પાંચમા નોરતે મા આદ્યશક્તિને પ્રાર્થના :
ગરબે રમતી નાર એ તો નોરતાનો જીવ કહેવાય.
પણ વર્ષમાં આ નવ દિવસ ગરબા રમવા સિવાય મહિલાઓ કંઈ રમતી હોય એવું મનમાં નથી આવતું, મા !
મેદાનો ક્રિકેટ રમતાં છોકરાઓથી ભરેલાં હોય છે. ક્રિકેટ રમતી છોકરીઓથી ભરેલાં મેદાનો તો જવા દો, પણ ઘણી છોકરીઓ જ્યાં એકદમ છૂટથી રમતી-કૂદતી હોય તેવી જગ્યાઓ માડી, કેટલી દેખાય છે ?
રમવું તો મન અને શરીર બન્નેનાં આનંદ તેમ જ તંદુરસ્તી માટે બહુ જરૂરી છે. પણ એ તો જાણે છોકરાઓ માટે જ ! મેદાની રમતોની હરીફાઈઓમાં ભાગ લેતી છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં ય ઘણીએ ઓછી.
હે મા ! તમને એવી પ્રાર્થના કે અનેક દેશોમાં એવો માહોલ બને કે જ્યાં શેરી, રસ્તા, કૉમનપ્લૉટ કે મેદાનમાં પોતાની પસંદગી મુજબ મન મૂકીને રમવું એ પ્રવૃત્તિ, છોકરાઓ સાથે જેટલી સહજ રીતે જોડાયેલી છે, એટલી જ છોકરીઓ સાથે પણ જોડાયેલી હો !
21-10-2020
![]()



ગુજરાતી સાહિત્યમાં ઓછી જાણીતી અને મર્યાદિત ચર્ચિત ડો. સુમંત મહેતાની જેલડાયરીમાં સ્વાતંત્ર્ય આંદોલનના લડવૈયા તરીકેના અનુભવો ગ્રંથસ્થ થયા છે. નાનકડી આ જેલડાયરીમાં ગુજરાત અને ગુજરાત બહાર જુદી જુદી જેલોનાં નિરીક્ષણો તો અંકિત છે જ, સાથે સાથે એ સમયના ગુજરાતી સમાજ અને સંસ્કૃતિનું વિવેચન પણ છે. આમ, જેલડાયરી સમાજની ડાયરી પણ બની રહે છે. આ જ દિશામાં આપના હાથમાં છે એ પુસ્તકમાંની ડાયરી કોરોનાકાળમાં આપણી આસપાસના સમાજમાં ડોકિયું કરવાની અને તેને સમજવાની તક પૂરી પાડે છે.
ગરબામાં કાળક્રમે સામાજિક અને રાજકીય વિષયો, સામાજિક કથા, વ્યથા, કટાક્ષ, હાસ્ય, મેણાં-ટોણાં, ઠઠ્ઠા-મશ્કરી, મિલન-વિરહ સહિતનું ભાવ – વિશ્વ ગરબાને સતત નવાં નવાં રંગોમાં રંગતું રહ્યું. નારીચેતનાને ઉજાગર કરતો ગરબો વાગ્યો રે ઢોલ … છેલ્લે આપણે ફિલ્મ ‘હેલ્લારો’માં ય સાંભળ્યો. પણ એનાં મૂળ તો એ પહેલાં મંડાઈ ચૂકેલાં હતાં. નારી જાગૃતિના એક અત્યંત જાણીતા ગરબા એક લાલ દરવાજે તંબૂ તાણિયાં રે લોલ..માં અમદાવાદ નગરીનું સુંદર વર્ણન કરીને પછી કવિ કહે છે કે વહુ તમે ના જશો જોવાને ત્યાં બાદશો બડો મિજાજી! આ રીતે લોકગીતો સંદેશનું માધ્યમ બનતાં. અમદાવાદ વસતાં કવયિત્રી સરૂપ ધ્રુવના ગરબામાં વર્ષો પહેલાં ખરા અર્થમાં નારીશક્તિ ઉજાગર થઈ હતી. સરૂપબહેનના લખેલા બે-ત્રણ ગરબા તો બહેનોએ ગામેગામમાં પ્રચલિત કર્યાં હતા. આ ગરબાઓમાં સરખી સાહેલી, અમે ઈડરિયો ગઢ જીતીશું, અચકો મચકો કારેલીના ઢાળ પર ઢાળેલો ગરબો ઈત્યાદિ પરિવર્તનનું નિમિત્ત બન્યા હતા. વડોદરાની ‘સહિયર’ સંસ્થાએ તો સરખી સાહેલીને સંસ્થાના થીમ ગરબા તરીકે લોકપ્રિય બનાવ્યો હતો.