કમનસીબે સોશ્યલ મીડિયાનો પાવર રાજકારણીઓના હાથમાં છે મતદારોના હાથમાં નથી અને માટે જ સોશ્યલ મીડિયા અને રાજકારણની રમતમાં પારદર્શિતા જેટલી વર્તાય છે એટલી નથી એ સ્વીકારવું રહ્યું.
આમ તો આ અઠવાડિયામાં પણ એ બધું થયું જે આ વર્ષમાં શરૂ થયું છે. પણ આ બધાની વચ્ચે ફેસબૂક ઇન્ડિયાનાં પોલિસી હેડની ફરજ બજાવતાં અંખી દાસે છેલ્લા બે મહિનાથી ચાલતી માથાકૂટને પગલે રાજીનામું આપી દીધું છે. અંખી દાસનાં નામથી લોકો ઑગસ્ટમાં પરિચિત થયા. ‘વૉલ સ્ટ્રીટ જરનલ’માં આવેલા રિપોર્ટ અનુસાર ફેસબૂક પર ભા.જ.પા.ના એક નીતિ ઘડવૈયા સમા સિનિયર સભ્યએ મુસ્લિમ વિરોધી ટિપ્પણીઓ પોસ્ટ કરી હતી. ‘વૉલ સ્ટ્રીટ જરનલે’ જ્યારે આ પોસ્ટ અંગે સવાલ ઉઠાવ્યા ત્યારે આ પોસ્ટ ફેસબૂક દ્વારા જ ડિલીટ કરી દેવાઇ હતી. સોશ્યલ મીડિયા પર ‘હેટ સ્પીચ’ ફેલાવવાના ભા.જ.પા.ના ઇરાદાને ફેસબૂકે હળવાશથી લીધો હોવાનો આક્ષેપ ‘વૉલ સ્ટ્રીટ જરનલ’ દ્વારા મુકાયો અને અખબારે એવો આક્ષેપ પણ મૂક્યો કે ફેસબૂક ઇન્ડિયાનાં પૉલિસી હેડ અંખી દાસ શાસક પક્ષ તરફી છે અને તેમણે આવું જાણી જોઇને થવા દીધું હતું. આ પોસ્ટ બાદમાં ડિલીટ તો થઇ પણ અંખી દાસે આ પોસ્ટ ડિલીટ ન થવી જોઇએ તેમ તેમના કર્મચારીઓને કહ્યું હતું. રિપોર્ટ અનુસાર અંખી દાસે કર્મચારીઓને કહ્યું હતું કે નરેન્દ્ર મોદીના પક્ષનાં રાજકારણીઓ દ્વારા કોઇ નિયમોનો ભંગ થયો હોય અને જો તેમની સામે પગલાં લેવાશે તો કંપનીના બિઝનેસ પર અસર થવાની શક્યતા છે.

જો કે ફેસબૂકે આ આક્ષેપને રદિયો આપ્યો અને કહ્યું કે તેઓ કોઇ પણ પક્ષને ટેકો નથી આપતા. જો કે આ વિવાદને પગલે ફેસબૂકને માટે સંજોગો કપરા થઇ ગયા અને ભારતની સંસદીય સમિતિએ ફેસબૂકના ઇન્ડિયા બિઝનેસ હેડ અજીત મોહનની પૂછપરછ કરી હતી. મંગળવારે અજીત મોહને સ્ટેમેન્ટ આપ્યું કે અંખી દાસે પોતાના પદ પરથી ‘જાહેર હિત’ને ધ્યાનમાં રાખીને રાજીનામું આપ્યું છે. અંખી દાસના સ્થાને શિવનાથ ઠુકરાલની નિમણૂંક થઇ છે જે વૉસ્ટએપના પબ્લિક પૉલિસી ડાયરેક્ટર છે. એવો ગણગણાટ છે કે તે પણ ભા.જ.પા. તરફી છે. આ આખી ઘટનામાં આમ તો ઘણું બધું છે પણ મહત્ત્વની વાસ્તવિકતા એ છે કે સોશ્યલ મીડિયા અને રાજકારણની આંટી ઘૂંટી આપણે ધારીએ તે કરતાં કંઇક ગણી વધારે છે.
રાજકારણમાં સોશ્યલ મીડિયાનો ઉપયોગ જે રીતે થતો આવ્યો છે તેની પર અનેક વિવાદો અને ચર્ચાઓ થઇ છે. ભા.જ.પા.નું કેન્દ્રમાં આવવું અને બીજી ટર્મ માટે ત્યાં રહેવું તેમાં સોશ્યલ મીડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો બહુ જ મોટો ફાળો છે. તમને ૨૦૧૪ની આસપાસનાં વૉટ્સએપ મેસેજિઝ અને રેકોર્ડેડ ફોન કૉલ્સ તો યાદ હશે જ. બિહાર ઇલેક્શન માટે પણ સોશ્યલ મીડિયાનો ઉપયોગ ભા.જ.પા. દ્વારા કરવામાં આવ્યો. બિહાર ભા.જ.પા.ના ૨૩ નેતાઓ ફેસબૂક અને ટ્વિટર પર વેરિફાઇડ એકાઉન્ટ ધરાવે છે. સોશ્યલ મીડિયા અને મેઇન સ્ટ્રીમ મીડિયા વચ્ચેની કડી એ કામ કરે છે કે ભા.જ.પા.ના નેતાઓ જે પણ પોસ્ટ કરે તે મેઇન સ્ટ્રીમ મીડિયા દ્વારા સમાચારના સ્વરૂપે સ્વીકારાય અને પ્રકાશિત કરાય. આમ કરવાથી એક જ પાર્ટીનાં નેતાઓની હાજરી એકથી વધારે માધ્યમો અને પ્લેટફોર્મ્સ પર વધારે દેખાય. બીજા પક્ષની વાત કરીએ તો આર.જે.ડી.ના પાંચ સિનિયર નેતા, લાલુ પ્રસાદના પરિવારનાં પાંચ સભ્યોના સોશ્યલ મીડિયા પર વેરિફાઇડ એકાઉન્ટ છે. એકાઉન્ટ વેરિફિકેશન કે બ્લુ ટિક મળવું એ કોઇપણ પબ્લિક ફિગર માટે મોટી વાત છે અને એમાં અમુક સંખ્યામાં ફોલોઅર્સ વગેરે તો માપદંડ છે જ પણ ઓળખાણ અહીં પણ કામ કરી જાય છે. જે રીતે વેરિફાઇડ એકાઉન્ટની સંખ્યામાં પાર્ટી અનુસાર અસંતુલન છે એ પણ જોવા જેવી બાબત છે. જો કે એક રિપોર્ટ અનુસાર ટ્વિટરનાં પ્રવક્તાએ કહ્યું હતું કે જે તે એકાઉન્ટ લોકો સાથે કેટલું ઇન્ટરેક્શન કરે છે તેને આધારે જ વેરિફિકેશન થતું હોય છે, તેમના રાજકીય વિચારોને આધારે નહીં. ભા.જ.પા.એ બિહાર ઇલેક્શન માટે એક લાખથી વધુ વૉટ્સએપ ગ્રૂપ બનાવ્યા છે તો કૉન્ગ્રેસનાં તો માંડ ૩,૮૦૦ ગ્રૂપ્સ છે. ભા.જ.પા.એ વૉટ્સએપ ગ્રૂપ માત્ર ઉપલા સ્તરે નહીં પણ પંચાયત સ્તરે પણ બનાવ્યા છે અને તેનું સંચાલન કરવા દસ હજાર જેટલા લોકોને કામે લગાડાયા છે.

આ તો આપણા દેશનું અને એ પણ તાજી ચૂંટણીને લગતું એક ઉદાહરણ છે પણ રાજકારણમાં ઝંપલાવનારાઓને સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને લોકોનો ઝુકાવ બદલતા સારી પેઠે આવડે છે. રાજકારણીઓનું જાહેર જનતા માટે આ રીતે સરળતાથી ઉપલબ્ધ હોવું સોશ્યલ મીડિયાને કારણે જ શક્ય બન્યું છે. યુ.એસ.એ.માં પણ રાજકારણ માથે છે અને ત્યાં પણ સોશ્યલ મીડિયા પર અપાતી ખોટી માહિતી, ફેક ન્યૂઝ અને નુકસાનકારક એજન્ડાઓની માથાકૂટ ઓછી નથી. ૨૦૧૬માં રશિયન ઓપરેટિવ્ઝે સોશ્યલ મીડિયા પર ખોટી માહિતીઓ ફેલાવીને યુ.એસ. પ્રેસિડેન્શિલ ઇલેક્શન પર ખોટી અસર કરવામાં મોટો ફાળો ભજવ્યો હતો. હજી પણ દખલગીરી કરનારા આવા વિદેશી તત્ત્વોની કોઇ ખોટ નથી. યુ.એસ.એ.માં પણ જમણેરી ગ્રૂપ્સ અત્યારે એક્ટિવ છે અને આ ચૂંટણીની પ્રામાણિકતા પર શંકા ફેલાવવાનું કામ કરી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ જેમનું કામ બ્રાન્ડ્ઝને પ્લગ ઇન કરવાનું હોય છે તેમને પણ રાજકીય ઝુકાવ દર્શાવવાનું દબાણ થઇ રહ્યું છે. કોઇ શાસક પક્ષની વિરોધી ટિપ્પણી કરે તો તેને ધમકીઓ આવવા માંડે છે અને જો કોઇ મહિલા ઇન્ફ્લુએન્સર રાજકારણ કે અર્થશાસ્ત્રની વાત કરે તો તેને પણ સોશ્યલ મિડીયા પર ટ્રોલ કરવામાં આવે છે. આ તરફ યુ.એસ.એ.માં કોર્પોરેટ કંપનીઝ પર પણ દબાણ છે કે તેઓ પોતાના કર્મચારીઓની સોશ્યલ મીડિયા પોસ્ટ પર નજર રાખે. અભિવ્યક્તિની સ્વતંત્રતા સોશ્યલ મીડિયાને કારણે વધી હોવા છતાં આ જ માધ્યમો પર નિયંત્રિત થઇ રહી છે અને તે પણ રાજકીય દબાણોને કારણે. બીજી તરફ ધિક્કાર ફેલાવવામાં પણ આ માધ્યમોનો જ ઉપયોગ કરાય છે. આ બધી હિલચાલ અને હોબાળાને પગલે ધ્રુવીકરણનાં પડકારો દિવસે દિવસે વધી રહ્યાં છે. કોઇ પણ રાષ્ટ્રના યુવાનો પર પ્રભાવ પાડવો હોય તો સોશ્યલ મીડિયા સૌથી અકસીર માધ્યમ છે જેમાં કોઇ મિનમેખ નથી. કમનસીબે તેનો પાવર રાજકારણીઓના હાથમાં છે આમ જનતાના હાથમાં નથી, મતદારોના હાથમાં નથી અને માટે જ સોશ્યલ મીડિયા અને રાજકારણની રમતમાં પારદર્શિતા જેટલી વર્તાય છે એટલી નથી એ સ્વીકારવું રહ્યું.
બાય ધી વેઃ
હાલમાં તો ચૂંટણી પંચ એમ જ માને છે કે કોઇ ઉમેદવાર પોતાના પ્રચાર પ્રસાર માટે જે ફંડ ધરાવે તેમાં જ સોશ્યલ મીડિયા પર થતા ખર્ચાનો સમાવેશ થઇ જાય છે પણ રાજકીય પક્ષો આ નિયમોને અનુસરતા નથી એ વાસ્તવિકતા છે. કોબ્રા પોસ્ટના એક્સપોઝેએ સેલિબ્રિટીઝ કઇ રીતે પૈસા લઇને તરફેણ કે વિરુદ્ધમાં પોસ્ટ કરવા તૈયાર થાય છે એ એના પુરાવા આપ્યા હતા. સોશ્યલ મીડિયા એક એવો અજગર છે જે માહિતી ગળતો રહે છે અને પોતાનું કદ વધારતો રહે છે, તેનો ઉપયોગ કરનારાઓ આ માહિતીને કારણે વધી રહેલું તેનું પેટ જોઇ રહ્યા છે પણ તે જાણતા નથી કે આ વધારો તેમનામાં પૂર્વગ્રહો પેદા કરે છે અને જે અંતે ડર પણ પેસાડશે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 01 નવેમ્બર 2020
![]()


ગુજરાતી સાહિત્ય પરિષદની મૂલ્યનિષ્ઠ પરંપરામાં ચંદ્રકાંત ટોપીવાળા અને સિતાંશુ યશશ્ચંદ્ર પછી વર્ષ ૨૦૨૧-૨૦૨૩ માટે ચૂંટાયેલા પ્રમુખ પ્રકાશ ન. શાહના વિજયને આપણે સહુ સ્વાયત્તતાનાં મૂલ્યના વિજય તરીકે જોઈ રહ્યા છીએ અને એ આપણું મૂલ્ય આધારિત દર્શન છે. દેશમાં જ્યારે ચૂંટણીના માહોલમાં રાજકીય પક્ષો. તમે મત આપો-અમે તમને વેક્સિન આપીશું કહી પેંડો આપીને કડું કાઢવી લેવાના ખેલ પાડી રહ્યા છે ત્યારે ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણીમાં મૂલ્ય આધારિત લોકતંત્ર વધુ મજબૂત થતું જોવા મળ્યું છે. અને આવું એક વાર બને તો કોઈ એને અકસ્માત કહે, બીજી વાર બને તો યોગનુયોગના ખાનામાં ખતવી શકે; પણ ત્રણ ત્રણ વખત આવું એક સરખું પરિણામ આવે તો એને એના મૂળ સ્વરૂપમાં સ્વીકારવું પડે. સાહિત્ય પરિષદની આ લાગટ ત્રીજી ચૂંટણી છે જેમાં સાહિત્યકારો, સાહિત્યરસિકો અને નાગરિક સમાજે ગુજરાત મૂલ્ય આધારિત રાજનીતિથી જવાબ આપ્યો છે. ૨૦૧૫માં સાહિત્યકારોની સ્વાયત્ત લોકતાંત્રિક ગુજરાત સાહિત્ય અકાદમીને સત્તાનાં બળ, છળ અને કપટથી ગુજરાત સરકારે હસ્તગત કરી એટલું જ નહીં પણ એનો સાહિત્યનાં પ્રસાર પ્રચારસંવર્ધનનો હેતુ બદલી પોતાની વિચારધારાનાં પ્રચાર પ્રસારસંવર્ધનનુ રાજકીય કામ આરંભ્યું. સરકારની આ પ્રકારની જોહુકમી સામે સાહિત્ય સમાજે અકાદમીની સ્વાયત્તતા માટેનું આંદોલન શરૂ કર્યું અને ગોવર્ધનરામ ગાંધી ઉમાશંકરની મૂલ્યનિષ્ઠ પરંપરા ધરાવતી પરિષદે સ્વાયત્તતાનાં મુદ્દે સરકારને ટપારી ત્યારે સરકારે આ સંસ્થાને પણ અકાદમીની જેમ પોતાનાં કબજામાં લેવાના પેંતરા શરૂ કર્યા. પરિષદ પ્રમુખની ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઊભા રાખી પરિષદ પર પોતાનો ઝંડો ફરકાવવાની કોશિશ કરી. વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૩ સુધીના પ્રમુખપદની ચૂંટણીમાં સરકાર પક્ષને પરિષદના મૂલ્યનિષ્ઠ લોકતંત્રે મ્હાત આપી સરકાર સામે એ ઉદાહરણ સ્થાપ્યું છે કે ‘સાહિત્યકારો કોઈપણ વિચારધારાનાં હોય એમની પ્રાથમિકતા મૂલ્ય હોય છે’ અને એ રીતે આ રાજસત્તા સામે સ્વાયત્તતાના મૂલ્યની હૅટ ટ્રિક છે. ગુજરાત સરકાર અને જેમના હાથમાં અત્યારે એનો સૂત્રસંચાર છે એવા ભારતીય જનતા પક્ષે હવે રાજહઠ છોડીને ગુજરાત સાહિત્ય અકાદમી ફરી સ્વાયત્ત કરી લોકતાંત્રિક સરકારને છાજે એવું ઉદાહરણ સ્થાપવું જોઈએ.