Opinion Magazine
Number of visits: 9680300
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચારસો વર્ષના વિવિધ લશ્કરી પ્રભાવનો સાક્ષી ભુજિયો કિલ્લો

માવજી મહેશ્વરી|Opinion - Opinion|24 February 2021

૧૯૫૦માં કચ્છરાજ ભારત સંઘમાં વિલિન થયું. તે વખતના કચ્છના રાજા મહારાવ શ્રી મદનસિંહજીએ આઠસો વર્ષની જાડેજી રજસત્તાએ ઊભા કરેલા પોતાના મહેલો સહિત અણમોલ સ્થાપત્યો અને ઈમારતો ભારત સરકારને સોંપી દીધા. આમ તો એ સ્થાપત્યની જાળવણીની જવાબદારી સરકારની હતી. પરંતુ ન તો સરકારે એને સાચવ્યા કે ન પ્રજાએ પ્રદેશપ્રેમ દાખવ્યો. જેમા સૌથી ખરાબ દશા થઈ હોય તો કચ્છ અને ભુજની શાન સમા ભુજિયા કિલ્લાની. જે ડુંગરની તળેટીમાં ભુજ શહેર વસ્યું છે એ ડુંગર ઉપર કચ્છના જાડેજા શાસકોએ બંધાવેલો કિલ્લો આઝાદી પછી અડધી સદી સુધી ભારતીય સેનાના તાબામાં રહ્યો. એ કિલ્લાને કાળની એટલી થપાટો વાગી છે કે પોતાનું સૌંદર્ય ખોઈ ચૂક્યો છે. ૨૦૦૧ પછી ભુજિયામાં કરોડોના ખર્ચે સ્મૃતિ વન ઊભું થઈ રહ્યું છે, જે આ ડુંગર અને કિલ્લાને ફરી રમણીય બનાવશે એવું જણાઈ રહ્યું છે.

૧૯૪૭માં ભારત અંગ્રેજી શાસનમાંથી મુક્ત થઈ સ્વતંત્ર દેશ બન્યો. ભારતના પાંચસો જેટલા રજવાડાઓએ પોતાની મિલકતો ભારત સરકારને સોંપી દીધી. એક અર્થમાં એ બહુ જ મોટો ત્યાગ હતો. એ ભારતીય રાજાઓની દિલેરી હતી. એમા કેટલીક એવી ઈમારતો અને કિલ્લાઓ પણ હતા જેનું નિર્માણ આજની ઈજનેરી કલાને પણ પડકાર આપે છે. પરંતુ ભારત સ્વતંત્ર બન્યા પછી સૌથી મોટું કોઈ નુકશાન થયું હોય તો ભારતીય સ્થાપત્યને થયું છે. વિશ્વકક્ષાએ જે સ્થાપત્ય અને ઈજનેરી કૌશલ્યના વખાણ થયા છે, જેના નિર્માણમાં રજવાડાઓએ ખજાના ખાલી કરી દીધાં છે, જેને કલાપૂર્ણ બનાવવા સ્થપતિઓ અને કારીગરોએ જીવ રેડી દીધો હતો. એવાં મહેલો, કિલ્લાઓ, તળાવો, વાવોના પથ્થરો આજે મૂગું રુદન કરે છે. અજેય ગણાતા જે ગઢની દિવાલોએ પરદેશી આક્રમણખોરોને હંફાવ્યા છે, એ દીવાલો ઉપર આજે છાણાં થપાતા જોઈ ઇતિહાસકારો અને સ્થાપત્ય પ્રેમીઓ નિરાશ થાય છે. આ સ્થિતિ મોટાભાગના ભારતમાં જોવા મળે છે. વિવિધ રાજવંશોની રાજવટના પદચિહ્નો જેવા કિલ્લાઓ કાં તો ધ્વંશ થઈ ગયા છે અથવા તેના પથ્થરો કોઈની દીવાલોમાં ચણાઈ ગયા છે. કોઈને એવો પણ વિચાર આવે કે હવે આ કિલ્લાઓની શી જરૂર છે ? પરંતુ એ ન ભુલવું જોઈએ કે આ કિલ્લાઓ આપણા રાજાઓએ દાખવેલી દેશભક્તિના અજોડ પુરાવા છે. આ કિલ્લાઓએ જ આપણા પૂર્વજોને આક્રમણખોરોની તલવારોથી બચાવ્યા છે અને આપણી માતાઓ અને બહેનોનાં શિયળ સાચવ્યા છે. પરંતુ એક દુખદ હકીકત છે કે ભારત આઝાદ થયું તે સાથે જે મહેલો અને કિલ્લાઓમાં પગ મૂકતા શૂરવીરોને પણ બીક લાગતી તે નધણિયાતા થઈ ગયા.

સમય જતાં રાજાશાહીના બેનમૂન સ્થાપત્યને માનવ પ્રવૃત્તિઓ અને કાળની ઊધઈએ કદરૂપા બનાવી દીધા. એવો જ એક કિલ્લો કચ્છના પાટનગર ભુજની શોભા સમો ભુજિયો કિલ્લો છે. ભુજિયા કિલ્લાનું નિર્માણ કચ્છના રાજવીઓએ બહુ જ વિચારીને કરેલ છે. આ કિલ્લાનું બાંધકામ જાડેજા રાજવી રાવ ગોડજી (પહેલા ઈ.સ. ૧૭૧૫-૧૭૧૮)એ શરૂ કરાવ્યું હતું. અલ્પ સમયના શાસક રહેલા ગોડજીના પુત્ર રાવ દેશળજી(પહેલા ઈ.સ.૧૭૧૮-૧૭૪૧)એ ભુજિયા કિલ્લાનું બાકીનું બાંધાક્મ સંપન્ન કરાવ્યું. તે વખતે કચ્છ રાજનું પાટનગર ભુજ હતું. ભુજના રક્ષણ માટે બંધાયેલા આ કિલ્લાની દીવાલો પહોળી અને લશ્કરી વ્યૂહરચના મુજબની હતી. રાવ દેશળજી ઉપરાંત તેમના પહેલા દીવાન શેઠ દેવકરણે પણ આ કિલ્લાના નિર્માણમાં મહત્ત્વનો રસ લીધો હતો. ૧૬૦ મીટર જેટલી ઊંચાઈ ઉપર બંધાયેલો આ કિલ્લામાં પ્રવેશવા માટે બે દરવાજા હતા. આ દરવાજા ઉપર બહારની બાજુએ લોખંડના શૂળ જડેલા હતા. સૈનિકોને કિલ્લાની અંદર જ પાણીનો પુરવઠો મળી રહે તે માટે કૂવાઓ પણ ખોદાવેલા હતા. દીવાલોની અંદર રચના એવી રીતની હતી કે સૈનિક દૂર દૂર સુધી જોઈ શકે અને જરૂર પડે વાર કરી શકે. આજે પણ ભુજિયા કિલ્લાના એરિયલ વ્યુ ચીનની દીવાલની યાદ અપાવે છે.

ભુજિયા કિલ્લાએ કચ્છમાં ખેલાયેલા છ યુદ્ધો જોયા છે. જે અઢારની સદીમાં સિંધના આક્રમણખોરો અને ગુજરાત સ્થિત મોગલ શાસકો અને કચ્છરાજ વચ્ચે થયાં હતાં. ભુજિયાના કિલ્લામાં ખેલાયેલા યુદ્ધની એક રસપ્રદ બાબત પણ છે. રાવ દેશળજીએ રાજગાદી સંભાળી તેનાં શરૂઆતનાં વર્ષોમાં જ અમદાવાદના મોગલ સૂબા બુલંદખાને ખંડણી વસુલાત બાબતે કચ્છ ઉપર આક્રમણ કર્યું. કચ્છનું લશ્કર તે વખતે અવઢવની સ્થિતિમાં હતું. એ સમયે નાગાબાવાઓનું એક મોટું જૂથ કિલ્લા ઉપર નાગ મંદિરની પૂજાના બહાને કિલ્લામાં દાખલ થયું અને કચ્છરાજના સૈનિકો સાથે જોડાઈને મોગલોના લશ્કર સામે લડ્યું એ યુદ્ધમાં બુલંદખાનની હાર થઈ. એ દિવસે શ્રાવણ સુદ પાંચમ હતી. કચ્છના રાજવીએ એ દિવસે વિજયોત્સવ મનાવ્યો. ત્યારથી નાગપંચમીના દિવસે ભુજના દરબારગઢમાંથી ભવ્ય શાહી સવારી નીકળતી અને ભુજિયા ડુંગર પર જતી હતી. નાગાબાવાઓનાં શૌર્ય જોઈને કચ્છના રાજવીએ ત્યારથી નાગપંચમીના દિવસે નાગાબાવાઓ માટે ખાસ વ્યવસ્થાઓ ગોઠવી આપી. હાલ દર નાગપંચમીના રોજ રાજવી પરિવાર દ્વારા વ્યક્તિઓ દ્વારા ભુજંગનાગની ખાસ પૂજા થાય છે અને ભુજિયાની તળેટીમાં લોકમેળો યોજાય છે. ૧૮૧૯માં કેપ્ટન બીસ્ટની આગેવાની હેઠળ કચ્છરાજે અંગ્રેજી શાસનનું આધિપત્ય સ્વીકાર્યું. તે વખતે કર્નલ વિલિયમ કોરે ભુજિયા કિલ્લાનો કબ્જો લીધો હતો. ૧૯૪૭માં ભારતમાંથી અંગ્રેજી લશ્કરના ગયા પછી ભારતીય સેનાએ ભુજિયા કિલ્લાનો કબજો સંભાળ્યો હતો. ૨૦૦૧માં સેના અન્ય જગ્યાએ જતાં આ કિલ્લો સામાન્ય વહીવટ હેઠળ આવ્યો. આમ ચારસો વર્ષ જેટલો સમય ભુજિયાના કિલ્લાએ કચ્છ રાજ, અંગ્રેજી રાજ અને ભારતીય સૈનિકોનો લશ્કરી દમામ જોયો છે.

એક કથા મુજબ કચ્છ પર નાગલોકો રાજ કરતા હતા. શેષપટ્ટણની રાણી સાંગાઇએ ભેરિયા ગારુડી સાથે મળીને નાગલોકોના વડા ભુજંગનાગ સામે બળવો કર્યો. ભુજંગનાગ એક ડુંગરમાં છુપાઈ ગયો અને તેનું લશ્કર ભેરિયા ગારુડી સામે લડ્યું. એ લડાઈમાં ભેરિયાની હાર થઈ. સાંગાઈ રાણી સતી થઈ. ત્યારથી ભુજંગ નાગ જે ટેકરીમાં રહેતો હતો તે ટેકરી ભુજિયા તરીકે ઓળખાતી થઈ. આજે પણ ભુજિયાના કિલ્લા ઉપર ભુજંગનાગનું મંદિર છે જેની પૂજા માતંગદેવના વંશજો કરે છે. ભુજ શહેરનું નામ પણ ભુજિયા ઉપરથી પડ્યું હોવાનો મત છે. કચ્છની તત્કાલિન રાજ વ્યવસ્થાએ રક્ષણાત્મક વ્યૂહથી નિર્માણ કરેલો અને કચ્છનો સૌથી વધુ લંબાઈ ધરાવતો ભુજિયો કિલ્લો સ્વતંત્રતા પછી વ્યવસ્થાની બેદરકારીનો ભોગ બન્યો છે. ન માત્ર કિલ્લો, ખુદ ભુજિયો ડુંગર વર્ષો સુધી કાંકરી મેળવવા માટે ખોદાતો રહ્યો. જો કે એ વાતની નોંધ લેવી પડે કે ૧૯૮૦ના ગાળામા ભુજિયાને ખોદાતો અટકાવવા ભુજના કેટલાક બુદ્ધિજીવીઓ અને પ્રજાજનો મેદાનમાં આવી ગયા હતા. રેલીઓ પણ કાઢવામાં આવી હતી. વર્તમાનપત્રોએ પણ આ ઘટનાને મહત્ત્વ આપ્યું હતું. ભુજિયા ડુંગરનો દક્ષિણ ભાગ મહાકાય યંત્રોએ ખોદી કાઢ્યાના અંશો આજે પણ દેખાય છે. જ્યાં બ્રિટિશ શાસકોએ પણ પોતાનું લશ્કરી થાણું રાખ્યું હતું એવા ભુજિયાને આઝાદી પછી લશ્કરને હવાલે કરી દેવાયો. છેક વીસમી સદી પૂરી થઈ ત્યાં સુધી સુધી માત્ર વર્ષમાં એક દિવસની છૂટ સિવાય કોઈ કચ્છવાસીઓ ભુજિયાને સલામત સ્થિતિમાં જોઈ ન શક્યા. તેનાં સૌંદર્યને માણી ન શક્યા. ભુજિયો ડુંગર લશ્કરના તાબામાં હોવાથી કિલ્લાની સ્થિતિ વિશે પણ લોકો અજાણ રહ્યા. પરંતુ ૨૦૦૧માં આવેલા ભૂકંપ પછી તત્કાલિન ગુજરાત સરકારે ભુજિયા ડુંગર ઉપર સ્મૃતિવન ઊભું કરવાનું નક્કી કર્યું. આ સ્મૃતિવનમાં ભૂકંપ તેમ જ કચ્છનો ઇતિહાસ સચવાશે. સ્મૃતિવન યોજનાએ કિલ્લાના ધસી પડેલા ભાગોનું સમારકામ પણ કરાવ્યું. સેંકડો વૃક્ષો વવાયાં. જે કાર્ય હાલે પ્રગતિમાં છે. સમય જતાં કચ્છના ગરવા પાટનગર ભુજની શાન સમો ભુજિયો નવાં વાઘાં ધારણ કરશે અને તેનું સૌંદર્ય ફરી ખીલી ઊઠશે તેવું લાગી રહ્યું છે. આ કિલ્લા પરથી આખું ય ભુજ શહેર અને દૂર સુધીના વિસ્તારો જોઈ શકાય છે. ભુજની કેટલીક જાગૃત સંસ્થાઓ હવે ભુજિયાની તળેટીમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજે છે. એ રીતે નવી પેઢી ઇતિહાસથી માહિતગાર થશે.

e.mail : mavji018@gmail.com

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 2૩ ફેબ્રુઆરી 2021; પૃ. 17

Loading

આંદોલનની દિશા અને દિશાની ટૂલકીટ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|24 February 2021

દેશના રાજકારણમાં છેલ્લા અમુક સમયથી એક શબ્દ પ્રચલિત બન્યો છે; નેરેટિવ. ગુજરાતીમાં તેના માટે કોઈ ઉચિત શબ્દ નથી. નેરેટિવ માટે નજીકનો શબ્દ વાર્તા છે, પરંતુ વાર્તા તો કાલ્પનિક હોય છે, જ્યારે નેરેટિવમાં વાસ્તવિકતાનું અર્થઘટન હોય છે. શબ્દકોશના અર્થ પ્રમાણે નેરેટિવ એટલે સંબંધિત ઘટનાઓ કે અનુભવોનું વર્ણન. એ અર્થમાં નેરેટિવને અંદાજે-બયાન કહી શકાય; કોઈ ઘટનાને અમુક ચોક્કસ અંદાજથી બયાન કરવી તે.

૧૭મી તારીખે પંજાબમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં પરિણામોમાં ભા.જ.પ.નો સંપૂર્ણ સફાયો થયાના સમાચાર આવી રહ્યા હતા, ત્યારે દિલ્હીમાં પક્ષની કેન્દ્રીય નેતાગીરી પહેલીવાર સફાળી જાગી રહી હતી કે ૧૦૦મા દિવસ તરફ કૂચ કરી રહેલા ખેડૂત અંદોલનના કારણે તે નેરેટિવની લડાઈ હારી ગઈ છે. ૧૬મી તારીખે હરિયાણા, રાજસ્થાન અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના ભા.જ.પ.ના નેતાઓ પક્ષ પ્રમુખ જે.પી. નડ્ડા અને ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા. મુખ્ય મુદ્દો કહો કે ચિંતાનો વિષય કહો, મંત્રણા એ વાતને લઇને હતી કે ત્રણે રાજ્યોમાં જાટ લોકોના પ્રભુત્વવાળી ૪૦ લોકસભા બેઠકો પર અંદોલનની વિપરીત અસર પડી રહી છે, તેને કેવી રીતે ખાળવી.

ત્રણ કૃષિ કાનૂનોના વિરોધનું આ અંદોલન, જે 'મુઠ્ઠીભર ખેડૂતો'ની દિલ્હી કૂચ સાથે શરૂ થયું હતું, તે ખાલિસ્તાનીઓ, ત્રાસવાદીઓ, દેશદ્રોહીઓ, આંદોલનજીવીઓ અને આંતરરાષ્ટ્રીય કાવતરાખોરોનાં અલગ-અલગ નેરેટિવમાંથી પસાર થઈને ત્રણે રાજ્યોમાં યોજાઈ રહેલી જબરદસ્ત મહા પંચાયતોમાં જાટ ગૌરવ પર આવીને અટક્યું છે.

જે જાટ મતોથી ભા.જ.પ.ને જીત હાંસલ થઇ હતી, તે જાટ ખેડૂતો પહેલીવાર ભા.જ.પ.થી દૂર જઈ રહ્યા હોવાની ચિંતા શરૂ થઇ છે, એટલે નેતાઓની બેઠકમાં નક્કી થયું કે આ જાટ બહુમતીવાળા વિસ્તારોમાં નેરેટિવ બદલવું પડશે. નાગરિકતા કાનૂનમાં કર્યું હતું તેમ, દોઢ મહિના પહેલાં ભા.જ.પ.ના સંગઠને દેશભરમાં કૃષિ કાનૂનોના સમર્થનમાં રેલીઓનું આયોજન કર્યું હતું. નેરેટિવ બદલવાનો એ વિચાર માત્ર વિચારના સ્તરે જ રહ્યો હતો.

મોદી સરકારે બહુમતીના જોરે ત્રણ કાનૂનો પસાર કરાવી દીધા ત્યારે, અને તેના વિરોધમાં તેના સૌથી જૂના સાથી અકાલી દળે છેડો ફાડ્યો ત્યારે, તેને અંદાજ પણ નહીં હોય કે તેને આંતરરાષ્ટ્રીય પોપસ્ટાર અને પર્યાવરણવાદી છોકરીઓ સામે લડવું પડશે અને દિલ્હી પોલિસ ટૂલકીટ નામના ગૂગલ ડોક્યુમેન્ટનાં ડિજીટલ પાનાં વાંચતી હશે. કોઈ દેશની એક પ્રાઈવેટ નાગરિકની એક જ લાઈનની ટ્વીટ ('આપણે આ અંદોલનની ચર્ચા કેમ કરતા નથી?') પર બીજા દેશનું વિદેશ મંત્રાલય સત્તાવાર રીતે પ્રતિક્રિયા આપે, એ હોંશિયારી હતી કે નાદાની તે આજ સુધી રહસ્ય છે.

ગણતંત્ર દિવસના રોજ લાલ કિલ્લા પર જે હિંસા થઇ, ત્યારે લાગતું હતું કે અંદોલન સમેટાઈ જશે. ઇન ફેક્ટ, રાકેશ ટીકૈત અને બીજા ખેડૂત નેતાઓએ બીજા દિવસે દિલ્હીની સરહદો પરથી બિસ્તરા-પોટલા સંકેલી લેવાની તૈયારી પણ કરી લીધી હતી, પરંતુ એક સાથે બે નિર્ણાયક ઘટના બની. ઉત્તર પ્રદેશ વહીવટીતંત્રએ ખેડૂતોના વાવટાઓ ઊતારી લેવા પોલિસ ફોજ ખડકી દીધી, અને 'સ્થાનિક લોકો'એ સરહદ ખાલી કરાવવા માટે ખેડૂતોને મારવાની તૈયારી કરી.

આ જોઇને રાકેશ ટીકૈત ટેલિવિઝન કેમરાઓ સામે ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા. રાકેશ ટીકૈત એક મામૂલી ખેડૂત નેતા છે અને તેને ધમકાવીને ખદેડી મુકાય છે તેવી ગણતરી ખરાબ રીતે ઊંધી વળી ગઈ. એ જ રાતે પંજાબ અને બીજા રાજ્યોમાંથી ટ્રેકટરો ભરીને ખેડૂતો દિલ્હીની સરહદે ઊમટી પડ્યા. લાલ કિલ્લાની શરમજનક ઘટનાથી બદનામ થઇને ખતમ થઇ જવા આવેલું ખેડૂત અંદોલન ફરી જીવતું થઇ ગયું.

બસ, એ દિવસથી સરકારના હાથમાંથી નેરેટિવ નીકળી ગયું, પણ તે કોઈને સમજાય તે પહેલાં સરહદે ખીલાઓ ઠોકવામાં આવ્યા, ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું, ખેડૂતોને પાણી અને વીજળી બંધ કરવામાં આવી, અને લાલ કિલ્લાની હિંસામાં ખેડૂતોને ખાલિસ્તાની ચીતરવાનું શરૂ થયું. આ દાવ ઊંધો પડ્યો. સોશ્યલ મીડિયા મારફતે આ તસ્વીરો દુનિયાભરમાં પહોંચી ગઈ. જે આંદોલનને થોડા દિવસ પહેલાં આસામ કે લદ્દાખમાં કોઈ જાણતું ન હતું તેની ચર્ચા અમેરિકા અને સ્વીડનમાં હતી.

બીજી તરફ, ૧૫૦ ખેડૂતોના મોત સાથે આંદોલન પંજાબ અને દિલ્હીની સીમાએથી બહાર નીકળીને હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ફેલાઈ ગયું હતું. ખેડૂતો આટલી લાંબી ટક્કર આપશે, તેનો સરકારમાં કોઈને અંદાજ ન હતો. ટ્વીટર પર સરકારની રીસ ઊતરી તેની પાછળ આ માઈક્રોબ્લોગીંગ સાઈટ પર કાર્યરત સ્વતંત્ર પત્રકારો અને સામાજિક કાર્યકરો હતા, જે લગાતાર ખેડૂત આંદોલનને એક એક ચીજનું રિપોર્ટીંગ કરી રહ્યા હતા. માહિતી-પ્રસારણ વિભાગે ટ્વીટરને આદેશ કર્યો હતો અમુક કે દેશ-વિરોધી એકાઉન્ટ અને ટ્વીટસ હટાવી લેવામાં આવે. ટ્વીટરે અમુક એકાઉન્ટ સસ્પેન્ડ કર્યાં, અમુકને પાછા ચાલુ કર્યા અને અમુકની સામે પગલાં ભરવાની સાફ મનાઈ કરી દીધી.

ખેડૂત આંદોલન, જે મૂળભૂત રીતે સરકારે ઘડેલા ત્રણ કાનૂનો સામેનો લોકતાન્ત્રિક વિરોધ હતો, તે કાનૂન-વ્યવસ્થાનો મુદ્દો બની ગયું હતું અને સરકાર તેનો ઉકેલ પોલિસ ફરિયાદો અને ધરપકડોમાં શોધતી હતી. તેમાં પોપસ્ટાર રિહાના અને પર્યાવરણવાદી કાર્યકર ગ્રેટા થનબર્ગની ખેડૂતોને ટેકો આપતી ટ્વીટ હાથવગી નીકળી. રિહાનાની ટ્વીટના જવાબમાં તો વિદેશ મંત્રાલય અને લતા મંગેશકર-સચિન તેંદુલકર જેવી સેલિબ્રિટી મેદાનમાં આવી (મહારાષ્ટ્ર સરકારને એવી શંકા છે કે સેલિબ્રિટીઓનું ટ્વીટર હેન્ડલ ભા.જ.પ.ના આઈ.ટી. સેલના હાથમાં છે, અને સેલિબ્રિટીઓની જાણ બહાર તેમના વતીથી એક સરખી ટ્વીટ કરવામાં આવી હતી), પણ ગ્રેટાની ટ્વીટમાં દિલ્હી પોલિસને આંદોલનના નામે હિંસા ફેલાવાનું ષડ્યંત્ર દેખાયું.

ગ્રેટા થનબર્ગ ભારત-વિરોધી કાવતરાની માસ્ટર-માઈન્ડ છે કે નહીં તે પોલિસે કહ્યું નથી, પરંતુ ભારતમાંથી ગ્રેટા સાથે સંપર્કમાં રહેલી ત્રણ વ્યક્તિઓ, બેંગલોરની પર્યાવરણવાદી કાર્યકર દિશા રવિ, મુંબઈની વકીલ નિકિતા જેકબ અને વિદર્ભમાં કાર્યરત શાંતનું મુલુક, સામે દિલ્હી પોલિસે કેસ દર્જ કર્યો છે. ગ્રેટાની તેની ટ્વીટમાં એક ટુલકીટ ટેગ કરી હતી. ટુલકીટ વિરોધ કાર્યકમની રૂપરેખા. જૂના જમાનામાં અંદોલનકારીઓ તેમના કાર્યક્રમોમાં વધુને વધુ જોડાય, તે માટે પેમ્ફલેટ બહાર પાડતા હતા. ટૂલકીટ તેનું ડિજીટલ સ્વરૂપ છે. પોલિસ કહે છે કે દિશા રવિએ એ આ ટૂલકીટ તૈયાર કરીને ગ્રેટાને આપી હતી, જેને ટ્વીટર પર જાહેર કરવામાં આવી હતી. દિશા રવિ હાલ પોલિસની કસ્ટડીમાં છે, અને પોલિસ તેની વોટ્સચેટ્સ, ઈ.મેઈલ્સ, ફોન કોલ્સ મારફતે બીજાં સગડ મેળવી રહી છે.

ખેડૂતો સાથે આંદોલન સમાપ્ત કરવાની ૧૧ મંત્રણાઓ પછી, પોલિસને તેમાં ભારત સરકારને ઉથલાવવાનું અંતરરાષ્ટ્રીય ષડ્યંત્ર દેખાય છે, તે ચોક્કસ ચિંતાનો વિષય છે, પણ પોલિસે જે ઝડપથી ૨૧ વર્ષની દિશા રવિ પર આખા અંદોલનના કાવતરાનો ભાર નાખી દીધો, તેનાથી વિરોધ પક્ષો, કાનૂનના જાણકારો, બુદ્ધિજીવીઓ સરકાર પર એક જ આરોપ લગાવતા હતા કે કાનૂન પાછા નહીં ખેંચવાની જિદ્દ લઈને બેઠેલી સરકાર તેની સામેના જરા સરખા વિરોધને પણ પોલિસના ડંડાથી દબાવી રહી છે, અને ટૂલકીટ નામના એક સાધારણ ગૂગલ ડોકયુમેન્ટને સરકારને ઉથલાવવાનું ક્રિમીનલ ષડ્યંત્ર ગણાવીને તે અંદોલનની દિશા અને દશા બદલવા માગે છે.

ટૂલકીટ મામલે પોલિસે ફરિયાદ દર્જ કરી, ત્યારે પૂરા મામલામાં ત્રણ સ્થિતિના પ્રકાર સર્જાયાં છે; એક, ખેડૂત અંદોલન દિલ્હીની સીમાઓ અને સરકાર સાથેની મંત્રણાના દૌરમાંથી બહાર નીકળીને મહાપંચાયતોમાં રાજકીય જમાવટ કરવામાં તબદીલ થઇ ગયું છે. બે, પોલિસ હવે તેમાં ખાલિસ્તાની થિયરી શોધી રહી છે. ત્રણ, કેન્દ્ર સરકાર જાટ વોટ બચાવવા માટે મહેનત કરી રહી છે. એક વાત નક્કી છે : આંદોલન સંકેલાઈ જવાની સંભાવનાઓમાંથી દૂર જતું રહ્યું છે.

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 21 ફેબ્રુઆરી 2021

Loading

ગઝલ

દેવિકા ધ્રુવ|Poetry|23 February 2021

છંદવિધાનઃ હઝજઃ૨૮ માત્રા

 

નજર ને આંખની સાથે જુગલબંધી કરી છે મેં.

ખરેલાં પાનની સાથે જુગલબંધી કરી છે મેં.

 

નિયમ કેવો છે નૈસર્ગિક, પ્રથમ પીડા, પછી સર્જન!

વિરોધાભાસની સાથે જુગલબંધી કરી છે મેં.

 

નજીક રાખ્યા હતાં દિલની, થયાં અળગાં તમે જાતે,
તો ખાલી જામની સાથે જુગલબંધી કરી છે મેં.

 

નહિ તો આ રમકડાં સ્ક્રીનનાં ક્યારે હતાં પ્યારાં?

સમયની ચાલની સાથે જુગલબંધી કરી છે મેં.

 

હતી ઈચ્છા મળીને રૂબરૂ વાતોને વાગોળું.

પરાણે ‘ઝૂમ’ની સાથે જુગલબંધી કરી છે મેં.

 

e.mail : ddhruva1948@yahoo.com

Loading

...102030...2,0212,0222,0232,024...2,0302,0402,050...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved