Opinion Magazine
Number of visits: 9456321
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બલૂચિસ્તાન એક બળતું ઘરઃ હિંસા, રાજકીય અવિશ્વાસ અને શોષણનાં વમળમાં ફસાયેલો દેશ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|23 March 2025

બલૂચિસ્તાન રાજકીય, સામાજિક અને આર્થિક બાબતોને મામલે હંમેશાં અવગણના પામેલો પ્રદેશ છે.

ચિરંતના ભટ્ટ

પાકિસ્તાનની સરકાર અને બલોચ રાષ્ટ્રવાદી ચળવળોનાં કેન્દ્રમાં બહુ લાંબા સમયથી બલૂચિસ્તાન અટવાયેલો છે. રાજકારણને મામેલ હાંસિયામાં ધકેલાતો બલૂચિસ્તાન આર્થિક શોષણ અને રાજ્યનાં દબાણનો ભોગ બનતો આવ્યો છે. અહીં ઘણા કુદરતી સ્રોત છે, ભૌગોલિક રીતે અગત્યનાં કહી શકાય તેવાં સ્થળ છે – છતાં પણ બલૂચિસ્તાન પાકિસ્તાનનો સૌથી વધુ સંવેદનશીલ પ્રદેશ છે.

11મી માર્ચે બલૂચિસ્તાન લિબરેશન આર્મીના (બી.એલ.એ.) આંતકીઓએ ચારસો મુસાફરોથી ભરાયેલી એક ટ્રેનનું અપહરણ કર્યું. ટ્રેન ક્વેટ્ટા અને સીબી વચ્ચેના પહાડી પ્રદેશમાં હતી. સ્ત્રીઓ અને બાળકોને છોડી દીધાં પછી આ આંતંકીઓએ બાકીના મુસાફરોને એ શરતે મુક્ત કરવાની ખાતરી આપી કે પાકિસ્તાની જેલમાં રહેલા તેમના સાથીદારોને છોડી દેવામાં આવે, પાકિસ્તાનની સરકારે કોઇપણ વાટાઘાટ કરવાની ના પાડી અને બાંદી બનાવેલા મુસાફરોને છોડાવવા લશ્કરી ઑપરેશન મોકલ્યું અને છત્રીસ કલાકની મથામણ પછી બળવાખોરોથી મુક્તિ મળી. આ સંઘર્ષમાં એકવીસ નાગરિકો અને ચાર ફ્રન્ટીયર કોર્પ્સના માણસોએ જીવ ગુમાવ્યો. જો કે વિવિધ મીડિયા સૂત્રોના મતે પાકિસ્તાની સૈન્યમાં વધુ જાનહાનિ થઈ હોઈ શકે છે. પાકિસ્તાનના સુરક્ષા દળો પર બલૂચિસ્તાનના વિવિધ હિસ્સાઓમાંથી હુમલા કરવામાં આવ્યા. પાકિસ્તાને ભારત અને અફઘાન હેન્ડલર્સ પર અલગાવવાદી બલૂચી બળવાખોરોને ઉશ્કેરવાનો આરોપ મૂકી દીધો છે.  જો કે આ આક્ષેપબાજી પાછળ પાકિસ્તાનમાં દિવસો દિવસ આંતરિક સુરક્ષાને લઇને વધી રહેલી સંવેદનશીલતા છે.

બલૂચિસ્તાનનો ઇતિહાસ પણ જટિલ છે. ભારતને આઝાદી મળી પછી સ્ટેટ ઑફ કલાત – બલૂચિસ્તાન બસ્સોથી વધારે દિવસ સુધી અલગ રાજ્ય રહ્યું હતું. બલૂચિસ્તાનને પાકિસ્તાનમાં ભળવું નહોતું. અત્યારે પણ બલૂચિસ્તાનનો પ્રદેશ ત્રણ હિસ્સામાં વહેંચાયેલો છે. અમુક ભાગ પાકિસ્તાનમાં છે, ઈરાનમાં સિસ્તાનમાં છે તો અફઘાનિસ્તાનમાં – નિમરૂઝ, હેલબંધ અને કાંધાર બલૂચનો ભાગ છે. બલૂચિસ્તાનમાં મોટે ભાગે સુન્ની મુસલમાનો હોય છે, આ કારણે શિયા બહુમતિ ધરાવતા ઈરાનમાં જ બલૂચીઓ છે તે સુન્ની જ છે. પાકિસ્તાન બન્યા પછી બલૂચિસ્તાનમાં વિદ્રોહ કોઈ નવી વાત નથી. ચીને પોતાના સ્વાર્થ અને વ્યાપાર માટે બલૂચિસ્તાનમાં ઘૂસ મારી અને પછી સંજોગો વકર્યા છે. પાકિસ્તાને બલૂચિસ્તાનનો ગ્વાદર પોર્ટ ચીનને આપ્યો પણ બલૂચિસ્તાનને એ ગમ્યું નથી. 

જ્યારે ભારતના ભગાલા થયા, ત્યારે સ્વતંત્ર રજવાડા કલાતને પાકિસ્તાનમાં ભળવું નહોતું, એ જ રીતે જે રીતે હૈદરાબાદને ભારતમાં ભળવામાં રસ નહોતો. કલાતને સ્વાયત્ત પ્રદેશ રહેવું હતું અને આ માટે અફઘાનિસ્તાન અને ભારતની મદદ જોઈતી હતી પણ એ મદદ ન મળી.  ઝીણાની મુસ્લિમ લીગે બલૂચિસ્તાનને સ્વતંત્ર દેશ જાહેર કરવાનો કરાર કર્યો હતો પણ તેના થોડા મહિનાઓ બાદ માર્ચ 1948માં ઝીણાએ પાકિસ્તાની સેનાને સ્ટેટ ઑફ કલાતમાં ઘુસવાનો હુકમ આપ્યો અને તેને બળજબરીથી પાકિસ્તાનમાં ભેળવવાનો હુકમ આપ્યો હતો. આ થયું તેના બીજા જ દિવસે ઓલ ઇન્ડિયા રેડિયો પરના એક સમાચારમા જાહેરાત થઈ હતી કે બલૂચિસ્તાનને પાકિસ્તાનમાં નહોતું ભળવું અને તેઓ ભારતમાં એક થવા ઇચ્છતા હતા, પણ કેન્દ્ર સરકારે આ પ્રસ્તાવ નહોતો સ્વીકાર્યો. જો કે આ આ ચર્ચાથી વડા પ્રધાન નહેરુ અને ગૃહ મંત્રી સરદાર પટેલે છેટું રાખ્યું હતું.

બલૂચિસ્તાને પાકિસ્તાન સામે હંમેશાં બળવા પોકાર્યા છે. 1948માં પહેલો બળવો થયો તેને કચડી નંખાયો, પણ તે પછી બલૂચોએ પચાસ, સાંઈઠ અને 2000ની મધ્યે આવા વિદ્રોહ કર્યા જ છે. 

બલૂચિસ્તાનમાં સમાજ આદિવાસી જૂથમાં વહેંચાયલો છે અને અલગ અલગ વિરોધીઓના કે બળવાખોરોના જૂથો આ સમુદાયોની ફરિયાદોનું પ્રતિનિધિત્વ કરે છે. વર્તમાન સમયમાં મધ્યમ વર્ગીય શિક્ષિત યુવાનો આ જૂથોમાં જોડાવા માંડ્યા છે. બલૂચિસ્તાન લિબરેશન આર્મી જેને અમેરિકા અને પાકિસ્તાને આતંકી જૂથ તરીકે ઓળખાવ્યું છે તે ઉપરાંત બલૂચિસ્તાન લિબરેશન ફ્રન્ટ, બલૂચ રિપબ્લિકન ગાર્ડ્ઝ, સિંધુદેશ રિવોલ્યૂશનરી આર્મી, બલૂચ રાજી આજોઇ સાંગર પણ એવા ગ્રૂપ્સ છે જે પાકિસ્તાનના સૈન્ય અને ઇન્ટેલિજન્સ એજન્સી પર પૂર્વનિયોજિત હુમલા કરે છે.

ટ્રેનનું અપહરણ થયું તે પહેલાં બલૂચિસ્તાનમાં તંગ થઇ રહેલા સંજોગો અંગે ચિંતા ખડી થઇ જ હતી, પણ કોઈએ આટલી મોટી દુર્ઘટના બનશે તેવી કલ્પના નહોતી કરી. ટ્રેનના અપહરણ પરથી કળી શકાય છે કે આ બળવો પોકારનારાઓ પાસે એટલો શસ્ત્ર સરંજામ અને તાકાત છે જેનો ઉપયોગ કરીને તે પાકિસ્તાની સૈન્યની સામે થઈ શકે, તેમની પર હુમલા કરી શકે અને ચોવીસ કલાક સુધી તેને હંફાવી શકે. વધી આ સંઘર્ષમાં સ્ટેન્ડ ઑફ દરમિયાન બલૂચી બળવાખોરોએ અસરકારક રીતે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને પોતાના તરફની વાત દુનિયા સુધી પહોંચાડવામાં કંઇ બાકી ન રાખ્યું. બલૂચિસ્તાનમાં એકથી વધુ બળવો કરનારા જૂથો છે અને તેઓ બધા એકબીજા સાથે સંકળાઈને, જોડાઈને સહકારથી પોતાની યોજનાઓ પાર પાડે છે.

વાસ્તવિક્તા એ પણ છે કે બલૂચિસ્તાન રાજકીય, સામાજિક અને આર્થિક બાબતોને મામલે હંમેશાં અવગણના પામેલો પ્રદેશ છે. અહીં વર્ષો સુધી સેનાનું અને કેન્દ્રીય સરકારનું શાસન ચાલ્યું છે અને રાજકીય રીતે બલૂચિસ્તાનનું સશક્તિકરણ નથી થયું. અહીં કોલસો, કાંસુ, સોનું અને કુદરતી ગેસ જેવા કુદરતી સ્રોતો સારા એવા પ્રમાણમાં છે, તેનો ઉપયોગ પણ થાય છે પણ તેનાથી ત્યાં વસનારા લોકોની જિંદગીમાં કોઈ ફેર નથી પડ્યો. પીવાનાં પાણીના તેમને ફાંફાં છે તો દવાઓ અને પેટ્રોલ જેવી ચીજોના ભાવ સતત વધતા રહે છે. વળી ચાઇનિઝ ફિશિંગ ટ્રૉલર્સની હાજરીને કારણે બલૂચના સ્થાનિક નાના માછીમારોની રોજગારી પર સતત તવાઈ આવી હોય એવી હાલત હોય છે. મીડિયા રિપોર્ટ અનુસાર છેલ્લાં પંદર વર્ષમાં પાકિસ્તાની સેના પાંચ હજારથી વધૂ બલૂચોને ગાયબ કર્યા છે, તેઓ માર્યા ગયા છે કે ક્યાંક કેદ કરાયા છે તે અંગે કશી જ ભાળ નથી. બલૂચી સ્ત્રીઓએ ગયા વર્ષે કસ્ટડીમાં થતી હત્યાઓ અને ખોટા એન્કાઉન્ટરની સામે જબ્બર વિરોધ નોંધાવ્યો હતો. સૈન્યની બળજબરીને કારણે બલૂચીસ્તાનમાં અપહરણ અને ખોટી રીતે થતી અટકાયતોનો પણ પાર નથી.

બલૂચોને મૂળ અકળામણ તો ત્યારની છે જ્યારથી પાકિસ્તાન સૈન્યએ બળજબરીથી તેમની સ્વાયતત્તા છીનવીને બલૂચિસ્તાનને બળજબરીથી પાકિસ્તાનનો હિસ્સો બનાવ્યો હતો. ચીન-પાકિસ્તાન આર્થિક કોરીડોર(CPEC)માં બલૂચિસ્તાન એક મોટો હિસ્સો છે – બલૂચિસ્તાનને એ થવામાં રસ છે કે નહીં એવું તેને કોઈએ પૂછ્યું નથી. ચીને પોતાની રીતે માળખાંકીય સવલતો, રસ્તાઓ વગેરે પાછળ 46 બિલિયન ડૉલર્સ ખર્ચ્યા છે. આમાં બલૂચોના વિકાસની કોઈ ગણતરી નથી, આ માળખાંકીય સવલતોથી તેમને કોઈ સીધો લાભ નથી થતો. તેમને આ બહારી તત્ત્વોની પોતાના પ્રદેશ પરની પકડ પર સખત રોષ છે કારણ કે સ્થાનિકોને કોઈએ કંઇ પૂછ્યું નથી. આ તરફ ચીન હવે પાકિસ્તાનને સવાલ કરે છે તે બલૂચિસ્તાની બળવાખોરોથી ચીનને સલામત રાખવા માટે સક્ષમ છે કે પછી ચીને પોતાની ટૂકડીને સુરક્ષા માટે તૈનાત કરવી?

બલૂચિસ્તાનના સ્થાનિક લોકોને દિશાહીન લાગે છે કારણ કે તેમની આ અલગાવવાદી ચળવળ કે બળવાને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ ટેકો નથી. તે ભારતથી દૂર હોવાને નાતે તેમને ભારત પણ કોઈ મદદ કરી શકે તેમ નથી. બલૂચિસ્તાનનો મોટો હિસ્સો ઇરાનમાં પહોંચેલો છે એટલે ઈરાનને એવી કોઈ ઇચ્છા નથી કે આ બળવાની ઝાળ તેની સરહદ પાર કરીને ત્યાં અશાંતિ કરે. ઇરાનને બલૂચિસ્તાનમાં ઈરાન વિરોધી આતંકવાદીઓ બેઠા થાય તેની પણ ચિંતા છે.

બીજી બાજુ પાકિસ્તાન અને અફધાનિસ્તાનની તાલીબાની સરકાર વચ્ચે તાણ વધી રહી છે. તાલીબાની સત્તા પાકિસ્તાન-અફધાનિસ્તાન સરહદને માન્યતા જ નથી આપતી અને તેહરિક-એ-તાલિબાન પાકિસ્તાન (ટી.ટી.પી.) જૂથ દ્વારા પાકિસ્તાનમાં થતા હુમલાઓ કે વિરોધો પર કોઈ પગલાં નથી લઇ રહી. એવું મનાય છે કે ટી.ટી.પી. અને બી.એલ.એ. ભેગાં મળીને કામ કરે છે જેને લીધે પાકિસ્તાન માટે મોટો પડકાર ખડો થાય તેમ છે.

બલૂચિસ્તાન સંજોગોના પાયામાં અવિશ્વાસ છે અને તે દૂર કરવાની જવાબદારી મહદંશે પાકિસ્તાન પર છે. વાટાઘાટ માટે સારો માહોલ ખડો થાય તે માટે પહેલાં તો પાકિસ્તાને સેનાની ઉગ્ર કામગીરી પર નિયંત્રણ લાદવું પડશે અને વિકાસ, પ્રાદેશિક અધિકારો અને લોકશાહીને કેન્દ્રમાં રાખવા પડશે. વળી બલૂચિસ્તાનને પોતાના જ સ્રોતોનો ઉપયોગ કરવા અને નિર્ણય લેવાની સ્વતંત્રતા આપનારા અઢારમા સુધારાને અમલમાં મુકવો જોઇએ.

બલૂચિસ્તાનના સંજોગો પાકિસ્તાનના આંતરિક રાજકારણનું પરિણામ છે. પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન સાથે પાકિસ્તાની સૈન્યએ જે વહેવાર કર્યો તેને કારણે જનતાને પાકિસ્તાની સૈન્ય પરથી વિશ્વાસ ઊઠી ગયો છે. અત્યારે જે સરકાર છે તે સૈન્ય પર સારો એવો આધાર રાખીને બેઠી છે. લાંબા ગાળાનો ઉકેલ ત્યારે જ શક્ય છે જ્યારે સત્તાનું વિકેન્દ્રીકરણ થાય અને બલૂચિસ્તાનના લોકોને તેમના કુદરતી ધન, વ્યવસ્થા વગેરેથી ફાયદા થાય. જ્યાં સુધી સૈન્ય અને નાગરિકોના અગ્રણી પ્રતિનિધિઓ આ અંગે સારા ઈરાદાથી સંવાદ સાધવાનો પ્રયાસ નહીં કરે ત્યાં સુધી બલૂચિસ્તાનમાં સંઘર્ષનો અંત આવે તેવી કોઈ શક્યતા વર્તાતી નથી. 

બાય ધી વેઃ 

પાકિસ્તાની સૈન્યનો વહેવાર અરાજકતા ફેલાવનારો છે. બલૂચિસ્તાનમાં શાંતિ સ્થપાય એ માટે સૌથી પહેલાં તો આ સૈન્યની પકડમાંથી તેને છૂટકારો આપવો પડશે. લોકશાહીને નામે બલૂચિસ્તાનમાં કંઇ નથી. વિકાસ અટક્યો છે, પ્રાથમિક સગવડના વાંધા છે તો લોકોના અપહરણ અને હત્યાઓનો પાર નથી. પહેલાં તો પાકિસ્તાની સૈન્યએ જે કર્યું છે તેની જવાબદારી સ્વીકાર્યા બાદ પાકિસ્તાને લોકશાહી અને સલામતીનું વાતાવરણ ખડું કરીને બલૂચી લોકોને ખાતરી આપવી પડશે તે સૈન્ય ત્યાંની સ્થાનિક વ્યવસ્થામાં ચંચુપાત નહીં કરે તો જ કદાચ આ સંઘર્ષોનો અંત આવશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 23 માર્ચ 2025

Loading

છ કાવ્યો

અંગ્રેજી અનુવાદ : ફૅડી જુડાહ [ગુજરાતી અનુવાદ : રૂપાલી બર્ક]|Poetry|23 March 2025

મૂળ અરબી કાવ્યો, કવિ : માયા અલ-હયાત (ઈઝરાયેલના જેરૂસલેમમાં વસતાં પૅલૅસ્ટિનયન કવયિત્રી-નવલકથાકાર)

૧. ખોટનો રસ્તો

તમારા બધાંની જેમ 

મેં છટકવાનો વિચાર કર્યો

પરંતુ મને ઉડ્ડયનની બીક છે,

ખીચોખીચ ભરેલાં પુલનો,

વાહન અક્સમાતનો,

અને નવી ભાષા શીખવાનો ડર છે.

એટલે સાદા પ્રયાણનું આયોજન છે,

એક નાનું પ્રસ્થાનઃ

સુટકેસમાં મારાં સંતાનોને પૅક કરી

કોઈ નવા સ્થળે જતાં રહેવું.

દિશાઓ મને ગૂંચવે છેઃ

આ શહેરમાં નથી જંગલ

કે નથી રણ.

ખ્યાલ છે તમને 

કોઈ ખોટના રસ્તાનો

જે વસાહતમાં જઈ અટકતો ના હોય?

આનંદપ્રદ હોય એવાં પ્રાણીઓ સાથે 

મિત્રતા કરવાનું મેં વિચાર્યું છે,

મારાં સંતાનોનાં ઈલૅકટ્રોનિક રમકડાંના

અવેજ તરીકે.

અને બલિ ચડાવે કોઈ કોઈનો એ પહેલા

અલોપ થઈ જવા કોઈ જગ્યા જોઈએ છે.

મારાં સંતાનો મોટાં થશે,

એમના પ્રશ્નો વધતાં જશે

અને હું જુઠ્ઠુ બોલી નથી શક્તી.

પરંતુ શિક્ષકો મારા શબ્દોને વિકૃત બનાવી દે છે.

હું દ્વેષ રાખતી નથી,

પરંતુ પાડોશીઓને હંમેશાં પંચાતમાં રસ હોય છે.

હું નિંદા કરતી નથી,

પરંતુ દુ:શ્મન કતલ કરે છે.

મારાં સંતાનો મોટાં થઈ રહ્યાં છે

અને હજુ કોઈને વિચાર આવતો નથી

અંતિમ કલાકના સમાચારનું પ્રસારણ બંધ કરવાનો,

શાળાઓની છત અને દીવાલને શીડવાનો,

રીબામણીનો અંત આણવાનો.

બોલવાની હિંમત મારામાં નથી.

જે કંઈ પણ બોલું છું, થઈને ઊભું રહે છે.

મારે બોલવું નથી.

એના કરતાં તો હું અલોપ થઈ જાઉં એ સારું.

***

૨. સામ્યતા

એક તફાવત બતાવો મને,

ભલે તમે ન્યાય, પીડા અથવા

ઇતિહાસ ધારતા હોવઃ

ધિક્કારનાર અદ્દલ ધિક્કારનાર જેવો લાગે છે

અને હત્યારો હત્યારા જેવો.

હવાઈ હુમલામાં નષ્ટ થયેલું મકાન દેખાય છે

બોંબ વિસ્ફોટથી નાશ પામેલા મકાન જેવું.

બંદૂકની ગોળીઓથી ચાળણી થયેલું બાળક

અને ચીંથડા ઊડી ગયેલું બાળક સરખાં જ દેખાય છે.

વિલાપ કરતી મા

પ્રતિક્ષા કરતી મા જેવી જ દેખાય છે.

તમારા ઉત્તરમાંથી ન્યાયને બાકાત કર્યા બાદ

મને એક તફાવત બતાવોઃ ન્યાય

આ વિશ્વમાં ખોટી જગ્યાઓમાં રહેતાં લોકોનો હક છે,

વ્યથિત જનોનો હક છે,

ઓછાં સંસાધનો ધરાવતા વંચિતોનો હક છે.

ન્યાય નથી માત્ર હત્યારાઓનું છળ,

દુષ્ટોની કાખ-ઘોડીઓ,

કે અન્યાયીઓની તલવાર.

એક તફાવત

મારાં સંતાનોને તમારા હવાલે કરી

બીજાં બધાં જેવી બની જાંઉ.

***

૩. જો…તો

ઘરેથી નીકળું એ દરેક વખત

આત્મહત્યા હોય છે

અને પાછી ફરું એ પ્રત્યેક નિષ્ફળ પ્રયાસ.

જો સળગતા ટાયરો ફાટે

અને સૈનિકો બદમાશી પર ઉતરી આવે તો?

જો કિશોરો ઉદ્દામ બની જાય

અને ચાલતી ટ્રકમાં ચાલક ઝોકે ચઢે તો?

હું જે ખોળી રહી છું એ મને જડી જાય તો?

ઘેર સાંગોપાંગ પાછું ફરવું છે.

આવવા જવામાં સરળતા માટે રસ્તા પર

બ્રૅડક્રમ્સથી નિશાની કરું છું.

પક્ષીઓ મારી બધી બ્રૅડ ખાઈ ના જાય ત્યાં સુધી.

***

૪. પાલતુ પશુ પેઠે

ઘરધણીની રહેમ પામવા

એમની આંખોમાં ઉદાસ નજરે જોવાનું,

એમના ખભા ઘસવાનું શીખી ગઈ છું.

મારી માંગણીઓ પાયાની છેઃ

માથા પર થાબડી થોડી

અને મારાં ભયાનક દૈનિક કૃત્યો પ્રત્યે રહેમનજર.

પાલતુ પશુ પેઠે

એમની શેષ રહેમદિલીની વાટ જોંઉ છું,

કંટાળીને મને એક બાજુએ ફંગોળે એ પહેલાં

ઝડપથી એમનું મને થાબડવું સંકેત છે

એમની આસપાસથી મારી જાત-નિકાલનું

અને એ ઊંઘ માણતા હોય ત્યારે

એમની સુવ્યવસ્થિત ગોઠવણ સાથે

મન ફાવે  તેમ કરું છું. 

એમની અલાર્મ ક્લૉકને

મારા ભસવા, ભૂખ અને બારણું ખોતરવા મુજબ ગોઠવી દઉં છું.

મૃદુતાપૂર્વક કોઈનું સાંભળતી નથી.

અને અનુમોદન, ફટકાર અને ધ્યાન મેળવવા

બટકું ભરું છું, રડું છું અને આમતેમ ગબડું છું.

***

૫. ત્યારબાદ

ખાનગી રાખેલી વાતોનું શું કરીશું

સંપૂર્ણપણે સડવાની રાહ જોતા

આપણી ભીતર ખડકેલા શબના ઢગલા સાથે

એકેય દર્પણમાં પ્રતિબિંબિત નહીં થતા

સ્મિતમાં ઉભરાતા સુખ સાથે,

પ્રેમ ખતમ થયા બાદ જ

તારો પ્રેમ આવે છે સમાધાન સાથે

કજિયો કરતાં પ્રેમીઓના મૃત્યુ બાદ

અને સ્વાર્પણ સાથે

સાધનો અનેકવિધ થઈ ગયા બાદ…

આપણા હાથ પછવાડે અલોપ થઈ ગયેલા માર્ગો બાદ, 

હોઠની ખોજ બાદ અને હાલમાં જે બધું બની રહ્યું છે

 ત્યારબાદ આ રસ્તાઓનું શું કરીશું?

***

૬. મારું ઘર

અત્યાર સુધી વસવાટ કરેલા અનેક ઘરો સાથે મારે કોઈ નિસબત નથી.

ત્રીજા ઘર બાદ હું રસ ખોઈ બેઠી છું,

પરંતુ હમણાંથી મારા શરીરના અંગો અને અવયવોમાં

ન સમજાવી શકાય એવી બીમારીઓની ફરિયાદ રહ્યાં કરે છે.

મારા હાથ વૃક્ષ કરતાં પણ ઊંચે પહોંચે છે.

ઍક્રૉમૅગલીની બીમારી છે અને દોડતી વખતે મારી ઝડપ પરિવર્તી હોય છે.

મારી સૌથી નજીક ચાલનારાઓને વટાવી જવા એ સૌથી મહત્ત્વની બાબત છે,

મને પાછળ છોડીને જતાં રહે એ પહેલાં એમનાથી આગળ નીકળી જવાનું.

એક ટ્યુનિસિયન ડૉકટરે મારા પિતાને કહેલું, “આ માનસિક અવસ્થા છે.”

મને એ મહિલા ડૉકટર ગમતાં અને એમના આ વાક્ય પૂર્વે મારા માટે એ ઘર હતાં.

એમના આ વાક્યથી ખૂબ ઉઝરડા પડ્યાં અને ઘર કકડભૂસ થઈ ગયું.

ઘર સમજીને મેં ઘણાં પાઠ વાંચ્યા અને રહી પણ ખરી એ બધાંમાં ઘડી બે ઘડીઃ

“લિક્વિડ મિરર્ઝ” એક એવું પાગલખાનું હતું જ્યાં મારો પ્રથમ પ્રેમ હું વીસરી ગઈ.

મૅગૅઝીનો પણ હતાંઃ ‘અલ-કરમલ’, ‘પોઍટ્સ’ અને ‘અક્વાસ’,

પછી ઍન્જીનિયરીંગનો અભ્યાસ કર્યો,

ધરતીકંપની નિષ્ણાત બની

એવા ઘર બનાવવા જેનાં પાયા ઋતુ અને અનપેક્ષિત પરિસ્થિતિ સામે ટકી શકે.

મારાં સંતાનોએ ખાડો ખોદી મને કહ્યું, “અહીં થોડો પોરો ખાઈ લે, મા.”

પરંતુ ખાડાથી ચામડી પર નિશાન પડી જાય છે

ખેતરમાં પડે એવા અને પંખીઓ ટોળે વળ્યાં 

અને સ્થિર પાણીમાં ખેતર ડૂબી ગયાં બાદ મારાં બધાં બીજ ચણી ગયાં.

પાઠમાં હું બારી અને બારણાવાળું ઘર બાંધી શકું છું 

જ્યાંથી આકાશગંગાઓ અને તારાઓને ઊંચેથી નિહાળી શકાય.

ઘરને રંગી શકું છું અમજદ નાસરના લખાણોથી, 

જેમણે કહેલું કે ભલે આભાસી ધોરણે બાંધેલુ હોય પણ નક્કર ઘર ખાતર

કલ્પના અને જ્ઞાન વચ્ચે ભેદ કરવો જ રહ્યો.

ઘોડાઓની પીઠ પર હું ઘર બાંધીશ

જે એને ખેતરોમાં લઈ જશે,  

ત્યાં મારા પગ થંભી જશે.

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

આખરે માણસને ઘડવાનું કામ તો માણસે જ કરવું પડે

રમેશ ઓઝ|Opinion - Opinion|23 March 2025

રમેશ ઓઝા

ગ્રૉક [Grok] નામનું આર્ટીફીશિયલ ઇન્ટેલિજન્સ (એ.આઈ.) ચેટબૉટ બજારમાં આવ્યું છે ત્યારથી ઉદારમતવાદીઓ ગેલમાં છે. તેમને એમ લાગે છે કે અસત્યના વાદળો છંટાઈ જશે અને સત્યનો સૂર્ય ફરી પાછો આકાશમાં ઝળહળવા લાગશે. બેવકૂફ ભક્તોની આંખના આંજણ ભૂંસાઈ જશે અને તેઓ નરવી આંખે સત્ય જોવા લાગશે. જોવું પડશે, કારણ કે અસત્યના તો ભૂકા બોલી ગયા હશે. ગોદી મીડિયા અને અર્નબ ગોસ્વામીઓને તો મોઢું છૂપાવવા કોઠીમાં પણ જગ્યા નહીં મળે. કોઈ કાંઈ પણ કહે  જાવ ગ્રૉક કે એવા કોઈ પણ તમારી પસંદના એ.આઈ. ચેટબૉટ પાસે અને સાચી જાણકારી મેળવી લો. હવે મહમ્મદ ઝુબિર જેવા ફેકટ-ચેકરોને જેલમાં પણ નહીં મોકલી શકાય, કારણ કે એ.આઈ. ચેટબૉટ માનવીનું બનાવેલું છે, પણ માનવરહિત છે. દંડો કોને? કોઈ નિરાકાર સત્યવ્રતી સત્યવદન કરવાનો છે અને જૂઠનો પ્રચાર કરનારા પામરો આશ્રય માટે દોડાદોડ કરશે. કરાગ્રહે વસતે સત્યના દિવસો આવ્યા છે.

ધ્રુવ રાઠી, આકાશ બેનર્જી અને એવા બીજા યુ ટ્યુબરોનાં બુલેટિન્સ સાંભળ્યાં અને ડિજીટલ ન્યુઝ પોર્ટરો પર કેટલાક લેખો વાંચ્યા, ત્યારે મનમાં આવી એક છાપ બની અને પછી મનમાં એક પ્રશ્ન પણ જાગ્યો જેના વિષે આજે અહીં વાત કરવી છે. સમસ્યા શ્રદ્ધેય કહી શકાય એવા માહિતિના સ્રોતના અભાવની છે કે પછી બૌદ્ધિક પ્રમાદની છે કે પછી જરૂરી શોધખોળ કરવા માટે આવશ્યક આવડતના અભાવની છે? ઘણા એમ માનીને ચાલે છે કે સામાન્ય લોકોમાં શોધખોળ કરવાની આવડત હોતી નથી, બિચારા પાસે એના માટે સમય પણ હોતો નથી, કારણ કે એ તો જીવનની આપાધાપીમાં અટવાયેલો રહે છે અને સૌથી મોટી વાત તો એ કે તેની પાસે માહિતિનો કોઈ સ્રોત હોતો નથી અને જો કોઈ સ્રોતમાંથી તેને માહિતિ આપવામાં આવે છે તો તે તેની શ્રદ્ધેયતા કેટલી એ બિચારો જાણતો હોતો નથી. જૂઠ ફેલાવનારાઓ આનો લાભ લે છે. સામાન્ય માણસ બાપડો ક્યાં સાચાખોટાની ખાતરી કરવા જવાનો છે!

આ વાત સાચી છે, પણ સાવ સાચી નથી. મોટી સંખ્યામાં એવા લોકો પણ હોય છે જે પોતાને સાંભળવું ગમે એવી વાત શોધવા માટે જહેમત ઉઠાવતા હોય છે. એની પાસે સમય પણ છે અને આવડત પણ છે. એ ત્યાં જઇને ઠરે છે જ્યાં તેને જે જોઈતું હોય એ મળી રહે. એક તંત્રી મિત્ર સત્યાન્વેશી જ્ઞાનપિપાસુ હોવાનો ડોળ કરીને મને મળવા આવે છે અને પછી ગાંધીજી, નેહરુ, કાઁગ્રેસ વિષે વાત કરે. તેમનો રસ એ લોકોએ શું ભૂલ કરી એ જાણવામાં હોય છે. ફેરવી ફેરવીને પૃચ્છા કરે. બીજા એક સાહિત્યકાર મિત્ર કોઈકના મેસેજ ફોરવર્ડ કરીને પૂછે કે શું આ સાચું હશે. તમારી પાસેથી સત્ય જાણવાની ઈચ્છા છે. આપણને લાગે કે આ ભાઈને સત્ય જાણવાની કેવી તાલાવેલી છે. હકીકતમાં આ લોકો તેમણે માફક આવે એવું ‘સત્ય’ શોધતા હોય છે. તમે જો કહો કે આમાં આંશિક સત્ય છે તો તેઓ એ આંશિકને પૂર્ણ કરી નાખે. તમે ગમે તેટલા તથ્યો સામે મુકશો તો પણ તે પોતાની વાત નહીં છોડે. બેહુદી દલીલો કરશે અને છેવટે દલીલના અભાવમાં મૂંગો રહેશે, પણ પોતાની વાત નહીં છોડે. તેઓ પોતાની માન્યતા, ગૃહીતો કે પૂર્વધારણાઓ છોડવા તૈયાર નથી હોતા. તેઓ પોતાને અનુકૂળ આવે એવા મિત્રો, સમૂહો કે માધ્યમો શોધતા રહે છે. તેઓ અર્નબ ગોસ્વામીને એટલા માટે નથી સાંભળતા કે તેમનામાં બુદ્ધિ કે સમજણ ઓછી છે, તેમને અર્નબ ગોસ્વામી જે કહે એ જ સાંભળવું છે. આવા પ્રકારના લોકો સત્યના દુ:શ્મનો છે અને એ દરેક વિચારધારામાં છે. એ લોકો જાણીબૂજીને છેતરાય છે અને બીજાને છેતરે છે. એ તેમનો એજન્ડા છે.

જે પ્રજામાનસ પર કબજો જમાવવા માગે છે એ લોકો આવા પ્રકારના છેતરાનારા અને છેતરનારા લોકોની એક કેડર તૈયાર કરે છે જે એજન્ડા વિનાના સાવ સામાન્ય માણસને ભ્રમિત કરે છે. ભારતમાં તેમણે આવા છેતરાનારા અને છેતરનારા લોકોની બે કે ત્રણ પરત (લેયર્સ) તૈયાર કરી છે. ગ્રોક હોય કે બીજું કોઈ પણ ચેટબૉટ હોય, તે આ પરત તોડી નહીં શકે. બીજી બાજુ એજન્ડા વિનાનો સામાન્ય માણસ જ્યાં સત્યને સામે રાખવામાં આવે છે ત્યાં પહોંચી નહીં શકે. તેને માટે ચેટીંગ પણ એક લક્ઝરી છે.

મેં આ સવાલ કે મૂંઝવણ ગ્રોકને જ વિસ્તારથી જણાવી અને પૂછ્યું કે એમાં તું શું કરી શકે? ગ્રોકનો જવાબ સૂચક હતો. આખરે માણસને ઘડવાનું કામ તો માણસે જ કરવું પડે!

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 23 માર્ચ 2025

Loading

...102030...209210211212...220230240...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved