Opinion Magazine
Number of visits: 9572541
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્ત્રીયાર્થ : વાંધાવિરોધથી વધામણી સુધી

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|1 February 2021

શબ્દલીલા

અસમાનતાને ઓગાળવા માટે પ્રયોજાતા નવા શબ્દોની વિચિત્ર નિયતિ હોય છે. અસમાનતા સામેની આગ ચળવળને બળતણ પૂરું પાડે છે, તો ક્યારેક એ આગમાં સૂકા ભેગું લીલું પણ બળતું હોય છે. તેનો એક નમૂનો રજનીકુમાર પંડ્યા સાથે થયેલી વાતચીત અને તેમની પાસેથી મળેલી વિગતોમાંથી જાણવા મળ્યો.

રજનીકુમાર પંડ્યાએ તેમની બેહદ વખણાયેલી નવલકથા ‘કુંતી’માં એક પાત્રના મોઢે સંવાદ મૂક્યો હતો, ‘હિંમતકુમાર, ઘણાંને પુરુષાર્થ ફળે છે. તમને સ્ત્રીયાર્થ ફળ્યો.’ વર્ષ ૧૯૮૯-૯૦ દરમિયાન આ નવલકથા ‘ચિત્રલેખા’માં હપતાવાર પ્રગટ થઈ, ત્યારે ‘સ્ત્રીયાર્થ’ શબ્દ ચલણમાં ન હતો. એ નિતાંત રજનીકુમારની સર્જકતાનું પરિણામ હતો. અભિવ્યક્તિના ધસમસતા પ્રવાહમાં, નીપજાવવા ખાતર નહીં, પણ સ્વાભાવિક ક્રમમાં નીપજી આવતા નવા શબ્દો રજનીકુમારના લેખનની ખાસિયત છે. તેમણે યોજેલા ‘સ્ત્રીયાર્થ’ પાછળનો તર્ક સ્પષ્ટ હતો : પુરુષ કરે તે પુરુષાર્થ, તો સ્ત્રી કરે તે સ્ત્રીયાર્થ કેમ નહીં?

૧૯૯૦ના અરસાના નારીવાદી વિમર્શમાં આ શબ્દ પોંખાય ને ચલણી બને એવી પૂરી સંભાવના હતી. પણ બન્યું તેનાથી સાવ ઊલટું. બકુલાબહેન ઘાસવાલાએ ‘સ્ત્રીયાર્થ’ શબ્દ સામે વાંધો ઉઠાવતું ચર્ચાપત્ર સુરતના દૈનિક ‘ગુજરાતમિત્ર’માં લખ્યું. ત્યાર પછી બીજી કેટલીક બહેનોએ પણ તેમના વાંધાને સમર્થન આપતાં ચર્ચાપત્રો લખ્યાં. એ વાતનાં આઠેક વર્ષ પછી, ૧૯૯૮માં ‘ટીવીના પડદે રજૂ થતું નારીરૂપ’ એ વિષય પર નવલેખિકાઓ માટેની એક શિબિર તીથલમાં યોજાઈ હતી. તેમાં વક્તા તરીકે રજનીકુમારે સ્ત્રીગૌરવના હેતુથી – એ સંદર્ભે ‘સ્ત્રીયાર્થ’ શબ્દ પહેલી વાર પ્રયોજ્યાનો ઉલ્લેખ કર્યો, ત્યારે તેમના પર નવેસરથી પસ્તાળ પડી. એક બહેને કહ્યું કે ‘અમારે એવા સદ્‌ભાવની જરૂર નથી’, તો બીજાં બહેને કહ્યું,’ તમારી આ સાઇકોલૉજી એમ બતાવે છે કે તમે પુરુષો સ્ત્રીઓને નિર્માલ્ય ગણો છો.’ બે-ચાર બહેનોએ તો વળી, ખબર નહીં શું સમજીને, ‘તમારે પણ મા-બહેન-પત્ની-પુત્રી હશે’, એવું આક્રમકતાથી કહ્યું — જાણે, ‘સ્ત્રીયાર્થ’ શબ્દથી સ્ત્રીજાતિનું અપમાન થતું હોય.

તીથલની એ શિબિરમાં બીજાં બહેનોની સાથે ભાવનગરનાં પ્રતિભાબહેન ઠક્કર પણ હાજર હતાં. વર્ષો પછી, ૨૦૧૫માં પ્રતિભાબહેને લેખિકાઓનું એક વૃંદ સ્થાપ્યું અને તેનું નામ આપ્યું ‘સ્ત્રીયાર્થ’. તેમાં ઘણી બહેનો ઉત્સાહભેર સામેલ થઈ. અત્યાર લગીમાં ‘સ્ત્રીયાર્થ’ વૃંદ તરફથી એ જ નામે કેટલાંક પ્રકાશનો પણ થયાં છે. ત્યારે એવો સવાલ સહજ થાય કે ૧૯૯૦માં ને ૧૯૯૮માં ‘સ્ત્રીયાર્થ’ શબ્દનો ઉગ્ર વિરોધ કરનારાં બહેનોનો ‘સ્ત્રીયાર્થ’ વિશે અભિપ્રાય હવે બદલાયો હશે કે અગાઉ એ શબ્દ કોઈ પુરુષ દ્વારા યોજાયો, તેની સામે વાંધો પડ્યો હશે સાચું કારણ તો ત્યારે વાંધો પાડનારાં અને હવે તે શબ્દનો ઉત્સાહભેર સ્વીકાર કરનારાં બહેનો જ કહી શકે.

રજનીકુમારે નીપજાવેલો શબ્દ ઝુંબેશના ભાગ રૂપે નહીં, સર્જકતાની અભિવ્યક્તિ રૂપે હતો. સમાનતાના ઊંચા આદર્શની દૃષ્ટિએ ઇચ્છનીય તો એ ગણાય કે પુરુષો ‘પુરુષાર્થ’ ન વાપરે, સ્ત્રીઓ ‘સ્ત્રીયાર્થ’ ન વાપરે અને બંને ‘મનુષ્યાર્થ’ જેવો કોઈ સર્વસામાન્ય શબ્દ અપનાવે — જેમ, ગુજરાતી ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના ટૂંકા ગાળાના તંત્રી-અવતાર દરમિયાન, ‘નિરીક્ષક’તંત્રીએ મહિલાઓના આત્મકથાનકની કૉલમ માટે ‘પ્રથમ પુરુષ એકવચન’ને બદલે ‘પ્રથમ વ્યક્તિ એકવચન’ જેવું શીર્ષક પ્રયોજ્યું હતું. (તેમના મતે, વ્યાકરણની દૃષ્ટિએ સ્ત્રી+અર્થ = સ્ત્ર્યર્થ વધુ યોગ્ય ગણાય.)

પરંતુ મનુષ્યાર્થ જેવું કંઈ તો થાય ત્યારે ખરું. ત્યાં સુધી ‘સ્ત્રીયાર્થ’ના આરંભે આક્રમક અસ્વીકાર અને પછી ઉલ્લાસભેર સ્વીકાર પાછળનું રહસ્ય, કોઈ પણ ભાષાપ્રેમીને કે સમાજના પ્રવાહોના વિદ્યાર્થીને મૂંઝવે એવું નથી?

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2021; પૃ. 24

Loading

ચોથી ઔદ્યોગિક ક્રાંતિ અને ગિગ ઇકોનૉમી

હેમન્તકુમાર શાહ|Opinion - Opinion|1 February 2021

પ્રસ્તાવના

ચોથી ઔદ્યોગિક ક્રાંતિ એટલે ભૌતિક (physical), ડિજિટલ અને જૈવિક (biological) જગતની સરહદો ભૂંસાઈ જવી તે. તેમાં કૃત્રિમ બુદ્ધિ (AI), રૉબોટિક્સ, ઇન્ટરનેટ ઑફ થિંગ્સ, થ્રીડી છાપકામ, જનીન – ઇજનેરી, ક્વૉન્ટમ ગણતરી અને એવી બીજી ટેક્નોલૉજીથી થતા વ્યવહારોનો સમાવેશ થાય છે. આ ક્રાંતિથી આપણે જે રીતે જીવીએ છીએ, કામ કરીએ છીએ અને એકબીજા સાથે જે વ્યવહાર કરીએ છીએ તેમાં મૂળભૂત ફેરફારો આવે છે. માનવજાતે ભૂતકાળમાં કદી અનુભવ્યા ના હોય તેવા બહોળા પ્રમાણમાં જટિલ રીતે પરિવર્તન આવી રહ્યું છે. ખાનગી ક્ષેત્ર, સરકાર અને નાગરિકસમાજ ત્રણેયે તેનો સંકલિત અને સર્વગ્રાહી પ્રતિભાવ આપવો પડે તેમ છે.

પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિમાં પાણી અને વરાળની શક્તિનો ઉપયોગ વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદન માટે થયો. દ્વિતીય ઔદ્યોગિક ક્રાંતિમાં વીજળીનો ઉપયોગ ઉત્પાદન માટે થયો. તૃતીય ઔદ્યોગિક ક્રાંતિમાં વીજાણુ સાધનો અને માહિતી ટેક્નોલૉજીનો ઉપયોગ થયો. ચોથી ઔદ્યોગિક ક્રાંતિ ત્રીજી ક્રાંતિના પાયા પર ઊભી છે. ચોથી ક્રાંતિમાં અનેક પ્રકારની ટેક્નોલૉજી ભેગી થઈ છે કે જે ભૌતિક (physical), ડિજિટલ અને જૈવિક (biological) જગતની સરહદો ભૂંસી નાખે છે. આ ક્રાંતિએ ઝડપ, કાર્યાવકાશ અને વ્યવસ્થાઓ પર તેના પ્રભાવની બાબતમાં મોટી અસરો ઊભી કરી છે. નવી ટેક્નોલૉજી અને નવી ચીજો અગાઉ કરતાં અનેક ગણી ઝડપથી બજારમાં આવતી જ જાય છે. દરેક દેશમાં અને અર્થતંત્રના એકેએક ક્ષેત્રમાં તથા વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદન, સંચાલન અને શાસનવ્યવસ્થામાં બહુ જ ઝડપથી તે વિક્ષેપ ઊભો કરે છે. 

મોબાઇલફોનથી કરોડો લોકો એકબીજાના સંપર્કમાં આવ્યા છે, તેઓ માહિતી પર પ્રક્રિયા કરવાની, તેનો સંગ્રહ કરવાની અને જ્ઞાન પ્રાપ્ત કરવાની અમર્યાદ તાકાત ધરાવે છે. ડ્રૉન, સ્વયંચાલિત કાર અને અનેક પ્રકારનાં સૉફ્‌ટવેર આવી ચૂક્યાં છે અને આવી રહ્યાં છે. આ બધું જ માનવજાતની સંસ્કૃતિ પર પ્રભાવ પાડે છે.

નવા સ્વરૂપના બજારમાં પડકારો અને તકો

ચોથી ઔદ્યોગિક ક્રાંતિથી વૈશ્વિક સ્તરે આવક વધી શકે છે અને જીવનની ગુણવત્તામાં સુધારો થઈ શકે છે. ગ્રાહકોને પોસાય તે ભાવે નવું ડિજિટલ જગત મળે છે, નવી વસ્તુઓ અને સેવાઓ ઉપલબ્ધ થાય છે કે જે અંગત જીવનમાં કાર્યક્ષમતા અને ખુશાલી વધારે છે. અનેક વસ્તુઓ અને સેવાઓ ખરીદવાનું ડિજિટલ થઈ ગયું છે. બજારમાં જેમ માંગપક્ષે ફેરફાર થયો છે તેમ પુરવઠાપક્ષે પણ ફેરફર થઈ શકે છે. ભવિષ્યમાં પરિવહન અને સંચારકર્મનું ખર્ચ ઘટી શકે છે અને ઉત્પાદકતા વધી શકે છે તેમ જ આંતરાષ્ટ્રીય અને દેશીય વ્યાપાર માટે થતું ખર્ચ ઘટી શકે છે.

બીજી તરફ, અર્થશાસ્ત્રીઓ બ્રિન્જોલ્સન અને એન્ડ્રુ મેકાફી કહે છે તેમ ચોથી ઔદ્યોગિક ક્રાંતિને લીધે આર્થિક અસમાનતા વધી શકે છે, કારણ કે શ્રમબજારમાં તે વિક્ષેપ ઊભો કરે છે. દુનિયાભરમાં ઑટોમેશન વધી રહ્યું છે, તેથી મૂડીને મળતું વળતર વધે છે અને શ્રમને મળતું વળતર ઘટે છે; એટલું જ નહિ પણ તે બે વચ્ચેનો તફાવત વધતો જાય છે. જો કે, જે નોકરીઓ સલામત છે, તેમાં વળતર વધે છે. કોનામાં કેટલી પ્રતિભા ટેક્નોલૉજીના સંદર્ભમાં છે તેના પર બધો આધાર રહે છે. ઉત્પાદનમાં પણ મૂડી કરતાં વ્યક્તિગત પ્રતિભાનું મહત્ત્વ વધી જાય એમ બને. ઓછી કુશળતા અને ઓછો પગાર તથા વધુ કુશળતા અને વધુ પગાર – એવી રીતે બે ભાગમાં શ્રમનું બજાર વહેંચાઈ જાય એમ બની રહ્યું છે. તેનાથી સામાજિક તનાવો વધશે.

નિષ્ણાતો એમ કહે છે કે ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં બૌદ્ધિક અને ભૌતિક મૂડી જેની પાસે છે, તેવા સંશોધકો, શૅરધારકો અને શોધકોને સૌથી વધુ લાભ થશે. તેને લીધે જ અસમાનતા વધી શકે છે. જેઓ મોટે ભાગે શારીરિક શ્રમ પર આધાર રાખે છે, તેઓ સમાજમાં નીચલી પાયરી પર જ રહેશે. અત્યંત કુશળતા ધરાવતા લોકોની માંગ વધારે છે અને ઓછી કુશળતા ધરાવતા લોકોની માંગ ઓછી છે. ધનવાન દેશોમાં પણ અસમાનતા વધી રહી છે તેનું કારણ એ જ છે. કામદારોની વાસ્તવિક આવક લગભગ સ્થિર થઈ રહી છે અને તેથી તેમનામાં ભારે અસંતોષની લાગણી જન્મી છે. દુનિયાની ૩૦ ટકા વસ્તી સામાજિક માધ્યમોનો ઉપયોગ કરે છે અને કામદારોનો અસંતોષ તેમાં છતો થાય છે. તેઓ માહિતીની આપલે કરે છે અને એકબીજાના સંપર્કમાં રહે છે. આને પરિણામે સંસ્કૃતિઓનું આદાનપ્રદાન વધ્યું છે, એકબીજા વિશેની જાણકારી વધી છે. જે ઝડપે નવી નવી શોધો થઈ રહી છે, નવી-નવી વસ્તુઓ બજારમાં આવી રહી છે અને તેને લીધે જે વિક્ષેપો ઊભા થઈ રહ્યા છે, તે સમજવાનું અને કે તેમની ધારણા કરવાનું પણ અઘરું થઈ પડ્યું છે. એ બધાની વેપારધંધાઓ પર મોટી અસર થઈ રહી છે.

સંશોધન અને વિકાસ, ખરીદ-વેચાણ અને વિતરણ માટેનાં ડિજિટલ પ્લૅટફૉર્મ વધી ગયાં છે અને ગુણવત્તા, ગતિ અને ભાવ પર તે અસર કરી રહ્યાં છે. ગ્રાહકોનું વર્તન બદલાઈ રહ્યું છે અને તેઓ તેમને સામાજિક માધ્યમો પર મળતી માહિતી પર વિશેષ આધાર રાખતા થયા છે. તે મુજબ વસ્તુઓ અને સેવાઓની ડિઝાઇન અને બજાર ગોઠવાય છે. આમ, ગ્રાહકોની અપેક્ષાઓ, ઉત્પાદનમાં વધારો, સહયોગી સંશોધન અને સંગઠનોનું સ્વરૂપ એ બધા ઉપર આ નવી ડિજિટલ ટેક્નોલૉજીની અસર થઈ રહી છે. ગ્રાહકો વધુ માહિતગાર બની રહ્યા છે, કારણ કે દરેક વસ્તુ કે સેવામાં નવું ડિજિટલ તત્ત્વ ઉમેરાયું છે. વ્યક્તિગત પ્રતિભા, સંસ્કૃતિ અને સંગઠનની વ્યાખ્યાઓ બદલાઈ રહી છે. તેને લીધે જ કંપનીઓના સંગઠનમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે. ઘરે બેઠા-બેઠા ઑફિસનું કામ કરવાની શક્યતાઓ વધે છે અને એ રીતે જાણે કે ઔપચારિક સંગઠનની આવશ્યકતા જ ઘટી જાય છે.

સરકારો પરની અસરો

ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં સરકારો પર મોટી અસરો નીચેની રીતે પડી રહી છે અથવા પડી શકે છે :

(૧) સરકારો માટે લોકો પર નિગરાની રાખવાનું બહુ સરળ બની ગયું છે. કારણ કે ડિજિટલ વ્યવહારોને લીધે સર્વેલન્સ વધી શકે છે અને માળખાગત સવલતો પર સરકારનો અંકુશ પણ વધી શકે છે. તેથી પોલીસ-રાજ ઊભું થવાની શક્યતાઓ વધી જાય છે. આ રીતે સરકારોમાં સરમુખત્યારી વલણોને વેગ મળે એમ પણ બને. લોકશાહી દેશોમાં પણ સરકારો વધુ ને વધુ સરમુખત્યાર વલણો અખત્યાર કરે એમ બની શકે છે.  

(૨) બીજી તરફ, નવી ટેક્નોલૉજી સરકારમાં લોકોની ભાગીદારી વધી શકે છે. સરકારે આ ભાગીદારી વધારવા માટે પ્રયાસ કરવો પડે અને ટેક્નોલોજીનો ઉપયોગ કરવો પડે. અમેરિકન પત્રકાર અને લેખક એલ્વિન ટોફ્‌લર દ્વારા ૧૯૮૦માં લખાયેલા પુસ્તક ‘The Third Wave’માં સેટેલાઇટ ટેક્નોલૉજી સાથે મહાત્મા ગાંધીનો વિકેન્દ્રિત સમાજ કેવી રીતે શક્ય બની શકે તેમ છે, તેની છણાવટ કરવામાં આવી છે. સરકારની નિર્ણયપ્રક્રિયામાં અને કાયદાના કે નિયમોના ઘડતરમાં લોકોની સામેલગીરી કેવી રીતે વધારવી તેના રસ્તા ડિજિટલ ટેકનોલૉજીને લીધે વધુ ખૂલી ગયા છે. સત્તાનું વિકેન્દ્રીકરણ આ રીતે શક્ય છે.

(૩) સામાજિક માધ્યમોએ લોકશાહીને વધુ વિકેન્દ્રિત કરી છે. દરેક વ્યક્તિ પોતાનો અભિપ્રાય અન્ય અનેક લોકો સુધી પહોંચાડી શકે છે કે જે અગાઉ અશક્ય હતું. સરકારોએ પણ આ અભિપ્રાયોને ધ્યાનમાં લેવા પડે છે. 

(૪) સરકારની યોજનાઓનો અમલ સારી રીતે થાય તેમાં સરળતા ઊભી થાય છે અને લાભાર્થીઓની સાચી ઓળખ શક્ય બને છે.

(૫) સરકાર વિશેની માહિતી બહુ ઝડપથી લોકો સુધી પહોંચે છે અને તેથી વધુ પારદર્શિતા ઊભી થાય છે. સરકારોએ બહુ ઝડપથી નવી ટેક્નોલૉજીને અપનાવવી પડે છે અને તેથી પણ પારદર્શિતા વધવી સંભવ બને છે. જો સરકારો આધુનિક ના બને તો તેમને લોકોના અસંતોષના ભોગ બનવું પડે છે. તેને માટે સરકારોએ નાગરિકસમાજ અને ઉદ્યોગ – જગત સાથે વધુ સંપર્કમાં રહેવું પડે છે.

(૬) રાજ્યની અને લોકોની સલામતીના ખ્યાલમાં સાયબર-સલામતીનો ખ્યાલ પ્રવેશ્યો છે. યુદ્ધ અને તેની સાથે સંબંધિત વ્યૂહરચનાઓમાં પણ સાયબર-સલામતી અને સાયબર-હુમલાના ખ્યાલો વધુ મજબૂત બનતા જાય છે.

લોકો પરની અસરો

ચોથી ઔદ્યોગિક ક્રાંતિ આપણે બજારમાં ગ્રાહક તરીકે અને રાજ્યમાં નાગરિક તરીકે શું કરીએ છીએ તેને જ બદલે છે, એવું નથી પણ આપણે ખરેખર શું છીએ તેને વિશેના ખ્યાલો પણ બદલે છે. તે આપણી ઓળખ અને તેની સાથે જોડાયેલા પ્રશ્નોને પણ અસર કરે છે. અંગતતા વિશેના ખ્યાલો અને તેના અધિકારોને પણ તે બાબત સ્પર્શે છે. કામ કરવાની શૈલી તથા પદ્ધતિ, ચીજવસ્તુઓના વપરાશની તરાહ, આરામ માટેનો સમય કેવી રીતે વિતાવીએ છીએ તે, આપણી કારકિર્દી ઘડવાની અને કુશળતા વિકસાવવાની તૈયારી, લોકોને મળવાની અને લોકો સાથે સંપર્કમાં રહેવાની તથા સંબંધો નિભાવવાની આપણી ઇચ્છા અને શૈલી વગેરે તમામ બાબતોને એ અસર કરે છે. આપણા આરોગ્ય ઉપર અને બીમારીમાં થતી સારવાર ઉપર પણ આ નવી ટેક્નોલૉજી અસર કરે છે. આયુષ્ય, આરોગ્ય, બોધાત્મક અને શારીરિક ક્ષમતા વગેરે બદલાય છે અને તેથી નૈતિકતાના ખ્યાલો બદલાય છે.

પરસ્પર હળવામળવાની આપણી રીતો અને સહકાર સાધવાની આપણી જીવનશૈલી ઉપર તે અસર કરે જ છે. ચિંતન અને મનન જાણે કે દૂરની અને અલભ્ય ચીજો બની જાય છે. પ્રેમ અને લાગણીઓને તે ટેક્નિકલ બનાવે છે અને સાથે સાથે વિશ્વાસભંગ કરવો અને દગો દેવો એ સામાન્ય ઘટના બની જાય છે, કારણ કે માનવસંબંધો અવૈયક્તિક બને છે. મનુષ્યો વધુ ને વધુ ક્રૂર અને ઘાતકી બની રહ્યા છે કે શું? તેથી જુઠ્ઠાણાં પર અપાર વિશ્વાસ કરવો, અસત્ય આચરનારની ભક્તિ કરવી અને તેને આધારે પોતાની જિંદગીને આકાર આપવો એ સામાન્ય બાબત બની ગઈ છે. પ્રેમ અને દગો બંને ટેક્નિકલ બની ગયાં છે. 

કદાચ સૌથી મહત્ત્વનો પ્રશ્ન અંગતતાના અધિકાર(right to privacy)નો છે. આપણા પોતાના વિશેની માહિતી પર આપણો પોતાનો કોઈ અંકુશ રહ્યો નથી અને રાજ્ય એની કોઈ ખાતરી આપવા માટે પણ મોટે ભાગે તૈયાર નથી. રાજ્ય જ વ્યક્તિઓ પર નિગરાની રાખે છે અને જાસૂસી કરે છે એવું નથી પણ માહિતી ટેક્નોલૉજીએ ખાનગી વ્યક્તિઓ અને સંસ્થાઓ માટે પણ બીજા લોકોની જાસૂસી કરવાનું શક્ય બનાવી દીધું છે. સરકારી કે ખાનગી રાહે ફોન હેકિંગ એ જાણે કે સામાન્ય બાબત બની ગઈ છે. તેને પરિણામે લોકોમાં ડર જન્મે છે અને તેઓ પોતે સ્વતંત્રતા ભોગવી શકતા નથી.

બજાર આ નવી ટેક્નોલૉજીથી અસમાનતા વધારે તો રાજ્ય તે દૂર કરવા માટે પ્રયાસ કરવો પડે. ટેક્નોલૉજી માણસ માટે છે, માણસ ટેક્નોલૉજી માટે નથી એ ત્યારે જ સમજાય કે જ્યારે આપણે ટેકનોલૉજીને માનવમૂલ્યોની દૃષ્ટિએ તટસ્થ ના સમજીએ. જોખમો અને તકોથી ભરપૂર એવી આ નવી ટેક્નોલૉજી જો માનવ-અધિકારોને મહત્ત્વ ના આપે તો તે વધુ ને વધુ અસમાનતા, અન્યાય અને પર્યાવરણનું ધોવાણ સર્જશે તથા તે નાનાં કે મોટાં વિનાશક યુદ્ધો તરફ દોરી જશે.

જો કે, એવી કોઈ ટેક્નોલૉજી હોઈ શકે નહિ કે જેના પર મનુષ્યનો અંકુશ ના હોય કે અંકુશ ના રહી શકે. ટેક્નોલૉજી પેદા કરનાર મનુષ્ય છે અને મનુષ્ય જ તેનાથી અંકુશિત થઈ જાય તે તો તેની ઇચ્છા વિના શક્ય ના બને. એટલે રાજ્યમાં નાગરિકો તરીકે તથા બજારમાં ગ્રાહકો અને રોકાણકારો તરીકે જે નિર્ણયો આપણે લઈશું, અને સમાજમાં માનવસંબંધો અંગે જે વ્યવહાર કરીશું તે જ ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં મનુષ્યની જીવનશૈલીને નક્કી કરશે.

ગિગ ઇકોનૉમી

‘ગિગ ઇકોનૉમી’ શબ્દસમૂહ સામાન્ય રીતે એવી કાર્યસ્થિતિ માટે વાપરવામાં આવે છે કે જેમાં મજૂરો કે કર્મચારીઓ કોઈક કંપની, સંગઠન કે સરકાર માટે ટૂંકા ગાળા માટે કામ કરે છે કે હંગામી કરાર પર કામ કરે છે. ડિજિટલ અર્થતંત્રમાં દરેક વ્યક્તિ સાથે કામ માટે સ્વતંત્ર કરાર કરવા એ કંપનીઓ માટે સામાન્ય બાબત બની ગઈ છે. ટેક્નોલૉજી પ્લૅટફૉર્મ્સ પર આ ‘ગિગ ઇકોનૉમી’ વધુ કામ કરે છે. આમ, ‘ગિગ ઇકોનૉમી’માં કામનું સ્વરૂપ બદલાઈ ગયું છે અને કામનું પરંપરાગત સ્વરૂપ પરિવર્તન પામ્યું છે. એક અભ્યાસ એમ કહે છે કે અમેરિકામાં ૨૦૨૦ સુધીમાં ૪૩ ટકા કામદારો કે કર્મચારીઓ આ રીતે કરાર આધારિત ટૂંકા સમયનું સ્વતંત્ર કામ કરનારા હશે. યુરોપીય સંઘના ૧૪ દેશોમાં ૨૦૧૭માં ૯.૭ ટકા કામદારો આ રીતે કરાર પર જુદું-જુદું કામ કરીને આવક રળતા હતા. દુનિયાના અનેક દેશોમાં ડિજિટલ અર્થતંત્રને પરિણામે આ પદ્ધતિ દાખલ થઈ રહી છે. દરેક વ્યક્તિને તેનું નિશ્ચિત કામ સોંપવામાં આવે છે અને તે કામપૂરતું જ તે વ્યક્તિ જે-તે સંગઠન કે કંપની કે સરકાર સાથે જોડાય છે. ‘ગિગ’નો અર્થ છે વ્યક્તિગત કામ કે સોંપવામાં આવેલું કામ. ‘ગિગ ઇકોનૉમી’નાં લક્ષણો નીચે મુજબ છે :

(૧) મજૂરો કે કર્મચારીઓ ક્યાં ય કોઈ આર્થિક સાહસ કે એકમમાં કાયમી ધોરણે કામ કરતા નથી. બધે જ કરાર આધારિત કામથી જ જોડાય છે.

(૨) વ્યક્તિની કુલ આવકમાં કોઈ એક કામમાંથી થતી આવકનો ફાળો નજીવો હોય છે. આવાં નાનાં નાનાં અનેક કામો કરીને વ્યક્તિ તેની આવક રળે છે કે જે તેની કાયમી નોકરીના કામમાંથી મળતી આવક જેટલી થઈ જાય કે ના પણ થાય.

(૩) કંપનીઓને કાયમી કર્મચારી તરીકેના લાભ વ્યક્તિને આપવા પડતા નથી. એટલે કે સાપ્તાહિક રજા, પ્રોવિડન્ટફંડની કપાત, ઈજાના સંદર્ભમાં વળતર કે પેન્શન જેવા કોઈ પણ લાભ કામદારને આપવામાંથી કંપનીને મુક્તિ મળે છે. પરિણામે કંપનીનું વહીવટી કામ ઘટી જાય છે. કંપનીનો નફો વધવાની સંભાવના પણ તેથી વધી જાય છે.

(૪) વ્યક્તિને કામમાં લવચીકતા મળે છે, તે પોતાની ઇચ્છા અને સમય અનુસાર કામ મેળવે છે અને પોતાને અનુકૂળ હોય તે સમયે કામ કરે છે. કામ દિવસના કયા સમયે કરવું તે વ્યક્તિ જાતે નક્કી કરે છે. જેઓ સ્વતંત્ર રીતે કામ કરવા માગે છે, તેમને આ વ્યવસ્થા વધુ અનુકૂળ આવે છે. જો કે, વ્યક્તિએ જુદાં-જુદાં કામો વચ્ચે સંકલન કરવું પડે છે અને બધાં કામો સમયસર પૂરાં થાય તે માટે ધ્યાન આપવું પડે છે.

(૫) કરારમાં નિશ્ચિત કરેલા કામ માટે નિશ્ચિત કરેલી રકમ કામદારને કે કર્મચારીને કંપની તરફથી મળે છે.

(૬) આવકમાંથી વેરો ચૂકવવાની જવાબદારી વ્યક્તિની પોતાની હોય છે. કંપની કે કોઈ આર્થિક એકમ તે જવાબદારી લેતાં નથી.

(૭) જ્યારે કોઈ કર્મચારી કે કામદાર કોઈક સંગઠન સાથે કાયમી ધોરણે જોડાતા નથી, ત્યારે તેમની સંગઠન પ્રત્યે કોઈ જવાબદારીની ભાવના પેદા થતી નથી કે તેમની કોઈ વફાદારી પણ પેદા થતી નથી.

(૮) કોઈ પણ કંપની કોઈ કામદાર પર અમુક કામ કરવા માટે ફરજ પાડી શકતી નથી. કામદારને તે કામ અનુકૂળ હોય તો જ તે કામ કરવાનું સ્વીકારે છે.

(૯) કોઈ પણ કંપની કે સંગઠન કે સરકાર  કોઈ પણ નિષ્ણાત વ્યક્તિ પાસેથી ગમે ત્યારે કરાર આધારિત કામ લઈ શકે છે. તેને લીધે ખર્ચ ઘટે છે અને છતાં કુશળ વ્યક્તિની સેવાઓ પ્રાપ્ત થાય છે.

(૧૦) કામની ઝડપ વધે છે. વસ્તુઓ અને સેવાઓ ઝડપથી ઉત્પન્ન થાય છે અને કાર્યક્ષમતાથી એટલે કે ઓછા ખર્ચે પેદા થાય છે. 

(૧૧) ‘ગિગ ઇકોનૉમી’માં કામદાર કે કર્મચારી માટે કામની કોઈ સલામતી નથી, તેથી તેના માથે સતત અસલામતીની તલવાર લટકતી રહે છે. પણ કોઈક કામ બંધ થાય, તો કોઈક કામ ચાલુ રહે છે અથવા નવું કામ મળે છે અને તેથી બધી આવક ગુમાવવાનો વારો આવતો નથી.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2021; પૃ. 20-22

Loading

ચલ મન મુંબઈ નગરી—81

દીપક મહેતા|Opinion - Opinion|31 January 2021

મુંબઈ : રોજ નવી આકૃતિ, નવી ભાત, નવા રંગ, નવું ચિત્ર

જ્યારે મુંબઈમાં ગેસ અને વીજળીના દીવા સંપીને રહેતા

વિખ્યાત અમેરિકન લેખક માર્ક ટ્વેને મુંબઈમાં શું જોયું?

સાંજ ઢળી ચૂકી છે. હમણાં આવું છું, આવું છું હોં, એમ કહી અંધારું જાણે ધમકાવી રહ્યું છે. છ-સાત વરસની ઉંમરનો એક છોકરો તેની જમણી બાજુ નજર ખોડીને ઊભો છે. એ રહે છે ગિરગામ રોડ અને દાદીશેઠ અગિયારી લેનના નાકા પર આવેલા એક મકાનના ચોથે માળે. સીધી લાઈનમાં આવેલા ચાર રૂમ. ચારે રૂમને જોડતી ૪૦-૫૦ ફૂટ લાંબી લાકડાના કઠેરાવાળી ગેલેરી. એ ગેલેરીમાં ઊભા રહીને આ રીતે રોજ સાંજે ઊભા રહેવાની એ છોકરાને ટેવ. ના, કહો કે વળગણ. પણ કેમ? એ બાજુ દૂર પહેલો ગેસનો દીવો પ્રગટે એ જોઈને રોજ છોકરો રાજીનો રેડ થઈ જાય. પોતડી પહેરેલો એક માણસ દોડતો દોડતો આવતો હોય. એના હાથમાં એક લાંબો વાંસ. એની ટોચ પર એક હૂક અને એક સળગતી જામગરી. હૂકની મદદથી થાંભલા પરના કાચના ફાનસનું બારણું ઉઘાડે. પછી ઝડપથી જામગરી ચાંપે. અને ગેસ લાઈટ ઝગમગી ઊઠે. ફરી હૂકની મદદથી ફાનસનું બારણું બંધ કરે. ફરી દોડવા લાગે. બીજો થાંભલો, ત્રીજો, ચોથો … એક પછી એક ગેસ લાઈટ ઝગમગતી થાય. આખી દાદીશેઠ અગિયારી લેન ઝળાંહળાં. એ વખતે પેલા છોકરાને કોઈએ પૂછ્યું હોત કે મોટો થઈને તું શું થઈશ? તો તેણે જવાબ આપ્યો હોત : રોજ સાંજે ગેસ લાઈટ સળગાવનાર જામગરીવાળો થઈશ. મોટો થઈને એ છોકરો જામગરીવાળો તો ન થયો, પણ આજે તેને વિષે લખતો તો થયો. આ વાત ૧૯૪૫-૪૬ના અરસાની. એ વખતે મુંબઈના રસ્તા બે ભાગમાં વહેંચાયેલા : એક, ઇલેક્ટ્રિક સ્ટ્રીટ લાઈટવાળા મોટા, ધોરી રસ્તા. અને બીજા, ગેસ લાઈટવાળી ‘લેન’ કહેતાં ગલ્લીઓ. બંને પ્રકારનાં અજવાળાં અડખેપડખે સંપીને રહે. બંનેનો પ્રકાશ તો આછો પીળો. હા, એકનો થોડો ઝાંખો.

ગેસ લાઈટનું અજવાળું પાથરનાર

૧૮૬૨ની સાલમાં મુંબઈ સરકારે બોમ્બે ગેસ કંપનીની શરૂઆત કરી. ૧૮૬૫માં આર્થર ક્રાફર્ડ મુંબઈના પહેલા મ્યુનિસિપલ કમિશનર બન્યા. હા, આ એ જ ક્રાફર્ડ, જેમના નામની ક્રાફર્ડ માર્કેટ પછીથી બની. તેમને થયું કે બ્રિટિશ સામ્રાજ્યનું મોખરાનું મુંબઈ જેવું શહેર, પણ એમાં સ્ટ્રીટ લાઈટ ઘાસલેટની? એટલે તેમણે બોમ્બે ગેસ કંપનીને કહ્યું કે આ અંગે કોઈક યોજના વિચારો. એટલે ૧૮૬૬માં કંપનીએ કોલસો વાપરીને ગેસ બનાવવાનો પ્લાન્ટ પરેલ ખાતે નાખ્યો. ત્યાં પેદા થયેલા ગેસના દીવા સૌ પહેલાં નખાયા ત્રણ રસ્તા પર. પહેલો, એસ્પ્લનેડ રોડ, એટલે કે આજનો મહાત્મા ગાંધી રોડ. બીજો ચર્ચગેટ સ્ટ્રીટ કહેતાં વીર નરીમાન રોડ. અને ત્રીજો વિસ્તાર તે ભીંડી બજાર. ૧૮૬૫ના ઓક્ટોબરની સાતમી તારીખ, શનિવાર. સવારથી લોકો આતુર હતા, એક કૌતુક જોવા માટે. પહેલેથી ધાર્યું હતું કે આ નવી નવાઈ જોવા લોકો ઊમટી પડશે. એટલે ભર બપોરે આ ત્રણે રસ્તા પર ગેસના દીવા સળગાવવાનું શરૂ કર્યું હતું. બીજા દિવસના ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’માં પ્રગટ થયેલા અહેવાલ પ્રમાણે આ લાઈટ સળગાવનારો જેમ જેમ આગળ વધતો હતો તેમ તેમ લોકોનાં ટોળાં તેની પાછળ પાછળ જતાં હતાં. ત્રણે રસ્તા ઉપર બધું મળીને ૧૩૩ ગેસ લાઈટ ગોઠવી હતી. લોકોને આ નવી નવાઈ એટલી તો પસંદ પડી ગઈ કે ઘણા પૈસાદાર શેઠોએ સુશોભિત, નકશીદાર થાંભલા અને ફાનસ મ્યુનિસિપાલિટીને ભેટ આપ્યાં. આમાંનાં કેટલાંક આજ સુધી યાદગીરી રૂપે સાચવી રાખવામાં આવ્યાં છે. આવો એક સુશોભિત ગેસ લાઈટ સાથેનો થાંભલો ગેટ વે ઓફ ઇન્ડિયા પાસે જોવા મળે છે. ૧૮૭૪ સુધીમાં મુંબઈ શહેરમાં કુલ ૨,૪૧૫ ગેસની સ્ટ્રીટ લાઈટ હતી, જેમાંની ૭૨ તો ક્વીન્સ રોડ, આજનો મહર્ષિ કર્વે રોડ, પર હતી.

સાપ ગયા ને લિસોટા રહી ગયા: ગેસ કંપની લેન

આ ગેસ કંપની નાનાંમોટાં કારખાનાંને પણ ગેસ પૂરો પાડતી. બે પાંદડે સુખી હોય તેવા કેટલાક લોકોના ઘરમાં પણ ગેસના ચૂલા રસોઈ માટે વપરાતા. પણ આમાં બે મુશ્કેલી હતી. પહેલી એ કે કોલસા બાળીને ગેસ મેળવતા હતા એટલે તેનું દબાણ એક સરખું રહેતું નહિ, તેમાં વધઘટ થયા કરતી. પણ વધુ મોટી સમસ્યા એ કે પરેલ અને તેની આસપાસના વિસ્તારોમાં ઝેરી હવા ફેલાતી થઈ. વળી એ જ વિસ્તારમાં હતી સંખ્યાબંધ કાપડ મિલો. તેમાંથી ઊડતી રૂની રજકણો અને ગેસ પ્લાન્ટમાંથી નીકળતી પ્રદૂષિત હવા. બન્નેએ એ વિસ્તારના લોકોનું જીવવાનું ઝેર કરી નાખ્યું. પ્રખ્યાત મરાઠી કવિ દિલીપ ચિત્રે તેમના જાણીતા કાવ્ય ‘ચિંચપોકળીનું દ્રશ્ય’માં કહે છે :

સિલિંગ ફેન

ઘરઘરાટી કરતો ફરી રહ્યો છે,
છતાં મને પરસેવો થતો રહે છે.
હું શ્વાસમાં લઉં છુ બોમ્બે ગેસ કંપનીએ
છોડેલો સલ્ફર ડાયોક્સાઈડ ગેસ
જેમાં ભળેલા છે કપાસના રેસા
અને કાર્બનના કણ આસપાસની
કાપડ મિલોમાંથી ઠલવાતા.
પણ હા, આ જ મિલો લાખો લોકોને
લંગોટી માટેનું કાપડ પૂરું પાડે છે.

પછી ૧૮૮૨માં મુંબઈમાં પહેલી વાર વીજળીના દીવા આવ્યા. એક ખાનગી કંપનીએ ક્રાફર્ડ માર્કેટને અજવાળવા માટે ત્યાં ખાસ જનરેટર ગોઠવ્યું. એ વખતે ક્રાફર્ડ માર્કેટ એ મુંબઈનું એક માત્ર જથ્થાબંધ બજાર. એ જ વરસે ગોંડળના મહારાજા ભગવતસિંહજીએ મુંબઈની મુલાકાત લીધી ત્યારે તેઓ ખાસ ક્રાફર્ડ માર્કેટ જોવા ગયા હતા અને ત્યાં વીજળીના દીવાની રોશની જોઈ એટલા તો પ્રભાવિત થયા હતા કે તેમણે પોતાના રાજ્યમાં એવા દીવા ગોઠવવાનું નક્કી કર્યું હતું. પણ આ અજવાળું તો ચાર રાતની ચાંદની પુરવાર થયું. થોડા વખત પછી પેલી ખાનગી કંપની ફડચામાં ગઈ. એટલે ઇસ્ટર્ન ઇલેક્ટ્રિક લાઈટ એન્ડ પાવર કંપનીએ કામ હાથમાં લીધું. પણ થોડા વખતમાં તેણે પણ દેવાળું કાઢ્યું. અને ફરી ગેસને ઠામે ગેસ ઠરી રહ્યો.

પણ વાઘ એક વાર લોહી ચાખી જાય પછી છોડે નહિ. વીજળી પૂરી પાડનાર કંપની નથી તો શું થયું? આપણે પોતાનું જનરેટર વસાવીને વીજળી મેળવીએ. ૧૮૯૦થી કેટલાક તવંગર લોકોનાં ઘર, કેટલીક હોટેલ, કેટલાંક કારખાનાં પોતાનું જનરેટર વસાવીને વીજળી વાપરવા લાગ્યાં. ૧૯૦૩માં ગેટ વે ઓફ ઇન્ડિયાની સામે તાજ મહાલ હોટેલની ઇમારત બંધાઈ ત્યારે તેમાં ઇલેક્ટ્રિક લાઈટની વ્યવસ્થા કરવામાં આવી હતી. એટલે ઉદ્ઘાટનના દિવસે તે ઈમારત વીજળીના દીવાથી ઝગમગી ઊઠી. આ માટે તેના બગીચામાં વરાળથી ચાલતું જનરેટર રાખવામાં આવ્યું હતું. અગાઉ કોઈ જાહેર મકાનમાં આ રીતે વીજળીનો ઉપયોગ થયો નહોતો. પણ ન કરે નારાયણ, ને વીજળી ગુલ થઈ જાય તો? એટલે દરેક રૂમમાં સાથોસાથ ગેસના દીવા પણ લગાડ્યા હતા! એ વખતે તાજ મુંબઈની સૌથી મોંઘી હોટેલ હતી. એનું ભાડું કેટલું હતું ત્યારે? ઓછામાં ઓછું ભાડું હતું દિવસના છ રૂપિયા, જે અંગ્રેજો કે દેશી અમીરોને જ પોસાતું!

BEST કંપનીનું પાવર સ્ટેશન

મુંબઈનાં લોકો, ઉદ્યોગો, વાહન-વ્યવહાર વગેરે માટે વીજળીની જરૂરિયાત કૂદકે ને ભૂસકે વધતી જતી હતી. તેને ધ્યાનમાં લઈને મુંબઈ મ્યુનિસિપાલિટીએ ૧૯૦૫માં બોમ્બે ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રામવેઝ નામની બ્રિટિશ કંપનીને શહેરને વીજળી પૂરી પાડવાનો પરવાનો આપ્યો. તેણે પોતાનું થર્મલ (કોલસાથી ચાલતું) પાવર સ્ટેશન શરૂ કર્યું અને મુંબઈમાં ઇલેક્ટ્રિક ટ્રામની શરૂઆત કરી. ૧૯૦૭ના મે મહિનાની ૭મી તારીખે સાંજે સાડા પાંચ વાગે મ્યુનિસિપાલિટીના મુખ્યાલય સામેથી શરૂ થઈને આ ટ્રામ ક્રાફર્ડ માર્કેટ પહોંચી. ત્યાં થોડી વાર રોકાઈને પાછી ફરી. તે સાંજે ઘોડાથી ચાલતી ટ્રામનો સૂરજ મુંબઈમાં આથમ્યો.

શરૂઆતની ઇલેક્ટ્રિક ટ્રામ

પણ આ કંપની જે વીજળી પેદા કરતી હતી તે લગભગ બધી ટ્રામ ચલાવવા પાછળ વપરાઈ જતી હતી. અને શહેરની વીજળી માટેની ભૂખ તો રોજ વધતી જતી હતી. ૧૯૦૭ના ઓક્ટોબરમાં સર જ્યોર્જ ક્લાર્ક મુંબઈના ગવર્નર બન્યા. તેમના ધ્યાનમાં આ વાત આવી અને તેમણે તે જ વરસે મુંબઈ શહેરને વીજળી પૂરી પાડવા માટે હાઈડ્રોલિક (પાણીથી ચાલતું) પાવર સ્ટેશન શરૂ કરવાનો પરવાનો તાતા પાવર કંપનીને આપ્યો. ૧૯૧૫માં તેના ખપોલી પાવર પ્લાન્ટમાં વીજળીનું ઉત્પાદન શરૂ થયું અને ૪૩ માઈલ લાંબી ટ્રાન્સમિશન લાઈન દ્વારા એ વીજળી મુંબઈ પહોંચાડવામાં આવી. જો કે એ વખતે એ વીજળી માત્ર મોટા ઉદ્યોગોને જ પૂરી પાડવાની મંજૂરી એ કંપનીને મળી હતી. પણ આ ખાનગી સાહસને એટલી તો સફળતા મળી કે ૧૯૨૫માં BEST કંપનીએ પોતાનો થર્મલ પાવર પ્લાન્ટ બંધ કર્યો અને તાતા પાસેથી જ વીજળી ખરીદવાનું શરૂ કર્યું! એટલે શહેરને વીજળી પૂરી પાડવાની તેને અપાયેલી મોનોપોલી રદ્દ થઈ અને હવે મુંબઈનાં ઘરોને, નાનાં કારખાનાંઓને, બીજી હર કોઈ જરૂરિયાત માટે વીજળી પૂરી પાડવાનો માર્ગ તાતાની કંપની માટે ખૂલી ગયો. ૧૯૦૫માં તેના ઘરાકોની સંખ્યા ૧૦૭ની હતી, તે વધીને ૧૯૩૫ સુધીમાં ૬૫,૪૧૨ સુધી પહોંચી ગઈ.

૧૯૫૦માં BEST કંપનીએ શહેરમાંના ગેસના બધા દીવા કાઢીને તેની જગ્યાએ વીજળીના દીવા મૂકવાનું શરૂ કર્યું. અને એક અણધારી વાત બની. મુંબઈના લોકોએ તેનો વિરોધ કર્યો. ઘણાને માટે ગેસના દીવાની તોલે વીજળીના દીવા ન આવે. એટલે BEST કંપનીએ શું કર્યું? શહેરનાં મુખ્ય જન્કશનો પર ગેસના અને વીજળીના દીવા અડખે પડખે ગોઠવ્યા – જુદા જુદા રંગના, વધતા-ઓછા અજવાળું આપતા દીવા. નીચે થાંભલા પર મત પેટીઓ મૂકી અને લોકોને બેમાંથી એક પ્રકારના દીવાને મત આપવા વિનંતી કરી. અને અ ચૂંટણીમાં ગેસના દીવા હાર્યા, વીજળીના દીવા જીત્યા. પછી થોડા જ વખતમાં મુંબઈના રસ્તાઓ પરથી ગેસના દીવા ગુલ થઈ ગયા.

૧૯૦૩માં તાજ મહાલ હોટેલના ઉદ્ઘાટનની જાહેર ખબર

વિખ્યાત અમેરિકન લેખક માર્ક ટ્વેન ૧૮૯૬માં વિશ્વ પ્રવાસે નીકળ્યા હતા. તે દરમ્યાન તેઓ મુંબઈ પણ આવ્યા હતા અને વોટસન હોટેલમાં રોકાયા હતા. ૧૮૬૭-૧૮૬૯ દરમ્યાન કાળા ઘોડા નજીક બંધાયેલી આ હોટેલ એ જમાનામાં મુંબઈની સર્વોત્તમ હોટેલ મનાતી હતી. મકાન બંધાઈ રહ્યા પછી રૂમોને સજાવવામાં ઘણો વખત ગયો, એટલે તેનું ઉદ્ઘાટન છેક ૧૮૭૧ના ફેબ્રુઆરીની ચોથી તારીખે થયું. સ્વદેશ પાછા ફર્યા પછી ૧૮૯૭માં માર્ક ટ્વેને આ વિશ્વ પ્રવાસનું વર્ણન કરતું પુસ્તક લખ્યું હતું, ‘ફોલોઇંગ ધ ઇક્વેટર’. તેમાં મુંબઈ વિષે તેમણે લખ્યું છે : ‘આજે, સ્થળ અને સમય, બંનેની દૃષ્ટિએ હું મુંબઈથી ઘણો દૂર આવી ગયો છું. છતાં મુંબઈનો વિચાર કરું છું ત્યારે જાણે હું કલાઈડોસ્કોપમાં ક્ષણે ક્ષણે બદલાતી આકૃતિઓ જોતો હોઉં એવું લાગે છે. કાચના ટુકડાનો આછો ખખડાટ સંભળાય છે. એક આકૃતિ, એક ભાત, એક ચિત્ર, રચાય છે, અને બીજી પળે તો બદલાઈ જાય છે. ફરી નવું ચિત્ર, ફરી નવું, ફરી … નવું કૌતુક, નવો આનંદ. સપનામાં જોયેલી આકૃતિઓની જેમ ઝડપથી રચાય છે અને ઝડપથી ઓગળી જાય છે. હું ત્યાં થોડા દિવસ રહ્યો હતો, પણ આજે જ્યારે આંખ સામેથી પસાર થતાં એ ચિત્રો જોઉં છું ત્યારે લાગે છે કે મુંબઈનો મારો અનુભવ માંડ એકાદ કલાકનો હતો.’ મુંબઈનું કોઈ નવું ચિત્ર, નવું કૌતુક, નવી આકૃતિની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 30 જાન્યુઆરી 2021

Loading

...102030...2,0102,0112,0122,013...2,0202,0302,040...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved