Opinion Magazine
Number of visits: 9747933
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—74

દીપક મહેતા|Opinion - Opinion|12 December 2020

પહેલું ગુજરાતી અખબાર અને સામયિક શરૂ થયેલાં મુંબઈમાં

મુંબઈમાં ત્રણ ગુજરાતી અખબાર શરૂ થયા પછી શરૂ થયું પહેલું મરાઠી છાપું

પહેલું મરાઠી અખબાર છપાયું હતું એક ગુજરાતીના પ્રેસમાં

૧૮૧૨માં શરૂ કરેલું છાપખાનું દસ વરસમાં તો આખા મુંબઈ શહેરમાં જાણીતું થઇ ગયું હતું અને ધમધોકાર ચાલતું હતું. પણ ફરદુનજી શેઠનો જીવ બેચેન. હવે નવું શું કરવું? અને પારસીઓ કહે તેમ ફરદુનજીના ભેજામાં એક નવો કીડો ચવડી આયો, ગુજરાતી છાપું કાઢવાનો. આપણા દેશમાં અખબારની શરૂઆત બંગાળથી થઇ. ૧૭૮૦ના જાન્યુઆરીની ૨૯મી તારીખે શરૂ થયેલ ‘બેન્ગાલ ગેઝેટ’ એ આપણા દેશનું પહેલવહેલું અખબાર. તેમાંથી પ્રેરણા લઈને ૧૭૮૫ના ઓક્ટોબરની ૧૨મી તારીખે મદ્રાસ(આજનું ચેન્નાઈ)થી શરૂ થયું ‘મદ્રાસ કુરિયર’. મુંબઈનો નંબર ત્રીજો. ૧૭૮૯માં શરૂ થયું ‘બોમ્બે હેરાલ્ડ.’ ૨૦મી સદીના બીજા દાયકા સુધી તે ચાલતું હતું. આ અખબારના બધા સ્થાપકો અંગ્રેજ હતા. તેમાં એક બાજુથી પત્રકાર અને બ્રિટિશ પાર્લામેન્ટના સભ્ય જેમ્સ મેકેન્ઝી મેકક્લીનનો સમાવેશ થતો હતો તો બીજી બાજુથી બોમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ ફ્રેંક બિમન(પછીથી સર બિમન)નો પણ સમાવેશ થતો હતો. કોઈ પણ અદાલાતના કોઈ પણ ન્યાયાધીશ આવી કોઈ જાહેર પ્રવૃત્તિ સાથે જોડાય એવી આજે તો કલ્પના પણ ન થઇ શકે. પણ એ જમાનામાં એવો બાધ નહોતો. ૧૭૯૧માં તેનું નામ બદલાયું. નવું નામ ‘બોમ્બે ગેઝેટ.’ ૧૯૧૧માં સર ફિરોઝશાહ મહેતા અને બેન્જામિન હોર્નિમેને આ છાપું ખરીદવાનો પ્રયત્ન કરેલો પણ સર ફ્રેંક બિમને એ પ્રયત્ન નિષ્ફળ બનાવ્યો. એટલે પછી એ બન્નેએ ૧૯૧૩માં ‘બોમ્બે ક્રોનિકલ’ શરૂ કર્યું.

મુંબઈ ઈલાકાનું પહેલવહેલું અખબાર ‘ધ બોમ્બે ગેઝેટ’ 

અંગ્રેજી અખબારો જોઇને ‘દેશી’ ભાષાઓમાં પણ અખબાર નીકળવા લાગ્યાં. ૧૮૧૮માં સિરામપુરથી શરૂ થયેલું બંગાળી ભાષાનું ‘સમાચાર દર્પણ’ એ ‘દેશી’ ભાષાઓમાં પહેલવહેલું છાપું. તે પછી ઊર્દૂ, હિન્દી, તમિળ, તેલુગુ, મલયાલમ, કન્નડ, વગેરે ભાષાઓમાં અખબાર પ્રગટ થયાં. ૧૮૨૨ના જુલાઈની પહેલી તારીખથી ફરદુનજીએ શરૂ કર્યું ‘શ્રી મુમબઈનાં શમાચાર.’ ગુજરાતી ભાષાનું તે પહેલવહેલું અખબાર. એ પછી છેક દસ વરસે મરાઠી ભાષાનું પહેલું અખબાર ‘દર્પણ’ મુંબઈથી શરૂ થયું. પણ આમ થવાનું કારણ શુ? પહેલું કારણ એ કે એ વખતે મુંબઈમાં મરાઠી કરતાં ગુજરાતી છાપકામ માટેની સગવડો વધુ હતી. એ ક્ષેત્રે પારસીઓએ પહેલ કરેલી એટલું જ નહિ, પછીનાં વારસોમાં છાપકામનો સારો એવો વિકાસ કર્યો હતો. બીજું કારણ એ કે એ વખતે પણ મુંબઈમાં સારા એવા પ્રમાણમાં ગુજરાતી વેપારીઓ હતા, જે વાંચી-લખી શકતા હતા. તેમને દેશના અને દેશાવરોના વેપાર અંગેના સમાચારો જાણવામાં રસ હતો. આથી જ ૧૯મી સદીનાં બધાં ગુજરાતી છાપાંમાં વેપાર-ધંધા અંગેના સમાચારોને ખાસ મહત્ત્વ અપાતું. ૧૯મી સદીમાં શરૂ થયેલાં લગભગ બધાં ગુજરાતી છાપાં અંગ્રેજીમાં મજકૂર ભાગ્યે જ છાપતાં. જ્યારે ૧૮૩૨માં  બાળશાસ્ત્રી જાંભેકરે શરૂ કરેલું ‘દર્પણ’ દ્વિભાષી હતું, તેમાં મજકૂર બે કોલમમાં સામસામે અંગ્રેજી અને મરાઠીમાં છપાતો. તેનો પહેલો અંક ૧૮૩૨ના જાન્યુઆરીની છઠ્ઠી તારીખે પ્રગટ થયો. અને એ છપાયો ક્યાં હતો, ખબર છે? કાવસજી નામના ગુજરાતીના કાલબાદેવી રોડ પર આવેલા ‘મેસેન્જર પ્રેસ’માં! એ પછી પણ તે ‘બોમ્બે કુરિયર’ પ્રેસમાં છપાતું હતું.

૧૮૩૨માં શરૂ થયેલું પહેલું મરાઠી અખબાર ‘દર્પણ’

બાળશાસ્ત્રી જાંભેકરનો જન્મ ૧૮૧૨માં. માત્ર ૩૪ વરસની ઉંમરે ૧૮૪૬ના મે મહિનાની ૧૭મી તારીખે અવસાન. જન્મ રત્નાગિરિ જિલ્લાના એક ગામડામાં. મુંબઈ આવીને અંગ્રેજી, સંસ્કૃત અને બીજી ભાષાઓ શીખ્યા. તેઓ મરાઠી ઉપરાંત સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, કન્નડ, બંગાળી, ગ્રીક, લેટિન, અંગ્રેજી, અને ફ્રેંચ જેવી ભાષા જાણતા હતા. એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટ શરૂ થઇ ત્યારે તેના બધા અધ્યાપકો અંગ્રેજ હતા, પણ તેમને મદદ કરવા માટે મરાઠી-ગુજરાતી આસિસ્ટન્ટ પ્રોફેસરોની નિમણૂક થઇ હતી. જાંભેકાર પહેલા મરાઠી આસિસ્ટન્ટ પ્રોફેસર. મરાઠી ભાષાનું પહેલવહેલું સામયિક ‘દિગ્દર્શન’ પણ તેમણે જ ૧૮૪૦માં શરૂ કર્યું હતું. એ વખતે પશ્ચિમ ભારતમાં ચાલી રહેલી સમાજ સુધારાની ચળવળના તેઓ સમર્થ ટેકેદાર હતા. બાળશાસ્ત્રીની જન્મ તારીખ તો કોઈને ખબર નથી, પણ ‘દર્પણ’ પત્ર તેમણે છઠ્ઠી જાન્યુઆરીએ શરૂ કરેલું એટલે છેલ્લાં ઘણાં વર્ષોથી મહારાષ્ટ્ર સરકાર એ દિવસને ‘મરાઠી પત્રકારિત્વ દિવસ’ તરીકે ઉજવે છે.

બાળશાસ્ત્રી જાંભેકર

એ જમાનાના મુંબઈની આજે તો કલ્પના કરવાનું પણ મુશ્કેલ છે. એ વખતે લોકલ ટ્રેન, બસ, મોટર, કે ટ્રામ જેવાં વાહનો નહોતાં. નહોતી તાર, ટપાલ કે ટેલિફોનની સગવડ. હજી ઈલેક્ટ્રીસિટી જ આવી નહોતી એટલે વીજળીથી ચાલતાં કોઈ યંત્રો નહોતાં. રસ્તાઓ ધૂળિયા અને સાંકડા હતા. નહોતી યુનિવર્સિટી કે નહોતી કોલેજો. આજે તો જોતજોતામાં હજારો નકલ છપાઈ જાય એવાં યંત્રો આપણાં છાપાં વાપરે છે. પણ તે વખતે તો છાપવા માટે હાથ વડે ચલાવવાનું લાકડાનું દાબ-યંત્ર વપરાતું. એક-એક પાનાની એક-એક નકલ હાથ વડે છાપવી પડતી. દરેક નકલ છાપતાં પહેલાં બ્રશ વડે ટાઈપના બાંધેલા પાના પર શાહી લગાડવાની. પછી સંભાળીને તેના પર કાગળ મૂકવાનો. પછી લાકડાનો દાબ – પ્રેસ કાગળ પર ફેરવવાનો. છાપખાના માટે અંગ્રેજીમાં ‘પ્રિન્ટીંગ પ્રેસ’ શબ્દ વપરાય છે તેના મૂળમાં આ લાકડાનો દાબ પ્રેસ રહેલો છે. આજે વપરાય છે તેવી તાબડતોબ સૂકાઈ જતી શાહી ત્યારે નહોતી. એટલે એક બાજુ છાપેલા કાગળ પરની શાહી પૂરેપૂરી સુકાઈ જાય પછી તેની બીજી બાજુ પર છાપી શકાતું. આપણા દેશનો ઇતિહાસ ઘણો લાંબો છે, પણ કદાચ એટલે જ ઇતિહાસની ઉપેક્ષા આપણા સ્વભાવમાં વણાઈ ગઈ છે. એટલે એ જમાનામાં વપરાતા દાબ-પ્રેસ તો આપણે ક્યાંથી સાચવ્યા હોય? પણ જર્મનીમાં આવેલા મુદ્રણ અંગેના ગટેનબર્ગ મ્યુઝિયમમાં ૧૯મી સદીના આરંભે વપરાતા યંત્રના નમૂના જોવા મળે છે તેવું જ કોઈ યંત્ર એ વખતે વપરાતું હશે.

લાકડાનો દાબ પ્રેસ

એક ૧૫-૧૬ વરસની ઉંમરનો છોકરડો. નામ હતું નવરોજજી દોરાબજી ચાનદારૂ. છોકરો હતો હોંશીલો અને હોંશિયાર. પહેલાં ફરદુનજી પાસેથી કામ શિએખ્યો. થોડો વખત બોમ્બે ગેઝેટ છાપખાનામાં કામ કરી અંગ્રેજીનો અનુભવ લીધો. પછી ૧૮૩૦માં પોતાનું છાપખાનું શરૂ કર્યું. અને એ જ વરસના સપ્ટેમ્બરની પહેલીથી પોતાનું ‘મુંબઈ વરતમાંન’ નામનું ગુજરાતી અઠવાડિક શરૂ કર્યું. પછી તેનું નામ બદલીને ‘મુંબઈનો હલકારુ અને વરતમાંન’ રાખ્યું. અને ૧૮૩૩ના નવેમ્બરની પહેલી તારીખથી ફરી નામ બદલ્યું, ‘મુંબઈનાં ચાબુક.’ ગુજરાતી ભાષાનું આ બીજું અખબાર, અને તે પણ શરૂ થયું મુંબઈથી. ૧૮૫૯ના મે મહિનાની ૨૭મી તારીખે બાવન વરસની ઉંમરે અવસાન થયું ત્યાં સુધી નવરોજજીએ આ છાપું સંભાળ્યું.

૧૮૩૨ના માર્ચની ૧૨મી તારીખે મુંબઈથી ત્રીજું ગુજરાતી અખબાર શરૂ થયું, ‘શ્રી મુમબાઈનાં જામે જમશેદ.’ એ વખતે મુંબઈમાં પારસી પંચાયત અંગે ઊહાપોહ ચાલી રહ્યો હતો. પંચાયતની વાત પણ લોકો પાસે મૂકવી જોઈએ એમ સર જમશેદજી જીજીભાઈને લાગ્યું. એટલે શરૂ થયું ‘જામે જમશેદ’. જો કે સરસાહેબ પોતે પડદા પાછળ જ રહ્યા, અને પારસી પંચાયતના સેક્રેટરી પેસ્તનજી માણેકજી મોતીવાળાને જ પહેલા તંત્રી તરીકે આગળ કર્યા. એ જમાનામાં અખબારોની માલિકી વખતોવખત બદલાતી રહેતી. એ રીતે આ ત્રણેની માલિકી બદલાતી રહી.

આપણી ભાષાના પત્રકારત્વની વાત કરતી વખતે ઘણુંખરું અમદાવાદથી ૧૮૫૪માં શરૂ થયેલા ‘બુદ્ધિપ્રકાશ’ને પહેલવહેલું માસિક ગણવાનો ચાલ છે. અને અમદાવાદથી પ્રગટ થયેલું એ પહેલું માસિક એની પણ ના નહિ. વળી આજ સુધી તે ચાલુ રહ્યું છે. પણ ગુજરાતી ભાષાનું એ પહેલું માસિક નહિ. એ શરૂ થયું એ પહેલાં પણ મુંબઈથી ગુજરાતી સામયિકો (જેને માટે એ જમાનામાં ‘ચોપાનિયાં’ શબ્દ વપરાતો) પ્રગટ થતાં હતાં. ખુદ ‘બુદ્ધિપ્રકાશ’ના પહેલા અંકમાંથી આ વાતનો આડકતરો પુરાવો મળી રહે છે. પહેલા અંકમાં ‘પ્રસ્તાવના અથવા દીબાચો’ મથાળા નીચે પ્રગટ થયેલા લખાણમાં કહ્યું છે: ‘જેટલાં મુંબઈનાં વરતમાન અથવા ચોપાનિયાં આવે છે, તેને લોકો ગપાઊંસ કહે છે.’ એટલે કે ‘બુદ્ધિપ્રકાશ’ શરૂ થયું એ પહેલાં પણ મુંબઈમાં ગુજરાતી સામયિકો (ચોપાનિયાં) પ્રગટ થતાં હતાં અને રેલવે વગરના એ જમાનામાં અમદાવાદ સુધી પહોંચતાં હતાં. મુંબઈથી જ ગુજરાતીનું પહેલું સામયિક પ્રગટ થયું, ૧૮૪૦માં. એનું નામ ‘વિદ્યાસાગર’. અને એ શરૂ કર્યું હતું નવરોજી માસ્તરે. પણ એ જ પહેલું સામયિક એમ ખાતારીપૂર્વક કઈ રીતે કહી શકાય? એ જમાનાના અગ્રણી પત્રકાર અને સમાજ સુધારક સોરાબજી શાપુરજી બંગાળીએ લખ્યું છે: ‘ગુજરાતી જબાનમાં વિદ્યા અને હુન્નર સંબંધી માસવારી ચોપાનિયાં અગાઉ પ્રગટ થતાં નહોતાં. એ કારણસર મિ. નવરોજીનું ‘વિદ્યા સાગર’ ચોપાનિયું પહેલવહેલું જ નીકળ્યું હતું.’ (સરળતા ખાતર ભાષા-જોડણી સુધારી લીધાં છે.)

નવરોજી માસ્તર

પણ આ નવરોજી હતા કોણ? ૧૮૧૭ના માર્ચની ૧૦મી તારીખે ભરૂચમાં જન્મ. ભરૂચમાં થોડું ભણ્યા પછી સુરત જઈ લંડન મિશનરી સોસાયટીની સ્કૂલમાં ભણ્યા. ૧૮૩૦માં મુંબઈ આવી નેટિવ એજ્યુકેશન સોસાયટીની સ્કૂલમાં ભણ્યા. ભણી લીધા પછી એ જ સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. બાળશાસ્ત્રી જાંભેકર એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટમાં નિમાયા ત્યારે નવરોજ બન્યા તેમના મદદનીશ. બાળશાસ્ત્રીના અવસાન પછી તેમની જગ્યાએ નવરોજી નિમાયા. આમ, મુંબઈમાં પ્રોફેસર બનનાર તેઓ પહેલવહેલા ગુજરાતી. છોકરાઓ તેમને ‘નવરોજી માસ્તર’ તરીકે ઓળખાતા. ટૂંકી માંદગી ભોગવીને ૧૮૮૫ના સપ્ટેમ્બરની ૨૨મી તારીખે નવરોજીનું મુંબઈમાં અવસાન થયું. તેમણે લગભગ આખી જિંદગી લોકોપયોગી કામોમાં કાઢી હોવા છતાં ૧૮૮૪માં જાહેર માનપત્ર આપવા મળેલી સભામાં તેમણે કહ્યું હતું: ‘મેં કોઈ બહુ મોટી સેવા કરી છે એમ હું પોતે માનતો નથી. પણ મેં જો થોડી ઘણી સેવા પણ કરી હોય તો તેમ કરીને મેં કોઈ દેશના લોકો પર ઉપકાર કર્યો નથી. સમાજના એક નાચીઝ સભ્ય તરીકે મેં તો માત્ર મારી ફરજ બજાવી છે.’ 

આમ, ૧૯મી સદીના મધ્ય ભાગ સુધીમાં તો મુંબઈમાં ગુજરાતી અખબારો અને સામયિકોનું કામકાજ ધમધોકાર ચાલતું હતું, પણ આજના ગુજરાત રાજ્યના પ્રદેશમાં? છેક ૧૮૪૯ સુધી ત્યાં એક પણ અખબારનું નામનિશાન સુધ્ધાં નહોતું! ૧૮૪૯માં ‘વરતમાન’ નામનું અઠવાડિક શરૂ થયું. તે દર બુધવારે પ્રગટ થતું એટલે લોકો તેને ‘બુધવારિયું’ તરીકે ઓળખતા. અને એ શરૂ કરનાર હતા એક ગુજરાતપ્રેમી અંગ્રેજ અમલદાર એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ. તેમણે ૧૮૪૮માં સ્થાપેલી ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ દ્વારા તે શરૂ કર્યું. એ વખતે આ સોસાયટીનો બધો કારભાર અંગ્રેજોના હાથમાં હતો. અને છતાં મુંબઈ સરકારને આ ‘વરતમાન’માં છપાતાં લખાણો સામે વાંધો પડ્યો. એટલે કોઈ પણ સરકારી અમલદારે તેની સાથે સંબંધ રાખવો નહિ એવો હુકમ સરકારે કર્યો. એટલે એ છપાતું હતું તે પ્રેસના માલિક બાજીભાઈ અમીચંદે તે પોતાના હાથમાં લઇ લીધું. પણ ૧૮૬૪ પછી તે ચાલુ રહ્યું હોય તેવું જાણવા મળતું નથી. અને છતાં આપણાં ભાષા, સાહિત્ય, પત્રકારત્વના ઇતિહાસ અને વિવેચનમાં એવા વિરલાઓ પણ જોવા મળે છે કે જે છેક ૧૮૪૯માં શરૂ થયેલા ‘વરતમાન’ને આપણી ભાષાનું પહેલું અખબાર ગણાવે છે! કેમ? કારણ એ અમદાવાદથી શરૂ થયું હતું.

મુંબઈમાં ગુજરાતી છાપખાનાં આવ્યાં તેને પગલે છાપેલાં પુસ્તકો, અખબારો, અને સામયિકો આવ્યાં. અને એની મદદથી અને એની પાછળ પાછળ આવ્યું બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ. પણ એ અંગેની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 12 ડિસેમ્બર 2020

Loading

ખંજર મીયાં સુઘોષ મઝમુદાર​

સૂચિ વ્યાસ|Profile|12 December 2020

આમ આપણા રામ જ્યારે જ્યારે મુંબઈ પહોંચી જઈએ, ત્યારે ત્યારે સોનલ શુક્લને ત્યાં ધામા નાખીએ. મને જે રૂમ આપ​વામાં આવે, તે માટે કાયમી ધોરણે ‘સુઘોષની રૂમ છે.’ એવું કહેવામાં આવે. આમ​, મારી ઍન્ટ્રી અને સુઘોષની ઍક્ઝિટ ​- એવું વર્ષો સુધી ચાલેલું. મેં ક્યારે ય સુઘોષને જોયેલો નહોતો. ફક્ત એટલી જ માહિતી હતી કે સુઘોષ એ ઉત્કર્ષ અને સોનલબહેન એ બધાંનો કઝીન છે.

સુઘોષની બહેને એનાં કુટુંબનાં તમામ સભ્યોને સ્પોન્સર કરી, ગ્રીનકાર્ડ અપાવી અમેરિકા સ્થિર કર​વાનો નિર્ણય લીધેલો. એમાં આપણાં સુઘોષનો છેલ્લો વારો આવેલો. મુંબઈમાં ફિઝિકલ થૅરપિસ્ટ તરીકે બોમ્બે હૉસ્પિટલ જેવી જગ વિખ્યાત હૉસ્પિટલનું કામ ઠેબે ચડાવી, ભાઈ તો અમેરિકા પહોંચી ગયેલા!

એકાદ મોડી સાંજે આ ભાઈ સુઘોષનો ફોન આવ્યો કે: “હું સાન ફ્રાન્સિસ્કો પહોંચી ગયો છું.” મારા ખ્યાલથી ૧૯૮૪ કે ૧૯૮૫ની સાલ હશે. પછી ધીમે ધીમે રોજ ફોન આવ​વા લાગેલા. ભાઈ પોતે લોસ એન્જલસ મૂવ થઈ ગયેલા. પછી તો મહિનાઓ ને મહિનાઓ અમે ફોનમાં વાતો કરતાં કરતાં પાક્કા ભાઈબંધ થઈ ગયાં. એની સાથેની વાતો દ્વારા મેં એનું આખું વ્યક્તિત્વ માપી લીધેલું. હું ફક્ત અવાજથી જ સુઘોષને ઓળખતી હતી. વાતો વાતોમાં મેં જાણી લીધેલું કે સુઘોષને બહેન – બનેવીથી ‘કંઈક’ અસંતોષ છે!

સુઘોષે એક દિવસ મને જણાવ્યું કે પોતે લોસ એન્જલસથી ગ્રેહાઉન્ડ​, ૧૦૦ ડોલરની ટિકિટ લઈને બસમાં ફિલાડેલ્ફિયા આવે છે. મેં તો મારી ટેવ મુજબ કહી દીધું : “આવ​, આવ, મજા પડશે! જલસા કરશું. તારું સન્માન છે, મુંબઈ નરેશ​!”

રખડી રખડીને, ખાધા-પીધા વગરનો, આઠ દિવસથી નાહ્યા-ધોયા વગરનો સુઘોષ, ગ્રેહાઉન્ડ બસ સ્ટોપ પર ઊતર્યો. સલ​વાર-કમીઝ પહેરેલી હું, એને લેવા માટે બહાર ઊભેલી. આઘેથી મોટા ભરાવદાર ઘુંઘરાળા વાળ​વાળો એક છોકરો જોયો. દેશી છે કે આફ્રિકન કે અમેરિકન – એ ખબર ન પડી. ગ્રેહાઉન્ડ ઉપર હું એકલી દેશી છોકરી! મને જોઈને, દોડતો’ક પાસે આવીને પૂછેલું : “તમે સૂચિ છો?” મેં સુઘોષને તો જોયેલો નહોતો, પણ એનો અવાજ ઓળખી ગઈ. મેં જોરથી અને લાગણીથી કહેલું : “વેલકમ ટુ સિટી ઑફ બ્રધર્લી લ​વ – ફિલા.” સુઘોષ તો જેલમાંથી છૂટ્યો હોય એવો ખુશખુશાલ અને ભાવ​વિભોર હતો. ફિલા.નાં ઐતિહાસિક મકાનો જોઈ ગેલમાં આવી ગયેલો. નાગર … એટલે જીભમાંથી મધ જ ઝરતું રહે. વાતો કરતાં કરતાં ઘર ભેગાં થઈ ગયાં. નાહી-ધોઈ નિરાંતે જમ્યો અને થાકેલો-પાકેલો સુઘોષ સૂઈ ગયો.

બીજે દિવસે ફટાકડો ફોડ્યો! વિધાન બહાર પાડ્યું કે : “મારે બકનેલ યુનિવર્સિટી જ​વું છે.” સુઘોષે બકનેલના કોઈ પ્રોફેસરની ચોપડી વાંચી હતી અને તે એમનાથી પ્રભાવિત થઈ ગયેલો. “મારે આ પ્રોફેસરને મળવું છે.” બકનેલ યુનિવર્સિટી એટલે પેન્સિલ​વેનિયાની એક મોંઘીદાટ સ્કૂલ​! જ્યાં ન્યુયોર્કના નબીરાઓ ભણ​વા જઈ શકે. આપણાં જેવાં નબળાં-ગરીબ લોકોનું કામ નહીં, હોં! સુઘોષના હાથમાં રાતી કોડી – રાતી પાઈ પણ ન મળે અને પૈસા ક્યાંથી આવશે, એની કોઈ બીક કે ભય પણ ન મળે! હ​વે આ છોકરાને કોણ સમજાવે?

મને કહેલું કે : “૩૦૦ ડોલર ઉછીના આપ.” હું બાપલડી મારું માંડ માંડ પૂરું કરતી હતી. પતિદેવ તો બહારગામ કામ કરતા હતા. એ જમાનામાં મારી પાસે પણ ૩૦૦ ડોલર એક્સ્ટ્રા હોવા જોઈએ ને! પણ​, આ નાગર પુત્રનું, કુંવરબાઈનું મામેરું ભરાઈ ગયું – એક મિત્ર પાસેથી! મેં ઉછીના માંગી એને ફરી બસમાં બેસાડી ર​વાના કર્યો. સુઘોષ એટલો બધો કુશળ અને બાહોશ માણસ, કે વગર પૈસે, વગર લાગ​વગે, પોતાની બુદ્ધિ, વાચા અને કુશાગ્રતાથી બકનેલમાં માસ્ટરનું ભણ​વા બેસી ગયો … આ બાજુ અમે સૌ મોઢામાં આંગળાં નાખી જોઈ જ રહ્યાં!

મુંબઈથી પોતે ફિઝિકલ થૅરપિસ્ટનું ભણીને અને પાંચ વર્ષનો અનુભવ લઈને તો આવેલો જ​. પણ​, ફિલૉસૉફીમાં માસ્ટર ડિગ્રી લેવી, એવું એનું ગાંડપણ હતું. આમ​, બકનેલ યુનિવર્સિટીથી એનાં અમેરિકન જીવનનો સંઘર્ષ ચાલુ થઈ ગયો. કૉલેજ ચાલતી હોય​, ત્યારે તો રહેવા-જમ​વાની વ્ય​વસ્થા હોય​. પણ​, ઉનાળાનાં વૅકેશન, ક્રિસમસ વૅકેશન … વગેરેમાં ભાઈ દિવસો સુધી ભૂખ્યો રહેતો હતો. જે વાત મને હ​વે સમજાય છે.

ક્યારેક આવાં વૅકેશન દરમિયાન ગાડી મારી મૂકતો અને ફિલા આવતો. પાછા જ​વાનાં પૈસા ન હોય​, તો હું ગાડીમાં ગૅસ ભરાવી ઘર ભેગા થવાનાં પૈસા આપતી. અમે બધાં અલ્લડ જુવાન હતાં. અમે સુઘોષનાં ભૂખ​, દુ:ખ​, વ્યથા અને સંઘર્ષોની વાત પણ ન કરતાં. મસ્તી-તોફાનમાં જ જલસા જલસા કરતાં.

પૈસા વગર ચાર વર્ષ ભણી ગણીને છેવટે સુઘોષે પેન્સિલ​વેનિયામાં જ ફિઝિકલ થૅરપિસ્ટ તરીકે કામ ચાલુ કર્યું. છેલ્લાં ૩૦-૩૧ વર્ષમાં અમે વારંવાર મળતાં જ રહેતાં. જેમ જેમ મોટા થતાં ગયાં, તેમ તેમ એકબીજાંને વધુ સમજતાં થયાં છીએ. પણ​, છેલ્લાં પાંચ વર્ષથી સુઘોષ ફિલા.માં રહે છે.

સુઘોષ મઝમુદાર અને કવિ હરીશ મીનાશ્રુ

સામાન્ય રીતે કે અસામાન્ય રીતે, મારાં ગામમાં સુઘોષ આવે તો એનું નિવાસસ્થાન તો મારાં ઘરે જ હોય ને! આવો વણલખ્યો કાયદો છે. પહેલાં ૪-૬ મહિના શાંતિથી સાથે ખાધું-પીધું ને રાજ કર્યું. ત્યારબાદ ખંજર મીયાંએ પીઠમાં નહીં, પણ છાતી ઉપર જ ખંજર માર્યું! બાજુમાં રહેતા સાક્ષર​, વાચક, વિવેચક​, પ્રેમસભર બાબુભાઈની સંગતે ચડીને હળ​વેકથી બાબુભાઈની માથે પડ્યો છે. સુઘોષ અને બાબુભાઈ બંને લોકો જગતનાં (… ..) સાહિત્યનાં આજીવન વિદ્યાર્થીઓ છે. રોજ સાંજ પડ્યે એમનાં પગથિયે ૪-૬ પુસ્તકો અને ૨-૪ જગ મશહૂર મૂવીઓ આવે. તો આ બંને સાથે બેસી દસ​-દસ​, બાર​-બાર કલાકની મૂવીઓ જુવે. એનાં પર ચર્ચા-વિચારણા કરે. તેથી તેમને મારી કંપની નબળી જ લાગે ને!

પ્રેમનો સંબંધ તો (… .)ની જાળ​વણી સાથે છે, એમ માની મેં સુઘોષને કાઢી નથી મૂક્યો. અમારી દોસ્તીમાં ઘોબો પડ​વા નથી દીધો. કારણ કે સુઘોષ એક અચ્છો માણસ છે. અમે બધાંએ હંમેશાં સુઘોષને આખો ને આખો જોયો છે. અમારી સાથે ખીલી ઊઠ્યો છે, ખૂલી શક્યો છે. અમે બધાં એને ઝીલી શક્યાં છીએ અને પોતે હજુ સુધી હિલ્લોળા લેતો ઝૂલી રહ્યો છે!

સુઘોષ હંમેશાં તમામ સ્ત્રીઓને કહેતો ફરે છે કે : “જો હું આ પૃથ્વીનો રાજા હોઉં, તો કોઈ પણ સ્ત્રીને ક્યારે ય રસોઈ કર​વી ન પડે!” વાત તો ભાઈ સાચી હોં! સુઘોષનું નિવાસસ્થાન એક જ એવું છે, જ્યાં રસોડાની તમામ કૅબિનેટ્સ પુસ્તકોથી ભરપૂર હોય અને દિવસમાં ત્રણ​‌-ચાર વાર બહારથી ગરમાગરમ રસોઈ આવી જાય​! એનાં ઘરનું વર્ણન કરું, તો બીજાં દસ​-બાર પાનાંનો લેખ થઈ જાય​. ટૂંકમાં કરું તો પણ ​… !

આ રખડતા માણસે પેન્સિલવેનિયામાં એક મોટો ગંજાવર બંગલો ભાડે રાખ્યો છે. જ્યાં પોતે વરસમાં ૧૦-૧૨ વખત જતો હશે, પણ હજારો લોકો પાસે ઘરની ચાવી છે. ઘરને તાળાં નથી. પ્ર​વેશતાં જ સામે માઇલ જેટલો લાંબો ડ્રાઇવ વૅ છે. સો-બસ્સો વૃક્ષો પાછળ તળાવ અને ૪ ગાડી રહે એવડું મોટું ગરાજ​! ૪-૫ બેડરૂમ અને રાચરચીલાંથી ભરપૂર મહેલ છે, બાપુ!! રાત્રે ઊઠીને પેશાબ લાગે, તો એકલાં બાથરૂમમાં જતાં પણ ફાટી પડાય​! ગરાજમાં જરા પણ અતિશયોક્તિ વગર કહું તો ૧૦૦-૨૦૦ કમ્ફર્ટર, ઓશીકાં, ચાદરો મળી રહે. શું કામ … ખબર છે? કોઈપણ નવા મહેમાન આવે ત્યારે, દોડતો’ક જ​ઈને સુઘોષ નવી ચાદર​, ઓશીકાં, કમ્ફર્ટર લાવે છે. એ જૂની વાપરેલી ચાદરો કે કમ્ફર્ટર ધોવાની માથાકૂટમાં નથી પડતો. મિત્રો માટે અડધો અડધો થઈ જાય ​… સાવ હૈયાકૂટો છે! પોતાના તમામ પૈસા ખૂટી જાય​, ત્યાં સુધી ઘસાઈ શક્તો શક્તિમાન​, બેતાજ બાદશાહ છે. આ રંગમહેલમાં લાખો પુસ્તકો અને લાખો વીડિયો મૂવીઝ છે. તમારે કમ્પલસરી એક મૂવી જોવી જ પડે. જેનું નામ છે, સત્યજીત રે નું ‘જલસાઘર.’ એ મૂવી જોયા પછી સમજાઈ જાય કે જલસાઘરનો જાગીરદાર કે જમીનદાર માણસ એટલે એ પોતે! બીજું કોઈ નહીં. પણ​, સાક્ષાત્‌, સદેહે તમારી સામે હાજરાહજૂર ઊભેલો સુઘોષ પોતે!!!

એની રોજિંદી વાતોમાં ખાસ એ આવે કે તબિયતની કાળજી શી રીતે રાખ​વી, શું ખાવું-પીવું અને કેટલી કસરત કર​વી! વાંચનનો આમરણાંત વિદ્યાર્થી છે. એટલે એ બધાંને એક સલાહ આપે કે : “જગતના મહાન લેખકો મુખ્યત્વે ન​વ છે. એમને વાંચ્યા પછી જ કલમ હાથમાં ઉપાડવાની … જેમ કે, હોમર​, વર્જીલ, દાન્તે, શેક્સપિયર​, મિલ્ટન​, સર​વાન્ટીસ​, ટોલ્સ્ટોય​, દોસ્તોયેવસ્કી, જેમ્સ જોયસ અને માર્શલ પ્રુસ્ય​.”

દરરોજ મશ્કરી કરે કે : “મારો બાપ​, મારી મા અને આ સૂચિ … એ બધાં ‘C’ કક્ષાનાં લેખકો છે!”ત્યારબાદ અમારાં અંગત લોકોને ગ્રેડ આપે. બાબુ સુથાર ‘B’ કક્ષાના અને મધુ રાય એકલા ‘A’ કક્ષાના. આ રીતે જગતના લેખકોની હારમાળામાં મૂકે. લુચ્ચું હસતાં કહે કે : “હું લોકોને ‘C’ ગ્રેડથી નીચે ગ્રેડ નથી આપતો.” બોલો! મારાં ઘરે તો છાશ​વારે મોટા મોટા સાહિત્યકારો આવે. ભલભલાં લોકોને સુઘોષનો ડર લાગે. હું એને મશ્કરીમાં કહું છું કે : “તું કઈ વાડીનો વિવેચક છે કે અમારી આમ પત્તર રગડે છે!” મારે ત્યાં આવતાં તમામ મહેમાનોને લોંગ​વુડ ગાર્ડન, સ્ટ્રક્ચરલ ગાર્ડન અને પોતાનાં નિવાસસ્થાને આગ્રહ કરી કરીને અચૂક લઈ જાય​. બહુ પ્રેમથી રાખે અને દોડી દોડીને આવાં જગ મશહૂર સ્થળોનું દર્શન કરાવે. તમે જો જગતના મહાન લેખકોને વાંચ​વાની તૈયારી બતાવો, તો તમારે ઘરે ‘કોઝીઝ ઑફ ગ્રાંટ અમેરિકા’ની ચોપડીઓ અને વીડિયોનો રોજ સાંજે વરસાદ પડે, પડે ને પડે જ​! તમે તો ગભરાઈ જાવ કે આટલું બધું લેસન કેમ કરશું! વાંચતાં વાંચતાં કે લેસન કરતાં કરતાં ગોથું ખાવ, ને સુઘોષને ફોન કરીને પૂછો, તો તમને નોકરી છોડી, હડી મેલતો ભણાવ​વા આવે!

આમ પાછો બહુરૂપિયો છે. જાતજાતનાં કપડાં પહેર​વાનો શોખ છે. નાટકિયો અને ફારસિયો છે. મુસલમાની ઢબ​-છબનાં રંગીન, ચકચકિત કપડાં પહેર​વાનો શોખીન છે. એક વખત કોઈ મોટા ખાં-સાહેબનો જલસો પીટસબર્ગનાં મંદિરમાં હતો. ત્યાં આવા વેશ કાઢી, એક સામાન્ય શ્રોતા તરીકે ગયેલો. ખાં-સાહેબ મોડા પડેલા. તો આ ભાઈસાહેબને જોઈને ઑર્ગેનાઇઝર લોકોને થયું કે ખાં-સાહેબ આવી ગયા! સુઘોષને ધામધૂમ સાથે સ્ટેજ પર લ​‌ઈ ગયા. આપણો બાપલિયો પાછો ઠાઠથી સ્ટેજ પર ચડી પણ ગયો! ગુજરાતી એકૅડેમીનાં કોઈ પણ ફંક્શનમાં આવા વેશ કાઢીને જ આવે છે. ત્યારે હું એને હંમેશાં કહું છું કે : “મારી પાસે ન બેસતો હોં … બધાં મને પૂછે છે કે આ ભાઈ કોણ છે?”

સુઘોષને જિંદગીમાં કોઈ ટાઇમટેબલ નથી. જેથી પરણ્યો પણ નથી. એકલો રહે છે. કારણ કે એને પત્ની કરતાં સ્વતંત્રતા વધુ વહાલી છે! મૅરેજ ઇન્સ્ટિટ્યૂટનો વિરોધી છે. હંમેશાં ગાતો ફરે છે : “આ પૃથ્વીનું હું પુષ્પ​, માન​વી ગુલામ ​…”

સાવ ખિસકોલી જેવો છે. ક્યાં કૂદકો મારશે એ ખબર ન પડે! આપણને કહે કે : “દસ મિનિટમાં આવું છું.” અને બે કલાક પછી ખબર પડે કે ભાઈ તો કેલિફોર્નિયા જ​વા માટે ઍરપૉર્ટ પર બેઠા છે! ગામે ગામ નોકરી કરે. ગમે ત્યારે નોકરી છોડી, મહિનાઓ સુધી યુરોપના પ્ર​વાસે ઊપડે! ઇટાલીનાં ફ્લોરેન્સ મ્યુઝિયમમાં આપણા મધુસૂદન કાપડિયાને ‘હલ્લો’ કરતો મળે!

એક બીજી પણ ખાસિયત છે … હજારો મિત્રો છે. પણ કોઈ પણ મિત્રની વાત કરે, ત્યારે પુરુષ મિત્ર મહેમૂદ અને સ્ત્રી મિત્ર એટલે ઝુબેદા! આપણે પૂછીએ કે “ઈ કોણ​?” ત્યારે જ​વાબ મળે કે, “આ મેં પાડેલાં જિનેટિક નામ છે.”

પોતે સાવે સાવ નાસ્તિક માણસ છે. ભગ​વાન કે અલ્લાહમાં માનતો નથી. પણ ચુસ્ત​, હળાહળ હિન્દુઓને ચીડ​વ​વા-મસ્તી કર​વા માટે જોર​-શોરથી બોલતો ફરે છે : “સલામ આલેકુમ​. ખુદા હાફિઝ. લા ઇલાહી ઇલ્લલા મહમદ રસુલ અલ્લા.” અમારાં ખોજા મિત્રનાં બાળકો તો એને કોઈ મોટો સૂફી સંત માની એના હાથ ચૂમે છે. અરે! ‘જય સ્વામીનારાયણ’ બોલતાં લોકોને ભરી છાતીએ સામે બોલે છે : ‘જય તાલિબાન​.’

‘વસુધૈવ કુટુંબ’ જેવડો એનો સંસાર મોટો છે. મિત્રોને પ્રેમ કર​વો, કોઈ પણ માટે ખડે પગે ઊભા રહેવું, મદદ કર​વી અને એનો લેશમાત્ર ભાર ઉભય પક્ષે ન રહે, એવી દિલોજાની શીખ​વી હોય તો … પતિદેવની ભાષામાં કહું તો ‘આ બાઘડાને મળો!’

કોઈની ગાડી ન્યુયોર્કમાં ફસાઈ જાય તો પોતે ભલે ને પેન્સિલવેનિયામાં હોય​. પણ (પાઇક) ઉપરથી પાછો ફરી, ન્યુયોર્ક જઈ, પોતાનું ટ્રિપલ એ કાર્ડ વાપરી ગાડી સમી કરાવે. મિત્રોનાં જુવાન બાળકોને ગાડી આપે. ઇન્ટર​વ્યૂમાં લાંબે અંતરે જ​વા પ્લેનની ટિકિટ કઢાવી આપે. રાત્રે રહેવા માટેની મોટેલ બુક કરે. સાવ અજાણી વિધ​વા સ્ત્રીને ૫૦૦ માઇલ ભાગી રાઇડ આપે. નોકરી મળે ત્યાં સુધી રહેવાં-જમ​વાની વ્ય​વસ્થા કરે.

આ બધાં ઉપરાંત એક મોટી ઉંમરનાં દંપતીને તો ગંજાવર મહેલનાં માલિક બનાવી દીધાં છે. સાવ ‘બાગબાન​’ મૂવી જેવી વાત છે. દીકરા-વહુએ દગો દીધેલાં ઘરડાં મા-બાપને પ્રેમથી સાચ​વે છે.

મોટાં, પહોળાં ક્ષેત્રમાં પથરાયેલા સુઘોષને શબ્દોમાં પરોવ​વો અઘરો છે. આ છોકરા પાસેથી એટલું શીખી છું કે ભગ​વાનની પૂજા કરતાં પણ વિશેષ, મિત્રો સાથે કરેલી મિજબાની છે. મારું અહોભાગ્ય છે કે હું પણ એની જિનેટિક ઝુબેદા ડોશી છું!

e.mail : girishsuchi@comcast.net

Loading

‘મારી ખીર શરૂ કરાવી દે’

મહાવીર ત્યાગી|Opinion - Opinion|12 December 2020

સને 1938માં દહેરાદૂન જિલ્લાની જમીનોની સરકાર તરફથી તપાસ શરૂ થઈ હતી. પહેલાં મેં આવો બંદોબસ્ત થતો જોયો ન હતો. એટલે મારે માટે એ વાત નવી હતી. એમાં આખા જિલ્લાની જમીનનાં માપ લેવાય. પછી દરેક ગામના ખેડૂતો અને જમીનદારો ઉપર નોટિસ નીકળે. એમાં જણાવવામાં આવે છે કે, તમારા ખાતામાં અમુક અમુક નંબરો છે. એ જમીન ‘મૌરૂસી’ (વારસાગત) છે કે ‘શિકમી’ (સાંથે), ‘સૂફી’ (ચોમાસુ) છે કે ‘પીત’ની, એ જમીન ઉપર મહેસૂલ કેટલું છે અને કેટલા દિવસથી તમારો કબજો છે તે જણાવો. બધાં જ ગામના ખેડૂતોએ વહિવટી ખાતાની કચેરીએ પહોંચી બધી વાતની સચ્ચાઈની ખાતરી કરાવી સહી – અંગૂઠા કરવા પડતા.

ઓચિન્તો મને વિચાર આવ્યો કે લાંચરૂશ્વત અટકાવવી હોય અને સાથે ખેડૂતોને ય મદદ કરવી હોય તો આથી વધારે સારો અવસર જિન્દગીભર ફરી નથી મળવાનો. થઈ રહ્યું. મેં ઘોષણા કરી દીધી કે, ગામેગામના ખેડૂતો પગે ચાલતા સરઘસ કાઢીને દહેરાદૂન આવે અને મારા ‘રૈનબસેરા’ (મારા ઘરનું નામઃ ‘રાતવાસો’)માં મુકામ કરે. ખાવાપીવાની સગવડ પણ ત્યાં હશે અને કાયદાકાનૂનની સલાહ પણ ત્યાં મફત મળશે. પછી તો શું? દિવસમાં કેટલાં ય સરઘસો ગીતો ગાતાં અને ‘જય’ પોકારતાં ‘રેનબસેરા’માં આવવાં લાગ્યાં. ગાંધીજીની જય દસ વાર બોલે તો મારી પણ બે વાર બોલે! રોજ બસોત્રણસો માણસ આવે, વિશ્રામ કરે અને રાતે સૌ ફરિયાદ સંભળાવે. બીજા દિવસના સવારે દસ વાગતાં સુધીમાં તમામ અરજીઓ તૈયાર થઈ જતી. પછી એ કાફલો સરઘસના રૂપમાં મારી સાથે કચેરીએ પહોંચતો. હું અને કોન્ગ્રેસના મારા સાથીદારો આખો દિવસ કચેરીમાં ચોંટી રહેતા. ત્રીજો પહોર થાય એટલે લંગર (રસોડું) ખોલવામાં આવતું. બધા માણસો દાળ–ભાત, ચટણી અને છોલ્યા વગરનાં બટાકા–ટામેટાંનું શાક ખાઈને પાછા ચાલ્યા જતા.

જનસેવાનાં કામમાં મને એક વિચિત્ર અનુભવ થયો છે. જો કોઈ વ્યક્તિ તન્મય થઈને સેવાકાર્યમાં લાગી જાય અને પોતાને લુંટાઈ જવા દે તો લોકો એને લુંટાવા દેતા નથી. એના પર લટ્ટુ થઈ જાય છે. માત્ર આઠ દિવસ મારા દાળ–ચોખા ખાધા પછી ખેડૂતોમાં એવી હવા ફેલાઈ ગઈ કે જે આવે તે તેની સાથે લોટ, દાળ કે ચોખાની પોટલી બાંધતો આવે. કોઈ કોઈ વાર તો ગુણની ગુણ ભરીને લેતા આવે. શી વાત! સીધું ભરપૂર મળી રહેતું. એમાંથી એકલું ખાવાનું જ નહીં; પેલા મુનશીઓનો પગાર અને વકીલોની ફી પણ નીકળી જતાં. આ કામ છ મહિના સુધી રોજ ચાલ્યું.

જ્યારે કોઈને કામ ઘણું રહેતું હોય ને એ સમયે એની પત્ની (નામ : શર્મદા) મરી જાય ત્યારે એણે, સતત રમૂજ કરતા રહેવાની પોતાની ભૂખ પણ, એણે પોતે ઉપાડેલા કામ કરતાં કરતાં જ સંતોષવી પડે છે. જ્યારે કોઈ ખેડૂત પોતાની વાત કહેવા મારી સામે ઊભો રહેતો ત્યારે હું એને કહેતો, ‘પહેલાં નક્કી કરો કે તમારું કામ થઈ જાય, ત્યારે મને થાળી ભરીને ખીર ખવડાવશો?’ આખી સભા હસી ઊઠતી. એ જવાબ આપે, ‘ખીર તમનેયે ખરી ને તમારા કૂતરાને ય ખરી.’ જો કોઈ ખીરની વાત ભૂલી જાય તો હું એને ધમકાવતો –‘તમારી વાત તો કહેતા જાઓ છો, ને મારી વાત તો ભૂલી જવાની, એમ ને? માળા, કંજૂસ!’ બધા લોકો એકબીજા તરફ આંખ મારતા ને હસતા. આ રીતે મારી પાસે કંઈ નહીં તોયે હજાર ખીરની થાળીઓનાં વચન પડેલાં છે. આખી જિન્દગી સુધી ખાઉં તો ય ખૂટે તેમ નથી. અને હવે તો રાજકીય વારસાનો રિવાજ પડ્યો છે એટલે મારા પછી મારા છોકરાંને ખીર ખાવાનો હક રહેવાનો. આ ખીરવાળા મારા સાથી ખેડૂતો જ મને મત આપીને પાર્લામેન્ટમાં મોકલે છે.

જમીનોનું કામ પૂરું થયું એટલે વ્યક્તિગત સત્યાગ્રહ કરવાનો આવ્યો, એમાં જેલની સજા થઈ. એકાદ વરસ પછી છુટ્યો કે પાછો જેલમાં ગયો. આ અમારો છેલ્લો જેલવાસ હતો. બે વરસ પછી પાછો ફર્યો ત્યારે ‘રેન બસેરા’માં ભાડૂતો રહેતા હતા. માત્ર મોટરનું ગૅરેજ અને ઘાસ ભરવાની ઓરડી ખાલી હતી. આવડું મોટું ઘર અને હું તો એકલો! સામાન ઘાસમાં મુકાવી હું આમથી તેમ ફરવા લાગ્યો. મન જ્યારે વર્તમાનને ભૂલીને ભૂતકાળના કોઈ પ્રસંગમાં અથવા ભવિષ્યનાં કોઈ સ્વપ્ન કે કલ્પનામાં ડૂબી જાય છે, ત્યારે આ શરીર પણ મનની આજ્ઞા લીધા વગર શાસનમુક્ત થઈને જૂના સ્વભાવ ને ટેવ અનુસાર કામ કરવા માંડે છે.

સામે કાંટાળા તારની વાડ હતી. તેમાં થઈને હું પેલી પાર પહોંચ્યો. અંદર ફૂલવાડી બનાવી હતી. એક બાજું જંગલી ગુલાબનું ઝૂંડ હતું ત્યાં પહોંચ્યો. એના પર નાનાં નાનાં ગુલાબો ભરચક ખીલ્યાં હતાં. ફૂલોની વેરાયેલી પાંખડીઓ એમની અનાથ અવસ્થા જણાવતી હતી. એમાંથી એક ફૂલ તોડીને મેં સુઘ્યું તો શર્મદાના અંબોડાની મહેક આવી ગઈ. જ્યારે શર્મદા યુ.પી. ઍસેમ્બલીની મૅમ્બર હતી ત્યારે તેણે આ ગુલાબની કલમ ગવર્નરની મડમ પાસથી આણી હતી. કહેવાય છે કે એ ગુલાબને વિલાયતના કોઈ પ્રદર્શનમાં ઈનામ મળ્યું હતું. અસલમાં આ શર્મદાએ વાવેલો છોડ હતો. એ વધ્યો તેમ તેમ અમે પતિપત્ની એની નવી કૂંપળો, પાંદડાં અને કળીઓ જોયા કરતાં હતાં. શર્મદા એનાં ફૂલો પોતાના અંબોડામાં નાખતી હતી. મારા પગને આ તરફ આવવાની ટેવ પડેલી તે અહીં લઈ આવ્યા. એક ફૂલ સુંઘતાં જ એવું લાગ્યું કે આ ફૂલમાં કોઈનો આત્મા વસેલો છે. અને એકદમ મારા આખા શરીરમાં જાણે વીજળી દોડી ગઈ. હું લાગલો જ ઉર્દૂનો શેર બોલી ગયો. એનો અર્થ મારા સિવાય બીજો કોઈ સમજી શકવાનો નથી.

અપને ચમનમેં ઘુમતા હું, મિસ્લે અજનબી,
હૈ શાખો-શજર સબ વહીં; પર આશયાં નહીં.

દુનિયામાં ધીરજ પણ એક એવી ચીજ છે, જેનો સહારો લઈને સંસારમાં જેમને દુઃખ પડ્યાં હોય તે બધાં એમનાં દુખી દિલને દિલાસો આપે છે. આમ તો આંસુઓથી જીવની જ્વાળા હોલવાતી નથી; છતાંયે જરાક ઠંડક તો મળે છે. એ વખતે જે જે વાતોથી બીજાનું દિલ દુભવ્યું હોય તે તે યાદ આવે છે. પણ પંખી ઊડી ગયા પછી પશ્ચાત્તાપ કર્યો તોયે શું! મરેલાં પાછાં આવી શકે એ સંભવિત હોત તો દુનિયાનો રંગ જ જુદો હોત.

પત્નીવાળાઓને મારી સલાહ છે કે : જે કરવું હોય તે કરે; પણ રાતે પત્ની દૂધનો પ્યાલો આપે તો એને પથ્થર પર પછાડશો નહીં. એમ ન કહેશો કે તેં નથી પીધું તો હું પણ નહીં પીઉં. જો વળી પત્ની મરી ગઈ તો એના દિલનો ડાઘ પેલા પ્યાલા પર મૂકતી જશે. એ પ્યાલાને પછી નથી ફેંકી દેવાતો કે નથી એમાં દૂધ પીવાતું મારા બધા જ પ્યાલાંઓ ઉપર એવી મહોબતના ડાઘ છે.

હું બહારની ઓરડીમાં રહેવા લાગ્યો. એમાં સૂવા માટે એક ખાટલો, એમાં જ મારી ઑફિસનું ટેબલ, એમાં જ રેડિયો અને એમાં જ ચાનાં વાસણ. અહીં જ કલેક્ટર ને કમિશ્નર ને ગ્રામનિવાસીઓ આવતા હતા અને ખાટલા પર બેસી વાતો કરતા.

એક દિવસ દેહરાદૂનથી વીસેક ગાઉ દૂર ઢકરાની ગામના બે મુસલમાનો મારી ઓરડી તરફ આવતા હતા. સામે ચક પડ્યો હતો તે જોઈને અટકી ગયા. મેં અંદરથી એમને ઓળખી લીધા અને મોટેથી કહ્યું, ‘‘આવો મખમુલ્લા, અંદર ચાલ્યા આવો.’’ એમણે એકબીજા તરફ જોયું ને જરી વારમાં મખમુલ્લાની આંખમાંથી આંસુની ધારા ઢળતી ઢળતી દાઢીમાંથી ચુવા લાગી. મને થયું કે એમને ઘરે કશીક દુઃખદ ઘટના ઘટી હોવી જોઈએ. જેમને કોઈ કષ્ટ આવી પડતું તે મારે ઘરે આવી મન હળવું કરી લેતા. મખમુલ્લાને રોતા જોઈ ચકનો પડદો ઊઠાવી હું બહાર આવ્યો અને એમના ખભે હાથ મૂકી મેં પ્રેમથી પૂછ્યું, ‘કહો શી વાત છે? ઘરે બધા ખુશીમઝામાં છે?’ આંસુ લૂછી એણે જરા હસીને કહ્યું, ‘કોઈ ખાસ વાત નથી. તેં મારું નામ લઈને મને બોલાવ્યો તેથી મને રડવું આવી ગયું.’ અંદર આવી મખમુલ્લા અને તેના ભાઈ બન્ને પગ સાફ કરી ખાટલા ઉપર બેઠા. હું સામે ખુરસી ઉપર બેઠો હતો. મેજ ઉપર વીસ કે પચીસ રૂપિયા મૂકી મખમુલ્લાએ કહ્યું, ‘જેલમાંથી છૂટીને તું આવ્યો છે, કોણ જાણે તારી પાસે ખાવાનું ય હશે કે નહીં.’ જમીનની આકારણી થઈ તે દિવસોમાં ખેડૂતો વિવિધ પ્રકારની ચીજો મને ભેટ આપતા હતા. એક વખત ગામના એક માણસે નશો કરેલો, તેની ગંધ મને આઘેથી આવતી હતી. એણે ભરી સભામાં કાચા દારૂનો શીશો મારા હાથમાં ઠસાવી દીધો અને કહ્યું, ‘ગાંધી માર્કાની છે. થોડી થોડી પીજે.’ મેં મખમુલ્લાના રૂપિયા રાખી લીધા અને પૂછ્યું, ‘ઘરે બધા મઝામાં છે?’ એણે કહ્યું, ‘ખુદાની મહેર છે. બધા મોજ કરે છે અને તને દુઆ દે છે. આકારણી થઈ ત્યારે તેં મહેસૂલ ઓછું કરાવી આપ્યું હતું. તું તો જેલમાં જતો રહ્યો. એ પછી પરવર દિગારની એવી બરકત થઈ કે બસ પૂછો જ નહીં. એક તરફ જર્મન લોકોની લડાઈ શરૂ થઈ અને બાસમતીના ભાવ પિસ્તાળીસ રૂપિયા સુધી ચડી ગયા. મજૂરોએ મજૂરીનો રોજનો સવા રૂપિયો કરી દીધો. બસ, મેં, મારા છોકરા, છોકરાની વહુઓ અને છોકરીઓના જમાઈઓ એ બધાંને કામમાં જોડી દીધાં. ખેતરોમાં બાસમતી ચોખા રોપી દીધા. એક જ ફસલમાં મારું કરજ પણ ઊતરી ગયું અને બે ભેંસ પણ ખરીદી લાવ્યો. બેચાર દિવસ તો બળી ખાધી. પછી જ્યારે દૂધ ફાટવાનું બંધ થયું ત્યારે છોકરાની વહુએ ખીર બનાવી. થાળીમાંથી બે કોળિયા ખાધા હશે ને અચાનક મને તું સાંભર્યો. યા અલ્લા ! જેણે ખીર ખવરાવી તે તો જેલમાં પડ્યો છે અને તું ખીર ખાય છે? બસ, ત્રીજો કોળિયો મોંમાં ના પેઠો. તે દી’ની ઘડી ને આજનો દી’ – ત્રણ વરસ થઈ ગયાં. તારા ખેદમાં મારે ઘેર ખીર નથી બની. હવે તું ચાલ, મારી ખીર શરૂ કરાવી દે.’

મખમુલ્લાની વાત યાદ કરીને મને આજે પણ એમ લાગે છે કે જનસેવાનું આથી ઊંચું પ્રમાણપત્ર મને આજ સુધી મળ્યું નથી ને હવે પછી મળશે પણ નહીં. ખરો ‘ગાંધી માર્કો’ તો આ હતો. એના નશાના અમે બંધાણી હતા. હવે તો મોસમ બદલાઈ ગઈ છે. સેવા અને શાસન બન્ને નશા એક સાથે નથી કરી શકાતા. જો સેવા મુખ્ય હોય તો શાસન પણ સારી રીતે  ચાલે; પણ જ્યારે શાસન ઊંચે અને સેવા નીચે – એવું થઈ જાય છે ત્યારે દેશની સલામતી નથી. આ ચોપડી છપાય તે પહેલાં મારા મિત્ર મખમુલ્લાનો ફોટો લેવા હું ઢકરાની ગયો હતો. પણ તેમનો તો દેહાંત થઈ ગયો હતો. ઈશ્વર એમના આત્માને શાંતિ આપે.

•••••••••

અને છેલ્લે …

પં. મોતીલાલ નેહરુને પોતાને હાથે શાકભાજી બનાવવાનો ને કડક ચા તૈયાર કરવાનો ભારે શોખ હતો. સને 1921ની વાત છે. લખનૌ જેલની દિવાની બૅરેકમાં અમને રાખવામાં આવ્યા હતા. ત્યારે એમનાં શાકભાજી હું સુધારી આપતો હતો. એક વાર એમણે બટાકાની સૂકી ભાજી બનાવી હતી. હું કોઈ બીજી બૅરેકમાં ગપ્પાં હાંકવા ચાલ્યો ગયો હતો. પાછા આવીને મેં પૂછ્યું, ‘ભાજી ઠંડી પડી ગઈ છે, ભાઈજી, તમે કેમ ખાધી નહીં?’ એમણે કહ્યું, ‘કેવા ઉમંગથી બનાવ્યું છે! પણ તું જતો રહ્યો તડાકા હાંકવા. હું શું એકલો એકલો ખાઉં?’ સુખની ખરી મઝા તો સહિયારી રીતે માણવામાં છે. આ જ નિયમ દુઃખને પણ લાગુ પડે છે. હસવા માટે કોઈ સાથીદારની જરૂર પડે છે; તેમ રડવાનું પણ પોતાના ગણાય એવા માણસોની વચમાં હોય તો જ ફાવે.

આજકાલ સંસાર વ્યાપારપ્રિય થતો જાય છે. આથી પ્રેમ પણ એક ધંધાદારી વસ્તુ બની ગઈ છે. બધું જોઈ વિચારીને જ પ્રેમ કરવામાં આવે છે; અને ઘીમાં લોકો જેમ ડાલ્ડા ભેળવે છે તેમ પ્રેમમાં ખુશામત ભેળવે છે. પોતે તો કોઈના પર પ્રેમ કરતા નથી; છતાં બીજા એમના પર આશક થઈ જાય એમ ઈચ્છે છે.

‘સ્વરાજની લડતના તે દિવસો’ પુસ્તિકાની લેખકે લખેલી ‘પ્રસ્તાવના’ના અંશો ..

લખાયા તારીખ 31-12-1962; ‘રૈનબસેરા’ – દેહરાદુન

લેખકના ‘સ્વરાજની લડતના તે દિવસો’ પુસ્તક (પ્રકાશક–‘સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય’, ભદ્ર, અમદાવાદ–380 001 ચોથી આવૃત્તિ – 2001 પૃષ્ઠસંખ્યા –1 32 મૂલ્ય – રૂપિયા વીસ)ના પાન ક્રમાંક 62થી 71 પરથી–થોડું ટૂંકાવીને સાભાર.

સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ પાંચમું – અંકઃ 181 –December 20, 2009

Loading

...102030...2,1252,1262,1272,128...2,1402,1502,160...

Search by

Opinion

  • ગઝલ
  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved