Opinion Magazine
Number of visits: 9747417
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આઝાદી માટે શાંતિમય લોક આંદોલનનો માર્ગ અપનાવવો : શહીદ ભગતસિંહ

રમેશ ઓઝા|Opinion - Opinion|31 January 2021

ગયા અઠવાડિયે લેખ પૂરો કરતા મેં લખ્યું હતું કે કેટલાક યુવાનો સશસ્ત્ર ક્રાંતિનાં સપનાં જોતાં હતા જે અવ્યવહારુ હતાં. તેમનો ત્યાગ ઘણો મોટો હતો પણ દુર્ભાગ્યે ભારતને આઝાદી અપાવવામાં તેમનું યોગદાન નિર્ણાયક સાબિત ન થઈ શક્યું અને તેમની મૂલ્યવાન જિંદગી એળે ગઈ.

શા માટે તેમનાં સશસ્ત્ર ક્રાંતિનાં સપનાં અવ્યવહારુ હતાં? આનો જવાબ શહીદ ભગતસિંહ સિવાય બીજું કોણ આપી શકે? ભગતસિંહ પોતે એક ક્રાંતિકારી હતો, બુદ્ધિમાન ક્રાંતિકારી હતો, ભારતના ઇતિહાસ અને સામાજિક વાસ્તવનો તેનો ઉંમર નાની હોવા છતાં ઊંડો અભ્યાસ હતો અને સૌથી મોટી વાત તો એ કે તે બીજા કેટલાક લોકોની માફક પોતે સલામત જિંદગી જીવીને ક્રાંતિનાં સપનાં વેચતો નહોતો, ખૂદ ક્રાંતિકારી હતો અને પોતાના જાનને ન્યોચ્છાવર કરી શકવાની બહાદૂરી ધરાવતો હતો. ગાંધીજીની જેમ જે કહે તે કરવાની પ્રામાણિકતા તેમનામાં હતી.

આવા પ્રમાણિક અને બહાદૂર ક્રાંતિકારી ભગતસિંહે તેને ફાંસી આપવામાં આવી તેની પૂર્વ સંધ્યાએ જેલમાંથી યુવાનોને સંબોધીને એક પત્ર લખ્યો હતો જે સશસ્ત્ર ક્રાંતિના વિકલ્પને વ્યવહારુ સમજનારાઓએ વાંચવાની જરૂર છે. તેણે એ પત્રમાં લખ્યું હતું કે ભારતને આઝાદી માત્ર અને માત્ર શાંતિમય લોકઆંદોલન દ્વારા મળી શકે જેવાં આંદોલનો ગાંધીજી કરી રહ્યા છે, અહીં તહીં ગોળીઓ ચલાવવાથી અને છૂટક હિંસા કરવાથી ન મળી શકે. તેમણે યુવાનોને શાંતિમય લોક આંદોલનનો માર્ગ અપનાવવાની સલાહ આપી હતી.

અહીં તેના શબ્દપ્રયોગ તરફ ધ્યાન આપવામાં આવે. તેણે શાંતિમય લોકઆંદોલન (peaceful mass agitation) શબ્દપ્રયોગ કર્યો છે, અહિંસક લોકઆંદોલન એવો શબ્દપ્રયોગ નહોતો કર્યો. આનો અર્થ એ થયો કે તેને ગાંધીજી માટે માન હતું, ગાંધીજી દ્વારા ચલાવવામાં આવતા લોકઆંદોલનની વ્યવહારુતા તેને સ્વીકાર્ય હતી, માત્ર ગાંધીજીનો અહિંસા માટેનો આગ્રહ અથવા શરત તેમને માન્ય નહોતાં. જરૂર પડે અને સરકાર જો જલિયાંવાલા બાગમાં કરવામાં આવી હતી એવી હિંસા કરે અને જો પ્રજા તેનો હિંસાથી જવાબ આપવાની સ્થિતિમાં હોય તો એ માર્ગ અપનાવવો જોઈએ. ટૂંકમાં જવાબી હિંસાનો માર્ગ લોકો માટે ખુલ્લો હોવો જોઈએ અને એ પણ તો જ જો પ્રજાને પરવડે એવો પરિણામલક્ષી હોય.

આશા રાખું છું કે વાચકોને ગાંધીજી અને ભગતસિંહના માર્ગમાં નજરે પડતા સામ્ય અને ભેદ નજરમાં આવ્યા હશે. ગાંધીજીની માફક ભગતસિંહ પણ માનતો હતો કે સૌથી વ્યવહારુ માર્ગ શાંતિમય લોકઆંદોલન જ છે, હિંસા નથી. હિંસા અવ્યવહારુ માર્ગ છે. બન્ને વચ્ચે જે અંતર હતું એ અહિંસાની બાબતે હતું. ગાંધીજી માટે અહિંસા નિષ્ઠા હતી જ્યારે ભગતસિંહ એવી કોઈ નિષ્ઠા નહોતો ધરાવતો. ગાંધીજી માટે અહિંસાનો આગ્રહ દુરાગ્રહ નહોતો પણ તેઓ ખરેખર એમ માનતા હતા કે અહિંસા એક નિષ્ઠા તરીકે પણ વ્યવહારુ નીવડી શકે છે જો નિષ્ઠા સાચી અને ટકોરાબંધ હોય. ભગતસિંહને એમ લાગતું હતું કે અહિંસા શાંતિના સ્વરૂપમાં વ્યવહારુ છે, નિષ્ઠા તરીકે વ્યવહારુ ન હોઈ શકે. આ અર્થમાં ભગતસિંહ ગાંધીવાદી નહોતો અને છતાં ય તેણે ફાંસીને માચડે ચડતાં પહેલાં યુવાનોને સલાહ આપી હતી કે તેમણે ગાંધીજીના વ્યાપક લોકઆંદોલનમાં ભાગ લેવો જોઈએ.

થોડી પુનરુક્તિ કરીને હજુ એક વાર ફોડ પાડું કે ભગતસિંહ અને ગાંધીજીમાં બે વાતે એકમતી હતી. એક તો એ કે આઝાદી માટેનો વ્યવહારુ માર્ગ લોકઆંદોલન જ છે અને બીજી સમાનતા એ વાતે કે હિંસાનો માર્ગ વ્યવહારુ નથી. ભગતસિંહના શબ્દોમાં અહીં તહીં છૂટક હિંસા કરવાથી આઝાદી ન મળી શકે.

ભગતસિંહના શબ્દો પકડીને જ અહીંથી આગળ વધીએ. શા માટે અહીંતહીં છૂટક હિંસા એમ તેણે કહ્યું છે? શું સમગ્ર દેશને આવરી લે અને અંગ્રેજોએ જાન બચાવવા ભાગવું પડે એવી દેશભરમાં વ્યાપક હિંસા ન થઈ શકે? આખો દેશ સળગે તો અંગ્રેજો ક્યાં જાય? તેમની સંખ્યા કેટલી? તેમને તેમના રંગના કારણે ઓળખવા પણ મુશ્કેલ નથી. લક્ષ્મણ ભોપટકર નામના ‘હિંદુ મહાસભા’ના એક મરાઠી નેતાએ તો થોડી જાડી ભાષામાં એમ કહ્યું હતું કે ભારતની પ્રજા જો એક સાથે પેશાબ કરે તો પણ અંગ્રેજો તણાઈ જાય. જેમણે જિંદગીમાં હાથમાં તણખલું પણ ઉપાડ્યું નહોતું એવા ભોપટકર જેવા લોકો સશસ્ત્ર ક્રાંતિની આવી ભાષામાં વકીલાત કરતા હતા અને જેણે ખરેખર બહાદૂરી બતાવી હતી તે દયાની અરજી કર્યા વિના ફાંસીને માચડે ચડી ગયો હતો.

બાય ધ વે, ભગતસિંહને અનેક લોકોએ સલાહ આપી હતી કે તે સરકારને સજા ઘટાડવા દયાની અરજી કરે. તેણે જ્યારે અરજી કરવાની ના પાડી ત્યારે તેના પિતાને લોકોએ સલાહ આપી હતી કે તે પોતાના યુવાન પુત્રને બચાવવા માટે સરકાર સમક્ષ દયાની અરજી કરે. ભગતસિંહે તેના પિતાને જેલમાંથી પત્ર લખીને કહ્યું હતું કે તેઓ પુત્રપ્રેમથી પ્રેરાઈને આવી કોઈ અરજી ન કરે. ભગતસિંહે તેના પિતાને એવી પણ સલાહ આપી હતી કે તેઓ ગાંધીજીની મદદ પણ ન માગે. આવો રોમરોમમાં મરદ માણસ હતો ભગતસિંહ. જે ‘સ્વાતંત્ર્યવીર’ તરીકે ઓળખાય છે એ  વિનાયક દામોદર સાવરકરનો ક્રાંતિનો ઇતિહાસ આનાથી ઠીક સામેના છેડાનો છે.

તો સવાલ એ છે કે આવા મરદ માણસને એમ કેમ નહોતું લાગ્યું કે આખો દેશ સશસ્ત્ર ક્રાંતિથી સળગે અને અંગ્રેજોએ જીવ બચાવવા ભાગવું પડે એ શક્ય છે? જેમને કાંઈ કરવું નહોતું અને કર્યું નહોતું એવા લોકોને એમ લાગતું હતું હિંસક ક્રાંતિ થઈ શકે છે અને તેની વકીલાત કરતા હતા અને જેણે કરી બતાવ્યું એ પોતાના અનુયાયી યુવકોને કહીને જાય છે કે અખિલ ભારતીય સશસ્ત્ર ક્રાંતિ શક્ય નથી. આખરે વ્યવહારુતા અને અવ્યવહારુતા ચકાસવાની જરૂર તો એને જ પડે જેમણે કાંઈ કરવું હોય, પસંદ કરેલા માર્ગે ચાલવું હોય, જોખમ ઉઠાવવું હોય; પણ જેને કાંઈ કરવું જ નથી અને માત્ર જહાલ ભાષણ કરવાં છે, ધગધગતી ભાષામાં લેખો લખવા છે અને યુવાનોને ઉશ્કેરવા છે તેમને વ્યવહારુતા ચકાસવાની ક્યાં કોઈ જરૂર પડવાની!

આઝાદી પહેલાં ક્રાંતિકારીઓના આવા બે વર્ગ હતા. એક શબ્દાળુ ક્રાંતિકારીઓ હતા જેઓ હિંસક ક્રાંતિની માત્ર વકીલાત કરતા હતા અને પ્રત્યક્ષ પોતે કાંઈ નહોતા કરતા. શેકેલો પાપડ પણ નહોતો ભાંગ્યો. બીજા પોતાના અમૂલ્ય જીવને ફગાવી દેનારા ક્રાંતિકારીઓ હતા. શબ્દાળુ ક્રાંતિકારીઓ ક્રાંતિની વકીલાત ત્રણ કારણે કરતા હતા. એક તો એની વકીલાત કરીને ગાંધીજીને કાયર ઠરાવી શકાય. ‘આવા વેવલા માર્ગે તે કાંઈ દેશ આઝાદ થતો હશે! દેશને મર્દાનગીની જરૂર છે.’ અનેક લોકોને તેમની આ દલીલ ગળે ઊતરતી હતી અને વાટ જોતા હતા કે એક દિવસ તેઓ ઝંપલાવશે અને દેશને આઝાદી અપાવશે. પણ આવું ક્યારે ય બન્યું નહીં અને દેશ તેમની મર્દાનગી વિના વેવલા માર્ગે આઝાદ થઈ ગયો. બીજું કારણ એ હતું કે ગાંધીજીને કાયર અને વેવલા ઠરાવીને આઝાદીના આંદોલનમાં ભાગ લેવાથી બચી શકાય. જેલ જવાથી બચી શકાય. પોલીસની લાઠી ખાવાથી બચી શકાય. ‘શું કરીએ અમને ગાંધીજીની કાયરતા કબૂલ નથી. અમારો તેમની સાથે મૂળભૂત મતભેદ છે.’ ત્રીજું કારણ એ કે સમય અને શક્તિ બચાવીને તેને મુસલમાનો સામે વાપરી શકાય. આઝાદી તો એક દિવસ મળી જશે, પણ એ મળે એ પહેલાં મુસલમાનોને તેમની જગ્યા બતાવી આપવી જોઈએ.

આ બાજુ જેમણે ખરેખર મર્દાનગી બતાવી તેમનો ઇતિહાસ આપણને એમ કહે છે કે એ તેમનું વ્યક્તિગત કે બે-ચાર જણાનું સાહસ હતું, વ્યાપક હિંસા નહોતી. પ્રજાની કોઈ વ્યાપક ભાગીદારી નહોતી. એવા ક્રાંતિકારીઓમાં જે સૌથી વિચક્ષણ હતો એ કહીને ગયો કે ભારતમાં સશસ્ત્ર ક્રાંતિ દ્વારા આઝાદી મળવી અશક્ય છે, માત્ર શાંતિમય લોકઆંદોલન દ્વારા જ મળી શકે.

શા માટે? એની ચકાસણી હવે પછી.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 31 જાન્યુઆરી 2021

Loading

ચલ મન મુંબઈ નગરી—81

દીપક મહેતા|Opinion - Opinion|31 January 2021

મુંબઈ : રોજ નવી આકૃતિ, નવી ભાત, નવા રંગ, નવું ચિત્ર

જ્યારે મુંબઈમાં ગેસ અને વીજળીના દીવા સંપીને રહેતા

વિખ્યાત અમેરિકન લેખક માર્ક ટ્વેને મુંબઈમાં શું જોયું?

સાંજ ઢળી ચૂકી છે. હમણાં આવું છું, આવું છું હોં, એમ કહી અંધારું જાણે ધમકાવી રહ્યું છે. છ-સાત વરસની ઉંમરનો એક છોકરો તેની જમણી બાજુ નજર ખોડીને ઊભો છે. એ રહે છે ગિરગામ રોડ અને દાદીશેઠ અગિયારી લેનના નાકા પર આવેલા એક મકાનના ચોથે માળે. સીધી લાઈનમાં આવેલા ચાર રૂમ. ચારે રૂમને જોડતી ૪૦-૫૦ ફૂટ લાંબી લાકડાના કઠેરાવાળી ગેલેરી. એ ગેલેરીમાં ઊભા રહીને આ રીતે રોજ સાંજે ઊભા રહેવાની એ છોકરાને ટેવ. ના, કહો કે વળગણ. પણ કેમ? એ બાજુ દૂર પહેલો ગેસનો દીવો પ્રગટે એ જોઈને રોજ છોકરો રાજીનો રેડ થઈ જાય. પોતડી પહેરેલો એક માણસ દોડતો દોડતો આવતો હોય. એના હાથમાં એક લાંબો વાંસ. એની ટોચ પર એક હૂક અને એક સળગતી જામગરી. હૂકની મદદથી થાંભલા પરના કાચના ફાનસનું બારણું ઉઘાડે. પછી ઝડપથી જામગરી ચાંપે. અને ગેસ લાઈટ ઝગમગી ઊઠે. ફરી હૂકની મદદથી ફાનસનું બારણું બંધ કરે. ફરી દોડવા લાગે. બીજો થાંભલો, ત્રીજો, ચોથો … એક પછી એક ગેસ લાઈટ ઝગમગતી થાય. આખી દાદીશેઠ અગિયારી લેન ઝળાંહળાં. એ વખતે પેલા છોકરાને કોઈએ પૂછ્યું હોત કે મોટો થઈને તું શું થઈશ? તો તેણે જવાબ આપ્યો હોત : રોજ સાંજે ગેસ લાઈટ સળગાવનાર જામગરીવાળો થઈશ. મોટો થઈને એ છોકરો જામગરીવાળો તો ન થયો, પણ આજે તેને વિષે લખતો તો થયો. આ વાત ૧૯૪૫-૪૬ના અરસાની. એ વખતે મુંબઈના રસ્તા બે ભાગમાં વહેંચાયેલા : એક, ઇલેક્ટ્રિક સ્ટ્રીટ લાઈટવાળા મોટા, ધોરી રસ્તા. અને બીજા, ગેસ લાઈટવાળી ‘લેન’ કહેતાં ગલ્લીઓ. બંને પ્રકારનાં અજવાળાં અડખેપડખે સંપીને રહે. બંનેનો પ્રકાશ તો આછો પીળો. હા, એકનો થોડો ઝાંખો.

ગેસ લાઈટનું અજવાળું પાથરનાર

૧૮૬૨ની સાલમાં મુંબઈ સરકારે બોમ્બે ગેસ કંપનીની શરૂઆત કરી. ૧૮૬૫માં આર્થર ક્રાફર્ડ મુંબઈના પહેલા મ્યુનિસિપલ કમિશનર બન્યા. હા, આ એ જ ક્રાફર્ડ, જેમના નામની ક્રાફર્ડ માર્કેટ પછીથી બની. તેમને થયું કે બ્રિટિશ સામ્રાજ્યનું મોખરાનું મુંબઈ જેવું શહેર, પણ એમાં સ્ટ્રીટ લાઈટ ઘાસલેટની? એટલે તેમણે બોમ્બે ગેસ કંપનીને કહ્યું કે આ અંગે કોઈક યોજના વિચારો. એટલે ૧૮૬૬માં કંપનીએ કોલસો વાપરીને ગેસ બનાવવાનો પ્લાન્ટ પરેલ ખાતે નાખ્યો. ત્યાં પેદા થયેલા ગેસના દીવા સૌ પહેલાં નખાયા ત્રણ રસ્તા પર. પહેલો, એસ્પ્લનેડ રોડ, એટલે કે આજનો મહાત્મા ગાંધી રોડ. બીજો ચર્ચગેટ સ્ટ્રીટ કહેતાં વીર નરીમાન રોડ. અને ત્રીજો વિસ્તાર તે ભીંડી બજાર. ૧૮૬૫ના ઓક્ટોબરની સાતમી તારીખ, શનિવાર. સવારથી લોકો આતુર હતા, એક કૌતુક જોવા માટે. પહેલેથી ધાર્યું હતું કે આ નવી નવાઈ જોવા લોકો ઊમટી પડશે. એટલે ભર બપોરે આ ત્રણે રસ્તા પર ગેસના દીવા સળગાવવાનું શરૂ કર્યું હતું. બીજા દિવસના ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’માં પ્રગટ થયેલા અહેવાલ પ્રમાણે આ લાઈટ સળગાવનારો જેમ જેમ આગળ વધતો હતો તેમ તેમ લોકોનાં ટોળાં તેની પાછળ પાછળ જતાં હતાં. ત્રણે રસ્તા ઉપર બધું મળીને ૧૩૩ ગેસ લાઈટ ગોઠવી હતી. લોકોને આ નવી નવાઈ એટલી તો પસંદ પડી ગઈ કે ઘણા પૈસાદાર શેઠોએ સુશોભિત, નકશીદાર થાંભલા અને ફાનસ મ્યુનિસિપાલિટીને ભેટ આપ્યાં. આમાંનાં કેટલાંક આજ સુધી યાદગીરી રૂપે સાચવી રાખવામાં આવ્યાં છે. આવો એક સુશોભિત ગેસ લાઈટ સાથેનો થાંભલો ગેટ વે ઓફ ઇન્ડિયા પાસે જોવા મળે છે. ૧૮૭૪ સુધીમાં મુંબઈ શહેરમાં કુલ ૨,૪૧૫ ગેસની સ્ટ્રીટ લાઈટ હતી, જેમાંની ૭૨ તો ક્વીન્સ રોડ, આજનો મહર્ષિ કર્વે રોડ, પર હતી.

સાપ ગયા ને લિસોટા રહી ગયા: ગેસ કંપની લેન

આ ગેસ કંપની નાનાંમોટાં કારખાનાંને પણ ગેસ પૂરો પાડતી. બે પાંદડે સુખી હોય તેવા કેટલાક લોકોના ઘરમાં પણ ગેસના ચૂલા રસોઈ માટે વપરાતા. પણ આમાં બે મુશ્કેલી હતી. પહેલી એ કે કોલસા બાળીને ગેસ મેળવતા હતા એટલે તેનું દબાણ એક સરખું રહેતું નહિ, તેમાં વધઘટ થયા કરતી. પણ વધુ મોટી સમસ્યા એ કે પરેલ અને તેની આસપાસના વિસ્તારોમાં ઝેરી હવા ફેલાતી થઈ. વળી એ જ વિસ્તારમાં હતી સંખ્યાબંધ કાપડ મિલો. તેમાંથી ઊડતી રૂની રજકણો અને ગેસ પ્લાન્ટમાંથી નીકળતી પ્રદૂષિત હવા. બન્નેએ એ વિસ્તારના લોકોનું જીવવાનું ઝેર કરી નાખ્યું. પ્રખ્યાત મરાઠી કવિ દિલીપ ચિત્રે તેમના જાણીતા કાવ્ય ‘ચિંચપોકળીનું દ્રશ્ય’માં કહે છે :

સિલિંગ ફેન

ઘરઘરાટી કરતો ફરી રહ્યો છે,
છતાં મને પરસેવો થતો રહે છે.
હું શ્વાસમાં લઉં છુ બોમ્બે ગેસ કંપનીએ
છોડેલો સલ્ફર ડાયોક્સાઈડ ગેસ
જેમાં ભળેલા છે કપાસના રેસા
અને કાર્બનના કણ આસપાસની
કાપડ મિલોમાંથી ઠલવાતા.
પણ હા, આ જ મિલો લાખો લોકોને
લંગોટી માટેનું કાપડ પૂરું પાડે છે.

પછી ૧૮૮૨માં મુંબઈમાં પહેલી વાર વીજળીના દીવા આવ્યા. એક ખાનગી કંપનીએ ક્રાફર્ડ માર્કેટને અજવાળવા માટે ત્યાં ખાસ જનરેટર ગોઠવ્યું. એ વખતે ક્રાફર્ડ માર્કેટ એ મુંબઈનું એક માત્ર જથ્થાબંધ બજાર. એ જ વરસે ગોંડળના મહારાજા ભગવતસિંહજીએ મુંબઈની મુલાકાત લીધી ત્યારે તેઓ ખાસ ક્રાફર્ડ માર્કેટ જોવા ગયા હતા અને ત્યાં વીજળીના દીવાની રોશની જોઈ એટલા તો પ્રભાવિત થયા હતા કે તેમણે પોતાના રાજ્યમાં એવા દીવા ગોઠવવાનું નક્કી કર્યું હતું. પણ આ અજવાળું તો ચાર રાતની ચાંદની પુરવાર થયું. થોડા વખત પછી પેલી ખાનગી કંપની ફડચામાં ગઈ. એટલે ઇસ્ટર્ન ઇલેક્ટ્રિક લાઈટ એન્ડ પાવર કંપનીએ કામ હાથમાં લીધું. પણ થોડા વખતમાં તેણે પણ દેવાળું કાઢ્યું. અને ફરી ગેસને ઠામે ગેસ ઠરી રહ્યો.

પણ વાઘ એક વાર લોહી ચાખી જાય પછી છોડે નહિ. વીજળી પૂરી પાડનાર કંપની નથી તો શું થયું? આપણે પોતાનું જનરેટર વસાવીને વીજળી મેળવીએ. ૧૮૯૦થી કેટલાક તવંગર લોકોનાં ઘર, કેટલીક હોટેલ, કેટલાંક કારખાનાં પોતાનું જનરેટર વસાવીને વીજળી વાપરવા લાગ્યાં. ૧૯૦૩માં ગેટ વે ઓફ ઇન્ડિયાની સામે તાજ મહાલ હોટેલની ઇમારત બંધાઈ ત્યારે તેમાં ઇલેક્ટ્રિક લાઈટની વ્યવસ્થા કરવામાં આવી હતી. એટલે ઉદ્ઘાટનના દિવસે તે ઈમારત વીજળીના દીવાથી ઝગમગી ઊઠી. આ માટે તેના બગીચામાં વરાળથી ચાલતું જનરેટર રાખવામાં આવ્યું હતું. અગાઉ કોઈ જાહેર મકાનમાં આ રીતે વીજળીનો ઉપયોગ થયો નહોતો. પણ ન કરે નારાયણ, ને વીજળી ગુલ થઈ જાય તો? એટલે દરેક રૂમમાં સાથોસાથ ગેસના દીવા પણ લગાડ્યા હતા! એ વખતે તાજ મુંબઈની સૌથી મોંઘી હોટેલ હતી. એનું ભાડું કેટલું હતું ત્યારે? ઓછામાં ઓછું ભાડું હતું દિવસના છ રૂપિયા, જે અંગ્રેજો કે દેશી અમીરોને જ પોસાતું!

BEST કંપનીનું પાવર સ્ટેશન

મુંબઈનાં લોકો, ઉદ્યોગો, વાહન-વ્યવહાર વગેરે માટે વીજળીની જરૂરિયાત કૂદકે ને ભૂસકે વધતી જતી હતી. તેને ધ્યાનમાં લઈને મુંબઈ મ્યુનિસિપાલિટીએ ૧૯૦૫માં બોમ્બે ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રામવેઝ નામની બ્રિટિશ કંપનીને શહેરને વીજળી પૂરી પાડવાનો પરવાનો આપ્યો. તેણે પોતાનું થર્મલ (કોલસાથી ચાલતું) પાવર સ્ટેશન શરૂ કર્યું અને મુંબઈમાં ઇલેક્ટ્રિક ટ્રામની શરૂઆત કરી. ૧૯૦૭ના મે મહિનાની ૭મી તારીખે સાંજે સાડા પાંચ વાગે મ્યુનિસિપાલિટીના મુખ્યાલય સામેથી શરૂ થઈને આ ટ્રામ ક્રાફર્ડ માર્કેટ પહોંચી. ત્યાં થોડી વાર રોકાઈને પાછી ફરી. તે સાંજે ઘોડાથી ચાલતી ટ્રામનો સૂરજ મુંબઈમાં આથમ્યો.

શરૂઆતની ઇલેક્ટ્રિક ટ્રામ

પણ આ કંપની જે વીજળી પેદા કરતી હતી તે લગભગ બધી ટ્રામ ચલાવવા પાછળ વપરાઈ જતી હતી. અને શહેરની વીજળી માટેની ભૂખ તો રોજ વધતી જતી હતી. ૧૯૦૭ના ઓક્ટોબરમાં સર જ્યોર્જ ક્લાર્ક મુંબઈના ગવર્નર બન્યા. તેમના ધ્યાનમાં આ વાત આવી અને તેમણે તે જ વરસે મુંબઈ શહેરને વીજળી પૂરી પાડવા માટે હાઈડ્રોલિક (પાણીથી ચાલતું) પાવર સ્ટેશન શરૂ કરવાનો પરવાનો તાતા પાવર કંપનીને આપ્યો. ૧૯૧૫માં તેના ખપોલી પાવર પ્લાન્ટમાં વીજળીનું ઉત્પાદન શરૂ થયું અને ૪૩ માઈલ લાંબી ટ્રાન્સમિશન લાઈન દ્વારા એ વીજળી મુંબઈ પહોંચાડવામાં આવી. જો કે એ વખતે એ વીજળી માત્ર મોટા ઉદ્યોગોને જ પૂરી પાડવાની મંજૂરી એ કંપનીને મળી હતી. પણ આ ખાનગી સાહસને એટલી તો સફળતા મળી કે ૧૯૨૫માં BEST કંપનીએ પોતાનો થર્મલ પાવર પ્લાન્ટ બંધ કર્યો અને તાતા પાસેથી જ વીજળી ખરીદવાનું શરૂ કર્યું! એટલે શહેરને વીજળી પૂરી પાડવાની તેને અપાયેલી મોનોપોલી રદ્દ થઈ અને હવે મુંબઈનાં ઘરોને, નાનાં કારખાનાંઓને, બીજી હર કોઈ જરૂરિયાત માટે વીજળી પૂરી પાડવાનો માર્ગ તાતાની કંપની માટે ખૂલી ગયો. ૧૯૦૫માં તેના ઘરાકોની સંખ્યા ૧૦૭ની હતી, તે વધીને ૧૯૩૫ સુધીમાં ૬૫,૪૧૨ સુધી પહોંચી ગઈ.

૧૯૫૦માં BEST કંપનીએ શહેરમાંના ગેસના બધા દીવા કાઢીને તેની જગ્યાએ વીજળીના દીવા મૂકવાનું શરૂ કર્યું. અને એક અણધારી વાત બની. મુંબઈના લોકોએ તેનો વિરોધ કર્યો. ઘણાને માટે ગેસના દીવાની તોલે વીજળીના દીવા ન આવે. એટલે BEST કંપનીએ શું કર્યું? શહેરનાં મુખ્ય જન્કશનો પર ગેસના અને વીજળીના દીવા અડખે પડખે ગોઠવ્યા – જુદા જુદા રંગના, વધતા-ઓછા અજવાળું આપતા દીવા. નીચે થાંભલા પર મત પેટીઓ મૂકી અને લોકોને બેમાંથી એક પ્રકારના દીવાને મત આપવા વિનંતી કરી. અને અ ચૂંટણીમાં ગેસના દીવા હાર્યા, વીજળીના દીવા જીત્યા. પછી થોડા જ વખતમાં મુંબઈના રસ્તાઓ પરથી ગેસના દીવા ગુલ થઈ ગયા.

૧૯૦૩માં તાજ મહાલ હોટેલના ઉદ્ઘાટનની જાહેર ખબર

વિખ્યાત અમેરિકન લેખક માર્ક ટ્વેન ૧૮૯૬માં વિશ્વ પ્રવાસે નીકળ્યા હતા. તે દરમ્યાન તેઓ મુંબઈ પણ આવ્યા હતા અને વોટસન હોટેલમાં રોકાયા હતા. ૧૮૬૭-૧૮૬૯ દરમ્યાન કાળા ઘોડા નજીક બંધાયેલી આ હોટેલ એ જમાનામાં મુંબઈની સર્વોત્તમ હોટેલ મનાતી હતી. મકાન બંધાઈ રહ્યા પછી રૂમોને સજાવવામાં ઘણો વખત ગયો, એટલે તેનું ઉદ્ઘાટન છેક ૧૮૭૧ના ફેબ્રુઆરીની ચોથી તારીખે થયું. સ્વદેશ પાછા ફર્યા પછી ૧૮૯૭માં માર્ક ટ્વેને આ વિશ્વ પ્રવાસનું વર્ણન કરતું પુસ્તક લખ્યું હતું, ‘ફોલોઇંગ ધ ઇક્વેટર’. તેમાં મુંબઈ વિષે તેમણે લખ્યું છે : ‘આજે, સ્થળ અને સમય, બંનેની દૃષ્ટિએ હું મુંબઈથી ઘણો દૂર આવી ગયો છું. છતાં મુંબઈનો વિચાર કરું છું ત્યારે જાણે હું કલાઈડોસ્કોપમાં ક્ષણે ક્ષણે બદલાતી આકૃતિઓ જોતો હોઉં એવું લાગે છે. કાચના ટુકડાનો આછો ખખડાટ સંભળાય છે. એક આકૃતિ, એક ભાત, એક ચિત્ર, રચાય છે, અને બીજી પળે તો બદલાઈ જાય છે. ફરી નવું ચિત્ર, ફરી નવું, ફરી … નવું કૌતુક, નવો આનંદ. સપનામાં જોયેલી આકૃતિઓની જેમ ઝડપથી રચાય છે અને ઝડપથી ઓગળી જાય છે. હું ત્યાં થોડા દિવસ રહ્યો હતો, પણ આજે જ્યારે આંખ સામેથી પસાર થતાં એ ચિત્રો જોઉં છું ત્યારે લાગે છે કે મુંબઈનો મારો અનુભવ માંડ એકાદ કલાકનો હતો.’ મુંબઈનું કોઈ નવું ચિત્ર, નવું કૌતુક, નવી આકૃતિની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 30 જાન્યુઆરી 2021

Loading

રાજધાનીમાં ૨૬મી જાન્યુઆરી, એક રિપોર્તાજ

કુમાર પ્રશાંત|Opinion - Opinion|31 January 2021

આઝાદી પછી આ પહેલો ગણતંત્ર દિવસ હતો જ્યારે રાજધાની દિલ્હીમાં બે પરેડ થઈ – એક હરહંમેશ થતી સરકારી પરેડ, બીજી કિસાનોની ટ્રૅક્ટર પરેડ. કોણે ધાર્યું ‘તું કે ૭૨મા ગણતંત્ર દિવસ સુધી પહોંચતાં પહોંચતાં દેશ આ રીતે વહેંચાયેલો માલૂમ પડશે? આજે તે કિસાનો અને બિનકિસાનોમાં જ નહીં, પક્ષ અને વિપક્ષમાં જ નહીં, લોક અને તંત્ર વચ્ચે જ નહીં, તનમનથી એટએટલે ઠેકાણે વહેંચાયેલ છે કે તમે એનો વિચાર કરતાં ગભરામણ અનુભવવા લાગો. તિરંગો પણ એક નથી રહ્યો. જો એ એક રહ્યો હોય તો કોઈ બીજા ઝંડા લઈ લાલ કિલ્લા પર ચડવાની જરૂરત જ કેમ પડી?

આઈ.ટી.ઓ. ચાર રસ્તે ઉત્તર પ્રદેશના ભાવાવેશથી કાંપતા કિસાન સતનામસિંહે આ સ્તો કહેવાની કોશિશ કરી હતી : “તમે જ કહો, જો આ ગણતંત્ર કહેવાતું હોય તો ક્યાં છે ગણ? અમને અમારી રાજધાનીમાં રોકનારા કોણ છો તમે? અમે જ તમને બનાવ્યા છે, આવતી કાલે અમે જ કોઈ બીજાને બનાવીશું તો તમે તો નહીં રહો, પણ અમે તો હોઈશું જ. તમે અમારા અસ્તિત્વને જ નકારવા ચાહો છો? … તમે અમને બેરોકટોક આવવા દીધા હોત તો આવો ઉત્પાત થાત જ શેનો. અમે જો અહીં બેરોકટોક પહોંચી ગયા હોત તો વિમાસણમાં જ પડી ગયા હોત કે અહીં આવીને કરવું શું ? અહીં પહોંચીને અમે કરીકરીને એવું તો શું કરી લેવાના હતા? પણ તમે તો અમને રોકીને, અમારાં ટ્રૅક્ટર તોડીને, અમારી ગાડીઓના કાચ ચૂરચૂર કરીને, અમારા પર લાઠીઓ વરસાવીને, અમને વળતાં એવાં કામ ઝલાવી દીધાં જેને માટે હવે તમે અમારી વિરુદ્ધ પ્રચાર કરાવી રહ્યા છો!” ભાવુક થઈ સતનામસિંહ બોલતા રહ્યા : “ઉત્તર પ્રદેશમાં હિંદુઓ અને શીખો વચ્ચે ફાટ પાડવામાં તમે કશું બાકી નથી રાખ્યું. હિંદુઓના મનમાં એવું ઝેર રેડવાની કોશિશ કરી કે કિસાન આંદોલનનું ઓઠું લઈ અમે ખાલીસ્તાન બનાવીશું. અમે તો હિંદુ ભાઈઓને લાખ લાખ ધન્યવાદ દઈએ છીએ કે એમણે આ ઝેરને ચિત્તમાં સ્થાન નથી આપ્યું. ખરેખર તો આંદોલનની સૌથી મોટી તાકાત જ એ છે કે હિંદુ-શીખ-મુસ્લિમ-પારસી-દલિત સૌને એણે જોડ્યા છે અને એક મંચ પર આણ્યા છે. ભૈસાબ, હું કહું છું કે અમારાં મક્કા-મદીના, કાબા-કૈલાસ, ખાલીસ્તાન બધું આ હિંદુસ્તાન છે. અમે ન તો એ સિવાય કશું ઈચ્છીએ છીએ, ન તો કશું માંગીએ છીએ.”

કિસાન સંગઠનોએ સમાંતર ટ્રૅક્ટર રેલીની જાહેરાત કરી હતી અને ભારે સાવધાનીપૂર્વક એ માટેની તૈયારી પણ કરી હતી. પણ એમને ય એવો અંદાજ નહોતો કે કેટલા કિસાન, કેટલાં ટ્રૅક્ટર સાથે આવી લાગશે. સરકારને પણ અંદાજ નહોતો કે કિસાન આંદોલનનાં મૂળિયાં કઈ હદે ઊંડે ગયેલાં છે. એટલે આંદોલન અને સરકાર બેઉ ગણતંત્ર દિવસની સવારે આંખો ચોળતાં ઊઠ્યાં તો સૂરજ માથે ચડી ગયો હતો. દિલ્હી-ગાઝીપુર સીમાએ એકત્ર થયેલ કિસાન જમાવડો દિલ્હી પોલીસ સાથેની સમજૂતી તોડીને નીકળી પડ્યો હતો. એણે ન તો નિર્ધારિત સમયનું પાલન કર્યું, ન તો નિર્ધારિત રસ્તાનું. ને સીધો દિલ્હી ભણી વળી ગયો. એક ટોળી આમ વળી ગઈ તો બીજી ટોળીઓએ પણ વગર વિચાર્યે એમ કર્યું … આનેસ્તો ભીડ કહે છે ને!

જેને ટ્રૅક્ટરોનો કાફલો કહેવાય છે તે શું ને કેવો હશે એનો કોઈ પૂર્વાનુભવ ન તો કિસાનોને હતો, ન તો પોલીસોને. કિસાનોએ બે-ચાર-દસ ટ્રૅક્ટરોને ખેતરમાં જતાં જોયાં હોય તો હોય; અને પોલીસ બચાડી મહાનુભાવોના કાર કાફલાને જાણતી હોય. એટલે જ્યારે કિસાનોની ટ્રૅકટર રેલી દિલ્હીની સીમમાં દાખલ થઈ તો પોલીસ અધિકારીઓના ચહેરા પર અચરજ અને અવિશ્વાસ સિવાય કોઈ ખાસ ભાવ પણ નહોતો. ટ્રૅક્ટર તો શું, માનસિકતાની રીતે મીની ટૅંક જ કહોને, રસ્તા પર ચાલી રહ્યાં હતાં. રસ્તા પરનાં બેરિકેડ એવી રીતે ખડી રહ્યાં હતાં, જાણે કે પત્તાં. પોલીસે ખડા કરેલ અવરોધની આવી અવમાનના મીડિયાબંધુઓને બહુ વાગી અને એમણે એના પર એક સંદર્ભહીન પણ તીખી ટિપ્પણી કરી. મને તો રાજધાનીમાં આવી હર કોઈ ઘેરાબંધી હંમેશ કઠતી રહી છે, અને ગોબરી લાગતી રહી છે. આ વખતે કિસાનોએ તે તોડી પાડી એટલું જ નહીં પોલીસ ખાતાનો એ ભ્રમ પણ તોડી નાખ્યો કે પોલીસે ઊભો કરેલ અવરોધ અનુલ્લંઘ્ય જ હોય. લોખંડી રૂકાવટ હો કે કાનૂની, કોઈ પણ અવરોધ ત્યાં લગી જ મજબૂત રહી શકે છે અને એટલા જ મજબૂત હોય છે જ્યાં લગી લોક એને સ્વીકારે છે. એકવાર અવરોધ નકારી દીધો તો લોક એવરેસ્ટ પણ સર કરી શકે છે. સરકાર અને સંબંધિત સૌ  આ સંદેશ યાદ રાખી શકે તો ગણ અને તંત્ર બેઉનું હિત થશે.

જો કે દિલ્હીના હૃદયસ્થળ રૂપ આઈ.ટી.ઓ. લગી પહોંચ્યા પછી રાજપથ અને લાલ કિલ્લે પૂગવા સારુ ખેડૂતોએ અને એમના ટ્રૅક્ટરોએ આંખ મીંચીને જે દોટ મેલી તે શરમજનક જ નહીં બેહદ ખતરનાક પણ હતી. કાયદો ને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેમના પર હતી તે પોલીસવાળાનું સંખ્યાબળ ને મનોબળ બેઉ ઓછાં હતાં. વળી નોકરિયાત અને આંદોલનકાર વચ્ચે મનોબળનો ફરક તો સાફ દેખાઈ આવતો હતો. સાચા આંકડા તો પોલીસ ખાતું જ આપી શકે પણ નાખી નજરે ૫૦૦-૭૦૦ આંદોલનકારોએ સરાસરી એક પોલીસ પણ કદાચ નહોતો.

સંખ્યા વચ્ચેની આ વિષમતા જોતાં પોલીસ કારવાઈ બેઅસર રહેવાનો સંભવ સાફ હતો. તેમ છતાં, અહીં એટલું પણ ઉમેરવું જોઈએ કે પોલીસ અધિકારીઓએ સંયમ જાળવીએ સમજદારીભર્યો ફેંસલો લીધો અને ઉન્મત્ત કિસાનોને ઠીકઠીક મનમાની કરવા દીધી. નહીં તો, આઈ.ટી.ઓ. ચોક ખાતે ગણતંત્ર દિવસ ૪ જૂન ૧૯૮૯ના રોજ બૈજિંગના ટાઈનામેન ચોકની યાદ આપતો બની રહ્યો હોત.

આનો અર્થ એ નથી કે જે હાલત રાજધાનીમાં પેદા થવા દેવાઈ તેની આપણે પ્રશંસા કરવી. ૨૦૨૦ના જૂન મહિનાથી કિસાન આંદોલન ઊંડા શ્વાસ ભરતું હતું અને છેલ્લા સાઠ દિવસથી એનું તાપમાન ગર્જનવત્‌ અનુભવાતું હતું. દિલ્હી પ્રવેશના સઘળા રસ્તા પર કિસાનોએ કિસાનનગરી વસાવી દીધી હતી : એક કિલ્લેબંધી સરકારી નિર્દેશ મુજબ પોલીસોએ કરી રાખી હતી તો બીજી કિસાનોએ. કોઈ પણ રાજધાની આ રીતે પ્રભાવહીન શાસકો અને નાસમજ વહીવટકારોને ભરોસે કેવી રીતે છોડી શકાય ?  સર્વોચ્ચ અદાલતે પણ, કેવી રીતે કામ લેવું તે પોલીસે નક્કી કરવાનું છે કહીને હાથ ઊંચા કરી દીધા હતા. ખબરદાર, તમે બંધારણીય મર્યાદા તોડી તો એટલું તો કમસેકમ કહેવું જ જોઈતું હતું. ગમે તેમ પણ, કિસાનો કોઈ પણ નિર્ણય લેવાની સરકારની અક્ષમતા સમજી ગયા હતા. વાતચીતનાં દસ રાઉન્ડ દરમિયાન એમણે જોઈ લીધું કે સરકાર પાસે કશી સૂઝ નથી. કોણે કોનું ખાધું, ન ખાધું, શું ખાધું, હવે આગલી બેઠક ક્યારે, એ સિવાય કશું આગળ ચાલ્યું નહીં. કિસાનોએ પહેલેથી છેલ્લે સુધી એક જ વાત કહી કે ત્રણે કાયદા પાછા લો અને અમને ઘરભેગા થવા દો. કાયદા પાછા નહીં ખેંચવા સબબ સરકાર પાસે કોઈ તર્ક નહોતો. વળી નકલી સંગઠનો આગળ કરવાની અને વડા પ્રધાન જાણે અલાદીનના જાદુઈ ચિરાગનો જીન હોય એવી છાપ આપવાની સત્તાવાર કોશિશ હતી.

પરિણામે ૨૬મીએ શું બન્યું? કિસાનોનો દિશાહીન જમાવડો અને એના પર લાઠી ને ટિયરગેસ વરસાવતી પોલીસ. કિસાનોએ પણ હાજર સો હથિયારની રીતે પોલીસ પર વળતો હુમલો કર્યો એ સાચું – પણ એવા કિસ્સા પણ વાસ્તવમાં આંગળીને વેઢે ગણાય એટલા જ હતા. મારપીટ થઈ, પોલીસ ગાડીઓના કાચ તૂટ્યા પણ ક્યાં ય બાળઝાળ ન થઈ, ગાડીઓ ન બળાઈ. સ્થળે સ્થળે એવા અનુભવી કિસાનો પણ મળી રહ્યા જે ઉન્મત્ત જુવાનોને વારતા હતા.

થાકેલા ને વળી ભરમાયેલા કિસાનોએ લાલકિલ્લા જતી સડકને કિનારે ટ્રૅક્ટરો ખડાં કરી દીધાં હતાં. સંગરુરથી આવેલા એક કિસાનને મેં પૂછ્યું : “શું થયું, ભાઈ! આવો તો કોઈ કાર્યક્રમ નહોતો!” એણે કહ્યું : “લાલ કિલ્લા પર ઝંડો લહેરાવવાનો તો કાર્યક્રમ હતો જ”. મેં કહ્યું કે હું જાણું છું ત્યાં સુધી તો શહેરમાં પ્રવેશ નહીં કરવાનો ને શાંતિથી નિશ્ચિત સ્થળે પણ ફરવાનો કાર્યક્રમ હતો. એવું ન કરી આંદોલને પોતાના પગ પર કુહાડી મારી છે. મારી આ ટિપ્પણી પર સામાન્ય સંજોગોમાં આક્રમક પ્રતિભાવ અપેક્ષિત હતો પણ એણે મારી વાત શાંતિથી સાંભળી લીધી. ભલે એ બોલ્યો કશું નહીં પણ સહમતિમાં માથુયે હલાવતો રહ્યો.

ગાઝીપુરના કિસાન જમાવડાનું એક જૂથ જેને સતનામસિંહ પન્નુ જૂથ કહેવાતું હતું તેમ જ દીપ સિધ્ધુ જેવા એકબે જૂથ જ જુદો રાગ આલાપતા હતા. આ એક મોટી ભૂલ થઈ એમ જ કહેવું જોઈશે, કેમ કે સંયુક્ત કિસાન મોરચાએ એમને પોતાનાથી અલગ વિધિવત્‌ જાહેર નહોતા કર્યા. અલબત્ત આ જૂથો પણ એટલાં તો પ્રામાણિક હતાં જ કે એમણે કિસાન મોરચા સાથેની પોતાની અસહમતિ છુપાવી નહોતી. પોલીસ સાથેની સમજૂતી પણ એમને કબૂલ નહોતી. એમણે આંદોલન અને પોલીસ બેઉને કહી દીધું હતું કે અમે બંધાયેલા નથી : “અમે ૨૬મીએ દિલ્હીમાં પ્રવેશીશું અને લાલ કિલ્લા જઈશું.” સંયુક્ત કિસાન મોરચાએ એમની આ રૂખની ખબર દેશને આપવી જોઈતી હતી અને પોલીસને પણ લેખી જાણ કરવી જોઈતી હતી. આમ ન થયું તે આંદોલનની ભૂલ હતી.

પ્રશાસનની ભૂલ એ થઈ કે એણે ૨૬મીના કાર્યક્રમ સાથે કામ પાડવાની કોઈ અલગ યોજના બનાવી નહોતી. એવું તો નથીને કે આંદોલનકારીઓ અને સરકાર બેઉના મનમાં ચોર હતો કે અલગ પડતા જૂથને પરિણામે આપણે ‘ક્લિક’ થઈ જઈશું – કાં તો આંદોલન ‘સફળ’ થશે કે પછી પોલીસ!

૨૬મીએ બધી ચેનલોએ અને છાપાંએ કહેવુંલખવું શરૂ કરી દીધું કે આંદોલન ભટકી ગયું છે. એનો ખરો ચહેરો ખુલ્લો પડી ગયો છે. ૨૭મીએ પણ આ વાજાં ચાલુ રહ્યાં. પણ કોઈને એટલું કહેવું કે લખવું ઠીક ન લાગ્યું કે દુનિયાભરમાં ‘ક્રાંતિ’ આમ જ થતી આવી છે. રક્ત નહીં તો ક્રાંતિ કેવી ? ફ્રાન્સ ને રશિયાની ક્રાંતિઓનાં ગીત ગવાય છે પણ એમાંયે શું થયું હતું? એ તો ગાંધીએ આવીને આપણને બીજો રસ્તો બતાવ્યો. એટલે સ્તો કિસાન આંદોલનની ટ્‌વેન્ટી ટ્‌વેન્ટી શૈલી અંગે આપણને પ્રશ્ન રહે છે. પણ જો ગાંધીની જ કસોટી પ્રિય હોય તો સરકાર અને એના સમર્થકો પોતાને એ કસોટીએ કેમ નથી મૂલવતા? સૌથી પહેલાં શરદ પવારે આ સમગ્ર ચિત્ર આપણી સામે મૂક્યું અને કહ્યું કે જે બન્યું એની જવાબદારી સરકારની છે. ગાંધીએ એકથી વધુ વાર અંગ્રેજોને કહ્યું હતું કે જનતાને હિંસા વાસ્તે મજબૂર કરવાના અપરાધી આપ છો.

લાલ કિલ્લા પર ખાલસા પંથનો ઝંડો લગાવાયો એ ખોટું જ થયું. કાં તો એ કોઈની નાદાની હતી કે પછી કોઈ એજન્ટની ચાલ, જે પણ હોય, આંદોલને પૂરી તપાસ અને જવાબદારી સાથે આ મુદ્દે બહાર આવવું જોઈએ. જો કે આ ઝંડો (નિશાન સાહેબ) લગાવાતો હતો ત્યારે નીચેના કિસાન સમુદાયમાંથી એનો વિરોધ કરનારાઓ પણ સ્પષ્ટ જણાઈ આવતા હતા. એક ગાઝીપુર સરહદ બાદ કરતાં બાકી બધા કિસાન જથ્થા શાંતિમય ને નિયમબદ્ધ પેશ આવ્યા. દેશમાં અન્યત્ર પણ એના સમર્થનમાં યોજાયેલ કાર્યક્રમો શાંતિમય રહ્યા. શું કિસાન આંદોલનને આપણે એ માટે શ્રેય નહીં આપીએ?

આ નોંધ લખાઈ રહી છે ત્યારે સડકો સૂની છે. અહીં તહીં કોઈ ટ્રૅક્ટર પડ્યાં હોય તો ભલે. સડકો પર લાઠી ને હથિયારધારી પોલીસનો કબજો છે. ફ્લૅગ માર્ચ જારી છે … જીવનનો પ્રાણવાયુ નહીં પણ આંતકની હવા!

૨૭-૧-૨૦૨૧

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2021; પૃ. 01-02 તેમ જ 17 

Loading

...102030...2,0782,0792,0802,081...2,0902,1002,110...

Search by

Opinion

  • ગઝલ
  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved