Opinion Magazine
Number of visits: 9747822
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાદિક નૂર પઠાણ : રેડિયોનો બુલંદ અવાજ

કિરણ કાપુરે|Opinion - Opinion|14 December 2020

કોઈ પૂછે કે તમે ખુદાના બંદાને જોયો છે? જેઓ સાદિકભાઈને મળ્યા હશે તેઓ અચૂક જવાબ ‘હા' આપશે. આ ખુદાના બંદાનું 3 ડિસેમ્બરના રોજ કોરોનાના કારણે અવસાન થયું. આમ સાદિકભાઈ રેડિયોના ફનકાર. ઑલ ઇન્ડિયા રેડિયોમાં વિવિધ પદે અને લાંબા સમય સુધી આસિસ્ટન્ટ સ્ટેશન ડિરેક્ટર તરીકે તેમણે કામ કર્યું. ગુજરાતના રેડિયો સાથે સંકળાયેલી એક આખી પેઢી તેમની પાસેથી રેડિયોના પાઠ ભણી છે. આ તો થઈ તેમની વ્યવસાયિક ઓળખ; પણ ખરા અર્થમાં સાદિકભાઈની ઓળખ આપવી હોય તો તે આત્મીયજન તરીકેની. જ્યાં જ્યાં તેઓ ગયા, જેમને પણ મળ્યા ત્યાં આત્મીયતા બાંધી. રોજબરોજ મળવાનું થાય કે પછી વર્ષો પછી સાદિકભાઈનો એ જ પ્રેમ અને હૂંફ જોવા મળે.

મારે તેમની સાથે દોઢ દાયકા દરમિયાન સમયાંતરે મળવાનું થયું. સૌપ્રથમ 2006માં ગુજરાત યુનિવર્સિટીમાં પત્રકારત્વનો અભ્યાસ દરમિયાન સાદિકભાઈને શિક્ષક તરીકે જોયા. ક્લાસ લેતા સાદિકભાઈનું ચિત્ર આજે પણ આબેહૂબ ચીતરી શકાય તેવું મનમાં જડાયેલું છે. તેમણે અવાજ કેવી રીતે સાંભળવો તે શીખવ્યું. અને ખાસ કરીને તો આપણી આસપાસની સૃષ્ટિનો અવાજ, જે આપણે રોજબરોજની ભાગદોડમાં ચૂકી જઈએ છીએ. સાદિકભાઈને આપણી આસપાસના અમૂલ્ય અવાજ સાંભળવાનો એટલો મહાવરો હતો કે વિદ્યાર્થીઓને તે શિખવાડી શકતા, અને તે પણ સહજતાથી. શિખવાડવાની આ ટેકનિકના કારણે જ તેઓ નિવૃત્ત થયા બાદ પણ ઑલ ઇન્ડિયા રેડિયોના ટ્રેનિંગ વિભાગમાં બરકરાર રહ્યા. તેમનો ઑલ ઇન્ડિયા રેડિયો સાથેનો અને તે પછીનો નિવૃત્તિનો કાળ આમ રેડિયોમાં કારકિર્દી ઘડનારાં અનેક વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બની રહ્યો. રેડિયોમાં આજે અનેક એવા અવાજ બુલંદી પર છે, જેઓનો અવાજ ઘૂંટવાનું કામ સાદિકભાઈને આભારી છે.

અવાજથી સાદિકભાઈની એક ઓળખ બંધાઈ પછીનો પરિચય કેળવાયો તે એક લેખક તરીકેનો. 2008ના ‘આરપાર' સામયિકના દિવાળી વિશેષાંક ‘પ્રિયજન' વિષય પર અંક કરવાનો થયો ત્યારે તેમને પણ પોતાના પ્રિયજન વિશેનો નાતો ઉપસાવીને લખવાનું આમંત્રણ પાઠવ્યું. તેમણે તે સ્વીકાર્યું અને પછી તે અંકનો બેનમૂન કહેવાય તેવો લેખ તેમણે લખી આપ્યો. આ લેખમાં પારિવારિક મિત્ર બાબુલાલ વિશે સાદિકભાઈએ લખ્યું છે. આમ તો સાદિકભાઈએ જે લાગણીથી આ પ્રિયજનની વાત માંડી છે તે સંપૂર્ણ જ વાંચવી રહી, પણ અહીં ટૂકમાં એ વાત. સાદિકભાઈ લખે છે :

“1965-66માં અમારું કુટુંબ ખૂબ ગરીબ અવસ્થામાં અમદાવાદના બહેરામપુરા વિસ્તારના સ્લમ ક્વાર્ટ્સમાં રહેવા ગયું. હું નજીકની એક મ્યુનિસિપલ ઉર્દૂ સ્કૂલમાં ભણતો. મારા ભાઈઓ છૂટક કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા. મોટા ભાઈ અફઝલનૂર કોઈ કાસમભાઈ મેમણને ત્યાં ‘ટેણી’ તરીકે ઑટોમોબાઇલના કારખાનામાં કામે લાગી ગયા હતા. ત્યાં એક દિવસ, બાબુલાલ મલ્હોત્રા બૅટરીવાળા એમના ધંધાના કામ માટે આવ્યા અને પૂછ્યું, ‘મંમદ કિધર રહેતા હૈ?’ ભાઈનું નામ મંમદ નહોતું. પણ પ્રશ્ન એમને પુછાયો હતો, તેનો જવાબ આપ્યો, ‘બહેરામપુરા.’ બાબુલાલને આંચકો લાગ્યો. “તું બહેરામપુરા સે નરોડા, ઇતની દૂર આતા હૈ? ભાડે કી સાઇકલ પર?” કહીને ભાઈએ બાબુલાલ તરફ પહેલીવાર જોયું. કડક ઇસ્ત્રીવાળા સફેદ લિબાસમાં સજ્જ, આંખે ધૂપનાં ચશ્માં, પગમાં સોનેરી એમ્બ્રૉઇડરીવાળા પઠાણી સૅન્ડલ, સામાન્ય બાંધાના ક્લીન શેવ્ડ, આધેડ ઉંમરના શેઠ જેવા લાગતા પંજાબી બાબુલાલજી એમની તરફ હેતપૂર્વક જોઈ રહ્યા હતા. બાબુલાલ જાણે આવા જ કોઈ ટેણીને શોધી રહ્યા હતા. તરત બૂમ પાડતા કહ્યું, “અરે ઓ કાસમ, યે છોકરા ઇતની દૂર સે આતા હૈ. ઇસે મૈં લે જાતા હૂં. ઉધર કરીબ પડેગા ઇસકો.”

બીજા દિવસથી મારા ભાઈનું નામ ‘ટેણી’માંથી મંમદ અને એમના નવા શેઠ બાબુલાલ મલ્હોત્રા થઈ ગયા. કેલિકો મિલના ઝાંપા નં. 6 પાસે આવેલી એમની મોટરની બૅટરીઓ બનાવવાની દુકાન હતી. ત્યાં કામ કરતાં કરતાં મારા ભાઈ અને બાબુલાલનો વચ્ચેનો સંબંધ શેઠ અને નોકરમાંથી બાપ-દીકરા જેવો ક્યારે થઈ ગયો એની કોઈને ખબર ન પડી.

બાબુલાલ પોતે ધનાઢ્ય નહોતા. પચાસના દસકામાં એ દિલ્હીમાં બેકાર ફરતા હતા. એમના મોટા ભાઈ પૂરણસિંહ સાથે નિરંકારી કૉલોનીમાં એ રહેતા. લગ્ન થઈ ગયા પછી પણ કોઈ કામધંધો નહીં કરતાં મોટા ભાઈએ ઠપકો આપ્યો. એટલે, કંટાળીને એક દિવસ અમદાવાદની ટ્રેન પકડી લીધી. અહીં બૅટરીનું કામ શીખ્યા અને થોડાંક વર્ષોમાં પોતાનો બૅટરીનો ધંધો શરૂ કરીને કુટુંબ સાથે અહીં ઠરીઠામ થયા હતા.

મારા ભાઈ મોટા થયા. અલગ દુકાન કરવાની ઇચ્છા મનમાં જાગી. દીકરો બાપને કહે એવી જ રીતે, બીતાં બીતાં એક દિવસ મનની વાત ભાઈ સમક્ષ મૂકી. ક્ષણના ય વિલંબ વગર સ્વીકારાઈ. જોતજોતામાં દરિયાપુર દરવાજા પાસે એક દુકાનના માલિક મહંમદભાઈ બેટરીવાળા જાણીતા થવા લાગ્યા. બાબુલાલ મલ્હોત્રાએ આપેલું નામ જ એમણે અપનાવી લીધું અને એમનું મૂળ નામ ઘરના સભ્યોને જ ખબર છે. અલગ દુકાન કરવાથી અમારા બે કુટુંબના સંબંધોમાં જરા સરખો પણ ફેર ન પડ્યો. સપ્ટેમ્બર 1969ના છેલ્લા અઠવાડિયામાં મારા ભાઈનાં લગ્ન થવાનાં હતાં. સામેના મેદાનમાં મંડપ બાંધવાની તૈયારી શરૂ થઈ ગઈ હતી. લગ્નને ચારેક દિવસ રહ્યા હતા. બાબુલાલ અને રાજભાભી છેલ્લી તૈયારી જોઈ ગયાં હતાં.

અચાનક શહેરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં. અમારા માટે રમખાણોનો પહેલો અનુભવ હતો. જીપો ભરી ભરીને લોકોને ક્યાંક ખસેડવામાં આવી રહ્યા હતા. અમે પણ લેવાય એવા એક બે પોટલા સાથે લઈને, લગ્નની બધી તૈયારીઓ એમની એમ મૂકીને ઘર છોડી ગયા. જમાલપુરમાં એક સ્થળે રાહત કૅમ્પ બનાવીને રમખાણગ્રસ્તોને રાખવામાં આવ્યા હતા. શહેરમાં કરફ્યૂ લાદવામાં આવ્યો હતો. કરફ્યૂમાં જ્યારે છૂટ મળી ત્યારે કેમ્પમાં ચહલપહલ થઈ. કોઈના સંબંધીઓ એમને લેવા આવ્યા હતા. કોઈ ખોવાયેલાઓને શોધી રહ્યા હતા. ત્યાં જ મોટાભાઈએ બૂમ પાડી : “ભાઈ ભાઈ, ભાઈ, અમ્મી, ભાઈ આયે.” હા, સાચે જ બાબુલાલ મલ્હોત્રા સામે ફાંફાં મારી રહ્યા હતા. કોઈને પૂછી રહ્યા હતા. અને એમનો મંમદ સફાળો દોડી ગયો ભાઈ તરફ. સાઇકલની આગળની સીટ ઉપર નાનકડા એ દીકરા રાજુને બેસાડીને અને પાછળના કેરિયર ઉપર લોટનો એક ડબો, એમાં એક નાના સ્ટીલના ડબામાં તેલ અને પડીકાઓમાં થોડું સીધું રાજરાણી ભાભીએ મૂકી આપેલું, એ લઈને આવ્યા હતા. ખૂબ વ્યથિત અને થાકેલા બાબુલાલ છેક અંદર કૅમ્પમાં એમની પર્દાનશીન ‘અમ્મી’ને મળવા આવ્યા હતા. અમ્મીના ચરણોમાં બેસીને એ પોક મૂકીને રડવા લાગેલા. આટલા કોલાહલમાં પણ અમારા સૌ વચ્ચે સન્નાટો છવાઈ ગયો હતો. કરફ્યૂ લગાવાની એનાઉન્સમેન્ટ થતાં બાબુલાલ ઊભા થયા. મંમદને થોડા દૂર જઈને ખભે હાથ મૂકીને કંઈક વાત કરી. ખીસામાંથી થોડા પૈસા કાઢીને આપ્યા. બંને ‘ભાઈઓ’ દૂર થોડી વાર રડતા રહ્યા હતા. થોડા દિવસ પછી અમારા એક સંબંધી એમના ઘરે લઈ ગયા હતા. બધું થાળે પડ્યું ત્યારે ખબર પડી કે ઘર અને દુકાન બંને સાફ થઈ ગયાં હતાં. પોતાની દુકાનમાંથી માલ લાવી બાબુલાલે અમારી દુકાન ફરી ચાલુ કરાવેલી અને ભાઈનાં લગ્ન સાદાઈથી થઈ ગયા.

સમયની રફ્તાર સાથે અમારા બંને કુટુંબોના સંબંધો વધુ ને વધુ ગાઢ થતા ગયા. સુખ-દુઃખના પ્રસંગોમાં બધા વ્યવહારો એવી જ રીતે સચવાયા જેવી રીતે લોહીના સંબંધોમાં સચવાય છે. બાબુલાલના મોટાભાઈના અવસાન પછી એમના પરિવારને પણ સાચવવા બાબુલાલના પરિવારે દિલ્હી જવાનું નક્કી કર્યું અને ફરીવાર એ હંમેશને માટે દિલ્હીના થઈ ગયા.

આજે ય દિલ્હીમાં અમારા સૌના માટે નિરંકારી કૉલોની સૌથી જાણીતી જગ્યા છે. કેમ કે ત્યાં અમારા કુટુંબીજન – અમારા ‘પ્રિયજન' વસે છે.”

***

મલ્હોત્રા પરિવાર સાથેનો તેમનો આ સંબંધ પ્રિયજનની વ્યાખ્યા ઘડી શકાય તે રીતે તેમણે શબ્દોમાં ઊતારી આપ્યો. આ લખાણ પરથી અવાજના આ કલાકારનો એ જ કક્ષાના લેખક સાદિકભાઈનો પરિચય થયો.

વિદ્યાર્થીઓ વચ્ચે સાદિક નૂર પઠાણ

સમયના વહેણમાં વર્ષો વીત્યાં અને પછી ‘નવજીવન'માં જોડાવાનું થયું. 2019માં ‘નવજીવન ટ્રસ્ટ’ અંતર્ગત સાબરમતી જેલના બંદીવાનો જેલમાં જ પત્રકારત્વ અભ્યાસ કરી શકે તે માટે એક કોર્ષ શરૂ કરવામાં આવ્યો. કોર્ષ દરમિયાન સાદિકભાઈને વર્ગો લેવા માટે લઈ જવાનું થયું. ઑલમોસ્ટ એક દાયકા પછી તેમને ફોન જોડ્યો અને અગાઉ સાંભળેલો એ જ પ્રેમથી છલકાતો અવાજ કાને પડ્યો. ક્લાસનો દિવસ નક્કી થયો અને તેઓ ને હું સાબરમતી જેલના બંદીવાનોના એ બૅરેકમાં પહોંચ્યા જ્યાં આ વર્ગો લેવાતા હતા. આ વખતે મારે સંયોજક તરીકે જવાનું થયું હતું પણ વર્ગમાં બેઠો એક વિદ્યાર્થી તરીકે. સાદિકભાઈએ વર્ગ લેવાનું શરૂ કર્યું અને એક-એક બંદીવાન તેમની રેડિયોયાત્રામાં જોડાતો ગયો. રેડિયો શીખવામાં તો ખરા જ, પણ સાથે તેમના વ્યક્તિત્વમાં છલકાતાં આત્મીય ભાવ સાથે પણ. આમે ય જેલમાં લાગણી પ્રદર્શિત કરવાની તક ભાગ્યે જ બંદીવાનભાઈઓને મળે છે. પણ સાદિકભાઈના વર્ગમાં એકેક બંદીવાન શીખતાં-શીખતાં લાગણીસભર થયા. તેમણે બંદીવાન વિદ્યાર્થીઓને રેડિયો પર કેવી રીતે બોલવું એ તો શિખવાડ્યું પણ કક્કાવારીના એક-એક શબ્દનો અર્થ અને તેના ઉચ્ચાર પાછળનું વિજ્ઞાન સમજાવ્યું. આ વર્ગ સામાન્ય રીતે બપોરે બે વાગ્યાથી લઈને ત્રણ સુધી રહેતા. ચાર વાગે તો આમે ય બંદીવાનભાઈઓનું રાતનું ભોજન આવે, એટલે ઘણી વાર તેની વેતરણમાં બંદીવાનોને વહેલા નીકળવાનું બને. પણ સ્મૃતિમાં છે ત્યાં સુધી સાદિકભાઈના વર્ગો સાડા ચાર સુધી ચાલ્યા હતા અને તેમાં એક પણ બંદીવાન બહાર ગયો નહોતો. બંદીવાનોને શિખવાડવા માટે પણ તેઓ આગવી તૈયારી કરીને આવ્યા હતા. તેમની પાસે ટેપરેકૉર્ડર, માઇક તો હાથવગું રહેતું; જેમાં રેડિયોનો તુરંત ડેમો આપી શકતા.

કોઈને એવું લાગી શકે કે રેડિયોમાં બોલવાનું શિખવાડવાનું હોય તેમાં વળી શું? પણ સાદિકભાઈ અવાજના આરોહ-અવરોહ, કેવી રીતે કયો શબ્દ ઉચ્ચારવો અને જ્યારે શબ્દ કોઈ વિશેષ રીતે બોલાય ત્યારે તેનો અર્થ કેવો અલગ-અલગ નીકળી શકે તે પણ બકાયદા ઉદાહરણ સાથે સમજાવતા. અહીંયાં આ એક પાસું રેડિયો શિખવનાર શિક્ષકનું હતું, પણ બંદીવાનો સાદિકભાઈ તરફ આકર્ષાયા તેનું મુખ્ય કારણ બંદીવાનોને વર્ગમાં આત્મવિશ્વાસ સાથે બોલતા કેળવવામાં. એક પછી એક બંદીવાનોને માઇકમાં બોલતા કર્યા અને તેઓના અવાજની વિશેષતાની લંબાણપૂર્વક વાત કરી અને મર્યાદા ટૂંકમાં બતાવી.

સાદિકભાઈનો રેડિયોનો દીર્ઘ અનુભવ તો બંદીવાનો શરૂઆતમાં જ પારખી ગયા અને તેઓએ તે વિશેના ખૂબ પ્રશ્નો પૂછ્યા, તેમાં વાત ઉચ્ચારથી શરૂ કરીને આવી ઓમકાર પર. પોતાના અવાજ અને સ્વસ્થતાના રહસ્યનું એક કારણ ઓમકારના રિયાઝને ગણાવ્યું હતું. ઓમકારની અનુભૂતિ તેઓ ક્લાસમાં સૌને કરાવી શક્યા હતા.

આર.જે. દેવકી, ધ્વનિત ઠાકર અને ઑલ ઇન્ડિયા રેડિયોના સાથીદાર તુષાર શુકલ સાથે સાદિકભાઈ

સાદિકભાઈનું આ પ્રથમ વ્યાખ્યાન પૂર્ણ થયું અને બંદીવાનો તરફથી બીજા વ્યાખ્યાનની માંગણી થવા માંડી. બીજું વ્યાખ્યાન ગોઠવાયું અને તેમની સાથે ફરી જવાનું થયું. ફરીથી રેડિયો શિખવવાનો ક્રમ નવી વાત, દાખલા સાથે આરંભાયો. બીજા વર્ગમાં તો એવું ચિત્ર ઊભું થયું જાણે કે બંદીવાનો સાથે સાદિકભાઈનો વર્ષોનો નાતો હોય! સૌ કોઈ તેમના આજ્ઞાકારી વિદ્યાર્થી બની ગયા. સાદિકભાઈના વર્ગ દરમિયાન બંદીવાનોની આંખોની ચમક આજે પણ આંખ સામે ઝળહળે છે. આ રીતે બેથી સાડા ચાર વાગ્યા સુધી ચાલેલા બે વર્ગોમાં સાદિકભાઈએ જે આત્મીયતા બંદીવાનો સાથે કેળવી તે મહિનાઓ સુધી મારાથી નહોતી કેળવાઈ. વર્ગ પૂર્ણ થયા બાદ એક-એક બંદીવાનોને ભેટ્યા અને સાદિકભાઈ સાથે બંદીવાનોની ગોઠડી છેક મુખ્ય દ્વાર સુધી ચાલી.

જેલથી પાછા ફરતી વેળાએ સાદિકભાઈની ગાડીમાં આવવાનું હતું. રસ્તામાં અલપઝલપ વાત થઈ અને પછી તેમના જીવન પર વાત આવી. વાત કહેવામાં તે અને સાંભળવામાં હું એવા મગ્ન થયા કે ઉસ્માનપુરા જ્યાં મારે ઉતરવાનું હતું ત્યાં ગાડીમાં બેઠા બેઠા અડધો કલાક નીકળી ગયો. રમખાણોમાં તેમનો પરિવાર કેવી રીતે ખુંવાર થયો હતો, તે વાત કહી અને તે વેળાએ મદદ કરનારા પારિવારિક હિન્દુ મિત્ર બાબુલાલને ખૂબ યાદ કર્યાં. જો કે આ વાત એક ઘટના તરીકે કહેવાઈ, તેમાં રમખાણોની પીડાનો રોષ નહોતો. અહીં એક વાત જરૂર કહેવી રહી કે આટલું બધું રમખાણોમાં ગુમાવ્યા છતાં સાદિકભાઈએ આજીવન પ્રેમની વહેંચણી કરી છે. અને એટલે જ તેમનાં પરિચિતોમાં આજે તેઓ પ્રેમરૂપી બીજ રોપીને ગયા છે.

તેમના રેડિયો અને જીવન સંબંધિત અનેક ઘટનાઓ એવી છે, જે લખાવી જોઈતી હતી. છેવટે જ્યારે છૂટા પડ્યા ત્યારે તેમના જીવન પર કશુંક નક્કર લખાવું જોઈએ તે શરતે …. ગાડીનો દરવાજો ખોલ્યો અને સસ્મિત સાદિકભાઈએ કહ્યું કે ફરી મળીએ. કમનસીબે તેમના જીવનના આ કેટલાક કલાકોનો હિસ્સો અહીં શબ્દોમાં ઉતારી શકાયો. એક ગુજરાતીનું આટલું ઉમદા જીવન શબ્દબદ્ધ થયા વિના રહી ગયું તેનો અફસોસ કરીએ એટલો ઓછો છે.

[www.navajivan.inના સૌજન્યથી]

Loading

અદાલત ગુનેગાર પાસે સમય માગે એવો તો આ પહેલો દાખલો હતો

રમેશ ઓઝા|Opinion - Opinion|13 December 2020

૧૮ મી એપ્રિલ, ૧૯૧૭. ગાંધીજીને ચંપારણમાં મોતીહારીની અદાલતમાં બપોરે બાર વાગ્યે હાજર થવાનું હતું. જેલ જવાની તૈયારી તો તેમણે બે દિવસ પહેલાં ૧૫મી એપ્રિલે હજુ તેઓ મુઝફ્ફ્રપુર હતા ત્યારે જ કરી લીધી હતી. જ્યારે તેમણે જેલમાં લઈ જવા માટેના સામાનની થેલી અલગ કરી ત્યારે જ તેમણે તેમના બિહારના નેતાઓને પૂછ્યું હતું કે, “જો મને જેલમાં મોકલવામાં આવે તો તમે શું કરશો?” કેટલાક નેતાઓ ચૂપ રહ્યા. એક નેતાએ કહ્યું કે તેઓ પોતાના સ્થાને પાછા ફરશે અને વકીલાત કરશે. માત્ર બાબુ ધરણીધરે કહ્યું કે આપ જેલ જશો એ પછી હું ત્યાં સુધી લોકોની વચ્ચે કામ કરતો રહીશ, જ્યાં સુધી મને ધારા ૧૪૪ હેઠળ નોટિસ આપવામાં નહીં આવે. “અને નોટિસ મળશે પછી?” ગાંધીજીના આ પ્રશ્નના જવાબમાં ધરણીધર બાબુએ કહ્યું કે ત્યારે તેઓ તેમની જગ્યાએ કોઈને આ કામ જારી રાખવા માટે ગોઠવીને આદેશ મુજબ ચંપારણ છોડીને જતા રહેશે. કમ સે કમ થોડો સમય સુધી જે કામ હાથ ધર્યું છે એ ચાલુ રહેશે. ગાંધીજીએ તેમની વાત સાંભળી લીધી પણ કોઈ પ્રતિક્રિયા આપી નહીં.

સમયસર અદાલત જવા માટે ગાંધીજી નીકળ્યા ત્યારે બાબુ ધરણીધર અને બાબુ રામનવમી પ્રસાદ ગાંધીજીની સાથે હતા. તેમણે રસ્તામાં ગાંધીજીને કહ્યું કે બીજા શું કરશે એની તો અમને ખબર નથી, પણ અમે બે જણે નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી અમને જેલ મોકલવામાં નહીં આવે ત્યાં સુધી અમે કામ ચાલુ રાખીશું અને ચંપારણ છોડીને નહીં જઈએ. આ અમારો સંકલ્પ છે. ગાંધીજીએ સાંભળીને ઉત્સાહપૂર્વક હિન્દીમાં કહ્યું: “બસ અબ કામ બન ગયા.” ગાંધીજીને ખાતરી હતી કે બેના વીસ અને વીસના બસો થવાના છે. જેમ ભયનું સંક્રમણ થાય છે એમ નિર્ભયતાનું પણ થતું હોય છે. તેમનામાં નિર્ભયતાને સંક્રમિત કરવાની ક્ષમતા હતી.

તેઓ જ્યારે અદાલત પહોંચ્યા ત્યારે અદાલતનું વિશાળ પ્રાંગણ લોકોથી છલોછલ ભરેલું હતું. આટલા ટૂંકા ગાળામાં લોકોને કઈ રીતે જાણ થઈ એનું આશ્ચર્ય હતું. લોકો દર્શન કરવા માટે પડાપડી કરતા હતા અને એમાં સરકારી કર્મચારીઓ અને પોલીસકર્મી પણ હતા. અલબત્ત, તેઓ દૂરથી પ્રણામ કરતા હતા. આ બાજુ સરકારી વકીલો કાયદાના મોટા થોથા લઈને આવ્યા હતા. તેમને એમ કે આ માણસ પોતે બેરિસ્ટર છે એટલે પોતાના બચાવમાં કાયદાઓ ટાંકીને દલીલોનો મારો ચલાવશે એટલે વળતી દલીલ કરવા કાયદાનાં પુસ્તકોમાંથી કાયદાઓ અને ચુકાદાઓ ટાંકવા જરૂરી બનશે. પણ ગાંધીજી જ્યારે અદાલતમાં પ્રવેશ્યા ત્યારે તેમના હાથમાં કોઈ કાયદાનું પુસ્તક નહોતું. જેલમાં લઈ જવા માટેના સામાનની થેલી હતી.

પહેલાં ગાંધીજી સામેનું આરોપનામું સંભળાવવામાં આવ્યું. એ પછી સરકારી વકીલ કાંઈ કહે એ પહેલાં ગાંધીજીએ કહ્યું કે તેઓ અદાલત સમક્ષ ટૂંકું નિવેદન કરવા માગે છે. જજસાહેબે જ્યારે મંજૂરી આપી ત્યારે ગાંધીજીએ કહ્યું: “ભારતીય દંડસંહિતાની ધારા ૧૪૪નું ઉલ્લંઘન કરીને મેં કોઈ મોટો ગુનો કર્યો છે, એવી સરકાર તરફ્થી રજૂઆત કરવામાં આવી છે. વાસ્તવમાં સરકારનું આ ખોટું અનુમાન છે, પરંતુ બને કે શાસકોને આવી કોઈ માહિતી મળી હોય. હું અહીં સત્ય જાણવા આવ્યો છું. ગળીનું વાવેતર કરતા ગરીબ ખેડૂતોને ન્યાય મળે એમ શાસકો ઈચ્છતા હોય તો હું એમાં મદદરૂપ થવા આવ્યો છું. મારો ઉત્પાત મચાવવાનો ઈરાદો નથી. ઈરાદો સત્યશોધનનો છે અને એ મારો અધિકાર છે અને માટે હું આદેશનું પાલન કરી શકું એમ નહોતો અને અત્યારે પણ હું આદેશનું પાલન કરવાનો નથી. હું અદાલતને કહેવા માગું છું કે હું સ્વેચ્છાએ ચંપારણ છોડીને જવાનો નથી. મને પકડીને ચંપારણની બહાર મોકલી આપવામાં આવશે તો હું પાછો આવીશ. કોઈ પણ આત્મસન્માન ધરાવનાર વ્યક્તિ આ જ માર્ગ અપનાવે.

માટે હું પ્રતિવાદ કે દલીલો કરીને અદાલતનો સમય વેડફ્વા માગતો નથી. મેં જે કર્યું છે એ ગુનો હોય તો અદાલત મને સજા કરે જે હું સ્વીકારી લઇશ. હું બચાવ કરવાનો નથી. સજાથી બચવા કોઈ પ્રયાસ કરવાનો નથી. સજાનું પ્રમાણ ઘટાડવામાં આવે એવી માગણી પણ હું કરવાનો નથી. દંડ ભરવા માટે મારી પાસે પૈસા નથી અને ભરવાનો પણ નથી. અદાલત મને સજા કરી શકે છે.”

હવે? લગભગ પંદર મિનિટમાં મુકદ્દમો પૂરો. જજે અને સરકારી વકીલોએ સપનામાં પણ નહોતું વિચાર્યું કે આવી રીતે કોઈ આરોપી આરોપ કબૂલ કરીને સામે ચાલીને સજાની માગણી કરે, એટલું જ નહીં એ ગુનો હું ફરી ફરી કરીશ એમ પણ કહે. જજ વિચારમાં પડી ગયા, હવે કરવું શું? જજે અત્યંત નમ્રતાપૂર્વક ગાંધીજીને કહ્યું, કહ્યું નહીં પૂછ્યું, કે ચુકાદો હું બપોર પછી ત્રણ વાગ્યે આપું તો ચાલે? બપોર પછી અદાલત પાછી મળી ત્યારે જજે કહ્યું કે તેઓ ૨૧મી તારીખે ચુકાદો આપશે અને ત્યાં સુધી આરોપી સો રૂપિયાની જમાનત ભરી દે. ગાંધીજીએ કહ્યું કે મારી પાસે કોઈ જમાનતદાર નથી અને હું જમાનતની રકમ ભરવાનો પણ નથી.

ફરી એકવાર મુશ્કેલી. ગુનેગાર આદાલત પાસે સમય માગે એવી તો અનેક ઘટના જોઈ હશે, પણ અદાલત ગુનેગાર પાસે સમય માગે એવો તો આ પહેલો દાખલો હતો. સમય એટલા માટે માગવો પડયો હતો કે જજ શું કરવું એનો નિર્ણય લઈ શકતા નહોતા અને બીજી બાજુએ આરોપીએ ગુનો કબૂલ કરીને ગુનો વારંવાર કરતા રહેવાનું કહી દીધું હતું. કાયદા મુજબ ગુનેગારને ફરી ગુનો કરવા માટે અદાલત મોકળાશ આપી શકે નહીં અને જજસાહેબ સજા કરી શકે એમ નહોતા. ગાંધીજીએ જજની મૂંઝવણનો ઉકેલ કાઢતા કહ્યું કે તેઓ ૨૧મી તારીખ સુધી ચંપારણનાં ગામડાંઓનો પ્રવાસ નહીં કરે.

૨૧મી એપ્રિલે અદાલત શું ફેંસલો કરે એનું કોઈ મહત્ત્વ જ રહ્યું નહોતું. ગાંધીજીનો વિજય થઈ ચૂક્યો હતો. બ્રિટિશ તાજના ગુનેગારે કહ્યું હતું કે હું જે કરું છું એ ગુનો હોય તો એ ગુનો હું વારંવાર કરવાનો છું, પણ અદાલત કોઈ કારણે તાત્કાલિક સજા કરી શકે એમ ન હોય તો ગુડવિલના ભાગરૂપે હું બે દિવસ ગુનો નહીં કરીને ન્યાયતંત્રને મદદ કરીશ. આ અભૂતપૂર્વ ઘટના હતી. આખો દેશ આશ્ચર્યચક્તિ થઈને ગાંધીજીથી અંજાઈ ગયો હતો. લડતનું આવું પણ સ્વરૂપ હોય એવું કોઈએ વિચાર્યું નહોતું. બે દિવસમાં ગાંધીજી ઉપર દેશભરમાંથી અભિનંદનનો વરસાદ વરસ્યો. ૨૧મી તારીખે અદાલતે પણ ગાંધીજીને નિર્દોષ છોડી મૂક્યા. ધારા ૧૪૪ પાછી ખેંચવામાં આવી અને ગાંધીજીને મદદ કરવાનો આદેશ આપવામાં આવ્યો.

ચંપારણનો સત્યાગ્રહ અન્ય સત્યાગ્રહોની માફ્ક જમીન ઉપર સંઘર્ષ કરીને લડવામાં આવેલો સત્યાગ્રહ નહોતો. એ ખરું જોતા અદાલતમાં પણ લડવામાં આવ્યો નહોતો. એ એક અઠવાડિયું પણ નહોતો ચાલ્યો. આમ છતાં ય એ વિલક્ષણ સત્યાગ્રહ હતો. એ વિલક્ષણતા એ હતી કે આંખમાં આંખ પરોવીને નિર્ભયતાપૂર્વક બોલો અને તેની કિંમત ચૂકવવા તૈયાર હોવ તો અડધી લડાઈ તો લડયા વિના જ જીતી શકાય છે. એ વિલક્ષણતા જોઇને ભારતના નેતાઓ અને પ્રજા અંજાઈ ગયાં હતાં. રાજેન્દ્રબાબુએ કહ્યું છે એમ ભારતના ઇતિહાસમાં આવું પહેલી વાર જોવા મળ્યું હતું.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 13 ડિસેમ્બર 2020

Loading

માણસ તરીકેની સંવેદના વિકસાવીએ તો ખેડૂતોની પીડા સમજાશે

રમેશ ઓઝા|Opinion - Opinion|13 December 2020

મારા એક મિત્રએ મને પૂછ્યું હતું કે દેશભરમાં ખેડૂતોનું જે અંદોલન ચાલી રહ્યું છે, એ ટકશે ખરું? મેં જવાબમાં કહ્યું હતું કે ખેડૂતોનું જે આંદોલન ચાલી રહ્યું છે, એ દેશભરનું છે ખરું? આપણે અખિલ ભારતીય એવો શબ્દપ્રયોગ કરીએ છીએ તો ખરા, પણ એમાં અખિલ ભારતીયતા ઓછી હોય છે ક્ષેત્રીયતા વધુ હોય છે. ૧૮૫૭ના સૈનિકોના બળવાને આપણે ‘આઝાદી માટેની પહેલી લડત’ એવાં રૂપાળા નામે ઓળખાવીએ તો છીએ, પણ વાસ્તવમાં એ ઉત્તર અને પૂર્વ ભારતનાં કેટલાંક રાજ્યો પૂરતું જ સીમિત હતો. એનો દક્ષિણ અને ઇશાન ભારતમાં જરા ય પ્રભાવ નહોતો અને પશ્ચિમ ભારતમાં મામૂલી હતો. વળી એમાં માત્ર સૈનિકોએ ભાગ લીધો હતો, પ્રજાનો સહભાગ નહીંવત્ હતો. ભારતમાં અનેક ધાર્મિક આંદોલનો થયાં છે અને તેનો પ્રભાવ પણ ક્ષેત્રીય છે. ક્યાંક મધ્વનો, વલ્લભનો, ક્યાંક ચૈતન્યનો, ક્યાંક કબીરનો, વગેરે.

આ દેશમાં અખિલ ભારતીયતા જેવી કોઈ ચીજ જ નથી અને છતાં છે પણ. મારા બાળપણમાં મારાં બા ઘરે દરજીને બેસાડતાં. એ જમાનામાં ગામડાંઓમાં એવી પ્રથા હતી. દરજી બે-ત્રણ દિવસ માટે સંચો લઈને ઘરે આવી જાય અને માત્ર એ કુટુંબનું જ કામ કરે. છેલ્લા દિવસે કપડાં સીવતાં જે લીરા બચ્યા હોય એને સાંધીને મારાં બા ગાદલા-ગોદડાં ઢાંકવા માટે ‘ગોદડાઢાકણું’ સીવડાવતાં. એમાં અનેક રંગ હોય અને ચોરસા પણ નાનામોટા હોય. એક રીતે જુઓ તો એમાં કોઈ ભાત નજરે ન પડે અને છતાં ય ભાત હોય. થોડા દિવસ પછી ગમવા લાગે. આપણા દેશનું પણ આવું જ છે. ભાત વિનાનો પણ ભાતવાળો. આપણી અખિલ ભારતીયતા આ સ્વરૂપની છે અને તેને તેના સ્વરૂપમાં જ સ્વીકારવી જોઈએ. તેની સાથે ચેડાં કરવામાં લાભ નથી.

આ દેશ વિવિધતાઓથી ભરેલો છે અને વિવિધતા માત્ર ઓળખોને લઈને ભાવનાત્મક નથી, હકીકતોને લઈને વાસ્તવિક પણ છે. એકની જે જરૂરિયાત છે એ બીજાની નથી. એકની જે તકલીફ છે એ બીજાની નથી. એકનું જે સુખ છે એ બીજાનું નથી. એકનું જે દુઃખ છે એ બીજાનું નથી. ભુજમાં હમીરસર તળાવ છલકાય તો કચ્છીઓ રાજીના રેડ થઈ જાય અને નેપાળમાં કોસી નદી ઉપરનો બરાજ છલકાય તો બિહારીઓના હાજા ગગડી જાય. દેશની વાસ્તવિકતા અલગ અલગ છે, પ્રજાની જરૂરિયાત અલગ અલગ છે, સુખ-દુઃખનાં કારણો અલગ અલગ છે એટલે પ્રજાનો સ્વાર્થ પણ અલગ અલગ છે. આ એક એવો દેશ છે જેનો સ્વાર્થ પણ એક સરખો અખિલ ભારતીય નથી અને માટે પીડા કે રાજીપો પણ અખિલ ભારતીય નથી. આવો બીજો કોઈ દેશ આ ધરતી ઉપર નહીં મળે.

હા, સમસંવેદના વિકસાવી શકાય, પણ એને માટે દેશના લોકોએ એકબીજાના સ્વાર્થને, તેની પીડાને અને રાજીપાને સમજવા જોઈએ. અંદર આપણાપણાનો ભાવ હોવો જોઈએ. બસ, અહીંથી સહ્રદયતાની અથવા સમસંવેદનાની યાત્રા શરૂ થાય છે. વખતે તમારા સ્વાર્થ સાથે બીજાનો સ્વાર્થ અથડાય પણ ખરો. અનામતની જોગવાઈને લઈને ભારતીય પ્રજાના સ્વાર્થ અથડાઈ રહ્યા છે ,એ તો આપણો રોજનો અનુભવ છે. તમે ક્યારે ય પોતાની જાતને દલિતની જગ્યાએ મૂકીને એની પીડાને પામવાની કોશિશ કરી છે ખરી? જો કરી હોય તો તમે સાચા દેશભક્ત, અને જો ન કરી હોય તો તમે દેશભક્તિના અંચળા હેઠળ પોતાના સ્વાર્થને છુપાવનારા દેશ માટે બોજારૂપ ખુદગર્જ ઇન્સાન છો.

આ જ માપદંડ ખેડૂતોના આંદોલન માટે પણ લાગુ કરવો જોઈએ. એ આંદોલન અખિલ ભારતીય નથી અને બનવાનું નથી. ભારતમાં જેને દેશવ્યાપી કહેવાય એવું અખિલ ભારતીય આંદોલન એક પણ થયું નથી. ગાંધીજીના એકાદ-બે સત્યાગ્રહો આમાં અપવાદ કહી શકાય, પણ એ પણ તેના શાબ્દિક અર્થમાં અખિલ ભારતીય નહોતા. આટલું કરવા માટે પણ ગાંધીજીએ કેટલો પરિશ્રમ લીધો હતો તેની કદાચ તમને કલ્પના નથી. જો અખિલ ભારતીય સમસંવેદના પેદા કરવામાં આવે તો અખિલ ભારતીય આંદોલન થાય અને એ ભગીરથ કામ છે. ભારત ભરમાં અલગ અલગ પ્રદેશોમાં ખેતીની સ્થિતિ અલગ અલગ છે, એટલે ખેડૂતોનાં સુખ-દુઃખ અલગ અલગ છે. ગુજરાતની જ વાત કરીએ તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, આદિવાસી પંથક, કચ્છ, સૌરાષ્ટ્ર અને ભાલકાંઠામાં ખેતીની સ્થિતિ અલગ અલગ છે. એ સમજવા માટે સમજણ અને સંવેદના વિકસાવવા પડે, ચોવીસે કલાક ધુણવાથી દેશપ્રેમી નથી થવાતું.

પણ હવે પછી અખિલ ભારતીય આંદોલન થશે, એમ મને દેખાઈ રહ્યું છે. એનું કારણ એ છે કે છેતરપિંડી અને લૂંટ અખિલ ભારતીય છે અને ઉપરથી એ મર્યાદારહિત વિકૃત છે. પ્રચંડ મોટા પૂંજીપતિઓ, શાસકો, ધર્મગુરુઓ અને ઇલેક્ટ્રોનિક તેમ જ સોશ્યલ મીડિયા કંપનીના માલિકોની ધરી રચાઈ છે, જે પ્રજાને છેતરે છે અને લૂંટે છે. આજના યુગમાં પ્રજાને છેતરનારી ઇન્ડસ્ટ્રી જગતની સૌથી મોટી ઇન્ડસ્ટ્રી છે અને તેનો વિકાસદર પણ સૌથી વધુ છે. તમને દેશપ્રેમના અને ધર્મના નશામાં રાખવા માટે માથાદીઠ તમારી પાછળ એ લોકો હજારો રૂપિયાનો ખર્ચો કરે છે અને કેટલાક કેસમાં તો તમારી આવક કરતાં એ લોકો તમારી પાછળ વધુ પૈસા ખર્ચે છે. એ તેમનું રોકાણ છે. પ્રજાને નશામાં રાખીને ચાર ભાગીદારો સાથે મળીને પ્રજાને અર્થાત્ દેશને લૂંટે છે. એમાં વળી પાછળના ત્રણ ભાગીદારો પહેલા ભાગીદાર માટે કામ કરે છે.

અતિની કોઈ ગતિ નથી હોતી એવી આપણે ત્યાં કહેવત છે. છેતરપિંડી અને લૂંટ અખિલ ભારતીય છે એટલે તેની સામેની પ્રતિક્રિયા પણ અખિલ ભારતીય હશે. વિકૃતિ જ્યારે તેની ચરમસીમાએ પહોંચે ત્યારે વિધ્વંસ થતા હોય છે. એ કહેવું મુશ્કેલ છે કે હવે પછી થનારું અખિલ ભારતીય આંદોલન પરિવર્તન માટેનું પ્રતિક્રિયારૂપ આંદોલન હશે કે પ્રતિશોધવાળું હિંસક હશે! બીજી શક્યતા વધારે નજરે પડે છે. પણ એટલું નક્કી છે કે એ યુવાનોનું આંદોલન હશે, કારણ કે તેમનું ભવિષ્ય લૂંટાઈ રહ્યું છે.

માટે માણસ બનીને સંવેદના વિકસાવો અને ખેડૂતોની પીડાને સમજવાની કોશિશ કરો. એમાં કેટલા પ્રદેશના ખેડૂતો જોડાયા છે એ પ્રશ્ન નિરર્થક છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 ડિસેમ્બર 2020

Loading

...102030...2,1232,1242,1252,126...2,1302,1402,150...

Search by

Opinion

  • ગઝલ
  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved