Opinion Magazine
Number of visits: 9573602
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અંગ્રેજો સામે બેસીને વાટાઘાટ કરનારા ગાંધીજી પહેલા ભારતીય નેતા હતા

રમેશ ઓઝા|Opinion - Opinion|6 December 2020

ભારતીય રાષ્ટ્રીય કૉન્ગ્રેસની સ્થાપના ૧૮૮૫ની સાલમાં કરવામાં આવી હતી. ભારતમાં અંગ્રેજો સામે સામૂહિક અને સાર્વત્રિક હડતાલની પહેલી ઘટના ૧૯૧૯ની સાલમાં બની હતી. કૉન્ગ્રેસની સ્થાપના પછી ૩૪ વરસે. આટલાં બધાં વરસો કેમ લાગ્યાં? એવું નહોતું કે ગાંધીજી પહેલાના નેતાઓ આવડત વિનાના હતા. દિગ્ગજ નેતાઓ હતા. એવું પણ નહોતું કે તેઓ આંદોલન કરવા નહોતા માગતા. ખાસ કરીને ૧૯૦૫માં લોર્ડ કર્ઝને બંગાળનું કોમી ધોરણે વિભાજન કર્યું ત્યારે તેની સામે શરૂ કરવામાં આવેલી બંગભંગની લડત વખતે જહાલ નેતાઓએ સ્વદેશીનું આંદોલન શરૂ કર્યું હતું, જેને જોઈએ એવી સફળતા મળી નહોતી. લોકમાન્ય તિલકના વતનના શહેર પૂનામાં હડતાલ સંપૂર્ણ નહોતી. મુસલમાનોએ અને બહુજન સમાજે તેમાં ભાગ નહોતો લીધો. એમાં વિનીતોના ટેકેદાર હતા એવા પૂનાના સવર્ણોએ પણ સાથ નહોતો આપ્યો.

વિનય અનુનય કરવાની જગ્યાએ પ્રજા દ્વારા સરકાર ઉપર દબાણ લાવવું જોઈએ એવો વિચાર એ વખતના નેતાઓને પણ આવ્યો હતો. કૉન્ગ્રેસના વિનીત નેતાઓ આવેદનો-નિવેદનો કરીને રાજકારણ કરતા હતા, પરંતુ જહાલ નેતાઓ તો આંદોલનો કરવાં જોઈએ એમ માનતા હતા. અસહકાર અને ના-કરની લડતનો શ્રેય ગાંધીજીને આપવામાં આવે છે અને જ્યાં સુધી આંદોલનનો સવાલ છે ગાંધીજી એ શ્રેયના અધિકારી પણ છે, પરંતુ આ કલ્પનાનો શ્રેય ગાંધીજીને નથી જતો. ગાંધીજીની પહેલા શ્રીઅરવિંદ ઘોષે કલ્પના રજૂ કરી હતી કે ભારતની પ્રજા જો અંગ્રેજોને કરવેરા ચુકવવાનું બંધ કરે અને અસહકાર કરે તો આ સરકાર ટકી ન શકે. વાત તો સાચી હતી અને ભારતમાં પહેલી વાર કહેવાઈ હતી, પરંતુ એ સમયના જહાલ નેતાઓ તેનો અમલ નહોતા કરી શક્યા. એ કલ્પના કલ્પના જ રહી હતી.

શા માટે? ભારતીય પ્રજાને સામૂહિક અને સાર્વત્રિક તાકાત બતાવતા ૩૪ વરસ કેમ લાગ્યાં? ગાંધીજીની પહેલાના નેતાઓ શક્તિશાળી હોવા છતાં અને પ્રજાની ભાગીદારીવાળા આંદોલનની કલ્પના મનમાં ઘોળાતી હોવા છતાં કેમ તેનો અમલ નહોતા કરી શક્યા? આ લાખ રૂપિયાનો સવાલ છે. ગાંધીજીમાં એવું શું હતું અને ગાંધીજીએ એવું શું પરિવર્તન કર્યું કે કૉન્ગ્રેસની સ્થાપના પછી જે ૩૪ વરસ શક્ય ન બન્યું તે તેમણે કરી બતાવ્યું?

એક તો તેમનું વ્યક્તિત્વ. કરિશ્મા અને વાક્પટુતા જેવા બાહ્ય માપદંડો લાગુ કરવામાં આવે તો ગાંધીજી તેમના પુરોગામીઓ, સમકાલીનો અને અનુગામીઓ કરતાં ક્યાં ય પાછળ હતા. તેમનું પ્રભાવશાળી વ્યક્તિત્વ જ નહોતું. આમ છતાં ય તેઓ પ્રજાહ્રદયને જીતી શક્યા એનું કારણ હતું તેમની પ્રામાણિકતા અને સહ્રદયતા. લોકોને ખાતરી થઈ ગઈ કે આ માણસ જે વિચારે છે એ જ બોલે છે અને જે બોલે છે એ જ કરે છે. લોકોને ખાતરી થઈ ગઈ કે આ માણસ પહેલા પોતે કરે છે અને પછી બીજા પાસે કરાવે છે અથવા કરવાની સલાહ આપે છે. લોકોને એ વાતની પણ ખાતરી થઈ ગઈ કે આ માણસ આપણી ભાષામાં આપણે સમજી શકીએ એમ બોલે છે અને આપણી વચ્ચે આપણી જેમ જ રહે છે. ગાંધીજીના સમકાલીન નેતાઓના મનમાં ગડમથલ ચાલતી હતી કે આ માણસ રાજકારણી છે કે સંત, પણ લોકોએ તો તેમનો સંત તરીકે સ્વીકાર કરી લીધો હતો.

આમ પહેલું કારણ હતું તેમનું અનોખું વ્યક્તિત્વ. બીજું કારણ હતું નિર્ભયતા. ગાંધીજી વિષે વિદ્વાનો દ્વારા હજારો પુસ્તકો લખાયાં છે અને જેઓ ગાંધીજીના સંપર્કમાં આવ્યા હતા એવા બીજા હજારો નેતાઓએ પોતપોતાની ભાષામાં આત્મકથા કે સંસ્મરણો લખ્યાં છે. આમાં એક ચીજ અપવાદ વિના દરેકે લખી છે કે ગાંધીજીએ ભારતીય પ્રજાને નિર્ભય થતા શીખવાડ્યું. અપવાદ વિના. હું પૂરી જવાબદારી સાથે આ શબ્દનો પ્રયોગ કરી રહ્યો છું. બનારસનું ભાષણ હોય કે ચંપારણનો સત્યાગ્રહ; પ્રામાણિકતા, સહ્રદયતા, કર્મઠતા અને નિર્ભયતાનો તેમાં પરિચય થયો હતો. પ્રજાની ભાષા એ એમની ભાષા અને પ્રજાનો શ્વાસ એ એમનો શ્વાસ એટલો પરિચય તો થઈ ગયો હતો, ચંપારણે એ વાતનો પણ પરિચય કરાવ્યો કે આ માણસ લીધું કામ છોડતો નથી અને કોઇથી ડરતો નથી.

બે ઘટના નોંધવા જેવી છે. ગાંધીજીએ ચંપારણ પહોંચીને કેટલાક સાથીઓને ચંપારણ બોલાવ્યા હતા એમાં એક તેમના મિત્ર સી.એફ. એન્ડ્રુઝ પણ હતા. એન્ડ્રુઝ અંગ્રેજ એટલે ચંપારણના અંગ્રેજ અધિકારીઓ અને ગળીનું વાવેતર કરાવનારા અંગ્રેજ કોઠીવાળાઓ તેમની સાથે માનમર્યાદા જાળવીને સલુકાઇવાળું વર્તન કરતા. બિહારના નેતાઓએ એન્ડ્રુઝને આગળ રાખવાનું શરૂ કર્યું. થોડા દિવસ પછી એન્ડ્રુઝને જવાનું થયું ત્યારે બિહારના નેતાઓએ એન્ડ્રુઝને વિનંતી કરી કે તેમણે રોકાઈ જવું જોઈએ. એન્ડ્રુઝે કહ્યું કે જો ગાંધીજી આજ્ઞા આપતા હોય તો તે  રોકાઈ જવા તૈયાર છે. બિહારના નેતાઓ જ્યારે એન્ડ્રુઝને રોકવા માટેની વિનંતી સાથે ગાંધીજી પાસે ગયા ત્યારે ગાંધીજી પામી ગયા હતા કે તેઓ શા માટે એન્ડ્રુઝને રોકવા ઈચ્છે છે. તેમણે એન્ડ્રુઝને કહ્યું કે તેઓ કાલે જતા હોય તો આજે જ જતા રહે. ગાંધીજીએ કહ્યું કે ગોરા એન્ડ્રુઝની ઢાલનો ઉપયોગ કરવો એ કાયરતા છે. આત્મવિશ્વાસ સાથે અંગ્રેજો સાથે વાત કરવી જોઈએ અને તેઓ જો અપમાનિત કરે તો મોઢામોઢ વિરોધ કરવો જોઈએ.

બીજો પ્રસંગ વિન્સ્ટન ચર્ચિલનો છે. ૧૯૩૦ના નમક સત્યાગ્રહ પછી ગાંધીજીની એ સમયના વાઇસરોય લોર્ડ અર્વિન સાથે ગવર્નર હાઉસ(અત્યારનું રાષ્ટ્રપતિભવન)માં વાટાઘાટો શરૂ થઈ હતી. ગાંધીજી આવે ત્યારે લોર્ડ અર્વિન તેમનું બહાર સ્વાગત કરે, હાથ પકડીને ગવર્નર હાઉસના પગથિયાં ચડવામાં મદદ કરે અને બ્રિટિશ સામ્રાજ્યના પ્રતિનિધિ સાથે ગાંધીજી એક જ સ્તરે આંખ મિલાવીને વાત કરે, એવી તસ્વીરો જોઇને વિન્સ્ટન ચર્ચિલ ચિડાઈ ગયા હતા. એક નગ્ન ફકીરની આટલી ગુસ્તાખી કે તે માગણીઓનું નિવેદનપત્ર આપવાની જગ્યાએ વાટાઘાટો કરે? ગાંધીજી ભારતમાં આવ્યા એ પહેલાં ભારતીય નેતાઓ આવેદન-નિવેદનો કરતા હતા, વાટાઘાટો નહોતા કરતા. અંગ્રેજો સાથે સામ સામે બેસીને વાટાઘાટો કરનારા ગાંધીજી પહેલા ભારતીય નેતા હતા.

ત્રીજું કારણ હતું રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય ચેતના જેની વાત હવે પછી.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 06 ડિસેમ્બર 2020

Loading

સ્કોટલેન્ડ : વિશ્વનો પ્રથમ પિરિયડ પ્રોડક્ટ્સ ફ્રી દેશ!

કિરણ કાપૂરે|Opinion - Opinion|6 December 2020

24 નવેમ્બરે સ્કોટલેન્ડનાં ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને પોતાના ટ્વિટર પર એક વાક્ય મૂક્યું : “વાડાબંધીને તોડતા આ કાયદા માટે વોટ કરવા અંગે ગૌરવ અનુભવીએ છે”. તેમણે આ સાથે એ પણ લખ્યું કે મહિલા અને કિશોરીઓ માટે આ સૌથી મહત્ત્વની નીતિ બનશે. સ્કોટલેન્ડની સંસદે જે કાયદો પસાર કર્યો અને જે માટે વિશ્વભરમાં તેની વાહવાહી થઈ રહી છે, તે કાયદો એટલે ‘પિરિયડ પ્રોડક્ટ્સ ફ્રી પ્રોવિઝન’. પશ્ચિમી દેશોમાં બહેનોને પિરિયડની પ્રોડક્ટ્સ વિનામૂલ્યે મળવી જોઈએ તેવી ચળવળ વર્ષોથી ચાલી રહી છે; જે ચળવળને કાયદાથી મહોર સ્કોટલેન્ડ મારી શક્યું છે. આ અગાઉ 2018માં પણ શાળા, કોલેજ અને યુનિવર્સિટીમાં સેનેટરી પેડ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવાની પહેલ સ્કોટલેન્ડે કરી હતી, જેને મળેલા આવકારથી સ્કોટલેન્ડ સરકાર અંતે તે પહેલને કાયદા અંતર્ગત લીધી. યુરોપના દેશોમાં પિરિયડ પ્રોડક્ટ્સ ફ્રી અંગેની જાગૃતિ માટે થતા પ્રયાસનું કારણ એ છે કે દર મહિને પિરિયડના ચક્રમાં બહેનોને જે પ્રોડક્ટ્સ ખરીદવાં માટે આર્થિક ખર્ચ થાય છે તે પોસાય તેવું હોતું નથી. એક અભ્યાસ મુજબ બ્રિટનની જ દસ ટકા કિશોરીઓ સેનેટરી પ્રોડક્ટ્સને અફોર્ડ કરી શકતી નથી! યુરોપના દેશોમાં જો આ સ્થિતિ હોય તો સ્વાભાવિક છે કે ભારત જેવાં દેશોમાં આ અંગે અનેક પીડાદાયક કહાનીમાંથી પસાર થવું પડે.

આધુનિક સમાજમાં માનવી પર જે આશીર્વાદ વરસ્યા છે તેમાં આવી કેટલીક પાયાની બાબતો પણ છે, જે અંગે હજુ એકાદ સદી અગાઉ પણ મહદંશે લોકો અજ્ઞાનમાં જીવતા હતા. તે અજ્ઞાનતા આજે નવીન શોધ અને ટેક્નોલોજીના કારણે ઘટી રહી છે અને તેનો લાભ મહત્તમ લોકોને મળી રહ્યો છે. મહિલાઓનાં પિરિયડ પ્રોડક્ટ્સ પણ તેમાંની એક શોધ છે. બહેનોના માસિક ચક્રની બાબતમાં પણ જે પેડનો પહેલોવહેલો ઉપયોગ થયો તે પેડ સૈનિકોને થયેલાં જખમો પરનાં લોહીને અટકાવવા માટે થયો હતો. સૈનિકો માટેના આ પેડ બનાવવાનો શ્રેય અમેરિકાના બહુઆયામી વ્યક્તિ બેન્જામિન ફ્રેન્કલિનને જાય છે. તે અગાઉ 1888માં ‘જોહસન એન્ડ જોહસને’ ડિસ્પોઝેબલ નેપકિન નિર્માણ કરી ચૂક્યું હતું. પરંતુ મોટી સંખ્યામાં નર્સોએ જ્યારે સૈનિકોના પેડનો ઉપયોગ પોતાના માસિક સ્રાવના ફ્લોને અટકાવવા માટે કર્યો ત્યારે નર્સોને આ પેડ વધુ સગવડભર્યા લાગ્યા.

1921માં અમેરિકાની ‘કોટેક્સ’ કંપનીએ સૌપ્રથમ મહિલાઓને અનુકૂળ આવે તેવાં પેડનું ઉત્પાદન શરૂ કર્યું હતું. તે પહેલાં મહિલાઓ મહદંશે માસિકસ્રાવ વખતે ઘરે કાપડથી બનાવેલાં પેડનો ઉપયોગ કરતી. સમયાંતરે તેમાં સુધાર થતાં ગયા અને 1956માં અમેરિકાના મેરી કેનરે નામની મહિલાએ સેનટરી બેલ્ટનું નિર્માણ કર્યું, જે સેનેટરીના ઇતિહાસમાં માઇલસ્ટોન શોધ કહેવાય છે. આ રીતે તેમાં અસંખ્ય બદલાવ આવતાં ગયા અને આજે સેનેટરી પેડ્સ અત્યંત સુવિધાજનક બની ચૂક્યા છે. જો કે સમય અને સુવિધા સાથે તેની કિંમત પણ વધી છે અને જે પ્રમાણે બહેનો નોકરી-બિઝનેસમાં આવતી ગઈ તે રીતે તો તેની જરૂરિયાત પણ વધતી ગઈ.

માસિકસ્રાવ અંગેની જાગૃતિ વધી અને તે કારણે પેડનો ઉપયોગ વધ્યો. જો કે, જાગૃતિ આવવા છતાં બહેનો માટે પિરિયડનાં પ્રોડક્ટ્સ ખર્ચાળ લાગતાં રહ્યાં છે. દર મહિને મહદંશે પાંચ દિવસના આ ગાળામાં પેડનો ઉપયોગ થાય છે અને તે માટેનો જે ખર્ચ થાય છે તે બધી બહેનોને પોસાય તેમ હોતો નથી. સ્કોટલેન્ડની સરકારે હાલમાં આ ખર્ચની વિગત આપી છે. એક અદાંજ મુજબ સ્કોટલેન્ડમાં પિરિયડના પાંચ દિવસમાં મહિલાઓને આવતો ખર્ચ આઠ પાઉન્ડ (790 રૂપિયાની આસપાસ) થાય છે. સ્કોટલેન્ડ સરકારે જ્યારે શાળા, કોલેજોમાં પિરિયડ પ્રોડક્ટ્સ વિનામૂલ્યે કરી હતી ત્યારે તેની પાછળ 52 કરોડનું ભંડોળ ફાળવ્યું હતું, હવે તેમાં બીજા 31 કરોડોનો ઉમેરો થવાનો છે. પેડને લઈને જે કિંમત વિશ્વભરમાં જોવા મળે છે તેનું એક કારણ પેડને ઘણાં દેશોમાં લક્ઝરી પ્રોડક્ટ તરીકે ગણવામાં આવે છે. હંગરી અને સ્વિડનમાં તો સેનેટરી પેડ પર સૌથી વધુ કર નાંખવામાં આવ્યો છે. અમેરિકામાં પણ પિરિયડ પ્રોડક્ટ્સ પર દસ ટકા ટેક્સ છે. યુરોપના આ બધા જ દેશો પર હવે પિરિયડ પ્રોડક્ટસ પરના કર દૂર કરવાની નેમ રાખી છે, પણ આ પ્રોડક્ટના કરમાંથી ઊભી થતી આવકના મોહમાંથી હજુ ઘણી સરકાર મુક્ત થઈ નથી. ભારતમાં 2018થી તમામ સેનેટરી પ્રોડક્ટ્સ પર કર નાબૂદ કરી દેવામાં આવ્યો છે. આ પ્રોડક્ટ્સ પર કર નાબૂદ કરનારા અન્ય દેશોમાં કેનેડા, આઇરલેન્ડ, દક્ષિણ આફ્રિકા પણ છે.

મહિલાઓને માસિક દરમિયાન જે-તે પ્રોડક્ટસથી તેને સુરક્ષા મળે છે તે પોસાતી નથી તેને અનુલક્ષીને પશ્ચિમમાં ‘પિરિયડ પોવર્ટી’ નામનો શબ્દ પણ કોઈન થયો છે. ‘પિરિયડ પોવર્ટી’ની સૌથી વધુ ચર્ચા અત્યારે કોરોના કાળમાં થઈ રહી છે જ્યારે બહેનોના આ પ્રોડક્ટસના ખર્ચ પર સૌથી પહેલાં કાપ મૂકાયો છે. ભારતમાં માસિક સ્રાવ અંગેનું આ ચિત્ર વધુ ગંભીર છે. આપણે ત્યાં અંદાજે સિત્તેર ટકા બહેનો માસિક દરમિયાનની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવા અક્ષમ છે, જેનું મુખ્ય કારણ આર્થિક છે. ભારતમાં માસિક સ્રાવ દરમિયાન બહેનોને થતો મહિનાનો સરેરાશ ખર્ચ રૂપિયા ત્રણસો છે. આ ઉપરાંત પણ માસિક સ્રાવને લઈને જે સામાજિક સ્થિતિ છે, તેને લઈને પણ બહેનોને યોગ્ય સુવિધા મળતી નથી. માસિક સ્રાવ અંગે આર્થિક ઉપરાંત અનેક કારણો છે જે વિશે ભારતમાં અનેક સંસ્થાઓ મુહિમ ચલાવી રહી છે. આપણે ત્યાં આવું જ એક કાર્ય ‘ધ પેડ પ્રોજેક્ટ’ અંતર્ગત થઈ રહ્યું છે. મૂળે અમેરિકાની આ સંસ્થાએ ભારતમાં માસિક દરમિયાન બહેનોને પડતી મુશ્કેલી અંગે પેડ ઉપલબ્ધ કરાવવા ઉપરાંત અનેક પાસાં પર કામ કર્યું છે. તેમાં એક માઇલસ્ટોન લાગે તેવું કામ થયું છે તે ઉત્તર પ્રદેશના નાનકડાં હપુર શહેરમાં. અહીંયાની મહિલાઓ સેનેટરી પેડનું મશીન ઓપરેટ કરવાનું જાતે શીખ્યાં જે મશીન કિફાયતી દામનું સેનેટરી પેડ ઉત્પાદન કરે છે.

ઉત્તર પ્રદેશના આ શહેરમાં માસિક સ્રાવમાં મહિલાઓને સુરક્ષા બક્ષતી પ્રોડક્ટ્સનું જે ક્રાંતિ થઈ છે તેની નોંધ ‘ધ પેડ પ્રોજેક્ટ’ વિશેષ રીતે લીધી છે અને તેને લઈને ‘પિરિયડ. એન્ડ ઓફ સેન્ટેન્સ’ નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બની ચૂકી છે. 2018માં આ ફિલ્મને બેસ્ટ ડોક્યુમેન્ટરીનો એવોર્ડ મળી ચૂક્યો છે. આ ફિલ્મની હપુરની બહેનોની પહેલની કહાની કહે છે પણ તેના નાયક તમિલનાડુના સામાજિક કાર્યકર અરૂણાચલમ મુરુગાનન્થમ્ છે. અરૂણાચલમને જ સૌપ્રથમ કિફાયતી દરે સેનેટરી પેડનું ઉત્પાદન કરવાનો વિચાર આવ્યો હતો. આ વિચારને અમલી બનાવીને તેમણે એવું મશીન વિકસાવ્યું અને તે મશીનનો વ્યાપક પ્રચાર-પ્રસાર કર્યો, જે કારણે ભારતમાં આજે ખૂબ સસ્તા સેનેટરી પેડ મહિલાઓને સુલભ થઈ શક્યા છે. તેમના જીવન પરથી અક્ષયકુમારની ‘પેડ મેન’ ફિલ્મ નિર્માણ થઈ છે. 2014માં અરૂણાચલમને ‘ટાઇમ’ મેગેઝીન દ્વારા વિશ્વના સૌથી પ્રભાવિત કરનારા સો વ્યક્તિઓની યાદીમાં સામેલ કર્યા હતા. 2016માં તેઓને પદ્મશ્રી સન્માન પણ મળી ચૂક્યું છે. અહીંયા અરૂણચલમની વિસ્તૃત કહાનીનો ઉપક્રમ એટલો જ છે કે ભારતમાં પિરિયડ પોવર્ટી નાબૂદ કરવાનો આઇડિયા તો મળી ચૂક્યો છે, પણ તેને લઈને ઝડપથી કામ થઈ રહ્યું નથી. કેટલાંક હિસ્સામાં તેને લઈને ધરમૂળથી બદલાવ આવ્યો છે, પણ માસિક સ્રાવ દરમિયાન પિરિયડ પ્રોડક્ટ્સથી વંચિત મહિલાઓના જે મસમોટા આંકડા છે, તેનાથી હજુ સુધી છૂટકારો મળી શક્યો નથી. અરૂણાચલમની આ શોધ કેટલી મહત્ત્વની છે તેનું આકલન આર્થિક પાસાંને અનુલક્ષીને કરીએ તો તરત ખ્યાલ આવી શકે. જેમ કે સેનેટરી પેડ ઉત્પાદન કરવા માટે સામાન્ય રીતે જે રોકાણ કરવું પડે તે અંદાજે સાડા ત્રણ કરોડની આસપાસ હતું. અરૂણચાલમની શોધથી આ મશીન રૂપિયા સિત્તેર હજારમાં ઉપલબ્ધ થઈ શક્યું છે! આ મશીન પર દર કલાકે 120 સેનેટરી નેપકિન બનાવી શકાય છે. તેમાં ઉત્પાદન થોડું ઓછું હોવા છતાં રોકાણના મસમોટા ખર્ચથી બચીને નાના પાયે રોકાણ કરીને સતત મોટું ઉત્પાદન લઈ શકાય છે. ભારતમાં એ રીતે મેન-ફિમેલ ફોર્સની કમી નથી.

માસિક સ્રાવને લઈને સ્કોટલેન્ડે જે પહેલ કરી છે તેનાથી તો આપણે હજુ ખૂબ દૂર છીએ, પણ કમ સે કમ કિફાયતી દામે જો એકએક મહિલાઓને પિરિયડ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ થવા માંડે તો પણ તે ક્રાંતિ જ કહેવાશે.

e.mail : kirankapure@gmail.com

Loading

ટ્રાન્સજેન્ડર કમ્યૂનિટી માટે સમય બદલાઈ રહ્યો છે?

કિરણ કાપૂરે|Opinion - Opinion|6 December 2020

નોઇડા મેટ્રો રેલ કોર્પોરેશનના એક સ્ટેશનને હાલમાં 'પ્રાઇડ સ્ટેશન' એવું નામ આપવામાં આવ્યું. આ સ્ટેશન ટ્રાન્સજેન્ડર કમ્યૂનિટીને સમર્પિત કરવામાં આવ્યું છે. સામાન્ય વ્યવહારમાં ટ્રાન્સજેન્ડર કમ્યૂનિટીને સન્માન આપવાનું બનતું નથી અને સમાજમાં તેઓનું સ્થાન નિશ્ચિત પ્રથાઓ સાથે જોડાવી દેવામાં આવ્યું છે, તે સિવાયની ભૂમિકામાં તેઓને કોઈ જોવા ઇચ્છતું નથી. પણ નોઇડા મેટ્રો ઓથોરિટીએ ટ્રાન્સજેન્ડરના અધિકારોને અન્ય લોકોની જેમ સન્માન આપવા અર્થે ‘પ્રાઇડ સ્ટેશન’ નામ રાખ્યું છે. આ પ્રયાસની પૃષ્ઠભૂમિ ગત્ વર્ષે કેન્દ્ર દ્વારા પસાર થયેલાં બિલમાંથી તૈયાર થઈ છે, જેમાં ટ્રાન્સજેન્ડરના અધિકારોને સુરક્ષા આપવામાં આવી છે. ‘ટ્રાન્સજેન્ડર પર્સન્સ (પ્રોટેક્શન ઑફ રાઇટ) એક્ટ, 2019’ અંતર્ગત દેશના અંદાજે પાંચ લાખ ટ્રાન્સજેન્ડરને લાભ થશે. આ પહેલમાં મેટ્રોની ઓથોરિટીએ માત્ર નામ આપીને સન્માન દાખવવા સુધી જ પોતાના કાર્યને રાખ્યું નથી, બલકે ટ્રાન્સજેન્ડર કમ્યૂનિટીના છ વ્યક્તિઓને રોજગારી પણ આપી છે.

ટ્રાન્સજેન્ડર કમ્યૂનિટી અત્યાર સુધી મુખ્ય ધારાથી અલગધલગ રહી છે; પરંતુ હાલમાં જે રીતે વિવિધ જગ્યાએથી ન્યૂઝ આવી રહ્યા છે તેમાં મુખ્યધારામાં ટ્રાન્સજેન્ડરનો સમ્મિલિત કરવાનો પ્રયાસ દેખાઈ રહ્યો છે. જેમ કે, હાલમાં એક જાહેરાત એવી થઈ છે કે દેશમાં પ્રથમ ટ્રાન્સજેન્ડર ઓનલાઈન મેગેઝિન લોન્ચ થવા જઈ રહ્યું છે. આ મેગેઝિનનું કાર્ય તમિલનાડુથી થશે અને તમિલ અને અંગ્રેજી એમ બે ભાષામાં તે લોન્ચ થશે. આગળ જતાં મેગેઝિનને હિંદી ભાષામાં પણ પ્રકાશિત થશે. ટ્રાન્સજેન્ડર મેગેઝિન પ્રકાશિત કરવાનો ટ્રેન્ડ યુરોપ-અમેરિકાના દેશોમાં છે, પણ ભારતમાં આ પ્રકારનો પ્રયોગ પ્રથમવાર થઈ રહ્યો છે. જો કે આ સહાસ હજુ થોડાંક વ્યક્તિઓ પૂરતું સિમિત છે. ગત્ એક વર્ષમાં ટ્રાન્સજેન્ડર કમ્યૂનિટીને લગતાં આવાં અનેક ન્યૂઝ સાંભળવા મળ્યા, જે તેમનાં જીવનને સામાન્ય બનાવી શકે. આ ઉપરાંત, જે અગત્યનો નિર્ણય ટ્રાન્સજેન્ડર કાયદા અંતર્ગત થયો છે તે જેન્ડર દર્શાવતા અગાઉ મેડિકલ તપાસમાંથી મુક્તિ છે. અત્યાર સુધી ટ્રાન્સજેન્ડર કમ્યૂનિટીને જ્યાં-ત્યાં જેન્ડર દર્શાવવા અર્થે મેડિકલ તપાસની લાંબી પ્રોસિજરમાંથી પસાર થવું પડતું હતું.

ટ્રાન્સજેન્ડર પ્રત્યે જેમ સરકારનું વલણ બદલાઈ રહ્યું છે તેમ ક્યાંક-ક્યાંક તેઓ પોતાના જોરે કાર્ય કરીને સમાજ સાથે હળીમળી રહ્યા છે. હળવામળવાનું આવું એક ઉદાહરણ તમિલનાડુનું છે. અહીંયા આવેલા એક ડેરી ફાર્મ માત્ર ટ્રાન્સજેન્ડર દ્વારા કાર્યરત છે. આ ડેરીને નિર્માણ કરવામાં રાજ્ય સરકારે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. દોઢ એકરના ફાર્મમાં રાખવામાં આવેલી ગાય-ભેંસનું પ્રતિ દિવસનું 180 લીટર દૂધ પ્રોડક્શન છે. આ ડેરીથી અંદાજે 30 ટ્રાન્સ-વુમનને કામ મળ્યું છે અને તેઓ પોતાનું ગુજરાન આત્મસન્માન સાથે કરી રહ્યાં છે. આ તો થઈ આત્મસન્માન સાથે જીવવાની વાત, પણ જ્યાં સાહસ દાખવીને કશુંક એડવન્ચરસ કરવાનું હોય ત્યાં પણ ટ્રાન્સજેન્ડર બાજી મારી રહ્યાં છે. જેમ કે, ગત્ મહિને જ દેશના અલગ અલગ રાજ્યનું પ્રતિનિધિત્વ કરતી 25 વ્યક્તિઓની ટૂકડી હિમાલયની 17,353 મીટર ઊંચાઈની ફ્રેન્ડશીપ પીક પર પહોંચી હતી. વિવિધ રાજ્યોમાંથી આ રીતે ટ્રાન્સજેન્ડરને હિમાલય સર કરવા માટે ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ લક્ષ્મીનારાયણ ત્રિપાઠીના ફાઉન્ડેશનને ભાગ ભજવ્યો હતો. આ પહેલના પરિણામે આજે પચીસ જેટલી ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ હિમાલયના ટોચ પર જઈ આવી છે.

ઇવન, યુ.પી.એસ.સી. પરીક્ષામાં ઉતીર્ણ થઈને ટ્રાન્સજેન્ડર વ્યક્તિ સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સમાં ઓફિસર્સ લેવલ સુધી રિક્રૂટ થઈ શકશે. જો કે હજુ આ મુદ્દો ચર્ચામાં છે, તેના પર તમામ પેરામિલિટરી ફોર્સ મંજૂરી દાખવે પછી જ તેની પ્રક્રિયા શરૂ થશે. હાલમાં વિશ્વમાં 19 દેશો સૈન્યમાં ટ્રાન્સજેન્ડરને રિક્રૂટ કરે છે. આ પહેલ કરવામાં નેધરલેન્ડ સૌ પ્રથમ હતું અને 1974થી ત્યાં ભરતી પ્રક્રિયામાં ટ્રાન્સજેન્ડરની રિક્રૂટમેન્ટ થવા માંડી હતી. નેધરલેન્ડ સિવાય યુરોપના મહદંશે દેશો, ન્યૂઝિલેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ઇઝરાયલ ટ્રાન્સજેન્ડરને સૈન્યમાં પોઝીશન આપે છે. ટ્રાન્સજેન્ડર પ્રત્યે આવી રહેલા બદલાવને સહજતાથી ક્યારે લેવાશે તે સવાલ હજુ પણ મોજૂદ છે; એટલે જ પેરામિલિટરી ફોર્સમાં તેને લઈને ચર્ચાનો અવકાશ રાખવામાં આવ્યો છે.

જો કે આપબળે જેટલું થઈ શકે તેની પહેલ ટ્રાન્સજેન્ડર કમ્યૂનિટી દ્વારા થઈ રહી છે અને તેમાં એક અલાયદી ટ્રાન્સજેન્ડર યુનિવર્સિટી સ્થાપવાની યોજના છે. ટ્રાન્સજેન્ડરની આ યુનિવર્સિટી ઉત્તર પ્રદેશમાં આરંભવાની છે. અહીંયા પીએચ.ડી. સુધી અભ્યાસ થઈ શકશે. જાગૃતિથી મળેલી સ્વીકૃતિમાં પૂર્ણ ચિત્ર બદલાયું નથી, તેમ છતાં ટૂંકા ગાળામાં બનેલી આ ઘટનાથી એટલું તો સાબિત થઈ રહ્યું છે કે દરેક ક્ષેત્રમાં પ્રયાસ થઈ રહ્યા છે.

ટ્રાન્સજેન્ડરની સ્વીકૃતિમાં માધ્યમોની ભૂમિકા અગત્યની બની છે અને તેમની અભિવ્યક્તિ લોકો સુધી પહોંચવાથી સ્વીકૃતિ ઝડપભેર આવી રહી છે. જેમ કે, થોડા વખત પહેલાં અમેરિકાના જાણીતા મેગેઝિન ‘વેનિટી ફેર’ના કવર પેજ પર એક સુંદર યુવતીની તસવીર પ્રકાશિત કરવામાં આવી હતી. ‘કૉલ મી કૅટલિન’ના મથાળા સાથે પ્રકાશિત થયેલી આ યુવતીના તસવીરે પૂરા અમેરિકામાં ચર્ચા જગાવી હતી. આ સાથે તેણે પોતાનું ટ્વિટર અકાઉન્ટ પણ શરૂ કર્યું હતું, જેમાં માત્ર ચાર કલાકમાં દસ લાખ લોકો તેના ફેન બન્યા હતા. તે અગાઉ આટલા ઝડપથી ફેન ફોલોવિંગ વધવાનો રેકોર્ડ બરાક ઓબામાના નામે હતો. આમ પ્રતિષ્ઠિત મેગેઝિનના કવર પેજ પર ચમકવું અને તેની અસરથી સોશિયલ મીડિયા પર ફેનની વધામણી થવી સામાન્ય બાબત છે, પરંતુ ‘કવર લેડી’ના ભૂતકાળ વિશે જાણીએ તો ઉપર દર્શાવેલી પૂરી ઘટના ‘અસામાન્ય’ લાગવા માંડશે.

અસામાન્ય એ અર્થમાં કે કૅટલિનના નામથી પોતાને સંબોધી રહેલી આ લેડી ખરેખર અમેરિકાના પુરુષ વર્ગમાં ઑલિમ્પિક મેડલ વિજેતા રહી ચૂકેલો બ્રુસ જેનેર હતી. 1976માં કેનેડામાં રમાયેલા ઑલિમ્પિકમાં બ્રુસ જેનેર અમેરિકા વતી ટ્રેક અને ફિલ્ડની રમતમાં અદ્વિતિય પર્ફોમન્સ આપ્યું હતું. કૉલ્ડ વોરના કાળમાં બ્રુસ જેનેરે રશિયન એથ્લેટેસને હરાવીને ગૉલ્ડ મેડલ પોતાને નામે કર્યો હતો. આ સફળતા બાદ તે અમેરિકાનો હીરો બન્યો અને ‘વલ્ડર્સ ગ્રેટેસ્ટ એથ્લેટ’નું પણ સન્માન મેળવ્યું હતું. એથ્લેટિક તરીકેની સફળ કારકિર્દી બાદ બ્રુસ ટેલિવિઝનમાં પોતાનું નામ ગજવી ચૂક્યો છે. બિઝનેસમાં પણ તે સફળ છે અને હવે તે બ્રુસની જગ્યાએ કેટલિન બની ચૂકી છે.

અમેરિકાની જેમ સ્વીકૃતિનો દાખલો પશ્ચિમ બંગાળમાં પણ છે, જ્યાં એક કૉલેજમાં મનોબી બંદોપાદ્યાય નામની ટ્રાન્સજેન્ડર કૉલેજની પ્રિન્સિપલ બની છે. મનોબી બંદોપાદ્યાય ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર પ્રિન્સિપલ છે. મનોબીની ‘સોમનાથથી મનોબી’ સુધીની સફર મુશ્કેલ રહી હતી, બધા જ ટ્રાન્સજેન્ડરની જેમ મનોબીને પણ રોજબરોજની પીડામાંથી પસાર થવું પડ્યું હતું. પુરુષ જાતિમાં જન્મેલી મનોબી જ્યાં સુધી સોમનાથ નામની ઓળખ ધરાવતી હતી, ત્યાં સુધી તેનો માનસિક સંઘર્ષ પાર વિનાનો હતો. વળી પાછું સ્ત્રીત્ત્વની લાગણી ધરાવતી મનોબી જ્યારે જાહેરમાં આવતી ત્યારે તેનો સંઘર્ષ બેવડાતો હતો. પણ 2003માં મનોબીએ નક્કી કર્યું કે હવે તે પૂર્ણપણે સ્ત્રી બનશે અને સ્ત્રી બનીને જ જીવશે.

કૅટલિન કે મનોબીની ઓળખ મળવાથી બ્રુસ જેનેર અને સોમનાથનો સંઘર્ષ અંદરનો સંઘર્ષ પૂર્ણત: મટી ચૂક્યો હતો, પણ બહારી સંઘર્ષ જસનો તસ છે. ટ્રાન્સજેન્ડરના વલણ તરફ પરિવર્તનની હવા દેખાતી હોવા છતાં તેમાં ધીમી ગતિએ પ્રગતિ થઈ રહી છે. ઉપરાંત, કેટલીક લડત હજુ લડવાની બાકી છે. જેમ કે, 2019ના બિલ અંતર્ગત એવી જોગવાઈ છે કે જેન્ડરનું પ્રમાણપત્ર આપવા માટે જિલ્લા સ્તરની એક કમિટિની રચના કરવામાં આવે. પરંતુ કાયદાની આ જોગવાઈ સુપ્રિમ કોર્ટે 2014માં આપેલા ચૂકાદાની વિરુદ્ધ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રાન્સજેન્ડર પોતાની ઓળખ આપવાનો અધિકાર ધરાવે છે અને તેમાં શંકાનો કોઈ અવકાશ નથી.

આ બદલાવની હવા અત્યારે તો જ્યાં પ્રસિદ્ધિ છે ત્યાં જ જોવા મળી રહી છે, પણ જ્યાં પ્રસિદ્ધિ-સફળતા નથી ત્યાં પણ ટ્રાન્સજેન્ડર સાથે સામાન્ય વ્યવહાર જોવા મળે તો જ આ બદલાવને ખરા અર્થમાં ઊજવી શકાય.

e.mail : kirankapure@gmail.com

Loading

...102030...2,0652,0662,0672,068...2,0802,0902,100...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved