Opinion Magazine
Number of visits: 9680722
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રામ જાણે!

પ્રતિષ્ઠા પંડ્યા|Poetry|10 October 2020

બાજરીના લીલા પીળા ખેતમાં 
ઊગ્યો કેવો આ
કેવો તે લાલ લાલ ફાલ
રામ જાણે!

નીચી નમીને હું તો
વીણતી'તી ઘાસ લીલું
મા ને સહેલીઓ સંગાથ
એ ઘાસ પાસે હોવી જોઈએ 
દાતરડાં જેવી કોઈ મૂંગી
પણ તેજ તેજ ધાર
નહિ તો ઊભે ઊભી મને
કોણે વાઢી ખાય ખચાખચ
જોંયુ ના કોઈએ લગાર
રામ જાણે!

પાછળથી આવી
દીધો ટૂંપો ગળામાં
બાંધી કચકચ ગુલાબી આકાશ
આંખોમાં ઉતાર્યાં ભર બપ્પોરે અંધારાં
રૂંવે રૂંવે નિતાર્યા વીંછીના ડંખ
શું વાડના કાંટાળાં થોરિયાએ
ચૂસી લીધો છોકરીનો પ્રાણ?
ના અવાજ, ના ચીસ
ચૂપચાપ શેના જોઈ રહ્યા ત્યારે
બાજરીના સોનેરી ખેત સૂમસામ?
રામ જાણે!

હોત માણહની જાત તો ભાળી યે હોત
કદાચ મારા નીચલા તે વરણની વાસ
સૂંઘીને બસ મેલી દીધી ય હોત આઘી
મારી ચામડીની મેલી શી ભાત
પણ વાઘ વરુને મન
તે ભેદ વળી કેવા
એકસરખી હશે ઘેલી કરતી જનાવરને 
બધા ય વરણની છોડિયુંની
કાચી તૂરી એક વાસ
રામ જાણે!

કાં પછી લાહ્ય લઇ પેટમાં
ઉતાર્યા હો' ખેતરને છેવાડે
ભૂખાળવાં તીડનાં ઝૂંડના ઝૂંડ
બદલે કંઈ રંગ
બદલે કંઈ રૂપ
બદલે નહિ ભૂખના સ્વરૂપ
ક્યાંથી આવીને ત્રાટક્યા
આ નિર્લજ્જો
હોઠના મરોડમાં ખીલેલાં ફૂલોમાં
ગાલોના ખંજનમાં
આંખોંમાં, હૈયામાં,
કૂમળી હથેળીની
બાંધી મુઠ્ઠીમાં સંઘરેલા 
બાજરીનાં બીજ  જેવાં
સપનામાં  કરતાં રંજાડ?
રામ જાણે!

ઊંચકે ના માથું
મરડી નાખો ડોક એની
લવલવતી જીભ લેજો કાપી
પગની વચાળે દામ એવો દેજો
કે પછી ફરકે ના એકેય રૂંવાટી
બચ્યાકુચ્યાં હાડકાંને ભડભડ બાળી
દીધી એની રાખોડી યાદને ય ધરબી
ને તો ય ….
લીલાં આ બાજરીના ખેતરની વચોવચ 
આ લાશ કોની ગુલાબી તરતી?  
રામ જાણે 

°°°°°°°

Only lord Ram would know! 

The light green and yellow
Fields of millet
What red crop they hold?
Only lord Ram would know!

I bent down in the farm
to pull out green weeds
mother was around
friends were laughing
When the grass slashed
my thighs.
Must be the grass
with an edge as sharp
and quiet as a sickle
Who else could have
cut me alive as I stood?
Why no one was there to see?
Only lord Ram would know!

Came from behind
And strangled me
With a pink strip of the sky
Dark descended into my eyes
stings of scorpions in every pore
Was that the cacti at the edge of the field
that sucked the life out of me?
Why then would the golden fields
stand there and watch in silence
not a sound or a scream?
Only lord Ram would know!

If it were a human, I know,
things would have been different
Perhaps, they would have known
the lowly smell of my caste
Would have smelt and left aside
I guess, this dirty skin of mine
But what difference is a caste
to tigers and wolves
The scent that drives
all animals mad
must be the scent of a woman.
Raw, bitter, young and wild
of all castes and creeds.
Only lord Ram would know!

Or it could have been
A swarm of short-horned
Ravenous desert locusts
descending on that corner of the field
Colours changed
Forms changed
The hunger remained the same
From where did they come
these shameless ones?
Who ravaged and plundered the fields,
the flowers on her lips
the sun in her eyes
her blossoming blue heart
the secrets she didn’t part
and millet coloured seeds
of a dream,
she hid in her fist?
Only lord Ram would know!

Wring her neck
rest she lifts her head
Chop her rebellious tongue
Give her such a wound
between her thighs
she becomes forever numb
Burn her leftover broken bones
bury the grey powdered
memories deep.

But then again
Whose body is afloat
in the middle of green millet fields?
Only lord Ram would know!

                                              — Pratishtha Pandya

e.mail : pratishtha74@gmail.com

Loading

ચલ મન મુંબઈ નગરી—65

દીપક મહેતા|Opinion - Opinion|10 October 2020

ચર્ની રોડ સ્ટેશન અને સરસ્વતીચંદ્ર નવલકથા વચ્ચેનો સંબંધ

મુંબઈમાં કેનેડી સી ફેસ ક્યાં આવેલો?

જ્યારે ક્વીન્સ રોડની બાજુમાં દરિયો ઘૂઘવતો હતો

બોમ્બે બરોડા એન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા રેલવે પરનું ૧૮૬૭માં બંધાયેલું ચર્ની રોડ સ્ટેશન. તેના પછી વીસ વર્ષે, ૧૮૮૭માં પ્રગટ થયેલી ગુજરાતી સાહિત્યની ખૂબ જાણીતી અને માનીતી નવલકથા સરસ્વતીચંદ્ર (ભાગ ૧). આ બે વચ્ચે કશો સંબંધ ખરો? હા. આ નવલકથાના પાયામાં જે ઘટના રહેલી છે તે ઘટના સાથે ચર્ની રોડ સ્ટેશન જોડાયેલું છે. આ ઘટના તે કથાનાયક સરસ્વતીચંદ્ર ઉર્ફે નવીનચંદ્રનો ગૃહત્યાગ. પિતા લક્ષ્મીનંદનનું ઘર છોડીને સરસ્વતીચંદ્ર નીકળી પડ્યો ન હોત તો પછીની કોઈ ઘટના બની શકી જ ન હોત. અપર માનાં મેણાંટોણાંથી કંટાળેલો સરસ્વતીચંદ્ર ઘર છોડવાનું નક્કી કરે છે અને પોતાના આ નિર્ણયની જાણ નિકટના મિત્ર ચંદ્રકાન્તને પત્ર દ્વારા કરે છે. એ પત્રમાં બીજી કેટલીક વાતો ઉપરાંત લખ્યું છે કે ‘મારી શોધ કરીશ નહિ.’ પિતા લક્ષ્મીનંદન પર લખેલો કાગળ પણ સરસ્વતીચંદ્રે એ જ કવરમાં મૂક્યો છે. એક જમાનામાં ખૂબ જાણીતી થયેલી પંક્તિઓ આ પત્રમાં જ લખાઈ છે :

સુખી હું તેથી કોને શું, દુઃખી હું તેથી કોને શું?
જગતમાં કંઈ પડ્યા જીવ, દુઃખી કંઈ ને સુખી કંઇક.

વાલકેશ્વર પર આવેલા લક્ષ્મીનંદનના બંગલે ચંદ્રકાંત ગયો તો ખબર મળ્યા કે સરસ્વતીચંદ્ર તો વહેલી સવારે ઘરની ઘોડા ગાડીમાં બેસીને ચોપાટી ફરવા ગયો છે. એટલે ચંદ્રકાંતે ભાડાની ગાડી ચોપાટી તરફ દોડાવી. ત્યાં સરસ્વતીચંદ્રની ઘોડા ગાડી દરિયા કિનારે ઊભેલી તેને મળે છે. ગાડીવાન કહે છે કે ભાઈ તો અહીંથી પગે ચાલીને આગળ ફરવા ગયા છે. ઘણો વખત થયો પણ પાછા ફર્યા નથી. આ ‘આગળ’ એટલે ચર્ની રોડ સ્ટેશન તરફ. અહીં લેખક કહે છે : ‘મુંબઈના નાગરિકોનું ચોપાટી એ પ્રિય સ્થાન છે. અર્ધે સુધી સમુદ્રતટ અને તેની જોડે બાંધેલો રસ્તો છે. આગળ ચાલતાં રેલવેની સડકનું ક્રોસિંગ આવે છે તે ઓળંગતાં ચર્ની રોડ સ્ટેશન છે.'  ગોવર્ધનરામ જેને રેલવેની સડકનું ક્રોસિંગ કહે છે તે આજે પી.એમ. બાથની સામે જે લાંબો ફૂટ ઓવર બ્રિજ છે તેની નજીક આવેલું હતું.

જૂનું ચર્ની રોડ સ્ટેશન

બાળપણમાં ગીરગામના ઘરેથી ચોપાટી જવા માટે આ ક્રોસિંગ પસાર કરવું પડતું હતું, તે આ લખનારને યાદ છે. ચોપાટીનું સત્તાવાર નામ એ જમાનામાં કેનેડી સી ફેસ હતું. ગયે અઠવાડિયે આપણે જેમની વાત કરી હતી તે જોન પિટ કેનેડીનું નામ રેલવે લાઈન પરથી પસાર થતા પૂલ ઉપરાંત આ દરિયા કિનારા સાથે પણ જોડવામાં આવ્યું હતું. દરિયા કિનારે, આજના પી.એમ. બાથ પાસે આવેલા એક થાંભલા ઉપર આ નામ કોતરેલું છે. એટલે કે વાલ્કેશ્વરનું ઘર છોડ્યા પછી સૌથી પહેલાં સરસ્વતીચંદ્ર ચર્ની રોડ સ્ટેશન તરફ ગયો હતો. એ વખતે મરીન ડ્રાઈવનો રસ્તો, આજનો નેતાજી સુભાષ રોડ હજી બંધાયો નહોતો. એનું બાંધકામ ૧૯૧૫માં શરૂ થયું અને ૧૯૩૦ના અરસામાં પૂરું થયું. એટલે રેલવે લાઈનની પશ્ચિમે રસ્તો નહોતો. થોડે દૂર દરિયા કિનારો હતો. મલબાર હિલ-વાલકેશ્વરથી નીચે ઊતરતો રસ્તો ચર્ની રોડ સ્ટેશન પહેલાં પૂર્વ દિશામાં વળીને ફાટક દ્વારા ક્વીન્સ રોડ સાથે ભળી જતો. આ ક્વીન્સ રોડના જૂના ફોટામાં તેના નામની સાથે ‘પ્રોમોનાડ’ શબ્દ જોડેલો જોવા મળે છે. પ્રોમોનાડ એટલે દરિયા કિનારે બાંધેલો રસ્તો. ચર્ચગેટ સુધીની રેલવે લાઈનની એક બાજુએ એક જમાનામાં ક્વીન્સ રોડ અને બીજી બાજુએ દરિયા કિનારો.

દરિયા કિનારે આવેલો ક્વીન્સ રોડ

સરસ્વતીચંદ્ર ચર્ની રોડ સ્ટેશન તરફ ગયો છે એમ જાણતાં વેંત ચંદ્રકાંતના પેટમાં ફાળ પડે છે અને તે ભાડાની ગાડી કરી તરત એ સ્ટેશને પહોંચે છે. કેમ? કારણ એ વખતે બહાર ગામ જતી ટ્રેનો પણ ચર્ની રોડ સ્ટેશને થોભતી. ૧૮૭૩માં કોલાબા ટર્મિનસનું સ્ટેશન બંધાયા પછી લોકલ તેમ જ બહાર ગામની ટ્રેનો ત્યાંથી આવતી-જતી, અને ચર્ની રોડ રોકાતી. એટલે તે માની લે છે કે સરસ્વતીચંદ્ર અહીંથી ટ્રેન પકડી બહાર ગામ ચાલ્યો ગયો હોવો જોઈએ. એ સ્ટેશને જઈને પૂછપરછ કરે છે. લક્ષ્મીનંદન એ જમાનાના મુંબઈની જાણીતી વ્યક્તિ હોવાથી સ્ટેશન માસ્તર, ટિકિટ માસ્તર, વગેરે સૌ તેની આસપાસ ઘેરાઈને ઊભા રહે છે. મેલ અને પેસેન્જર ટ્રેનોની ટિકિટોનું વેચાણ તપાસે છે, પણ કશી ભાળ મળતી નથી. એ જમાનામાં ટ્રેનની ટિકિટ ખરીદનારાઓનાં નામ સ્ટેશન પર નોંધાતાં હોવાં જોઈએ. નહિતર ટિકિટોનું વેચાણ તપાસવાનો શો અર્થ?

આજે ચોપાટી, ત્યારે કેનેડી સી ફેસ

પણ ચર્ની રોડ સ્ટેશનેથી બહારગામ જતી ટ્રેનમાં જવાને બદલે સરસ્વતીચંદ્ર વહાણની મુસાફરી પસંદ કરે છે. ગુજરાતનાં દીવ, ઘોઘા, સુરત જેવાં બંદરો સાથે મુંબઈનો વહાણ વ્યવહાર ઘણો જૂનો હતો, અને ટ્રેન શરૂ થયા પછી પણ કેટલોક વખત તે ચાલુ રહ્યો હતો. ૧૮૫૯માં કવીશ્વર દલપતરામ પહેલી વાર મુંબઈ આવ્યા, ત્યારે તેઓ અમદાવાદથી સુરત ગયા હતા અને ત્યાંથી ‘આગબોટ’માં મુંબઈ પહોચ્યા હતા. પણ સરસ્વતીચંદ્ર તો આગબોટ નહિ, ‘વહાણ’માં મુસાફરી કરે છે! એ જ્યાં પહોંચે છે તે સુવર્ણપુર લેખકની કલ્પનાનું ગુજરાતનું એક દેશી રજવાડું છે. તે ભદ્રા નદી સાગરને મળે છે ત્યાં આવેલું છે, એમ લેખક કહે છે. આ ભદ્રા નદી પણ કાલ્પનિક નામ છે. પણ છેક ૧૮૭૩ પછી પણ સરસ્વતીચંદ્ર આગબોટને બદલે વહાણમાં મુસાફરી કરે એ જોઈ નવાઈ લાગે છે. મુંબઈના કયા બંદરેથી તે વહાણમાં બેઠો, અજાણ્યા રજવાડા સુવર્ણપુરમાં જવાનું તેણે કેમ નક્કી કર્યું તે અંગે લેખક મૌન છે. નવલકથાના ચોથા ભાગને અંતે કુસુમને લઈને સરસ્વતીચંદ્ર મુંબઈ આવ્યો એટલું જ લેખક જણાવે છે. તેઓ કઈ રીતે પ્રવાસ કરીને આવ્યાં તે કહેતા નથી. પણ પછી કુમુદ અને તેની સાથેનું મંડળ ટ્રેનથી મુંબઈ આવ્યું હશે એમ લાગે છે કારણ લેખક કહે છે કે તેમને લેવા માટે કુસુમને લઈને હરિદાસ સ્ટેશને ગયો હતો. જો કે એ સ્ટેશનનું નામ પાડતા નથી.

 

ચોપાટીના થાંભલા પર કોતરેલું નામ : કેનેડી સી ફેસ

કથાનાયક સરસ્વતીચંદ્ર ગોવર્ધનરામના પડછાયા જેવો છે એમ તો ન કહી શકાય, પણ એ બંને વચ્ચે ઘણી સમાનતા તો જોવા મળે જ છે. એ બંને ૧૯મી સદીના ઉત્તરાર્ધના મુંબઈના ફરજંદ છે. ગોવર્ધનરામનો જન્મ ભલે નડિયાદમાં, પણ તેમના જીવનનાં મહત્ત્વનાં વર્ષો તો મુંબઈમાં જ વીત્યાં હતાં. એટલે, બંને મુંબઈવાસી છે. બંને મુંબઈ છોડીને દેશી રાજ્યમાં જાય છે, પણ અંતે મુંબઈ પાછા ફરે છે. નવલકથાને અંતે સરસ્વતીચંદ્ર મુંબઈ પાછો ફરે છે. ગૃહત્યાગ એ કથાનું આરંભબિંદુ છે, તો ઘરવાપસી એ અંતિમ બિંદુ છે. એ બે વચ્ચે તે ઠીક ઠીક ભ્રમણ કરે છે. ૧૯મી સદીના અંગ્રેજી સાહિત્યમાં ભ્રમણકથાઓ (પિકરસ્ક નોવેલ – Picaresque novel) સારી એવી લેખક-પ્રિય અને લોકપ્રિય હતી. ગોવર્ધનરામની નવલકથા પણ આ પ્રકારની નવલકથાના ઘણા અંશો ધરાવે છે. કૌટુંબિક કલેશથી ત્રાસીને ગોવર્ધનરામ પણ ૧૮૭૪માં ઘર છોડીને ભાગી ગયા હતા. ચોપાટીથી ભાયખલા સ્ટેશન સુધી ગયેલા. પણ ટ્રેન ચૂકી જતાં પોતાના પગલા અંગે વિચાર કર્યો અને ઘરે પાછા ફર્યા. તેમના નિષ્ફળ ગૃહત્યાગની સામે સરસ્વતીચંદ્ર તેમાં સફળ થાય છે.

બંને વચ્ચે બીજી પણ કેટલીક સમાનતા છે જેના મૂળમાં મુંબઈ રહેલું છે. બંને યુનિવર્સિટી ઓફ બોમ્બેના વિદ્યાર્થી. ગોવર્ધનરામ બી.એ., એલએલ.બી., જ્યારે તેમનો કથાનાયક એમ.એ., એલએલ.બી. ગોવર્ધનરામને એમ.એ.નો અભ્યાસ અધૂરો મૂકવો પડ્યો હતો, જ્યારે તેમનો કથાનાયક ‘સત્તર-અઢારની ઉંમરે’ એમ.એ. થઈ ચૂક્યો છે. મેટ્રિકની પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીની ઉંમર ઓછામાં ઓછી ૧૬ વરસની હોવી જોઈએ એવો નિયમ આ યુનિવર્સિટીની શરૂઆતથી ઘણાં વરસો સુધી હતો અને ગોવર્ધનરામે પોતે આ નિયમનો લાભ લઈ છઠ્ઠા ધોરણ પછી સીધી મેટ્રિકની પરીક્ષા આપી હતી. એ વખતે મેટ્રિક પછી બી.એ.નાં ત્રણ અને એમ.એ.નાં બે, એમ કુલ પાંચ વરસ થતાં. એટલે એકવીસ વરસની ઉંમર પહેલાં કોઈ એમ.એ. થઈ શકે નહિ. ગોવર્ધનરામ પોતે બી.એ.માં બીજી ટ્રાયલે અને એલએલ.બી.માં ચોથી ટ્રાયલે પાસ થયા હતા તેનો રંજ તેમને રહ્યો જ હોય. પોતાના કથાનાયકને ખૂબ વહેલો અભ્યાસ પૂરો કરતો બતાવીને તેમણે એ રંજનું સાટું વાળ્યું હોઈ શકે.

ઓગણીસમી સદીના ઉત્તરાર્ધના મુંબઈમાં, આધુનિક વિચાર, શિક્ષણ, રહેણીકરણીના જે અંશો પ્રગટ થયા હતા, તેનો અણસારો ગોવર્ધનરામની નવલકથામાં ઘણી જગ્યાએ જોવા મળે છે. સરસ્વતીચંદ્રનો પિતા લક્ષ્મીનંદન બહુ ભણ્યો નહોતો પણ મુંબઈનો એક ધનાઢ્ય વેપારી હતો. આપબળે શીખીને થોડું અંગ્રેજી બોલી શકતો. બાળક સરસ્વતીચંદ્રને ખોળામાં બેસાડીને (પહેલી) પત્ની ચંદ્રલક્ષ્મી સાથે ફોટો પડાવીને ઘરની દીવાલ પર ટાંગી શકે એટલો ‘સુધરેલો’ હતો. છતાં એ જમાનાના ચાલ પ્રમાણે પહેલી પત્નીનું અવસાન થયું તે જ દિવસે ગુમાન નામની બીજી સ્ત્રી સાથે તેના વિવાહ થયા હતા. પૈસા વેરીને વિદ્વાનો, સરકારી અધિકારીઓ, વગેરેને તે પોતાની પડખે રાખતો. એ વખતના મુંબઈમાં કોટન મિલોની બોલબાલા હતી. લક્ષ્મીનંદન આવી એક-બે મિલોનો કારભાર સંભાળતો હતો. અંગ્રેજ અમલદારોને ઘરે બોલાવી આગતાસ્વાગતા કરતો. ગવર્નર તરફથી અપાતી પાર્ટીઓમાં હાજર રહેવાનાં આમંત્રણ તે મેળવી શકતો. અંગ્રેજી અને ગુજરાતી અખબારોના તંત્રીઓ સાથે તેને મીઠા સંબંધો હતા. ૧૮૬૫થી મુંબઈમાં ‘જસ્ટિસ ઓફ પીસ’ની પ્રથા શરૂ થઈ હતી. ‘સેક્રેટરિએટના એક અમલદારની વગથી’ તેને આ માન પણ મળ્યું હતું. લક્ષ્મીનંદન પાસે પોતાની ઘોડાગાડી છે, પણ મોટર નથી. કારણ મુંબઈમાં પહેલવહેલી ચાર મોટર ૧૮૯૮માં સર જમશેદજી તાતા અને બીજા ત્રણ પારસીઓએ ખરીદી હતી. કલકત્તા, મુંબઈ, મદ્રાસ, અને અમદાવાદમાં પહેલવહેલા ટેલિફોન એક્સચેન્જ ૧૮૮૧માં ઇંગલન્ડની ઓરિયેન્ટલ ટેલિફોન કંપનીએ શરૂ કર્યાં હતાં અને ૧૮૮૨ના જાન્યુઆરીની ૨૮મી તારીખથી દેશમાં ટેલિફોન સેવા શરૂ થઈ હતી. છતાં કોણ જાણે કેમ ધનાઢ્ય લક્ષ્મીનંદનના ઘરમાં ટેલિફોન નથી.

સરસ્વતીચંદ્ર નવલકથામાં પ્રણયકથા છે ખરી, પણ ગોવર્ધનરામનો મુખ્ય હેતુ અહીં વ્યક્તિની કથા કહેવાનો નહિ, તેટલો પોતાના જમાનાની, ૧૯મી સદીનાં છેલ્લાં પચાસેક વર્ષની સંસ્કૃતિકથા કહેવાનો છે. આ માટે તેમણે મુખ્યત્વે બે સ્થળોને સામસામે મૂક્યાં છે : એક મુંબઈ, અને બીજું, સુવર્ણપુરનું કલ્પિત દેશી રાજ્ય. સુવર્ણપુરના દરબારમાં હાજર રહીને, ત્યાં ચાલતી ખટપટોનો સાક્ષી બનીને સરસ્વતીચંદ્ર અમાત્ય બુદ્ધિધન સાથે ઘરે પાછો ફરે છે ત્યારે તેના મનમાંથી જાણે ચીસ ઊઠે છે : 'અંધકાર! અંધકાર! સુવર્ણપુરની દીન પ્રજા! ચાર ચાર કલાકની વાર્તામાં તારે સારુ પા કલાકનો પણ અવસર ન મળ્યો.’

ગુજરાતી નવલકથાનું સીમાચિહ્ન સરસ્વતીચંદ્ર. તો ગુજરાતી કવિતાનું સીમાચિહ્ન નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાનો પહેલો કાવ્યસંગ્રહ ‘કુસુમમાળા.’ સરસ્વતીચંદ્રનો પહેલો ભાગ અને કુસુમમાળા બંને, એક જ વરસે, ૧૮૮૭માં પ્રગટ થયાં. એક પુસ્તકે ગુજરાતી નવલકથાની દશા બદલી નાખી, તો બીજાએ ગુજરાતી કવિતાની દિશા બદલી નાખી. અને બંને પુસ્તકો છપાયાં અને પ્રગટ થયાં મુંબઈથી. બંનેના સર્જકો યુનિવર્સિટી ઓફ બોમ્બેના વિદ્યાર્થીઓ. બંનેએ જીવનનાં ઘણાં વર્ષો મુંબઈમાં ગાળ્યાં. મુંબઈએ તેમના જીવન અને લેખન પર જે કાયમી પ્રભાવ પાડ્યો તેની વાત હવે પછી.

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 10 ઑક્ટોબર 2020

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

Loading

ગૂજરાત વિદ્યાપીઠની શતાબ્દી પ્રસંગે સુદર્શન આયંગર સાથે વાર્તાલાપ

આરાધના ભટ્ટ|Opinion - Interview|9 October 2020

પ્રશ્ન : સુદર્શનભાઈ, નમસ્કાર. ગૂજરાત વિદ્યાપીઠ હમણાં શતાબ્દી પૂર્ણ કરી રહી છે અને આપનો વિદ્યાપીઠ સાથેનો સંબંધ ખાસ્સો દીર્ઘ રહ્યો છે. વિદ્યાપીઠની સ્થાપનાથી વાતચીતની શરૂઆત કરીએ. ગાંધીજીના મનમાં વિદ્યાપીઠની સ્થાપનાનો હેતુ શું હતો? સ્થાપન સમયે વિદ્યાપીઠમાં અપાતું શિક્ષણ કેવું હતું?

ઉત્તર : ગાંધીજી જ્યારે ભારત પાછા આવ્યા ત્યારે એમના મનમાં શિક્ષણને લઈને કેટલાક પ્રશ્નો હતા. તે પહેલાં આપણા દેશમાં જે પદ્ધતિ હતી તે મકોલેની શિક્ષાપદ્ધતિ તરીકે ઓળખાતી હતી, એને લઈને ઘણા રાષ્ટ્રવાદી લોકોને પ્રશ્નો હતા. એટલે ગાંધીજી આવ્યા તે પહેલાં પણ ઘણી એવી રાષ્ટ્રીય સંસ્થાઓ ઊભી થઇ હતી, પરંતુ ગાંધીજી જેને રાષ્ટ્રીય સમજતા હતા એની ચોખવટ એમણે ઓગસ્ટ મહિનમાં અમદાવાદમાં થયેલી પોલિટીકલ કોન્ફરન્સમાં કરી, અને કહ્યું કે આપણા દેશને અને આપણી સંસ્કૃતિને છાજે એવું, આપણી માતૃભાષામાં અને આપણે સ્વતંત્ર થઇ શકીએ એ દિશામાં બાળકોને તૈયાર કરવા માટેનું, હિંદ સ્વરાજનું સ્વપ્ન સાકાર કરવા માટેનું, શિક્ષણ હોવું જોઈએ. એમણે દક્ષિણ આફ્રિકામાં પોતાનાં બાળકો સાથે ફિનિક્સમાં અને ટોલ્સટોય ફાર્મમાં શિક્ષક તરીકે છ વર્ષ સુધી શિક્ષણના જે પ્રયોગો કરેલા એ બધા અનુભવોનો એમાં નીચોડ હતો. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના વખતે એમના મનમાં રાષ્ટ્રવાદી, એટલે આજે જેને આપણે રાષ્ટ્રીયતા ગણીએ છીએ એ સંદર્ભે નહીં, પણ આપણી ગ્રામ્ય સંસ્કૃતિને પોષણ આપે એવા સમાજના નિર્માણ માટેનું, શિક્ષણ હતું. એમને એમ હતું કે હિન્દુસ્તાન પાસે પોતાની એક યુનિવર્સિટી હોવી જોઈએ. આવી કલ્પના કોઈ પણ રાજનીતિક નેતાએ અત્યાર સુધીમાં કરી નહોતી. અને પાંચ જ વર્ષમાં ૧૮ ઓક્ટોબર ૧૯૨૦એ એમણે એક રાષ્ટ્રીય પ્રયત્ન તરીકે આ યુનિવર્સિટી શરૂ કરી. યુનિવર્સિટીનાં મુખ્ય બે ઉદ્દેશ હતા. ગાંધીજીના મનમાં એવું હતું કે અમુક સંસ્કાર છેક બાળપણથી પાડવા જોઈએ, એટલે છેક પ્રિ-સ્કૂલથી માંડીને પીએચ.ડી સુધી અભ્યાસ થઇ શકે એવી સંસ્થા હોવી જોઈએ, એ એક ઉદ્દેશ.

બીજું એમને એમ પણ હતું કે આના આધારે જ્યારે દેશમાં રાષ્ટ્રીય શાળાઓ-કોલેજો ખુલશે ત્યારે આ યુનિવર્સિટી એક એફીલિયેટિંગ સંસ્થા તરીકે પણ કામ કરશે. આ સમજ સાથે એમણે એની શરૂઆત કરી. નોંધવા જેવી બાબત એ છે કે અસહકારની લડત ચાલુ હતી, પંજાબમાં આગ લાગેલી હતી તેથી એના સ્થાપના દિવસે ગાંધીજી પોતે અમદાવાદમાં હાજર નહોતા પરંતુ એ દિવસે વિદ્યાપીઠ શરૂ થઇ હતી. શરૂઆતનું જે શિક્ષણ છે એમાં બે-ત્રણ વસ્તુઓ બહુ નોંધપાત્ર છે. ગુજરાત કોલેજ એ વખતે સરકારી કોલેજ હતી. એટલે સરકારી કોલેજોમાં શિક્ષણ મેળવતા બહુ હોશિયાર વિદ્યાર્થીઓ આ રાષ્ટ્રીય ભાવનાથી પ્રેરાઈ ગુજરાત કોલેજ છોડીને આવ્યા, શિક્ષકો પણ આવ્યા અને ઓક્સફર્ડના વિદ્વાન પ્રોફેસર ગિદવાણીની પસંદગી ગાંધીજીએ પ્રથમ કુલનાયક તરીકે કરી. ગાંધીજીએ સ્વીકાર્યું હતું કે તેઓ આજીવન એના કુલપતિ રહેશે અને એ ૧૯૪૮ સુધી રહ્યા. ૧૯૨૦-૧૯૩૦ વચ્ચે ત્યાં બહુવિધ શિક્ષણના પ્રયોગો થયા, અમદાવાદમાં પણ એને સંલગ્ન ઘણી શાળાઓ શરૂ થઇ.

એક સમયે તો ૩૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ એમાંથી મેટ્રીક્યુલેશનની પરીક્ષા આપીને પાસ થયા. ૧૯૨૦-૩૦ ના દાયકામાં ઝળહળતા લોકો પણ ત્યાં આવીને ગયા, જેમાં રંગ અવધૂત, પૂ. શ્રીમોટા જેવા આધ્યાત્મિક પુરુષો હતા. પછી એમાં મગનભાઈ દેસાઈ, બબલભાઈ મહેતા જેવા લોકો શિક્ષકો અથવા વહીવટકારો તરીકે જોડાયા, એમાંના અનેક લોકો આઝાદીની લડતમાં પાછળથી જોડાયા અને જેલમાં ગયા. પંડિત સુખલાલજી જેવા પણ શિક્ષણ માટે આવ્યા, એક સમયે ધર્માનંદ કોસાંબી પણ આવીને ભણાવી ગયા. ૧૯૨૯-૩૦નું વર્ષ વિદ્યાપીઠના ઇતિહાસમાં બહુ મહત્ત્વનું હતું કારણ કે ખેડા જિલ્લામાં પડેલા દુષ્કાળમાં માતર તાલુકાનો પહેલો સર્વે થયો, જે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામ્યો. ત્યાર પછી ૧૯૬૫-૬૬માં અને ૧૯૭૫-૭૬માં આ સર્વે ફરી થયો. એ ઉપરાંત શાસ્ત્રો પર, સંસ્કૃતમાં-ફારસીમાં વગેરે ખૂબ સરસ કામો થયાં. મારે કહેવું જોઈએ કે બાપુ હિન્દુસ્તાની ભાષાના આગ્રહી હતા. એટલે હિન્દુસ્તાની અને સાથે સંસ્કૃત અને ફારસી એ વિદ્યાપીઠના દરેક વિદ્યાર્થીને શિખવાડવામાં આવતી. એટલે સમ્યક સંસ્કૃતિ ઊભી થાય એ રાષ્ટ્રવાદી સંદેશ ગાંધીજી આપવા માંગતા હતા.

પ્રશ્ન : સુદર્શનભાઈ, ઉત્ક્રાંતિ એ જીવનનો ક્રમ છે. સમય સાથે મેળ સાધીને વિદ્યાપીઠમાં કેટલા માળખાકીય અને શૈક્ષણિક ફેરફારો થયા? અને આજે વિદ્યાપીઠમાં અપાતું શિક્ષણ વિદ્યાર્થીઓને કેટલી હદે જીવનનિર્વાહ માટે પગભર થવા સજ્જ કરે છે?

ઉત્તર : તમે બહુ પેચીદો અને અઘરો સવાલ પૂછી લીધો છે. તમે એમ કહ્યું કે આપણે સમય સાથે બદલાતા રહેવું જોઈએ. મારે એમ સ્વીકારવું જોઈએ કે આપણી કેફિયતમાં ઈમાનદારી હોવી જોઈએ. આઝાદી પહેલાંનું એ રાષ્ટ્રીય શિક્ષણ અને પછી ૧૯૩૭માં જે નયી તાલિમની નીતિ આવી, જેમાં શિક્ષણમાં કૌશલ્ય એ એક ભાગ હોય, જેનો સૌથી પહેલાં અમલ ગુજરાત વિદ્યાપીઠમાં થયેલો. વસ્ત્રવિદ્યા ઉપર ખૂબ ભાર હતો, ચરખો એની ઓળખ થયેલી, કાંતવું અને વણવું એ મુખ્ય પ્રયાસ હતો. ગાંધીજીએ એમના કુલપતિ તરીકેના એક ભાષણમાં એવું પણ કહ્યું કે મારો વિદ્યાર્થી બીજું કશું ન શીખે પણ કાંતતાં શીખી જાય તો હું સમજીશ કે શિક્ષણ થયું. એટલે ચરિત્ર-નિર્માણ અને કૌશલ્ય એ બે મુદ્દા પર ભાર હતો. આઝાદી પછી ૧૯૬૩ સુધી આ કામ વિદ્યાપીઠે કર્યું અને સ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ અપાતું હતું અને એમાં ૩૯ વિષયો હતા. ઉદ્યોગના શિક્ષકો જ વિષયોનું શિક્ષણ પણ આપતા. ગાંધીજીની સમજણ એ હતી કે કૌશલ્ય મારફત વિષયો શીખવવા.

જુવો, આજની પરિસ્થતિને ગાંધીજી ત્યારે પણ જોઈ શકેલા. ૧૯૬૪માં યુ.જી.સી.એ વિદ્યાપીઠને યુનિવર્સિટી સમકક્ષ ગણીને એને મદદ કરવાની કોશિશ કરી, પણ ધીમેધીમે પરિસ્થતિ એવી થઇ કે વિદ્યાપીઠે મુખ્ય ધારાના શિક્ષણનું અનુકરણ કરવા જતાં એની અસર વિદ્યાપીઠના શિક્ષણ પર થઇ. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન્‌ના વડપણ હેઠળના યુ.જી.સી.ના પહેલા રિપોર્ટમાં આવ્યું કે ગાંધીજીના ગ્રામીણ શિક્ષણને અનુસરવાથી કદાચ ભારતીય પ્રજાને આધુનિક શિક્ષણથી વંચિત રહેવાનો વખત આવે. એટલે વિદ્યાપીઠ એ માળખામાં ગઈ, ધીમેધીમે યુ.જી.સી.ની ગ્રાન્ટ વધતી ગઈ. અને હવે તો આ આર્થિક અનુદાન મેળવતી એક યુનિવર્સિટી બની છે, જેમાં પગાર, પેન્શન બધું જ આવ્યું. એની સાથે સાથે શિક્ષકોની લાયકાતો આવી, અને એ લાયકાતો એ ગાંધીવિચારને લગતી લાયકાતો ન હતી, પણ એ સામાન્ય યુનિવર્સિટી જેવી લાયકાતો હતી. પરંતુ મારે એટલું કહેવું જોઈએ કે કેટલીક બાબતો, જેને આપણે વિદ્યાપીઠનાં મૂલ્યો અને પરિપાટી કહીએ, એમાં સમાધાન નહોતું થયું. એટલે કાંતવાનું ચાલુ રહેલું, પ્રાર્થના ચાલુ રહેલી, સમૂહજીવન હતું.

એ બધું હોવા છતાં ધીમેધીમે એ વસ્તુઓ કર્મકાંડ થતી ગઈ અને એનું હાર્દ જતું રહ્યું. ૨૦૦૪માં ‘લોકભારતી’થી અરુણ દવે વાઈસ-ચાન્સેલર બનીને આવ્યા, રજીસ્ટ્રાર તરીકે રાજેન્દ્ર ખીમાણી આવ્યા. અને ત્યારે એ બંનેએ એક નવો પ્રયાસ આદર્યો. ત્યાર પછી મને જોડાવાનો મોકો મળ્યો અને ૨૦૦૫થી એક નવો અધ્યાય શરૂ કરવાની, ‘બેક ટુ બેઝિક્સ’ જવાની કોશિશ અમે બહુ ઈમાનદારીપૂર્વક કરી. યુ.જી.સી.ના માળખાને નુકસાન પહોંચાડ્યા વગર અમે ઉદ્યોગ અને સમૂહજીવન સરસ રીતે ચાલે અને સાથે વિદ્યાર્થી કૌશલ્ય ખીલવી શકે એ પ્રયત્ન કર્યો. અને મારે કહેવું જોઈએ કે એ પ્રયત્ન ઠીક રહ્યો. કારણ કે અમે વિદ્યાર્થીઓને કહ્યું કે તમને ખાદી ખરીદવી મોંઘી પડે છે તો તમારા પોતાના ડ્રેસ કાંતો અને વણી લો. તમે જો કાંતીને અમને આપશો તો અમે વણીને ખાદી તમને પાછી આપીશું. આને ભારે પ્રતિસાદ મળ્યો. અને છાત્રાલય, જે મરજિયાત થયેલું, એને ૨૦૦૬થી અમે ફરી ફરજિયાત કર્યું. અમે સમૂહજીવનને મજબૂત કર્યું, અમે ગ્રામજીવન તરફ જવા માટે પદયાત્રાઓ શરૂ કરી. ખાસ કરીને અમારે ત્યાં ગામડાંમાંથી આવતા વિદ્યાર્થીઓ જ હતા, ખાસ કરીને આદિવાસીઓ અનુસૂચિત જાતિના લોકો હતા, બધું મળીને વિદ્યાપીઠમાં ૮૫ ટકા વિદ્યાર્થીઓ એ હોય. એ લોકો નોકરીઓ મળે એ માટે જ અહીં ભણવા આવે. કારણ કે અહીં ફી ઓછી અને રહેવાની સગવડ મળે, વગેરે. પણ એક વસ્તુ મારે કબૂલવી જોઈએ કે અહીંના વાતાવરણમાં કર્મકાંડ સ્વરૂપે બધું ચાલતું હતું તેમ છતાં મને જ્યારે વિદ્યાર્થીઓ મળે, ત્યારે એક વસ્તુ કહે કે, ‘જીવનનાં મૂલ્યો અમે વિદ્યાપીઠમાં શીખ્યા. પહેલાં અમને ખૂબ કંટાળો આવતો કે આ શું ખાદી પહેરવાની અને રસોડામાં ઘૂસવાનું અને સફાઈ કરવાની, કાંતવાનું. પણ જીવનમાં અનુશાસનનું મૂલ્ય અહીંથી શીખ્યા.’ અને હવે ગુજરાતમાં કોઈપણ એન.જી.ઓ. અથવા ગુજરાત સરકારનું સોશિયલ વેલ્ફેર ડિપાર્ટમેન્ટ જ્યારે સોશિયલ વર્કર લેવાની વાત આવે ત્યારે વિદ્યાપીઠના સ્નાતકોને પહેલી પસંદગી આપે છે. કારણ કે એ સ્નાતકોમાં આવડત કદાચ થોડી ઓછી હોય પણ ચરિત્ર મજબૂત હશે, ઈમાનદાર હશે, નિષ્ઠાવાન હશે, ગામમાં જવાની તૈયારી રાખશે.

પ્રશ્ન : હિન્દુસ્તાની ભાષામાં શિક્ષણ અપાય એ ગાંધીજીના વિચારનો આપે ઉલ્લેખ કર્યો. આજે ભારતમાં શિક્ષણના માધ્યમ તરીકે અને રોજ-બ-રોજના જીવનમાં અંગ્રેજી ભાષાનો પ્રભાવ વધ્યો છે. આવા કાળમાં વિદ્યાપીઠમાં અપાતું શિક્ષણ ગાંધીજીનો હેતુ સિદ્ધ કરે છે?

ઉત્તર : આમાં શું થયું કે ‘માતૃભાષાનું શિક્ષણ’ એનો બહુ સંકુચિત અર્થ કરવામાં આવ્યો. જ્યારે ગાંધીજી માતૃભાષાની વાત કરતા હતા, ત્યારે એમના મનમાં એમ હતું કે કોઈ પણ ભાષા વર્જ્ય નથી. એટલે સંસ્કૃત, અંગ્રેજી, ઉર્દૂ, ફારસી બધા જ વિષયો હતા. અને ગાંધીજી પોતે પણ અંગ્રેજીમાં બહુ સારા હતા. આ સંદર્ભ વિદ્યાપીઠ ચૂક્યું. પછીથી એક સંદેશ આવેલો એ પણ વિદ્યાપીઠ ચૂક્યું. એ સંદેશ કોનો હતો? નિરંજન ભગતનો. એમણે એમ કહ્યું ‘માધ્યમ ગુજરાતી, ઉત્તમ અંગ્રેજી’. આ બાબત વિદ્યાપીઠ ચૂકી ગયું. હું જ્યારે વિદ્યાપીઠમાં જોડાયો ત્યારે અંગ્રેજીના એક પણ શિક્ષક નહોતા. બધા નીકળી ગયેલા, અંગ્રેજી વિષયે જ વિદાય લઇ લીધેલી. પણ પછી અમે અંગ્રેજીના ત્રણ શિક્ષકો લીધા. આજે અંગ્રેજીમાં એમ.એ.નો કોર્સ શરૂ થયો છે અને સ્નાતક કક્ષા સુધી બધા માટે અંગ્રેજી એક વિષય તરીકે ભણવાનું આવે જ છે. અને વિજ્ઞાનની જે તરાહો છે જેમાં કોમ્પ્યુટર એપ્લિકેશન્સ કે માઈક્રોબાયોલોજી છે એમાં વ્યાકરણ ગુજરાતી વપરાય છે પણ બાકી બધા શબ્દો અંગ્રેજી હોય છે. કારણ કે આપણે કેટલાક વિષયો આપણી ભાષામાં વિકસિત નથી કરી શક્યા. જાપાન, ચીન અને યુરોપે પોતપોતાની ભાષાઓમાં ઉચ્ચ શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી બધું જ વિકસિત કર્યું, પણ ભારત અંગ્રેજીની અસરમાંથી બહાર નીકળ્યું જ નહીં. એટલે નવાં જ્ઞાનને પોતાની ભાષામાં અનુદિત ન કરો ત્યાં સુધી આપણે જે બીજી-ત્રીજી કોટિના અનુવાદો કરાવીએ એમાં કોઈ ભલીવાર આવે જ નહીં. પણ હવે આ સભાનતા આવી છે અને હવે આપણી પાસે જે ટેકનોલોજી છે એના આધારે આ પ્રશ્ન ઉકેલી શકાય એમ છે.

પ્રશ્ન : આ મુલાકાતના સમાપને બે પ્રશ્નો, સુદર્શનભાઈ. આ સો વર્ષમાં ગાંધીજીનો હેતુ કેટલી હદે સિદ્ધ થયેલો જણાય છે? અને આવતાં સો વર્ષમાં વિદ્યાપીઠનું ભાવિ કેવું લાગે છે?

ઉત્તર : ગાંધીજીએ વાવેલું બીજ વિશાળ વટવૃક્ષ તો નથી થયું. પણ એ છોડ મોટો થયો છે અને એનું નવેસરથી સિંચન કરવાની જરૂર છે. ગાંધીજીનો એ વિચાર અને એનું વાતાવરણ બંને જીવે છે. એ બહુ જ વિધેયાત્મક વસ્તુ છે. વિદ્યાપીઠ ફરીથી વાઈબ્રન્ટ થઇ શકે છે. વ્યક્તિ સ્વાતંત્ર્યમાં વ્યક્તિ નિયમનની તાલિમ વિદ્યાપીઠમાં મળે છે. વ્યક્તિગત સ્વરાજ્ય હોય અને એકાદશ વર્ષનો અભ્યાસ એને થાય તો એવી વ્યક્તિઓને માળખાકીય નિયમનની જરૂરત બહુ નથી પડતી. એટલે દાખલા તરીકે મારો આદર્શ છે કે મારી ઓફિસમાં બાયોમેટ્રિક્સ નહીં લાગવું જોઈએ, મારા વિદ્યાર્થીઓને અને શિક્ષકોને પકડવા માટે મારે સી.સી.ટી.વી. કેમેરા નહીં રાખવા જોઈએ કારણ કે અમે દિલથી એટલા શુદ્ધ છીએ, એ રહેવું જોઈએ. અને તંત્ર વ્યક્તિના સ્વાતંત્ર્યનું નિયમન ન કરે કારણ કે એમ કરવાથી આપણે રિસોર્સ વાપરીએ છીએ અને પર્યાવરણ પર ખતરો ઊભો કરીએ છીએ. અહિંસક જીવનશૈલી, સાદગીપૂર્ણ જીવનશૈલીથી શાંતિ પ્રવર્તે અને પોતાની જરૂરિયાતનો લોપ થઇ જાય તો કુદરત પરનું ભારણ ઓછું થાય. એટલે વ્યક્તિ, સૃષ્ટિ અને સમષ્ટિની વચ્ચે સમ્યકતા લાવવી હોય અને એક સિમ્ફની બનાવવાની હોય તો અત્યારની વિસંવાદિતા વચ્ચે ગાંધીવિચાર આવી સિમ્ફની રચી શકે છે એ હવે લોકોને દેખાઈ રહ્યું છે. વિદ્યાપીઠ આવતાં સો વર્ષમાં આ દિશામાં સતત પ્રગતિ કરે તો આપણે સમાજને એક સરસ દાખલો પૂરો પાડી શકીશું અને ગાંધીજીને એ સાચી શ્રદ્ધાંજલિ હશે.

e.mail : aradhanabhatt@yahoo.com.au

https://sursamvaad.net.au/dr-sudrashan-iyengar/

છવિ સૌજન્ય : ડૉ. અશ્વિનકુમાર ચૌહાણ 

Loading

...102030...2,1742,1752,1762,177...2,1802,1902,200...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved