Opinion Magazine
Number of visits: 9680427
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પન્નાને

નટવર ગાંધી|Poetry|28 December 2020

જન્મદિને, કરોના સમયે, ડિસેમ્બર 28, 2020

શિખરિણી 

મહામારીના આ દિવસ ગણતા માસ નીકળ્યા,
હજી લાગે છે કે વરસ વધુ એકાદ ગણવું,
મને મોટી ચિંતા નિશ દિન થતી,  કેમ જીવશું,  
સખી, સંગે સંગે, જીવન જીવવું છે હજી ઘણું.  

હજી તારી સાથે નગર ભમવા દૂર દૂરના 
ઉષા સંધ્યા કેરાં કિરણ ગૂંથવાં, ભાત ભરવી 
અમાસી રાત્રે સૌ ઉડુગણ તણી, ને ઘણી ઘણી 
સખી, ગોષ્ઠિ મીઠી કરવી તુજ સાથે નયનથી.

હજી બાકી કૈં કૈં, ઘણું ઘણું, સખી, સાથ જીવવું, 
હતાં જોયાં સ્વપ્નો સહજીવન દામ્પત્ય સુખનાં,
હતો કલ્પ્યો જે કૈં રતિ મદન ઉલ્લાસ પ્રણયે, 
મળ્યું જે કૈં તેથી નથી જ નથી સંતોષ હૃદયે.

કરોનાનો કાળો સમય અણધાર્યો નકી, છતાં 
સખી, તારી સાથે જીવવું મરવું એ અફર છે.

Loading

ફરી ન આવીશ:

મૂકેશ પરીખ|Opinion - Opinion|28 December 2020

ફરી ન આવીશ:

હે ૨૦૨૦, તું રહમ કર,
જરાક તો તું શરમ કર.
હજી કેટલાં જુલમ કરીશ?
ખબરદાર જો પાછો ફરીશ!

———————————

માનવજાતિના હાલ:

કેટલાયને તેં બિમાર કર્યા,
હજારોને તેં બેકાર કર્યા,
બેશરમીની હદ કરી તેં,
લાખોને નિરાધાર કર્યા!
હે ૨૦૨૦, તું રહમ કર!

એકવાર જઈને જોઈ લે,
નાનાં ભૂલકાંઓ સંગ રોઈ લે.
વૃદ્ધાશ્રમમાં નજર કરી છે?
લાચારીએ માઝા મૂકી છે.
હે ૨૦૨૦, તું રહમ કર!

———————————

ભણતરના હાલ:

વિદ્યાલયોને તાળા લગાવ્યા,
વિદ્યાર્થીઓને દી’રાત રડાવ્યા,
શિક્ષકો પણ કરગરી રહ્યાં,
શાને સહુનાં વરસ બગાડ્યાં?
હે ૨૦૨૦, તું રહમ કર!

———————————

રોજગારના હાલ:

કાર્યાલયો સાવ ભેંકાર છે,
કારીગરો પણ બેકાર છે,
સ્થગિત કરી નાંખ્યું જનજીવન તેં,
સહુ પરિવારો લાચાર છે.
હે ૨૦૨૦, તું રહમ કર!

———————————

ઋગ્ણાલયોના હાલ:

ખાટલાઓની તાણ છે,
દવાઓની ય મોંકાણ છે,
તબીબોની તો વાત ન પૂછો,
બુકાની (માસ્ક) પાછળ ભગવાન છે!
હે ૨૦૨૦, તું રહમ કર!

———————————

ધર્મસ્થાનોના હાલ:

મંદિરોની દશા ખરાબ છે,
દેવાલયે પાદરી ઉદાસ છે,
મસ્જિદોની તો વાત ન પૂછો,
ખુદાના બંદા નાસીપાસ છે.
હે ૨૦૨૦, તું રહમ કર!

——————————-

સામાજિક સ્થાનોના હાલ:

રેસ્ટોરન્ટમાં પાંખી હાજરી,
મયખાને ય હડતાળ છે,
ઘરખૂણે જ બેઠા છે ‘મૂકેશ’
ઘરઘરમા આવા હાલ છે.
હે ૨૦૨૦, તું રહમ કર!

——————————

ડિસેમ્બર ૪, ૨૦૨૦

e.mail : mparikh@usa.com

Loading

કેપિટાલિઝમ, કોરોનાવાઇરસ, ક્લાઇમેટ ચેન્જના સમીકરણમાંથી શેનો છેદ ઉડાડી સુખી થવાશે?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|27 December 2020

યુવલ નોઆ હરારીની સલાહ માનીને શ્વાસ પર ધ્યાન આપવાનું રાખીએ તો કદાચ સાચી સમજ મળશે, જાણીએ શા માટે.

ઇઝરાયલી લેખક યુવલ નોઆ હરારીનું પુસ્તક છે, ’21 લેસન્સ ફોર 21st સેન્ચ્યુરી’. આ પુસ્તકમાં બધા જ પ્રકારની સમસ્યાઓ, વિખવાદો, વિવાદોની વાતો કર્યા પછી, યુવલ અંતે એક જ સલાહ આપે છે કે ધ્યાન ધરો, મેડિટેશન કરો. તાજેતરમાં તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેને મળેલી સૌથી સારી સલાહ હતી, ‘શ્વાસ પર ધ્યાન આપો’, (યુવલની આ વાતનું અનુસંધાન અંતે જડશે). 2020નું વર્ષ બસ પૂરું થયું જ સમજો. આપણે બનાવેલા પ્લાન્સ કોરાણે મુકાઇ ગયા અને રડતાં, કકળતાં, કંટાળતાં, ગભરાતાં, ચિંતા કરતાં આખું વર્ષ આપણે ઘરનાં કપડાંમાં, લૅપટૉપ્સ સામે અને ઝૂમ કૉલ્સ પર જીવી ગયાં. હજી કશું પણ રાતોરાત બદલાવાનું નથી એ હકીકતથી આપણે વાકેફ છીએ. આ વર્ષે જે શીખવ્યું હશે એ ખરું પણ બહુ લોકોએ એમ કહ્યું કે તેઓ જાત સાથે જોડાયા (એ વાત અલગ છે કે આવું પાછું એમણે સોશ્યલ મીડિયા પર આખા ગામને કહ્યું) તેમને આત્મમંથન કરવાનો સમય મળ્યો. હા એવું થયું જ હશે, થવું જોઇએ અને ખાસ એક વાત તો લોકોએ એમ કહી કે ‘ઓછામાં ચાલે છે, થોડી વસ્તુઓ સાથે પણ જીવી શકાય છે.’ આ એક વાક્ય પર ઊંડો વિચાર કરવો જરૂરી છે.

કોરોના વાઇરસે આખી દુનિયાને સૂમસામ કરી દીધી પછી અર્થતંત્રના કાંગરા ખર્યા અને એવા ખર્યા કે તેમાંથી કળ વળતાં બીજાં પાંચ વર્ષ થઇ જશે. ભલે દેશ-વિદેશની સરકારો આંકડા ફેંકે કે બધું બરાબર છે પણ સત્ય શબ્દોની સંવેદનામાં હોય છે. રાષ્ટ્રો ઇચ્છે છે કે લોકો કામે પાછાં વળગે, ઘણી જગ્યાએ બધું લગભગ હતું એવું થઇ ગયું છે. લોકો કમાવાની ઘટમાળમાં જોતરાવાં માંડ્યાં છે, જો કે વાઇરસનું જોખમ તો ગમે ત્યારે અવાજ મોટો કરીને પોતાનો હાઉ તો યથાવત્ રાખે જ છે. આ બધી વાર્તા કરવા પાછળ જે મૂળ મુદ્દો છે એ છે કેપિટાલિઝમ એટલે કે મૂડીવાદ. વાઇરસને કારણે ખડા થયેલાં સંજોગો મૂડીવાદને પડકારી રહ્યાં છે, લોકોએ વસ્તુઓ વગર ચલાવી લેતા શીખી લીધું છે.

જો કે કશું ધરમૂળથી બદલાયું નથી પણ વાઇરસે આપણી જે હાલત કરી છે એ જોતાં આપણે મૂડીવાદમાંથી પર્યાવરણવાદ તરફ વળવુ જોઇએ ખરું? ગાંધીજી સ્વદેશીની વાત કરતા અને કહેતા કે તમે જ્યાં હો તે વિસ્તારના ૧૦૦ મિટરમાં જે મળતું હોય તેનાથી ચલાવવાનું, જેથી આસપાસનાંને રોજી મળે અને સ્થાનિક અર્થતંત્ર મજબૂત થાય. દુનિયાને તાળાં લાગ્યાં ત્યારે ડાહપણ આપણે મને-કમને જીવવું પડ્યું, ઘણી ચીજો વગર પણ ચલાવવું પડ્યું પણ કોરોના વાઇરસ પછીની દુનિયામાં આપણે આપણી સવલતો જતી કરવા તૈયાર છીએ ખરાં? જે લોકો સાદગીની વાત કરે છે એ ખરેખર એમાં જીવે છે ખરા? વાઇરસ કાળ દરમિયાન એવા પોલ્સ થયા જેમાં એવું કહેનારા લોકો હતા કે તેઓ ‘નોર્મલ’ તરફ જવા નથી માગતા – તેમને ઓછો ટ્રાફિક, ચોખ્ખી હવા, વર્ક ફ્રોમ હોમ માફક આવે છે, પણ આ પોલ્સનું સત્ય કેટલું નક્કર? મૂડીવાદે આપણને જે સવલતો આપી છે, ઓછા પૈસામાં ઘણું અને 99/-  થી 999/-નું જે બજાર કોટે વળગાડ્યું છે એ આપણને માફક આવી ગયું છે. આ સરળતાએ પર્યાવરણની હાલત બગાડી છે.

આ એવું વિષ ચક્ર છે જે આપણને સમજાય તો છે પણ સ્વીકારવાનું ગમતું નથી કારણ કે બીજાની સાદગીને વખાણનારા આપણે આપણી સવલતો જતી કરવામાં માનતા નથી. આવા સંજોગોમાં મૂડીવાદને કોઇ થોભ નથી, બિલકુલ એ જ રીતે જે રીતે લોભને કોઇ થોભ નથી હોતો. પહેલી સમસ્યા તો એ છે કે, સમસ્યા છે એનો સ્વીકાર. આપણે જાત સાથે પ્રામાણિક થવાની જરૂર છે, મૂડીવાદની ચકાચોંધ પાછળ કથળી ગયેલું પર્યાવરણ છે, સસ્તી સવલતોના ઉત્સાહમાં નકામું ઠાલવી રહેલા આપણે પણ અટકતા નથી. ક્લાઇમેટ ચેન્જ પણ મૂડીવાદની જ ભેટ છે પણ એ એટલી ધીમી ગતિએ થતો બદલાવ છે કે તેને ગણતરીમાં લેવાનું ય આપણને જરૂરી નથી લાગતું. દાયકાઓ પછી જે પરિવર્તન આંખ સામે હશે તેની ચિંતા આપણને અત્યારે નથી. જે લોકો સત્તા પર છે એમને માટે ‘વર્તમાન’ જ અગત્યનો છે એટલે મૂડીવાદનું પૅકેજિંગ ચાલતું રહે છે અને તંત્ર હોય કે પર્યાવરણ બધું જ અંદરથી પોકળ થતું જાય છે.

આપણે આપણી ટ્રાન્સપોર્ટ સિસ્ટમથી માંડીને ઉત્પાદન કરવાની શૈલીઓ, ખેતીની કરવાની રીતો અને પાણીનો ઉપયોગ બધું જ બદલવાની જરૂર છે. આ બદલાવ આગામી દાયકામાં આવશે તો ય આપણે ગ્લોબલ વોર્મિંગમાં કોઇ ફેરફાર કરી શકીશું એની ખાતરી નથી. આપણી પાસે હવે વેડફવવા માટે સમય નથી – કટોકટીની પળ માથે આવીને ઊભી જ છે. કમનસીબે લૂપમાં વાગતાં ગીતની માફક આપણે માણસજાત રસ્તો શોધવાની ભાંજગડ કરીશું તો ખરા પણ નફો મળતો રહેશે, જિંદગી ચાલતી રહેશે, વિચારો અને વાસ્તવિકતાનું અંતર ગ્રાન્ડ કેન્યોનની પર્વતમાળા વચ્ચે છે એવું થતું રહેશે. માત્ર પ્લાસ્ટિકના ઉપયોગ અને કારપૂલથી ક્લાઇમેટ ચેન્જ નહીં અટકે.

એ પ્રશ્ન ઉકેલવા વિશ્વમાં રાષ્ટ્રોને જરૂર છે ‘ગ્રીન લીડર્સ’ની. એવું નેતૃત્વ જેને માટે સત્તાનો સ્વાર્થ અગ્રિમતા ન હોય. શું આપણે બધું જતું કરવાનું? કશું જ અચાનક નથી થતું અને માટે ત્યાગ કરવા કરતાં તેને માટે તૈયાર રહેવું વધારે અગત્યનું છે. આપણે શું એવા નેતૃત્વની પસંદગી કરી શકીએ છીએ જેને માટે પૃથ્વી અને પર્યાવરણ પ્રાથમિકતા હોય નહીં કે મોટામસ ખર્ચાળ પ્રોજેક્ટ્સ જેમાં કોર્પોરેટ્સનું હિત સચવાવાનું હોય. લોકો પણ ડાબેરી અને જમણેરીમાંથી પસંદગી કરે છે, આપણે સમાજને રાજકારણીઓની નજરથી જોઇએ છે, જિંદગીના મેગ્નિફાયિંગ ગ્લાસને હાથમાં ઝાલવાનું યાદ નથી આવતું. માણસ જાતમાં સહિયારી જાગૃતિ આવે તો ફેર પડે, બાકી મેધા પાટકર પણ છે અને ગ્રેટા થેનબર્ગ પણ છે, તો પોતાનું કામ કર્યાં કરે છે અને આપણે આપણી મૂડીવાદી આદતોમાં રાચ્યાં કરીએ છીએ.

બાય ધી વેઃ

જેને માટે મૂડીવાદ જ સર્વોપરી ન હોય તેવો નેતા આપણે શોધી શકીએ ખરા? આપણે, માણસ જાતિ તરીકે પૃથ્વીને બચાવવા માટે માત્ર એક્શન્સમાં નહીં પણ વિચારમાં પરિવર્તન લાવી શકીએ ખરાં?  ગાંધીએ જે કહ્યું હતું કે જે બદલાવ જોવા ઇચ્છો છો તે પહેલાં બનો, એ વાક્યની ગંભીરતા સમજી શકીએ ખરાં? ગમે કે ન ગમે, વાસ્તવિકતા એ છે કે મૂડીવાદની સહુલિયત અને સવલતો જતી કરીશું તો જ કદાચ એક સ્થિર અને સ્વસ્થ વાતાવરણ – પર્યાવરણ – ક્લાઇમેટ આપણને મળી શકશે. કોરોના વાઇરસ, ક્લાઇમેટ ચેન્જ અને કેપિટાલિઝમની ત્રિરાશી કેવી રીતે માંડીશું તો બહેતર જિંદગી બની શકશે તેની પર વિચાર કરવો રહ્યો. યુવલ નોઆ હરારીની સલાહ માનીને શ્વાસ પર ધ્યાન આપવાનું રાખીએ તો સાચી સમજ મળશે કારણ કે તો જરા થોભીશું, વિચારીશું, ખમ્મા કરીશું. બાકી તો આ રેસ છે જેમાં જોતરાયેલી જિંદગીઓ માસ્ક પહેરીને અર્ધ મૂર્છિત હાલતમાં જીવાઇને મરી જશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 27 ડિસેમ્બર 2020

Loading

...102030...2,0812,0822,0832,084...2,0902,1002,110...

Search by

Opinion

  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved