Opinion Magazine
Number of visits: 9965478
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચરૈવેતિ ચરૈવેતિ

ભાવાનુવાદઃ પંચમ શુક્લ|Poetry|11 December 2020

                            (ખંડ વસંતતિલકા)


આઘે ભલે જનપદે ઘર દૂર સહુના,
લાગે મને ખબર છે-
કોના હશે ઉપવનો અહિંયા વસેલાં!
થંભી ગયો તુરગ, આરૂઢ હુંય સાથે,
.             હિમ તણા શુભ ગૌર-વસ્ત્રે-
ઢંકાયલાં ઉપવનોની કને ક્ષણેક…
કિંતુ અરે!
જોઈ શકે નવ ક્શું અતિ દૂરથીે એ,
મ્હાલી રહ્યા જનપદે નિજમાં મજેથી!
ભાસે વિચિત્ર (મુજ) શિશુ-અશ્વને કે –
થંભ્યા ક્યહાં?
.               ન પથિકાશ્રમ છે અહીં, છે-
થીજી ગયેલ-
કાસાર ને ઉપવનો બિચ ઘોર સંધ્યા!
તાણી-લગામ ઝટકી નિજ ડોક વાળી
પૃચ્છા કરે રણકતી મધુ ટોકરીને
રે! રે! કશી ચૂક થઈ અસવારની શું?
ને સૂસવે ધ્વનિ કશો વળતા જવાબે
તે હીમ પિચ્છલ કણે તર વાયુ ક્રાંત…
જોયા કરું, ન મટકું લગીરેય મારું,
કેવાં રૂડાં ઉપવનો વળી ગાઢ, ઊંડા-
.         પ્રવેશ કરવા લલચાવતાં;
કિંતુ દીધાં વચન, તે સહુ પાળવાના,
થંભ્યા વિના-
આ યોજનો અવિરતે બસ કાપવાના!
આ યોજનો અવિરતે બસ કાપવાના,
નિદ્રા મહી સરી પડાય રખે! તે પહેલા!
થંભ્યા વિના…

૧૫/૫/૨૦૧૨

—

Stopping by Woods on a Snowy Evening

                                                                       • Robert Frost

Whose woods these are I think I know.
His house is in the village, though;
He will not see me stopping here
To watch his woods fill up with snow.
My little horse must think it queer
To stop without a farmhouse near
Between the woods and frozen lake
The darkest evening of the year.
He gives his harness bells a shake
To ask if there is some mistake.
The only other sound's the sweep
Of easy wind and downy flake.
The woods are lovely, dark, and deep,
But I have promises to keep,
And miles to go before I sleep,
And miles to go before I sleep.

e.mail : spancham@yahoo.com

Loading

દેશનું સુકાન ઉદ્યોગપતિઓના હાથમાં જઈ રહ્યું છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|11 December 2020

વિચિત્ર લાગે એવું છે, પણ ઘણાં અનિષ્ટોનું મૂળ ચૂંટણી છે. હવે લોકશાહીમાં તો ચૂંટણી અનિવાર્ય ગણાય, ત્યાં અનિષ્ટ કેવી રીતે એ પ્રશ્ન થાય. ચૂંટણી પોતે અનિવાર્ય, પણ એને નામે જે ચાલે છે એમાં સાધનશુદ્ધિના પ્રશ્નો છે. દરેક પક્ષ પાસે પોતાનું ભંડોળ છે, દરેક ઉમેદવાર પોતાની આવક ઉમેદવારી કરતી વખતે જણાવે છે, ચૂંટણી કમિશનરની નિમણૂક થાય છે, આચારસંહિતા લાગુ થાય છે, છતાં ચૂંટણી શુદ્ધ અને સાત્ત્વિક રીતે થતી નથી તે હકીકત છે. ચૂંટણી પ્રચારમાં, એક પક્ષમાંથી બીજા પક્ષમાં ખેંચવા માટે જે રીતે કરોડો રૂપિયા ખર્ચાય છે, એક ઉમેદવાર એકથી વધુ જગ્યા પરથી ચૂંટણી લડી પેટા ચૂંટણીની જે તકો ઊભી કરે છે ને એવી તો એટલી કરામતોમાં કરોડો ખર્ચાય છે કે એ કોઈ સાધારણ પક્ષ કે સભ્યના હાથની વાત જ ન રહે, છતાં એક યા બીજાં કામો માટે રાજકીય તત્ત્વોને અબજો રૂપિયા આવી જ મળે છે. કોઈ સત્તાધીશને નાણાંની ખોટ ક્યારે ય પડી નથી. ક્યાંથી આવે છે આ પૈસા? કોણ આપે છે? કઈ શરતે આપે છે? બદલામાં શું આશા રાખે છે આવા મદદનીશો?

બીજી બધી રીતે મદદ આવે જ છે, પણ મોટાં ફંડ રાજકારણીઓ માટે ઉદ્યોગપતિઓ ફાળવે છે. એ મદદ ન મળે તો દેશની ચૂંટણી સસ્તી થઈ જાય. સૌથી વધુ સંપત્તિ ઉદ્યોગપતિઓ ધરાવે છે ને એ લોકો સત્તાધીશોને કામમાં આવીને પોતાનું કામ યુક્તિથી કઢાવતા હોય છે. ગુજરાતમાં તેલિયા રાજાઓ એ રીતે “રાજા” થયા હતા, પણ એને બચ્ચું કહેવડાવે એવા વિરાટ ઉદ્યોગપતિઓ અત્યારે દેશમાં છે ને એમના જોરે રાજકારણીઓ કૂદે છે. અત્યારે ઉદ્યોગપતિઓ અનેક ક્ષેત્રોમાં ભારે વર્ચસ્વ ધરાવે છે. આ વર્ચસ્વ રાજકારણીઓને લીધે શક્ય બને છે. મોંઘવારી ઘણે અંશે આ ઉદ્યોગપતિઓને આભારી છે. અનેક કોન્ટ્રાક્ટો મેળવીને, ચીજ વસ્તુઓના ભાવો વધારતા જઈને ઉદ્યોગપતિઓ મનમાની કરતા આવ્યા છે. આવી તકો ખરેખર તો રાજકીય સત્તાધીશો પૂરી પાડે છે. એ પૂરી પાડે જ, કારણ એમના જીવ પર તો ચૂંટણી જેવા મોટા કાર્યક્રમો પાર પડતા હોય છે.

શોપિંગ મોલ્સનો જમાનો ઉદ્યોગપતિઓ દ્વારા આ દેશમાં આવ્યો. એમાં સસ્તું તો બહુ ન થયું, પણ એણે નાના વેપારીઓને ખતમ કરવાનું કામ તો કર્યું જ ! શોપિંગ મોલ્સમાં અનાજ ને શાકભાજીઓ આવી ને તેણે સીધું ખેડૂતો પાસેથી મેળવવાનું શરૂ કર્યું. એનો લાભ થોડા વખત પૂરતો ગ્રાહકોને થયો, પછી એને ય વાસી અને મોંઘું જ મળવા માંડયું. એમાં તકલીફો ઉત્પાદકોને થઈ. કોર્પોરેટ્સે ઉત્પાદકો પાસેથી સસ્તામાં પડાવીને ગ્રાહકોને મોંઘું વેચવાનું ને મોટો નફો રળવાનું શરૂ કર્યું. એમાં જ્યાં વચેટિયાઓ હતા એમણે વધારે શોષણ મૂળ ઉત્પાદકોનું કર્યું, પણ નફો તો ઉદ્યોગપતિઓએ કર્યો જ !

આ ઉદ્યોગપતિઓનું વર્ચસ્વ વધારવા જ કદાચ સરકારે ગયા સપ્ટેમ્બરમાં ત્રણ કૃષિ કાનૂનો અમલમાં મૂક્યા હોવાનું ખેડૂતોનું માનવું છે, ને એ જ મુદ્દે ખેડૂતો દિલ્હી પહોંચીને સરકારનો પંદરેક દિવસથી ઠંડીમાં વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોએ ભારત બંધનું એલાન આઠમી ડિસેમ્બરે આપ્યું, પણ એની જોઈએ એવી અસર ન પડી. છ, છ મીટિંગો થવા છતાં નવમી તારીખની મીટિંગમાં પણ સરકાર અને ખેડૂતો વચ્ચે સમાધાન થયું નથી. ખેડૂતોએ આંદોલનને વધુ ઉગ્ર અને વ્યાપક બનાવવાની ધમકી આપી છે, તો સરકારે પણ કાયદાઓ નાબૂદ નહીં જ થાય એવો હુંકાર ભર્યો છે. સરકારે સાતેક મુદ્દે સુધારાઓ કરવાની ખાતરી આપી છે, પણ ખેડૂતોને એટલાથી સંતોષ નથી. તેમણે તો આ કાયદાઓ જ રદ્દ કરવાની માંગણી ચાલુ રાખી છે. આમાં થશે એવું કે સરકાર મચક નહીં આપે. તે ખેડૂતોને થકવશે ને છેલ્લે વાત સમાધાન પર આવીને અટકશે.

સરકાર ગાઈ વગાડીને કહે છે કે ત્રણે કાયદાઓ ખેડૂતોનું હિત વિચારીને કરવામાં આવ્યા છે. માની લઈએ કે સરકાર સાચી છે. એને એટલું જ પૂછવાનું થાય કે જેને માટે કાયદા કરવામાં આવ્યા એમને વિશ્વાસમાં લેવામાં કયું અહિત થતું હતું? જો આ કાયદા શુદ્ધ બુદ્ધિથી જ ઘડવામાં આવ્યા હતા તો તેને સંસદમાં ને રાજ્યસભામાં ચર્ચા વગર પસાર કરાવી દેવાની ઉતાવળ કેમ આવી? કયાં દબાણ હેઠળ સરકારે આ ઉતાવળ કરી?

ખેડૂતોને મુખ્ય ભય બે છે. એક તો એ કે સરકાર મંડી – એ.પી.એમ.સી. ખતમ કરીને કોર્પોરેટ્સનું વર્ચસ્વ વધારી રહી છે ને બીજો ભય કોન્ટ્રાક્ટ ખેતીના કાયદામાં પોતે માલિક મટીને મજૂર થઈ રહે એ છે. સરકાર કહે છે કે મંડી ખતમ નહીં થાય. ખેડૂત મંડીમાં કે ખુલ્લાં બજારમાં જ્યાં પણ ખેતીનું ઉત્પન્ન વેચવા માંગે છે ત્યાં તે વેચી શકશે. સરકાર કહે છે કે ખેડૂત કોઈ પણ રાજ્યમાં પોતાની પેદાશ વેચી શકશે. આ બકવાસ છે. ખેડૂતો નજીકના વિસ્તારમાં પેદાશ વેચતા જ ખપી જતો હોય ત્યાં આસામવાળો અમદાવાદ ઉત્પન્ન વેચવા લાંબો થવાનો હતો ? આ વાત વ્યવહારુ નથી.

એ.પી.એમ.સી.માં ટેકાના ભાવ મળતા રકમ વધારે મળતી હતી, પણ તે રોકડમાં મળતી ન હતી. જ્યારે બહાર વેચવામાં ભાવ ઓછા મળતા હતા, પણ રોકડ હાથમાં આવતી હતી. એને કારણે નાનો ખેડૂત તો બહાર વેચીને જ રોકડી કરી ખોટ ખાઈ લેતો હતો. એક વાત સ્પષ્ટ છે કે એ.પી.એમ.સી.માં ટેકાના ભાવ મળતા હતા ને ભાવોનું રક્ષણ થતું હતું, એ શક્યતા બહાર ઉત્પન્ન વેચવા જતાં રહેતી ન હતી, એટલે બહાર તો વધારે ભાવ મળે એ શક્યતા નહિવત હતી. આ સ્થિતિમાં બહાર ઉત્પન્ન વેચવાનું ખેડૂતને રોકડ મળવા સિવાય કયું આકર્ષણ રહે એ સમજાતું નથી. એ ખરું કે મંડીમાં પણ ખેડૂતનું તો શોષણ જ થતું હતું ને જે ભાવ પડે એટલામાં ખેડૂતે મન મારીને રહેવાનુ હતું. એ શોષણ બહાર વેચવામાં ન હતું, પણ અહીં તેને ઓછો ભાવ મળે એ શક્યતા વધારે હતી. ખરેખર તો સરકારે મંડીની વ્યવસ્થા ને નીતિરીતિમાં સુધાર કરવાની જરૂર છે. સરકાર એટલું તો કરી જ શકે કે મંડીના ભાવ કરતાં ઓછી કિંમતે, બહાર, ખેડૂતનું ઉત્પન્ન નહીં જ ખરીદી શકાય. એટલું થશે તો પણ બહાર ખેડૂતોનું શોષણ થતું અટકશે.

સરકારે ખરી સગવડ તો સંગ્રહખોરીને ઉત્તેજન આપવાની કરી છે. સંગ્રહખોરીની કોઈ મર્યાદા ન હોવાને લીધે કોર્પોરેટ્સ બહારથી ગમે તે ભાવે ઉત્પન્ન ખરીદે ને કૃત્રિમ અછત ઊભી કરી, પછી મોંઘાભાવે એ જ વસ્તુ વેચીને વધુ નફો કરી શકે. આ વ્યવસ્થા સરકારે ઊભી કરી છે. આમ થાય તો ખેડૂતને તો નુકસાન છે જ, પણ મોંઘા ભાવે વસ્તુ ખરીદવી પડતી હોવાને કારણે ગ્રાહકને પણ છે.

એ તપાસ કરવા જેવી છે કે સ્ટોરેજ ને શીતાગારો માટેની જમીન કોણે ખરીદી છે ને તેનો કયા હેતુ માટે ઉપયોગ થાય છે? કોર્પોરેટ્સ આ જ કામ કરે છે. તે સસ્તા ભાવે અનાજ ખરીદે છે ને અમર્યાદ સંગ્રહખોરી દ્વારા મોંઘા ભાવે વસ્તુ બજારોમાં મૂકે છે. એક ઉદ્યોગપતિએ દેશના જુદા જુદા ગામોમાં હજાર હજાર એકરમાં ફેલાયેલ નવેક હજાર સ્ટોરેજ ઊભા કરવાનું પ્લાનિંગ કર્યું છે ને એવા તો બીજા પણ હશે. આ બધું પહેલાં થાય છે ને કૃષિ કાનૂન પછી આવે છે. આ સ્ટોરેજ દાંડિયારાસ રમવા તો પ્લાન ન જ થાય ને ખૂબી જુઓ કે આ વ્યવસ્થાનો સરકાર પણ ખુશી ખુશી હાથો બને છે. તે બને જ, કારણ તેણે આ લોકોને પૈસે ભ્રષ્ટ કારભારો ચાલુ રાખીને સત્તામાં રહેવાનું છે. આમાં કોઈ એક પક્ષ કે સરકારને દોષ દેવાથી ચાલે એમ નથી, કારણ, તક મળી ત્યારે કોઈ જ આમાંથી બાકાત રહ્યું નથી. સીધી વાત તો એ છે કે ખેડૂતોને નામે કાયદા થયા છે ને એટલી કાળજી રખાઈ છે કે લાભ ઉદ્યોગપતિઓને થાય. ઉદ્યોગપતિઓ ફંડ આપે છે તે કૈં દયાદાન કે દક્ષિણામાં આપતા નથી. એ પણ વખત આવ્યે પોતાની શરતે, અનેકગણું વસૂલીને ધંધો કરે જ છે ને એ હકીકત છે કે સરકારને ખટાવનાર કોઈ ઉદ્યોગપતિએ આજ સુધી માથે હાથ દેવાનો વારો આવ્યો નથી.

માથે હાથ દેવા તો જનતા જનાર્દન છે જ ને !

ખરેખર તો વાત ખેડૂતોને સરકાર વચ્ચેની છે. એમાં વિપક્ષો ખેડૂતોને પક્ષે ઊભા રહી જાય છે ને તેમનું ભલું કરવાને નામે પોતાનો પ્રચાર પણ ચાલુ કરી દે છે. વિપક્ષમાં એટલી તાકાત જ નથી કે તે પોતાનું પણ ભલું કરી શકે. એટલી તાકાત હોત તો એ સરકારમાં હોત ! નબળા વિપક્ષોને કારણે આંદોલન નિષ્ફળ જાય તેનો અર્થ સરકાર એવો કરે છે કે જનતા ખેડૂતની સાથે નથી. આ બરાબર નથી. જનતા વિપક્ષની સાથે નથી એનો અર્થ એવો ન થાય કે તે ખેડૂતની સાથે પણ નથી. જો આંદોલન રાજકીય પક્ષોનો હાથો ન હોય તો જનતા ખેડૂતની સાથે મોડી વહેલી પણ જોડાઈ શકે અને ત્યારે સરકારની મુશ્કેલીઓ વધે એમ બને. અત્યારે સરકાર એમ માનીને ચાલે છે કે ખેડૂતોનું આંદોલન એક બે રાજ્યોના ખેડૂતનું જ આંદોલન છે. એવું નથી. આમાં થોડા ખેડૂતોનો જ વિરોધ છે એવું નથી. મોંઘવારી ને સંગ્રહખોરી સામાન્ય માણસને પણ પીડે છે એ અર્થમાં એ સામાન્ય જનતાનો પ્રશ્ન પણ છે જ ! સરકાર સામાન્ય માણસ સંદર્ભે પણ ખેડૂતોના વિરોધને જુએ ને ખેડૂતો પણ રાજકીય પક્ષોના હાથા બન્યા વગર પ્રશ્નોનું નિરાકરણ લાવવાની રીતે સરકાર સાથે વાટાઘાટ કરે એ જરૂરી છે. કોઈ પણ પક્ષે કોઈ પણ સમસ્યાને અહમ્‌નો પ્રશ્ન બનાવવાનો આ સમય નથી. આ દેશ કોરોનાને કારણે ઘણા જીવ ખોઈ ચૂક્યો છે એ સ્થિતિમાં એ જરા ય ઇચ્છનીય નથી કે ખેડૂત આંદોલન સંપત્તિ કે મનુષ્યોનો ભોગ લે-

0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : લેખકની ‘આજકાલ’ નામક કટાર, “ધબકાર” દૈનિક, 11 ડિસેમ્બર 2020

Loading

સાહેબની વિદાય

પ્રવીણ પંડ્યા|Opinion - Opinion|11 December 2020

કાલે રાતે બે વાગ્યાની આસપાસ રંજનાએ યુવાનો સંદેશ જોઈ કહ્યું;

‘હસુભાઈ નહીં રહે.’

અઠવાડિયા પહેલાં સમાચાર હતા કે એમને ફેફસાંમાં તકલીફ છે અને ઝાયડસમાં દાખલ કર્યા છે. સમાચાર આપતા યુવાએ આખું પણ ખરું કે વાતચીત કરે છે, નયનને કહેતા હતા કે બહુ ચિંતા ન કરીશ. અનાયાસે થોડા દિવસ પહેલાં જ મધ્યકાલીન સાહિત્ય અને લોક પરંપરાનાં કોઈક સંદર્ભ બાબતે એમને ફોન કરેલો, આ વિષયમાં તેઓ જીવંત એન્સાયક્લોપીડિયા હતા. ત્યારે મેં કહેલું; ‘આ વખતે અમદાવાદ આવીશ એટલે આપણે મળીશું, ઘણી વાતો કરવાની છે.’

૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦

વાતો ખૂટે નહીં એવાં માણસ હસુભાઈ. હતા એમ લખતા જીવ નથી ચાલતો. અમારાં મૂળિયાં એક ભૂમિનાં. ધ્રાંગધ્રા ગામ. એમનું ઘર દેપાળાના ચોરા પાસે ,અમારું કાનનાં મંદિર પાસે. વચ્ચે એક ઢાળ. મેં એમને ત્યાં નથી જોયા. પણ મારા બાપુજી અને ગામનાં લોકો આ યાજ્ઞિક ભાઈઓની વાત બહુ ગૌરવથી કરે. એ વખતે ભણતરનો આજના જેટલો મહિમા નહીં. બામણનો દીકરો હોય તો જજમાનવૃત્તિમાં ગોઠવાઈ જાય, એટલે ભયો ભયો. પણ આ યાજ્ઞિક કુટુંબ જ્ઞાન-માર્ગી. બધાં ભણવામાં આગળ પડતાં. પછી સરકારી નોકરીમાં જોડાયા. તેઓ ૧૯૬૨માં સ્નાતક, ૧૯૬૨ એમ.એ. ૧૯૭૨માં પીએચ.ડી. થયા. સંગીત વિશારદ પણ ખરા. એમનો જન્મ ભણતર બધું રાજકોટમાં, પણ મૂળે એ અમારાં ધ્રાંગધ્રાના. એમનાં બહેન અમારાં ઘર પાસે, હવેલી શેરીમાં ઉત્તમરામ શુક્લ વેરે વરાવેલાં. એટલે હસુભાઈ મને કાયમ મારા ગામના માણસ તરીકે જ જુએ, ઓળખે અને ઓળખાવે. પોતાની મૂળ ઓળખ સાથે લઈ ચાલતા માણસ ….

૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦

હસુભાઈ આરંભે વિજ્ઞાનના વિદ્યાર્થી, પણ પછી સાહિત્યમાં આવ્યા અને એટલે સાહિત્યમાં પણ એમનો અભિગમ હંમેશાં વૈજ્ઞાનિક રહ્યો. ૧૯૭૭ની આસપાસ આ મારા ગામના માણસ સુરેન્દ્રનગર એમ.પી. શાહ કોલેજમાં ગુજરાતીના અમારા અધ્યાપક તરીકે જામનગરથી બદલી થઇ આવ્યા. આવ્યા કે તરત અમારી વિદ્યાર્થીની વચ્ચે ચીર-પરિચિતની જેમ ગોઠવાઈ ગયા. આ એ સમય હતો જ્યારે ગુજરાતી નવલકથા જગતમાં થ્રીલર રાયટરનું અવતરણ નહોતું થયું. અંગ્રેજીના જેમ્સ હેડલી ચેઇઝ, એલિસ્ટર મેકલીન, ઇર્વિંગ વોલેસ, (અમે ફાધર વાલેસને પણ વાંચતા. અને અંગ્રેજી નામને કારણે એવી વાતો પણ કરતા કે આ ઇર્વિંગ વોલેસના મોટાભાઈ છે.) હસુભાઈની થ્રીલર નવલકથાઓ એ વખતે ‘સંદેશ’ દ્વારા લોકપ્રિય. અમને છપાયા પહેલાં પ્રકરણ સાંભળવા મળે એનો અમને હરખ. મજાની વાત એ કે સાહેબને આ લોકપ્રિયતાનું બહુ ‘માતમ’ નહીં. રાત અધૂરી, વાત માધુરી, દગ્ધા, હાઇવે પર એક રાત, મુટુ હટારી આ બધી એમની પ્રસિદ્ધ નવલકથાઓ.

૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦

ભેદભાવ ન કરે. સામાન્યપણે અધ્યાપકો નૈતિકતા અને વિચારધારા મૂલ્ય આદિના કડુકઢિયાતું જેવાં બોધપાઠ બહુ આપે પણ આ સાહેબ તો અમારી ભેગા પાનવાળાની દુકાને ય આવે ને ૧૨૦-૩૦૦વાળું પણ ખાય. અને ત્યાં ઊભા ઊભા મધ્યકાલીન સાહિત્ય પણ સમજાવે. સાયકલ પર પાછળની સીટ પર બેસી બજારમાં પણ આવે. મેં આણંદની કોલેજમાં એમના વિશે વાત કરતા કહેલું કે;

‘એમણે સાહિત્યમાં પણ સામાન્ય મનુષ્યનાં જીવતા જીવનનો મહિમા કર્યો છે, એના સંઘર્ષને મુક્યો છે, સામાન્ય માણસની જેમ વિદ્યાર્થીઓ સાથે મિત્રવત્‌ રહ્યા છે. અમદાવાદ અમે આવ્યાં ત્યારે અહીં અમારાં સમકાલીનોમાંથી કોઈ કોઈ કહેતા; અમે ઉમાશંકરના વિદ્યાર્થી, અમે ભગત સાહેબના વિદ્યાર્થી, અમે યશવંત શુક્લના ….. મારા જેવા પછાત જિલ્લામાંથી આવતા કહી શકતા કે અમે હસુભાઈના વિદ્યાર્થી.’

અમદાવાદ અને અમારાં શિક્ષણ વચ્ચે બહુ ફેર. અને આ ફેર અમને અમદાવાદ આવ્યાં પછી વધુ સમજાયો. એક દિવસ જગદીશ વ્યાસે યુનિવર્સિટી બસ સ્ટોપ પર નિરંજન ભગતને ઊભેલા જોયા અને સાયકલ ઊભી રાખી, એને તો સુરેન્દ્રનગરમાં સાયકલની પાછલી સીટે બેસતા સાહેબનો અનુભવ. ભગત સાહેબને કહ્યું;

‘બેસી જાવ, સાહેબ, અમે તમારાં ઘર બાજુ જ જઈ રહ્યાં છીએ.’

પછી શું થયું એની તમે કલ્પના કરો.

૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦

૧૯૮૨થી તેઓ હાલ જે અકાદમીની સ્વાયત્તતા માટે આપણે લડી રહ્યાં છીએ, તેના પહેલા મહામાત્ર બન્યા. ત્યારે અકાદમી સરકારી હતી, પણ હસુભાઈ હોવાને કારણે સરકાર દેખાતી ન્હોતી. અમે ગાંધીનગર મિત્રોને મળવા જઇએ, એટલે ગજવામાં ૧૨૦-૩૦૦વાળું પણ લઈને જઈએ. અકાદમીએ એમની સામે બેસી ચા પીએ … ને સાહેબ, સમવયસ્ક મિત્ર જેવા કુતૂહલ ભાવથી પૂછે;

‘પણ લાઈવો છું ને?’

આ સાદગી, નિરભિમાન ક્યા જોવા મળે? આજે તો સાથે હરતો ફરતો મિત્ર પણ જો આપણાથી એક પાયરી ઊંચે જાય તો ય …… મહામાત્ર તરીકે માન્ય ભાષામાં ભાષણ આપે, પણ બાકીનો સંવાદ ઝાલાવાડીમાં ચાલે. એમની સુરેન્દ્રનગરના અધ્યાપકથી મહામાત્ર અને નિવૃત્ત થયા પછીથી સતત આણંદ કોલેજમાં લોક સાહિત્ય અને મધ્યકાલીન સાહિત્યનું અધ્યાપન કાર્ય કરતા હસુદાદા તરીકેની સાદી સરળ પણ શાનદાર જીવન યાત્રા મેં જોઈ છે. જેમ અમે હસુભાઈ પાસે હસતા રમતા ભણ્યા એમ આણંદનાં વિદ્યાર્થીઓ પણ ભણ્યાં. વિદ્યાર્થીઓની ઘણી પેઢી તૈયાર કરનાર આ સાહેબે અંતે ટૂંકી માંદગી પછી તારીખ ૧૦-૧૨-૨૦૨૦ની સવારે વિદાય લીધી.

વંદન સાહેબ, આવતે ભવે મળીશું.

૧૦-૧૨-૨૦૨૦

Loading

...102030...2,1762,1772,1782,179...2,1902,2002,210...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved