Opinion Magazine
Number of visits: 9680410
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઘા ….

‘બાબુલ’|Poetry|7 February 2021

સાજન
એવું પણ થઈ શકત
કે તને અઢળક પ્રેમ કરત
અધર સુંદર હૈયું છાતી 
રોજ સ્વયં ધરત.
કિન્તુ 
એમ થઈ ન શક્યું:
ગંઠાયેલા ઉરોજને
ઉતારી લીધાયા પછીના
ઘા ભરાઈ ગયાં છતાં 
છે લીલાં- દર્દીલાં 
ને હૈયાં હાયકારે સૂકાંભઠ :
અને એવાં જ હોઠ 
સાજન, જોઉં કને
પીડ વળગે રે મને
ખોઈ ચૂકી છું હું જાણે જાત  
આપું તો શું આપું તને
હું એક વિસરવા જેવી વાત.

વિશ્વ કેન્સર દિન 2021.

https://avataran.blogspot.com/2021/02/blog-post.html  

Loading

ચલ મન મુંબઈ નગરી—82

દીપક મહેતા|Opinion - Opinion|6 February 2021

આજે : પાણી તો નળ ખોલો કે તરત આવે, બેડાં લઈને કૂવેથી લાવવાની શી જરૂર?

ત્યારે : પાણી માટે મુંબઈના લોકો કલાકો સુધી રસ્તા પર લાઇનમાં ઊભા રહેતા 

ભારી બેડાં ને હું તો નાજુકડી નાર,

કેમ કરી પાણીડાં ભરાય રે,

ભમ્મરિયા કૂવાને કાંઠડે.

૧૯૨૮ના સપ્ટેમ્બરની છઠ્ઠી તારીખે પ્રભુલાલ દ્વિવેદીનું ‘સત્તાનો મદ’ નાટક પહેલી વાર ભજવાયું ત્યારે આ ગીતને સાત વન્સમોર મળેલા. પછીથી તેની ગ્રામોફોન રેકર્ડ બહાર પડી ત્યારે તેની હજારો નકલ વેચાયેલી એમ કહેવાય છે. પણ આજની યુવાન મુંબઈગરા પેઢીને આ ગીત સંભળાવીએ તો મોટે ભાગે પૂછે કે ‘કૂવો’ એટલે શુ? પાણી તો નળ ખોલો કે તરત આવે, બેડાં લઈને કૂવેથી ભરી લાવવાની શી જરૂર? કારણ આજે આપણા શહેરમાં કૂવા ભાગ્યે જ જોવા મળે. પણ જ્યારે મુંબઈના સાત ટાપુઓ અલગ હતા ત્યારે તો રડ્યાખડ્યા કૂવા સિવાય પીવાનું પાણી બીજે કશેથી મળે તેમ નહોતું. સાત ટાપુ જોડાયા પછી પણ તેની ત્રણ બાજુ તો હતાં દરિયાનાં ખારાં પાણી. નદી તો એકે હતી નહિ. ૧૮૬૫માં મુંબઈનો કિલ્લો તોડી પડાયો પછી તો મુંબઈની વસતી ઝડપથી વધવા લાગી. અને એટલે પાણીની તંગી વધવા લાગી. તેમાં વળી ઇ.સ. ૧૮૦૦માં મુંબઈમાં દુકાળ પડ્યો. ત્યારે જમશેદજી જીજીભાઈ, ફરામજી કાવસજી બનાજી, જેવા દાનવીરોએ લોકો માટે નવા કૂવા બંધાવ્યા. જમીનમાં મોટા ખાડા ખોદીને તેમાં વરસાદનું પાણી સંઘરવાના પ્રયોગો પણ થયા. પણ આમાનું કશું મુંબઈની કૂદકે ને ભૂસકે વધતી જતી વસતીની પાણીની જરૂરિયાતને પહોંચી શકે તેમ નહોતું.

એટલે શહેરમાં મોટાં તળાવ ખોદાવવાનું શરૂ થયું. આવું પહેલું તળાવ ખોદાવ્યું કાવસજી રૂસ્તમજી પટેલે, ગિરગામ વિસ્તારની નજીક. આજે ત્યાં તળાવ નથી, તળાવનું પાણી નથી, છતાં લોકો એ વિસ્તારને સી.પી. ટેંક તરીકે જ ઓળખે છે. બીજું મોટું તળાવ ૧૮૩૧માં બંધાવ્યું ફરામજી કાવસજીએ. એ વખતના એસ્પ્લનેડ રોડને નાકે આવેલું એ તળાવ પછીથી ધોબીઓ કપડાં ધોવા માટે વાપરતા એટલે લોકજીભે તેનું નામ ચડ્યું તે ધોબી તળાવ. સી.પી. ટેંકની જેમ આ તળાવનું પણ આજે નામોનિશાન રહ્યું નથી. ફક્ત મેટ્રો સિનેમાની સામે એક તકતી સચવાઈ રહી છે. પછી ગ્રાંટ મેડિકલ કોલેજ પાસે બાબુલા ટેંક બંધાયું. તો પૂતળીબાઈ નામની મુંબાદેવીની એક ભક્તાણીએ એ મંદિર પાસે તળાવ બંધાવ્યું. બાણગંગાનું તળાવ તો મુંબઈનું સૌથી જૂનું તળાવ. એને વિશેની વિગતવાર વાત આપણે અગાઉ કરી ચૂક્યા છીએ. ગોવાળિયા તળાવ વિશે પણ તેવી જ રીતે વાત અગાઉ કરી છે. નઉપાડા વિસ્તારના એક તવંગર કોંકણી સખાવતીએ વાંદરાનું તળાવ બંધાવ્યું. આ ઉપરાંતનાં મોટાં તળાવ તે ખારા તળાવ, દોન ટાંકી, અને નવાબ તળાવ.

૧૮૪૫માં મુંબઈના લોકો પાણીની તંગીથી વાજ આવી ગયા અને રસ્તા પર ઊતરી આવ્યા અને આખો દિવસ દેખાવો કર્યા. એટલે પાણી મેળવવા માટે બીજા શા ઉપાય કરી શકાય એ અંગે વિચાર કરવા માટે સરકારે એક સમિતિ બનાવી. એ સમિતિએ મુંબઈથી દૂર આવેલી મીઠી નદી પાસે વિહાર નામના ગામડા પાસે બંધ બાંધીને તળાવમાં પાણી સંઘરવાની ભલામણ કરી. ૧૮૫૦માં આ અહેવાલને આધારે વિહાર તળાવ બાંધવાની દરખાસ્ત મ્યુનિસિપલ કમિશ્નર ક્રાફર્ડે સરકારને મોકલી. એ સ્વીકારાતાં ૧૮૫૬ના જાન્યુઆરીમાં તેનું કામ શરૂ થયું અને ૧૮૬૦માં પૂરું થયું.

૧૮૪૬માં ફરી પાણીની તંગી ઊભી થઈ ત્યારે ફરામજી કાવસજીએ પોતાના બંગલાના બગીચામાં ત્રણ કૂવા ખોદાવ્યા અને સ્ટીમ એન્જિનની મદદથી આસપાસના લોકોને પાણી પૂરું પાડ્યું. ૧૮૫૬માં શહેરમાં દુકાળ પડ્યો ત્યારે બધાં ઢોર ઢાંખરને માહિમ કે તેથી દૂર ખસેડવાનો હુકમ બહાર પાડ્યો જેથી શહેરનું પાણી બચે. ત્યારે ફરામજી કાવસજી તળાવમાંથી પાણી ભરવા માટે હજારો લોકો એસ્પ્લનેડ રોડ (આજનો મહાત્મા ગાંધી રોડ) પર કલાકો સુધી લાઈન લગાવીને ઊભા રહેતા. તો બોરી બંદર, ચીંચ બંદર, ડોંગરી જેવા વિસ્તારોના કૂવામાં ઠાલવવા માટે સરકાર હજારો પીપડામાં ભરીને દૂર દૂરથી પાણી લાવતી હતી.

વિહાર તળાવ – ૧૯મી સદીમાં અને આજે

વિહાર તળાવનું કામ પૂરું થતાં મુંબઈના લોકોને ઘેર ઘેર પાઈપ વાટે પાણી પહોંચાડવાનું શરૂ થયું. વિહારના બંધથી શહેર સુધી ૩૨ સેન્ટિમીટરના વ્યાસવાળી પાઈપ લાઈન નખાઈ જે વરસે ૩૨ લાખ લિટર પાણી શહેરને પૂરું પાડવા લાગી. ૧૮૭૨માં બંધની ઊંચાઈ વધારવામાં આવી અને બીજી એક પાઈપ લાઈન નાખ્યા પછી શહેરને વધારાનું ૩૭ લાખ લિટર પાણી મળવા લાગ્યું. પછી તો વખત જતાં નવી નવી યોજનાઓ થતી ગઈ. ૧૮૭૯માં તુલસી તળાવ, ૧૮૯૨માં તાનસા તળાવ, ૧૯૫૭માં વૈતરણા નદી પરનો બંધ, એક પછી એક નામો ઉમેરાતાં ગયાં.

અલબત્ત, રુઢિચુસ્ત લોકોએ શરૂઆતમાં નળનું પાણી તો અપવિત્ર છે એમ કહીને તેનો વિરોધ કરેલો. ૧૮૬૩માં કવીશ્વર દલપતરામે મુંબઈની બીજી મુલાકાત લીધી ત્યારે ઘરોમાં નળનું પાણી વપરાતું જોયું હતું. ‘બુદ્ધિપ્રકાશ’ માસિકના ૧૮૬૩ના ઓગસ્ટ અંકમાં પ્રગટ થયેલા લેખમાં દલપતરામ લખે છે : ‘પાણીના નળ ઘેર-ઘેર ચોથા માળ સુધી અને પાંચમા માળ સુધી ચડાવેલા છે. મુંબઈમાં ભાલ દેશના કરતાં પણ પાણીનું દુઃખ ઘણું હતું, ત્યાં હાલ પાણીનું પરમ સુખ થયું છે. ચોથા વર્ષ ઉપર નળનું પાણી મુંબઈમાં આવતું હતું, પણ બ્રાહ્મણ-વાણિયા કહેતા કે એ પાણી અમે કદાપિ પીતા નથી. એમ કહીને તે પાણીનું ભ્રષ્ટાચારપણું ઘણું બતાવતા હતા, તેઓ હાલમાં હરેક પ્રકારે એ પાણીમાં કાંઈ પણ બાધ નથી એવી વાતો કરે છે. વડનગરા નાગરોને અમે પૂછ્યું કે તમે આ પાણી પીઓ છો કે નહિ? ત્યારે એકે કહ્યું કે છાની રીતે પીએ છીએ. ત્યારે બીજાએ કહ્યું કે હવે છાની રીતે શા વાસ્તે? અમે તો ઉઘાડે છોગે પીએ છીએ. એ પાણીમાં શો બાધ છે?’

પાણી વેચતો ભિસ્તી

અને છતાં દાયકાઓ સુધી મુંબઈનાં ઘણાં ઘરોમાં નહાવા-ધોવા માટે જ નળનું પાણી વપરાતું. પીવા માટે તો કૂવાનું પાણી જ મગાવતા. સફેદ સદરો પહેરેલા ભૈયાજી. સદરો એવી રીતે પહેરેલો કે ખભા પરની જનોઈ થોડી દેખાય. ખભે લાલ ગમછો. તેમના ગાડામાં લાકડાનું મોટું પીપડું. પાછળ નળ. નળ પર સફેદ માદરપાટનું ગરણું બાંધેલું. ભૈયાજી નળ નીચે પોતાનો ચકચકતો હાંડો ધરે. નળ ઉઘાડીને હાંડો ભરે. રોજના ઘરાકને ત્યાં લઈ જાય. ‘જય સિયારામ’ બોલીને તેના ઘરનાં માટલાંમાં પાણી ઠાલવે. ઘરમાં પીવા માટે અને રસોઈ માટે આ પાણી જ વપરાય, નળનું પાણી નહિ. પાણી લઈને ભિસ્તીઓ પણ ત્યારે મુંબઈના રસ્તા પર ફરતા. પણ એમની મશક તો ચામડાની બનેલી. એટલે એમનું પાણી રૂઢિચુસ્તોને તો ન જ ખપે. ‘બીજા વરણ’ના લોકો એ પાણી વાપરે.

૧૯મી સદીમાં હેંગિંગ ગાર્ડન

દક્ષિણ મુંબઈમાં પાણી પૂરું પાડવા માટે મલબાર હિલ પર મોટું તળાવ (રેઝરવોયર) બાંધવામાં આવ્યું. આ જગ્યા ઊંચાણમાં હોવાને કારણે ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે દક્ષિણ મુંબઈનાં ચાર-પાંચ માળનાં મકાનોમાં પણ પાણી સહેલાઈથી પહોંચતું. ક્યાં ય બૂસ્ટર પંપ બેસાડવાની જરૂર ન પડતી. અલબત્ત, આખો દિવસ પાણી આવતું નહિ. સવાર-સાંજ કલાક-અડધો કલાક આવે ત્યારે દરેક ઘરમાં જરૂરી પાણી ભરી લેતા. પહેલાં તો આ રેઝરવોયર ઉપરથી ખુલ્લું હતું. તેથી તેમાં જાતભાતનો કચરો પડતો અને પાણી દૂષિત થતું. આમ ન થાય માટે રેઝરવોયરને ઉપરથી બંધ કરવાનું ઠરાવ્યું. પણ મોટાં મોટાં ઢાકણાંથી ઢાંકવાને બદલે તેના પર સરસ મજાનો બગીચો બનાવ્યો જેને લોકો હેન્ગિંગ ગાર્ડન તરીકે ઓળખવા લાગ્યા. તેનું સત્તાવાર નામ છે સર ફિરોઝશાહ મહેતા ગાર્ડન. પછી તો તેની સામે, ડુંગરની ધાર પર કમલા નેહરુ ગાર્ડન પણ બન્યો. આ બંને બગીચા આજ સુધી મુંબઈગરાઓ માટે અને મુલાકાતીઓ માટે આકર્ષણરૂપ બની રહ્યા છે.

સ્કૂલ, કોલેજ, કે ઓફિસમાં જતી દરેક વ્યક્તિ આજે પોતાની સાથે પીવાનું પાણી રાખે છે અથવા પ્લાસ્ટિકની બાટલીમાં વેચાતું મિનરલ વોટર રસ્તામાંથી ખરીદી લે છે. પણ ૧૯મી સદીમાં તો આ રીતે પીવાનું પાણી વેચવાનો કોઈને વિચાર સુધ્ધાં આવ્યો નહોતો. પણ બે પાંદડે સુખી લોકો મા-બાપ કે બીજા કોઈ કુટુંબીની યાદમાં શહેરમાં પાણીના ‘પીયાવા’ બંધાવતા, જ્યાં હર કોઈ માણસ પોતાની તરસ છિપાવી શકતું. ૧૮૬૫થી ૧૯૪૩ સુધી શહેર ઉપરાંત દાદર અને શિવ (સાયન) સુધી આવા પીયાવા બંધાતા રહ્યા જ્યાં નળનું પાણી હરકોઈને પીવા મળતું. એક નોંધવા જેવી વાત એ છે કે આ ‘પીયાવો’ શબ્દ મરાઠી ભાષાનો નથી. મરાઠી શબ્દ તો છે પાણપોઈ. પીયાવો શબ્દ ગુજરાતીનો છે કારણ મોટે ભાગે આ પીયાવા હિંદુ અને પારસી ગુજરાતીઓએ બંધાવ્યા છે. આવા પીયાવા મોટે ભાગે ધોરી રસ્તાઓ પર, ટ્રામના રૂટ પર, બજારોની આજુબાજુ, અને જ્યાં લોકોની અવરજવર વધુ હોય તેવી જગ્યાએ બંધાવતા. ઘણા પીયાવાની સાથે બે ઘડી બેસીને આરામ કરી શકાય એવી વ્યવસ્થા પણ રાખતા. અને આ પીયાવા એટલે થાંભલા પર એક-બે નળ ખોડી દેવા એમ નહિ. સ્થાપત્યની દૃષ્ટિએ તે ભલે નાનકડી હોય, તો ય એ ઇમારતને જુદી જુદી રીતે સુશોભિત કરતા. ઘણાખરા પીયાવા પર દાનવીરનાં નામની તખ્તી પણ ચોડાતી. ફળ-ફૂલની ડિઝાઈન ઉપરાંત સિંહ કે ગાયનાં મુખ, નાના ઘુમ્મટ કે છત્રી વગેરે વડે પીયાવાને સુશોભિત કરતા. આવા પીયાવા બાંધવામાં પારસીઓનો મોટો ફાળો. એકલા સર કાવસજી જહાંગીરે જુદી જુદી જગ્યાએ ૪૦ જેટલા પીયાવા બંધાવ્યા હતા. તેવી જ રીતે ફરદુનજી જીજીભાઈ અને જમશેદજી જીજીભાઈએ પણ મોટી સંખ્યામાં પીયાવા બંધાવ્યા હતા. બીજું કશું ન કરી શકે તો કેટલાક લોકો પોતાના બંગલાની દિવાલની બહારની બાજુએ લોકો માટે એક-બે નળ મૂકાવતા. આ બધા જ પીયાવા સાર્વજનિક હતા. ન્યાતજાત કે ધર્મના કશા ભેદભાવ વગર બધા જ લોકો ત્યાં પાણી પી શકતા. જેમ માણસો માટે નળવાળા પીયાવા બંધાતા તેમ ઢોરો માટે, ખાસ કરીને ગાડીએ જોડાતા ઘોડા માટે, પણ પીયાવા બંધાવેલા. તેમાં યોગ્ય ઊંચાઈએ નાના હવાડામાં સતત પાણી રહે એવી વ્યવસ્થા થતી.

મેટ્રો સિનેમા સામેનો પીયાવો

બદલાતાં સમય અને જરૂરિયાતો પ્રમાણે વખત જતાં આવા પીયાવાની ઉપયોગિતા ઘટવા લાગી. નવા બાંધકામ વખતે ઘણા તોડી પડાયા, તો ઘણા બિસ્માર હાલતમાં માંડ માંડ ટકી રહ્યા. પણ છેલ્લાં થોડાં વર્ષોમાં આ પીયાવા એ પણ શહેરની સાંસ્કૃતિક સંપત્તિનો ભાગ છે એ સમજાયું છે અને એટલે જરૂરી સમારકામ કરીને ઘણા પીયાવાને સજીવન કર્યા છે. પણ કૂવા અને તળાવો તો ગયાં તે ગયાં. ૧૯મી સદીના છેલ્લા દાયકામાં પ્લેગની મહામારીએ મુંબઈને ધમરોળ્યું પછી લાગ્યું કે કૂવા-તળાવની ગંદકી શહેરમાં રોગચાળો ફેલાવે છે. વળી ત્યાં સુધીમાં લોકોની પાણીની જરૂરિયાત તો નળનાં પાણીથી સંતોષાતી હતી. કૂવા-તળાવ તો મોટે ભાગે ઢોરઢાંખર માટે વપરાતાં થયાં હતાં. એટલે એક પછી એક તળાવ અને કૂવા બંધ થયા. પહેલાંના દસેક મોટાં તળાવોમાંથી આજે ફક્ત બે જ બચ્યાં છે : બાણગંગાનું તળાવ અને વાંદરાનું તળાવ. વચમાં થોડો વખત આ બંનેની પણ માઠી દશા બેઠી હતી પણ ફરી ભૂતકાળને જોવા માટેની સમજણ કેળવાતાં એ બંને તળાવોને નવું જીવન મળ્યું છે. અને કૂવા તો બહુ જ ઓછા બચ્યા છે. પહેલાં જ્યારે કોઈ કૂવો પૂરતી ત્યારે મ્યુનિસિપાલિટી તે જગ્યાએ ‘Well, કૂવો, वावडी, એમ ત્રિભાષી બોર્ડ લગાવતી. હવે તો એ પાટિયાં પણ ભાગ્યે જ જોવા મળે છે. અને છતાં તમારા કાન સરવા હશે તો કોઈ કોઈ જગ્યાએથી પસાર થતાં તમને હળવા સાદે ગવાતું સંભળાશે :

ગામને કૂવે પાણીડાં નહિ ભરું,
કૂવે કળાયેલ મોર મોરી સઈયરું,
ગામને કૂવે પાણીડાં નહિ ભરું. 

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 06 ફેબ્રુઆરી 2021

Loading

કોઈ પણ સત્તાને ખભો તો સામાન્ય માણસ જ આપતો હોય છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|5 February 2021

અંગ્રેજીમાં જેને કોમનમેન કહ્યો છે તેનું ટૂંકું રૂપ સી.એમ. છે. એનું પૂર્ણરૂપ ચીફ મિનિસ્ટર પણ છે. એટલે  કે કોમનમેન સી.એમ. હોય તો પણ, ચીફ મિનિસ્ટર સી.એમ. (કોમનમેન) ભાગ્યે જ રહે છે. સાચું તો એ છે કે સામાન્ય માણસ સત્તા પર આવ્યા પછી. સામાન્ય ભાગ્યે જ રહે છે, ભલે પછી તે મેયર કે મુખ્ય મંત્રી કે વડા પ્રધાન જ કેમ ન હોય? મોટે ભાગે એ ભૂલી જાય છે કે તે સત્તા પર આવ્યો છે તે સામાન્ય માણસના સહકારથી. એ જેટલું વહેલું ભૂલાય છે એટલું સરકાર પરનું જોખમ વધે છે.

જેને સામાન્ય માણસ કહીએ છીએ તેના પણ પ્રકાર છે. એ જડબેસલાક ન હોય તો પણ એક વર્ગમાં એવા ગરીબો છે જે લઘુત્તમ વેતનથી પણ ઓછું મેળવે છે. તેની જરૂરિયાતો પણ બહુ મોટી નથી, પણ તે પૂરી નથી જ થતી. એને સરકાર પાંખમાં લે છે તે પણ ઘણાંની આંખમાં આવે છે, પણ એ હકીકત છે કે કોઇની મદદ વગર તેનું ટકવાનું મુશ્કેલ જ બને છે. એમાં પણ મુશ્કેલી એ હોય છે કે સરકારી મદદ પણ તેના સુધી પૂરી પહોંચતી નથી. સરકારના બધા પ્રયત્નો છતાં, ગરીબ વર્ગ સુધી મદદ નથી પહોંચતી તે એટલે પણ કે સરકાર અને ગરીબો વચ્ચેના દલાલો એ મદદથી પોતાનું ભરેલું પેટ ભરી લે છે, અને જેને માટે એ મદદ હતી એ પેટ તો ખાલીનું ખાલી જ રહે છે.

આ વર્ગ મોટે ભાગે સરકારને એટલે કે સત્તાધારી પક્ષને વફાદાર રહે છે. એને સરકાર જ જુએ છે એટલે એ પણ એને જ જુએ તેમાં નવાઈ નથી. સત્તાધારી પક્ષમાં જો બીજા પક્ષો મળીને સરકાર બની હોય તો તેને નજીકની વગવાળી રાજકીય વ્યક્તિ કે વ્યક્તિઓ કહે તેમ તે વર્તે છે. કેટલીક વાર છેલ્લી ઘડીની લાલચ પણ ગરીબોના નિર્ણયો બદલાવી નાખે એમ બને, પણ મોટે ભાગે જે એમનું પૂરું કરે છે તેને આ પ્રજા પૂરી પડે છે.

નીચલા વર્ગને કોઠાસૂઝ ગજબની હોય છે ને એનું વ્યક્તિગત મૂલ્ય ખાસ ન હોય તો પણ, તેનો  સમૂહ લેખે પ્રભાવ પડતો હોય છે. ઢગલો મત આપનારો ને કોઈ પક્ષ કે પક્ષોને સરકારમાં લાવનારો આ વર્ગ છે, એટલું જ નહીં, સરકારને ફરી સત્તામાં પણ એ જ લાવે છે. સરકારને એનામાં એટલે રસ હોય છે કે એના મતથી સત્તા મળતી હોય છે. કૉન્ગ્રેસ વારંવાર સત્તામાં આવી શકી તેમાં આ પરિબળ કામ કરતું હતું એ સ્વીકારવું પડે. મતદાનની ટકાવારી ઓછી હોય તો પણ, ગરીબવર્ગનું મતદાન ઓછું હોતું નથી ને એ જ સરકારનાં પુનરાવર્તનનું નિર્ણાયક બળ પણ બની રહેતું હોય છે.

એની ઉપરનો મધ્યમવર્ગ કદાચ સૌથી વધુ મુશ્કેલીઓમાં રહેનારો વર્ગ છે. એમાં પણ નીચલો ને ઉપલો મધ્યમવર્ગ એવા પ્રકારો છે. ઉપલો મધ્યમવર્ગ પ્રમાણમાં સાધનસંપન્ન હોય છે. તેની સમાજમાં વગ હોય છે. આ એક રીતે જોવા જઈએ તો સમાધાનમાં રાચનારો અને એ દ્વારા લાભ ખાટનારો વર્ગ છે. ઉચ્ચ મધ્યમ વર્ગને બાંધછોડ કરવાનો, ભ્રષ્ટતા આચરવાનો ને એ દ્વારા સ્વાર્થ સાધવાનો બહુ વાંધો નથી હોતો.

આમ તો સિદ્ધાંત કે આદર્શને સ્વીકારનારા તમામ વર્ગમાં મળી રહેતા હોય છે, પણ તેની ટકાવારી ખૂબ નાની હોય છે.

નીચલો મધ્યમ વર્ગ મુખ્યત્વે અસંતોષ, અસુવિધા અને મહત્ત્વાકાંક્ષાથી પીડાતો વર્ગ છે. આ લોકોને જે ચાલે છે એની સામે વાંધો હોય છે. મુખ્યત્વે તો જે પણ સત્તામાં છે તેની સામે જ તેને વાંધો છે ને ઘણીવાર તો આ વાંધો સાચો હોય, તો પણ તેનું કશું ઉપજતું નથી હોતું. સૌથી વધુ સિદ્ધાંતો ને આદર્શો આ વર્ગ પાળે છે. એ જ ક્યારેક તેને ઉચ્ચ કક્ષાએ પણ પહોંચાડે છે, પણ મોટે ભાગે તો આ વર્ગ ઓછપમાં  અને નિરાશામાં જીવે છે. એને નોકરિયાત કે પગારદાર વર્ગની ઓળખ પણ મળેલી છે. તે જવાબદારીઓ ઉપાડનારો વર્ગ પણ છે. એમાં ઓછી આવક રાજ રોગની ગરજ સારતી હોય છે. જો કે સરકારને આ વર્ગની બહુ ચિંતા હોતી નથી, પણ આ વર્ગને સરકારની ચિંતા ભારોભાર હોય છે. તેનું ચાલે તો તે રોજ સરકાર બદલી કાઢે, પણ તેવું થતું નથી. તેને લાભ ઓછા મળે છે ને એ અનેક પ્રકારના કરવેરાથી પીડાતો રહે છે. તેને સતત એમ જ લાગતું હોય છે કે પોતાને ભારે અન્યાય થઈ રહ્યો છે.

આ વર્ગ સરકાર બનાવવામાં ઓછામાં ઓછું યોગદાન આપે છે. મોટે ભાગે તો તે મત આપવા જ જતો નથી. હા, એટલું છે કે જ્યારે પણ મધ્યમવર્ગની મતદાનની ટકાવારી વધે છે, સરકાર બદલાવાની શક્યતાઓ પણ વધી જતી હોય છે. સત્તા પલટામાં મતદાનની વધેલી ટકાવારી ભાગ ભજવતી રહ્યાના ઘણા દાખલાઓ છે જ. સરકાર આ વર્ગની મોટે ભાગે ઉપેક્ષા કરતી હોય છે, કારણ કે આ વર્ગ પણ મત ન આપીને સરકારની ઉપેક્ષા કરતો રહેતો હોય છે. આ બધું વ્યક્તિ આધારિત નથી હોતું, ક્યારેક તો અનુમાન કે અંદાજ આધારિત પણ હોય છે, એમાં મોટા ફેરફારો થાય તો અણધાર્યાં પરિણામો આવતાં હોય છે.

તમામ વર્ગોમાં યોગ્યતા કે પાત્રતા, શિક્ષણ આધારિત નથી હોતી, તે ઘણું ખરું જાતિ, કોમ કે સંપત્તિ આધારિત હોય છે. આ જ સ્થિતિ ઉચ્ચ વર્ગની છે. કહેવાય તો છે ઉચ્ચ વર્ગ, પણ ઉચ્ચ વર્ગ શિક્ષણમાં જ હોય છે, ઉચ્ચ વર્ગમાં તે નથી જ ! ઉચ્ચ વર્ગમાં ઘણાં ઉચ્ચ શિક્ષણ મેળવનારા પણ હોય છે, પણ વ્યવહારમાં ઉચ્ચતાનો માપદંડ ઘણુંખરું સંપત્તિ જ હોય છે. આ અમીર વર્ગ તમામ વર્ગો પર પ્રભાવ પાડતો હોય છે. તે વેપારઉદ્યોગ દ્વારા જરૂરતમંદોને પગાર આપીને કામ કઢાવે છે ને અપવાદો બાદ કરતાં તેનું લક્ષ્ય કમાણીનું જ વિશેષ હોય છે. આ વર્ગ સરકાર રચવામાં કદાચ એટલો સંડોવાતો નથી જેટલો તે સરકાર રચાયા પછી સંડોવાય છે. તે શાસક પક્ષોને ઘણી મોટી આર્થિક મદદ કરે છે ને એ પૈસાને જોરે શાસકો કોઈને જોડી, તોડીને કોઈ પણ રીતે સત્તા ટકાવી રાખવા મથે છે. ધારો કે સરકાર બદલાય છે તો કંપનીઓ, ઉદ્યોગપતિઓ પણ બદલાય છે. નવી સરકારને આ લોકો એટલે મદદ કરે છે કે અમીર વર્ગની આન, બાન ને શાન જળવાઈ રહે. આ વર્ગને, સરકારને મદદ કરવાનાં કારણો છે.

સરકારને આ વર્ગ મદદ કરે છે ને સરકાર એમને ઉદ્યોગધંધાના પ્રોજેક્ટ્સ આપે છે. મોટા કોન્ટ્રાક્ટ મળે છે તો સરકારનાં પ્રજા જોગ કામ પણ થાય છે, એ કામ બતાવીને સરકાર મત મેળવતી હોય છે. બીજી બાજુએ કંપનીઓ નફો કરવાની સાથે સાથે બેરોજગારી ઘટાડવાનું નિમિત્ત પણ બને છે. આમ તો આ બધું સારું જ છે, તો વાંધો ક્યાં આવે છે?

વાંધો અમર્યાદ નફાખોરીનો અને મોંઘવારીનો છે. અનેક લોકોનાં મોંઘવારીને કારણે શોષણ વધે છે. ઓછો પગાર આપીને અને વધારે ભાવ લઈને વેપારી વર્ગ દ્વારા શોષણ થતું રહે છે. એમાં વળી ગરીબીને કારણે દેવું થાય છે ને તે ન ચૂક્વાતાં કેટલાક કિસ્સાઓમાં વાત આત્મહત્યા સુધી પહોંચે છે. સરકારને મદદ કરીને પોતાની શરતે અમીરો ધંધાઉદ્યોગોને બાનમાં લે છે. સરકારે પણ મદદ મેળવી હોવાથી કેટલીક બાબતોમાં તેણે આંખ આડા કાન કરવાં પડે છે ને પરિણામ એ આવે છે કે સામાન્ય માણસ પાસે નામની જ મોકળાશ ને સ્વતંત્રતા બચે છે.

પ્રજા વેઠાય ત્યાં સુધી તો વેઠે છે ને તક મળે છે, ત્યારે મતનું શસ્ત્ર ઉગામીને સરકાર બદલે છે. કોઈ પણ સત્તા પ્રજાની ઈચ્છા વિરુદ્ધ લાંબું ટકતી નથી. સરકારને બેઠી કરવા પ્રજા ખભો આપે છે ને સરકારને ઉથલાવવવાની હોય તો તેને પણ ખભો પ્રજા જ આપે છે. સરકાર ગમે તેટલું ભલે ઊછળતી હોય, પણ તેને ઠેકાણે પણ પ્રજા જ કરતી હોય છે, ખરું કે નહીં?

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 ફેબ્રુઆરી 2021

Loading

...102030...2,0422,0432,0442,045...2,0502,0602,070...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved