Opinion Magazine
Number of visits: 9680726
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિનોબા વિદ્યાર્થીઓને શું કહે છે?

પ્રવકતા : વિનોબા|Opinion - Opinion|25 September 2020

ગૂજરાત વિધાપીઠની સ્થાપના કઈ રીતે થઈ એનો હું સાક્ષી છું. આરંભમાં ત્યાં થોડું ઘણું ભણાવવાનું કામ પણ મેં કર્યું છે. એ વખતે હું સાબરમતી આશ્રમમાં રહેતો હતો અને રોજ અહીં ભણાવવા આવતો હતો. આવતી વખતે ચાલતો આવતો હતો, પરંતુ પાછા જતી વખતે દોડતો જતો હતો. ૪૫ મિનિટનો એક વર્ગ હું લેતો હતો.

સાબરમતી આશ્રમમાં પણ ગીતા વિષેના મારા વર્ગ ચાલતા હતા. એ વર્ગ સવારે ચાલતા અને એમાં ૫-૪ વિધાર્થી રહેતા. બપોરે ત્રણ વાગે બીજો એક વર્ગ લેતો અને સાંજે પ્રાર્થનામાં પણ બોલતો હતો. બપોરના ગીતાના વર્ગમાં કેટલાક વિદ્યાર્થીઓને દોડીને આવવું પડતું હતું, એવી સમયની ખેંચ રહેતી હતી. આમ, આરંભમાં કંઈક કસાયેલું જીવન હતું. હવે સંસ્થા ધીરે ધીરે વિકસિત થઈ રહી છે, સાથોસાથ એમાં કંઈક સુવિધાઓ પણ વધી રહી છે.

ઉત્તમ ખોરાક મળવો જોઈએ

વિદ્યાર્થી-જીવનમાં ઉત્તમ ખોરાક મળવો જોઈએ, કેમ કે વિધાર્થીઓનું શરીર વિકસતું રહેતું હોય છે. એમના ખોરાકમાં કાંઈ કમી નહીં રહેવી જોઈએ. વિધાર્થીઓને એવી બધી સુવિધાઓ મળવી જ જોઈએ. જો કે સુવિધાવાળા જીવનની આદતો જીવનમાં કાયમી થઈ જાય તો, અધિક પુરુષાર્થ નહીં કરી શકે અને ગામડાંમાં રહીને કામ નહીં કરી શકે. ગામડાંમાં શહેરો જેવી સુવિધાઓ ના હોય.

વ્યાસ ભગવાને તો “મહાભારત’માં લખી દીધું છે, “सुखार्थिन: कुतो विद्या, विधार्थिन: कुतो सुखम् ” યાને સુખાર્થીઓને વિદ્યા ક્યાં અને વિદ્યાર્થીઓને સુખ ક્યાં ? આમ, સુખાર્થી અને વિદ્યાર્થી, એવા બે ભાગ સમાજના થઈ ગયા. યદ્યપિ વિધ્યાર્થીઓને આત્માનંદ, વિદ્યાનન્દ, ગુરુસેવા અને એવાં બીજાં ઘણાં સુખ હોય છે. પરંતુ સુખનો પ્રચલિત અર્થ છે : સુવિધાઓ મળવી. એ સુવિધાઓ એમને મળી શકતી નથી; અને જો તેઓ શારીરિક સુખ ચાહે છે, તો એમને વિધા મળી શકતી નથી.

શરીર સશક્ત કરવું જોઈએ

મારું શરીર તો પહેલેથી નબળું જ હતું. જો મેં શરીરને ક્યું ના હોત; ઠંડી, ગરમી, વરસાદ આંધી વગેરે સહન કરવાની શક્તિ કેળવી ના હોત, તો આ ભૂદાન-યાત્રામાં ટકી શક્યો ન હોત. સાત-આઠ વર્ષથી આ યાત્રા ચાલી રહી છે અને કોણ જાણે ક્યાં સુધી ચાલશે ! કયારેક ક્યારેક તો જ્યાં વધુમાં વધુ વરસાદ પડે છે, ત્યાં પણ સતત ચાલતો રહ્યો. જેમ કે કેરળમાં ૧૭૫ ઈંચ વરસાદ થાય છે. ચાર વર્ષ પહેલાં જ્યાં સૌથી વધુ ઠંડી પડી છે, ત્યાં યાત્રા ચાલી. ગરમીમાં બાંદદા અને નાલગુંડા જેવા જિલ્લાઓમાં જ્યાં ૧૧૮-૧૧૯ ડિગ્રી તાપમાન હોય છે, ત્યાં યાત્રા ચાલી.

જાણીબૂઝીને એ રીતે યાત્રાનું આયોજન થતું નથી. પણ એવું કરવું પડે છે. તેમ છતાં શરીર સાથ આપી રહ્યું છે, કેમે એવા જીવનની બાળપણથી આદત પાડી છે. એ અત્યારે કામ આવી રહી છે. માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોનાં શરીર મજબૂત બને એમ હું ઇચ્છું છું. સારો ખોરાક મળે તો શરીર મજબૂત બને. કસાયેલું જીવન જ મધુર જીવન છે. જીવનમાં માધુર્ય કાયમ ટકી રહે એવું જીવન ઘડવું જોઈએ. જો કે વચ્ચે વચ્ચે ઉપવાસ પણ કરતા રહેવું જોઈએ. માટે આપણા પૂર્વજોએ વચ્ચે વચ્ચે ઉપવાસની યોજના પણ ઘડી રાખી હતી.

અભ્યાસમાં તન્મયતા રહેવી જોઈએ

પ્રકૃતિ આપણી મિત્ર છે. ખૂબ વરસાદ વરસે, તો આપણો મિત્ર મળવા આવ્યો છે એમ સમજવું. ગરમીમાં માટી તપે અને પછી એના પર વરસાદ પડે, તો સારો પાક થાય. એ રીતે આપણું શરીર પણ માટી છે, એને સૂર્યનારાયણનો સ્પર્શ થવો જોઈએ. પ્રકૃતિનાં આ તત્ત્વો આપણાં મિત્ર છે અને મિત્રૂપમાં જ એમનું સ્વગાત આપણે કરવું જોઈએ. વિધાભ્યાસ વખતે એવી તન્મયતા હોવી જોઈએ કે શું ખાઈ રહ્યા છીએ એની જીભને ખબર પણ ના પડે.

મારી બા રસોઈ કરતી વખતે ભજનો ગાયા કરતી  હતી. ઘણાં ભજન એને યાદ હતાં. રસોઈ કરતી જાય અને સ્તોત્ર-પાઠ કરતી જાય. એમાં ક્યારેક મીઠું નાખ્યું કે નહીં એ ભૂલી જાય. કોઈ વખત બે વાર મીઠું નંખાઈ જાય. વધારે મીઠું ખાવાની એને આદત પણ હતી. સૌથી પહેલાં ખાઈને હું કૉલેજ ચાલ્યો જાઉં. રસોઈમાં મીઠું વધારે છે કે ઓછું એ તો મારા ધ્યાનમાં આવતું પણ નહીં. મારા પિતા જમવા બેસે ત્યારે કહે કે, અરે ! આમાં તો મીઠું વધારે છે. રસોઈ પહેલાં ચાખી લેવાનું બા માટે શક્ય નહોતું. કેમ કે એ ભગવાનને ધરાવતી હતી. હું કૉલેજથી આવું ત્યારે મને કહેતી, ““અલ્યા વિન્યા, મીઠું વધારે પડ્યું હતું, પરંતુ તેં તો મને કહ્યું પણ નહીં.” હું કહું, “મને એનો ખ્યાલ જ નહોતો રહ્યો.”

કહેવાનો મુદ્દો એ છે કે અભ્યાસમાં આવી તન્મયતા રહેવી જોઈએ. વિદ્યાર્થીને અસ્વાદ રૂપમાં નહીં, પણ આવી તન્મયતા સહેજે સાધ્ય થવી જોઈએ. આ તન્મયતાની કસોટી છે. અસ્વાદવ્રત અને કસાયેલું જીવન વિદ્યાર્થીઓ માટે જરૂરી છે. આ રીતે તમે શરીર – મનને કેળવશો તો મને આશા છે કે જે સેવા માટે તમે તૈયાર થઈ રહ્યા છો, એ સેવા તમે જરૂર કરી શકશો.

(અમદાવાદ, ૨૧-૧૨-૧૯૫૮ : ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ વચ્ચે. હિંદી પરથી અનુવાદ – અમૃત મોદી)

સૌજન્ય : ભૂદાનમૂલક ગ્રામોદ્યોગપ્રધાન અહિંસક ક્રાંતિનું પાક્ષિક મુખપત્ર “ભૂમિપુત્ર”, 16 સપ્ટેમ્બર 2020

Loading

બે જનેતા

આશા વીરેન્દ્ર|Opinion - Short Stories|25 September 2020

આ ગામને હમણાં હમણાં જ રેલવેનું સ્ટોપ મળ્યું હતું, એટલે નાનું એવું રેલવે સ્ટેશન હતું અને નાનકડું પ્લેટફોર્મ હતું. આખા દિવસમાં માત્ર બે કે ત્રણ આવતી ને જતી ટ્રેનો ત્યાં ઊભી રહેતી. ટ્રેનમાં ઊતર-ચઢ કરનારા મુસાફરો, સ્ટેશન માસ્તર અને એક હવાલદાર સિવાય પ્લેટફોર્મ પર ખાસ કોઈ દેખાતું નહીં.

પણ કાયમ સૂમસામ રહેતા આ પ્લેટફોર્મ પર આજે નાનકડું ટોળું જમા થઈ ગયું હતું. કહેવત છે ને કે ‘તમાશાને તેડું ન હોય!’ એ મુજબ સૌને મફતમાં તમાશો જોવા મળતો હતો એટલે મજા આવતી હતી. લોકો અંદરોઅંદર વાતો કરતા હતા, “આ બે બાઈડિયું ઘડીવાર પે’લા તો હસી હસીને, તાળી દઈ દઈને વાતું કરતી’તી ને ઘડીકમાં હું થઈ ગ્યું?’

‘હા, જો ને, એકબીજીને ગાળું દઈ દઈને બાઝે (ઝઘડે) છે ને ભેગાભેગી રડતી ય જાય છે.’

થોડી વારમાં લાકડી હલાવતો હવાલદાર આવીને દમ મારવા લાગ્યો, “એ ય, ઈધર મારામારી નૈ કરનેકા. મેરેકુ બોલો, શું થ્યા હૈ?’

“સાયેબ, આને મારો છોરો જોવે છે. મારે કંઈ વધારાનો સે તે એને આલી દઉં?” પોતાની છાતીએ વળગાડેલા મરિયલ જેવા લાગતા, કાળામશ છોકરા પર ભીંસ વધારતાં એક સ્ત્રીએ કહ્યું.

“આ ખોટ્ટાડી સે, હોં સાયેબ! છોરો એનો નથ. ઈ તો મારો સે. કટલી ય માનતા માની તારે રાંદલ માએ માંડ માંડ આલ્યો સે. મરી જઈસ પણ એને નૈ આલું.” બીજી સ્ત્રીએ રડતાં રડતાં કહ્યું.

આ બેઉમાં સાચું કોણ એ હવાલદારને સમજાયું નહીં. હવે તો હાથોહાથની મારામારી પર આવી ગયેલી સ્ત્રીઓને પોતાની લાકડીથી છૂટી પાડતાં એણે કડકાઈથી પૂછ્યું, “આ કેતી હૈ કે છોરા મેરા હૈ, તુ કેતી હૈ કે મેરા હૈ. ચાલો, સચ બોલો, કૌન ઈસકી મા હૈ?”

બેમાંથી ઉંમરમાં નાની દેખાતી સ્ત્રીની આંખો રડી રડીને લાલચોળ થઈ ગઈ હતી. એણે હિબકાં ભરતાં કહ્યું, “ખોટું બોલું તો મને રાંદલ મા પૂછે. ભીખલો મારો જ સે. આ રૂપલી ઈને લઈને આગગાડીમાં બેહીને ભાગી જવાની સે. સાયેબ, છોરા વના હું મરી જઈસ. ઈને રોકો સાયેબ, તમારે પગે પડું.”

હવે રૂપલી કંઈક ઢીલી પડી હતી. એણે ધીમા અવાજે વાત માંડી, “ભીખલાને આ મંગીએ જલમ આપ્યો ઈ વાત હાવ હાચી, સાયેબ, પણ પૂછો એને જ કે, સાત સાત મૈનાથી દૂધ કોણે પાયું? ઈ જલમ્યો પછી મંગીની છાતીમાં હમૂળગું દૂધ જ નો’તું આવતું. માના દૂધ વના ભીખલો મરી જ જવાનો હતો. ઈ વખતે મારે ય ચંદૂડો ધાવણો હતો. મંગી મારી પડોસણ. એક દી’ ઈ રોતી રોતી મારી પાંહે આવીને મને કે’ આ છોરાને હવે તું જ જિવાડ.”

હવે મંગી વાંકી વળીને રૂપલીના પગમાં પડીને કહેવા લાગી, “તારા ચંદૂડાના ભાગમાંથી કાઢીને તેં ભીખલાને દૂધ પાયું ઈ તારો પાડ ઉં નૈ ભૂલું ને મને યાદ સે કે ઈ ટાણે મેં કીધેલું કે ઈને જિવાડે તો ભીખલો તારો દીકરો, પણ આમ મારી નજર હામે તું ઈને લૈને આગગાડીમાં જાતી રે’ તો ઉ તો છતે દીકરે વાંઝણી જ થઈ જાઉં ને?” આ બધી અફડા-તફડીમાં રૂપલી છોકરાને લઈને ભાગી ને ઊભી રહેલી ટ્રેનના ડબ્બામાં ચઢી ગઈ.

મંગી જોર જોરથી છાતી ફૂટીને રડવા ને હવાલદારને વિનંતી કરવા લાગી, “સાયેબ, ઈ લોકો તો વણઝારા સે. ઈનો આખો કબીલો ફિરોજપુર જતો રયો સે. એનો વર પોતાની હંગાથે ચંદૂડાને ય લઈ ગ્યો સે. એની પાંહે તો બધાય સે ને ઉં તો હાવ એકલી સું. મારા ભીખલા વના મારું કોઈ નથ સાયેબ …” હવે હવાલદારને મંગીની દયા આવી. ટ્રેન શરૂ થવાને થોડીક જ વાર હતી. ડબ્બાના દરવાજા પાસે ઊભેલી રૂપલીને એણે કડક અવાજે કહ્યું, “ચાલ, આપી દે, આપી દે. જો છોકરાની મા હૈ ઉસકો છોકરા વાપસ દે દે.”

હવાલદારના હુકમ પાસે પોતાનું કંઈ નહીં ચાલે એ સમજીને રૂપલી હવે ભીખલાને માથે ને મોઢે હાથ ફેરવતી અને બચ્ચીઓ ભરતી રડવા લાગી, “પૂછો સાયેબ, પૂછો ઈને કે કોણ સે છોરાનો બાપ? ઈને ખબર હોય તો ઈ બોલસે ને? ઈ તો નીત નવા મરદો પાછળ ભાગતી ફરે છે.” રૂપલીએ છેલ્લો દાવ અજમાવી જોયો.

“જો ભી હો પણ લડકેકી મા વો હૈ. બચ્ચા દે દે.” હવાલદારે છોકરાને પરાણે ખેંચીને મંગીના હાથમાં આપી દીધો. ક્યારનો સૂઈ રહેલો ભીખલો આંખ ખૂલતાંની સાથે દૂધ માટે વલખાં મારતાં ચીસો પાડીને રડવા લાગ્યો. મંગી મૂંઝાઈ ગઈ કે એને છાનો શી રીતે રાખવો? એક હાથે ટ્રેનનો સળિયો પકડીને બીજો હાથ લાંબો કરીને રૂપલી રડતી જતી હતી ને બોલતી જતી હતી, “મારી નાખજે ઈને. ઈ મરી જસે ત્યારે તને નિરાંત થસે. હવારથી બચાડાના પેટમાં દૂધનું ટીપું ય નથ ગ્યું. ઈ બચાડો જીવ રડે નૈ તો સું કરે?”

મંગી ગભરાઈને ભીખલાના મોંમાં શીંગ-ચણાના દાણા મૂકવાનો પ્રયત્ન કરવા લાગી. ગાડી ઊપડવાની સીટી વાગી ગઈ હતી ને રૂપલીએ આ જોયું. ધડામ કરતી ચાલુ થઈ ગયેલી ટ્રેનમાંથી કૂદીને એ પ્લેટફોર્મ પર આવી ગઈ.

“મારી નાખીસ મારા છોરાને હરામજાદી, આ સું ખવડાવે છ? અક્કલનો છાંટો સે કે નૈ તારામાં?” દોડીને મંગી પાસે જઈને એણે ભીખલાને ખેંચી લીધો. થોડીવારમાં પ્લેટફોર્મ પર પૂર્વવત્‌ શાંતિ ફેલાઈ ગઈ.

ફરી પાછા રોન પર નીકળેલા હવાલદારને નવાઈ લાગી કે એકમેકને ગાળો દેતી ને રડતી પેલી બંને બાયડીઓ ગઈ ક્યાં? એણે ધ્યાનથી જોયું તો નજીકના ઝાડને છાંયે બેઠેલી રૂપલી સાડલાનો છેડો ઊંચો કરીને. ભીખલાને ધવડાવતી હતી અને મંગી ધીમું ધીમું હસતી છોરાને માથે હાથ ફેરવતી હતી.

(ભીષ્મ સહાનીની હિંદી વાર્તાને આધારે)

સૌજન્ય : ભૂદાનમૂલક ગ્રામોદ્યોગપ્રધાન અહિંસક ક્રાંતિનું પાક્ષિક મુખપત્ર “ભૂમિપુત્ર”, 16 સપ્ટેમ્બર 2020

Loading

સરહદી રાજ્યોમાં રાષ્ટૃવાદ મઢવાનો પ્રયત્ન કેમ ?

રમેશ ઓઝા|Opinion - Opinion|24 September 2020

વિડંબના એવી છે કે રાષ્ટ્રવાદના મૂળભૂત કે અંગભૂત પદાર્થો (જેવા કે બહુમતી પ્રજાનો ધર્મ, બહુમતી પ્રજાની ભાષા, બહુમતી પ્રજાની સંસ્કૃતિ, સામાજિક રીતિરિવાજ, શરીરિક દેખાવ, રૂપરંગ વગેરે) તળ ભૂમિમાં તેની સોળે કળાએ ખીલેલા જોવા મળે છે, પરંતુ જેમ જેમ તળ ભૂમિથી દૂર જાવ એમ એમ એ પાતળા પડવા માંડે અને ઓઝલ થવા માંડે. સરહદનો હિંદુ કે ભારતીય તમને તમારા જેવો હિંદુ કે ભારતીય નથી લાગતો. એટલે તો આપણે ઇશાન ભારતના ભારતીયને ચીના કે જપાની માની બેસીએ છીએ અને પેલાએ કહેવું પડે છે કે, ‘ભાઈ હું પણ ભારતીય છું.’ આ દુનિયા આખીની સરહદ પરની વાસ્તવિકતા છે.

સરહદ એ સાંસ્કૃતિક સંગમનો પ્રદેશ છે. જ્યાં સુધી બહુમતી પ્રજાની સંસ્કૃતિ (મુખ્યત્વે ધર્મ અને ભાષા) આધારિત સીમાબદ્ધ રાષ્ટ્રવાદ અસ્તિત્વમાં નહોતો ત્યાં સુધી આ કોઈ સમસ્યા જ નહોતી, પરંતુ જ્યારથી રાજ્યના સીમાડાઓ જે તે પ્રજાના સાંસ્કૃતિક માપદંડોના આધારે નક્કી થવા લાગ્યા ત્યારથી સરહદે સીમા નક્કી કરવાની મોકાણ પેદા થઈ છે. માત્ર ભારત અને ચીન વચ્ચે નહીં, લગભગ જગત આખામાં.

તો પછી શું કરવું? ગયા અઠવાડિયે લેખ પૂરો કરતાં પહેલાં મેં આપની સમક્ષ પાંચ સવાલો વિચારવા માટે રાખ્યા હતા. વિવેકી ડાહ્યા શાસકો શું કરે? ખૂબ દૂર સુધી જોઈ શકનારા વ્યવહારવાદી શાસકો શું કરે? ધૂર્ત ચાલાક શાસકો શું કરે? માથાભારે શાસકો શું કરે? અને આપણે શું કરવું જોઈએ? મને આશા છે કે તમે આ વિશે વિચાર કર્યો હશે.

સરહદ પરનો ભારતીય તમારા જેવો ભારતીય નથી એ એક હકીકત છે. ઈશ્વરદત્ત વાસ્તવિકતા છે એટલે એમાં તમે કાંઈ ન કરી શકો. હિમાલયમાં પીપળો અને વડલો ન ઊગે ત્યાં તમે શું કરી શકવાના? ત્યાં ચિનાર અને દેવદાર ઊગે છે. બીજી બાજુ તમે તમારા રાજ્યને ત્યાં સુધી વિસ્તારવા કે લંબાવવા માગો છો જ્યાં સુધી ભારતીય સંસ્કૃતિનાં સગડ મળતા હોય. ગયા અઠવાડિયે મેં છાંટ શબ્દ વાપર્યો હતો. જેટલે દૂર સુધી આપણી સંસ્કૃતિનાં છાટણાં મળતાં હોય ત્યાં સુધી દાવો કરવાનો. આ મોહ આજના રાષ્ટ્રવાદી યુગની રાજકીય વાસ્તવિકતા છે.

આ સ્થિતિમાં વિવેકી અને ડાહ્યા શાસકો શું કરે? હજુ વધારે યોગ્ય રીતે કહીએ તો વિવેકી અને ડાહી પ્રજા શું કરે? આ પહેલો પ્રશ્ન.

વિવેકી અને ડાહ્યા શાસકો સરહદ પરની આ વાસ્તવિકતાનો સ્વીકાર કરે. રાષ્ટ્રવાદ નામના ભૂતને દારૂ ન પાય, કારણ કે એમાં ખૂવારી થવાનો ભય છે. પાડોશી દેશ વાંધો ઉઠાવે, ઝઘડા થાય અને વખતે યુદ્ધ પણ થાય. પાછું સરહદ પરનો ભારતીય તમારી જેમ અને તમારા જેવો હજુ પૂરો ભારતીય થવાનો બાકી છે. તો વિવેકી અને ડાહ્યા શાસકો અને એવી પ્રજા સરહદનો પ્રશ્ન આપસમાં આપ-લેની સમજૂતી કરીને ઉકેલે. લડાખે કાશ્મીર ઉપર શાસન કર્યું હોય કે કાશ્મીરે લડાખ ઉપર શાસન કર્યું હોય, અથવા સમયના કોઈ મુકામે કાશ્મીરે તિબેટ ઉપર શાસન કર્યું હોય કે પછી તિબેટે કાશ્મીર ઉપર શાસન કર્યું હોય એવું બન્યું છે. તિબેટે ચીન ઉપર પણ શાસન કર્યું છે એ આજે માનવામાં મુશ્કેલી પડશે, પણ ઇતિહાસની એ વાસ્તવિકતા છે. આમ સરહદનો પ્રદેશ આમતેમ જાય એ સરહદની પ્રજા માટે કોઈ નવી વાત નથી. તમે હિંદુ ચશ્માંથી લડાખીઓને જુઓ છો, પણ તેઓ તો પોતાનાં ચશ્માંથી પોતાને જુએ છે અને એ તમારાંથી જુદાં છે.

તો વિવેકી અને ડાહ્યા શાસકો અને એવી પ્રજા પહેલું કામ પાડોશી દાવેદારો સાથે સમજૂતી કરવાનો પ્રયાસ કરે કે જેથી સરહદ નિશ્ચિત થઈ જાય, નિશ્ચિત થઈ જાય એટલે સુરક્ષિત થઈ જાય અને સરહદે શાંતિ હોય તો દેશના વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકાય. વિવેકી અને ડાહ્યા શાસકો અને એવી પ્રજા બીજું કામ સરહદની પ્રજાનો પ્રેમ અને વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરે. એ પ્રજાને સમજે, એ પ્રજાની સંસ્કૃતિને સમજે, વૈવિધ્યની કદર કરે, એના પ્રશ્નોને સમજવાનો પ્રયાસ કરે, તેમની ફરિયાદોને સાંભળે અને તેને ઉકેલે, તેમને પોતાને ત્યાં બોલાવે અને પોતે ત્યાં જાય.

શાસકોની વાત જવા દો, તમે એક ડાહ્યા દેશપ્રેમી તરીકે આવો કોઈ પ્રયાસ કર્યો છે? તમને ખબર છે કે ઇશાન ભારતમાં કેટલાં રાજ્યો આવેલાં છે? ત્યાં જવાની વાત તો દૂર રહી. ગૂગલની સહાય વિના માત્ર ગણી આપો. મૂછે તાવ દેવાથી કે સાથળ થપથપાવવાથી રાષ્ટ્રો નથી બનતાં, એવા ઘેલા તો સરહદની પેલે પાર પણ મોટી સંખ્યામાં છે. જ્યાં રાષ્ટ્રનાં ઘટકતત્ત્વો પાતળાં છે, જ્યાં રાષ્ટ્રની વિભાવના પહોંચી નથી, જ્યાં તમારું રાષ્ટ્ર નાજુક અવસ્થામાં છે એ પ્રદેશને જો ભારતીય રાષ્ટ્રનો હિસ્સો બનાવી રાખવા માગતા હો તો બે જરૂરિયાત છે એ નોંધી લો. પહેલી જરૂરિયાત છે, એ પ્રજાને અને તેના પ્રદેશને આપણી સાથે ટકાવી રાખવાની અને બીજી જરૂરિયાત છે વિસ્તારવાદી પાડોશીથી તેને બચાવવાની. પહેલી ફરજ પ્રજાની અને શાસકોની છે અને બીજી ફરજ લશ્કરની છે. ટકાવી રાખવાનો ધર્મ આપણો છે, બચાવી રાખવાનો ધર્મ લશ્કરનો છે.

તમે ક્યારે ય વિચાર્યું છે કે આપણે લશ્કરી જવાનોને આટલો બધો પ્રેમ અને આદર શા માટે આપીએ છીએ? જવાનો દેશની રક્ષા કરે છે માટે એવો તમે જવાબ આપશો જે સાચો જવાબ નથી. આપણે લશ્કરી જવાનોના ઓવારણા એટલા માટે લઈએ છીએ કે સરહદની પ્રજાને અને ત્યાંના પ્રદેશને આપણી સાથે ટકાવી રાખવાની જે નાગરિક ફરજ છે તેનાથી ભાગવાના પાપને છૂપાવવા માટે. હું ટકાવી રાખવા માટે કાંઈ જ નહીં કરું, મને તો એ પણ ખબર નથી કે ઇશાન ભારતમાં કેટલાં રાજ્યો છે; પણ તું તો જવાંમર્દ છે, તું અમારો હીરો છે એટલે બચાવ એ પ્રદેશને.

તમે શું એમ માનો છો કે તમારી નકલી લાગણી લશ્કરી જવાનો નથી જાણતા? નિવૃત્ત લશ્કરી અધિકારીઓએ સેંકડોની સંખ્યામાં પુસ્તકો લખ્યાં છે અને અખબારો-સામયિકોમાં તેઓ લખે છે એના પર નજર કરશો તો આની ખાતરી થઈ જશે. શાસકો અને પ્રજા ટકાવી રાખવાની ફરજ નિભાવે અને રચનાત્મક પ્રયાસ કરે તો બચાવી રાખવાનું લશ્કરનું કામ આસાન થઈ જાય એમ તેઓ વારંવાર કહે છે. બને છે એનાથી ઊલટું. મધ્ય પ્રદેશમાં ચૂંટણી જીતવી હોય તો કાશ્મીરમાં ઊંબાડિયું કરવાનું અને પછી લશ્કરનાં ગુણગાન ગાઈને કહેવાનું કે ભૂમિને બચાવવાની જવાબદારી તારી. 

આ સારા વિવેકી શાસકો અને પ્રજાનાં લક્ષણો નથી. રહી વાત ધૂર્ત અને માથાભારે શાસકોની તો એમાં નૈતિકતાની વાત જવા દો તો પણ વ્યવહારની વાત તો છે જ. ધૂર્તતા અને માથાભારેપણું પરવડે એવું છે કે નહીં એનું તો ધ્યાન રાખવું જોઈએ. નહીં તો લેને કે દેને પડ જાય એવું બને. ચીનનો ધૂર્તતા અને માથાભરેલો વ્યવહાર કેટલો વ્યવહારુ છે અને કેટલો પરવડે એવો છે એની વાત આવતા અઠવાડિયે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 24 સપ્ટેમ્બર 2020

Loading

...102030...2,2022,2032,2042,205...2,2102,2202,230...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved