૧૮ મી એપ્રિલ, ૧૯૧૭. ગાંધીજીને ચંપારણમાં મોતીહારીની અદાલતમાં બપોરે બાર વાગ્યે હાજર થવાનું હતું. જેલ જવાની તૈયારી તો તેમણે બે દિવસ પહેલાં ૧૫મી એપ્રિલે હજુ તેઓ મુઝફ્ફ્રપુર હતા ત્યારે જ કરી લીધી હતી. જ્યારે તેમણે જેલમાં લઈ જવા માટેના સામાનની થેલી અલગ કરી ત્યારે જ તેમણે તેમના બિહારના નેતાઓને પૂછ્યું હતું કે, “જો મને જેલમાં મોકલવામાં આવે તો તમે શું કરશો?” કેટલાક નેતાઓ ચૂપ રહ્યા. એક નેતાએ કહ્યું કે તેઓ પોતાના સ્થાને પાછા ફરશે અને વકીલાત કરશે. માત્ર બાબુ ધરણીધરે કહ્યું કે આપ જેલ જશો એ પછી હું ત્યાં સુધી લોકોની વચ્ચે કામ કરતો રહીશ, જ્યાં સુધી મને ધારા ૧૪૪ હેઠળ નોટિસ આપવામાં નહીં આવે. “અને નોટિસ મળશે પછી?” ગાંધીજીના આ પ્રશ્નના જવાબમાં ધરણીધર બાબુએ કહ્યું કે ત્યારે તેઓ તેમની જગ્યાએ કોઈને આ કામ જારી રાખવા માટે ગોઠવીને આદેશ મુજબ ચંપારણ છોડીને જતા રહેશે. કમ સે કમ થોડો સમય સુધી જે કામ હાથ ધર્યું છે એ ચાલુ રહેશે. ગાંધીજીએ તેમની વાત સાંભળી લીધી પણ કોઈ પ્રતિક્રિયા આપી નહીં.
સમયસર અદાલત જવા માટે ગાંધીજી નીકળ્યા ત્યારે બાબુ ધરણીધર અને બાબુ રામનવમી પ્રસાદ ગાંધીજીની સાથે હતા. તેમણે રસ્તામાં ગાંધીજીને કહ્યું કે બીજા શું કરશે એની તો અમને ખબર નથી, પણ અમે બે જણે નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી અમને જેલ મોકલવામાં નહીં આવે ત્યાં સુધી અમે કામ ચાલુ રાખીશું અને ચંપારણ છોડીને નહીં જઈએ. આ અમારો સંકલ્પ છે. ગાંધીજીએ સાંભળીને ઉત્સાહપૂર્વક હિન્દીમાં કહ્યું: “બસ અબ કામ બન ગયા.” ગાંધીજીને ખાતરી હતી કે બેના વીસ અને વીસના બસો થવાના છે. જેમ ભયનું સંક્રમણ થાય છે એમ નિર્ભયતાનું પણ થતું હોય છે. તેમનામાં નિર્ભયતાને સંક્રમિત કરવાની ક્ષમતા હતી.
તેઓ જ્યારે અદાલત પહોંચ્યા ત્યારે અદાલતનું વિશાળ પ્રાંગણ લોકોથી છલોછલ ભરેલું હતું. આટલા ટૂંકા ગાળામાં લોકોને કઈ રીતે જાણ થઈ એનું આશ્ચર્ય હતું. લોકો દર્શન કરવા માટે પડાપડી કરતા હતા અને એમાં સરકારી કર્મચારીઓ અને પોલીસકર્મી પણ હતા. અલબત્ત, તેઓ દૂરથી પ્રણામ કરતા હતા. આ બાજુ સરકારી વકીલો કાયદાના મોટા થોથા લઈને આવ્યા હતા. તેમને એમ કે આ માણસ પોતે બેરિસ્ટર છે એટલે પોતાના બચાવમાં કાયદાઓ ટાંકીને દલીલોનો મારો ચલાવશે એટલે વળતી દલીલ કરવા કાયદાનાં પુસ્તકોમાંથી કાયદાઓ અને ચુકાદાઓ ટાંકવા જરૂરી બનશે. પણ ગાંધીજી જ્યારે અદાલતમાં પ્રવેશ્યા ત્યારે તેમના હાથમાં કોઈ કાયદાનું પુસ્તક નહોતું. જેલમાં લઈ જવા માટેના સામાનની થેલી હતી.
પહેલાં ગાંધીજી સામેનું આરોપનામું સંભળાવવામાં આવ્યું. એ પછી સરકારી વકીલ કાંઈ કહે એ પહેલાં ગાંધીજીએ કહ્યું કે તેઓ અદાલત સમક્ષ ટૂંકું નિવેદન કરવા માગે છે. જજસાહેબે જ્યારે મંજૂરી આપી ત્યારે ગાંધીજીએ કહ્યું: “ભારતીય દંડસંહિતાની ધારા ૧૪૪નું ઉલ્લંઘન કરીને મેં કોઈ મોટો ગુનો કર્યો છે, એવી સરકાર તરફ્થી રજૂઆત કરવામાં આવી છે. વાસ્તવમાં સરકારનું આ ખોટું અનુમાન છે, પરંતુ બને કે શાસકોને આવી કોઈ માહિતી મળી હોય. હું અહીં સત્ય જાણવા આવ્યો છું. ગળીનું વાવેતર કરતા ગરીબ ખેડૂતોને ન્યાય મળે એમ શાસકો ઈચ્છતા હોય તો હું એમાં મદદરૂપ થવા આવ્યો છું. મારો ઉત્પાત મચાવવાનો ઈરાદો નથી. ઈરાદો સત્યશોધનનો છે અને એ મારો અધિકાર છે અને માટે હું આદેશનું પાલન કરી શકું એમ નહોતો અને અત્યારે પણ હું આદેશનું પાલન કરવાનો નથી. હું અદાલતને કહેવા માગું છું કે હું સ્વેચ્છાએ ચંપારણ છોડીને જવાનો નથી. મને પકડીને ચંપારણની બહાર મોકલી આપવામાં આવશે તો હું પાછો આવીશ. કોઈ પણ આત્મસન્માન ધરાવનાર વ્યક્તિ આ જ માર્ગ અપનાવે.
માટે હું પ્રતિવાદ કે દલીલો કરીને અદાલતનો સમય વેડફ્વા માગતો નથી. મેં જે કર્યું છે એ ગુનો હોય તો અદાલત મને સજા કરે જે હું સ્વીકારી લઇશ. હું બચાવ કરવાનો નથી. સજાથી બચવા કોઈ પ્રયાસ કરવાનો નથી. સજાનું પ્રમાણ ઘટાડવામાં આવે એવી માગણી પણ હું કરવાનો નથી. દંડ ભરવા માટે મારી પાસે પૈસા નથી અને ભરવાનો પણ નથી. અદાલત મને સજા કરી શકે છે.”
હવે? લગભગ પંદર મિનિટમાં મુકદ્દમો પૂરો. જજે અને સરકારી વકીલોએ સપનામાં પણ નહોતું વિચાર્યું કે આવી રીતે કોઈ આરોપી આરોપ કબૂલ કરીને સામે ચાલીને સજાની માગણી કરે, એટલું જ નહીં એ ગુનો હું ફરી ફરી કરીશ એમ પણ કહે. જજ વિચારમાં પડી ગયા, હવે કરવું શું? જજે અત્યંત નમ્રતાપૂર્વક ગાંધીજીને કહ્યું, કહ્યું નહીં પૂછ્યું, કે ચુકાદો હું બપોર પછી ત્રણ વાગ્યે આપું તો ચાલે? બપોર પછી અદાલત પાછી મળી ત્યારે જજે કહ્યું કે તેઓ ૨૧મી તારીખે ચુકાદો આપશે અને ત્યાં સુધી આરોપી સો રૂપિયાની જમાનત ભરી દે. ગાંધીજીએ કહ્યું કે મારી પાસે કોઈ જમાનતદાર નથી અને હું જમાનતની રકમ ભરવાનો પણ નથી.
ફરી એકવાર મુશ્કેલી. ગુનેગાર આદાલત પાસે સમય માગે એવી તો અનેક ઘટના જોઈ હશે, પણ અદાલત ગુનેગાર પાસે સમય માગે એવો તો આ પહેલો દાખલો હતો. સમય એટલા માટે માગવો પડયો હતો કે જજ શું કરવું એનો નિર્ણય લઈ શકતા નહોતા અને બીજી બાજુએ આરોપીએ ગુનો કબૂલ કરીને ગુનો વારંવાર કરતા રહેવાનું કહી દીધું હતું. કાયદા મુજબ ગુનેગારને ફરી ગુનો કરવા માટે અદાલત મોકળાશ આપી શકે નહીં અને જજસાહેબ સજા કરી શકે એમ નહોતા. ગાંધીજીએ જજની મૂંઝવણનો ઉકેલ કાઢતા કહ્યું કે તેઓ ૨૧મી તારીખ સુધી ચંપારણનાં ગામડાંઓનો પ્રવાસ નહીં કરે.
૨૧મી એપ્રિલે અદાલત શું ફેંસલો કરે એનું કોઈ મહત્ત્વ જ રહ્યું નહોતું. ગાંધીજીનો વિજય થઈ ચૂક્યો હતો. બ્રિટિશ તાજના ગુનેગારે કહ્યું હતું કે હું જે કરું છું એ ગુનો હોય તો એ ગુનો હું વારંવાર કરવાનો છું, પણ અદાલત કોઈ કારણે તાત્કાલિક સજા કરી શકે એમ ન હોય તો ગુડવિલના ભાગરૂપે હું બે દિવસ ગુનો નહીં કરીને ન્યાયતંત્રને મદદ કરીશ. આ અભૂતપૂર્વ ઘટના હતી. આખો દેશ આશ્ચર્યચક્તિ થઈને ગાંધીજીથી અંજાઈ ગયો હતો. લડતનું આવું પણ સ્વરૂપ હોય એવું કોઈએ વિચાર્યું નહોતું. બે દિવસમાં ગાંધીજી ઉપર દેશભરમાંથી અભિનંદનનો વરસાદ વરસ્યો. ૨૧મી તારીખે અદાલતે પણ ગાંધીજીને નિર્દોષ છોડી મૂક્યા. ધારા ૧૪૪ પાછી ખેંચવામાં આવી અને ગાંધીજીને મદદ કરવાનો આદેશ આપવામાં આવ્યો.
ચંપારણનો સત્યાગ્રહ અન્ય સત્યાગ્રહોની માફ્ક જમીન ઉપર સંઘર્ષ કરીને લડવામાં આવેલો સત્યાગ્રહ નહોતો. એ ખરું જોતા અદાલતમાં પણ લડવામાં આવ્યો નહોતો. એ એક અઠવાડિયું પણ નહોતો ચાલ્યો. આમ છતાં ય એ વિલક્ષણ સત્યાગ્રહ હતો. એ વિલક્ષણતા એ હતી કે આંખમાં આંખ પરોવીને નિર્ભયતાપૂર્વક બોલો અને તેની કિંમત ચૂકવવા તૈયાર હોવ તો અડધી લડાઈ તો લડયા વિના જ જીતી શકાય છે. એ વિલક્ષણતા જોઇને ભારતના નેતાઓ અને પ્રજા અંજાઈ ગયાં હતાં. રાજેન્દ્રબાબુએ કહ્યું છે એમ ભારતના ઇતિહાસમાં આવું પહેલી વાર જોવા મળ્યું હતું.
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 13 ડિસેમ્બર 2020
![]()


૨૩ નવેમ્બર, ૨૦૨૦ના દિવસે ઓ.ટી.ટી. (ઓવર ધ ટોપ) પ્લૅટફોર્મ નૅટફ્લિ્ક્સ ઇન્ડિયા પર પ્રસારિત થયેલી વાસ્તવિક ઘટના પર આધારિત વૅબ સિરીઝ ‘ડૅલ્લી ક્રાઇમ’ને બૅસ્ટ ડ્રામા સિરીઝ તરીકે પ્રતિષ્ઠિત ૪૮મો ઇન્ટરનેશનલ ઍમી અવૉર્ડ એનાયત થયો. પ્રથમ વખત એક ભારતીય શોને આ અવૉર્ડ આપવામાં આવ્યો છે. આ થઈ હરખની વાત. આ પ્રસંગે ભારતમાં ‘ટૉક્સિક મૅસ્ક્યુલિનિટી’(વિષમય પુરુષત્વ)ની ચર્ચાએ વેગ પક્ડયો. વિમેન્સ સ્ટડીઝ અને જેન્ડર સ્ટડીઝના અભ્યાસક્રમોમાં વર્ગખંડ પુરતા સીમિત ખ્યાલે વાસ્તવિક જીવન સાથે તાલમેલ સાધ્યો. આપણે ત્યાં આ વિષય ઝાઝો ચર્ચાતો નથી. દૈનિકો અને અન્ય અનેક માધ્યમોમાં ‘ટૉક્સિક મૅસ્ક્યુલિનિટી’નો પુરતો જથ્થો પિરસતી દર્શાવતી નૅટફ્લિ્ક્સની જ વૅબ સિરીઝ ‘પાતાલ લોક’ની ખૂબ બોલબાલા રહી એટલી બોલબાલા ‘ડૅલ્લી ક્રાઇમ’ને ઍમી અવૉર્ડ મળ્યા છતાં નથી થઈ. એનું કારણ પુરુષપ્રધાન સમાજ અથવા જેને અંગ્રેજીમાં ‘the power of patriarchy’ કહે છે — પુરુષપ્રધાન સમાજની સત્તા. એ સત્તા ટકાવી રાખવામાં જે મદદ કરે એની વાહવાહ ને જે જોખમ ઊભું કરે અથવા બદનામી કરે એને યેનકેન પ્રકારે ઢાંકવા/દબાવી દેવાનો પ્રયત્ન કરવો. ગુનાહિત પુરુષ/પુરુષોને કે સ્ત્રી/સ્ત્રીઓને છાવરવાનાં જ ના હોય. સ્ત્રીએ હિંમત અને હોંશિયારીથી કાર્ય સફળતાપૂર્વક કર્યું હોય તો એને મુક્ત મને શાબાશી આપવાની જ હોય. એમ, સકારાત્મક પુરુષત્વ આવકાર્ય છે. બધા પુરુષો ખરાબ નથી જ હોતા. વાંધો નકારાત્મક પુરુષત્વ સામે છે એ પણ એટલો જ અગત્યનો મુદ્દો છે.
‘ડૅલ્લી ક્રાઇમ’ નિર્ભયાકાંડ* (અહેવાલોમાં સતત આ જ નામથી ઘટનાનો ઉલ્લેખ થવાથી લોકોની સ્મૃતિમાં આ જ નામ અંકાયેલું છે માટે લેખમાં વાપરવામાં આવ્યું છે.) તરીકે કુખ્યાત, અત્યંત પાશવી અને શરમજનક સામૂહિક બળાત્કાર પર બનેલી વૅબ સિરીઝ છે. હાલમાં, ખાસ કરીને લૉકડાઉનનો અમલ કરવામાં આવ્યો ત્યારથી ઓ.ટી.ટી. પ્લૅટફૉર્મોનું ચલણ ખૂબ વધી ગયું છે. હાઇ સ્પીડ ઇન્ટરનૅટ કનૅકશન દ્વારા આ માધ્યમ ફિલ્મ અને ટેલીવિઝનની સામગ્રી દર્શાવે છે. આ માટે કૅબલ કે સૅટૅલાઇટ કનૅકશનની આવશ્યકતા હોતી નથી.
ક્યાં સુધી શાહમૃગવૃતિ રાખીને આ સળગતા પ્રશ્નને અવગણ્યા કરીશું? સામાન્ય રીતે આપણા જેવા રૂઢિચુસ્ત સમાજોમાં આવી ચર્ચાને નજરઅંદાજ કરવામાં અથવા દબાવી દેવામાં અથવા વખોડી કાઢવામાં આવતી હોય છે. “આવી બધી નકામી વાતો પશ્ચિમમાં બહુ ચાલે છે, એમના ત્યાં બધું બે-લગામ ચાલતું હોય એટલે એમને સમસ્યાઓ ઘણી હોય. આપણે ત્યાં આવું નથી” અથવા “આ બધું ભૂસું મગજમાંથી કાઢી નાખો. આમ સુખી નહીં થવાય” આવાં વાક્યો સંભળાતાં હોય છે. હકીકતે, આમ, સત્યને સ્વીકારવાની તૈયારી ના રાખવી અથવા સત્યનો સ્વીકાર હોય પણ કબૂલવામાં પેટમાં ચૂંક આવતી હોય છે. આવું એટલા માટે કે પુરુષપ્રધાન સમાજમાં પુરુષની પ્રતિષ્ઠા જોખમાય ને, ખરાબ દેખાય. આવી ટૂંકી દૃષ્ટિ આપણા સૌ માટે નુકશાનકારક છે. તંદુરસ્ત સમાજ માટે સારા-નરસા બધાંને સ્વીકારી ને જરૂરી હોય તે પગલાં લેવાવાં જ જોઈએ. રોજબરોજની ઘટનાઓના અહેવાલોના સંદર્ભમાં, આ બાબતની તંદુરસ્ત અને નિષ્પક્ષ ચર્ચા ખૂબ ઈચ્છનીય છે. આ વિષયો પર સ્ત્રીઓના જેટલા લેખ વાંચવા મળે છે એટલા પુરુષો દ્વારા લખેલા મળતા નથી એ હકીકત છે.

પહેલા વિશ્વયુદ્ધમાં ફૌજી નોકરીમાં મને ઈરાન મોકલવામાં આવ્યો હતો. ત્યાંથી બલુચીસ્તાન આવ્યો અને 1920માં અમે દેશ ભેગા થયા કે તરત જ હું ગાંધીજીને મળવા સીધો અલ્હાબાદ પહોંચ્યો. ત્યારે ખાદીનાં કપડાં સીવડાવી લેવા જેટલો પણ હું થોભ્યો નહોતો. છાપામાં ગાંધીજીની અપીલ વાંચી હતી એટલે નોકરીનું રાજીનામું આપીને જ આવ્યો હતો. આનંદભવનમાં પંડિત મોતીલાલ નહેરુ, મહાત્મા ગાંધીજી અને મૌલાના મહમદઅલી–શૌકતઅલી અંદરઅંદર ચર્ચા કરી રહ્યા હતા; છતાં મને એમની સમીપ જવાની રજા મળી ગઈ. ત્યાં બેસવા માટે ખુરશી આપી એટલે તરત જ મહાત્માજી આગળ મારો બધો વૃત્તાંત કહી નાખ્યો. છેવટે પ્રાર્થના કરી : ‘મને કાંઈ કામ બતાવો.’