Opinion Magazine
Number of visits: 9456461
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી

હેમંતકુમાર શાહ|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|15 March 2025

હેમન્તકુમાર શાહ

ગુજરાતમાં સમાન નાગરિક ધારો (UCC) માટેની કવાયત શરૂ થઈ છે. કોઈ પણ ધાર્મિક કે જાતિગત સમુદાય સમાન નાગરિક ધારામાંથી બાકાત રહેવા જોઈએ નહીં. એ બધાને સમાન રીતે લાગુ પડવો જોઈએ.

એટલે માગણી એવી થવી જોઈએ કે એ આદિવાસીઓને પણ લાગુ પડવો જ જોઈએ. આદિવાસીઓની પરંપરાઓ જુદી છે માટે એમને એ લાગુ ન પડે એવી દલીલ વાહિયાત છે. એમ તો બધા ધર્મોમાં અને જાતિઓમાં પરંપરાઓ અલગ અલગ જ છે. ચાલુ રાખો એ બધું જ, અને secular કાયદા બનાવવાનું જ બંધ કરી દો ને. હિંદુઓમાં સતીપ્રથા તો એક પરંપરા છે, એ ચાલુ રાખો, એવું કોઈ કહેશો ખરા? 

આદિવાસીઓને UCC લાગુ ન પડવાનો હોય તો પછી એ કાયદો જોઈએ જ નહીં એવી દલીલ પણ ધર્મનિરપેક્ષ કે secular દલીલ નથી. સરકાર આદિવાસીઓને એ કાનૂનમાંથી બાકાત રાખવા માગતી હોય તો તે ખોટી બાબત છે એમ ખોંખારો ખાઈને કેમ ન કહેવાય? શા માટે આદિવાસીઓ વચ્ચે કામ કરતી સંસ્થાઓ એમ ન કહે? વસ્તી ગણતરીમાં આદિવાસીઓ હિન્દુઓ ગણાય છે. તો હિન્દુઓમાં અલગ શ્રેણી આ કાયદા માટે કેવી રીતે હોઈ શકે? 

ગુજરાતની ભા.જ.પ. સરકાર આદિવાસીઓને UCCમાંથી બાકાત રાખવા માગે છે કારણ કે એમાં એમને એકાદ કરોડ આદિવાસીઓ નારાજ થશે અને ચૂંટણીમાં પોતાને મત નહીં આપે એવી બીક લાગે છે. પણ એ ભા.જ.પ. છે, આદિવાસીઓમાં કામ કરતી સંસ્થાઓ કંઈ ભા.જ.પ. નથી. એટલે એમણે તો આદિવાસીઓને શા માટે બાકાત રાખવામાં આવે છે એવો સવાલ ઉઠાવવો જ જોઈએ. 

સરકાર UCC માત્ર મુસ્લિમો માટે લાવી રહી છે અને હિન્દુઓમાંના આદિવાસીઓને બાકાત રાખવા માગે છે એ દલીલમાં પણ ઝાઝું તથ્ય છે. 

પણ secularism શું છે? એ તો એ છે કે કૌટુંબિક બાબતો અંગેના તમામ દીવાની કાયદા કે નિયમો પણ બધાને સમાન રીતે લાગુ પડે. કાયદો કયા પક્ષની સરકાર લાવી રહી છે એ અગત્યનું છે જ નહિ. એ તમામ જોગવાઈઓની બાબતમાં secular કાનૂન છે કે નહીં તે મહત્ત્વનું છે. 

ગુજરાતના સૂચિત કાયદામાં નીચેની બાબતો કોઈ પણ ધર્મ કે જાતિને ધ્યાનમાં લીધા સિવાય સૌ નાગરિકો માટે હોય :

(૧) છોકરા અને છોકરી માટે લગ્નની ઉંમરની બાબતમાં સમાનતા. મુસ્લિમો એમ કહે કે અમે તો ૧૫ વર્ષની વયની છોકરીને પરણાવી શકીએ કારણ કે એ અમારા ફલાણા ગ્રંથમાં માન્ય છે અથવા એ અમારી પરંપરા છે તો એ તદ્દન બોગસ વાત છે. 

(૨) છૂટાછેડાની વ્યવસ્થામાં અને તેના અધિકારની બાબતમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે સમાનતા. 

(૩) છૂટાછેડાના કિસ્સામાં સ્ત્રીઓને કે પુરુષોને ભરણપોષણ આપવાની બાબતમાં સમાનતા. એમાં પણ અમારા ધર્મગ્રંથમાં આમ કે તેમ કહેવામાં આવ્યું છે કે અમારી પરંપરા આમ કે તેમ છે એવું ન ચાલે. 

(૪) એકપતિત્વ અને એકપત્નીત્વની બાબતમાં બધા માટે સમાન કાયદો, જો એ આદર્શ સમજવામાં આવતી બાબત હોય અને એ કાયદો કરવો જ હોય તો. 

(૫) વ્યક્તિના મૃત્યુ બાદ મિલકતની વારસાઈ બાબતમાં સમાનતા. મિલકત કોને કેટલી મળે તે બાબતમાં સમાનતા.

(૬) બાળકોને દત્તક લેવા અંગેના કાયદામાં સમાનતા.

(૭) કોઈ પણ વ્યક્તિઓને લગ્ન કરીને કે લગ્ન વિના સાથે રહેવાની અને જીવવાની બાબતમાં સ્વતંત્રતા. 

ઉપરોક્ત બાબતોમાં ધાર્મિક કે જાતિગત પરંપરાઓ અથવા સેંકડો કે હજારો વર્ષો પહેલાં લખાયેલાં પુસ્તકોની વાતો મહત્ત્વની નથી જ; આધુનિક વિજ્ઞાન, સમાનતા અને માનવ અધિકારોનાં મૂલ્યો મહત્ત્વનાં છે. એ ધ્યાનમાં રાખીને કાયદો ઘડાય છે કે નહિ તે મહત્ત્વનું છે. 

ધૂળેટી, ૨૦૨૫.
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ચલ મન મુંબઈ નગરી—280

દીપક મહેતા|Opinion - Opinion|15 March 2025

પણ એ હતું શું? અકસ્માત, આપઘાત, કે ખૂન?            

તારીખ : શનિવાર, ૨૫ એપ્રિલ, ૧૮૯૧ 

સમય : સવારના અગિયારના સુમારે 

પાત્રો : બાઈ બચુબાઈ તે શેઠ અરદેશર બરજોરજી ગોદરેજનાં ધણિયાણી, ઉંમર વરસ વીસ, અને તેમની નણંદ અને બહેનપણી બાઈ પીરોજબાઈ તે શેઠ સોરાબજી ધનજીશાહ દસ્તૂર કામદિનનાં ધણિયાણી, ઉંમર વરસ ૧૬. 

બચુબાઈ : આવ, આવ, પીરોજ, ઘન્ને વખતે ભૂલી પડી!

પીરોજ : નહિ બચુ, નહિ. એમ નહિ બોલ. હું તો તુને રોજ યાદ કરું છું. પન સવારથી સાંજ, દિવસ ક્યાં પૂરો થઈ જાય છે તેની બી ખબર પરતી નહિ. આજે એવન આખ્ખો દહારો કામને સબબ બહાર છે એટલે થયું કે ચાલ મારી જીગરજાન બચુને મલી આવું.

બચુ : નઈ મલવાથી નહિ ચાલે. આજે આપરે સાથે ભોનું ખાઈસુ, બપોરે થોરી વાર આરામ કરીસું, અને પછી બહાર ફરવા જૈસું.

પીરોજ : ઓકે. કબૂલ. પણ ફરવા કેથ્થે જૈસું?

શેર બજારના બેતાજ બાદશાહ શેઠ પ્રેમચંદ રાયચંદ

બચુ : ચાલ ને! આપરે ફોર્ટમાં રાજાબાઈ ટાવર જોવા જઈએ. કહે ચ કે તેના ઉપલા મજલા પરથી તો આખ્ખું બોમ્બે દેખાય છે. 

પીરોજ : તને માલુમ છે? આય ટાવર કોન્ને બંધાવેલો?

પ્રેમચંદ રાયચંદનાં માતા રાજાબાઈ

બચુ : કેહે ચ કે પ્રેમચંદ રાયચંદ નામના એક મોટ્ટા વેપારીએ બંધાવેલો, એવનનાં મમ્મા માટે.

પીરોજ : હા. પ્રેમચંદ શેઠ એટલે તો મુંબઈના શેર બજારના બેતાજ બાદશાહ. અમેરિકન સિવિલ વોર વખતે કાપૂસના વેપારમાં ધૂમ કમાયા. વેપાર માટે પેઢીઓ કાઢી, પેઢીઓને પૈસા ધીરવા બેંકો સુરુ કીધી, બેન્કને માલદાર બનાવવા મુંબઈના ગવન્ડર સિક્કેને સમજાવિયા! અંગ્રેજી બોલી-લખી જાને એટલે ઘન્ના ગોરાઓ સાથે ઘરોબો. ૧૮૬૪માં કોટન માર્કેટ અને સ્ટોક માર્કેટમાં રૂપિયાની રેલમછેલ હુતી તે વારે પ્રેમચંદશેઠે યુનિવર્સિટી ઓફ બોમ્બેની લાયબ્રેરીનું મકાન બાંધવા સારુ બે લાખ રૂપિયાનું દાન આપિયું અને પછી તેની બાજુમાં ટાવર બાંધવા  બીજા બે લાખ રૂપિયા આપીયા. 

રાજાબાઈ ટાવર બંધાતો હતો ત્યારે – પાછળ થોડે દૂર દરિયો

બચુ : કેહે ચ કે પ્રેમચંદશેઠનાં મમ્માની આંખો કમજોર થઈ ગઈ હુતી, ઘરમાં દીવાલ પર લટકાવેલી કલોક બી જોઈ સકતા નહિ હુતા, એટલે પ્રેમચંદશેઠે આય ટાવર બંધાવેલો. તેની ઘરીઆલના ડંકા સમજીને મમ્માને ટાઈમ માલુમ પરે.

પિરોજા : પ્રેમચંદ શેઠ ક્યાં રેહે છે એ તો તુને માલૂમ હોસે જ.

ભાયખળામાં આવેલો પ્રેમચંદ શેઠનો બંગલો ‘પ્રેમોદ્યાન’

બચુ : હા, પ્રેમોદ્યાન નામના બંગલામાં.

પિરોજા : અને એ બંગલો છે ક્યાં?

બચુ : કેમ વલી, ભાયખળામાં.

પિરોજા : તો ટુ જ કેહે, ફોર્ટમાં આવેલા રાજાબાઈ ટાવરના ઘરીઆલના ડંકા ઠેઠ ભાયખળામાં સંભળાય ખરા? અને તે બી એક ઘરડી ઓરતને. હા, એ વાત ખરી કે ટાવર માટે દાન આપતી વખતે પ્રેમચંદ શેઠે સરકારને વિનંતી કીધી હુતી કે આય ટાવર સાથે મારાં મમ્મા રાજાબાઈનું નામ જોરવામાં આવે.

બચુ : કેહે ચ કે આજે આખ્ખા મુંબઈમાં આય રાજાબાઈ ટાવર સૌથી ઊંચી ઈમારત છે. 

પિરોજા : હા, ૨૮૦ ફિત ઊચ્ચો છે આય ટાવર. ૨૫ માલના મકાનની ઊંચાઈ આટલી થાય. અને ટાવર પર ચરીને જુઓ તો ત્રણ બાજુ દેખાય મુંબઈ નગરી. અને ચોથી બાજુ, પશ્ચિમ બાજુ, નજીકમાં જ દેખાય અરબી સમુંદર.

બચુ : બસ, બસ. હવે વાતો નહિ. આજે જ બપોરે રાજાબાઈ ટાવર જઈએ, છેક ઉપલા માળે જઈએ અને આપરી આ મુંબઈ નગરીનો નજારો આંખો ભરી ભરીને પી લઈએ.

પિરોજા : જો બેની! અટાણે તો આય મારા પેટમાં ભૂખનો સમંદર ઘૂઘવે છે. ચાલ, હવે ભોનું ખાઈ લઈએ.

*** *** 

તારીખ : શનિવાર, ૨૫ એપ્રિલ, ૧૮૯૧ 

સમય : બપોરના સાડા ત્રણ 

સ્થળ : રાજાબાઈ ટાવર 

પાત્રો : ઘણાં બધાં 

એપ્રિલ મહિનાની બપોરે હવામાં બફારો પુષ્કળ છે. શનિવારે બપોર પછી યુનિવર્સિટીમાં આવરો-જાવરો પણ ઓછો. એટલે રાજાબાઈ ટાવરનો ચોકીદાર થોડે દૂરના એક બાંકડા પર લંબાવીને સૂતો છે. થોડે દૂરથી કશુંક ભારે જમીન પર પડવાનો અવાજ આવે છે. ચોકીદાર સફાળો જાગીને દોડે છે. જુએ છે તો વીસેક વરસની એક છોકરી રાજાબાઈ ટાવરની નીચેની જમીન પર લોહી લુહાણ થઈને પડી છે. હજી તો શું કરવું એ વિચારે એ પહેલાં બીજો ધબાકો. બીજી એક છોકરી, આશરે સોળ વરસની, એ જ રીતે ટાવર પરથી જમીન પર પટકાય છે, લોહી લુહાણ થઈને. હવે ચોકીદાર જરા પાસે જઈને જુએ છે. બંને છોકરીઓના જીવ નીકળી ગયા છે. 

ચોકીદાર બૂમો પાડે છે. આસપાસથી થોડા લોકો દોડતા આવે છે. જોતજોતામાં ટોળું એકઠું થઈ જાય છે. તેમાનું કોક ઓળખી જાય છે અને કહે છે : અરે, આ તો  શેઠ અરદેશર બરજોરજી ગોદરેજનાં ધણિયાણી બાઈ બચુબાઈ અને શેઠ સોરાબજી ધનજીશાહ દસ્તૂર કામદિનનાં ધણિયાણી પીરોજબાઈ. લોકોમાં ગુસપુસ શરૂ થાય છે : બંને સુખી કુટુંબની વહુઆરુઓ. એવું તે કેવું દુ:ખ પડ્યું હશે કે આમ મોતને ભેટી હશે. તો કોઈ કહે છે કે ના ના. ટાવર પરથી મુંબઈ શહેર જોવા માટે કઠેડા પર વધુ પડતાં વાંકા વળ્યાં હશે અને અકસ્માત નીચે પડ્યાં હશે. તો ટોળામાં ઊભેલો એક બુઢ્ઢો પારસી કોઈને ભાગ્યે જ સંભળાય તેમ બબડી રહ્યો હતો : મુને તો દાલમાં કૈંક કાલું હોય તેમ લાગે છે. આ નથી અકસ્માત, નથી આપઘાત. નક્કી બંને છોકરીઓને ટાવર પરથી ફેંકીને કોઈએ તેમનું ખૂન કર્યું છે. 

ત્યાં તો પોલીસ આવી પહોંચી. પહેલાં તો હાથમાંની લાકડીઓ ઉગામી ઉગામીને ટોળાને વિખેરી નાખ્યું. પછી બંને લાશનો કબજો લીધો. એ જ વખતે ટાવરનાં પગથિયાં ઊતરીને એક જુવાન નીચે આવતો દેખાયો. પોલીસે રોકીને પૂછપરછ કરી. ‘નામ?’ ‘માણેકજી અસલાજી.’ ‘અહીં શું કરવા આવ્યો?’ ‘કેમ? ટાવર પરથી મુંબઈ જોવા.’ સાથે એક દોસ્ત પણ હતો. એનીયે થોડી પૂછપરછ કરી પોલીસે. પણ પછી બંનેને જવા દીધા. ૨૪૭ નંબરની વિક્ટોરિયા (ઘોડા ગાડી) ભાડે કરી બંને ઘરે પહોંચી ગયા. 

એ પછી થોડી વારે પોલીસ સ્ટેશનમાં એક મુલાકાતી આવ્યો. પોતાની ઓળખ આપી : મેસર્સ કોનરોય એન્ડ બ્રાઉન સોલિસીટર્સની કંપનીમાં હું અસિસટન્ટ મેનેજિંગ ક્લાર્ક તરીકે કામ કરું છું. આજે બપોરે રાજાબાઈ ટાવરના બીજા માળે બે છોકરીઓ અને બે યુવાનો વચ્ચે ઝપાઝપી થતી મેં દૂરથી જોઈ હતી. એ જ વખતે એક ત્રીજો યુવાન પણ ત્યાં આવ્યો હતો અને વચ્ચે પડ્યો હતો. ઝપાઝપીમાં તેનો કોટ ફાટી ગયો હતો. 

હત્તેરી ની! પોલીસ ચોંકી. ટાવરમાંથી ઊતરીને બે જુવાનો વિક્ટોરિયામાં બેસીએ નીકળી ગયા તે બે નક્કી આ મામલામાં સંડોવાયા છે. અને પોલીસ પહોંચી માણેકજીને ઘરે. એ વખતે એનો દોસ્ત પણ ત્યાં જ હતો. બંનેની પૂછપરછ કરી. પણ બંને નિર્દોષ લાગ્યા એટલે પોલીસ ખાલી હાથે પાછી. પોલીસ ગયા પછી અસલાજીના દોસ્તે કહ્યું કે પોલીસે ઘરની જડતી લીધી નહિ એટલે આપણા ફાટેલા કોટ તેમના હાથમાં આવ્યા નહિ. પણ હવે જોખમ લેવાય નહિ. માણેકજીના નોકર બાલાને બંને કોટ આપીને કહ્યું કે ગમે ત્યાં જઈને વેચી આવ. બાળાએ બંને કોટનું પોટલું બાંધ્યું અને ચાલ્યો વેચવા. પહેલા દુકાનદાર ખોજા અહમદ થૂઅર નામના વેપારીએ કોટ તપાસતાં એક કોટના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી મળી આવી. તેમાં લખ્યું હતું : “નેણસી પેરુ અને શેઠ નૂર મોહમ્મદ સુલેમાન : કોઈ પણ હિસાબે આજે બપોરે ત્રણ વાગ્યે તમારે બંનેએ રાજાબાઈ ટાવર આવવાનું જ છે. સાથે ચાલીસ રૂપિયા લાવવાનું ભૂલતા નહિ. અને અમારી આ વાત તમે કબૂલ કરી છે તેમ જણાવવા આ ચિઠ્ઠી લાવનારને એક રૂપિયો આપજો.” પેલા દુકાનદારે હળવેકથી ચિઠ્ઠી પોતાના ખિસ્સામાં સરકાવી દીધી અને પછી બંને કોટ બાળાને પાછા આપતાં કહ્યું : ‘આ મારે કામના નથી.’ બાજુમાં બીજી દુકાન મારવાડીની. તેણે કશી પંચાત કર્યા વગર પાંચ રૂપિયામાં બંને કોટ ખરીદી લીધા. 

પણ ખોજા અહમદ થૂઅરને આખી રાત ઊંઘ ન આવી. નક્કી દાળમાં કૈંક કાળું છે. કોઈકને બ્લેકમેલ કરવાનો કારસો લાગે છે. શું કરું? કોને કહું? સવાર પડી. સીધા પોલીસ સ્ટેશને જવાની હિંમત ન ચાલી. ક્યાંક મને જ સળિયા પાછળ કરી દે તો? પણ ‘જામે જમશેદ’ અખબારના તંત્રી જેહાંગીર મર્ઝબાનને થૂઅર ઓળખે. એટલે તેમની પાસે જઈને બધી વાત કરી અને પેલી ચિઠ્ઠી પણ બતાવી. બંને છોકરીઓના મોતનો કેસ ફરામજી નામના ઓફિસરના હાથમાં હતો એની તંત્રીને ખબર. એટલે તરત તેમને જાણ કરી. થોડી વારમાં પોલીસે પેલા બાળા નોકરની ધરપકડ કરી : ચોરીનો માલ વેચવાના ગુના સબબ. હવે પોલીસે પહેલું કામ મુદ્દામાલ તરીકે પેલું પોટલું મારવાડીની દુકાનેથી જપ્ત કરવાનું કરવું જોઈતું હતું. પણ કોણ જાણે કેમ ન કર્યું. પૂરા ૫૬ કલ્લાક પછી પોલીસ મારવાડીની દુકાને પહોંચી. પણ ત્યારે ત્યાંથી એ પોટલું ગાયબ થઈ ગયું હતું!

પછી એ પોટલું મળ્યું કે નહિ? અને આ કેસનું શું થયું?

વધુ રસિક ભાગ હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 15 માર્ચ 2025 

Loading

કાંશીરામ : દલિતશક્તિનું  રાજસત્તામાં રૂપાંતર કરનાર રાજનેતા

ચંદુ મહેરિયા|Opinion - Opinion|14 March 2025

ચંદુ મહેરિયા

બાબાસાહેબ આંબેડકરે દલિતોને ‘હુકમરાન સમાજ’ બનાવવાનું જે સોણલું જોયું હતું તેનો જ્ઞાતિવાદથી ખદબદતી હિંદી પટ્ટીમાં અમલ કરાવી જાણનાર રાજનેતા એટલે કાંશીરામ (જન્મ 15 માર્ચ 1934 — અવસાન 09 ઓકટોબર 2006). ભારતના દલિત ચળવળના ઇતિહાસ પર અમીટ છાપ મૂકી જનાર કાંશીરામની સૌથી મોટી ઓળખ બહુજન સમાજ પક્ષના સ્થાપક અને દેશની બહુજન રાજનીતિના જનકની છે. 

૧૯૩૨ના પૂના કરારના બે વરસ બાદ પંજાબના દલિત રૈદાસી શીખ પરિવારમાં કાંશીરામનો જન્મ થયો હતો. તેમનું જન્મસ્થળ પંજાબના હોંશિયારપુર ઈલાકાના  રોપડ જિલ્લાનું ખવાસપુર ગામ. ખાધેપીધે સુખી કિસાન પરિવારના બાળક-કિશોર કાંશીરામને ન તો જ્ઞાતિપ્રથાનો કે ન તો ગરીબી- અભાવનો કોઈ અનુભવ થયો હતો. ચાર બહેનો અને ત્રણ ભાઈઓનું તેમનું કુટુંબ જેમ આર્થિક તેમ શારીરિક તાકાતે પણ સંપન્ન હતું. બાળપણથી જ ‘કોઈની શું મજાલ કે અમને હાથ લગાડી શકે’ એવી તાકાત મળી હતી. નાત બિરાદરીના પહેલા સાયન્સ ગ્રેજ્યુએટનું બહુમાન મેળવનાર કાંશીરામ પણ અન્ય અનામતજીવી દલિત જમાતની જેમ સરકારી નોકરીમાં લાગી ગયા હતા. 

કાંશી રામ

૧૯૫૬માં બાબાસાહેબના નિર્વાણના શોકે સહકાર્યકર ગૈનીને ત્રણ દિવસ સુધી ભૂખ્યા તરસ્યા જોયા ત્યાં સુધી તેમને બાબાસાહેબનો પણ કશો પરિચય નહોતો. ૧૯૫૮માં પંજાબથી વાયા દહેરાદૂન પૂનામાં તેઓ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મિલિટરી એક્સ્પ્લોઝીવમાં સંશોધન અધિકારીના પદે નોકરીમાં હતા. ૧૯૬૪માં તેમના સંસ્થાને જાહેર રજાઓની યાદીમાંથી ડો. આંબેડકર અને ગૌતમ બુદ્ધ જયંતીની જાહેર રજાઓ રદ્દ કરી નાંખી. ૧૯૫૬માં બાવીસ વરસના કાંશીરામને ડો. આંબેડકરના જીવનકાર્યનો પરિચય થયો હતો. પરંતુ તેના એકાદ દાયકે પણ આ જાહેર રજાઓની કમીના વિરોધમાં અવાજ ઉઠાવવા જેટલા એ જાગ્રત અને સક્ષમ નહોતા. રાજસ્થાની દલિત એવા સંસ્થાનના વર્ગ ૪ના કર્મચારી દીના ભાનાએ આ નિર્ણયનો વિરોધ કર્યો અને બરતરફી વહોરી તે ક્ષણ કાંશીરામ માટે સાક્ષાત્કારની હતી. તેમણે ભાનાનું સમર્થન કર્યું અને તે ઘડીથી દલિત જાગ્રતિ માટે પાછું વળીને જોયું નહીં. દીના ભાનાને ન્યાય અપાવવા તે એવા તો લાગી ગયા કે નોકરીને પણ તિલાંજલી આપી દીધી આજીવન અપરિણિત રહી દલિત ઉત્થાનમાં લાગી જવાના સંકલ્પ સાથે પરિવારનો પણ ત્યાગ કરી દીધો હતો.   

દીના ભાના પ્રકરણ વખતે એક જ રાતમાં ત્રણ વાર ડો. આંબેડકરના ‘એની હિલેશન ઓફ કાસ્ટ’નું તેમણે વાચન કર્યું. એ રીતે બાબાસાહેબના વિચારવારસાએ કાંશીરામનો પથ અજવાળ્યો હતો.  અનામતજીવી ગણાતી અને નવા બ્રાહ્મણની ગાળો ખાતી દલિત સરકારી અધિકારીઓ-કર્મચારીઓની જમાતને જ તેમણે દલિત ચળવળ માટે ખપમાં લીધી. ચૌદમી ઓકટોબર ૧૯૭૧ના રોજ કાંશીરામે પૂનામાં દલિત, આદિવાસી, અન્ય પછાત વર્ગો અને લઘુમતી વર્ગના કર્મચારીઓનું ‘બામસેફ’ – પૂના સંગઠન બનાવ્યું હતું. સાઈકલ પર જ એ ફરતા અને પોતાના વિચારો કર્મચારીઓને જણાવતા. છઠ્ઠી ડિસેમ્બર ૧૯૭૮ના રોજ દિલ્હીમાં ‘બામસેફ’(ઓલ ઇન્ડિયા બેકવર્ડ એન્ડ માઈનોરિટીઝ એમ્પ્લોઈઝ ફેડરેશન – BAMCEF)ની રાષ્ટ્રીયસ્તરે સ્થાપના કરી અને પે બેક ટુ સોસાયટીનો નિયમ સૌને સમજાવ્યો હતો. 

અનામતના લાભાર્થી દલિત-આદિવાસીઓ સાથે તેમણે પછાતવર્ગો-લઘુમતીઓને જોડી બહુજન એકતાની સંકલ્પના કરી હતી. ‘બામસેફ’ને કાંશીરામ બિનરાજકીય, બિનધાર્મિક અને બિનઆંદોલનાત્મક સંગઠન રાખવા માંગતા હતા. તેથી ૧૯૮૧માં તેમણે કર્મચારીઓ સિવાયના દલિતોને પણ સંગઠનમાં જોડવા ડી એસ ફોર(દલિત શોષિત સમાજ સંઘર્ષ સમિતિ)ની રચના કરી હતી. કાંશીરામે ‘બામસેફ’ અને ડી એસ ફોર મારફત પોતાના વિચારોને બૌદ્ધિક અને આંદોલનકારી માર્ગે ફેલાવવા દેશભરમાં પ્રયાસો કર્યા. “ઓપ્રેસ્ડ ઇન્ડિયન” અને “બહુજન સંગઠક” નામક છાપાં‌‌-સામયિકો કાઢ્યાં. આ નામો જ તેમની વિચારધારાના દ્યોતક નથી શું?.  

કાંશીરામને માત્ર રાજકીય નેતા કે ગઠબંધન રાજનીતિના માહોલમાં અવસરવાદી સત્તાશૂરા તરીકે ખતવી નાંખનારાઓએ તેમની આરંભિક અને થોડી મર્યાદિત એવી સામાજિક ચળવળોને પણ સંભારવી જોઈએ. ‘આપણી બુદ્ધિ, આપણો પૈસો અને આપણી મહેનત’ના સૂત્રે ચાલતા કાંશીરામની ઉત્તર પ્રદેશની ફતેહના મૂળમાં દલિત મહિલાઓનું દારૂબંધી અભિયાન રહેલું છે. માયાવતીની દોમદોમ સાહ્યબીની વાતો માધ્યમોમાં ખૂબ ચગે છે પણ કાંશીરામની સાઈકલ માર્ચ અને ‘બે પૈડાં બે પગ’ ઝુંબેશ વિશે ભેદી મૌન પળાય છે.  યોગેન્દ્ર યાદવે તેમના અંજલિ લેખમાં કાંશીરામની સભાઓમાં સભા સ્થળ જેટલી જ મોટી જગ્યા સાઈકલોના પાર્કિંગ માટે રાખવામાં આવતી હોવાનું અને તેમના દલિત ચાહકો કેટલા ય કિલોમીટર દૂરથી સાઈકલો પર સભામાં આવતા હોવાનું નોંધ્યું હતું.

રાજકીય સત્તાને વંચિતો-બહુજનોના સઘળા દુ:ખોની ગુરુચાવી માનતાં કાંશીરામે ‘ભાઈચારા બનાવો’ , ‘જાતિ તોડો, સમાજ જોડો’ જેવાં સામાજિક આંદોલનો પણ  કર્યા હતા. ‘સામાજિક પરિવર્તન અને આર્થિક મુક્તિ’ કાંશીરામના આંદોલનના અનિવાર્ય ભાગ હતા. રાજકીય અનામતોને કારણે દલિત રાજકારણીઓનો ‘ચમચાયુગ’ જન્મ્યો હોવાનું તેઓ ભાર દઈને કહેતા હતા. તેમણે ચમચાયુગની ટીકા તો કરી છે પણ તેની નાબૂદીના ટૂંકા ગાળાના, લાંબા ગાળાના અને કાયમી ઉપાયો પણ  બતાવ્યા હતા.  

કાંશીરામે દલિતોને રાજકીય સત્તા તરીકે સ્થાપવા ‘બહુજન સમાજ પાર્ટી’ની સ્થાપના કરી હતી. તેના પાયામાં બહુજન કર્મચારીઓનું ‘બામસેફ’  સંગઠન હતું તે ભૂલવું ન જોઈએ. જો કે બહુજન સમાજ પાર્ટીને રાજકીય સત્તાનું કેન્દ્ર બનાવવા માટે તેમના સામાજિક-આર્થિક આંદોલનો ભૂલાઈ ગયા એટલે દલિતોને માત્ર રાજકીય સત્તા તરીકે સ્થાપતી મૂલ્યહીન અને વિચારધારા વગરની રાજસત્તા જ કેટલાક વરસોથી શેષ રહી છે. 

બહુજન સમાજ પાર્ટીએ કાંશીરામના ગૃહરાજ્ય અને અનેક સામાજિક આંદોલનો પચાવી ચૂકેલા પંજાબ, ફુલે-આંબેડકરની ભૂમિ મહારાષ્ટ્રને બદલે જ્ઞાતિવાદ અને સામંતવાદથી ખદબદતા ઉત્તર પ્રદેશમાં કાઠું કાઢ્યું તેનો માયનો પણ સમજવા જેવો છે. બ.સ.પા. રાષ્ટ્રીય પક્ષની માન્યતા મેળવી શકી અને યુ.પી.માં માયાવતી એકાધિકવાર મુખ્ય મંત્રીનો તાજ પહેરી શક્યા છે દેશના સૌથી મોટા રાજ્યમાં બી.એસ.પી.ને લગભગ ચોથા ભાગના મતદારોનું સમર્થન મળતું થયું અને કાશ્મીરથી અંજાર સુધી બ.સ.પા.નો વાદળી ઝંડો અને હાથી નિશાન જાણીતા બની ચૂક્યા છે તેની પાછળ કાંશીરામનો કઠિન પરિશ્રમ રહ્યો છે. 

કાંશીરામે ઈચ્છ્યું હોત તો તેઓ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી કે ભા.જ.પ.ની કૃપાથી રાષ્ટ્રપતિ બની શક્યા હોત. પણ તેઓ દલિત સમાજને ‘હુકમરાન સમાજ’ બનાવવા માટે વડા પ્રધાનની ખુરશીથી ઓછું કશું જ ઈચ્છતા નહોતા. ભા.જ.પ., કાઁગ્રેસ અને સમાજવાદી પાર્ટી જેવા જુદી જુદી રાજકીય વિચારધારાના પક્ષો સાથે તેમણે રાજકીય ગઠબંધનો કર્યા હતા. સાપનાથ અને નાગનાથની લડાઈમાં તેઓ દલિત નોળિયારૂપી સત્તા નિયંત્રણ ઈચ્છતા હતા. આંબેડકરની બૌદ્ધિકતા અને જગજીવન રામની અસીમિત રાજકીય સત્તા કરતાં કાંશીરામે જુદો માર્ગ પસંદ કર્યો હતો. એકાદ દસકામાં જ તેમણે બહુજન સમાજ પાર્ટીને દેશભરમાં ગાજતી કરી મૂકી હતી. પરંતુ કાંશીરામ તેનો લોકશાહી ઉછેર કે મૂલ્યલક્ષી વિચારધારાવાળી રાજકીય પાર્ટી તરીકેનો વિસ્તાર કરી શક્યા નહીં. તેઓએ માયાવતીને ઉત્તર પ્રદેશના રાજપથ પર સ્થાપ્યાં અને પોતાના રાજકીય ઉત્તરાધિકારી પણ બનાવ્યાં હતાં. જો કે માયાવતીની મહત્ત્વા કાંક્ષાઓ અને રાજકીય પ્રોઢિનો અભાવ કાંશીરામના અધૂરા કાર્યને આગળ ધપાવશે કે કેમ એવો સવાલ બ.સ.પા.ની વર્તમાન હાલતા જોતાં તેના સમર્થકો અને ચાહકોને થાય છે. 

ભારતની દલિત રાજકીય ચળવળોનો ‘ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી’થી આરંભાયેલા ઇતિહાસને કાંશીરામ ‘બહુજન સમાજ પક્ષ’ સુધી લાવ્યા છે. બહુજન સુપ્રીમો તરીકે જ નહીં, દલિત ચેતના કે શક્તિનું રાજકીય તાકાતમાં, રાજસત્તામાં રૂપાંતર કરનાર અને તે માટે અનામત લાભાર્થીઓનો યોગ્ય ઉપયોગ કરી જાણનાર વિચારક તરીકે પણ કાંશીરામ કાયમ યાદ રહેશે.

e.mail :maheriyachandu@gmail.com

Loading

...102030...217218219220...230240250...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved