Opinion Magazine
Number of visits: 9573983
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગઝલ

રવીન્દ્ર પારેખ|Poetry|13 October 2020

આપણે જવાનું છે,
શું બીજું થવાનું છે!

હાથ જો તું ફેલાવે,
કેદ થૈ જવાનું છે.

તું ઊભી છે ઠોકરશી !
તો, તો વાગવાનું છે.

કામ તારું ભીંતોને,
બૂમ પાડવાનું છે.

ક્યાં બીજા વિકલ્પો છે?
માત્ર જીવવાનું છે.

શું કરીશ શ્વાસો થૈ?
કામ એ હવાનું છે.

જાતની ગડી કરતાં,
ઊકલી જવાનું છે …

0

e.mail : ravindra21111946@gmail.com

Loading

એક માણસને સારી રીતે જીવવા કેટલા રૂપિયા જોઈએ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|12 October 2020

કોઈ પણ વ્યક્તિ અંદાજે વીસેકની ઉંમરે કમાવાનું શરૂ કરતો હોય છે ને તે સાંઠેકની ઉંમર સુધી ક્માતો હોય તો આજને હિસાબે થોડાક કરોડ તેને જોઈએ, જેમાં તેનો પોતાનો, લગ્નનો, મકાનનો, ઘરવખરીનો, સંતાનોનાં શિક્ષણ, લગ્ન, માંદગી વગેરેનો ખર્ચ ઉમેરવો પડે. એમાં માબાપની, પત્નીની માંદગીનો ખર્ચ પણ ખરો. વળી ઉચ્ચ શિક્ષણનો ખર્ચ વધે તો તેટલી કમાણી વધે પણ ખરી.

ટૂંકમાં, એક માણસને સારી રીતે જીવવા માટે થોડાક કરોડ જોઈએ.

આમાં એ લોકોનો સમાસ નથી, જે લોકોને પૂરતું શિક્ષણ મળ્યું નથી. નથી તો તેમનો સારી રીતે ઉછેર થયો કે નથી તો તેમની ઓછામાં ઓછી જરૂરિયાત સંતોષાઈ. એવા લોકો આ દેશમાં કરોડોની સંખ્યામાં છે. એવા લોકો અછતમાં જન્મ્યાં છે ને એમનો અંત પણ અછતમાં જ આવે છે. આ એ લોકો છે જે અમીરોના ને સરકારોના રસ્તા બાંધે છે, ઇમારતો બાંધે છે, ફેક્ટરીઓ ચલાવે છે, અનાજ પકવે છે ને એવું એવું તો ઘણું કરે છે. આ એ લોકો છે જે ઓછું મેળવે છે અને અમીરોને, સરકારોને, ઓફિસોને અબજોનો નફો કરાવે છે. કદાચ અતિશયોક્તિ લાગે પણ આખા દેશનો નફો શ્રમિકોને કારણે શકય બને છે એ ભૂલવા જેવુ નથી. શ્રમિકો ન હોય તો નફો પણ ન હોય.

એમ કહેવાય છે કે આ દેશની 90 ટકા સંપત્તિ 10 ટકા લોકો પાસે છે ને 90 ટકા લોકો પાસે માત્ર 10 ટકા સંપત્તિ છે. આ સ્થિતિ સુધારવા સરકારો કોશિશો કરતી રહે છે, પણ સ્થિતિમાં જોઈએ એવો સુધારો ખાસ થતો નથી તે હકીકત છે. આમાં સરકારો બદલાતી જાય તેમ તેમ સંપત્તિ સરકારમાં જે હોય તેમની જ સુધરે છે ને જે ગરીબોને મદદ મળે એટલાને બાદ કરતાં, નવા ગરીબો એટલા ઉમેરાય છે કે મૂળભૂત સમસ્યાઓમાં બહુ ફેર પડતો નથી.

સ્થિતિ એવી છે કે ઘણા લોકોને કામના પ્રમાણમાં વળતર મળતું નથી. એમ પણ ખરું કે કામના પ્રમાણમાં વળતર મળતું થાય તો પણ, અમીરી અપવાદ રૂપે જ મળતી હશે. કોઈ લોટરી ફાટે કે બહુ મોટો આકસ્મિક લાભ થાય તે બાદ કરતાં, શ્રમિકોને અમીર થવાની તકો ઓછી જ હોય છે. સાચું તો એ છે કે કામનાં પ્રમાણમાં વળતર ભાગ્યે જ મળે છે ને ધારો કે મળતું હોય તો પણ અમીરી અકસ્માતે જ મળતી હોય છે.

આની સામે કેટલાક નસીબદારો એવા પણ છે જે મહેનત વગર કે ઓછી મહેનતે એટલું કમાય છે કે તે વેડફે તો પણ સંપત્તિના ડુંગરો ખડકાય. બધી મોંઘવારીનાં મૂળમાં ઈઝી મનીનો ફાળો નકારી શકાય એમ નથી.

કોઇકે વોટ્સ એપ પર એક મેસેજ ફોરવર્ડ કરેલો જેમાં કામનાં પ્રમાણમાં અઢળક સંપત્તિ ભેગી કરનારા લોકોની વાત હતી. એ ચોંકાવનારો મેસેજ હતો. વાત તાજેતરમાં જ એક ફિલ્મી અભિનેતાએ કરેલા આપઘાત સંદર્ભે હતી. સાચું ખોટું તો ખબર નથી, પણ જે વાતો બહાર આવી એમાં એક અભિનેતાએ કરોડો રૂપિયાનો કેવો ઉપયોગ, કોને માટે કર્યો એની ચર્ચા જ કેન્દ્રમાં રહી. આવા ઘણા અભિનેતા, અભિનેત્રીઓ હશે જ જેમણે કરોડો કમાઈને ધુમાડો જ કર્યો હોય ! સંયમથી જીવનારા કલાકારો પણ છે જ, પણ મોટો ભાગ એવા લોકોનો છે જે બહુ કમાઈને બહુ વેડફી દે છે. આવા લોકો કોઈને મદદ પણ ભાગ્યે જ કરતા હોય છે. એ લોકો મોટે ભાગે સંપત્તિ, વ્યસન અને ઐયાશીમાં જ વેડફતાં હોય છે. એવા ઘણા ફિલ્મી કલાકારો હતા અને છે જેઓ બહુ કમાયા ને બહુ ગાજયા, પણ એમનો અંત એવો આવ્યો કે અંતિમવિધિ બીજાને ખર્ચે થઈ હોય. આવું એટલે બન્યું કે એમને કામનાં પ્રમાણમાં અનેકગણું મળ્યું અને પૈસાની કદર ન હતી એટલે એનો લાભ-ગેરલાભ પણ એમણે જ ભોગવ્યો. એવાઓની સંપત્તિથી કોઈ સેવા ભાગ્યે જ થઈ.

ફિલ્મ કલાકારો જેટલા જ ક્રિકેટરો પણ ભારતમાં લોકપ્રિય છે. આજકાલ ટેસ્ટ ક્રિકેટની એટલી બોલબાલા નથી જેટલી વન ડે ક્રિકેટની છે. એક ફિલ્મ કે એક મેચના અભિનેતા કે ક્રિકેટરોને આજે તો કરોડો રૂપિયા મળે છે ને લોકપ્રિયતા તો નફામાં ! ફિલ્મની એક શિફ્ટ કે ક્રિકેટની એક મેચ ભાગ્યે જ આઠ કલાકથી લાંબી ચાલતી હશે. એક ફિલ્મ કે એક ક્રિકેટ શ્રેણી પૂરી થતાં મહિનાઓ લાગતાં હોય તો પણ, આ લોકો કરોડો રૂપિયા મેળવતા હોય છે. આ આખો ઉપક્રમ ગાયને દોહીને બકરીને પાવા જેવો છે. એમાં કરોડો લોકોના ગજવા ખંખેરીને એકાદનું ગજવું કરોડોથી ભરવા જેવું થાય છે. આમાં મેચ ફિકસીંગ કે કાસ્ટિંગ કાઉચ જેવી રમતો પણ રમાય જ છે ને છતાં જે કમાય છે તે કરોડોમાં રમે છે તે હકીકત છે. સવાલોનો સવાલ એ છે કે એક ક્રિકેટર કે એક ફિલ્મ કલાકાર ખરેખર એવું શું અને કેટલું કામ કરે છે કે તેને કરોડો રૂપિયા મળે છે? એ સોના જેવુ અદ્ભુત કામ હોય તો પણ તેની કિંમત સોના કરતાં પણ વધારે છે એવું નથી લાગતું? કામનાં પ્રમાણ કરતાં આ કિંમત કરોડો ગણી છે એવું ખરું કે કેમ? આના પર કોઈ કાયદો, કોઈ નિયમ, કોઈ નિયંત્રણ કેમ લાગુ નથી થતાં તે નથી સમજાતું. એ પણ તપાસનો મુદ્દો છે કે ફિલ્મી કલાકારો કરોડોની આવક કરીને પ્રમાણિકતાથી ટેક્સ ભરે છે કે કેમ? એકદમ સ્પષ્ટ હકીકત તો એ છે કે આ દેશનો ટેક્સ મોટે ભાગે તો પગારદારો જ ભરે છે.

એક વર્ગ ઉદ્યોગપતિઓનો પણ છે. જે શ્રમિકોને જોરે ઉદ્યોગો વિકસાવતા જઈને દુનિયાના સૌથી મોટા અમીરોની યાદીમાં આવવા અનેક રમતો ને કાવાદાવા કરતાં હોય છે. એમાં ઘણુંખરું બાપીકો વારસો કામ કરતો હોય છે અથવા તો તેઓ છેતરવાની તરકીબો જાણતા હોય છે. લોકોને મૂરખ બનાવીને કે લોકોનાં ભોળપણનો લાભ ઉઠાવીને કામનારા લોકોની આમે ય ક્યાં ખોટ છે?

કામનાં પ્રમાણમાં અનેકગણું કમાનારા લોકોમાં રાજકારણીઓનો પણ સમાવેશ કરવો પડે. આમ નેતા કહેવાય પણ, તેઓ અભિનેતા કરતા બહુ જુદા નથી. એ જ કારણ છે કે તેઓ અભિનેતા જેટલું જ ને કેટલાક કિસ્સાઓમાં તેમનાથી પણ વધારે કમાય છે. આ વર્ગ પણ લોકોના જીવ પર જ કમાય છે. અહીં પણ પ્રશ્ન તો રહે જ છે કે આ લોકો એવું તે કેવુંક ભવ્ય કામ કરે છે કે તેમને અનેક સગવડો ને લાભો છતાં કરોડોની કમાણી થાય છે? આ લોકો સેવાને નામે જે મેવા કમાય છે તેનો મોટો લાભ એ છે કે તેઓ પગાર મેળવે છે, પણ તેમને કોઈ ટેકસ લાગતો નથી. સાદો સવાલ એ છે કે અભિનેતાએ ટેક્સ ભરવાનો હોય તો નેતાએ કેમ નહીં? આટલું કરમુક્ત જીવન ઓછું હોય તેમ તેમને પેન્શનનો લાભ પણ મળે છે. જો આ નોકરી નથી ને સેવા જ છે તો પેન્શનનો લાભ કઈ ખુશીમાં મળે છે તે સ્પષ્ટ થવું જોઈએ. આનો વિરોધ પ્રજાએ જ કરવાનો રહે, કારણ કોઈ રાજકારણી તો સામે ચાલીને કહેવાનો નથી કે અમને પેન્શન નથી જોઈતું. બીજી તરફ પ્રજા નિર્જીવ છે. એનો અવાજ નથી. અવાજ રહે એવું હવે ન બને તે શક્ય છે. એવા દિવસો આવી રહ્યા છે કે તમે વિરોધ કરો ને તમને દેશદ્રોહી ગણી તમારા પર કામ ચલાવવામાં આવે. વિદેશી સરકારમાં જ એવું હતું, એવું નથી, દેશી સરકાર પણ દેશદ્રોહી ગણીને લટકાવી દે તો …..

0

e.mail : ravindra21111946@gmail.com

Loading

બોગસ યુનિવર્સિટીઝઃ શિક્ષણ તંત્રનાં પરિવર્તનો ખાળે ડૂચા અને દરવાજા મોકળા જેવા ન હોવાં જોઇએ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|11 October 2020

જ્યાં સારુ છે તે પોસાય એવું નથી અને જે પોસાઇ શકે છે ત્યાં તંત્ર રેઢિયાળ છે અને પછી ડિગ્રીની લાલચે જે હોય એ ચલાવી લેવાય છે

ગણતરીના દિવસો પહેલાં ‘યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન’ એટલે કે યુ’જી’સી'(UGC)એ દેશમાં ફૅક એટલે કે બોગસ યુનિવર્સિટીઝનું લિસ્ટ બહાર પાડ્યું. આમ તો આ દર વર્ષે અનુસરાતી પ્રેક્ટિસ છે, અને મજાની વાત છે કે દર વર્ષે પંદરથી ત્રીસ વચ્ચેના આંકડે પહોંચે એટલી ફૅક યુનિવર્સિટીઝનાં નામ આ યાદીમાં જાહેર થતાં જ હોય છે; છતાં ય આ લિસ્ટમાં આંકડા ઓછા થાય કે ફૅક યુનિવર્સિટીઝના ગોરખધંધા બંધ થાય એવું કંઇ થતું નથી. યુ.જી.સી.એ જાહેર કરેલી આ બોગસ યુનિવર્સિટીઝ કોઇપણ પ્રકારની ડિગ્રી આપવાને લાયક નથી અને તેમણે અત્યાર સુધીમાં આપેલી એકેય ડિગ્રીઓને કે સર્ટિફિકેટ્સને માન્ય નહીં રખાય. ગયા વર્ષે પણ યુજીસીએ આ રીતે યાદી જાહેર કરી હતી. આ યાદીની જાહેરાત પછી એક અહેવાલમાં આવી જ એક યુનિવર્સિટીના ગોરખધંધાનો ભોગ બનેલા એક વિદ્યાર્થીએ પોતાની વ્યથા જાહેર કરી હતી.

દિલ્હીના કોઇ ગીચ વિસ્તારના જૂના બિલ્ડિંગમાં બીજા માળે આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ સોલ્યુશન્સ, નિમ્સ કે એન.આઇ.એમ.એસ.ના નામે જાણીતી સંસ્થા કે જે પોતાની યુનિવર્સિટીની ટોપી માથે પહેરાવતી હતી, ત્યાંથી આ વિદ્યાર્થીએ ડિગ્રી લીધી હતી. અહીંથી બી.બી.એ.ની ડિગ્રી મેળવ્યા પછી આ વિદ્યાર્થીએ જ્યારે એમ.બી.એ. કરવા માટે અરજીઓ કરવાનું શરૂ કર્યું, ત્યારે તેને કહેવામાં આવ્યું કે તેની બેચલર્સની ડિગ્રી તો સરકાર દ્વારા માન્ય જ નથી ગણાતી, તેનું બી.બી.એ.નું સર્ટિફિકેટ વૅલિડ નથી.

કોઇપણ રીતે અધિકૃત ન હોવા છતાં આવી ઇન્સ્ટિટ્યૂટ્સ બિલાડીનાં ટોપની માફક ફૂટી નીકળે છે અને પછી અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી પ્રોગ્રામ ઑફર કરે છે, ને તે પણ એન્જિનિયરીંગ અને મેનેજમેન્ટ જેવા વિષયોમાં. ઓનલાઇન અને ડિસ્ટન્સ એજ્યુકેશનની પદ્ધતિથી આ બધું ચાલ્યા કરે છે. નિમ્સ યુનિવર્સિટીને ગયા વર્ષે ઑક્ટોબરમાં બોગસ જાહેર કરાઇ હતી, તે 1998થી ચાલતી હતી. આ વર્ષે જે 24 યુનિવર્સિટીઝને યુ.જી.સી.એ બોગસ ગણાવી છે, તેમાંથી મોટાભાગની દિલ્હી અને ઉત્તર પ્રદેશની છે. આ બધી યુનિવર્સિટીઝ બોગસ છે, એવું ઘણીવાર તો તેમના નામ માત્રથી જ કળી શકાય છે, જુઓ કેટલાક સેમ્પલ;  કોમર્શિયલ યુનિવર્સિટીઝ, યુનાટેડ નેશન્સ યુનિવર્સિટીઝ, આધ્યાત્મિક વિશ્વવિદ્યાલય, રાજા અરાબિક યુનિવર્સિટી, ગાંધી હિંદી વિદ્યાપીઠ,  શ્રી બોધી એકેડેમી ઑફ હાયર એજ્યુકેશન, વગેરે.

મોટા ભાગની આ ફૅક યુનિવર્સિટી જે યુ.જી.સી.ના લિસ્ટમાં હોય છે, તે તેમના ઓરિજિનલ સરનામેથી ક્યારે ય ઑપરેટ નથી કરતી. જે સરનામું નોંધાયેલું હોય છે ત્યાં યુનિવર્સિટીને નામે કશું જ નથી હોતું. આવી ફૅક યુનિવર્સિટીઝની યાદી યુ.જી.સી. દ્વારા મેન્ટેઇન કરવામાં આવે છે. જો કે યુ.જી.સી.ના અધિકારીઓનું માનવું છે કે જે સરનામે આ ચાલતી હોય છે ત્યાં પહોંચીને તે બંધ કરાવી દેવાય પછી એવું નથી હોતું કે તે સદંતર બંધ થઇ જ જાય છે. ગોરખધંધા કરનારાઓમાંથી અમુક એક વાર પકડાયા પછી પણ નાના શહેરોમાં રહેનારા તથા ગીચ વિસ્તારોમાં વસનારા નિમ્ન મધ્યમ વર્ગનાં લોકોને છેતરવા માટે નવું સરનામું શોધી કાઢતા હોય છે. એક રિપોર્ટ અનુસાર ઑલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (એ.આઇ.સી.ટી.ઇ.) પાસે આવી ખાનગી ઇન્સ્ટિટ્યૂટ્સની વધુ મોટી યાદી હોય છે જેમાં ટેક્નિકલ એજ્યુકેશન રેગ્યુલેટરની માન્યતા વિના બેફામ કોઇ પણ કોર્સિઝ ચાલતા હોય છે.  દેશ આખામાં અઢીસોથી વધારે આવી ઇન્સ્ટિટ્યૂટ્સ છે, અને એમાંથી પચાસથી વધારે તો દિલ્હીના કોઇ ગીચ વિસ્તારમાંથી ચાલી રહી છે.

યુ.જી.સી. અને એ.આઇ.સી.ટી.ઇ. ધારે તો ય આ તમામને ઝડપી પાડવા તેમને માટે મુશ્કેલ થઇ જાય કારણ કે તેઓ કોઇ ભળતી જ જગ્યાએથી ઑપરેટ કરતાં હોય છે. દિલ્હી આપણું પાટનગર જ્યાંથી યુ.જી.સી. અને એ.આઇ.સી.ટી.ઇ.નો બધો વહીવટ ચાલે છે. ઉત્તર પ્રદેશમાં પણ ફૅક સંસ્થાનોની ખોટ નથી અને એમાં પાછી યુનિવર્સિટીઝ તો જુદી. તમને આઇ.આઇ.પી.એમ.-વાળો અરિંદમ ચૌધરી પણ યાદ હશે. તે પોતાની સંસ્થાને આઇ.આઇ.એમ.ની સાથે સરખાવતો અને પૂરા સ્વૅગ સાથે તેણે જાહેર લેક્ચર્સ આપ્યા છે, લોકોને ઇન્ટરવ્યુઝ આપ્યા છે અને સેલેબ્રિટી સ્ટેટસ ભોગવ્યું છે. 1973માં દિલ્હીમાં શરૂ થયેલી આ સંસ્થાના અરિંદમ ચૌધરીને છેતરપિંડીના ગુના હેઠળ માર્ચમાં જ અરેસ્ટ કરવામાં આવ્યો હતો. થોડા સમય પહેલા વડોદરાની પારૂલ યુનિવર્સિટીની ઘણી બધી પોલ બહાર આવી હતી પણ છતાં ય પોતાની વિરુદ્ધમાં સમાચાર ન આવે, એ માટે પૈસા ખર્ચીને પણ અહીં ઘણું ‘મેનેજ’ કરવામાં આવ્યું છે.

ટેક્નિકલ ઇન્સ્ટિટ્યુટ્સનાં પ્રોગ્રામને નામંજૂર કરવા સિવાય સરકારી સંસ્થાઓ પણ બીજું કંઇ કરી નથી શકતી. આવા ગોરખધંધા ચાલતા હોવા છતાં કેન્દ્ર સરકારના શૈક્ષણિક તંત્ર દ્વારા કોઇ આકરાં પગલાં નથી લઇ શકાતાં. અરિંદમ ચૌધરી સામે જે થયું તે એક અપવાદ હતો જ્યારે તેની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ અને તેની ધરપકડ કરાઇ. આ ઘટના પછી એવા કિસ્સાઓ પણ બહાર આવ્યા હતા, જ્યાં વિદ્યાર્થી જેણે આઇ.આઇ.પી.એમ.માંથી ડિગ્રી લીધી હોય તેને નોકરીમાંથી પાણીચું આપા દેવાની વાત થઇ હતી. ડિગ્રી જ બોગસ હોય તેને કોણ કામે રાખે ભલા પણ અમુક કિસ્સાઓમા કંપનીએ વાટાઘાટો કર્યા બાદ આઇ.આઇ.પી.એમ.ની ડિગ્રી ધરાવનારા વિદ્યાર્થીઓને નોકરીમાંથી કાઢી નહોતા મૂક્યા. જો કે એવું નથી કે યુનિયન ગવર્મેન્ટ યુ.જી.સી.ને પૂરતી સત્તા આપવાનો પ્રયાસ નથી કરી રહી. આ અંગે એક કલમ પસાર કરાવની પહેલ પણ થઇ હતી પણ કમનસીબે તેમાં સફળતા ન મળી, એચ.આર.ડી. મિનિસ્ટ્રીના પ્રયાસને પણ સંસદમાં ટેકો ન મળ્યો. આ ફૅક યુનિવર્સિટીઝની દુકાનો ચાલે છે તેમાં માત્ર એક હાથે તાળી નથી વાગી રહી, એમ નથી કે સરકાર તરફથી યુ.જી.સી.ને પૂરતી સત્તા નથી અપાતી એટલે જ આમ ચાલે છે, પણ નાના શહેરોમાં ચાલતી નાની ટેક્નિકલ કંપનીઓને આવી ફાલતુ અને બોગસ સંસ્થામાંથી ભણીને આવેલા વિદ્યાર્થીઓ સામે કોઇ જ વાંધો નથી કારણ કે તેમને તો કામ સાથે મતલબ છે ડિગ્રી સામે નહીં. બીજી બાજુ સારી સંસ્થાઓમાં ફીઝ બહુ છે, બેઠકોનાં વાંધા છે એટલે નાનાં શહેરો-ગામડાંઓનાં વિદ્યાર્થીઓને પણ આ બોગસ ડિગ્રી આપતી સંસ્થાઓમાં એડમિશન મળે તો કરિયર બની જશેની લાગણી થઇ આવે છે. અહીં જે સારું છે તેનો વિસ્તાર અને તેની ઉપલબ્ધતા પણ એટલી જ જરૂરી છે, જેટલું જરૂરી છે બોગસને સાણસામાં લઇ હંમેશાં માટે બંધ કરી દેવાં.

બાય ધી વેઃ

માત્ર ભારતમાં જ આવી સમસ્યાઓ છે તેમ નથી. એક દાયકા પહેલાં યુ.કે.ની બોગસ યુનિવર્સિટીઝના કિસ્સા પણ બહુ જ ચાલ્યા હતા. મુદ્દો એ છે કે આપણી શિક્ષણ વ્યવસ્થામાં જ ઘણી ખામીઓ છે. સરકારી સ્કૂલોથી જે ચાલતું આવે છે તે ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચેલો વેઠિયાવાડો છે. જ્યાં સારુ છે તે પોસાય એવું નથી અને જે પોસાઇ શકે છે ત્યાં તંત્ર રેઢિયાળ છે અને પછી ડિગ્રીની લાલચે જે હોય એ ચલાવી લેવાય છે. શિક્ષણ નીતિમાં પરિવર્તન જરૂરી હોઇ શકે છે, પણ જે છે એને સુધારવી અને સવલતો એ રીતે ખડી કરવી કે તરવરતા જુવાનિયાઓને યોગ્ય માર્ગદર્શન મળે ને તેઓ છેતરાઇ જતાં બચે, એ પણ વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે. 

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 11 ઑક્ટોબર 2020

Loading

...102030...2,1342,1352,1362,137...2,1402,1502,160...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved