Opinion Magazine
Number of visits: 9456022
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બેંકોના રાષ્ટ્રીયકરણના સાડા પાંચ દાયકે

ચંદુ મહેરિયા|Opinion - Opinion|3 September 2025

ચંદુ મહેરિયા

આઝાદી પછી તરત જ બેંકોના રાષ્ટ્રીયકરણની માંગ ઊઠી હતી. સૌ પહેલા ૧૯૪૮માં તેનો વિચાર થયો હતો. પરંતુ તેનો અમલ કરતાં બે દાયકા થયા. લગભગ છપ્પન વરસ પૂર્વે, ઓગણીસમી જુલાઈ ૧૯૬૯ના દિવસે,  ૧૪ બેંકોના રાષ્ટ્રીયકરણનો જે  નિર્ણય થયો હતો તે ખૂબ જ નાટકીય હતો. આત્મકથા ‘મારું જીવનવૃત્તાંત’માં મોરારજી દેસાઈ લખે છે : (૧૯મી જુલાઈ ૧૯૬૯ની) બપોરે ત્રણ-ચાર વાગ્યાના સુમારે (નાણાં મંત્રી તરીકેનું) મારું રાજીનામું એમણે સ્વીકારી લીધું છે,  એવો પ્રધાન મંત્રીનો (ઈન્દિરા ગાંધીનો) મને પત્ર મળ્યો. એનો જવાબ પણ મેં એમને લખી મોકલ્યો હતો. એ જ સાંજે એમણે (વડા પ્રધાન શ્રીમતી ગાંધીએ) ચૌદ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવાનો નિર્ણય કરી લીધો હતો અને એની જાહેરાત પણ કરી હતી. (પૃષ્ઠ ૫૨૨) 

દેશે સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી બિનજોડાણવાદી વિદેશનીતિ અને મિશ્ર અર્થતંત્રની આર્થિક નીતિ અપનાવી હતી. મિશ્ર અર્થતંત્રમાં ખાનગી અને જાહેર બંને ક્ષેત્રોને અવકાશ હતો. પરંતુ ખાનગી અને વેપારી બેંકોનો મુખ્ય ઉદ્દેશ નફાનો હતો તેના પર મોટા ઉદ્યોગપતિઓનું વચર્સ હતું. વળી તે શહેરો અને ઉચ્ચ વર્ગો માટે જ હતી. દેશના ગ્રામીણો અને ગરીબો જ્યારે નાનકડી રકમ માટે પણ શાહુકારો પર નિર્ભર હતા ત્યારે બેંકોની પ્રાથમિકતા ન તો ખેડૂતો હતા, ન ગરીબો, ન શ્રમિકો. આ સ્થિતિમાં બેંકોના રાષ્ટ્રીયકરણની માંગ થવી સ્વાભાવિક હતી. 

બેંકોનું રાષ્ટ્રીયકરણ (Nationalisation) એટલે વેપારી કે ખાનગી બેંકોની માલિકી અને નિયંત્રણ સરકાર હસ્તક હોવું. બેંકોના રાષ્ટ્રીયકરણનો દીર્ઘ ઇતિહાસ છે. ૨૭મી જાન્યુઆરી ૧૯૨૧ના દિવસે ત્રણ બેંકો(મુંબઈ, બંગાળ અને મદ્રાસની પ્રેસિડેન્સી બેંકો)ને એકત્ર કરીને અખિલ ભારતીય સ્તરની ઈમ્પીરિયલ બેંક ઓફ ઇન્ડિયાની રચના થઈ હતી. ૧લી જુલાઈ ૧૯૫૫ના રોજ તેનું રાષ્ટ્રીયકરણ કરીને ધી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એવું નામકરણ કર્યું હતું. ૧૯૩૫માં સ્થાપિત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું ૧૯૪૯માં નેશનલાઈઝેશન થયું હતું. ૧૯૪૮થી સમાજવાદીઓ અને સામ્યવાદીઓ વેપારી બેંકોના રાષ્ટ્રીયકરણની માંગ કરતા હતા. ૧૯૬૭ની સામાન્ય ચૂંટણીઓ માથે હતી ત્યારે જ બેંકો અને વીમાના રાષ્ટ્રીયકરણની માંગ બળવત્તર બની હતી. મે-૬૭માં મળેલી કાઁગ્રેસ વર્કિંગ કમિટી(CWC)માં આ મુદ્દો ચર્ચાયો હતો. તત્કાલીન વિત્ત મંત્રી મોરારજી દેસાઈનો મત હતો કે તેઓ રાષ્ટ્રીયકરણને એક સિદ્ધાંત તરીકે માનતા નથી પરંતુ સાધન માને છે. ‘કાઁગ્રેસે મિશ્ર આર્થિક નીતિ સ્વીકારેલી છે અને વારંવાર તેની જાહેરાત કરી છે અને તેથી રાષ્ટ્રીયકરણને હું કોઈ સિદ્ધાંત તરીકે સ્વીકારતો નથી, તેમ જ રાષ્ટ્રીયકરણની જરૂર હોય તો હું એના પક્ષમાં છું’, એમ પણ તેમણે કહ્યું હતું. તરફેણ-વિરોધની લાંબી ચર્ચાઓ પછી સમાધાનરૂપે બેંકો પર સામાજિક નિયંત્રણની યોજના સ્વીકારવામાં આવી. જો કે તે લાંબુ ન ટકી અને રાષ્ટ્રીયકરણ થઈને જ રહ્યું. 

ઐતિહાસિક અને યુગપ્રવર્તક ઘટના ગણાતા બેંકોના રાષ્ટ્રીયકરણનો નિર્ણય મોરારજીભાઈ પાસેથી નાણાખાતું પોતાના હસ્તક લઈને તરત જ ત્યારનાં વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ લીધો હતો. સંસદનું સત્ર મળવાને આડા અડતાળીસ કલાક જ હતા તો પણ વટહુકમ મારફતે તેમણે રૂ. પચાસ કરોડથી વધુની થાપણો ધરાવતી ચૌદ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું. તેનો હેતુ સ્પષ્ટ કરતાં સરકારે કહ્યું હતું કે, ‘રાષ્ટ્રીય પ્રાથમિકતા અને ઉદ્દેશો સાથે સુસંગત રહીને અર્થતંત્રના વિકાસની આવશ્યકતાઓ વધુ સારી રીતે સંતોષી શકાશે’.  ૧૯મી જુલાઈ ૧૯૬૯ના આ વટહુકમની બંધારણીયતાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી. પરંતુ તે સંસદમાં ચર્ચાઈને કાયદો બની ગયો. કાયદાને પણ સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો અને ૧૦મી ફેબ્રુઆરી ૧૯૭૦ના સર્વોચ્ચ અદાલતના બહુમતી(૧૦ વિ.૧) ચુકાદાથી તેને ગેરબંધારણીય ઠેરવવામાં આવ્યો. જો કે કેન્દ્રે હાર ન માની અને ૧૯૭૦ના ફેબ્રુઆરીની ૧૪મીએ બીજા વટહુકમથી બેંકોના પુર્નરાષ્ટ્રીયકરણનો માર્ગ લીધો. સર્વોચ્ચ અદાલતે જે વાંધા લીધા હતા તેને તેમાં દૂર કરાતાં તે કાયદેસર બન્યો અને ૩૧મી માર્ચ ૧૯૭૦ના રોજ બેંકોના રાષ્ટ્રીયકરણનો વિધિવત કાયદો બની શક્યો. જો કે આ કાયદો પશ્ચાદવર્તી અસરનો હોઈ ખરેખર ૧૯મી જુલાઈ ૧૯૬૯થી બેંકોનું રાષ્ટ્રીયકરણ  માન્ય ગણાયું. ઇન્દિરા ગાંધીએ તેમના વડા પ્રધાન તરીકે ૧૯૮૦ના કાર્યકાળમાં  ૨૦૦ કરોડથી વધુ થાપણો ધરાવતી બીજી ૬ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. એટલે કુલ ૨૦ રાષ્ટ્રીયકૃત બેંકો થઈ. ૨૦૧૯-૨૦માં વર્તમાન સરકારે કેટલીક બેંકોનો અન્યમાં વિલય કરતાં હાલમાં ૧૨ નેશનલાઈઝ બેંક્સ છે.

બેંકોના રાષ્ટ્રીયકરણના સાડા પાંચ દાયકે રાષ્ટ્રીયકરણના ઉદ્દેશો અને બેંકોની વર્તમાન સ્થિતિ તપાસવા જેવી છે. વેપારી બેંકો કેટલાક મૂડીપતિઓએ સ્થાપી હતી અને તેના પર તેમનો કાબૂ હતો. તેથી આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયેલું હતું. પહેલા તબક્કે ૧૪ બેંકોના રાષ્ટ્રીયકરણ સાથે જ આ વર્ચસ તૂટ્યું હતું અને બેંકિંગ ક્ષેત્રનો લગભગ ૮૦ ટકા હિસ્સો સરકારના નિયંત્રણ હેઠળ આવી ગયો હતો. એટલે આર્થિક કેન્દ્રીકરણને તેણે નાબૂદ કર્યું હતું. 

બેંકોના વ્યાપનો હેતુ મોટાપાયે સફળ થયો છે. જુલાઈ ૧૯૬૯માં ૮,૨૬૨ બેંક શાખાઓ હતી. જે આજે ૯૦,૦૦૦ છે. એટલે બેંક શાખાઓમાં અભૂતપૂર્વ વૃદ્ધિ થઈ તેનું કારણ રાષ્ટ્રીયકરણ છે. નેશનલાઈઝેશન પહેલા ૧૯૫૧ થી ૧૯૬૮માં બેંકોના ધિરાણમાં ૬૮ ટકા ધિરાણ ઉદ્યોગોને અને માત્ર ૨ ટકા જ ખેતીને થયું હતું. હવે બેંક ધિરાણ તો વધ્યું જ છે પરંતુ તે નાના ખેડૂતો, સ્વરોજગાર ચાહતા લોકો, નાના અને મધ્યમ ઉદ્યોગોને મળી રહ્યું છે. અર્થાત બેંક રાષ્ટ્રીયકરણનો જે હેતુ હતો કે બેંકોની લોન ગરીબો, દલિતો, આદિવાસીઓ, ખેડૂતો, નાના વેપારીઓ અને નબળા વર્ગોને મળી રહે તે હેતુ બર આવ્યો છે. 

નેશનલાઈઝેશન પછી જ બેંકિંગસ્ટાફમાં અનામતનીતિનો અમલ થયો છે. તેને કારણે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોને બેંક કર્મચારીથી લઈને મેનેજર થવાની તક મળી છે. મૂડીપતિઓના વર્ચસ હેઠળની બેંકોમાં આ શક્ય નહોતું. ગ્રામીણ ક્ષેત્રે પણ બેંકો પહોંચી છે. જો કે હજુ અંતરિયાળ ગામડાં કે આદિજાતિ વિસ્તારો સુધી તેની પહોંચ નથી. બેંકો સરકારી યોજનાઓના અમલ માટે તો ધિરાણ આપતી થઈ છે પરંતુ સાધન સહાય પણ આપે છે. એટલે રોકડ આર્થિક  ધિરાણ ઉપરાંત ખેતી કે વ્યવસાયના સાધનો માટે બેંક લોન મળતી થઈ છે. બેંક મેનેજમેન્ટનું વ્યવસાયીકરણ થયું છે અને તેમાં સમાજના કથિત નિમ્ન વર્ગોને સ્થાન મળ્યું છે. ખાનગી બેંકો ફડચામાં જાય ત્યારે થાપણદારને માથે જોખમ આવતું હતું. પરંતુ સરકાર હસ્તક બેંકો હોઈ થાપણદારોનો એ ભય દૂર થયો છે એટલે લોકો પોતાની બચત અને થાપણો બેંકોના હવાલે મોટા પાયે કરે છે. આજે બેંકોમાં રૂ.૧૪૦ લાખ કરોડ જમા છે. બેંકો એટલે નાણાની લેવડ-દેવડ, ધિરાણ-થાપણ, લાભ-નફો, અમીરો-ઉદ્યોગો એ છાપ ભૂંસાઈ ગઈ છે. સમાજના ગરીબ, વંચિત, નબળા વર્ગોના લોકો તેનું પગથિયું ચઢતા થયા છે અને તેમના સામાજિક-આર્થિક ઉત્થાનની ચિંતા સેવી તેને સક્ષમ બનાવવાવું કામ બેંકો કરતી થઈ છે.

જો કે રાષ્ટ્રીયકરણ પછી રાજકીય હસ્તક્ષેપ અને દબાણને કારણે ધિરાણો કરવામાં આવ્યા છે અને તે મોટા ધિરાણો પરત ન આવતાં એન.પી.એ. (નોન પરફોર્મિગ એસેટ્સ) વધી છે. વળી બેંક એમ્પ્લોઈઝ યુનિયનો મજબૂત હોઈ તેને કારણે કાર્યક્ષમતા અને કામની ગુણવત્તા જોખમાઈ હોવાની છાપ ઊભી થઈ છે. રાષ્ટ્રીયકરણે બેંકોના વહીવટમાં નોકરશાહી વલણો વધાર્યાં છે તે તેની મોટી મર્યાદા છે. એકંદરે ૧૯૯૧ના આર્થિક ઉદારીકરણ પછી અને ખાનગીકરણના વાયરા વચ્ચે બેંકોનું રાષ્ટ્રીયકરણ અકબંધ રહ્યું છે તે તેની મોટી સિદ્ધિ છે. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

તમારી માતા મા અને બીજાની માતા જર્સી ગાય?

રમેશ સવાણી|Opinion - Opinion|3 September 2025

રમેશ સવાણી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2 સપ્ટેમ્બર 2025ના રોજ કહ્યું છે : “માતા આપણી દુનિયા છે. માતા આપણું સ્વાભિમાન છે. બિહારમાં રા.જ.દ., કાઁગ્રેસના મંચ ઉપરથી મારી માતાને ગાળો દેવામાં આવી. આ શબ્દો ખાલી મારી માતાનું અપમાન નથી. તે દેશની મા, બહેન, દીકરીનું અપમાન છે. મને ખબર છે કે આ જોઈને બિહારની દરેક મા, દીકરી, ભાઈને કેટલું ખરાબ લાગ્યું હશે.”

બિલકુલ સહમત. કોઈપણ ઝઘડામાં / વાતમાં માતા / બહેનને ગાળો આપવી તે નિંદનીય છે જ. માણસ તિરસ્કાર દર્શાવવા / ક્રોધાવેશમાં ગાળો બોલે છે. ગાળો ન બોલવી / ન લખવી તે સભ્યતા છે. માતા વડા પ્રધાનનાં હોય કે ગરીબનાં, તેમનું અપમાન એ દેશની મા, બહેન, દીકરીનું અપમાન છે.

પરંતુ રાષ્ટ્રીય સ્તરે શું જોઈએ છીએ? BJP IT Cell દ્વારા ગાંધીજીને / નેહરુને મુસ્લિમ તરીકે ચિતરે છે; આમ આ તેમની માતા માટે અભદ્ર ટિપ્પણી કહેવાય કે નહીં? સત્તાપક્ષને સમર્થન કરતા લાખો વોટ્સએપ ગ્રુપ, લાખો ફેસબૂક પેજ, લાખો ટ્વિટર હેન્ડલ દિવસ-રાત ગાળો લખે છે, બોલે છે. ટ્રોલ્સ સોશિયલ મીડિયામાં સતત મા-બહેનની ગાળો લખી રહ્યા છે. ટ્રોલ્સ સામે  ફરિયાદ કરનારાઓની FIR કેમ નોંધવામાં આવતી નથી? શા માટે ગાળો લખનારાઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે? શું BJP IT Cellએ, ગાળો આપવા / ચરિત્ર હનન કરવા ફેક્ટરી ખોલી નથી? ટ્રોલ્સની માફક, મોદીભક્ત લેખકો સોશિયલ મીડિયામાં છૂટથી મા-બે’નની ગાળો લખે છે અને એનો ગર્વ કરે છે !

વડા પ્રધાનનાં માતાને ગાળ આપનારને તરત જ એરેસ્ટ કરવામાં આવે છે, પરંતુ ગરીબ / વંચિત / મધ્યમ વર્ગની માતાને ગાળો આપનાર સામે FIR નોંધાતી નથી. શું તે દેશની માતા નથી? 

અરે, ખુદ મોદીજી માતા, બહેન, દીકરીનું અપમાન કરતા નથી? માનસી સોનીની જાસૂસી કરવી તે સભ્યતા કહેવાય? જાહેરમંચ પરથી લાખો લોકો સમક્ષ મોદીજીએ ‘જર્સી ગાય / કાઁગ્રેસની વિધવા / બારબાલા / 50 કરોડની ગર્લફ્રેન્ડ / સુર્પણખા / દીદી ઓ દીદી’ જેવા શબ્દનો પ્રયોગ કર્યા હતા, તો એ માતા / બહેનનું અપમાન ન કહેવાય? તે સમયે દેશની માતા-બહેનોનું અપમાન નહોતું થતું?

ગાંધીજી / સરદાર પટેલ / નેહરુ / ઇન્દિરાજી / મોરારજી દેસાઈ / રાજીવ ગાંધી / નરસિમ્હા રાવ / અટલ બિહારી વાજપેયી / મનમોહનસિંહ ક્યારે ય જાહેરમંચ પરથી કે સંસદમાં માતા-બહેનોનું અપમાન કરેલ હતું? ગાળો આપેલ? રાહુલ ગાંધીનાં માતાનું અપમાન મોદીજીએ કર્યું છતાં રાહુલ ગાંધી, મોદીજીની માતા વિશે કદી ય ઘસાતું બોલ્યા નથી. મોદીજીએ નોટબંધી વેળાએ પોતાની માતાને બેન્ક સમક્ષ લાઈનમાં ઊભા રખાવ્યાં હતા તે રાજનીતિ કહેવાય કે નહીં? 

મણિપુરની જે મહિલાઓની નગ્ન પરેડ થઈ / ગેંગ રેપ થયા તે કોઈની માતા કે બહેન હશે જ ને? મહિલા પહેલવાનોનું યૌન શોષણ થયું ત્યારે મોદીજીએ ભેદી મૌન ધારણ કરી યૌનશોષણ કરનારને છાવર્યો ! એ મહિલા પહેલવાનો કોઈની બહેન તો હશે જ ને? બળાત્કારીઓ / હત્યારાઓને જેલ મુક્ત કર્યા હતા; તે પીડિતા કોઈની દીકરી / બહેન તો હશે જ ને? સંસદમાં ભા.જ.પ.ના સભ્યો વિપક્ષના સભ્યોને ગાળો આપે છે તેમને ક્યારે ય રોક્યા? યુદ્ધમાં પરાજિત પક્ષની મહિલાઓ પર બળાત્કાર કરવાની સલાહ આપનાર સાવરકરને આદર્શ માનો છો, તેમાં મા-બહેન-દીકરીનું અપમાન નથી? જશોદાબહેન સાથે લગ્ન કરેલ છતાં ચૂંટણીપંચ સમક્ષ અપરણિત લખાવેલ તે કોઈની દીકરીનું અપમાન કહેવાય કે નહીં? કાયમ વિક્ટિમ-કાર્ડનો જ ઉપયોગ કરવાનો? મોંઘવારી / બેરોજગારી ઓછી કરો તેમાં કરોડો બહેન-દીકરીઓનું સન્માન જળવાય કે નહીં? મોદીજી ! તમારી માતા મા અને બીજાની માતા જર્સી ગાય? 

02 સપ્ટેમ્બર 2025. 
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

હજારો અવાજો મને ઘેરીને ઊભેલા છે – સ્વેતલાના એલેક્સિયેવિચ

સોનલ પરીખ|Opinion - Opinion|3 September 2025

યુદ્ધનો ઇતિહાસ પુરુષો લખે છે અને પુરુષો વિશે લખે છે – બટ વિમેન્સ સ્ટોરીઝ આર ડિફરન્ટ. યુદ્ધભૂમિ પર સ્ત્રીમાં રહેલી સ્ત્રી નાશ પામે છે. યુદ્ધમાં કોઈ વીરનાયક હોતો નથી. હોય છે માનવીય બાબતો પ્રત્યે અમાનવીય રીતે વર્તનારા માનવો

— સ્વેતલાના એલેક્સિયેવિચ

સ્વેતલાના એલેક્સિયેવિચ

‘આ પોડિયમ પાસે હું એકલી નથી ઊભી, હજારો અવાજો મને ઘેરીને ઊભેલા છે. આ અવાજો મારા ગામની સ્ત્રીઓના છે. એમાંની કોઈને ભાઈ, પતિ કે પિતા નહોતા. બીજા વિશ્વયુદ્ધ પછી અમારા ગામમાં એક પણ પુરુષ બચ્યો નહોતો. બેલારુસમાં દર ચોથો પુરુષ યુદ્ધમાં ખતમ થઈ ગયો હતો. અમે બાળકો સ્ત્રીઓ વચ્ચે ઊછરતાં. મને યાદ છે કે આ સ્ત્રીઓ પ્રેમની વાતો કરતી, મૃત્યુની નહીં.’

રશિયા-બેલારુસ યુદ્ધને સાડાત્રણ વર્ષ થયા છે ત્યારે બેલારુસની લેખિકા અને પત્રકાર, સાહિત્યનું નોબેલ ઈનામ જીતનાર રશિયન લેખિકા સ્વેતલાના એલેક્સિયેવિચનાના આ શબ્દો યાદ કરવા જેવા છે. સ્વેતલાના પોતાને ‘હિસ્ટોરિયન ઑફ ધ સોલ’ કહે છે. 1985માં પ્રગટ થયેલું એનું પુસ્તક ‘ધ અનવુમનલી ફેસ ઑફ વૉર’ વિશ્વયુદ્ધમાં લડવા ગયેલી મહિલાઓની સ્મૃતિઓનું ‘કોલાજ’ છે. બીજા વિશ્વયુદ્ધમાં સોવિયેત આર્મીમાં દસ લાખ સ્ત્રીઓ હતી. યુદ્ધ દરમ્યાન અને એ પછી આ સ્ત્રીઓનું શું થયું? સ્વેતલાનાએ એમને મળી, એમના અનુભવોનું રેકૉર્ડિંગ કરી, એનું લિપ્યાંતર કરી આ પુસ્તક તૈયાર કર્યું છે. 2015માં સ્વેતલાનાને નોબેલ મળ્યું અને 2017માં પુસ્તકનું અંગ્રેજી થયું. આ પુસ્તકની ગણતરી દુનિયાના સૌથી દુ:ખી-ઉદાસ પુસ્તકોમાં થાય છે. એનું પોત મહિલા સૈનિકોનાં આંસુ અને લોહી વડે વણાયેલું છે. આપણને હચમચાવી નાખે એટલું એ કરુણ છે. યુદ્ધની બિભિષિકામાંથી પસાર થયેલી સ્ત્રીઓના અવાજો એનાં પૃષ્ઠોમાંથી ઊઠે છે. 

આગળ એણે જે અવાજોની વાત કહી છે તે આ સ્ત્રીઓના અવાજો છે. એક અવાજ કહે છે, ‘તેણે મને પ્રપૉઝ કર્યું ત્યારે અમે યુદ્ધની વચ્ચે હતા. જમીન પર ગંદકી, હવામાં લોહીની વાસ. મેં કહ્યું, ‘કોની સાથે લગ્ન કરીશ? મારામાંની સ્ત્રી તો મરી ગઈ છે.’ એનો એક ગાલ આખો ઊતરડાઈ ગયો હતો. એ ગાલ પર ગરમ આંસુ સરી પડ્યાં. મારાથી જોવાયું નહીં. મેં એને હા પાડી. મારી હાને હું જ ઓળખી શકતી નહોતી. અમારી આસપાસ રાખ ઊડતી હતી, ઈંટો ભાંગી ભાંગીને પડતી હતી …’ પુસ્તકનું એક પાત્ર કહે છે, ‘આપણે વર્ષોથી એ સ્થિતિમાં છીએ કે કાં તો લડતાં હોઈએ, કે પછી લડાઈની યોજના બનાવતા હોઈએ.’

સ્વેતલાનાએ લખ્યું છે, ‘ફ્લુબર્ટ પોતાને ‘હ્યુમન પેન’ કહેતો. હું પોતાને ‘હ્યુમન ઈયર’ કહું છું. આ પોડિયમ સુધીનો રસ્તો ચાલીસ વર્ષ લાંબો છે. આ ચાલીસ વર્ષ મેં એક એક અવાજ સાંભળવામાં ગાળ્યા છે. અનેક વાર ભય પામી છું, આઘાત પામી છું અને કેટલીય વાર અવાજોને ભૂલી જવાનો પ્રયત્ન પણ કર્યો છે. હું એ સમયમાં જીવી છું જ્યારે નાનું બાળક પણ મૃત્યુને જાણતું. અમારી આસપાસની હવામાં ઝેર હતું અને અમે એ શ્વસતાં.’ 

સ્વેતલાનાએ એમને પૂછ્યું, ‘તમે યુદ્ધમાં શા માટે જોડાયા?’ એક સ્ત્રી તરત બોલી, ‘કારણ કે ત્યાં દિવસમાં બે વાર ખાંડવાળી ચા અને ટોસ્ટ મળતાં હતાં!’ તેણે નોંધ્યું છે, એક વાર બળાત્કારનો ભોગ બનેલી મહિલા સૈનિકોએ ગુનેગારોને ઓળખવા કરતાં ખાવાનું વધારે પસંદ કર્યું હતું! કેવી સ્થિતિ હશે? શાસકોને આ મહિલાઓના સ્ત્રી-અસ્તિત્વની પરવા નહોતી. કોઈ વાજબી માગણીના જવાબમાં પણ તેઓ બરાડતા, ‘શટ અપ, વી વૉન્ટ સૉલ્જર્સ, નોટ ગર્લ્સ.’ પણ સ્ત્રી પોતાની અસ્મિતાને, સુઘડતા અને સુંદરતા માટેના પ્રેમને ક્યાં મૂકવા જાય? એક સ્ત્રી કહે છે, ‘અમને એટલો માનસિક ત્રાસ થતો કે અમારામાંના કેટલાયના માસિક સ્રાવ બંધ થઈ જતા. અમે ડરી ગયા, અમે હવે સ્ત્રી નથી રહ્યા શું?’ અસ્તિત્વ પરના આ ઘાની કલ્પના પુરુષોને ન આવે.  

નોબેલ ભાષણમાં સ્વેતલાનાએ ચેર્નોબિલ ઘટનાનો ભોગ બનેલી સ્ત્રીઓની મુલાકાતનો ઉલ્લેખ કર્યો છે. ચેર્નોબિલનો કાટમાળ ખસેડતાં રેડિયેશનનો ભોગ બનેલા એક મજૂરને હૉસ્પિટલમાં લઈ જવાયો. તેની પત્નીએ સ્વેતલાનાને કહ્યું, ‘મને તેને મળવા ન દીધી. હૉસ્પિટલમાં જવા પણ ન દીધી, કહે કે તમે એને ઓળખી નહીં શકો. તમે જેને જાણો છો એ માણસ એ રહ્યો નથી.’ આ સ્ત્રી રાતે ચીમની દ્વારા હૉસ્પિટલમાં ઊતરે છે. ચોકીદારોને પૈસા ખવડાવી પતિને મળે છે. એને જોઈને સમજી જાય છે કે કદાચ આ છેલ્લી મુલાકાત છે. એ ક્ષણોને જીવી લેવા બંને ગાઢ પ્રેમ કરે છે. તેને ગર્ભ રહે છે અને રેડિયેશનને લીધે બાળકી મૃત જન્મે છે. એ સ્ત્રી કહે છે, ‘બંનેની કબર પર ફૂલ મૂકતાં હું આ જીવલેણ પ્રેમ વિશે વિચારું છું …’ 

સ્ત્રીઓ શારીરિક કામો માટે નાજુક ગણાય પણ એક મહિલા ઘાયલ સૈનિકોને હૉસ્પિટલમાં લાવવાની ડ્યુટી કરતી હતી તે એક દિવસમાં 481 ઘાયલ સૈનિકોને હૉસ્પિટલ લઈ આવી હતી. સ્વેતલાના કહે છે, ‘માનવું મુશ્કેલ છે.’ ‘મને પણ એવું જ લાગે છે.’ સ્ત્રી શાંતિથી કહે છે. 

એક સ્ત્રી કહે છે, ‘મારે બહુ બધું કહેવું છે. વર્ષો સુધી હું કશું બોલી નથી. મેં પ્રયત્ન કર્યો હતો, પણ કોઈ મારું સાંભળતું નહોતું. સારું થયું તમે આવ્યા, પૂછ્યું. આઈ ટેલ યુ, ઈટ ઈઝ ટેરિબલ ટુ રિમેમ્બર, બટ ઈટ ઈઝ ફાર મોર ટેરિબલ ટુ ફરગેટ – યાદ કરવું ભયાનક છે, પણ ભૂલી જવું એનાથી પણ ભયાનક છે.’ એણે એક એવી સૈનિકની વાત કરી હતી, જેણે પીછો કરતા જર્મન લશ્કરથી ટુકડીને બચાવવા પોતાના રડતા બાળકને પાણીમાં ડુબાડી દીધું હતું. ‘એનું બાળક રડતું બંધ થયું. ક્યાં ય સુધી અમે આંખો ઊંચી કરી એ સ્ત્રી સામે કે એકબીજા સામે જોઈ શક્યા નહીં.’

યુદ્ધ પૂરું થયું અને આ મહિલાઓ ઘેર પાછી ફરી ત્યારે ઘરના મોરચે પણ એક યુદ્ધ ખેલાયું. યુદ્ધમાંથી પાછા ફરતા પુરુષની રાહ જોવાય છે, એને વધાવી લેવાય છે. પણ મહિલાઓનું શું થાય છે? પતિઓ શહીદ થઈ ગયા છે. ગામો રાખ થઈ ગયાં છે. પાંચ છ મહિનાનાં હતાં તે બાળકો હવે મોટાં થઈ ગયા છે, માને ઓળખતાં નથી. કુંવારી હતી તેને કોઈ પરણતું નથી. એક મહિલા કહે છે, ‘ઓગણીસની ઉંમરે મને વીરતા માટે અવૉર્ડ મળ્યો ત્યારે મારા વાળ સફેદ થઈ ગયા હતા અને મારાં ફેફસાંની આરપાર ગોળી ચાલી ગઈ હતી.’ એક સ્ત્રીને માબાપે કહ્યું, ‘તારી બે નાની બહેનો સાથે કોઈ લગ્ન નહીં કરે કેમ કે તું આટલા પુરુષો સાથે રહીને આવી છે. તું ક્યાંક ચાલી જા.’ યુદ્ધમાંથી પાછી ફરેલી સ્ત્રીઓ માટે ‘આર્મી હોર્સ’ કે ‘મિલિટરી બિચિસ’ જેવા શબ્દો વપરાતા. આટલી ભયાનક પુરુષપ્રધાનતા?’

આ પુસ્તક સાથે જ સ્વેતલાનાનું ‘લાસ્ટ વિટનેસ’ પુસ્તક પ્રગટ થયું હતું. એમાં યુદ્ધગ્રસ્ત બાળકોની વાત હતી. 1997માં ‘વૉઈસિઝ ફ્રોમ ચેર્નોબિલ’ આવ્યું અને 2013માં ‘સેકન્ડહેન્ડ ટાઈમ’. નાની હતી ત્યારથી સ્વેતલાના જાણતી કે ‘વિમેન્સ સ્ટોરીઝ આર ડિફરન્ટ’. દર્દને એ માનવમાત્રની નિયતિ કહે છે. લખે છે કે યુદ્ધનો ઇતિહાસ પુરુષો લખે છે અને પુરુષો વિશે લખે છે, પણ મેં બાળપણમાં સ્ત્રીઓની જે વાતો સાંભળી હતી, એની પકડ જુદી જ છે. ‘વાસ્તવ મને ડરાવે છે અને આકર્ષે પણ છે.’ ‘યુદ્ધમાં કોઈ વીરનાયક હોતો નથી. હોય છે માનવીય બાબતો પ્રત્યે અમાનવીય રીતે વર્તનારા માનવો.’ 

સ્વેતલાનાના શરૂઆતના લખાણોમાં સામ્યવાદી રશિયામાં વધતા જતા ઔદ્યોગીકરણનો ચિતાર છે, પણ પછી એ બહુ જ નિર્ભયતાથી યુદ્ધના વિશ્વમાં પ્રવેશી ગઈ છે. ડઝનબંધ પ્રવાસો, સેંકડો મુલાકાતો અને અનેક રેકૉર્ડિંગ. ‘મારું ધ્યેય ચોક્કસ સમયખંડમાં જીવતા અને ચોક્કસ બનાવોનો હિસ્સો બનતા ચોક્કસ માણસોને સાંભળવા એ છે.’ ‘યુદ્ધ શાપ છે, પણ માણસ યુદ્ધથી મોટો છે.’ 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 03 ઑગસ્ટ  2025

Loading

...10...20212223...304050...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved