીંથી પૈસા લઈને ગયા નહોતા. ત્યાં એમણે મજૂરી કરી. હૉટેલ વગેરેમાં કામ કર્યું, પૈસા કમાયા અને અધ્યયન કર્યું. બિલકુલ મામૂલી મજદૂરી કરી. આ રીતે એમના જીવનમાં પુરુષાર્થની પ્રેરણા હતી. જેઓ કષ્ટ સહન કરીને વિદ્યા મેળવે છે તેઓ જીવનમાં ક્યારે ય હારતા નથી.

જયપ્રકાશજીએ સાહિત્ય ખૂબ વાંચ્યું હતું. એને પચાવ્યું હતું. પરંતુ એમને લાગ્યું કે ઈશ્વર વગર ‘ગુડનેસ’(ભલાઈ)ને માટે ‘ઇન્સેન્ટિવ’ (પ્રેરણા) નથી થતી. દુનિયામાં પરિશુદ્ધ ચૈતન્ય વ્યાપ્ત છે. તે જ પરમાત્મા છે. એ વ્યાપક પરિશુદ્ધ ચૈતન્ય સાથે જ આ પિંડના ચૈતન્યનો સંબંધ થવાથી આ ચૈતન્ય શુદ્ધ બને છે.

જયપ્રકાશજીની બે-ત્રણ વિશેષતાઓ હતી. પહેલાં ચર્ચા ચાલતી હતી કે જવાહરલાલજી પછી પ્રધાનમંત્રી કોણ બનશે ? ત્યારે જયપ્રકાશજીનું  જ નામ લેવાતું હતું. પણ જયપ્રકાશજીએ ક્યારે ય સત્તા હાથમાં લીધી નહીં. સત્તાની ઇચ્છા એમને નહોતી. લોકોએ એમને ‘લોકનાયક’નું બિરુદ આપ્યું. પરંતુ એમણે ક્યારે ય પોતાને ‘લોકનાયક’ માન્યા નહીં. લોકસેવક જ માન્યા.

જો તેઓ ઇચ્છતા હોત તો પ્રધાન મંત્રી કે રાષ્ટ્રપતિ બની શક્યા હોત. પણ આવી કોઈ ઇચ્છા એમના મનમાં ક્યારે ય થઈ નહીં. લોકો સાથે એકરૂપ થઈને જ તે લોકોની સેવા કરતા રહ્યા. ગામેગામ લોકોની, ખાસ કરીને ગરીબોની શક્તિ વધે, એ એકમાત્ર એમની ઇચ્છા હતી. તે માટે એમણે આખું જીવન હોમી દીધું. છેલ્લે સુધી દરિદ્રનારાયણની સેવા કરતાં કરતાં એમણે પોતાનું જીવન સાર્થક બનાવ્યું.

બીજી વિશેષતા, તેઓ ગૃહસ્થાશ્રમી હોવા છતાં પણ પતિ-પત્ની બ્રહ્મચર્યનું પાલન કરતાં હતાં. રામકૃષ્ણ પરમહંસ બ્રહ્મચારી હતા. એમના લગ્ન કરાવ્યાં તો એમની પત્ની શારદાદેવી બ્રહ્મચારિણી રહ્યાં. એનાથી ઊંધી વાત જયપ્રકાશજીની છે. પ્રભાવતી બાપુની સેવામાં રહેતાં હતાં, બાપુ સાથે નિકટના સંબંધ હતા. બાપુના વિચારોને કારણે પ્રભાવતીજીને બ્રહ્મચર્યની પ્રેરણા મળી હતી અને નિશ્ચય કર્યો. જયપ્રકાશજીએ કહ્યું, ‘હું તમને અનુકૂળ રહીશ.’ આ બિલકુલ સહજ રીતે થયું. ‘મેં કોઈ બહુ મોટી વાત કરી’ એવો અહમ્‌ નહીં. સહજ નિરહંકારી હતા. આ વાત કોઈને ખબર પણ નહોતી. ગાંધીજીએ કસ્તૂરબાને ‘માતા’ માન્યાં હતાં એ વાત બધાને ખબર છે. રામકૃષ્ણની વાત પણ જાહેર છે. પરંતુ જયપ્રકાશજીની વાત કોઈને ખબર નથી. દુનિયામાં આવાં ઉદાહરણો ઓછાં જોવા મળે છે.

જયપ્રકાશજીની ત્રીજી વિશેષતા હતી, એમની નમ્રતા, સરળતા અને સ્નેહ. એમના અનેક ગુણોનો પ્રભાવ મારા પર પડ્યો છે. એમાં એમના હૃદયની સરળતા મને વધુ પ્રિય હતી.

ગાંધી-નિધિએ ગાંધીજીના શતાબ્દી-મહોત્સવનો કાર્યક્રમ નક્કી કર્યો હતો. એમાં અધ્યયન મંડળ, પુસ્તકાલય, ખાદી વગેરે અંગે વાતો થઈ હતી. જે.પી. એના સભ્ય હતા. મેં એમનો લેખ વાંચ્યો. એમાં લખ્યું હતું કે “ઘણા કાર્યક્રમ છે. પણ ક્રાંતિકારી કાર્યક્રમ કોઈ નથી. એટલે આ પ્રસંગ પછી ગાંધી-નિધિ પાંચ વર્ષ સુધી ગ્રામદાન અને ખાદીનું કામ ઉપાડી લે. ત્યારે મને યાદ આવી સિંહણની વાર્તા. શિયાળનું બચ્ચું ઘરડી સિંહણની પાસે શૂરાતનની વાતો વધારીને કરવા લાગ્યો. બધું સાંભળ્યા પછી સિંહણે કહ્યું. “નિ:સંદેહ તું શૂરવીર છે. પણ ખેદ એ વાતનો છે કે જે કુળમાં તું જન્મ્યો છે, ત્યાં હાથીનો શિકાર કરવામાં આવતો નથી. ઘણાં કામો શિયાળના આ બચ્ચાના કામ જેવાં થતાં હોય છે. પણ ગાંધીજીના નામે કોઈ કામ કરવું હોય તો એની કસોટી હશે ‘ક્રાંતિ’.

જયપ્રકાશજીનું શરીર થાકેલું હતું. લોકોના આગ્રહને કારણે થોડો સમય આરામને સારુ હિમાલયની ગોદમાં ગયા હતા. એટલામાં બિહારમાં અમારા સાથીઓને નક્સલવાદીઓ દ્વારા ખૂનની ધમકી મળી. એની ખબર જયપ્રકાશજીને મળી. તો તેઓ તરત દોડી આવ્યા. અને એમણે ત્યાં પોતાના જાનની બાજી લગાવી દીધી. નકસલવાદીઓનું કામ શરૂ થઈ ગયું હતું. માલિકોનાં ખૂન શરૂ થઈ ગયાં હતાં. જયપ્રકાશજીનું પણ ખૂન થઈ શકે ! તો તે આશ્ચર્યની વાત નહોતી. જે.પી. ત્યાં ગયા તો કોઈ કહેતા, હવે ક્રાંતિની દિશામાં નવું પગલું મળશે; કોઈ કહેતું, ગ્રામદાનની નવી ટેકનિક મળશે; કોઈ કહેતું, સત્યાગ્રહનો નવો રસ્તો મળશે. પણ આ બધાની કિંમત ઓછી છે. જે સ્નેહ હતો, જેને માટે તેઓ દોડી આવ્યા, તેની કિંમત વધારે હતી.

જે.પી. પોતાનો આરામનો કાર્યક્રમ છોડી, મુસહરી પ્રખંડમાં ગામે – ગામ ફરી રહ્યા હતા, અને હું મારું મગજ બંધ રાખું તે બની શકે નહીં. મેં મારું મગજ ખુલ્લું રાખ્યું. મેં કહ્યું, “જયપ્રકાશજીએ જાનની બાજી લગાવી છે એટલે બાબા ભારતના મધ્યમાં આવીને બેઠા છે. બાબા કચરો ઉઠાવે છે, તો તે પણ એક જપ બની જાય છે. આ સફાઈનું કામ એ બાબાનો મુસહરી પ્રખંડ છે. જયપ્રકાશજી ત્યાં કામમાં લાગ્યા છે અને બાબા અહીંયા. એમની તરફ મારું અભિધ્યાન સતત રહ્યું છે. એ બે-ત્રણ મહિના સ્નેહની મૂર્તિ મારી સામે રહી હતી જયપ્રકાશ બાબુની. મારી ટેવ છે હંમેશાં જલદી સૂવા જવાની, અને મધ્યરાત્રીમાં જાગી જાઉ છું તો કલાક બે કલાક આપણા સાથીઓનું સ્મરણ કરતો રહું છું. એ દિવસોમાં ઘણી વાર જયપ્રકાશજીને યાદ કરતાં મારી આંખોમાંથી આંસુ વહેતાં.

જયપ્રકાશજીનાં કામનો (વિચાર-ભિન્નતા હોવા છતાં) વિરોધ હું નહોતો કરતો. એનું કારણ બતાવીને હું કહેતો: નંબર એક, તેઓ સજ્જન છે. નંબર બે, તેઓ નિ:સ્વાર્થ છે. નંબર ત્રણ, જ્યારે તેમને ભૂલ સમજાશે, ત્યારે તેઓ ભૂલ કબૂલ કરશે અને વાત પાછી વાળી લેશે.

જયપ્રકાશજીએ છેલ્લે નિવેદન કર્યું હતું એમાં એમણે સ્પષ્ટ કહ્યું હતું કે, “વિનોબાજીએ આપણી સામે જે આદર્શ મૂક્યો છે, તે અત્યંત વિચારવાલાયક છે. એમાં આપણે આપણી તાકાત લગાવવી જોઈએ. ફક્ત રાજનૈતિક કાર્યથી કામ થશે નહીં, આપણે આધ્યાત્મિક દૃષ્ટિથી કાર્ય કરવું પડશે.

બિહારમાં બાબા અને જે.પી. જ્યારે એક જ સભામાં બોલતા હતા; બાબાનું વ્યાખ્યાન અડધો કલાક થતું હતું અને જે.પી.નું દોઢ-બે કલાક થતું. બંનેનું મેળવી શ્રોતાઓનું સમાધાન થઈ જતું હતું. સર્વોદયવાળામાં એ કહેવત રૂઢ થઈ ગયેલી કે બાબાનું કોઈ પણ વ્યાખ્યાન અડધા કલાકથી વધારે થાય નહીં. અને જયપ્રકાશજીનું કોઈપણ વ્યાખ્યાન બે-અઢી કલાકથી ઓછું થાય નહીં. અને બંનેને સાંભળીને શ્રોતાઓની આકાંક્ષા પૂર્ણ થતી હતી. પણ તે જવાબદારી મારા એકલા ઉપર આવી પડી હતી. કારણ કે જે.પી. બીમાર થઈ ગયા હતા. તેઓ મુંબઈ ગયા હતા અને ટ્રસ્ટીશિપની બાબતમાં ચર્ચા કરી રહ્યા હતા. ત્યારે બોલતાં બોલતાં જ તેઓ બેભાન થઈ ગયા હતા અને બીમાર થઈને પટના પહોંચ્યા હતા.

એ દિવસોમાં જે.પી.ના ચિત્તમાં શાંતિ રહે એવી પ્રાર્થના હું હંમેશાં કરતો હતો. એક સાથી મળવા આવ્યા. મેં એમને લખીને આપ્યું હતું કે, “જે.પી.ને હું રોજ યાદ કરું છું. વળી હું રોજ અહીં ફરું છું, તો મને જે.પી.નાં દર્શન રોજ થાય છે. (વિનોબા કુટિરની પાસે જમીન પરની વિવિધ આકૃતિઓમાં વિવિધ લોકોના ચિત્રની કલ્પના કરતા. એમાં જે.પી. પણ એક હતા.) અમે બંને સાથે જ રહીએ છીએ.

પંડિત નહેરુને ગંગા પર એટલો પ્રેમ હતો કે એમણે કહ્યું કે, “મારી થોડી રાખ દૂર દૂર ખેતરોમાં અને થોડી ગંગામાં વિસર્જન કરજો. જયપ્રકાશજીએ પણ કહ્યું કે, “જલદીથી જલદી મને ગંગાકિનારે લઈ જાઓ. મુંબઈથી બહાર કાઢો. તેઓ તો ભોલેનાથ હતા જ.

અહીંયા (બ્રહ્મવિદ્યા મંદિરમાં) પ્રજ્ઞા પથ પર જયપ્રકાશ અને પ્રભાવતીજીનાં નામ પર કેરીનાં બે ઝાડ છે (જે.પી. – પ્રભાવતીજીએ બંનેએ પોતે જ વાવ્યાં છે). હું રોજ કહું છું, जयप्रभा एकिती, तुलसी रामायण गाती (પ્રભાવતી દીદી રોજ તુલસી રામાયણનો પાઠ કરતાં).

જયપ્રભા સાંભળે છે, તુલસીદાસ રામાયણ ગાય છે. ગીતાઈમાં જયપ્રકાશજીનું નામ આવ્યું છે :

जय मी आणी निश्चय ….

જયપ્રકાશજીનું દેહાવસાન થયું. તેઓ હંમેશાં સૂર્યોદય થતા પહેલાં એક-દોઢ કલાક વહેલા ઊઠતા. આધ્યાત્મિક શબ્દ, સૂત્ર, મંત્ર ગણગણતા રહેતા હતા. અથવા એમને સંભળાવવામાં આવતા હતા. તે દિવસે પણ એવું જ કર્યું. પછી સૂવા ગયા. સવારે પોણા છ વાગ્યે તેઓ ચાલ્યા ગયા. પ્રાર્થના પછી જે ઊંઘમાં જ ચાલ્યા જાય છે તે ભગવાનનું ચિંતન કરતાં કરતાં જાય છે.

મેં જયપ્રકાશજીને ‘જપુજી’ નામ આપ્યું હતું. એમને જે.પી. કહેતા હતા. હિંદીમાં એનું જ.પ. થાય છે. એને ‘ઉ’ લગાવ્યો. પ્રેમથી ‘જી’ લગાવ્યો તે આદર માટે. તો બન્યો જપુજી. ‘જપુજી’ ગુરુ નાનકનો પ્રખ્યાત ગ્રંથ છે, ગુરુ નાનકનું એક ભજન એમની સ્મૃતિ માટે ઉત્તમ છે.

बिसर गयी सब तात पराई
जब ते साधु-संगत मोंहि पाई
ना को बैरी नाज़ बिगाड़
सकल संगि हमको बनि आई …

સૌજન્ય : ભૂદાનમૂલક ગ્રામોદ્યોગપ્રધાન અહિંસક ક્રાંતિનું પાક્ષિક મુખપત્ર “ભૂમિપુત્ર”, 16 ઑક્ટોબર 2020; પૃ. 08-09 

Loading

હોઇ શકે…..

નારણ મકવાણા|Opinion - Opinion|30 October 2020

કવિતા …..
અંદાજ,
અનુભૂતિ,
મનોરંજન કે મનમોહક,
યાદ ને મરશિયા,
વિચાર, કલ્પન,વાણી,
ગદ્યનું  ટૂંકુ રૂપાંતર,
યાચના કે આક્રોશ,
વેદનાંનું વર્ણન,
ગાળો કે ડંફાશો,
એક શબ્દ કે નવલકથા,
સલાહ ને શિખામણ,
ભૂમિતિ ને વ્યાકરણ,
વિશ્વયુદ્ધનું  સ્લોગન,
પ્રેમનું કારણ,
પ્રેમીઓની ભાષા,
નિજાનંદની આભા,
ગણગણાતું ગીત,
છંદબદ્ધ કે અછંદ ગઝલ,
ભજન, કીર્તન,ધૂન ને દુહા,
પૈસાથી ખરીદાતી વસ્તુ,
છપાતી કે ન છપાતી રચના,
સકારણ કે અકારણ લખાણ,

બધ્ધું જ હોઇ શકે…

પેટ નહીં…..

૩૦/૧૦/૨૦૨૦

e.mail : naranmakwana20@gmail.com

Loading

અતીતરાગ

આશા વીરેન્દ્ર|Opinion - Short Stories|29 October 2020

સદાનંદબાબુની દીકરી સુધા હવે તો જો કે, ૬૦-૬૨ વર્ષની થઈ ગઈ હતી, પણ એ સમયના બંગાળના રિવાજ પ્રમાણે એનાં લગ્ન થયાં ત્યારે એની ઉંમર હતી બાર વર્ષ. લગ્નના માત્ર સાત દિવસ પછી એને પાછો પગ કરવા પિયર લઈ આવ્યાં એના બીજે-ત્રીજે દિવસે ઘરમાં રોકકળ મચી ગઈ. મા કલ્પાંત કરતાં બોલ્યે જતી હતી, ‘અરેરે, આ તે કેવું દુ:ખ આવી પડ્યું? જમાઈને એરુ આભડી ગયો. મારી સુધી વિધવા થઈ ગઈ. હવે શું થશે? બિચારી આખો જન્મારો કેમ કરીને કાઢશે?’

તે દિવસથી માંડીને આજ સુધી એ પિયરમાં જ રહી. ન કદી સાસરેથી કોઈએ એના ખબર પૂછ્યા કે ન કોઈ તેડું આવ્યું. લગ્નનું આખું પ્રકરણ એની જીવન કિતાબમાંથી ભૂંસાઈ ગયું. જો કે, આ ઘરે એને હૂંફ, લાગણી, માન-સન્માન બધું જ આપ્યું હતું. મા તો પંદરેક વર્ષ પહેલાં પરલોક સિધાવી ગઈ હતી પણ બાપુ, બે ભાઈઓ, ભાભીઓ અને એમનાં કલબલાટ કરતાં સંતાનોથી ભર્યા ભર્યા આ પરિવારમાં એનું વિશિષ્ટ સ્થાન હતું. એક સવારે રસોડાના કામમાં ગૂંથાયેલી સુધાને નાની ભાભીએ કહ્યું, ‘દીદી, તમને મળવા કોઈ મહેમાન આવ્યા છે તે બાપુ બેઠકખંડમાં બોલાવે છે.’

સુધાને આશ્ચર્ય થયું. ‘મને મળવા વળી કોણ આવે?’

એ બેઠકખંડમાં પહોંચી ત્યારે એને જોઈને ૫૦-૫૫ ની વયનો લાગતો પુરુષ ઊભો થઈને એને પગે લાગ્યો, ‘ભાભી, હું તમારો દિયર – વિપીન. તમારાં લગ્ન વખતે આઠેક વર્ષનો હોઈશ. ઓળખાણ પડે છે?’

સુધાના ચહેરા પર સખ્તાઈ આવી ગઈ, ‘ના, હું તમને નથી ઓળખતી.’

સદાનંદબાબુએ કહ્યું, ‘વિપીનબાબુ કહેવા અવ્યા છે કે, એમને હવે બાપ-દાદાના વખતનો બંગલો વેચી દેવો છે. મિલકતની વહેંચણી કાયદેસર રીતે ત્રણ ભાગે થશે. એ બંને ભાઈઓનો એક એક ભાગ અને જમાઈબાબુની એક માત્ર વારસ તરીકે તારો ત્રીજો ભાગ.’

‘બાપુ, મને આવી બધી ભાગ-લાગની વાતમાં કંઈ રસ નથી. વળી જે કદી મારું હતું જ નહીં એ ઘરમાંથી હું હિસ્સો શી રીતે લઈ શકું? મારે હજી ઘણું કામ પડ્યું છે. હું જાઉં?’ વિપીન એકદમ ઊભો થઈ ગયો. બે હાથ જોડીને કહેવા લાગ્યો, ‘ભાભી, તમે ખૂબ મહાન છો. બાકી આટલી સહજતાથી પોતાના હિસ્સાનો મોહ કોઈ કેવી રીતે ત્યાગી શકે? પણ મારી એક વિનંતી છે. એક વખત તકલીફ લઈને તમારે ગામ તો આવવું જ પડશે.’

‘શા માટે?’

‘અમારા બે ભાઈઓના હક્કમાં તમે તમારો ભાગ જતો કરો છો એવા લખાણ પર કોર્ટમાં આવીને વકીલની રૂબરૂ સહી કરી આપવી પડશે.’ ‘એમાં મારી ના નથી. જે કંઈ કરવું ઘટે એ કરીને મારે આ બધામાંથી મુક્તિ જોઈએ છે. મને આવી બધી ઝંઝટ નથી ફાવતી. પણ હા, હું બાપુ સાથે ત્યાં આવું ત્યારે બંગલો જોવાની મારી ઇચ્છા છે. બતાવશો ને?’ વિપીન તરત બોલ્યો, ‘જરૂર તમને બંગલે લઈ જઈશ ભાભી, પણ હવે એમાં જોવા જેવું કંઈ રહ્યું નથી. સાવ ખંડેર થઈ ગયું છે. ત્યાં રહી શકાય એમ પણ ન હોવાથી અમે બંને ભાઈઓએ ભાડાનાં ઘર લીધાં છે.’

વિપીનના ગયા પછી સુધાની મન:સ્થિતિ ડામાડોળ થઈ ગઈ. પચાસ વર્ષોનો દીર્ઘ કાળખંડ વટાવી એ બાર વર્ષની કિશોરી નવવધૂના સ્વાંગમાં શ્વસુરગૃહે પહોંચી ગઈ. જો કે, આજે તો હવે પતિનો ચહેરો પણ યાદ નહોતો. હતી તો માત્ર એક સુમધુર સ્મૃતિ. વિશાળ બંગલાના એક ઓરડાની બારી પાસે બાર ને પંદર વર્ષનાં કિશોર-કિશોરી કે જે બે દિવસ પહેલાં પતિ-પત્ની બન્યાં છે, એ બંને બેઠાં છે. બારીની બહાર આંબા અને ફણસનાં વૃક્ષો ઝૂમી રહ્યાં છે. કિશોર કહે છે, ‘બધાં ભલે કહે કે, ફણસ કરતાં કેરીનો સ્વાદ વધુ સારો પણ મને તો ફણસ જ બહુ ભાવે. તને શું વધારે ભાવે?’

છોકરી શરમાઈને કહે છે, ‘કેરી’.

બીજે દિવસે કિશોર બધાંથી છુપાવીને બે પાકી કેરી લઈ આવીને કિશોરીને કહે છે – ‘જલદી જલદી ખાઈ લે, નહીંતર કોઈ જોઈ જશે ને બધાં આપણી મજાક ઉડાવશે.’ સુધાને સમજાયું નહીં કે વર્ષો પહેલાંની આ યાદથી આજે ય એની આંખો ભીની કેમ થઈ ગઈ? વિપીન ગાડી લઈને સ્ટેશને લેવા આવ્યો હતો. ‘ચાલો, પહેલાં તમને એક સારી હોટેલમાં લઈ જાઉં. ચા-નાસ્તો કરો અને ફ્રેશ થઈ જાવ. કોર્ટના સમયને હજી વાર છે.’

‘સૌથી પહેલાં મારે બંગલો જોવા જવું છે.’ સદાનંદબાબુને સુધાની આ ઉતાવળ સમજાઈ નહીં પણ એમણે ચૂપ રહેવાનું યોગ્ય માન્યું. પડું પડું થતા એક બંગલા પાસે ગાડી ઊભી રહી. પોતાની પાસેની ચાવીથી તાળું ખોલતાં વિપીને કહ્યું, ‘જોયું ભાભી, મેં કહ્યું હતું ને કે, બંગલામાં કંઈ જોવાલાયક રહ્યું નથી. બધા ઓરડા ખાલીખમ છે. બેસવા માટે એક ખુરશી સુધ્ધાં નથી.’ ‘વાંધો નહીં. હું એક વાર ઉપરના માળે આંટો મારી આવું. તમે બંને વાતો કરો. હું હમણાં આવું છું.’

ધૂળથી ભરેલા ઓરડા પાસે જઈને સુધાએ ઊંડો શ્વાસ લીધો. ધીમેથી બારી પાસે જઈ એણે બંધ બારીને ધક્કો માર્યો. જ્યાં બહાર નજર કરી ત્યાં એનું હૈયું એક થડકારો ચૂકી ગયું. ક્યાં ગયાં એ આંબા અને ફણસનાં ઝાડ? અહીં તો હતા માત્ર પથ્થરો અને માટીના ઢગલા. અચાનક એને પેલા કિશોરનો રમતિયાળ સ્વર સંભળાયો, ‘તને શું ભાવે? ફણસ કે કેરી?’ કિશોરની આપેલી કેરી જોવા સુધાએ પોતાના અડવા હાથ ઊંચા કરીને જોયું. હથેળી તો સાવ ખાલી હતી. એમાં કશું ય નહોતું. એને જોરમાં ડૂસકું આવ્યું. સાડલાના છેડાથી આંખો લૂછતી એ નીચે આવી અને બોલી, ‘ચાલો, મારે જે જોવું હતું એ જોવાઈ ગયું.’

કંઈ ન સમજાતાં સદાનંદબાબુ અને વિપીન એકમેકનાં મોઢાં જોઈ રહ્યા.

(સમરેશ મુજુમદારની બંગાળી વાર્તાને આધારે)        

સૌજન્ય : ભૂદાનમૂલક ગ્રામોદ્યોગપ્રધાન અહિંસક ક્રાંતિનું પાક્ષિક મુખપત્ર “ભૂમિપુત્ર”, 16 ઑક્ટોબર 2020

Loading

...102030...2,2202,2212,2222,223...2,2302,2402,250...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved