Opinion Magazine
Number of visits: 9747559
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઓળખપાળખની ભુલભુલામણી

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|15 January 2021

ગુજરાતીના એક ચિંતક, વક્તા, સાહિત્યકાર તેમ જ કેળવણીકાર આચાર્ય યશવંત શુક્લના મતે ‘પેટલીકરે પત્રકારધર્મ, લોકધર્મ અને સમાજધર્મ બરાબર પાળી બતાવ્યો છે.’ વરિષ્ટ સાહિત્યકાર, અધ્યાપક અને વિવેચક અનંતરાય રાવળના કહેવા મુજબ, ‘પેટલીકર પ્રગતિશીલ વિચારસરણી ધરાવનારા લેખક અને સમાજસેવક હતા.’ તો બીજી પાસ, ગુજરાતી આલમના એક આગેવાન વિચારક, કર્મશીલ તેમ જ અધ્યાપક પુરુષોત્તમ માવળંકર લખતા હતા, ‘પેટલીકર સત્ય અને સ્પષ્ટ વક્તા હતા, લેખક હતા, રાજકીય સમીક્ષક હતા.’ વાત ખરી છે. તેથી એમનું આ અવતરણ વિશેષે તપાસવા સમ બને છે :

'મારા પૂર્વ આફ્રિકાના પ્રવાસમાં પટેલને મળાયું; વણિકો(શાહ)ને મળ્યો; બાહ્મણોને મળ્યો; કાઠિયાવાડીઓને મળ્યો; પણ ન મળ્યો કોઈ ગુજરાતીને. પટેલ સમાજોમાં ભાષણો કર્યાં; બ્રહ્મસમાજમાં ભોજનો લીધાં; કાઠિયાવાડી સમાજની ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો પણ એક ગુજરાતી સમાજનો સમાગમ ન થયો.’

યુગાન્ડાની ‘યુવક સંઘ’ સંસ્થાના મહેમાન તરીકે ઈશ્વર પેટલીકર પૂર્વ આફ્રિકાના પ્રવાસે હતા, ત્યારે મોમ્બાસામાંની એક જાહેર સભામાં આ ઉચ્ચારણ એમણે કરેલું તેમ નોંધાયું છે. એ દિવસોમાં મોમ્બાસામાંથી ‘કેન્યા ડેયલી મેલ’ નામક ગુજરાતી સાપ્તાહિક નીકળતું. વળી, નાઇરોબીથી ‘કેન્યા ક્રોનિકલ’, ’આફ્રિકા સમાચાર’ તેમ જ ‘નવયુગ’ નામે ત્રણેક ગુજરાતી સાપ્તાહિકો પ્રગટ થતા. તો વળી, દારેસલ્લામમાંથી ‘ટાંગાનિકા હેરલ્ડ’ પણ પ્રકાશિત થતું. આ ગુજરાતી સાપ્તાહિકોની ફાઈલો જળવાઈ હોય તેમ જાણમાં નથી અને તેથી આ ભાતીગળ બેઠકની વિશેષ વિગતમાહિતી હાથવગી બનતી નથી. પરિણામે ઈશ્વર પેટલીકરની આ સભાબેઠકોની માહિતીનોંધ મેળવી શકાતી નથી. તેથી સવાલ થાય : આ સશક્ત આગેવાન સુધારક, વિચારક, સાહિત્યકાર, સંપાદકે આ બાબતને આ મુલાકાતો દરમિયાન, આ ભોજન સમારંભોમાં અને વળી આ ધાર્મિક પ્રવૃત્તિઓના મેળાવડામાં, છેડી હશે જ ને ? કે પછી, પાછળથી પોતાનાં લખાણમાં જ તેનો સમાવેશ થયો છે ? ભલા, કોણ કહી શકે ? આ લોકધર્મી સ્પષ્ટ વક્તા તેમ જ રાજકીય સમીક્ષકે આવી આવી ચર્ચા કોથળે બાંધી ન જ હોય; એમણે પાંચશેરી બાંધીને રજૂઆત કરી જ હોય ને ?

સવાલ અહીં ઓળખ માટેનો છે. જગત ભરના દરેક આપ્રવાસી જમાતનો આ કોયડો છે. પોતાના મૂળ વસવાટથી દૂરસુદૂર ગયેલી જમાત પોતાના સમૂહમાં સ્વભાવગત રહેવાનું રાખે છે. એમને પરિચિતતા કોઠે પડી ગઈ હોય છે.

આ પહેલાં પૂર્વ આફ્રિકાની વાત થઈ. હવે આફ્રિકા ખંડના દખણાદા વિસ્તારની વાત જાણીએ, સમજીએ:

ગઈ સદીની ચાળીસીને આરંભે મણિલાલ ગાંધીએ ‘ઇન્ડિયન ઓપીનિયન”માં લખેલું, ‘જે દહાડે દક્ષિણ આફ્રિકાના હિન્દીઓમાં કોમવાદનો રોગ ફાટી નીકળશે, તે વેળા એમણે જાણી લેવું કે તેમનો સવર્નાશ આવી પહોંચ્યો. આપણે અહીં હિન્દુ નથી, કે નથી મુસલમાન, નથી પારસી કે નથી ઈસાઈ; આપણે હિન્દી જ છીએ. હિન્દુસ્તાનના કયા પ્રાન્તમાંથી આપણે મૂળે આવ્યા છીએ તે મુદ્દો ય પછી અગત્યનો રહેતો નથી, કેમ પછી તે પ્રાન્ત મદ્રાસ હોય, મુંબઈ હોય કે બંગાળ હોય.’ મહાત્મા ગાંધી સ્થાપિત આ અઠવાડિકના તંત્રી તરીકે લખતા, મણિલાલભાઈ કહેતા હતા આ મુલકે હિન્દુ મહાસભા વગેરે જેવી કોમી સંસ્થાઓ કાર્યપ્રવૃત્ત હોય તે એમને સમજાતું નથી. ‘કેમ કે થોડાઘણા સમયથી આ મુલકે કોમવાદી વલણવૃત્તિનું ચલણ વધી રહ્યું છે. … સમગ્ર રાષ્ટૃને કેન્દ્રમાં રાખીને આપણે શા સારુ વિચારતા નથી અને આપણી સમગ્ર કોમના ભલા માટે તેમ કાર્યપ્રવૃત્ત રહેતા નથી.’ આવું નિરીક્ષણ એમનું હતું.

મહાત્મા ગાંધીના બીજા પુત્ર મણિલાલ ગાંધી ને સુશીલાબહેન ગાંધીનું સૌથી મોટું સંતાન એટલે સીતા ધૂપેલિયા. સીતાબહેનની દીકરી ઉમા ધૂપેલિયા મિસ્ત્રી એક પંકાયેલાં અધ્યાપક છે. કેપ ટાઉનની વેસ્ટર્ન કેપ યુનિવર્સિટીમાં હાલ ઇતિહાસ વિભાગમાં સહાયક પ્રાધ્યાપકનો હોદ્દો સંભાળે છે. એમણે ઊંડું સંશોધન કરીને આપણને એક પુસ્તક આપ્યું છે : Gandhi’s Prisoner ? The Life of Gandhi’s Son Manilal. [ગાંધીના બંદીવાન ? ગાંધીપુ્ત્ર મણિલાલની જીવનકથા] સન 2004માં પ્રસિદ્ધ થયો આ ગ્રંથ અભ્યાસુ માટે બૃહદ્દ ગુજરાતી સમાજને સમજવા, પામવા સારુ એક અગત્યનું સાધન છે.

બૃહદ્દ ગુજરાતે વસી આપણી જમાત વિશે અનેક પુસ્તકો આપણે મળ્યાં છે. કિનિયાથી, યુગાન્ડાથી, ટાન્ઝાનિયાથી જેમ મળ્યાં છે તેમ દક્ષિણ આફ્રિકાથી પણ સાંપડ્યાં છે. આ પુસ્તકોમાંથી પસાર થતાં થતાં આપણી વિવિધ ઓળખોની ઝાંખી પામતાં જવાય છે. અહીં પણ પુસ્તકમાં કેન્દ્રમાં છે તો મણિલાલ ગાંધી. પણ તે જે તે મણિલાલ નથી; મોહનદાસ કરમચંદ ગાંધીના બીજા સંતાન છે. ગાંધીએ તો 1914માં દક્ષિણ આફ્રિકાનો કિનારો છોડ્યો તે છોડ્યો. પણ મણિલાલભાઈએ એમના વારસાનું શાનદાર રખોપું કરેલું છે, ન માત્ર ફિનિક્સ વસાહતનું તેમ જ ‘ઇન્ડિયન ઓપીનિયન’નું, બલકે જોડાજોડ હિન્દીઓને થતા રહેલા અનેકવિધ અન્યાયો સામેનો એમનો, એમના પરિવારજનોનો તેમ જ સાથીદારોનો અહિંસક પ્રતિકાર અને તેની તલસ્પર્શી ઊંડી વાતોના સગડ પણ અહીં છે.

ગાંધીભાઈ તરીકે સુખ્યાત બનેલા મોહનદાસ કરમચંદ ગાંધીના વારાથી ગાંધી પરિવાર દક્ષિણ આફ્રિકામાં હિન્દી કોમમાં એકરૂપ હતું. દાયકા પહેલાં ગાંધી અને ગાંધી વિચારના એક અભ્યાસુ આગેવાન ગોપાળકૃષ્ણ ગાંધીએ દાખલાદૃષ્ટાન્તો આપીને મને અહીં લંડનમાં સમજાવેલું કે દક્ષિણ આફ્રિકા માંહેના હિન્દીઓમાં, કોઈ પણ જાતના ભેદભાવ વિના સૌ કોઈના એ પ્રીતિપાત્ર બની ગયેલા. સૌ કોઈ એમનો પડ્યો બોલ ઝીલી લેતા એવા એ દિવસો હતા. અને તેનો કોઈ જોટો હિન્દમાં જોવા મળ્યો નહોતો.

અને આવું છતાં, ઉમાબહેનનું એક તારણ ઊડીને આંખે વળગે છે. ગાંધી પરિવારે ડરબનમાં ગુજરાતીઓ જોડે બહુ નજીકનો તાલમેળ રાખ્યો હતો. તેમ છતાં, શહેરના ગુજરાતી સમાજ સાથેનો એમનો વહેવાર જૂથ બહાર બરાબરના હોય તેમ રહેતો. ડરબનમાં સુરતીઓ તેમ જ કાઠિવાડીઓની અલગ અલગ સંસ્થાઓ હતી. હિન્દુસ્તાનના જ નહીં, બલકે ગુજરાતના જુદા જુદા પ્રાન્તવિસ્તારની અહીં આ છાપ હતી. સુશીલાબહેન ગાંધી તો જાણીતા મશરૂવાળા પરિવારનું સંતાન. એમનાં મૂળ સુરતમાં નીકળે. જ્યારે મણિલાલ ગાંધીનાં મૂળ કાઠિયાવાડમાં. આથી દેખીતી રીતે બન્નેની નાતજાત જુદી લેખાતી. કાઠિયાવાડ હિન્દુ સેવા સમાજ એમને આવકારવા ઠંડોબોળ રહેતો ! એમનાં ત્રીજાં સંતાન ઇલાબહેનને ટાંકીને ઉમાબહેન લખે છે : એમને કોઈકે એકાદી વાર ‘વર્ણસંકર’ [half-caste] છો તેમ કહ્યું તેથી ઇલાબહેનને ઊંડી વેદના થયેલી. વળી, જ્યારે ત્યારે આ અંગે ગાંધી પરિવારને તે જણ ટોણો ય માર્યા કરતા. બીજી તરફ, સુરતી સમાજ પરિવાર અંગે થોડોઘણો કૂણો વર્તાતો. આ ભેદભાવથી પર રહી ગાંધી પરિવાર ગુજરાતી ઓળખને સતત જાળવવી રાખવા પ્રયત્નશીલ રહ્યું છે, તેવું લેખિકા લખે છે.

આ અને આવી ઓળખને જે ઝંઝાવાતો વેઠવી પડે છે તેનાં કેટલાંક દૃષ્ટાન્તો પણ અહીં છે. દેશ દેશ વચ્ચે જ સરહદો બંધાઈ હોય તેવું થોડું છે ? સંસ્થાઓ વચ્ચે, જાતિ, ધર્મ, જમાત વચ્ચે ય આપણે કોઈક સીમાઓ બંધાઈ હોય તેવું લાગ્યા વગર રહેતું નથી. અને તેને અનેક કારણો ય રહેવાનાં.

“સંદેશ” માંહેના પોતાના એક લેખમાં, 26 જુલાઈ 2020ના, જાણીતા વિચારક, લેખક રમેશભાઈ ઓઝા લખતા હતા, ‘ટૂંકમાં કાઠિયાવાડમાં મધ્યકાલીન જીવનમૂલ્યો અને અંગ્રેજ પૂર્વેની સામંતશાહી તેની સોળે કળાએ કાયમ હતાં. આધુનિકતાની દિશાની યાત્રામાં કાઠિયાવાડ એક પાછળ રહી ગયેલો, બાજુએ હડસાઈ ગયેલો, લગભગ ભૂલાઈ ગયેલો ઉપેક્ષિત પ્રદેશ હતો. કાઠિયાવાડમાં જાણે કે સમય થીજી ગયો હતો. પણ અંગ્રેજો કાઠિયાવાડને ભૂલ્યા નહોતા. તેનો તેમને ખપ હતો. બ્રિટિશ ભારતમાંના ઉપદ્રવીઓ માટે કાઠિયાવાડ આશ્રયસ્થાન હતું. દયાનંદ સરસ્વતીએ તો આધુનિક યુગના એક પ્રસિદ્ધ સંતને ઉત્તર ભારતમાંથી ભાગીને આવેલા અને કાઠિયાવાડમાં છૂપાયેલા ગુનેગાર તરીકે ઓળખાવ્યા હતા. ભારતમાં જેટલા સાધુઓ છે એમાંથી લગભગ ૭૦ ટકા સાધુઓ આજે પણ કાઠિયાવાડમાં જોવા મળશે. આજના દિવસે ભારતમાં જેટલા પરમ પૂજ્યો છે તેમના અનુયાયીઓ મોટા ભાગના ગુજરાતીઓ અને તેમાં પણ કાઠિયાવાડીઓ છે, પછી ભલે તે બિન ગુજરાતી હોય. અહીં કોઈનો વાળ પણ વાંકો ન થાય અને ઉપરથી પૂજાય. અંગ્રેજો કાઠિયાવાડનો ઉપયોગ રાજકીય ઉપદ્રવીઓને તગેડવા માટે પણ કરતા હતા કે જેથી ફરી વાર ૧૮૫૭ જેવી ઘટના ન બને.’

કોણ જાણે ! … આમ આવી સામંતશાહી આપણી જમાતમાં ઢબૂરાઈને પડી છે. આ એકવીસમી સદીમાં ય અમેરિકા, યુરોપ સમેતના પશ્ચિમી દેશોમાં પથરાઈ આપણી વસાહતમાં પણ આજે આવું આવું જ ચિત્ર જોવા મળે છે.

વારુ, સન 1967 દરમિયાન, આપણને એક ભારે સરસ અંગ્રેજી ફિલ્મ સાંપડી હતી : Guess Who’s Coming to Dinner. વિલિયમ રોસે પટકથા લખી છે અને સ્ટેનલી ક્રેમરે દિગ્દર્શન આપ્યું છે. આ ચલચિત્રમાં સિડની પોટિયેરે ડૉ. જ્હોન વેઇડ પ્રેન્ટિસનું પાત્ર ભજવેલું છે. શ્વેત કન્યા જોઆનાના પિતા મેટ ડ્રેયટનનું પાત્ર સ્પેન્સર ટ્રેસીને અફલાતૂન ભજવ્યું છે. તેમ તેની માતા તરીકેનું [ક્રિસ્ટિનાનું પાત્ર] કેથરિન હેપબર્ને મન ને દિલ ઠારે તેવું કર્યું છે. ખ્યાતનામ આફ્રિકન-અમેરિકન દાક્તર વેઇડ પ્રેન્ટિસ ઉદારમતવાદી તેમ જ જાણીતા અખબારના પ્રકાશક પિતાની પુત્રી જોઆના ડ્રેયટનના પ્રેમમાં પડે છે અને બન્ને પરણવાનું નક્કી કરી લે છે. તે જાણી વરિષ્ઠ પ્રેન્ટિસ પુત્ર જ્હોનને કહી બેસે છે, તું ભૂલ કરી બેઠો છે. જવાબમાં જ્હોન પાછો વળતો નથી; બલકે તે મક્કમતાથી પિતાને કહી બેસે છે : You think of yourself ‘as a coloured man [while] I think of myself as a man’. [તમે તમારી જાતને હબસી તરીકે જુઓ છો; હું મારી જાતને માણસ તરીકે જોઉં છું.]

… અને, અહીં આપણી પણ મુસીબત શરૂ થાય છે. પૂર્વ આફ્રિકા, ભારત, બ્રિટન સમેત યુરોપમાં પથરાઈ આપણી જમાતને જોઈએ, તપાસીએ તો સમજાય છે, તે ય પારદર્શકતાની સપાટીએ ગુજરાતી તરીકે ભાગ્યે જ જોવા પામીએ છીએ. એ ક્યાંક બ્રાહ્મણ છે, ક્યાંક જૈન છે, ક્યાંક પટેલ છે, ક્યાંક લોહાણા છે, વગેરે. પણ આ ય ઓછું હોય તેમ આ દરેક પેટાસમૂહના ય પાછા અનેક નાનામોટા વિભાજનો છે. આટલું ઓછું હોય તેમ વળી બીજાત્રીજા ય આટાપાટામાં આપણી જમાતને ભાળીએ છીએ. એ દિવસોમાં શું આફ્રિકે, આજે શું વિલાયત-યુરોપમાં; આપણી જમાત વેપારઉદ્યોગનાં જૂથ તેમ જ નોકરિયાત વર્ગમાં સ્વાભાવિક વહેંચાયેલી છે. પરિણામે પોતપોતાના હિતોને કારણે મંડળો રચતી આવી છે. જેમ બીજાત્રીજા સમાજજૂથો બને છે તેમ આપણી કોમમાં ય આવું બનતું આવ્યું છે.

સ્વામી સચ્ચિદાનંદજીના કોઈક લખાણમાંથી આ એક અવતરણ ઉદ્ધૃત કરીએ : ‘આપણી પાસે સંખ્યા છે, પણ સરવાળો નથી. જ્ઞાન છે, પણ દૃષ્ટિ નથી. પૈસો છે, પણ આયોજન નથી. એટલે છતી શક્તિએ શૂન્ય છે.’

સ્વામીજીએ એમની લાક્ષણિક ઢબે એકતાની વાત અહીં છેડી છે. પણ એમણે ગણિતશાસ્ત્રની એરણે આ વાતને ચડાવી આપી છે. પરંતુ આ ‘શૂન્ય’ અવકાશની પરિસ્થિતિ ખરેખર મૂંઝવે છે.

રમેશભાઈ ઓઝા “ગુજરાતમિત્ર” માંહેના એક લેખમાં, 26 જુલાઈ 2020ના, લખતા હતા તેમ, ‘લોહી સિવાયનાં બાકીનાં પરિવારોને રચવા માટે અને રચ્યા પછી ટકાવી રાખવા માટે માણસ બે રસ્તા અજમાવે છે. એક રસ્તો છે ઓળખનો અને બીજો રસ્તો છે ઉદ્દેશનો. આપણે બ્રાહ્મણ છીએ કે હિંદુ છીએ અથવા મુસલમાન છીએ એટલે પરિવાર રચવાનો છે. આ ઓળખ થઈ. આપણે બ્રાહ્મણ છીએ, હિંદુ છીએ કે મુસલમાન છીએ એટલે દેખીતી રીતે મહાન છીએ એ ઓળખને પાકી કરવા માટેનો વરખ થયો. ઉપરનો ઓપ થયો. ધીરે ધીરે વરખનો ચળકાટ મૂળ પદાર્થની જગ્યા લઈ લે. આ ઓળખનું મિથ્યાભિમાન થયું. આપણે મહાન છીએ માટે આપણે આપણી મહાનતા સ્થાપિત કરવી જોઈએ, સરસાઈ મેળવવી જોઈએ અને બીજાઓ પાસે કબૂલ કરાવવું જોઈએ એ ઉદ્દેશ થયો.’

જગત બે સાલ પહેલાં જેની જન્મ-દ્વિશતાબ્દી ઉજવી રહ્યું હતું તે વિદ્વાન ચિંતક અને ફિલસૂફ કાર્લ માર્ક્સને નામે એક વાક્ય બોલે છે : ‘It is not the consciousness of men that determines their being, but, on the contrary, their social being that determines their consciousness.’ [માનવીની અસ્મિતા તેનું અસ્તિત્વ નિશ્ચિત કરતું નથી, બલકે તેનું સામાજિક અસ્તિત્વ તેની અસ્મિતાને નિશ્ચિત કરતું હોય છે.]

પાનબીડું :

આપણે બધા થોડા વધારે માણસ, થોડા વધારે ભારતીય ન થઈ શકીએ ?

“મારા દેશની ગમે એવી વિશેષતા શી છે? અહીં અસહિષ્ણુતા કે અંતિમવાદી વલણ માટે  પરસ્પર દોષારોપણ થતું રહેશે છતાં વાસ્તવિક્તા એ છે કે આ દેશમાં ઉદારમતવાદી હિંદુઓની સંખ્યા કટ્ટર માનસિકતા ધરાવતા હિંદુઓથી ઘણી વધારે છે. આજે પણ આ સાચું છે. એવું અન્ય કોમ માટે પણ કહી શકાય. જો કે આ સત્ય હોવા છતાં વાતાવરણ ડહોળાયું હોય એવું લાગે, સલામતી અને લાગે તે કહેવાની હિંમત ઓછી થતી લાગે તો તમામ ઉદાર માનસિકતા ધરાવનારાઓએ અવાજ વધારે બુલંદ કરવો પડશે. મારા તમામ ઉત્તમ મિત્રો હિંદુ કે પારસી કે જૈન છે એનું કારણ એ તમામ ભારતીય પહેલાં છે મારી જેમ, પછી બીજી ઓળખ. આપણે બધા થોડા વધારે માણસ, થોડા વધારે ભારતીય ન થઈ શકીએ? આજે સમયની આ માંગ છે એવું નથી લાગતું?”

— શરીફા વીજળીવાળા

(શરીફાબહેનની ફેઇસબૂક વૉલ પરેથી સાભાર)

હેરૉ, 29 જૂન – 28 જુલાઈ 2020

e.mail : vipoolkalyani.opinion@btinternet.com

[શબ્દો : 1713]

પ્રગટ : “ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક”, પુસ્તક : 85; અંક : 04; પૃ.61-65

Loading

તંગ છે પતંગ આ વખતનો …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|14 January 2021

આજે મકરસંક્રાંતિ. સૂર્યનો ધનમાંથી મકર રાશિમાં પ્રવેશ થાય એટલે મકરસંક્રાંતિ ને સૂર્ય દક્ષિણથી ઉત્તર તરફ ગતિ કરે એટલે ઉત્તરાયણ, પણ આ અક્કલ ત્યારે ન હતી, એટલે કે આજે છે એવું નથી. નાના હતા ત્યારે એક જ અર્થ હતો, આ તહેવારનો ને તે પતંગ. ત્યારે મોટા પતંગ તો કોણ આપે? ફુદ્દીથી કામ ચાલતું. આજે મોટા પતંગો ચગાવી શકાય એમ છે, પણ હવે એ શેરી નથી. અહીં તો આજુબાજુના એપાર્ટમેંટ્સની ઊંચી દીવાલો નડે છે. એક ઠુમકો મારીએ તો પતંગ સામી ભીંતે અથડાય તેવી સ્થિતિ છે.

એમાં વળી કોરોનાને કારણે સરકારે ગાઈડલાઈન્સ બહાર પાડી છે. એ વાંચી વાંચીને પતંગ ચગાવવાના છે. માસ્ક કંપલસરી છે. એ પતંગને નથી પહેરાવવાનું એટલું સારું છે. સોશિયલ ડિસ્ટન્સિંગ લોકોએ જાળવવાનું છે. પતંગ જો એ જાળવવા જાય તો પેચ જ નહીં લાગે ને સાંજે, સવારનો જ પતંગ નીચે ઉતારવો પડે એમ બને.

ઘણા લોકોનું કહેવું છે કે પોલીસના જાપ્તા નીચે જ તહેવારો ઉજવવાના હોય તો એમાં ઉજવણું નહીં, ઉઠમણું જ થાય. એ સાચું હોય તો પણ લોકોએ દિવાળીમાં ભેગા થવામાં જે “હોળી” કરી તે તો ન જ ચલાવાય ને ! લોકોએ ભીડ કરીને કોરોનાને વકરાવ્યો તો ઉતરાણમાં સરકાર કડકાઈથી કામ લે તો તેનો વાંધો ના ઉઠાવી શકાય. વેલ, કોઈ નિયમ જ પાળવો ન હોય તો નેતા થતાં કોણ રોકે છે? સાચું તો એ છે કે નેતાને કોઈ નિયમો નડતા નથી. સરકાર લોકડાઉનમાં થાળી વગડાવે તો ચાલે, પણ તમારાથી ઉતરાણમાં માઈક ન વપરાય, કારણ, તમે લોકો છો, નેતા નથી.

શું છે કે ઘણા વખતથી પોલીસો બિચારા ઉપરની કમાણી, નીચેથી કરતા હતા તે હવે ઉપરથી, એટલે કે છાપરેથી કે ધાબેથી કરે તો કચકચ નહીં કરવાની. બધાંને પેટ છે. માઈક હોય જ નહીં ને ઘોંઘાટ કરવા બદલ દંડ કરે તેને પોલીસ કહેવાય. એવું બનવાનું કે ધાબે પચાસથી લોકો વધે તો પોલીસ કાર્યવાહી કરે, પણ પચાસથી ઓછા હોય તો પણ એમ કહીને ખંખેરી શકે કે તમારે ધાબે ચાલીસ જ કેમ? બીજા દસ કેમ નથી? નિયમ તો પચાસનો છે. લાવો દંડ !

આ સંતાપ નાના હતા ત્યારે પણ હતો, પણ પ્રકાર જુદો હતો. હાથમાં પૂંઠાની કે પથ્થરની સ્લેટ ને એક ધોળી પેન લઈને જતા ને ત્યારે સાહેબ આંકણી ફટકારીને “પ” પતંગનો પ, શીખવતા ને એમ પછી ખરેખર પતંગ પકડવાનો પણ થયો. પહેલો પરિચય ફુદ્દીનો. પછી ફુદ્દીની ઉંમર વધી ને તે લાલી કે કાળી થઈ. સાંકળ આઠ કે ગેંડો તો ત્યારે કોણ અપાવે, પણ સિલાઈનું બૉબિન એકવાર માંજો થઈ ગયેલું ને એનાથી પેચ કાપેલા તે પણ ખરું.

સાહેબ ઉતરાણ વિષે નિબંધ લખાવતા. પછી ધોરણ બદલાયાં તેમ તેમ એનું નામ પણ બદલાઈને “મકરસંક્રાંતિ” કે “પતંગોત્સવ” થયું. બધા તહેવારોની જેમ પહેલી ઉતરાણ પણ અમારે ઘરે જ આવતી. આખી શેરી લગભગ છાપરાંવાળી. એક છાપરેથી બીજે છાપરે દોડીને જવાય. એટલી દોડાદોડ થતી કે પડોશીઓ લગભગ રોજ છાજિયાં લેતાં ને અમારાં માબાપનો, દાદા, કાકાનો ઘણો વખત એમની સાથે ઝઘડવામાં જ જતો. અમારી ઉતરાણ પંદર દિવસ પહેલાં શરૂ થતી ને પંદર દિવસ પછી પૂરી થતી. પંદર દિવસ પહેલાંથી પતંગ દોરાની માંગ ચાલતી. રોજ બાનો જીવ ખવાતો ને એક દિવસ બાપા અમને છોકરાઓને લઈને દોરી ઘસાવવા લઈ જતા. ત્યારે લૂગદીથી માંજો ઘસાવવાની ઘેલછા હતી. ટાવરરોડ પર મોહન ટોકીઝ સુધીના વિસ્તારમાં માંજો ઘસનારાઓ હતા. બાપા એ રોડ પરથી જ દોરો, ફિરકી ખરીદતા અને દસબાર રૂપિયામાં તો દોરાથી ફિરકી ભરાઈ જતી.

માંજો ઘસવાવાળાને ત્યાં ભીડ થતી. રીલ ને ફિરકી સવારે લઈ જવાનું કહેવાતું. પણ મન માનતું નહીં. અમને શંકા રહેતી કે દોરીવાળો નકલી દોરી ફિરકીમાં ભરી દેશે ને અસલી રીલ કોઈ દોરીવાળાને વેચીને રોકડી કરી લેશે. એટલે અમે છોકરાઓ ત્યાં જ બેસતા અને અમારી સામે જ દોરો ઘસાય તેનો આગ્રહ રાખતા. રાત વધતી ને ઠંડી પણ વધતી. દાંત કટકટતા. છેવટે કાચ પાયેલો દોરો ફિરકીમાં ભરાતો ને અમે ભાગળથી સગરામપરાના અમારાં ઘરે સ્વેટરમાં સંતાતા પાછા ફરતા. એ તાજા ઘસાયેલા માંજા પર હાથ ફેરવવાનું ખૂબ ગમતું ને એનો કરકરો સ્પર્શ આજે પણ આંગળીમાં અકબંધ છે.

આગલે દિવસે પતંગ ખરીદવા જતા. પહેલાં તો વડીલો સાથે આવતા, પણ પછી અમે મહોલ્લાના મિત્રો સાથે ખરીદીએ નીકળતા. 13મીની રાત્રે ટાવરરોડ પર પતંગની હરાજી થતી. પતંગનો ત્યારે પંજો વેચાતો. એક પંજામાં પાંચ પતંગ એક્માના જ હોય. એવા ચાર પંજાની એક કૂંડી કે કોડી કહેવાતી. એક કૂંડીમાં જુદી જુદી સાઇઝ કે રંગના પંજા હોય. એવી કૂંડીની હરાજી થતી. હરાજીમાં કિંમત બોલાતી ને  એટલામાં જ ખરીદી થતી. એ પતંગો ત્યાં જોવાની છૂટ ન હતી. જે આવે તે લઈ લેવાનું. એક પર એક પંજા મૂકીને, ઊંચો ઢગલો લઈને ઘરે આવીએ ત્યારે ઘણા પતંગો ફાટેલા નીકળતા. અમે પણ કૈં કમ ન હતા. અમારામાંના કેટલાક બહાદુરો હરાજીમાં પતંગ ખરીદતા ને પૈસા આપ્યા વગર જ ઘર ભેગા પણ થઈ જતા ને એમ ફાટેલા પતંગોનો હિસાબ સરભર થઈ જતો.

મોડી રાત્રે બહેનો યાદ આવતી, કન્ના બાંધવા. અમે પતંગને કમાન આગળ ને નીચે “ચમચક”ની ત્રણ આંગળ ઉપર કાણાં પાડી આપતા જેને બહેનોએ દોરી બાંધી આપવાની. એ પછી “શૂનથી શૂન” અમે કરતા ને દોરી આગળથી પતંગને અધ્ધર ઊંચકીને ચેક કરતા. બંને બાજુ સમતોલ રહે તો એ પતંગ આકાશમાં સ્થિર રહેવાની ગેરંટી મળતી. રાતના બેત્રણ વાગ્યા સુધી કન્ના બાંધવાનું ચાલતું ને સૂર્ય ઊઠે એ પહેલાં પતંગ અમારે ત્યાંથી ઊઠતો. ઊઠતો તેની સાથે બે વાત થતી. ક્યાં તો પવન હોય જ નહીં અથવા તો એટલો હોય કે ફિરકી સાથે પતંગ બંધાય એ પહેલાં જ ઊડીને સામેના છાપરે જઈને પડતો. પવન ન હોય તો ઠુમકા મારી મારીને પતંગને ઘર બહાર કાઢવો પડતો, એ પણ ના છૂટકે ફડફડતો ઘર બહાર પડતો.

કોઈવાર ઢઢ્ઢો વાળવો પડતો. એ વાળવામાં એવું પણ થતું કે ઢઢ્ઢો તૂટી જતો ને એમ ખૂબ ગમતા પતંગનો ભોગ લેવાતો. એ દિવસે સાંધવામાં કોઈ પડતું નહીં, નવા પતંગો જ ચગતા. તડકો ચઢતો તેમ તેમ છાપરાંઓ ભરાવા લાગતાં ને ધીમે ધીમે એટલા પતંગો ઊડતા કે આકાશ વચ્ચે વચ્ચે ડોકિયાં કરી જતું હોય એવું લાગતું. બા અગાશીમાં આવતી અને વાટકીમાંના તલના લાડુ છાપરાને બતાવતી. અમે ઠુમકા મારતા મારતા જ લાડુ મોંમાં ઓરતા. તલગોળનો એ સ્વાદ જીભ પર છે, પણ દાંતમાં ભરાયેલા તલની જેમ, લાડુ ધરતી વાટકીવાળો હાથ આજે ય આંખો શોધ્યા કરે છે.

પતંગોથી આકાશ છલકાઈ ઊઠતું. પતંગો ચગતા ને કપાતા. કોઈનો પતંગ કપાતો તો “કાઇપો છે” કે “લપેટ”ની સામટી બૂમો પડતી ને જેનો કપાયો હોય તે ફિરકી પકડેલા હાથોને ભાંડતો, “ફિરકી પકડી શું રાખે છે? દોરી આવવા દેની !” એમાં કોઈએ દોરી લૂંટી તો આખું છાપરું બરાડતું, “એ ભિખારી! દોરી છોડ! દોરીના પઈહા ની ઓય તો લે આપું !” સામસામે ગાળો બોલાતી, નળિયાં ફેંકાતાં ને એમાં પડોશીના છાપરાં ટાલ પડી હોય તેમ ઉજ્જડ થતાં જતાં. ઝઘડો વધી પડતો તો મારામારી છાપરેથી મહોલ્લાઓમાં ઊતરતી ને મહોલ્લાઓના મોભીઓ વચ્ચે પડતા ને છેવટે બબડતાં ફફડતાં મહોલ્લો ફરી છાપરે આવતો ને વળી ઠુમકાઓમાં બપોર પડતી.

ઘરમાં વેઢમી બની હોય ને સાથે ભાત, આમટી હોય. બા ઘરમાં બોલાવતાં થાકી ગઈ હોય ને પતરાં તપવા લાગ્યાં હોય એટલે અમે પણ નીચે આવતાં. પૂરણપોળીનો ટુકડો તો જીભે મીઠો મીઠો રવરવતો, પણ આમટીમાં આંગળા જતાં કે ચિત્કાર ઊઠતો. કાળા મસાલાવાળી આમટીમાં દોરીથી કપાયેલી આંગળી ઊતરતી કે એટલી ઝાળ બળતી કે આંગળી ફરી આમટીમાં જવા જ ના કરતી. ખાધું ન ખાધું કરીને અમે બધાં ફરી છાપરે ઊગી નીકળતાં. બાકી હોય તેમ ચારેક વાગે તો દાદા, બાપા, કાકા પણ છાપરે ડોકાતા. એ ભીડમાં અમારો નંબર ફિરકી પકડવામાં લાગતો. બાપા અમને સહેલ આપતા ને કોઈ પેચ લેવા આવતું તો ફરી પતંગનો કબજો બાપા લઈ લેતા. પછી દાદા મેદાને આવતા ને બાપા ફિરકી પકડતા ને એમ ફિરકીનું હસ્તાંતરણ ચાલ્યું જ આવે છે. આજે અમે દાદા છીએ ને ફેર એટલો પડ્યો છે કે દાદાગીરી પૌત્ર કરે છે ને ફિરકી અમને પકડાવે છે.

સાંજ પડવા આવતી ને આખું આકાશ પતંગોથી ઢંકાતું જઈને અંધારું થવા લાગતું. બધાં પતંગો દેખાતા બંધ થતા ને થરથરતી ઠંડી વચ્ચે એક ફાનસ ઊંચે ચડતું ને થોડીવારે હોલવાઈ જતું. એ પછી એક કંડીલ એવું ચગતું કે તેની દોરી આજ સુધી કોઈને જડી નથી. રાત પડે છે કે કોઈ વગર ઉતરાણે પણ ચગાવે છે ને આખા જગતને બર્ફીલા તેજથી ઢાંકી દે છે.

હવે તો દાદા, બાપા, કાકા, બા કોઈ નથી …

એક પછી એક પતંગો ઓછા થતા જઈ રહ્યા છે.

દરેક મકરસંક્રાંતિની રાત્રે એક વિચાર કાયમ આવે છે. કેટલા બધા પતંગો દર ઉતરાણે ચગે છે. એ કેટલા હશે એનો કોઈ હિસાબ નથી. એમાંના કેટલાક કપાયા, કેટલાક કોઇકે પકડ્યા, કેટલાક ઊંચે ને ઊંચે ગયા ને પછી તો ગયા જ ! એનું શું થયું, ક્યાં ગયા એનો કોઈ તાળો મળતો નથી, એટલું છે કે એ બધા ઘરમાંથી ગયા ને બધાં જ ઘરોમાંથી ગયા. હા, ક્યાં ગયા એની ખબર પડતી નથી, બિલકુલ એમ જ જેમ સ્વજનો ક્યાં ગયાં એની ખબર નથી …

0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 14 જાન્યુઆરી 2021

Loading

આશાની પતંગ લઈને, અરમાનોની ફીરકી ઉપાડી આસમાને ઊડવા ચલી સવારી…

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|14 January 2021

હૈયાને દરબાર

આજની નવી પેઢી સંગીત ક્ષેત્રે કમાલ કરી રહી છે! ખાસ કરીને ગુજરાતમાં. માતૃભાષા માટે એ કટિબદ્ધ છે. પોતાની ભાષા સાચવીને યુવા પેઢીને ગમે એવાં ઉમેરણ કરી રહી છે. કન્ફ્યુઝ થવાય એવું ફ્યુઝન તેઓ નથી આપતા. એમના વિચાર સ્પષ્ટ છે, સંગીત સરળ છે, અભિવ્યક્તિ સચોટ છે. ગુજરાતની યુવા પેઢી આ નવાં ગુજરાતી ગીતો સાંભળીને ઊછરી રહી છે. બે દિવસ પહેલાં એવું જ એક આધુનિક પતંગ ગીત સાંભળ્યું. રાગ મહેતાનો કંઠ અને આકાશ શાહનું સ્વરાંકન. રાગ મહેતા યુવા સંગીતકાર અને ગાયક છે. છેલ્લાં આઠ વર્ષથી સંગીત ક્ષેત્રે કાર્યરત છે. આજે ઉત્તરાયણ નિમિત્તે આ ગીત તો સાંભળવું જ પડે એવું સુંદર છે.

ઉતરાણ એ એવો તહેવાર છે જે નાના-મોટા, આબાલવૃદ્ધ, સ્ત્રી-પુરુષ, ગરીબ-તવંગર, હિંદુ-મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી સૌ ઉત્સાહપૂર્વક ઊજવે છે. મકરસંક્રાંતિ તરીકે ઓળખાતા આ તહેવારની મજા તો ગુજરાતમાં જ.

ઉતરાણની આગલી રાતથી જ સુરત-વડોદરા-અમદાવાદ જેવાં શહેરોમાં આખી રાતનું પતંગ બજાર ભરાય. શોખીન લોકો તો આગલી રાત્રે જ ડઝનબંધ પતંગો કિન્ના બાંધીને ક્યારે સૂર્યોદય થાય ને ક્યારે મેદાનમાં કે ધાબે-છાપરે જઈને ચગાવીએ એની રાહમાં સરખું ઊંઘે પણ નહીં! ગૃહિણીઓ આગલે દિવસે તલ-સાંકળી કે તલના લાડુ બનાવી રાખે છે. સાથે બોર, જામફળ ને શેરડીની જ્યાફત તો ખરી જ! અમદાવાદીઓ ઊંધિયું-જલેબી કે ધનુર્માસની ખીચડી બનાવીને ઉતરાણ ઊજવે છે.

ઉતરાણના દિવસે વહેલી સવારથી જ પતંગના શોખીનો ઠંડીની પરવા કર્યા વિના હાથે ગરમ મોજાં સાથે ગરમ ટોપી ચડાવીને પતંગ યુદ્ધનો મંગલ પ્રારંભ કરી દે. આઠ-નવ વાગતાંમાં તો આખું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય. પેચ માત્ર આકાશમાં જ લડાય એવું નહીં, ધાબા પર પહોંચેલાં યુવા હૈયાંના પેચ પણ લાગી જાય. આ બધાની સાથે સંગીત તો જોઈએ જ. એના વિના તો રંગ જામે નહીં. ગુજરાતી ફિલ્મોમાં પતંગની વાત આવે તો લોકોને જલસા પડે જ, પરંતુ હિન્દી ફિલ્મોમાં ય પતંગ ગીતો ઊજવાય છે, જેમ કે,

ઊડી ઊડી જાય, દિલ કી પતંગ દેખો ઊડી ઊડી જાય
કહેને કો તો ખેલ હૈ યે તેરા મેરા સાંઝા
પર મેરા દિલ હૈ પતંગ ઔર તેરી નઝર માંઝા
માંઝે સે લિપટી હૈ પતંગ જુડી જુડી જાએ …!

કેટલાંક ગીતો સાથે વળી માનવ સ્વભાવ અને ચિંતન પણ રજૂ થાય, જેમ કે,

ઢીલ દે ઢીલ દે દે રે ભૈયા ઉસ પતંગ કો ઢીલ દે
જૈસે હી મસ્તી મેં આયે ઉસ પતંગ કો ખીંચ દે ..!

રમેશ પારેખની આ ગુજરાતી કવિતા જુઓને;

પતંગનો ઓચ્છવ
એ બીજું કંઈ નથી, પણ
મનુષ્યના ઉમળકાઓનો છે ઘૂઘવતો વૈભવ!

ખરેખર, ગુજરાતીઓનો ઉમળકો ઉતરાણને દિવસે પતંગ જેટલો જ ઊંચે ચગે છે.

રઈશ મનીઆર લિખિત મેહુલ સુરતીએ સ્વરબદ્ધ કરેલું આ ગીત

આજ ગગનમાં પતંગ ઊડે
મનમાં ઊમટે ઉમંગ
છલકાતી એક-એક અગાસી
ઉપર જામ્યો રંગ
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો …

ગુજરાતીઓની શાન જેવું છે. સુરતનાં ધાબાંઓ પર અચૂક સાંભળવા મળે. ફિલ્મી ગીતોની ભરમાર વચ્ચે હવે નવાં ગુજરાતી ગીતો પણ પ્રજા સાંભળતી થઈ છે. તેથી અમદાવાદના યુવા કલાકાર રાગ મહેતાએ એક સરસ મજાનું પતંગ ગીત આ ઉતરાણે રિલીઝ કર્યું.

ડાયનેમિક કલાકારો રાગ મહેતા અને આકાશ શાહે મળીને છેલ્લાં થોડાંક વર્ષોમાં દસ ઓરિજિનલ ગુજરાતી ગીતો આપ્યાં છે. ‘ઊડે ઊડે રે પતંગ …’ ગીત વિશે રાગ મહેતા કહે છે, ‘ઊડે રે પતંગ ગીત માટે અમે સૌ ઉત્તેજના અનુભવીએ છીએ. વિડિયોગ્રાફી, શબ્દ અને સૂરના સુંદર સંયોજનને લીધે આખું ગીત મજેદાર બન્યું છે.’

ઉજ્જ્વલ દવે લિખિત આ ગીત કમ્પોઝ અને ડિરેક્ટ કર્યું છે આકાશ શાહે. મૌલિકા પટેલ, રાગ મહેતા અને આકાશ શાહના અભિનય સાથેનો આ વીડિયો પણ રોમેન્ટિક અને મસ્તીસભર છે. ગીતની પંક્તિઓને અનુરૂપ ભાવ સાથે રજૂ થયેલું આ ગીત ‘ઊડે રે પતંગ …’ આ વખતે અમદાવાદનાં ધાબાંઓ પર સાંભળવા મળે તો નવાઈ નહીં.

ગીતનું હાર્દ ઉત્તરાયણ અને ધાબાંઓ પર પાંગરતી પ્રેમ કહાણી છે. રંગબેરંગી પતંગોની વચ્ચે બે દિલોની ધડકનની અભિવ્યક્તિ થઈ છે.

રાગ મહેતાએ આ પહેલાં ‘નવ નવરાત’, ‘આવી નવરાત્રિ’, ‘લીલા લહેર’, ‘તરવરાટ’ જેવાં ટ્રેક્સ આપ્યાં છે. આકાશ શાહનાં રક્ષાબંધન અને હોળી ગીત પણ લોકપ્રિય થયાં છે.

રાગ મહેતાએ માતા-પિતા ગાયત્રી-રિષભ મહેતા પાસેથી જ સંગીતના સંસ્કાર મેળવ્યા છે. ગાયત્રી-રિષભ મહેતા એ સુગમ સંગીતની અગ્રગણ્ય ગાયક બેલડી છે. રાગ મહેતાએ ગુરુ અનિકેત ખાંડેકર પાસે સંગીતની વિશેષ તાલીમ લીધી છે. રાગ કહે છે, ‘પિતાએ હંમેશાં મને આગવી ઓળખ પ્રસ્થાપિત કરવાની સલાહ આપી હોવાથી હું પોતે જ મારું મ્યુઝિક બનાવું છું. ક્યારેક પપ્પાનાં લખેલાં ગીતો સ્વરબદ્ધ કરું છું. ગુજરાતી સુગમ સંગીત પણ મને ગમે છે, કારણ કે એમાં સુંદર કાવ્યતત્ત્વ સાથે કર્ણપ્રિય મેલડી હોય છે. ઉતરાણનું અમારું આ ગીત યુવાનોને પસંદ આવશે જ.’

આજે ઉતરાણના તહેવારે પતંગની મજા સાથે નવી અરેન્જમેન્ટ સાથેનું ગીત માણજો. હેપ્પી ઉત્તરાયણ.

————————

આશાની પતંગ લઈને
અરમાનોની ફીરકી ઉપાડી
આસમાને ઊડવા ચલી સવારી
આખું ધાબું એ ગજાવે
આજુબાજુ સૌને સતાવે
ફીરકીથી ખુશીઓ ચગાવે
ઊડે ઊડે રે પતંગ
જાણે આકાશે જામ્યો છે મસ્તીનો જંગ
એની પતંગ કોઈ કાપી જો નાખે તો,
ગુસ્સામાં બીજો ચગાવે,
કિન્નાઓ બાંધીને, ફીરકીઓ પકડીને
જુસ્સો આ એનો વધારે,
ઢીલ ખેંચથી પેચ લડાઈ
સામેની જો પતંગ કપાઈ
ખુશીઓ આ બધા મનાવે
આખું ધાબું એ ગજાવે
ફીરકીથી ખુશીઓ ચગાવે
ઊડે ઊડે રે પતંગ …!

•   ગીતકાર : ઉજ્જ્વલ દવે   •   સંગીતકાર: આકાશ શાહ   •   ગાયક : રાગ મહેતા

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 14 જાન્યુઆરી 2021

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=673112

Loading

...102030...2,0922,0932,0942,095...2,1002,1102,120...

Search by

Opinion

  • ગઝલ
  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved