Opinion Magazine
Number of visits: 9735502
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સુખવટો

અનિલ વ્યાસ|Opinion - Short Stories|23 February 2026

હેમેન્દ્ર બારણા વચ્ચે ઊભો હતો. છેલ્લે સાત મહિના પહેલા જોયો એના કરતાં સુકાયો હતો. ઢીલું ચોળાયેલું શર્ટ, વધેલી દાઢી ને વિસ્ફારિત આંખો!

ક્ષણમાત્રમાં એ ઓળખાઈ પણ સામે વસુધા ઊભી છે, મનાતું નહોતું. અવઢવ વચ્ચે વસુધાએ અંદર આવવા પગ ઉપાડ્યો, એમ કરતાં એના ગળામાં લટકતું મંગળસૂત્ર હલીને સ્થિર થઈ ગયું. હેમેન્દ્ર ખસ્યો નહિ એટલે એણે પૂછ્યું,

‘અંદર આવું કે જતી રહું?’

એ ખસ્યો. વસુધા સાવચેતીપૂર્વક અંદર પ્રવેશી. બંધ વજનદાર પડદાઓ, સોફા પર આમતેમ ફંગોળાયેલાં મેગેઝીન, ટેબલ નીચે ઢગલો થઈ પડેલાં અખબાર અને ડાબે ખૂણે પડેલો લેંઘો …

‘પરદો ઉઘાડું.’ કહેતાં હેમેન્દ્રએ પડદો ખસેડ્યો. અજવાળું ધસી આવ્યું અને જૂની ચોપડીઓની ગંધથી હવા બદલાઇ. પોતાની ફરકતી આંગળીઓ શર્ટની ચાળમાં સંતાડવાની વ્યર્થ,  કાનમાં બોલતી હોય એમ એનો અવાજ સળવળીને રહી ગયો. 

વર્ષોનું વજન, ઝઘડાઓ, આક્ષેપો, રડારડ, તિરસ્કારની પીડા અને એનું ઘર છોડી જવું! સઘળું વજનદાર પડદાઓ માફક વચ્ચે પથરાયેલું રહ્યું. 

‘કંઈ કામ હતું?’. એને સમજાતું નહોતું કે એ શું અનુભવતી હતી? હેમેન્દ્ર સામે જોતાં થયું આ એ માણસ છે, જેને જાત સાથે જોડી રાખ્યો હતો?. ઊંડો શ્વાસ લેતાં પૂછ્યું,

‘એ દિવસે જ્યારે મેં તમને શેરીમાં જોયા ત્યારે તમે શું કામ નાસી ગયા હતા?’

‘બીજું શું કરવું? થયું કે, હું નજર સામેથી ખસી જઈશ તો તને સારું લાગશે.’

એક લગ્ન પ્રસંગે વસુધા સુરેન્દ્રનગર આવી હતી.  હૉલ નજીક આવી ત્યારે સામેથી આવતા એક પુરુષ પર નજર પડી. દૂર હતો છતાં ઓળખતા વાર ન લાગી. એ? 

હેમેન્દ્ર સહેજ બદલાયો હતો પણ, પોતાનું માણસ ઝટ ઓળખાયા વગર કેમ રહે?  ‘હેમેન્દ્ર …’ બંનેની નજર એક થઈ કે એ દોડીને બાજુની ગલીમાં વળી ગયો. ફરી એકવાર આમ ઊભડક મૂકીને નાસી છૂટ્યો.

પછી લગ્નમાં મન લાગ્યું નહોતું. રાત્રે ઘરની બહાર લીમડા નીચે રડી પડી. ડૂસકું ન નીકળી જાય કે મોટા અવાજે ન રડી પડાય એમ આંસુ સારતી રહી. ધીમે ધીમે ડૂમો ઓગળી ગયો. એમને શોધી કાઢીશ,પૂછીશ … શું સમજો છો મને? કોલર પકડીને ઝંઝેડી નાખીશ. યાદ આવતાં વસુધાના જડબા ભીંસાયા.

‘તમે મને કેવી રીતે શોધી કાઢ્યો?’ હેમેન્દ્રએ દબાયેલા સ્વરે પૂછ્યું.

‘એ દિવસ. પછી મેં બેંકમાં તપાસ કરી. થોડી ઓળખાણ અને ઉપરી અધિકારીઓને કરગરી તમારા દાર અને હયાતના પ્રમાણપત્રમાંથી સરનામું મેળવ્યુ.’ હેમેન્દ્ર નીચું જોઈ ગયો. તેના હાથ હજી ધ્રુજતા હતા. બોલ્યો, ‘સારું થયું તું આવી.’

વસુધાએ પોતાની લાગણીઓ સ્થિર કરવાનો પ્રયાસ કર્યો. એ કશું બોલવા ગઈ પણ બોલાયું નહીં. હેમેન્દ્રના ચહેરા પર તરવરતી સૂક્ષ્મ અવરજવર ઉકેલવા મથી ત્યાં હેમેન્દ્ર બોલ્યો,

‘મેં વિચાર્યું નહોતું કે આપણે આવી રીતે મળીશું.’

‘કેમ? હું આવી એ તમને ના ગમ્યું?’

‘ગમતું સદા મળે એવું હોતું નથી, વસુધા.’ 

‘એવું સમજો છો તો ભાગતા કેમ ફરો છો?’

ગમતું સાચવી રાખવા બને એટલું કર્યું હતું પણ તમે સહુ…..’ શબ્દો ગળી જઇ વસુધાનું માન સાચવી લેતો હોય એમ મુઠ્ઠી કસતાં એ સઘળું ભૂલવા મથ્યો. ભીની આંખોની એને શરમ સંતાડવા ઝડપથી ઊભા થતાં બોલ્યો, ‘હું ચા બનાવું, તું પીશ ને? 

‘હા, પણ હું બનાવી લાવું. તમે બેસો.’

“ના આજે નહિ.’ એને રસોડા તરફ જતો જોવાનું વસુધાને ગમ્યું નહિ. આવતાં પહેલા નક્કી પણ કર્યુ હતું કે, સ્પષ્ટ પૂછી લેશે – બોલો અમને આમ તરછોડી જવાનું શું કારણ હતું? આમે ય ઘરમાં પૈસા આપવા સિવાય તમે કંઈ જવાબદારી ઉઠાવેલી? હા, લફરું કર્યું. ફાગ ખેલ્યા ને પકડાયા એટલે જવાબદારીઓમાંથી છટકી ચાલતી પકડી! ..; ચકરીના ડબા પર વીંટળાયેલી હેમેન્દ્રની આંગળીઓ જોઈ થયું, રાક્ષસ! માણસખાઉં પણ કાયર.

એક ડાળથી બીજી ડાળ કૂદતો માણસ તો રાજાની જેમ જ જીવે ને? રાજાને શું? ધારે એ કરે! ફરીથી હેમેન્દ્ર સામે ધ્યાનપૂર્વક જોયું. એની નજરનો ભાર અસહ્ય હશે પણ હેમેન્દ્રને પમાયો નહિ.

વસુધા કમકમી ગઇ, આ લંપટને ક્યાંથી યાદ હોય કે એક છોકરી અચાનક સ્ત્રી બની ગઈ હતી. રોજ દરવાજે નજર ટેકવી એની રાહ જોતી. પ્રેમ શું છે એ સમજાય એ પહેલાં જ એના પ્રેમમાં પડી ગઈ. પછી એ સમર્પણ .. એવું બધું ભક્તિ રૂપે નહીં ફરજ રૂપે થતું ગયું ત્યારે ય એ ક્યાં ય હતો જ નહીં.  ન ઘરમાં ન આસપાસ!

એક રાત્રે અચાનક જાગી જવાયેલું. જુએ તો હેમેન્દ્ર મોબાઈલમાં મોંઢું ખોસી મત્ત! પહેલી વખત પતિ પર વહેમ ગયો હતો. અડધી રાતે કોને સંદેશા પાઠવતા હશે? ઘેનભરી આંખે આછા અજવાળામાં હલતી આંગળીઓના પડછાયે ચહેરા પર બદલાતા જતા રંગો, પ્રસન્ન આંખો ઓળખાયાં ત્યારે એ બરાબર ધૂંધવાયેલી. કેમ ચૂપ રહી ? એ વખતે પૂછવાની જરૂર હતી …. અડધી રાતે કોની સાથે ચેટ કરો છો?

કેટલું મોડું સમજાયું? અનાર સાથે સંબંધ બંધાયો એ સમયગાળામાં હેમેન્દ્ર એની વધુ કાળજી લેતો. છોકરાઓ સાથે પ્રેમપૂર્વક વર્તે, મોડા સુધી વાતોના તડાકા મારે. ક્યાં ખબર હતી કે આ બધું તો પેલા ગામડાની શાળાઓ વહેલી સવારે તપાસવા કરાતાં રાત્રિ રોકાણો, મોડે સુધી ચાલતી ઓફિસના નામે એમની લાડકી અનાર ગુપ્તા પાછળ ખર્ચાતા પ્રેમનું વળતર ચૂકવાય છે!

એક સાંજે એ આંગણામાં ઘરની પાળીને અઢેલી ઊભી હતી એ સમયે જ અનાર પ્રવેશી હતી. અટકાવેલો ઝાંપો એડીથી પછાડી નજીક આવી ડોળા કાઢતાં પૂછ્યું, ‘ક્યાં છે તમારા ધણી? પછી છીછરા શબ્દો મઢ્યા વાક્યો સંભળાયે ગયાં. વસુધાને સમજાતું નહોતું કે શું જવાબ આપે? એને રડવું આવતું હતું. નાસી જવાનું મન થતું હતું પણ અનારે એનો હાથ પકડી રાખ્યો હતો. નીચે સરકી ગયેલો દુપટ્ટો ખભે ઠેરવવા એણે પાછળ ડગલું ભર્યું એ જ ક્ષણે અનારે એનો હાથ છોડી દીધો. એ લથડી, માંડ માંડ જાત સંભાળતી સ્થિર થઇ ન થઇ એટલામાં અનારે પર્સમાંથી કાગળો કાઢી એના પર ફેંક્યા. મોંએ, છાતીએ હથેળીઓ પર અથડાતા કાગળો હવામાં લહેરાયા. પવનમાં ઉડતા અક્ષરો ઉકલે એમ નહોતા. અનાર પાછું વળી જતાં જતાં બબડતી હતી ….‘તારા એ શિક્ષણાધિકારીને સમજાવી દેજે … આ તો ઝેરોક્ષ છે. અસલ તો ગાંધીનગર રવાના થઈ ગયા છે, સમજી?’

ગાંઠે બાંધી રાખેલા ઘરના ટુકડા વીણતી હોય એમ વસુધા કાગળો વીણતી રહી. બારસાખને ટેકે એ પ્રેમાલાપો વાંચતા શરીરે ધ્રુજાટ ઉપડ્યો. તો, આ એ હતું જે મેળવવા એ સતત વલવલતી હતી … ને મળ્યું  આને? દેહ પર જાણે દીવાસળી ચંપાઈ!

મારી વ્હાલી વ્હાલી અનાર,

હૃદયના એક એક ધબકારે તારું નામ ધમકે છે …… પાને પાને વાંચતા ઘામાંથી દૂઝતા લોહીની જેમ કાગળો પર શાહી વહેતી અનુભવાઈ. અક્ષરોના વળાંકો ન્હોર ભરતાં વળગી પડ્યા! હમણાં જ ઓળખાયેલા પતિને વાંચતા ધિક્કાર છૂટ્યો.

ત્યાં ઝાંપા પાસે પડેલો કાગળ ઉઠાવી વાંચવા જતો ધીમંત પ્રવેશ્યો. ‘ઓ..હો! લવલેટર? અક્ષર પપ્પાના છે. લાગે નહિ આવા રોમેન્ટિક હશે. હેં ને મમ્મી?’

વસુધાના ચહેરા પર નજર પડતાં એ છોભીલો પડ્યો. બીજો કાગળ લઈ સંબોધન વાંચ્યું. નીચે લખનારનું નામ ઓળખ્યું. એનો ચહેરો તંગ થયો, એણે મા સામે જોયું. ગળામાંથી અવાજ નીકળ્યો નહીં. ચિત્તમાં ચાલતા સંવાદને બદલે કશું ધારદાર કે ગાળ બોલાઈ જાય એ પહેલાં એણે માના ખભા સાહી લીધા. હૂંફપૂર્વક ઘરમાં દોરતાં બોલ્યો, ‘ચાલ, અંદર ચાલ, મમ્મી.’ ધીમંતની આંખોમાં પણ ઝાંખપ આવી ગઇ. પાંપણની કોર લૂછતાં બંને ઘરમાં પ્રવેશ્યાં.

*    *    *

જ્યારે નજર પડે ત્યારે પતિનો મુખવટો પહેરેલો ચહેરો દેખાતો. હેમેન્દ્રએ એનો સઘળો વિશ્વાસ, ભરોસો, ગૌરવ અને દોથે દોથો ભરીને કરેલો પ્રેમ એનામાંથી ખેંચી લઇ અચાનક એના જ મોં પર છુટ્ટો ફેંક્યો હતો. છતાં, કટુતાભરી દૃષ્ટિ સિવાય કશું થઇ શકતું નહીં.

છોકરાઓ ઉંમરની નિર્દોષતા કે પિતૃત્વની શેહમાં આંખો ફેરવી આઘા પાછા થઇ જતા. 

હેમેન્દ્ર માટે વસુધાની નજર સહેવી સૌથી મુશ્કેલ હતી. એની આંખોમાં સળગતો ધિક્કાર અસહ્ય લાગતો. એને થતું, એક મૂર્ખામીભર્યો અપરાધ ધારદાર બની એને વહેરતો હતો. નેહલ નજર કરી ને આડું જોઈ જતી. જેમની સાથે અધિકારપૂર્વક વતર્તી, ઝઘડતી, ટપલા ટપલી કરતી. એ, એના લાડકા પપ્પાને, કોઈ અજાણી છોકરી ચોરી ગઈ હતી. ઘરમાં ફરતા પરાયા માણસને કેમ કરી અંતરમાં વસાવવો?

હેમેન્દ્રને પ્રશ્ન થતો. એવી અવજ્ઞાને  યોગ્ય એ છે એ? વાતચીત ન થાય એટલે શું એક બીજાને સમજવાનું બંધ થઇ જતું હશે?

એક સવારે જોયું તો એને “સરસ્વતીબા ફેમીલી” ગ્રુપમાંથી દૂર કરી દેવાયો હતો. એણે ભાઇ બહેનોમાં “ગુડમોર્નિંગ” કે “જયશ્રી કૃષ્ણ” મોકલવું શરૂ કર્યું. જવાબ પેટે બ્લુ ટીક જોઇ એ સંતોષ માની લેતો. 

નેહલ ચાર્ટડ એકાઉન્ટન્સીમાં પસંદ થઇ એ સાંભળી એણે અભિનંદન આપ્યા. સ્હેજ અછડતું જોઈ એ રસોડા તરફ વળી ગઈ હતી. અંદરથી એટલો ખુશ હતો … તરત  ફેસબુક પર મેસેજ લખ્યો,  ‘પ્રાઉડ ઓફ યૂ, બેટા’  આભારનો ઊંચો અંગૂઠો અને મુઠ્ઠી કેટલી ય વાર જોયા પછી જોયું તો પાઠવનાર કોઇ રશ્મિ પટેલ હતું.

ઠંડી ઉદાસિનતા સાથે જીવવું હેમેન્દ્ર માટે ધીમે ધીમે દુષ્કર થતું ગયું. એના રૂમમાં જ રહેતો. મોડે ડાઈનીગ ટેબલ પર ઢાંકીને રાખેલી થાળી જમી લેતો. એકવાર નફ્ફટ પણે સહુની સાથે જમવા આવ્યો ત્યારે એની કાયમી ખુરશી પર ધીમંત બેઠો હતો. હેમેન્દ્રને ઊંચે ભવે જોઇ, નેહલ સામે મલકાયો. ચર્ચા તરત થંભી ગઈ. 

મંદિરમાં દીવો થાય, પૂજા ખંડમાંથી નેહલ કે વશિષ્ઠ પ્રસાદ લઇ હેમેન્દ્રની નજીકથી ઝડપી પગલે પસાર થઇ જાય.

એક રાત્રે હેમેન્દ્ર વ્યવસ્થિત ગોઠવાયેલું ફર્નિચર જોતો ઊભો રહ્યો હતો. રોજ રોજ થતો અસ્વીકાર એના હાડકામાં ભોંકાતો હતો. એને થયું આમે ય, એ આ ઘર કે દુનિયાનો ભાગ રહ્યો નહોતો. વસુધા કાયમ એની સાથે સખી ભાવે જીવી છે, એણે આ ઘરજેલ ચાલવા દીધી?

આવી રુંધામણ કરતાં જીવન સંકેલી લેવું સારું. આંખ સામે હરતા ફરતા હેમેન્દ્ર કરતાં તસ્વીરમાં લટકતો હેમેન્દ્ર સહુને શાંતિ આપશે. 

થોડે દૂર કેનાલની ધારે ઊભેલા હેમેન્દ્રની ભીતર વિચારો પાણીની જેમ વલોવાતા હતા. એ મન મક્કમ કરી તંગ શરીરે “અલવિદા જિંદગી! … જય માં અંબે!’ના પોકાર સાથે કૂદ્યો, એ જ પળે દોડતું કૂતરું પગમાં અટવાયું ને એ પાળીએ અથડાઇ ભોંય પર પછડાયો. કૂતરું જોરથી ભસતું છાતીએ આવ્યું. આઘાત અને ડરથી ફફડતા દોટ કાઢી, સીધો ઘરના ઝાંપે! 

ખાસ્સી વાર ઊભો રહ્યો. અંદર આવ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે ઘરનું બારણું ખોલવા ચાવી નહોતી. ફરશ પર બેસી જવાયું. આછા પવનમાં પીપળાનાં પાન ફરફરતા હતાં એ જોઇ એને યાદ આવ્યું : એ અને વસુધા ઘણીવાર સાંજે ચાલવા નીકળતાં. કોઈ વાર વસુધા અટકી જતી. થોડાં ડગલાં પછી એકલો હોવાનું ભાન થતાં હેમેન્દ્ર પાછળ જુએ તો વસુધા પૂતળાની જેમ ઊભી હોય! દૂર ધારે ચાલતા ઘેટાં કે નારંગી આકાશ જોતી. નજીક આવે ત્યારે ‘હં’ એમ બોલી, દેખાતું સઘળું આંખમાં સમેટી લેતી હોય એમ પાંપણ ભીડી હળવેથી સમ્મુખ થતી, ‘ચાલો.’ વસુ ગ્રેજ્યુએટ છે. નોકરી કરે છે. બધું સમજતી હશે. પણ  કંઈ કહેવાનું નહોતું. કહેવું જ નહીં હોય. જો કે, પગ ઉપાડતાં ઘણી વાર હાથ લંબાવી એનો હાથ સાહી લેતી. ભીડેલી હથેળીઓથી ડગલે ડગલે પોતાપણું જતાવતી. એ વસુધાએ અચાનક એને હડસેલી દીધો. આગળ કશું સૂજ્યું નહિ. તમરાંના અવાજો સાંભળતાં પરોઢિયે આંખ મળી ગઈ.

સવારે વસુધાએ બારણું ખોલ્યું ત્યારે ડાબા ખૂણે ટૂંટિયું વાળીને પડેલા પતિને જોયો. અવાજથી જાગી, એ નજર ચોરતો ઊઠીને અંદર આવ્યો હતો.

એના મિત્ર સુબોધના પિતા સમન્વય ટ્રસ્ટમાં સેવા પ્રવૃતિ કરતા હતા. સુબોધના સંર્પકથી બે ચાર દિવસમાં નક્કી કર્યું હતું કે એ સમન્વય ટ્રસ્ટમાં જોડાઈ કોઈને ઉપયોગી બનશે. ટ્રસ્ટી મંડળ સાથે વાત થયા પછી એક બપોરે હેમેન્દ્રએ પોતાને જરૂરી વસ્તુઓની બેગ તૈયાર કરી. નીકળતા પહેલાં ઘરનો ખૂણેખૂણો નિરાંતે આંખમાં ભરી દરવાજા તરફ વળ્યો.

એ જઈ રહ્યો હતો. લાગતું હતું કે આ રીતે ખસી જઈ કદાચ એ વસુધા અને સંતાનોને મોકળાશ આપી શકશે.

*    *    *

હેમેન્દ્રએ ચકરીવાળી આંગળીઓ લુછવા રૂમાલ શોધવા નજર ફેરવી ત્યારે આંખોમાં તબકતાં પાણી જોઈ વસુધાને થયું બીજું કંઈ નહીં, ચાની વરાળ હશે. પણ ચા કોણે બનાવી? સંસ્કારી અને મિતભાષી પતિએ અચાનક સ્વરૂપ બદલી એને અંદરથી લોહી લુહાણ કરી મૂકી હતી. પતિ-પત્નીના સંબંધોમાં શ્રદ્ધા ન રહે એવા સંજોગોમાં શું કરવું એની સમજ ત્યારે ય પડી નહોતી. 

હેમેન્દ્ર ઊભો થઈ બીજી રૂમમાં ગયો ત્યારે એને ચાલતો જોઈ પલકવારમાં સઘળું તહસ નહસ કરી દેતી અનાર નામની પેલી છોકરી પ્રગટ થઇ.

ત્યાં નાનકડા ટુવાલથી હાથ લૂછતો હેર્મેન્દ્ર પ્રવેશ્યો. 

એની ટેવો ઝીણવટપૂર્વક યાદ કરી કરીને વસુધા જે રીતે ઘરમાં બધું ગોઠવતી એમ ગોઠવવા મથતો એ સાંભર્યું ……. કેટલી ય વાર વિચાર્યું : એક મેસેજ કરી દે. “તને જોવી છે, આવું?” પણ એ સામે મળી હતી ત્યારે ? વસુધાની નજર ટેબલ નીચેની પટ્ટીઓ પર બાઝેલી રજોટી પર ગઈ. થયું, પૂછે, તમે આ રીતે જીવો છો?

હેમેન્દ્ર નાનામાં નાની વસ્તુની કાળજી રાખતો. દીવાલ પરનું પેઇન્ટિંગ સ્હેજ ખસી ગયું હોય તો એ સરખું ગોઠવ્યા વગર એને ઊંઘ આવતી નહિ. દરેક વસ્તુ એની ચોક્કસ જગ્યાએ જ હોય. આજે એ માણસ પોતાનું અસ્તિત્વ જ નથી એ રીતે જીવે છે.

બંને વચ્ચે તનાવ ભર્યું મૌન છવાઈ ગયું હતું. મૌન અને અબોલામાં ફેર હોય છે. એક સાંજે વશિષ્ઠએ કહ્યું હતું, “મમ્મી, પપ્પા ફેસબુક પર છે.’

‘તને કેવી રીતે ખબર પડી?’

‘મેં એમના જન્મદિવસે મિસ યુ પા…. લખ્યું હતું. એમનો ‘થેન્ક્યુ બેટા’નો મેસેજ આવેલો. પણ મેં  તરત એમને બ્લોક કરી લીધેલા.’

સાંભળી ગુસ્સે થવું હતું પણ પૂછી બેઠેલી, ‘એટલે તારો ગુસ્સો આવે ને જાય એવો હોય છે?’

‘વોટ ડુ યૂ મીન, મમ્મી?’ બબડી એ બારી બહાર જોવા માંડેલો.

એ દિવસે હેમેન્દ્રની આંખો દદડતી હતી. એ પલંગમાં બેઠી હતી, એ એના પગ આગળ ઘુંટણીએ બેસી બોલતો હતો. ‘ભૂલ થઈ ગઈ, વસુ. માફ કરી દે. પ્લીઝ ફરગીવ મી ….. હવેથી કોઈ દિવસ આવું નહીં કરું. તારા સોગન.’ માણસ કેટકેટલી રીતે માફી માંગે? વસુધાએ નજર નહીં આખું શરીર ફેરવી લીધું. તેમ કરવા ગઇ એટલે એનો એક પગ હવામાં ઊંચકાયો. એ જોઈ હેમેન્દ્ર લાત મારશે એવી દહેશતથી પાછળ ખસી ગયો હતો.

એણે વારંવાર માફી માગી હતી. વડીકચેરી દ્વારા રાજીનામું લખાવી, સ્વૈચ્છિક વિદાયની સજા ક્લાસ વન સંવર્ગના અધિકારી માટે પૂરતી ગણાય એમ નક્કી કરાયું હતું. અનારના પતિ રાહુલને ય લાગ્યું હતું કે કેવો ઘર ભેગો કરી દીધો!

લાંબા મૌન પછી હેમેન્દ્રએ પૂછ્યું, ‘નેહલ કેમ છે? અદ્દલ તારા જેવી દેખાતી હશે નહીં?’

‘કેમ એને નથી જોતા ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર?’

હેમેન્દ્રએ આદત મુજબ હથેળી નમાવી વળેલી આંગળીઓથી નાકનું ટેરવું લૂછ્યું. જોઈ વસુધાની આંખમાં મલકાટ પ્રસર્યો. તરત કડક ચહેરો ઓઢી લીધો, ગુસ્સો અને નફરત બાજુએ મૂકી વાત થઈ શકે?

એ ખાસ રૂપાળી નહોતી પણ ઉજળી હતી. મોં ઘાટીલું. વાળ કાળા અને લાંબા. ગણિત અને અંગ્રેજીમાં કાયમ પ્રથમ નંબરે રહેતી. હેમેન્દ્રને એક બે વાર મળ્યા પછી મનોમન સુખી જીવનનું ગાઢા રંગો ભર્યું ચિત્ર તૈયાર થયેલું. અનેક વાર એ ચિત્રમાં પોતાને ગોઠવાયેલી જોતી. હેમેન્દ્ર બોલતો ઓછું પણ એને સાચવતો વધારે. તારી પીઠ … તારો ટટ્ટાર બરડો મને બહુ ગમે છે કહી કરોડ પર બે આંગળીઓ મુલાયમતાથી ફેરવતો. ચહેરો બરડે ચાંપી ગાલ ઘસતો. વસુધા છલકાઈ ઊઠે એવું વહાલ કરતો. એને વાંસાભેર છાતીએ વળગાડી ઊંઘી જતો. અચાનક બધું ક્ષત વિક્ષત. જેનાં કપડાંને છાતીએ જકડ્યાં હોય એના શરીરની ગંધથી એ ઘૃણા થઈ જાય?

‘મને હતું કે હું તમને પરણ્યાની સજા ભોગવું છું, બમણી સજા.’

હેમેન્દ્રએ ઊભા થઈ વસુધાનો હાથ પકડી લીધો. એની તરલ આંખો જોઈ વસુધાના હોઠે આવ્યું, ‘તમે આજે રડો છો પણ હું  છ વર્ષથી રડું છું.’ 

‘ચલો ઘેર પાછા. નથી રહેવાનું હવે એકલા.’ 

થોડીવાર આખો બંધ કરી વિચારતો બેસી રહ્યો. “આવું એવું તું ઇચ્છે છે? નેહલ માનશે? ધીમંત, વશિષ્ઠ …પૂછ્યું છે બધાને?. 

‘મારે પૂછવાનુ?’

આંખો ઉભરાતી હતી. કોઈએ તે લૂછી નહીં. 

કશી વાતચીત, ખુલાસા કે સમજાવટ વગર વરદાન સમી આજ્ઞા મળી હતી ત્યારે એની અમલવારીની શરમ આવતી હતી.

‘કાલે આવું તો?’ 

‘ના. હું તમને ઘેર લઈ જવા આવી જ નહોતી. હવે, પાછી એ વાત શરૂ ના કરશો, બસ.

બંને નીકળ્યા. હેમેન્દ્રને તાળું વાસી ધ્યાનથી ચાવી જોતો જોઈ રહી. 

‘શું?’ હેમેન્દ્રએ પૂછ્યું. આંખથી “કશું નહિ” કહેતાં વસુધા લીફ્ટ તરફ વળી. 

આખે રસ્તે વસુધા બારી બહાર જોઈ રહી હતી. આંસુ આંખોમાં સંઘરી! એની આવી દશા પોતે કરી હતી. ઘર છોડીને કદાચ વધુ પીડા આપી હતી. એણે ક્યારે ય વિચાર્યું ન હતું કે વસુધા એને હકપૂર્વક આવવાનું કહેશે. વસુધા સામે જોતાં નજરમાં ઓશીંગણ ભાવ આવી ગયો. પણ એ પસાર થયે જતાં વૃક્ષો, ખેતરો અને એકલ દોકલ મકાન જોયા કરતી હતી.

ઘેર આવ્યા પછી કોઈ મિલનના દૃશ્યો સર્જાયાં ન હતાં. એનું આગમન કોઈ સગું ‘બે ચાર દિવસ રોકાશે’ની જેમ  સ્વીકારાઈ ગયું. 

વસુધાએ એની બેગ લઈ બેડરૂમ તરફ પગ ઉપાડ્યો એ જોઇ હેમેન્દ્રની પાંપણો ભીંજાઇ. ત્યાં નેહલ ઝડપથી બોલી, ‘એમની બેગ ગેસ્ટ રૂમમાં મૂકને, મમ્મી.’ સાંભળતાં પેલાં આંસુ પાંપણમાં સચવાઇ ગયાં. હોઠને ખૂણે ચોંટેલું અપમાન લૂછતો હોય એમ હોઠ ભીડાયા. ઘરમાં આવ્યું છે એ કોણ છે, કશું ભાન નથી? નેહલ, ‘ભાઈ, એક મિનિટ.’ બોલતી એમની પાછળ દોડી. વસુધા હજી બેડરૂમ અને ગેસ્ટ રૂમના બારણાં વારાફરતી જોતી  ઊભી હતી.

*    *    *

હેમેન્દ્રને બરાબર સમજાયું છે. કશી ચર્ચા, સહમતી કે નિર્ણય વગર એને પરબારો પરત લવાયો છે. કોઈ અદમ્ય લાગણીવશ વસુધાએ કહી દીધું, “ચાલો પાછા.” પણ લાગે છે એના હોવા ન હોવાનો કશો ફરક નથી. કોઈ એની સાથે ખરાબ રીતે વર્તતું નથી. સવારે નજર મળે ત્યારે માથું હલે, એકાદ સૂચનસભર શબ્દની આપ લે થાય તો થાય .. સવારે નવ વાગતાં ઘર ખાલી થઈ જાય.

એકલો પડ્યો કે સ્નેહાશ્રય યાદ આવ્યો. સમન્વય ટ્રસ્ટ વતી એ સ્નેહાશ્રયમાં સેવા આપવા જતો. ત્યાં કે ટ્રસ્ટની ઓફિસે કશું જણાવ્યું નહોતું. બે દિવસ પછી ફોન ને પત્ર લખી સેવા આટોપી લીધી. ત્યારથી, એક સવાલ પજવે છે, એ સંબંધો હવે પૂરા થયા ગણાય?  

સાંજે સહુ બગીચામાં કે સભામંડપમાં ભેગા મળ્યાં હતાં. બધાં આજુબાજુ આવીને ગોઠવાય એ જોતાં હેમેન્દ્રને એકલા હોવાની અનુભૂતિ દૂર થઈ જતી હતી. પણ, થોડી વારમાં એક એક ઊભાં થઇ અંદર! વસુધા બેઠી હોય.

ઘર પછવાડે એણે એને વસુધાએ મહેનત પૂર્વક ઉછેરેલાં ફૂલછોડ હવે રહ્યાં નથી. 

પાડોશમાં ખીલેલા ગુલમોરની છાયા એમના વરંડામાં પડે એવે હેમેન્દ્ર પ્લાસ્ટિકની ખુરશી ઢાળી બેસે. વસુધા દોરી પર સૂકવેલાં કપડાં લઇ વળી ત્યાં ચાદરનો છેડો પગમાં આવતાં સંતુલન ચૂકી. હેમેન્દ્રએ ઝડપથી હાથ ફેલાવ્યા. લગભગ ભેટી પડાયું. સ્પર્શથી જાગેલો રવરવાટ હેમેન્દ્રના અંતરમાં ઘુમરાયો. વસુધાએ ઘડીમાં શરીર સંભાળી લીધું—એણે હેમેન્દ્રના હાથને હડસેલ્યો નહીં પણ, એ ક્ષણ પૂરતું ય થોભી નહિ. એ સ્પર્શ, એ સંકેત, એ રોમાંચ … બધું વચ્ચે રહી ગયું! છ વર્ષથી વાડની પેલી બાજુ ઊભી રહેલી પત્નીનું નૈક્ટય અચાનક પવનની જેમ અડકીને વહી ગયું.

*    *    *

ક્રમશઃ સઘળું ગોઠવાતું ગયું. વાતચીત વાક્યોમાં ગોઠવાતી જોઈ હેમેન્દ્રને થયું કે એનું હોવું સાવ નિરર્થક નથી. 

એકવાર એ નહાતો હતો ત્યારે એને બહુ જ ઉધરસ ચડી ત્યારે વસુધાએ બાથરૂમનો દરવાજો ખખડાવ્યો હતો. અવાજથી પ્રશ્ન સ્પષ્ટ થયો એટલે શબ્દોની જરૂર ન રહી.

ઘણીવાર, ખોળામાં લેપટોપ રાખી જોતાં જોતાં નેહલ ઝોકે ચડી ગઈ હોય. હેમેન્દ્રને નેહલ પર વિશેષ ભાવ હતો, પ્રેમમાં વાત્સલ્ય ભળતું. હળવેથી લેપટોપ ખસેડી ઢળી પડેલા માથા નીચે ઓશિકું ગોઠવી પોતાની હાજરી ન આવે એમ હેમેન્દ્ર બિલ્લી પગે બહાર નીકળી જતો, વશિષ્ઠનો આમ તેમ રખડતો મોબાઈલ ટેબલ પર ગોઠવે કે ધીમંતના ઊંધા પડેલા બુટ સરખા ગોઠવી બારણું બંધ કરે ….. એવા નાનાં નાનાં દૃશ્યો રચાતા રહે.. 

એક વરસાદી સાંજે વીજળી ગૂલ થઈ ત્યારે વસુધા મીણબત્તી લઈ એના રૂમમાં આવી હતી. બારીએ મીણબત્તી ગોઠવી ઊભી રહી. એ જોઈ હેમેન્દ્ર નજીક આવ્યો. પવનથી હાલક ડોલક અજવાળામાં એક મેકને તાકી રહ્યાં. મૂંગા ઊભા રહેવું કે બોલવું, અને બોલવું તો શું બોલવું એ સમજાય એ પહેલાં વસુધાએ મૌન તોડ્યું.

કંઇ જોઈએ છે? 

‘તું.’ 

વસુધાને લખલખું આવી ગયું. ગાલે મરકાટ વાપ્યો ન વાપ્યો ને દીવાલે હાથ ટેકવતાં પૂછી બેઠી,

‘હવે તમને પેલી યાદ આવે છે?’ 

‘મને ખબર નથી કે મેં એને પ્રેમ કર્યો હતો કે નહીં? હા તેના શરીરનું આકર્ષણ થયું હતું, બસ.’ સાંભળી વસુધાની આંખો ચમકી. પગ ઉપાડતા બોલી 

‘એમ?’

હેમેન્દ્રથી રહેવાયું નહિ, ‘તું મને શું કામ પાછો લાવી?’ પૂછતાં અવાજ ચેરાઈ ગયો. ઝડપી પગલે વાળની આંટી વાળતી એ બહાર નીકળી ગઈ. જતાં પહેલાની ક્ષણે એના હોઠનો ખૂણો મરકવાનો ભ્રમ હતો કે શું?

*    *    *

હેમેન્દ્ર રોજ સવારે નીકળી સાંજે પાંચેક વાગ્યે પાછો આવતો હોય છે. 

ઘરમાં કોઈને ખબર નહોતી એ ક્યાં જાય છે. હા, એની અવર-જવર વિશે પ્રશ્નો ચકરાય છે. બધા વતી વાતચીત કરવાની જવાબદારી કોણ લે? એક સાંજે વસુધાએ પ્રિન્ટર પાસે એક મકાનવેરા અંગેની અરજીનું ફોર્મ જોયું એટલે થયું કે પૂછે, ‘આ કોનું ફોર્મ છે? ક્યાંક નવું મકાન તો નહીં ખરીદતા હોય? બે દિવસ પછી એમની સામેના મકાનમાં ભાડે રહેવા આવેલાં એક બહેને વાત કરી. હેમેન્દ્રએ એમની વિધવા ફોઈને ઓનલાઈન ફરિયાદની અરજી ભરી આપી હતી. 

વશિષ્ઠએ તપાસ કરી જાહેર કર્યું, પપ્પા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ નજીક એક સ્ટેશનરીની દુકાન બહાર નાનું ટેબલ લઈને બેસે છે.

નેહલે પહેલીવાર કહ્યું, ‘જો તો મમ્મી, પપ્પા સારી પ્રવૃતિ કરે છે.’

એક સાંજે વસુધાએ હેમેન્દ્રને પૂછ્યું ‘તમારે ચા પીવી છે?’

હેમેન્દ્રએ આશ્ચર્યભેર એની સામે જોયું, પછી પાંપણો નમાવી.

ચાનો કપ ટીપોઈ પર મૂકી એ સોફા પર બેઠી. બેઠક ખંડને ભરતા પંખાના અવાજ વચ્ચે રોજની જેમ બન્ને ચૂપચાપ બેઠાં હતાં. અડધી ચા પીવાઈ ગઈ તે પછી અચાનક હેમેન્દ્રએ કહ્યું, ‘થેંક્યુ વસુધા, ચા પીવાની બહુ ઇચ્છા હતી.’

સાંભળી વસુધાને કોઈ મોંઘી જણસ આપતું હોય એમ અનુભવાયું. એ બોલી, 

‘હું પરણીને આવી ત્યારે આપણે સાવ અજાણ્યા હતાં. પહેલાં ધીમંત જન્મ્યો, પછી નેહલ આવી છેલ્લો વશિષ્ઠ. ત્રણ સંતાનો મોટા થતા ગયા. તમે ક્યારે ય કહ્યું નહોતું કે તમે મને ચાહો છો. પણ મને હતું કે હું તમને ગમું છું. છોકરાઓના જન્મ વખતે, મારી નાની મોટી માંદગી ટાણે તમે જે રીતે મારી કાળજી લેતા એ જોઈ મને …’ વસુધા આગળ બોલી નહીં. હેમેન્દ્ર ડોક્ટરના ક્લીનિકમાં વસુધાનો વારો આવવાની રાહ જોતાં એની સાથે કલાકો બેસી રહેતો એમ બેસી રહ્યો હતો. ત્યાં વસુધાએ ચાનો કપ ખસેડતા કહ્યું, ‘તમે પૂછતા હતા ને કે હું તમને પાછા શું કામ લાવી?’ એ અટકી. થૂંક ઉતારતાં બોલી, ‘મારી દરેક જરૂરિયાતની પળે તમે મારી સાથે હતા. એ મૂંગા સહવાસનો ભરોસે.’

પ્રેમ એને પક્ષે ઓછો નહોતો. એ ચૂપ રહેતી તો એની આંખો બોલતી અને આજે? 

હેમેન્દ્ર એની નજીક બેઠો હતો એ ચીંધતા બોલી, ‘તમે સાવ પાસે બેઠા છો અને થાય છે જોડે કોઈ નથી. હું એકલી બેઠી છું. સાવ એકલી.’ બોલી ઊભી થઈ રૂમની બહાર નીકળી ગઇ.

*    *    *

હેમેન્દ્ર સામે દેખાતું કોટા સ્ટોન મઢ્યું આંગણું જોઈ રહ્યો હતો. કાળા ડિબાંગ વાદળો ગર્જતાં હતાં. એ બેઠો હતો ત્યાં પાછળની દીવાલે. ભેજના ડાઘાથી દીવાલ પર મોટું ધાબુ ઉપસ્યું હતું. કોઈએ ભીના હાથે ફોટા પરનો ચહેરો ભૂંસી નાખ્યો હોય એવું લાગતું હતું. ફિક્કા પડી ગયેલા સફેદ રંગની કોરે ફોતરીઓ બાઝી હતી. હાથ ઊંચો કરવા જતા હેમેન્દ્રની આંગળીઓ ત્યાં અથડાઇ. એક ધોળી પરત આંગળીએ ચોંટી. સહેજ દબાણથી એ ફોતરું રજકણ બની વેરાઈ ગયું.

શરૂ થયેલી ફર ફર થોડીવારમાં મૂશળધાર વરસાદમાં ફેરવાઇ ગઇ. પાણીનાં મોટા મોટા ફોરાં પથ્થર પર પડતા અને તરત અદૃશ્ય થઈ જતાં. ગુલમ્હોરનાં ખરેલાં પાંદડાં, પક્ષીઓની ચાંચમાંથી ખરેલી ડાળીઓ અને આછી રેત પાણીમા વહેતાં હતું. એના કારણે પ્રવાહ મટમેલો થઈ ગયો હતો. ત્યાં  પાછળથી પરિચિત પદરવ સંભળાયો .. 

બહાર વરસતું જળ હેમેન્દ્રની આંખોમાં ઉતર્યું. દૃશ્ય ઝાંખું પડી ગયું. આંખ લૂછી સઘળું સ્પષ્ટ કરવા ગયો, આંગળીઓએ ચોંટેલો ચૂનો આંખમાં ગયો, આંખો દદડી. હવે ધોધમાર વરસાદ પડતો હતો. મોટાં ફોરાં પછડાઇ વેરાઈ જઇ પથ્થરો પરથી વહી જતાં હતાં.

*    *    *

e.mail : anilvyas34@gmail.com
પ્રગટ : “પરબ”; ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’; 10 ફેબ્રુઆરી 2026; પૃ. 25-34

Loading

રેવડી વહેંચવામાં દેશની રેવડી દાણાદાણ થઈ રહી છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|23 February 2026

રવીન્દ્ર પારેખ

સુપ્રીમ કોર્ટે રાજ્યોની ચૂંટણી પહેલાં થતી મફત સુવિધાઓ(ફ્રી બીઝ)ની વહેંચણી અંગે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટનું કહેવું છે કે ફ્રી બીઝ આપવાને બદલે લોકોને નોકરી આપો, કામ આપો જેથી જે તે વ્યક્તિ પૈસા રળીને સ્વમાનથી જીવી શકે. કોર્ટની ટકોર બહુ સમયસરની છે. એ જરા પણ ઠીક નથી કે લોકોને મફત વીજળી, ગેસ, અનાજ આપો છો ને મફતની ટેવ પાડો છો. એ મામલે સુપ્રીમે રાજ્ય સરકારો અને કેન્દ્રની ઝાટકણી કાઢી છે. સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયમૂતિ જયમાલ્ય બાગચી અને વિપુલ પંચોલીની બેન્ચે TAMILNADU POWER DISTRIBUTION COMPANY દ્વારા દાખલ કરાયેલ અરજીની સુનાવણી દરમિયાન આવી ટકોર કરી હતી. કંપનીની બધા ગ્રાહકોને મફત વીજળી આપવાની વાત છે. કોર્ટનું કહેવું છે કે જે લોકો ખર્ચી શકે એમ છે તેમને અલગ તારવ્યા વગર, બધાંને જ લહાણી કરવાનું યોગ્ય નથી. જે ખર્ચી શકે છે એને પણ મફતનું ખાવાની ટેવ પાડવી, કોઈ રીતે યોગ્ય નથી. સરકારે અડધી પ્રજાને મફતિયું શોધતી કરી છે. આ રીતનું વિતરણ તુષ્ટિકરણથી વિશેષ કંઇ નથી. કોર્ટની આ ટકોર માત્ર તમિલનાડુ પૂરતી નથી. એ સમગ્ર દેશ માટે છે. સુપ્રીમને જે ચાલે છે તે સામે વાંધો પાડતો સવાલ એ છે કે આપણે આ કયા પ્રકારની સંસ્કૃતિ ઊભી કરી રહ્યા છીએ? કોર્ટે ઉમેર્યું કે થઈ રહેલી લહાણીને મુદ્દે ઘણી અરજીઓ પેન્ડિંગ છે. તમિલનાડુ પાવર કંપનીની અરજી પર સુપ્રીમે મામલાની તપાસ કરવા સંમતિ આપી છે ને કેન્દ્ર સરકારને આ મામલે નોટિસ પાઠવી છે.

આખા મામલામાં બધાંને એક જ લાકડીએ હાંકવા સામે સુપ્રીમ નારાજ છે. જે ખર્ચી શકતા નથી એમને સરકાર મદદ કરે તે સમજી શકાય, પણ જે સાધન સંપન્ન છે, એમને બધું મફત ન આપવું જોઈએ. તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી છે, એટલે રેવડીનો લાભ પ્રજાને અપાય છે. એ પહેલાં રાજ્ય સરકારે મફત ભોજન, મફત સાઈકલ અને મફત વીજળીની યોજના બનાવી હતી. એ ઉપરાંત ખાતામાં હવે તો સીધી રોકડ પણ જમા થવા લાગી છે. એમાંના કેટલાં તેને પાત્ર છે તે સરકાર જાણે, પણ જે થાય છે, તે ઠીક નથી. આવી મફત યોજનાઓ કરતાં લોકોને રોજગારીનો લાભ મળતો હોય તો તે જોવાવું જોઈએ. આમ સરકારી સહાયના ગુલામ કરીને મફતનો મહિમા કરવાની જરૂર નથી. એક તરફ નાણાંકીય ભંડોળનો રાજ્યો સામનો કરી રહ્યા હોય, ત્યારે મફતની યોજનાઓ રાજ્યોની આર્થિક સ્થિતિ વધારે ખરાબ કરી રહી છે. દેખીતું છે કે એમ થતાં વિકાસનું ગાડું ઘોંચમાં પડે. કર્મચારીઓના પગાર અને મફત યોજનાઓને લીધે બોજ એટલો વધી ગયો છે કે વિકાસ માટે ભંડોળની જ ટાંચ પડે છે.

હકીકત એ છે કે ઘણી ખરી મફત યોજનાઓ ચૂંટણી નજીક હોય ત્યારે જ જાહેર થાય છે, એ બતાવે છે કે આ નિ:સ્વાર્થ ભાવે થતું નથી. સ્પષ્ટ હેતુ તો લાચાર, ગરીબ પ્રજાના મત ઉઘરાવવાનો જ છે. આ જાણે છે તેમણે આ રમત ને રાજકારણની ચુંગાલમાં ન ફસાવું જોઈએ, તેમાં પણ જે સાધન સંપન્ન છે, તેમણે તો ખાસ ! લોકોની નબળાઈઓનો લાભ લેવામાંથી, સરકાર, રાજકીય પક્ષો અને રાજકારણીઓ નથી જ ચૂકતાં. સી.જે.આઈ.નું સ્પષ્ટ કહેવું છે કે આ અંગે ફેરવિચારણાઓ તાત્કાલિક અસરથી થવી ઘટે. એ સમજી લેવાનું રહે કે આમ જ મફત બધું ખટાવાતું રહેશે, તો દેશનો વિકાસ અટકી જશે. એ પણ કમાલ છે કે એક તરફ રાજ્યોને માથે દેવું છે ને બીજી તરફ સરકારો કે પક્ષો મફતની લહાણીઓ કરતાં રહે છે, પૈસા વહેંચાતા રહે છે. આ પૈસો ક્યાંથી આવે છે? જો રાજ્ય રેવન્યૂ સરપ્લસ હોય તો આ પૈસા વિકાસમાં વપરાવા જોઈએ. રસ્તાઓ, હોસ્પિટલો અને સ્કૂલો બનાવવાને બદલે ભોજન કપડાં કે રોકડ વહેંચવાનું કોઈ રીતે દેશહિતમાં નથી, એટલું જ નહીં, જેમને વહેંચાય છે, એમના હિતમાં પણ નથી. સી.જે.આઈ.એ સંતાપ કરતા હોય તેમ કહ્યું છે કે દેશમાં આ બધું શું ચાલી રહ્યું છે?

સાચું તો એ છે કે કેટલા ય વિદ્યાર્થીઓ એવા છે, જે શિક્ષણનો ખર્ચ ઉઠાવી શકે એમ નથી કે ઘણાં એવાં છે જે એન્જિનિયરિંગ-મેડિકલનો આર્થિક બોજ ઉપાડી શકે એમ નથી, તો એવાઓનો હાથ સરકાર ઝાલે તો લેખે પણ લાગે, તેનાં કરતાં તમામ રાજકીય પક્ષો કે સરકારો ચૂંટણીલક્ષી લહાણી કરે છે તે બરાબર નથી. આ સેવા નથી, સ્વાર્થ છે. ખરેખર તો સમગ્ર રેવડી સંહિતાની ફેરવિચારણા કરવાની જરૂર છે.

19 રાજ્યોનાં કુલ સબસીડીના 53 ટકા વીજળી પાછળ ખર્ચાઈ રહ્યા છે. રાજકોષીય ખાધની વાત કરીએ તો 2024-‘25માં તે GDPનાં ૩.૩ ટકા હતી. ૩વર્ષથી તે ૩ ટકાની નીચે હતી. માર્ચ 2025 સુધીમાં રાજ્યોનું કુલ દેવું GDPના 27.5 ટકા હતું, તે માર્ચ 2026 સુધીમાં 29.2 ટકા સુધી પહોંચે એમ બને. તમિલનાડુમાં સબસિડી બજેટના 60 ટકા બસો, વીજળી અને PDS પાછળ ખર્ચાય છે. પંજાબ કુલ સબસિડીના 90 ટકા વીજળી પાછળ ખર્ચે છે. ટૂંકમાં, રાજકોષીય ખાધ છાતી પર હોવા છતાં, રેવડીનો મહિમા ઘટવો જોઈએ, પણ તેવું થતું નથી, બલકે રેવડીમાં વધારો થતો અનુભવાય છે.

અનેક રાજ્યોનો ખર્ચ, આવક કરતાં વધુ છે, એવા રાજ્યો પણ મફતની યોજનાઓ ચાલુ રાખે છે, તે ખરેખર તો ખાતર પર દિવેલ જેવું જ છે. આ લહાણી કોઈ દાનમાંથી નથી થતી. એ તાગડધિન્ના કરદાતાઓના ભરાયેલા ટેક્સ પર થાય છે. મફતની યોજનાઓનો લાભ પ્રજાને એ રીતે મળતો થયો છે કે લોકો કામ કરવા બહુ ઉત્સુક નથી હોતા ને શું કામ હોય, જો વગર મહેનતે પૈસા કે અનાજ મળી રહેતાં હોય, તો? આજે તો એ મુશ્કેલી છે કે નાનાં કામ માટે માણસો નથી મળતા ને શોધવા જતાં તેઓ સ્પષ્ટ કહે છે કે અમને તો સરકાર તરફથી બધું મળી રહે છે તો કામ કરવાની જરૂર જ શી છે?

જેમને જરૂર છે, એમને સરકાર મદદ કરે તે સમજી શકાય, પણ જે ધરાયેલા છે, એવા લોકોને મદદ, તો જરૂરિયાત મંદના મોંમાંથી કોળિયો કાઢી લેવા જેવી છે. દેશના 81.35 કરોડથી વધુ લોકોને માટે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળ મફત અનાજની યોજના અમલમાં છે. દેશની અડધીથી વધારે વસ્તીને મફત અનાજ પૂરું પાડવું પડતું હોય, તો કઈ રીતે માનવું કે આપણે વિકાસને પંથે છીએ? એવી ભારોભાર શંકા છે કે વિદેશોમાં ભારતનું નાક ઊંચું રહે એવું હવામાન છે, બાકી, અંદરથી પોલંપોલ હોય એવું વધારે છે. મફત અન્ન યોજના 2028-’29 સુધી ચાલુ રહેવાની છે, એમાં પણ ચૂંટણી સુધી સહાય આપીને મત આંચકી લેવાની વૃત્તિ જ કામ કરે છે. ટૂંકમાં, સરકાર કે પક્ષોની સહાયની યોજનાઓ ચૂંટણીલક્ષી જ છે. ચૂંટણીમાં મત મેળવવાની ગણતરી ન હોય તો સરકાર કે પક્ષો કેવી ને કેટલીક મફત યોજનાઓ આ દેશમાં ચલાવે તે પ્રશ્ન જ છે.

ખરેખર તો ચૂંટણી વખતે કોઈ પણ સરકાર કે પક્ષ રેવડી ન વહેંચે એવો કાયદો કરવો જોઈએ. રેવડી વહેંચનાર કોઈ પણ હોય, તેને તાત્કાલિક અસરથી અટકાવવા જોઈએ. ચૂંટણી પછી નવી સરકાર રચાય તે પછી જ રેવડી વહેંચવી હોય તો, ભલે વહેંચાય, તે પહેલાં નહીં. આવું થશે તો ચૂંટણી પહેલાં જે મતલબી હેતુથી રેવડી વહેંચાય છે, તેના પર બ્રેક લાગશે. એ સાથે જ મફતનું ખાવાની ટેવ પડી છે ને જેમનામાં કામચોરી કે આળસ ઘર કરી ગઈ છે, એ લોકો પણ પોતાને વિષે, પોતાનાં સ્વમાન અંગે ગંભીર થશે. અસ્તુ !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 ફેબ્રુઆરી 2026

Loading

ચિત્રકાર દાદીમા

સુરેશ જાની|Opinion - Opinion|23 February 2026

અન્ના મેરી રોબર્ટસન મોઝેઝ

૧૯૩૮ના માર્ચ મહિનાની બપોર થવા આવી હતી. ન્યુયોર્ક રાજ્યના ઉત્તર ભાગમાં આવેલ આલ્બનીથી ત્રીસેક માઈલ ઉત્તરમાં આવેલ હૂસિક ફોલ્સ નામના ગામડા પાસેથી લુઈ કેલ્ડર પસાર થઈ રહ્યો હતો. તેના પેટમાં બિલાડાં બોલતાં હતાં. તેણે એક નાનકડા, ગામડિયા સ્ટોર પાસે, થોડીક પેટપૂજા કરવા ગાડી થોભાવી. તેની પેટપૂજા તો પતી ગઈ; પણ સાથે અમેરિકાના ચિત્રકળાના ઇતિહાસમાં એક મહાન શોધ પણ તેણે કરી નાંખી!

તેણે એ ચિત્રકાર દાદીમાનાં દસ ચિત્રો – એક એક ડોલરના ભાવે વેચાવા માટે સ્ટોરની દીવાલ પર ટિંગાયેલાં જોયાં. કેલ્ડર આમ તો એક ઈજનેર હતો; પણ કલાકારીની ચીજવસ્તુઓ એકઠી કરવાનો શોખ પણ એને હતો. આ ચિત્રો એને અદ્દભુત લાગ્યાં. એ દોરનાર બાઈને મળવા તે આતુર બની ગયો. સરનામું પૂછીને એ તો એન્ના મેરી મોઝિસના ઘેર પહોંચી ગયો. પણ ૭૮ વર્ષનાં એ માજી ક્યાંક ગયેલાં હતાં; એમ એમના દીકરાની વહુએ જણાવ્યું. કેલ્ડર તો એ નાનકડા ગામની એકમાત્ર વીશીમાં રોકાઈ પડ્યો; અને બીજા દિવસની સવારે માજીને મળીને જ જંપ્યો. સાથે બીજાં વીસ ચિત્રો પણ એણે ખરીદી લીધાં.

અને એક સપ્પરમા દિવસે અમેરિકાની એક મહાન ચિત્રકાર હસ્તીની જાણ આખા જગતને થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ!

*********************

કોણ હતી આ મહાન ચિત્રકાર? કેમ અત્યાર સુધી એને કોઇ ઓળખતું નહોતું? શું હીરાને એનો સાચો ઝવેરી ના મળે તો એણે પોતાની ચમક ખોઇ નાંખવી?

ચાલો, એક નજર કરીએ આ ચિત્રકાળ બાળાના ઉછેર અને જીવનસંઘર્ષ પર.

*********************

૧૮૬૦ના સપ્ટેમ્બરની ૭મી તારીખે એક ખેડૂતના ઘેર જન્મેલ એ દીકરી. મૂળ આઈરીશ કૂળની વંશજ. અને એક વડવા તરફથી નેટિવ અમેરિકન લોહી પણ એની નસોમાં વહેતું હતું. એની મા માર્ગારેટ અને બાપ રસેલ રોબર્ટસનનાં દસ બાળકોમાં એન્ના ત્રીજા નમ્બરે હતી. વસાહતી અમેરિકન ખેડૂતના ઘરમાં નાનાં મોટાં બધાં કામ કરવા એ છ વર્ષની ઉંમરથી જ પલોટાયેલી હતી. સાથે સાથે કાગળના ટુકડા અને સીવણ કામમાંથી વધેલાં ચીંથરાંમાંથી એ ઢીંગલીઓ પણ બનાવતી અને ઘેર જ બનાવેલા દ્રાક્ષ અને બ્લેક બેરીના રસથી એમને રંગતી. કદીક રસેલ ખેતીની ફસલ વેચીને પાછો આવે ત્યારે; બાળકો માટે ન્યુઝ પ્રિન્ટ માટે નકામા કાગળોનો થોકડો મફતમાં લઈ આવતો. બધાં બાળકો એ કરકસરથી વાપરતાં અને નાના નાના ટુકડાઓની બન્ને બાજુ, સહેજ પણ જગ્યા બાકી ન રહે તેમ, પેન્સિલ અને ચાક વડે ચિત્રો દોરતાં. ૮૦ વર્ષની ઉંમર પછી દેશ પરદેશમાં વિખ્યાત બનનાર ચિત્રકાર દાદીમાની આ બુનિયાદી તાલીમ હતી!

એન્ના બાર વર્ષની થઈ; ત્યારે કુટુમ્બ પરનું ભારણ ઓછું કરવા નજીકના એક ગામમાં ઘરકામમાં મદદ કરવા કામે લાગી. થોમસ વ્હાઈટ સાઈડ નામના ખેડૂતની પત્ની અપંગ હતી; અને તેમને આવી મદદની જરૂર હતી. એમની પાસે ઠીક ઠીક મત્તા પણ હતી; અને બન્ને જણ બહુ માયાળુ સ્વભાવનાં હતાં. એની માલિક બાઈએ ઘણું બધું ઘરકામ, ચિત્રકામ અને સીવણકામ એન્નાને શીખવ્યું. એન્નાનાં ચિત્રો એમના જિલ્લાના મેળામાં દર વર્ષે પ્રદર્શન માટે પણ મુકાતાં. એન્નાની કળાની આ શાળા હતી!

એન્નાએ પાંચ વર્ષ વ્હાઈટ સાઈડ કુટુંબ સાથે ગાળ્યા; અને બન્નેનાં મરણ બાદ બીજાં દસ વરસ આવી જ છુટી છવાઈ નોકરીઓ કરી. પણ એ પહેલા પાંચ વર્ષમાં ભેગો કરેલો ઘરકામનો અનુભવ એને આખી જિંદગી કામ લાગ્યો. સ્વાદિષ્ટ રસોઈ બનાવવી, સરસ મજાનું સીલાઈકામ કરવું, ફળોના રસ અને મુરબ્બા બનાવવા, આંગળાં કરડી ખાઈ જાય એવાં કૂકી બનાવવા એ બધાં કામોમાં એ પાવરધી બની ગઈ હતી. પણ વ્હાઈટ સાઈડના ઘરમાં સરસ ચિત્રો સાથેની એની પ્રીત કાયમ માટે એના અંતરમાં વણાઈ ગઈ.

અને છેવટે ૧૮૮૬ની સાલમાં આમ જ કામ કરતાં એને એના મનનો મિત પણ મળી ગયો. ૧૮૮૭ના નવેમ્બર મહિનામાં થોમસ મોઝિસ સાથે, એના ગામ હૂસિક ફોલ્સમાં તેનાં લગ્ન થયાં.

લગ્ન પછી તરત મોઝિસ દંપતી દક્ષિણના રાજ્યઓમાં નસીબ અપનાવવા ઉપડી ગયું. એમનો વિચાર તો જ્યોર્જિયા કે એવા કોઈ રાજ્યમાં જવાનો હતો; પણ એક રાત વર્જિનિયાના સ્ટોન્ટન ખાતે રોકાયાં ત્યારે તેમને શનન્ડો ખીણનો એ પ્રદેશ ગમી ગયો. સો એકરનું એક ખેતર પણ એમને ઢોર, ઢાંખર અને રહેવાના મકાન સાથે ભાડે મળી ગયું. જીવનના આ નવા તબક્કામાં બન્ને જણ અથાક મજૂરી કરવામાં લાગી ગયાં. થોડાક સમય પછી થોમસની બહેન મેટ્ટી અને બનેવી પણ એમની સાથે આવી લાગ્યાં.

એન્નાને ખેડૂતો સાથે ઘરકામ કરવાની તાલીમ હવે બરાબર કામે લાગી. એણે બનાવેલું શુદ્ધ માખણ બહુ વેચાવા લાગ્યું. ચારે જણની મહેનતથી એમની સમૃદ્ધિ વધવા લાગી. ૧૮૯૬માં તો થોમસે પોતાની માલિકીનું, વીસ એકરનું ખેતર પણ ખરીદી લીધું. એન્નાએ પોટેટો ચીપ બનાવવાનો ધંધો પણ શરૂ કર્યો. પણ વતનની યાદ થોમસને બહુ સતાવ્યા કરતી. ૧૯૦૫ની સાલમાં એમણે વતન પાછા ફરવાનું નક્કી કર્યું; અને સારા ભાવે એ ખેતર વેચી, એન્નાના વતન હૂસિક ફોલ્સની નજીક ન્યુયોર્ક પાસે ઈગલ બ્રીજ ગામમાં એક ખેતર ખરીદી ત્યાં વસવાટ શરૂ કર્યો.

આ આખાયે સમય દરમિયાન એમને સંતાનો થવા લાગ્યા, ઉછરવા લાગ્યા અને પોતપોતાના વિકાસ માટે દૂર પણ જવા લાગ્યા. ૧૮૯૧માં એમની પહેલી દીકરી ઓના જન્મી અને ત્યાર બાદ એન્નાને બીજાં નવ  બાળકોને જન્મ આપ્યો. પણ એમાંથી પાંચ જ જીવતાં રહ્યાં.

આ બધી સાંસારિક જફાની સાથે સાથે એન્ના સમય ફાજલ કાઢીને પણ એની મનગમતી ચિત્રકામ અને ભરત ગુંથણની પ્રવૃત્તિ તો કરી જ લેતી! પણ એ બધું કેવળ પોતાના આનંદ માટે જ. સ્થાનિક મેળાઓમાં એ પોતાની બનાવટો – મુરબ્બા, જેલી વિ.ની સાથે ભરત ગુંથણના નમૂના પણ વેચવા મૂકતી; પણ ગામડાં ગામમાં એ કોણ ખરીદે કે એમને કોઈ ઈનામ મળે?!

છોકરાંવને ભણાવવા ગણાવવા અને પરણાવવાની જવાબદારીઓ અદા કરતાં કરતાં, ૫૮ વર્ષની ઉમ્મરે એન્નાને એના ઘરને વોલ પેપરથી સજાવવાનું મન થયું. કામ પતતાં, રસોડાની એક દીવાલ બાકી રહી ગઈ. નવો વોલ પેપર લાવવાને બદલે એક જાડો મોટો કાગળ તેણે લાકડાના બોર્ડની એ દીવાલ પર ચીપકાવી દીધો; અને તેની ઉપર ઘર રંગવાના રંગોથી એને ચિત્રકામ કરી દીધું. એન્નાની ત્યાર સુધીની જિંદગીનું આ મોટામાં મોટું ચિત્ર હતું! બે બાજુએ બે ઝાડ અને ઘાસની વચ્ચે તળાવ વાળું એ ચિત્ર આજે પણ મોઝિસ દાદીમાના ચિત્રસંગ્રહમાં સંઘરાયેલું છે.

હવે તો ઘરનું અને ખેતરનું કામ એમનો દીકરો કરતો હતો. પણ એન્ના થોડીક જ નવરી બેસે એવો જીવ હતી? રસોડામાં અવનવી વાનગીઓ બનાવવી, ને ભરત ગુંથણ કામ કર્યે રાખવું – એમાંથી એ નવરી જ ન પડતી. ૧૯૨૭ની સાલમાં થોમસે આખરી વિદાય લીધી; અને એન્નાના જીવનમાં નિરાશા છવાઈ ગઈ. એની ઉમ્મર હવે ૬૬ વર્ષની થઈ હતી. એને સંધિવા(Arthritis)ની તકલીફ પણ શરૂ થઈ હતી. ભરત ગુંથણની સોયો પરોવતાં એની આંગળીઓ દુખવા લાગતી. એના એક સંબંધીએ એન્નાને એ છોડી ચિત્રો દોરવાનું શરૂ કરવા કહ્યું; અને ડોશીમા તો મચી પડ્યાં! એનો ચિત્રકામનો જૂનો શોખ સજીવન થયો. ખેતરના કામમાં ઉપણી માટે વપરાતા જાડા કાપડમાંથી એ કેન્વાસ બનાવતી અને જૂની ફ્રેમો ગુજરીમાંથી ખરીદી લાવી; સુતારીકામનાં સાધનોથી એમને રિપેર કરી ચિત્રો એ જાતે જ મઢતી! એનું કામ કરવાનું ટેબલ પણ તેણે જાતે  સજાવ્યું હતું!

અલબત્ત એનાં એણે આખી જિંદગી જ્યાં ગુજારી હતી તે ખેતરો, ગામડાં અને અતિશય રળિયામણી શનન્ડો ખીણમાથી એને પોતાનાં ચિત્રોના વિષયો મળી જતા. એનાં મોટા ભાગના ચિત્રોમાં અમેરિકાના ગામડાંઓની ધરતીનો એ ધબકાર ગુંજતો રહે છે. અન્નાએ બનાવેલાં એ બધાં ચિત્રોમાં કોઈ વ્યાપારી વૃત્તિ ન હતી. ખાલી પોતાને અને મિત્રો / સગાં સંબંધીઓને ખુશ કરવા તે ચિત્રો દોર્યે રાખતી.

૧૯૩૯માં હૂસિક ફોલના સ્ટોર વાળી બાઈ કેરોલિન થોમસે એના સ્ટોરની શોભા વધારવા થોડાંક ચિત્રો માંગી લીધાં, અને એક ડોલરના ભાવે વેચવા પણ રાખ્યાં.

જો કેરોલિનને આ વિચાર ન સૂઝ્યો હોત તો, લૂઈ કેલ્ડરને આ ચિત્રો જોવા મળ્યાં ન હોત; અને આ ચિત્રકાર દાદીમા અમેરિકાને અને જગતને અંધારામાં રાખીને જ પોઢી ગયાં હોત!

,,,,,,,,

લુઇ કેલ્ડરે એન્નાની પ્રતિભા પારખી; એ એક વાત હતી; પણ એને અમેરિકાના કલાક્ષેત્રના રસિયા અને માંધાતાઓ પાસે કબુલાવવી એ બીજી. એક વર્ષ સુધી તેણે અનેક આર્ટ ગેલરીઓને આ ચિત્રો પ્રદર્શિત કરવા વ્યર્થ ફાંફાં માર્યા. છેક એક વર્ષ પછી- ૧૯૩૯ના ઓક્ટોબર મહિનામાં ન્યુયોર્કના મેનહટનમાં આવેલ મોડર્ન આર્ટની એક આર્ટ ગેલરીએ એન્નાનાં ત્રણ ચિત્રો પ્રદર્શિત કર્યા. એક મહિના પછી; એ પ્રદર્શન બંધ થતાં એ ચિત્રો, વેચાયા વિના પરત પણ આવી ગયાં. છતાં હિમ્મત હાર્યા વિના લુઈએ ચિત્રો બીજી આર્ટ ગેલરીઓને મોકલવાનું ચાલુ રાખ્યું.

અને છેવટે ઓસ્ટ્રિયાથી હિજરત કરીને આવેલ ઓટો કેલિર નામના કળાકારીની ચીજોના વેપારીને ‘મેપલ સ્યુગર લાવતાં (Bringing in Maple sugar) ચિત્ર બહુ જ ગમી ગયું. આ ચિત્રે એન્નાને માટે પ્રસિદ્ધિનું બારણું ફટ્ટાક દઈને ખોલી દીધું. એણે માત્ર એન્નાનાં જ ચિત્રોનો ‘વન મેન શો’ રાખવાનું નક્કી કર્યું.

Bringing in the Maple Sugar by Grandma Moses (1939)

અને બીજા એક વર્ષ પછી ૧૯૪૦ના ઓક્ટોબર મહિનામાં એની આર્ટ ગેલરીમાં એન્નાનો શો યોજાયો. આમ તો માત્ર ત્રણ ચિત્રો જ વેચાયાં હતાં; પણ ૮૦ વર્ષની આ ડોસીમાનાં ચિત્રોએ સારો એવો રસ કલારસિકોમાં પેદા કર્યો. આ જ સમય દરમિયાન મેનહટનમાં ગિમબ્લ બ્રધર્સ નામના પ્રસિદ્ધ વિક્રેતાઓ પોતાનો ડિપાર્ટમેન્ટલ સ્ટોર ખોલવાના હતા. એમને આ ડોસીમાના રંગબેરંગી ચિત્રો સારી શોભા ઊભી કરશે; એમ લાગતાં એમણે એ સ્ટોરના ઉદ્દઘાટન વખતે આ ચિત્રો પ્રદર્શિત કરવાનું નક્કી કર્યું ; અને એન્નાને પોતાના ખર્ચે ન્યુયોર્ક પધારવા આમંત્રણ આપ્યું. ‘ધોળા વાળ વાળી છોકરીનાં ચિત્રો’ની સારી એવી જાહેરાત પણ તેમણે કરી!

અને એ શોમાં એન્ના એની ગામઠી નિખાલસતાથી દર્શકોની માનીતી બની ગઈ. તેને ન્યુયોર્ક રાજ્યનો પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો. આ તેનો સૌથી પહેલો એવોર્ડ હતો. અને ત્યાર પછી એન્નાની પ્રસિદ્ધિ વધતી જ ચાલી.

Credit LineCollection of the Fenimore Art Museum. Gift of Mrs Stephen C. Clark

Image Copyright Holders: Grandma Moses Properties, Co. & Galerie St. Etien Photograph by Richard Walker.

એન્નાને ઢગલાબંધ પત્રો મળવા લાગ્યા, અને એના ગામમાં એની મુલાકાત લેવા પત્રકારો અને કલારસિકો ઉમટવા લાગ્યા. એનાં બહુ પ્રસિદ્ધિ પામેલાં ચિત્રોની નકલોના ઓર્ડર પણ આવવા માંડ્યા. ત્રણ ચાર વર્ષ આમ નીકળી ગયાં. એ ગાળા દરમિયાન વિશ્વના તખ્તા પર હાહાકાર જન્માવેલ બીજા વિશ્વ યુદ્ધનો અંત આવ્યો. ત્રાસ અને વેદનામાંથી હાશકારો કરેલા લોકોને એન્નાના ચિત્રોમાંની ગામઠી સંસ્કૃતિ અને કુદરતી સૌંદર્યથી રાહત આપતી લાગવા માંડી. હવે તો આખા અમેરિકામાં એન્નાનાં ચિત્રોની માંગ થવા લાગી. લોકોને એન્નાના જીવન વિશે જાણવાનો પણ રસ જાગવા લાગ્યો. એની જીવન કથાનું પહેલું પુસ્તક ૧૯૪૬માં બહાર પડ્યું; અને અમેરિકા અને યુરોપમાં એ બહુ જ વખણાયું. તરત જ એની બીજી આવૃત્તિ બહાર પાડવી પડી. રેડિયો ઉપર પણ એન્નાનો ઈન્ટરવ્યુ લેવાયો અને આખા અમેરિકા અને યુરોપમાં લોકોએ તે રસથી સાંભળ્યો.

જ્યારે એના વેચાતાં ચિત્રોની મોટી કિમ્મત આવવા લાગી; ત્યારે રોયલ્ટીની મોટી રકમનો ચેક ઓટો કેલિરે એન્નાને મોકલ્યો. અને એ ભલી બાઈએ એ ચેક પાછો વાળ્યો કે, એ ચિત્રો તો તેણે લુઈ કેલ્ડરની વેચી જ દીધેલાં હતાં; અને ફરીથી એની કિમ્મત તે શી રીતે લઈ શકે? ઓટોએ એને એ ચેક લેવા બહુ સમજાવવી પડી!

જો કે, ત્યાર બાદ એન્નાને કળાના બજારનું ભાન થયું. તેણે વકીલ અને નાણાંકીય સલાહકાર રાખ્યા; અને એની આવક ધુમ ધડાકા સાથે વધવા લાગી.

૧૯૪૯માં એન્નાની સાથે રહેતા હગનું અવસાન થયું. એનો શોક એન્નાએ માંડ જીરવ્યો; ત્યાં ત્રણ મહિના પછી; ૧૯૪૮ના વર્ષની છ ખ્યાતનામ સ્ત્રીઓને એવોર્ડમાં એનો સમાવેશ કરવામાં આવ્યો; અને મહાન માનવતાવાદી અને સદ્દગત અમેરિકી પ્રમુખની પત્ની એલિનોર રૂઝવેલ્ટના હસ્તે એન્નાને આ એવોર્ડ આપવામાં આવ્યો. વોશિંગ્ટન ડી.સી.માં યોજાયેલ એ સમારંભ બાદ તે વખતના અમેરિકી પ્રમુખે એન્નાને વ્હાઈટ હાઉસમાં બોલાવી એનું સન્માન કર્યું. પણ એન્ના જેનું નામ; એ તો સહેજ પણ ગલવાયા વિના; એમની સાથે પણ એવી વાતોએ વળગી; કે પ્રમુખ આ ગામઠી બાઈના મિલનસાર સ્વભાવના આશક બની ગયા!

૧૯૫૦માં એન્નાનાં ચિત્રોનો શો યુરોપનાં છ શહેરોમાં યોજાયો અને એન્નાની પ્રસિદ્ધિ એટલાન્ટિક મહાસાગરને પણ આંબી ગઈ. ૧૯૫૨માં એન્નાએ લખેલી પોતાની આત્મકથા પ્રસિદ્ધ થઈ; અને એની સાદી સીધી અને હૈયાં સોંસરવી ઉતરી જાય એવી જીવનકથનીથી લોકો એની ઉપર ઓવારી જ ગયા. એ ચોપડીની અનેક આવૃત્તિઓ થઈ ચુકી છે; અને અનેક ભાષાઓમાં તેનું ભાષાંતર થયું છે. ૧૯૫૨માં એ આત્મકથાના આધાર પર એક ટી.વી.  નાટક પણ બન્યું અને બહુ વખણાયું હતું.

આટલી બધી પ્રસિદ્ધિ છતાં ૯૦ વર્ષની ઉમ્મરે એન્નાએ ચીનાઈ માટીનાં વાસણો પર ચિત્રકામ કરવાનો નવો શોખ શરૂ કર્યો!

૧૯૫૫માં અમેરિકનોની બહુ માનીતી બની ગયેલી આ ડોસીમા શી રીતે જીવે છે; અને એ કેવી રીતે કામ કરે છે; એ જણાવવા એના ઘરમાં જ એનો ઈન્ટરવ્યુ લેતો ટી.વી. શો યોજાયો.

૧૯૬૦માં આ ડોસીમાની ૧૦૦મી જયંતી આખા અમેરિકાએ ઉજવી અને તે વખતના અમેરિકી પ્રમુખ આઈઝનહોવરે પણ એમને ખાસ મુબારકબાદી આપી. એન્નાના ગામમાં તો એ મોટો ઉત્સવ બની રહ્યો.

૧૯૬૧ના જૂનમાં એન્નાએ એનું છેલ્લું ચિત્ર પૂરું કર્યું’ પણ તેની તબિયત કથળતી જતી હતી. એક વાર તે પડી ગઈ; પણ ઊભી ન થઈ શકી. છેવટે ૧૩મી ડિસેમ્બરે તેણે આખરી શ્વાસ લીધા; અને તેના વ્હાલા પતિ થોમસની કબરની બાજુમાં તેને દફનાવવામાં આવી; ત્યારે અમેરિકા અને યુરોપમાં તેના અસંખ્ય ચાહકોએ આંસું સાર્યાં હતાં.

સાવ સામાન્ય ખેડૂતના ઘેર જન્મેલી અને શરૂઆતની જિંદગીમાં ખેડૂતોના ઘેર નોકરડી તરીકે કામ કરતી આ ગામઠી સ્ત્રી એના અવસાન વખતે લાખો લોકોને રડાવી ગઈ. એનાં ચિત્રોમાં પ્રગટ થતી ખુશાલી, સુંદરતા અને તાજગી હજુ પણ લોકોના મનમાં આનંદની લહેરીઓ ફેલાવી દે છે.

સંદર્ભ –

https://en.wikipedia.org/wiki/Grandma_Moses

https://nmwa.org/art/artists/grandma-moses-anna-mary-robertson-moses/

e.mail : surpad2017@gmail.com

Loading

...10...19202122...304050...

Search by

Opinion

  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો
  • શાસક ગમે એટલો અપલખણો હોય, કમ સે કમ તેનામાં બુદ્ધિ હોવી જોઈએ !

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved