Opinion Magazine
Number of visits: 9573782
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સુરેશ જોષીકૃત ૩ ટૂંકીવાર્તાઓ —એક ટૂંકી નૉંધ

સુમન શાહ|Opinion - Literature|18 September 2020

સીધીસાદી ટૂંકીવાર્તાનો સાર આપી દેવાનું કામ જરા પણ અઘરું નથી હોતું. પણ વિશ્વભરની ટૂંકીવાર્તાસૃષ્ટિમાં એવી કેટલીયે કૃતિઓ છે, જેનો સાર નથી આપી શકાતો, ઊલટું ફરજ એ પડે છે કે આપણે એને શબ્દ શબ્દમાં વાંચી બતાવીએ. એવી રચનાઓને તો જ ગ્રહી શકાય છે, નહિતર એ દુર્ગ્રાહ્ય રહે છે – ઇન્ક્રૉમ્પ્રિહેન્સિવ.

એવા શબ્દે શબ્દના વાચનના અભાવમાં તેની સમીક્ષા કરવાનું પણ અશક્યવત્ થઈ પડે છે. કોઈ કરવા જાય તો હાસ્યાસ્પદ ઠરે છે. એવું વાચન અનિવાર્ય પૂર્વશરત છે અને તેનું પાલન કરવું સુરેશ જોષીની અધઝાઝેરી કથાસૃષ્ટિ માટે તેમ જ એમની કેટલીક વાર્તાઓ માટે તો એકદમનું અનિવાર્ય છે.

આ દૃષ્ટિદોરને ધ્યાનમાં રાખીને હું એમની ત્રણ વાર્તાઓ વિશે અહીં માત્ર એક ટૂંકી નૉંધ રજૂ કરું છું. એટલે, એમાં હું રૂપરચનાની વીગતોની કે તેના ફન્ક્શનની વાત પણ નહીં કરું. આસ્વાદ્ય અંશોના નાનકડાં સ્થાન બતાવીશ અને આછાં કંઇક મૂલ્યાંકનની વાત કરીશ.

આ દૃષ્ટિએ જોતાં, આ ઍપિસોડ અમે આદરેલું એક સાહસ છે. કેમ કે વાર્તાને શબ્દ શબ્દમાં વાંચી સંભળાવવાનું અત્રે શક્ય નથી. વળી, અમે રૂપરચનાની વીગતોમાં કે તેનાં ફન્કશનની વાતમાં પણ નહીં ઊતરી શકીએ. પોતાની વાતમાં દરેક સહભાગી થોડીક જે વાત કરી શકશે એમાં નાનકડા આસ્વાદ અને આછાંપાતળાં મૂલ્યાંકનો હશે. તેમ છતાં, આશા છે કે અમે સુરેશ જોષીની લાક્ષણિક વાર્તાસૃષ્ટિની લગીરેક ઝાંખી તો જરૂર કરાવી શકીશું.

સુરેશભાઈના “બીજી થોડીક” વાર્તાસંગ્રહમાં એક વાર્તા છે, ‘બે ચુમ્બનો’.

વાર્તાનું શીર્ષક આકર્ષક છે. આ વાર્તા દુર્ગ્રાહ્ય નથી.

વાર્તાની શરૂઆત – ઍક્સપોઝર – નાટક કે ફિલ્મની જેમ થઈ છે. જુઓ, આ રીતે :

અંજુ ચકલીને ઉડાડી ઉડાડીને પોતાના ઓરડાની બ્હાર કાઢવા મથે છે; પણ પછી માંડી વાળે છે.

અંજુના પિતા શ્રીપતરાય જરાક અસ્વસ્થ થઈને દીવાનખાનામાં આંટા મારતા હોય છે. એ પછી તેઓ પાળેલી બિલાડી કેટીને ખૉળામાં લઈને લાડ લડાવે છે.

અંજુની મા મંજુબેન એકાગ્ર બનીને કશુંક ભરવાગૂંથવામાં પરોવાયાં હોય છે.

પછીનો વાર્તાપટ પરિણામની દિશામાં સરસ વિકસ્યો છે. છેવટે ત્રણ ઘટનાઓ ઘટે છે :

૧ :

પત્ની મંજુની એવી એકાગ્રતાથી શ્રીપતરાય વધુ અસ્વસ્થ બની જાય છે કેમ કે આજે તેઓ મંજુને સ્પર્શવા વગેરે માટેની કામવાસનાથી એકદમના આતુર અને આશાવાદી બની ગયા હોય છે.

એવા શ્રીપતરાય સોફાની પીઠ સુધી મંજુનું ધ્યાન ખૅંચ્ચા વગર પ્હૉંચી જાય છે. મંજુનો કેશભાર, એની ગૌર ગ્રીવા ને ખભાનો માંસલ ઢોળાવ જોઈને એમનાથી નથી રહેવાતું. તેઓ એક આંચકાની સાથે ઝૂકે છે ને મંજુના ખભાને મરણિયા બનીને ચૂમી લે છે. મંજુથી ચીસ પડાઈ જાય છે : ઓ મા!

૨:

દીકરી અંજુને મળવા આનન્દ આજે પહેલી વાર આવવાનો છે, એટલે અંજુ પણ અસ્વસ્થ છે, સ્વાભાવિક નથી. કથક કહે છે એમ સ્વાભાવિકતાનો ડોળ કરતી ખુરશી પર બેઠી બેઠી પોતાના અસ્થિર ને વિહ્વળ હદયના ધબકારા સાંભળી રહી હતી.

આનન્દ આવ્યો છે. અંજુ અંગૂઠા પર ઊંચી થઈને સહેજ ઊંચેનાં ફૂલોના ગુચ્છાને તોડવા મથતી હોય છે. એની એ અંગભંગીની મોહકતાથી પરવશ બનેલો આનન્દ અસાવધ અંજુને કર્ણમૂળ પાસે ચૂમી લે છે. અંજુ બહાવરી બનીને ઊભી રહી જાય છે.

૩:

પોતાનો માળો ભૂલી ગયેલી ચકલી પણ અસ્વસ્થ છે. અંજુના ઓરડામાં ઘડીમાં બારીના શટર સાથે ટકરાય છે તો ઘડીમાં પંખાની પાંખ પર બેસી જાય છે.

મંજુની ‘ઓ મા’ ચીસ સાંભળીને આનન્દ અને અંજુ દીવાનખાનામાં દોડી આવે છે ને જુએ છે તો બિલાડી ચકલીને મોઢામાં ઘાલીને ક્યાં જઈને બેસવું તેની શોધમાં આંટા મારતી’તી, ને ત્યારે, શ્રીપતરાય કેલેન્ડરનું પાનું ફાડતા’તા.

વાર્તા ત્યાં પૂરી થાય છે.

રસ પડે ને મૂલ્યાંકન કરવા પ્રેરે એવાં મને સૂઝેલાં ચાર તારણો કહું :

૧ :

વાર્તા કથકે કહી છે પણ આલેખનની રીતે કહી છે. એ આલેખનો ચોખ્ખાં સુઘડ દૃશ્યો રચે છે. ગ્રાફિક ડિસ્ક્રીપ્શન. કાળજીભર્યું કૅમેરાવર્ક. એક સુન્દર નાની ફિલ્મ બની શકે.

૨ :

સુરેશભાઈની વાર્તામાં સન્નિધીકરણને મેં એક પ્રભાવક ટૅક્નિક ગણી છે. અહીં બે યુગલો વચ્ચે ચાલેલા વારાફેરામાં પ્રચ્છન્ન સન્નિધીકરણ છે.

આ વાર્તા વિશે સુરેશભાઈએ પોતે કહ્યું છે : ‘કજળી જવા આવેલી વાસના છેલ્લી વાર ભડકી ઊઠે એ ઘટનાની સાથોસાથ હમણાં જ પ્રદીપ્ત થવાની તૈયારીમાં હોય તેવા પ્રેમની લાગણીનું સન્નિધીકરણ સાધવામાં આવ્યું છે.’

ચારેય પાત્રો સુરેખ વ્યક્તિતાઓ છે.

શ્રીપતરાય અને મંજુની કામવાસના કજળી રહી છે. જુઓ ને, એવા શ્રીપતરાયે મરણિયા બનીને અસાવધ મંજુને જે રીતે ચુમ્બન કર્યું – ઉતાવળિયા શિકારી લાગે.

અંજુ અને આનન્દની કામવાસના પ્રદીપ્ત થઈ રહી છે. અંજુ આનન્દને પરવશ બનાવી મૂકે એની વાસનાને પ્રદીપ્ત કરે એવી મોહક છે. પણ એ જરા જેટલી અસાવધતામાં ભોગવાઈ ગઈ.

અલબત્ત, આ કોઈ બળાત્ થયેલા ભોગ ન્હૉતા, સુખદ ચુમ્બનભોગ હતા. બન્ને ચુમ્બનો એવી પ્રક્રિયાએ દર્શાવાયાં છે કે એ જોઈને વાચકને પણ સારું લાગે છે. અલબત્ત, ચકલીનો ભોગ તે બિલાડીનું સુખ ગણાય, પણ એ પરિણામ દુ:ખદ છે.

૩:

ઉમ્મર સાથે કામવાસનાનાં રૂપ બદલાય પણ એ દરેક રૂપને ભોગવી લેવાની કરુણ કે મધુર તક માણસ કદીપણ ચૂકતો નથી. સાવધ રહીને સામી વ્યક્તિની અસાવધતાનો લાભ મેળવીને રહે છે. એ રીતે અહીં મનુષ્યજીવનના આનન્દનું એક રહસ્ય, વાર્તાકલાની રસિક રીતે ખૂલ્યું છે.

૪ :

ઉક્ત ત્રણ ઘટનાઓ એવી રીતે સંયોજાઈ છે કે એથી સમગ્ર વાર્તા એક શબ્દાખ્ય ઘટનાલોક લાગે છે. અહીં ઘટનાતત્ત્વનો હ્રાસ નથી.

બીજી વાર્તા “ન તત્ર સૂર્યો ભાતિ” સંગ્રહમાંથી લીધી છે, ’પદ્મા તને’.

આ એક જુદી જ વાર્તા છે. એમાં ઘટના-હ્રાસ છે. પદ્માની જીવનયાત્રાની ઘટનાઓનું સુરેશભાઈએ તિરોધાન કર્યું છે.

ધરતીની અને તે પર જિવાતા માનવપ્રણયની પાર્થિવતા આપણે સૌ અનુભવીએ છીએ. એ બધાં કર્મોનો આપણને કષાય લાગે છે. આપણાં નામ-રૂપ કે રંગ સ્વાદ ગન્ધ આપણા અહમ્-ને ઘડે છે.

પણ એ અનુભવસૃષ્ટિથી કદી મુક્ત નથી થવાતું. મૃત્યુ મુક્તિદાતા ખરું, મોક્ષ મળે.

પણ આ નાયક પાસે એક જુદો જ મુક્તિમાર્ગ છે – તે એ કે જળમય થઈ જવું … નાયક પદ્માને એ માટે આગ્રહ-સદાગ્રહભરી વિનવણી કરી રહ્યો છે, હૃદય-મનથી અનુનય કરી રહ્યો છે.

પદ્માથી પાર્થિવ પ્રકારનું ઘણું જિવાયું છે. ધનિક કુટુમ્બની છે, સુન્દર છે. પોતાના સૌન્દર્યની પ્રશંસાથી મલકાતી રહેતી હોય છે, જો કે તે છતાં એ બધાંમાં એને રસ નથી. એ જાણે છે કે એ એક સાધારણતા છે, છતાં, સાધારણતાને જ રક્ષાકવચ બનાવીને જીવી રહી છે. નાયક એને જણાવે છે કે પોતે એ રક્ષાકવચને ભેદશે.

પદ્મા વડે જે જિવાયું છે, એમાં આંસુનો ભાર છે. ઘણા ય દન્તક્ષત ને નખક્ષત એની ગુપ્ત કાયા પર અંકાયા છે. એ એનું રહસ્ય છે. નાયક કહે છે : એ રહસ્ય તું જળને સોંપી દે.

બીજું, પદ્માએ અગ્નિસંચય જ કર્યો છે. નાયક કહે છે એમ પદ્મા અગ્નિની જિહ્વા પર પોતાનું માંસ મૂકતી રહી છે. નાયક એને એ અગ્નિસંચય જળને સોંપી દેવા કહે છે. કહે છે : અગ્નિ પોતે જ જળમાં લોપ પામશે, ને હવે કટકે કટકે અર્પણ નહિ, એકીસાથે સમસ્તનું નૈવેદ્ય.

પદ્માના આ પાર્થિવ જીવનના વિલય માટે નાયકે નદી જ કેમ પસંદ કરી? કહે છે : ને દરિયો નહિ પદ્મા, નદી સારી. કાંઠે ઊંચી કરાડ નહીં. મને એ નથી ગમતી. નદીમાં વચ્ચે વચ્ચે પથ્થરો હોય તે સારું. એ પથ્થરો તને ઘડીભર રોકે, તારો એકાદ હાથ ભેરવાઈ રહે, પગ ઘૂમરાતા પાણીમાં નાચવા લાગે, વાળની લટ પાણીમાં પ્રસરે ને એનો કાળો વેગીલો પ્રવાહ હું જોઈ રહું – પછી પાણીનો વેગ વધે, તને એક ધક્કો વાગે, ને મોડું થતું હોય એમ, તું બમણા વેગથી વહેવા લાગે. નદી જ સારી, પથરાળ નદી જ સારી.

જળમય થવાથી પ્રાપ્ત શું થશે? આનન્દ. નાયક કહે છે : કેવી આનન્દની વાત – આખો ય વખત ચાલ્યા કરશે તારું ને જળનું કૂજન. કાન દઈને હું સાંભળ્યા કરીશ. એમાં કોઈને સંદેશો નહિ, કોઈને સમ્બોધન નહીં, આગલી-પાછલી વાતનું સાંધણ નહિ, અવિરત ને અસ્ખલિત કૂજન, જન્મોજન્મની અનિન્દ્રાનેય ઘેનથી પરવશ કરી નાખે એવું કૂજન.

પદ્માના એવા લાક્ષણિક વિલયનું ફળ નાયક પણ પામવાનો છે. કહે છે :

ના પદ્મા, જળમાં નથી એકાન્ત. પાંદડાં પરથી ઝાકળ સરીને વનની વાત કહેશે; વર્ષાની ધારા આકાશને સાગરની વાતો કહેશે; ઓગણપચાસ વાયુનો પ્રલાપ તારે કાને પડશે; દૂરથી મન્દિરની ધજાનો તર્જનીસંકેત તું જોશે, સાંજે છેલ્લી શમી જતી પગલીઓ તારા કૂજનને તળિયે ડૂબી જશે – બધો સંસાર થાક્યોપાક્યો તારા કૂજનને ખોળે ઢળવા આવશે. સ્મશાનની રાખ ઊડીને આવશે, એને ટાઢક વળે એવાં બે વેણ કહેજે, કાંઠાંનાં વૃક્ષોની ઘટા ઝૂકીને તારું મુખ જુએ તો જોવા દેજે, તું બીજી જ ક્ષણે વહીને દૂર ચાલી જશે, માટે દ્વિધા રાખીશ નહીં. બધો ભાર ધીમે ધીમે ધોઈને જળના કણમાં વિખેરી દેજે, તું જળમાં લય પામશે એટલે હું ય હળવો થઈ જઈશ, પછી જ મારો મોક્ષ, માટે પદ્મા, તું હવે જળમાં ઊતરી જા, જો જળની હથેળી ઝીલી લે છે તારાં ચરણ …

નાયકની વાણી નિરન્તરના આસ્વાદ્ય સૂરમાં વહે છે. એથી એક વિશિષ્ટ લય પ્રગટ્યો છે. એ સૂર અને લયને હું સુરેશભાઈની સર્જકતાની આગવી મુદ્રા ગણું છું.

ત્રીજી વાર્તા “અપિ ચ” સંગ્રહમાંથી છે – ‘રાક્ષસ’. ‘રાક્ષસ’ વાર્તાને હું સાવ જ દુર્ગ્રાહ્ય ગણું છું. એના શબ્દ શબ્દનું વાચન અનિવાર્ય છે. એટલું જ કહું કે આ વાર્તાને બસ વાંચવા માંડો; કથક તમને લઈ જશે એટલે દૂર કે પાછા જ નહીં અવાય. અને જો આવ્યા, તો આવ્યા એમ સમજતાં ઘણી વાર થશે.

છતાં બે-ચાર વાત ઉમેરું :

વાર્તાના આરમ્ભે, મિલનસમયના સંકેત તરીકે નાયકની બારી પર કાંકરો પડેલો. પછી તો નાયક ગતકાલીન સ્મૃતિઓમાં ચાલી જાય છે.

નાયિકાના વર્તન પરથી એમ લાગે છે કે નાયકથી વયમાં એ મોટી હોવી જોઈએ. નાયિકા કેવું કેવું કરે છે? નાયક પરના જૂઇ પરીના શાપને દૂર કરે છે. નાયકને ભોળા ભૂવા પાસેથી મેળવેલું તાવીજ બાંધી આપે છે – રક્ષાકવચ. આમ તો, નાયક-નાયિકાએ વનમાં ભટકીને કેટલા ય રાક્ષસોને જેર કરેલા. છતાં કોઈ વાર નાયિકા ઉદાસ થઈને વિચારે ચઢી જતી ને કહેતી : દુનિયામાં રાક્ષસ વધતા જ જાય છે. માણસના હાથે માણસના લોહીનું ટીપું પડે એટલે એક ટીપામાંથી સૉ રાક્ષસ ઊભા થાય. બોલ શું કરીશું? હજી તો આપણે આ એક વનના ય રાક્ષસને પૂરા જેર કર્યા નથી.’

શૈશવનો મુગ્ધ પ્રેમ અહીં પરીકથાના અદ્ભુત રસે રસાયો છે. વાર્તામાં નાયિકાએ નાયકને અને લેખકે પોતાના વાચકને એક યાત્રા કરાવી છે. એ સ્મૃતિલોકમાં નાયક-નાયિકા ને આપણે વાચકો પણ મન ભરીને નર્યો વિહાર કરીએ છીએ. એ વિહાર એક રમણીય લીલા છે અને એમાં સુરેશભાઈની સર્જકતા એક ગરવા શિખરે જઈ પ્હૉંચી છે.

જુઓ ને, આપણા વિસ્મયને હિલોળે ચડાવે એવું અહીં શું નથી? એમાં છે – જૂઇ પરીનો શાપ – મંછી ડાકણનો ધરો – વૃક્ષોનાં ઝૂંડેઝૂંડમાં વસેલા રાક્ષસો – ગામની માલિ ડાકણના દાંત વાવીને ઉગાડેલું સીતાફળ. ભોળા ભૂવાએ આપેલું તાવીજ, જેમાં છે, ઘુવડની આંખની ભસ્મ – વાઘની મૂછનો વાળ – અને સાત આમલીના ઝુંડવાળા રાક્ષસનો દાંત. અહીં બે જાતની પરીઓ પણ છે – હસતી અને રોતી.

અરે એક વખત નાયિકાએ એને એમ કહ્યું કે પંખીનો બોલ પારખતાં આવડવું જોઈએ. નાયિકા ઘુવડનો અવાજ કાઢી બતાવે છે, જે સાંભળીને ઘુવડ ઊડી જાય છે. નાયકે નાયિકાને પૂછ્યું કે – આ તમરાં સાથે વાત કરતાં આવડે છે? તો એ એકદમ ગમ્ભીર થઈ ગઈ ને બોલી : જાણે છે, એ શેનો અવાજ છે? : નાયિકાએ સરસ કહ્યું છે : અન્ધકારના તન્તુ સાથે તન્તુને ગૂંથવાનો એ અવાજ છે. પ્રલય વખતે સૃષ્ટિને ઢાંકી દેવાનું વસ્ત્ર રોજ રાતે તમરાં વણ્યે જ જાય છે. જે માણસનું મરણ થવાનું હોય તેની નાડીમાં એનો અવાજ સંભળાય : સાંભળીને નાયક સ્તબ્ધ થઈ જાય છે ને પોતાની નાડીના ધબકારા સાંભળવા લાગે છે.

પણ નાયિકા વર્ષો પછી તો, ઇસ્પિતાલમાં છે, કરોડરજ્જુના ક્ષયથી પીડાતી હોય છે. અદ્ભુત રસ કરુણમાં આછરી જાય છે. ઇસ્પિતાલમાં રીબાતી નાયિકા મૉસમ્બીનાં બે બી લઈને એક પછી એક, સામેની કાચની બારી પર ફૅંકે છે. નાયક સફાળો ઊભો થઈ જાય છે. નાયિકા એનો હાથ ખેંચીને પાસે લે છે ને પોતાની આંગળીથી નાયકની હથેળીમાં લખે છે : ‘રાક્ષસ!’ : અને એ સૂચક શબ્દથી વાર્તાનું વર્તુળ પૂરું થાય છે.

= = =

(September 18, 2020: Ahmedabad)

[સુમનભાઈ શાહની ફેઈસબૂક દિવાલેથી સ-આદર અને સાભાર]

Loading

મેરુ તો ડગે જેના, મન ના ડગે, પાનબાઈ મરને ભાંગી પડે બ્રહ્માંડજી

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|17 September 2020

હૈયાને દરબાર

સંધ્યાકાળે મંદિરમાં આરતી ટાણે ઢોલ ઘબૂકતા હોય, ઘંટારવ સાથે ગ્રામ્ય પ્રજા પૂરી શ્રદ્ધાથી ઈશ્વરને નમન કરતી હોય એ દ્રશ્ય જેટલું સુખદાયી છે, એટલું જ સુખદાયી દ્રશ્ય છે વાર-તહેવારે જામતી લોકગીતોની રમઝટનું. અજવાળી રાત્રે કાઠિયાવાડના કોઈક નાનકડા ગામે તમે જઈ ચડો અને લોકસંગીત કે ભક્તિ રચના સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરો, તો ગામના ચાર-પાંચ જુવાનિયા ભેગા થઈ જાય અને દૂહા લલકારવા માંડે. પરંતુ, આ લોકગીતોનો પ્રસાર કરનાર મુખ્યત્વે સ્ત્રીઓ. લોકગીતો એટલે મોટે ભાગે તો પુરુષને મુકાબલે સ્ત્રીઓનો જ આગવો ઈજારો. હાલરડાંથી લઈને મરશિયાં સુધીનાં ગીતોનું સર્જન મહદ્દઅંશે સ્ત્રીઓ દ્વારા જ થયું હોય છે, કારણ કે સામાજિક પ્રસંગો સાથે સ્ત્રી જ વધારે સંકળાયેલી હોય છે. પ્રસંગને અનુરૂપ ગીત બનાવી દે, ઘરમાં, પરિવારની સ્ત્રીઓ સાથે બેસીને ગાય અને પેઢી દર પેઢી એ ગવાય.

લોકગીતો કર્ણોપકર્ણ સાંભળીને જ પ્રચલિત થયાં છે. સુરેન ઠાકર ‘મેહુલ’એ એમના પુસ્તકમાં લોકસાહિત્યની સરળ વ્યાખ્યા કરી છે કે, "ગામડું બોલે ને નગર સાંભળે, લાગણી બોલે ને બુદ્ધિ સાંભળે, અભણ બોલે ને ભણેલા સાંભળે એ લોકસાહિત્ય. લોકજીવનમાં ડગલે ને પગલે ગીત છલકાય છે. પરંતુ લોકસંગીત સાથે સંકળાયેલી છે સંતવાણી અને ભજન પરંપરા. આ બન્ને ભારતીય સંસ્કૃતિના મહત્ત્વનાં ઉદ્દીપકો છે. ડો. નિરંજન રાજ્યગુરુ તથા કવિ મકરંદ દવેએ સંતવાણી અને ભજન પરંપરા પર ઊંડું સંશોધન કર્યું છે. સૌરાષ્ટ્રના તદ્દન નિરક્ષર છતાં ભરપૂર અધ્યાત્મ જ્ઞાન ધરાવતા લોકસંતોની વાણીમાં ઊંડા ઊતરીએ તો ખ્યાલ આવે કે સાદામાં સાદા, સરળ શબ્દો વડે દાર્શનિકતાનાં ઉત્તુંગ શિખરો સર કરતી ગૂઢ અનુભવજન્ય સર્જનશીલતા એમાં સિદ્ધ થઈ છે.

ભારતની પ્રાચીન કવયિત્રીઓની વાત કરીએ તો એમણે જે ભક્તિ રચનાઓ આપી છે એનો જોટો ન જડે. એમાં ગંગાસતીનાં કેટલાંક ઉત્તમ ભજનો તો અવિસ્મરણીય છે.

લગભગ પંદરેક વર્ષ પહેલાંની વાત છે. ‘મુંબઈ સમાચાર’ની ઓફિસમાં આપણા સુપ્રસિદ્ધ લેખક સ્વ. નગીનદાસ સંઘવી અને વિનુભાઈ મહેતાનાં દીકરી સિંધુ મહેતા મળવા આવ્યાં હતાં. મોરારિબાપુના વિચારબીજને આધારે ‘ગાર્ગીથી ગંગાસતી’ થીમ ઉપર પ્રોગ્રામ કરી રહ્યા હતા, એના સંશોધન અને વિગતો વિશે વાત કરવી હતી. પ્રાચીન કવયિત્રીઓ વિશે સતત ત્રણ દિવસ સેમિનાર હોય એટલે કેટલું બધું સાહિત્ય એકઠું કરવું પડે! નગીનદાસભાઈ સાથે વાત કર્યા પછી આ બધી કવયિત્રીઓ વિશે જાણવાની ઉત્કંઠા વધી ગઈ હતી. વૈચારિક આદાન-પ્રદાન ઘણું થયું. ઉદય મઝુમદારના સંગીત સંકલનમાં એ કાર્યક્રમ પણ ખૂબ સરસ થયો હતો.

વાત એટલે યાદ આવી કે નવી પેઢીના સંગીતકારો સંગીત ક્ષેત્રે જાતજાતના પ્રયોગો કરે છે. એમાં ઊડીને આંખે વળગે એવી વાત એ છે કે એમને સરળ લોકગીતોને રિ-ડિફાઈન અને રિ-ડિઝાઇન કરવામાં ઘણો રસ પડે છે. સુપ્રસિદ્ધ ગાયક પ્રફુલ્લ દવેનાં સંતાનો હાર્દિક-ઈશાની આ કામ કરી રહ્યાં છે. અમદાવાદના નિશીથ મહેતા લોકવાદ્યો સાથે પ્રયોગો કરે છે. અમદાવાદના જ બલરાજ-વનરાજ ભાઈઓના કંઠે ગંગાસતીનાં અનપ્લગ્ડ ભજન સાંભળીને પણ આનંદાશ્ચર્ય થયું હતું. થોડા વખત પહેલાં મેરુ તો ડગે…નો એમનો વીડિયો હાથ લાગ્યો. સાંભળીને નવાઈ લાગી કે ગિટાર સહિત આધુનિક વાદ્યો સાથે આ ભજન કેવું અદ્ભુત નીખરી ઊઠે છે! આ ભક્તિ રચનાઓનો અર્થ સમજાવવામાં આવે તો નવી પેઢીને કેવી અમૂલ્ય જાણકારી પ્રાપ્ત થાય!

સૌરાષ્ટ્રનાં સતી, સંત અને શૂર ગંગાસતીનો જન્મ પાલિતાણા પાસેના રાજપરા ગામે ઇ.સ. ૧૮૪૬માં થયો હતો. ગંગાબાનાં લગ્ન રાજપૂત ગિરાસદાર કહળસંગ (કળુભા) ગોહિલ સાથે થયાં હતાં. કહળસંગ પોતે પણ એક ઉચ્ચ કોટિના અધ્યાત્મ પુરુષ હતા. સિદ્ધિનો ઉપયોગ અને પ્રચાર બંને ભજનમાં બાધા કરશે એમ કહળસંગ સમજી ગયા. પરિણામે તેમણે શરીરનો સ્વેચ્છાએ ત્યાગ કર્યો. કહેવાય છે કે તે કાળની રાજપૂત ગિરાસદાર પરંપરા પ્રમાણે ગંગાબા સાથે પાનબાઇ નામની ખવાસ કન્યાને સેવિકા તરીકે તેમની સાથે મોકલવામાં આવી હતી. શ્વસુરગૃહે સેવિકા તરીકે આવેલાં પાનબાઇ ગંગાસતીનાં શિષ્યા બની ગયાં. પાનબાઇનું અધ્યાત્મ શિક્ષણ એ જ ગંગાસતીનાં ભજનો. ગંગાસતી રોજ એક ભજનની રચના કરતાં અને તે ભજન પાનબાઇને સંભળાવતાં-સમજાવતાં. આ રીતે આ ક્રમ બાવન દિવસ ચાલ્યો. બાવન દિવસમાં આધ્યાત્મિક શિક્ષણ ક્રમ પૂરો થયો અને ત્યાર પછી ૧૫/૩/૧૮૯૪ના દિવસે ગંગાસતીએ અનેક સંતો ભક્તોની ઉપસ્થિતિમાં સ્વેચ્છાએ સમાધિમૃત્યુ અંકે કર્યું. ગંગાસતીના શરીર ત્યાગ પછી ત્રણ દિવસ બાદ પાનબાઇએ પણ શરીરનો ત્યાગ કર્યો અને ગંગાસતીના માર્ગનું અનુસરણ કર્યું હતું. આ સંત ત્રિપુટીએ કોઇક અગમ લોકમાંથી આ પૃથ્વીલોક પર અવતરણ કર્યું હતું. ત્રણ માનવપુષ્પો ‘પોતાની મહેક’ પ્રસરાવતા ગયાં. ‘ભકત બીજ પલટે નહિ, કોટિ જનમ કે અંત, ઊંચ નીચ ઘર અવતરે, પણ રહે સંતનો સંત.’

આવાં આ ગંગાસતીનાં ભજનનો અર્થ કેવો અદ્ભુત છે. મેરુ એટલે કે પર્વત ડગે પણ મનુષ્ય મન ડગવું ન જોઈએ.

સંતકવિ પ્રીતમદાસ એક ભજનમાં લખે છે. ‘હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જો ને’.

આજ વાત ગંગાસતી ભજનમાં કહે છે ;

મેરુ તો ડગે જેના મન નવ ડગે,
          ભલે ભાંગી પડે ભરમાંડ રે,
વિપદ પડે પણ વણસે નહીં,
          સોહી હરિજનનાં પ્રમાણ રે. … મેરુ તો ડગે.

ગઝલકાર જવાહર બક્ષી આ કૃતિ વિશે સરસ વાત કરે છે. તેઓ કહે છે, "ભગવદ્ ગીતામાં સ્થિતપ્રજ્ઞ લક્ષણની વાત કહેવાઇ છે એ જ ગંગાસતીના આ ભજનમાં આવે છે. મેરુનો એક અર્થ પર્વત ઉપરાંત યોગમાં મેરુદંડ આવે છે જેનો સંબંધ કુંડલિની સાથે છે. પરંતુ, ગંગાસતીના ભજનનો મુખ્ય અર્થ એ જ છે કે સંસારમાં ગમે તેટલી ઊથલપાથલ થાય, પરંતુ મન સ્થિર રહેવું જરૂરી છે. પરમાત્મા માટે ફોકસ્ડ રહેવું જોઈએ. પરમાત્મા માટે જે સમર્પિત આત્મા છે એ ગમે તેટલી વિપદા એટલે કે આપત્તિમાં સાધના છોડતો નથી. ગીતાના બીજા અને બારમા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞ અને ભક્તનાં લક્ષણ છે એનું સાકાર સ્વરૂપ ગંગાસતીના પદમાં દેખાય છે. પોતાના અનુભવથી લખાયેલી આ રચના છે. ગમે તે પરિસ્થિતિમાં મનથી વિચલિત ન થવું, આનંદમય રહેવું અને સાધના ન છોડવી.

પછી તો દરેક પંક્તિએ એ જ અધ્યાત્મ દર્શન છે કે ;

હરખ ને શોકની ન જેને આવે હેડકી ને,
          આઠે પહોર રહે આનંદ જી,
નિત્ય રહે સત્સંગમાં ને
          તોડી દીધાં માયા કેરા ફંદ રે … મેરુ તો ડગે.

નરસિંહ મહેતાએ શિષ્ટ ભાષામાં આ જ કહ્યું છે કે સુખ દુ:ખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયા …! આ ભજનોની તાકાત જ એ છે કે આજની આધુનિક સદીમાં ય એ એટલાં જ પ્રસ્તુત છે. અન્ય એક ઉત્તમ ભક્તિ રચના વિશે આવતા અંકે વાત કરીશું.

————————–

મેરુ તો ડગે જેના મન નવ ડગે,
          ભલે ભાંગી પડે ભરમાંડ રે,
વિપદ પડે પણ વણસે નહીં,
          સોહી હરિજનનાં પ્રમાણ રે. … મેરુ તો ડગે.

ચિત્તની વૃત્તિ સદા નિર્મળ રાખે ને,
          કરે નહીં કોઈની આશ રે,
દાન દેવે પણ રહેવે અજાચી ને,
          રાખે વચનમાં વિશ્વાસ રે … મેરુ તો ડગે.

હરખ ને શોકની ન જેને આવે હેડકી ને,
          આઠે પહોર રહે આનંદ જી,
નિત્ય રહે સત્સંગમાં ને
          તોડી દીધાં માયા કેરા ફંદ રે … મેરુ તો ડગે.

તન મન ધન જેણે ગુરુને અર્પ્યાં,
          તેનું નામ નિજારી નર ને નારજી,
એકાંતે બેસીને અલખ આરાધે તો,
          અલખ પધારે એને દ્વારજી … મેરુ તો ડગે.

સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે,
          શીશ તો કર્યાં કુરબાન રે,
સંકલ્પ વિકલ્પ એકે નહિ ઉરમાં,
          જેણે મેલ્યાં અંતરનાં માન રે … મેરુ તો ડગે.

સંગત કરો તો એવાની કરજો,
જે ભજનમાં રહે ભરપૂર જી,
ગંગાસતી એમ બોલિયાં, પાનબાઈ
જેનાં નેણોમાં વરસે ઝાઝાં નૂરજી … મેરુ તો ડગે.

                                                              — ગંગાસતી

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 17 સપ્ટેમ્બર 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=655853

Loading

સવાલ ઘણાં છે, પૂછશો તો દેશદ્રોહી ગણાશો

રમેશ ઓઝા|Opinion - Opinion|17 September 2020

ચીન, કોરોના અને અર્થતંત્ર. આ ત્રણેય સંકટ એક સાથે વિકરાળ સમસ્યા બનીને આપણી છાતીએ ચડી બેઠાં છે. આ ત્રણમાં કયું સંકટ મોટું એની તુલના કરવાનો કોઈ અર્થ નથી, કારણ કે આ સીમાબદ્ધ રાષ્ટ્રવાદનો યુગ છે અને એમાં માનવીનો જીવ અને જીવન ટકાવી રાખવા બટકું રોટલા કરતાં એક તસુ જમીનને આપણે વધારે મહત્ત્વ આપી રહ્યા છીએ. કુટુંબીજન બેમોત મરે કે ભૂખ્યો ટળવળે એનાથી આપણે શરમાતા નથી, પણ કોઈ આપણી જમીનને હાથ લગાડે એ આપણાંથી સહન થતું નથી. એમાં નાલેશી અનુભવાય છે. નાલેશી મૂઠી જુવાર કે દવા-દારૂના અભાવમાં કોઈ મરે એમાં છે કે એક તસુ જમીન મેળવવા-ગુમાવવામાં?

પણ આ સવાલ આજના યુગમાં પૂછો તો દેશદ્રોહી ગણાશો. રાષ્ટ્રવાદ પૂરતી ખાના-ખરાબી કરીને જગતમાંથી વિદાય નહીં લે ત્યાં સુધી આ સવાલ પૂછવો અઘરો છે. રાષ્ટ્રવાદ એક દિવસ જરૂર વિદાય લેવાનો છે, પણ માનવ-સમાજને મોટું નુકસાન પહોંચાડ્યા પછી. મૂળમાં ૧૮મી સદીમાં એનો જન્મ જ થોડા લોકોના સ્વાર્થ માટે થયો છે અને એનો ઉપયોગ પણ થોડા લોકોના સ્વાર્થ માટે જ કરવામાં આવે છે. પણ આ વાત અહીં પડતી મૂકીએ, કારણ કે આપણી ચર્ચાનો વિષય રાષ્ટ્રવાદ નથી, પણ એનું અત્યારે જોવા મળતું પરિણામ છે.

જ્યાં સુધી સીમાબદ્ધ રાષ્ટ્ર (territorial nation/state) નામનું એકમ આ જગતમાં છે ત્યાં સુધી શાસકોની ફરજ બને છે કે તેનું રક્ષણ કરે. ચીન સામે અને બીજા કોઈ પણ પરાયા દેશ સામે ભારતની ભૂમિનું રક્ષણ કરવાની જવાબદારી શાસકોની છે. દરેક દૃષ્ટિએ મહાન નેતા હોવા છતાં ચીન સામે ભારતની ભૂમિનું રક્ષણ નહીં કરી શક્યા એની જે કાળી ટીલી જવાહરલાલ નેહરુને કપાળે ચોંટી છે, તે સીમાબદ્ધ રાષ્ટ્રવાદ જ્યાં સુધી તેની પ્રતિષ્ઠા સાથે અસ્તિત્વ ધરાવે છે ત્યાં સુધી ભૂંસાવાની નથી. નેહરુની એ નાલેશી છે. એમાં વળી અત્યારના શાસકો તો લોહીના દરેક કણમાં રાષ્ટ્રવાદી છે. જિંદગી અને રોટલા કરતાં તસુ ભૂમિને વધારે મહત્ત્વ આપનારા છે. શાખાઓમાં અને સંઘસાહિત્યમાં માનવીના કલ્યાણની વાત ઓછી થાય છે, ભારતની ભૂમિની વધુ થાય છે. એ મહાન ભારતની મહાન ભૂમિને બચાવવાનો વખત આવ્યો છે. નેહરુ તો ‘નમાલા’ હતા, પણ અત્યારે ‘શૂરવીરો’ સામે ભૂમિ બચાવવાનું સંકટ પેદા થયું છે.

આમ દેખીતી રીતે આપણા રાષ્ટ્રવાદી શાસકો કોરોના (જીવ) અને અર્થતંત્ર (બટકું રોટલો) કરતાં ચીને આપણી ભૂમિ આંચકીને પેદા કરેલાં સંકટને વધારે મહત્ત્વ આપતા હોવા જોઈએ. હું માનું છું કે સરકારના સમર્થકો પણ તેને જ વધારે મહત્ત્વ આપતા હશે. અહીં મેં ‘હોવા જોઈએ’ અને ‘આપતા હશે’ એવા અનિશ્ચિત શંકાવાચક શબ્દ પ્રયોગ એટલા માટે કર્યા છે કે એ પણ એક અનુમાન છે. પ્રત્યક્ષ નજરે પડે એવી કોઈ જદ્દોજહદ જોવા મળતી નથી. નથી શાસકોના પક્ષે કે નથી સમર્થકોના પક્ષે. યુદ્ધજ્વરની જરૂર નથી. એમાં તો વધારે નુકસાન થઈ શકે એમ છે, પણ સીમાડે પેદા થયેલા સંકટનો અહેસાસ સુધ્ધાં કરાવવામાં આવતો નથી. નથી સરકાર તરફથી કે નથી સંઘપરિવાર તરફથી. ૧૯૬૨માં દેશની પ્રજાને વિશ્વાસમાં લેવામાં આવી હતી. ગરીબ પ્રજાને માનસિક રીતે યુદ્ધ માટે તૈયાર કરવામાં આવી હતી. પૂછી જુઓ કોઈ વડીલને. ઊલટું, નરેન્દ્ર મોદીએ તો દેશની જનતાને સધિયારો આપ્યો છે કે ભારતની ભૂમિમાં કોઈ પ્રવેશ્યું જ નથી ત્યાં કબજો તો દૂરની વાત છે.

તો પછી છટપટાહટ શેની છે એ કોઈ કહેશે? ભારતની ભૂમિને છોડાવવા છાના પ્રયત્નો કરવાની જરૂર જ શું છે, જ્યારે ભારતમાં કોઈ પ્રવેશ્યું જ નથી? સંરક્ષણ પ્રધાન, વિદેશ પ્રધાન, સંરક્ષણ અને વિદેશ ખાતાના અધિકારીઓ, લશ્કરી અધિકારીઓ લગભગ દર અઠવાડિયે ચીન સાથે વાટાઘાટો કરવા બીજિંગ કે અન્યત્ર જાય છે; પણ કોઈ ચીનો ભારત આવતો નથી. સીમાડે સંકટ છે એ આખું જગત જાણે છે, તો છૂપાવો છો શા માટે? તમામ રાજકીય પક્ષોને અને દેશની પ્રજાને વિશ્વાસમાં લો. હું ખાતરીપૂર્વક કહું છું કે કોરોના અને આર્થિક સંકટ છતાં દેશ આત્મવિશ્વાસ સાથે સરકારની બાજુમાં ઊભો રહી જશે.

પણ એ પહેલાં એક સાવધાની.

પ્રાચીન યુગમાં જે જીતે એની ભૂમિનો સિદ્ધાંત હતો અને એ બહુ સરળ હતો. તલવારનો ન્યાય ચાલતો હતો. અત્યારે ધર્મ, ભાષા અને સંસ્કૃતિનાં કેટલાંક માપદંડોના આધારે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યાં છે. માપદંડો સંસ્કૃતિના છે એટલે આખા જગતમાં લગભગ દરેક દેશને પાડોશી દેશ સાથે સીમાવિવાદ ચાલી રહ્યા છે. બને છે એવું કે સીમાડે બે સંસ્કૃતિઓનું મિલન થાય છે અને ત્યાં મિશ્ર સંસ્કૃતિ રચાય છે. તળાવમાં બે સ્થળે કાંકરી નાખો તો કાંકરીએ રચેલાં બે વમળ ફેલાતાં ફેલાતાં એક સ્થળે એકબીજાને મળે એમ. આનો કોઈ ઉપાય જ નથી. જેમ હિંમતનગર અને ડુંગરપુર વચ્ચે ક્યાં ગુજરાત પૂરું થયું અને ક્યાંથી રાજસ્થાન શરૂ થયું એ નક્કી કરવું મુશ્કેલ પડે એમ જ. સરકારી પાણો ન હોય તો સરહદો બોલતી નથી, કારણ કે સરહદ જેવી કોઈ ચીજ ઈશ્વરે બનાવી જ નથી.

હવે પ્રાચીન યુગમાં જ્યારે તલવારનો ન્યાય ચાલતો હતો ત્યારે એટલું સારું હતું કે જમીન ઉપરના કબજાના અધિકારને તર્ક અને પ્રમાણો દ્વારા સાબિત નહોતો કરવો પડતો. તલવારના જોરે એક જ શાસક ત્રણ ત્રણ અને તેનાથી પણ વધુ ભિન્ન સંસ્કૃતિઓ ઉપર કબજો જમાવતો હતો એવા ઉદાહરણ ઇતિહાસમાં અનેક મળી આવશે. કોઈ પૂછતું નહોતું કે યવન થઈને આર્યભૂમિ ઉપર કબજો કરીને કેમ બેઠો છે? અત્યારે સંસ્કૃતિઓનાં માપદંડોના આધારે રાજ્યો/રાષ્ટ્રો રચાયાં છે એટેલ દરેક જગ્યાએ ઝઘડા ચાલી રહ્યા છે. એક કહેશે કે અહીં અમારી સંસ્કૃતિની છાંટ વધુ જોવા મળે છે તો બીજો કહેશે કે નહીં આમારી સંસ્કૃતિની. યાદ રહે, અહીં મેં છાંટ શબ્દ વાપર્યો છે.

તો અત્યાર સુધીની ચર્ચામાંથી શું નિષ્પન્ન થયું? એક તો એ કે સરહદે બે સંસ્કૃતિઓનું મિલન થતું હોય છે એટલે એક સંસ્કૃતિના અંત અને બીજીના આરંભની રેખા ખેંચવી મુશ્કેલ હોય છે. આને કારણે આખા જગતમાં સીમાવિવાદ ચાલી રહ્યો છે. ભાગ્યે જ કોઈ દેશ હશે જેને પાડોશી દેશ સાથે સીમાને લઈને ઝઘડો ન ચાલતો હોય. બીજું, હિમાલયની દુર્ગમ પહાડીઓમાં તો સેંકડો ચોરસ કિલોમીટર ક્ષેત્રમાં મિશ્ર સંસ્કૃતિ ફેલાયેલી છે. ત્યાં નાગપુરનું ભારત અને બીજિંગનું ચીન જોવા નહીં મળે. ત્યાં પાંચ ટકા નાગપુરી ભારત છે અને પાંચ ટકા બીજિંગી ચીન (ખરું પૂછો તો ચીનના કબજાનું તિબેટ) છે અને ૯૦ ટકા જે છે તે સંસ્કૃતિ-સંગમ છે. હવે તલવારનો ન્યાય તો ફેશનમાં છે નહીં એટલે દલીલ કરીને કબજો સાબિત કરવો પડે એમ છે અને એ બેમાંથી કોઈ દેશ સાબિત કરી શકતો નથી. સીમાબદ્ધ રાષ્ટ્રવાદી રાજ્યવ્યવસ્થાનો ઇતિહાસ તપાસી જુઓ. કોઈ દેશ સરહદે નિર્વિવાદ પોતાની રાષ્ટ્રીયતા સાબિત કરી શક્યો નથી. એક પણ દેશ નહીં.

તો વિવેકી ડાહ્યા શાસકો શું કરે? વિચારવા માટેનો આ પહેલો પ્રશ્ન. ખૂબ દૂર સુધી જોઈ શકનારા વ્યવહારવાદી શાસકો શું કરે? વિચારવા માટેનો આ બીજો પ્રશ્ન. ધૂર્ત ચાલાક શાસકો શું કરે? વિચારવા માટેનો આ ત્રીજો પ્રશ્ન. માથાભારે શાસકો શું કરે? વિચારવા માટેનો આ ચોથો પ્રશ્ન અને આપણે શું કરવું જોઈએ? વિચારવા માટેનો આ પાંચમો પ્રશ્ન.

આ પંચ-પ્રશ્ન-પ્રપંચ વિશે વિચારો. એક વાત યાદ રાખજો, વિકલ્પ એવો હોવો જોઈએ જેમાં ઓછામાં ઓછું નુકસાન હોય. નુકસાન તો છે જ, કારણ કે ઝઘડાની ભૂમિ સંગમભૂમિ છે જ્યાં બે અને એનાથી પણ વધુ દાવેદારો છે. વિચારો!

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 17 સપ્ટેમ્બર 2020

Loading

...102030...2,1712,1722,1732,174...2,1802,1902,200...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved