Opinion Magazine
Number of visits: 9680301
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભગતસિંહની ઉક્તિ

બારીન મહેતા|Poetry|28 March 2021

જેલની આ કોટડીમાં
પથરાયો છે અંધકાર
ને ભીતરમાં ઉભરાય છે
તેજ.

હું સ્પષ્ટ છું
મેં જે કર્યું એ વિશે
હું સ્વસ્થ છું
આવતી કાલે વહેલી સવારે
આવનારા અંતિમ પરિણામ વિશે.

આંખોમાં સ્વાતંત્ર્યનું સ્વપ્ન
ને હૈયામાં એની ધખના લઈ
ઘરમાંથી ચોકમાં
ને ચોકમાંથી લોકમાં
પ્રવેશતો ગયો ત્યારથી
જાણતો હતો
આગ છુપાવી નથી શકાતી
ડાયસન ઉપર ગોળી રૂપે છોડવી જ પડે
આગ દાબી નથી શકાતી
ભરી સંસદમાં
દુશ્મનો વચ્ચે
– ઈન્કિલાબ ઝિંદાબાદ -ના ફરફરિયા રૂપે
વરસાવવી જ પડે.
આમ જ ક્રિયાની નિશ્ચિતતા
હોવાની નિશ્ચિતતા બને છે.

યાદ છે મને
મારા ગામનું ભૂખ્યું પેટ,
ત્યાંની ધરતીનો વલવલાટ
– ગુલામીની ઓળખનો પર્યાય!
તે દિવસે મારી છાતીમાં
ભૂગાળનો અનર્થ ફાટ્યો,
ગાડાને ચીલે ચીલે
બોરડીના બોર તોડતો હું
એકાએક
ઘેરાઈ ગયેલો ધૂંધળી હવાથી.
પછી તો
જોવાના અર્થો ઊઘડતા ગયા
ને ગુલામ ધરતી પર ચાલતો હું
મુઠ્ઠી ભીડી ઘા કરી બેઠો
હવાને તો શું વાગે !
મારું એકાન્ત શરમાઈ ગયેલું, રાજદેવ !
માણસની ચામડીનું સત્ય
ઊતરડી નથી શકાતું,
જે ક્ષણે સમજાયું મને આ
એ જ ક્ષણે
એ સત્યને રૂંધતી દીવાલો
ઘેરી વળી મને,
મારે એ તોડવી પડી;
અત્યારે આ ક્ષણે,
મૃત્યુ પહેલાની આ રાતે પણ
એ જ પ્રક્રિયા –

ના, દીવાલો તોડ્યા વિના મુક્ત ના થવાય!
મુક્તિ માત્ર ગાવાની ચીજ નથી,
મુક્તિ એ તો લોહીનું બીજ છે.
લોહીમાં ઊથલપાથલ થાય,
લોહીની ઊથલપાથલ થાય,
ત્યારે જ મુક્તિ કળાય
રાજદેવ !

એક અવાજ હોય છે ધરતીને
જે ખેડે છે ધરતી
તે જ જાણે છે એ અવાજ.
– એ અવાજ
જ્યારે ઊતરે કોઈ માણસની છાતીમાં
ત્યારે જ એ બનતો હોય છે ક્રાંતિકારી.
એટલે જ એને દ્રોહી ગણે છે સત્તા!
સત્તાને સંબંધ નથી ધરતી સાથે
એના આવા નક્કર પુરાવાઓ
આ રીતે જ મુકાય છે લોક અદાલતમાં

સત્તાનું છોગું હોય એ અદાલત
લોકોને આપે જ નહીં ન્યાય.
એટલે જ ન્યાયાધીશે કહી દીધુઃ ફાંસી
હા, ફાંસી !
ગળામાં ગાળિયાનો કરકરો સ્પર્શ
ને ‘હેન્ગ હીમ ટીલ ડેથ !’
– મરી જાય ત્યાં સુધી લટકાવો!
અને અમર મૃત્યુ !

પણ આવા મૃત્યુના અનેક અરથો હોય છે.
એ જ
એ જ
આપણી ઉપલબ્ધિ છે, રાજદેવ !

જો,
આ બારી વાટે
સળિયા વીંધીને
આવ્યાં ચન્દ્રકિરણો
આમ જ આપણાં મૃત્યુ
પ્રવેશવાનાં લોકોમાં
ને પછી –

એ ન જોયું તો ય શું ?
એક ક્રાંતિકારી જિંદગીમાં માણસ
કેટલું જોઈ શકે ?
તણખો, તણખો છે,
ઘાસની ગંજીમાં પડે
તો જ આગ ભભૂકે.
ને આગ ભભૂકે
એ જ તણખાનું કર્તવ્ય !

દોસ્ત,
એ કર્તવ્યનો ઉરતોષ
આ મહારાત્રિએ ધબકવા દે
આપણાં હૈયાંમાં
ને વહેવા દે જીવનનો અંતિમ સંચાર
જેલની આ કોટડીમાં
જેથી ભીંતો ય બોલી ઊઠેઃ
ઈન્કિલાબ ઝિન્દાબાદ !
ઈન્કિલાબ ઝિન્દાબાદ !!

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2021; પૃ. 12-13

Loading

આજની તારીખે

હિમાંશી શેલત|Opinion - Opinion|28 March 2021

તિર્યકી

(પ્રાતઃકાળે વર્તમાનપત્રમાં એક સત્તાધારી મહામાનવની પચ્ચીસ નાની, અને બે મોટી (આખાં પાનાંની) છબિજો જોતાં જોતાં …)

કોણ છે આ નવયુગનો મશાલચી? કે સ્વયં મહાનલ ? એ નજરના પ્રતાપથી માર્ચનો સૂર્ય પણ મંદપ્રાણ, એના સ્મિતથી ભક્તજનો ભાવવિભોર અને ભોંયસરસા. ધન્ય છે એ નગરને, જ્યાં આ ભવ્ય વિભૂતિ પેદા થઈ ! ધન્ય છે એ દિવસને, જેની એક ક્ષણે આ પુણ્યાત્માએ નગરને પાવન કરવા જન્મ લીધો!

ધન્ય છે એ તમામ આંખોને, જેણે આ નરોત્તમની છબિઓ પ્રાતઃકાળે નીરખી, અને સાક્ષાત પ્રભુ દીઠાનો રોમાંચ પામી !

આજે આરંભાયું એક નવીન પ્રકરણ, નવલી વિકાસ યાત્રાનું … સુખમય ભાવિનું …

આજે આરંભાયું એક નવીન ગીત, આરાધકો અને એમના આરાધ્યદેવનું … મંજુલ અને તાજગી સભર …

છબિ એક, પણ એને પ્રગટ કરનારાં અનેક. પ્રત્યેક છબિ નીચે ઉત્સાહભર્યાં પ્રશસ્તિવચનો.

આપ છો તો મોંઘવારી સહ્ય છે !

આપ છો તો ચૂલા સ્વયં પ્રજવલિત થાય છે!

આપ છો તો કોરોના સ્વયં માસ્ક અને ફેસશિલ્ડ પહેરી ઘૂમે છે! (મોં સંતાડે નહીં તો જાય ક્યાં બાપડો?) આપ છો તો અમારું જીવન સાર્થક છે, કારણ કે અમે આપનાં ચરણ પખાળી શકીએ છીએ!

આપ ન હોત તો અમે કોનાં મૃદંગ વગાડત ?

આપ આ દિને ન જન્મ્યા હોત તો અમે જીવતાં હતાં મર્યાં સમાન હોત ! પ્રશસ્તિ વિના જીભ હોત કાષ્ટટુકડો !

આપ જળહળ છો ! આપ ફળ ફળ છો ! આપ ખળભળ છો !

આપે ચૂંટણી સભાઓ ગજવી માસ્ક વિના,

આપે જનસમૂહ ભેગો કર્યો સૉશ્યલ ડિસ્ટન્સ વિના,

આપે હાર પહેર્યા થોકબંધ, હાથ જોડ્યા વણથંભ,

આપ વીર છો, સાહસમૂર્તિ છો, અભય અને અણનમ ! ખુશામત જેવા રાંકડા શબ્દને આપે બનાવ્યો શહેનશાહ, સહુ હવે એને સ્તુતિગાન કહે છે ! જય હો!

ધન્ય પ્રભુ ! ધન્ય ! આપના પુણ્યે વાહનો પાણી થકી ચાલે !

આ પ્રદેશે હવે કોઈ દુઃખ નથી, કોઈ પ્રશ્ન નથી,

પ્રજા નિત્ય ઉત્સવમાં રમમાણ છે, આનંદઘેલી !

કામકાજ કરવાનાં નથી, (આમે ય છે જ ક્યાં?) ધનધાન્યની રેલમછેલ છે, (બે ય હાથે ખાવ!)

મન બહેલાવવા ક્રિકેટ ખેલ છે,

ટીકાકારો હાથનો મેલ છે !

આપ સદૈવ યાત્રાઓ યોજો,

ભક્તગણ તો ટોળે મળવાનાં જ છે,

આપને ભેટવા, સાથે સેલ્ફી લેવા, ચરણ સ્પર્શ કરવા, કૃપાદૃષ્ટિ યાચવા સહુ વ્યાકુળ છે, તરસ્યાં છે, આ વ્યાકુળતા પૂર્વે ગોપીઓમાં, કે ગોપબાળોમાં દીઠેલી. એ પછી સદીઓ વહી ગઈ …

ફરી એ જ વ્યાકુળતા દેખાય છે પાગલ ભક્તોમાં,

આપની એક નજર, અને ભિક્ષુકપાત્રમાં એક પદ ! આપની ઊંચકાયેલી ભમર, અને સામેવાળો થરથર!

આપને બારણે છે ભીડ, ભચડકચડ ભીડ,

જાણે ઊભા પાક પર ટોળાંબંધ તીડ  !

શું કહીએ આપની બિરદાવલિમાં, શબ્દો ઘાસફુસ …

આપના સમયની આપની જમાતે તો

કંઈ કેટલાંને કીધાં હદપાર …

હવે મંદિર બંધાવવાની જ વાર, (આપનાં જ તો !)

એમાં જ દેવ સહુ નીકળી ગયા હશે બહાર ??

બચ્યાં હોય જો ચતુર, કરો કરો વિચાર …

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2021; પૃ. 16

Loading

ચલ મન મુંબઈ નગરી—88

દીપક મહેતા|Opinion - Opinion|27 March 2021

નાટક દુનિયાનું દર્પણ રૂડું, ગુણ-દોષ જોવાનું

જ્યારે બે થિયેટર વચ્ચે એક્ટરો દોડાદોડી કરતા

ગુજરાતી તખ્તા પરની પહેલી અભિનેત્રી મેરી ફેન્ટન ઉર્ફે મહેરબાઈ 

નાટક દુનિયાનું દર્પણ રૂડું,
ગુણ-દોષ જોવાનું.
ઘડીક હસાવે, ઘડીક રડાવે,
બધ્ધે બોધ બતાવે.

ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરીનું સતી પાર્વતી નાટક(૧૯૦૬)માંનું આ ગીત છે તો શેકસપિયરની પ્રખ્યાત ઉક્તિના પડઘા જેવું, પણ નાટક અને રંગભૂમિની મહત્તા સુપેરે બતાવે છે. આજે આ ગીત યાદ આવવાનું કારણ એ કે આજે છે વિશ્વ રંગભૂમિ દિવસ. અને મુંબઈને માટે, મુંબઈના ગુજરાતીઓ માટે આ દિવસ ખાસ મહત્ત્વનો છે. કારણ ગુજરાતી રંગભૂમિનાં બીજ વવાયાં મુંબઈમાં, ૧૮૫૩ના ઓક્ટોબરની ૨૯મી તારીખે સાંજે, જગન્નાથ શંકરશેઠે ગ્રાન્ટ રોડ પર બંધાવેલા થિયેટરમાં. એ અંગે આપણે અગાઉ વિગતે વાત કરી છે. આજે વાત કરીએ તેના પછી બંધાયેલાં કેટલાંક થિયેટરની.

ગ્રાન્ટ રોડ પરનું વિક્ટોરિયા થિયેટર

એ પહેલવહેલા ‘દેશી’ થિયેટરથી થોડે દૂર, પણ ગ્રાન્ટ રોડ પર જ બીજું થિયેટર ૧૮૬૯માં બંધાયું, નામ વિક્ટોરિયા થિયેટર. ૧૮૬૮ના મે મહિનામાં કેખુશરો કાબરાજીની મહેનતથી વિક્ટોરિયા નાટક મંડળીની સ્થાપના થયેલી. તેના ચાર માલિકો : દાદાભાઈ રતનજી ઠુંઠી, ફરામજી ગુસ્તાદજી દલાલ ઉર્ફે ફલુઘુસ, કાવસજી નસરવાનજી કોહીદારૂ, અને હોરમસજી ધનજીભાઈ મોદી. એ વખતે બીજું કોઈ થિયેટર હતું જ નહિ, એટલે જગન્નાથ શંકરશેઠના થિયેટરમાં નાટકો ભજવવાનું શરૂ કર્યું. પણ પછી વિચાર્યું કે આમ રોજ રોજ ભાડું ભરવા કરતાં પોતાનું થિયેટર કેમ ન બાંધવું? અને થોડી મહેનત પછી ગ્રાન્ટ રોડ પર જ એક જગ્યા મળી ગઈ. માણેકજી પાઉંવાળાનો પ્લોટ મહિને સાઈઠ રૂપિયાના ભાડે લઈને કંપનીએ તેના પર બાંધ્યું વિક્ટોરિયા થિયેટર. ૧૮૬૯માં તે બંધાઈ રહ્યું. ચાર ભાગીદારો ઉપરાંત ડોસાભાઈ કરાકા જેવા અગ્રણી પણ આ નાટક કંપની સાથે સંકળાયેલા હતા. વિક્ટોરિયાએ પોતાનું પહેલું નાટક જગન્નાથ શંકરશેઠના થિયેટરમાં ભજવ્યું, બેજન અને મનીજેહ. કાબરાજીએ લખેલું આ નાટક અસલી ઈરાની લેબાસમાં, ઈરાની સીન-સિનરીના પડદા ચિતરાવી, સ્ટેજ કર્યું હતું. આ નાટકના એ જમાનામાં પચાસ ખેલ ભજવાયા હતા. જો કે કાબરાજીનો સાથ ઝાઝો લાંબો ન ચાલ્યો. ૧૮૬૯ના ઓગસ્ટમાં કાબરાજી વિક્ટોરિયા નાટક મંડળીથી અલગ થઈ ગયા. વિક્ટોરિયા નાટક મંડળી તો ચાલુ રહી, પણ તેનું તેજ ઝાંખું થયું તે થયું.

અગાઉનું ગેઈટી થિયેટર, આજનું કેપિટલ સિનેમા

ત્યાર પછી ત્રીજું થિયેટર બંધાવ્યું તે કુંવરજી સોરાબજી નાઝરે. એલ્ફિન્સ્ટન કોલેજમાં ભણતા હતા ત્યારથી જ નાટકનો ચસ્કો લાગેલો. બીજા છોકરાઓ સાથે મળીને ૧૮૬૧-૧૮૬૨ના અરસામાં તેમણે એલ્ફિન્સ્ટોનિયનોનું મંડળ ઊભું કરી અંગ્રેજી નાટકો ભજવવાનું શરૂ કર્યું. આગળ જતાં તેમને થયું કે મુંબઈની રંગભૂમિ પર પોતાની એકહથ્થુ સત્તા જમાવવી જોઈએ. જગન્નાથ શંકરશેઠવાળું થિયેટર નાઝરે લાંબી મુદત માટે સુવાંગ ભાડે રાખી લીધું, અને વિક્ટોરિયા નાટક મંડળીના એક ભાગીદાર બની ગયા! તે વખતે એ કંપનીના બીજા ભાગીદારો છૂટા થઈ ગયા હતા એટલે દાદી પટેલ અને નાઝર એ બે જ ભાગીદાર હતા. નાઝરે પછીથી સ્થાપેલી એલ્ફિન્સ્ટન નાટક મંડળી શંકરશેઠના થિયેટરમાં નાટકો ભજવતી, અને વિક્ટોરિયા નાટક મંડળી તેના થિયેટરમાં પોતાનાં નાટક ભજવતી. પણ મોટા ભાગના એક્ટર બંને કંપનીનાં નાટકોમાં ભાગ લે એવી વ્યવસ્થા નાઝરે કરી. પરિણામે એક જ દિવસે એક જ એક્ટરે બે નાટકમાં, બે થિયેટરમાં કામ કરવું પડે એવું બનતું. વિક્ટોરિયા થિયેટરમાં ભજવાતું નાટક રાતે દસે પૂરું થાય એટલે એક્ટર દોડીને શંકરશેઠના થિયેટરમાં જઈને ત્યાં બીજું નાટક ભજવતો! એદલજી ખોરીએ લખેલ ઊર્દૂ નાટક ‘નૂરેજહાન’ એલ્ફિન્સ્ટન ક્લબે ભજવવાનું શરૂ કર્યું. અગાઉથી થયેલા કરાર પ્રમાણે ખરશેદજી બાલીવાલાને તેમાં મોહબતખાનનું પાત્ર ભજવવાની ફરજ પડી. પણ તેથી દાદી પટેલ ઘણા નારાજ થયા અને વિક્ટોરિયા નાટક મંડળી સાથેનો છેડો ફાડ્યો. હવે વિક્ટોરિયા નાટક મંડળીના એક માત્ર માલિક થયા કુંવરજી નાઝર.

કુંવરજી નાઝર

નાઝરે પારસી અને ઊર્દૂ નાટક ભજવ્યાં, તો ‘ગુજરાતનો છેલ્લો રાજા કરણ-ઘેલો’ જેવું ‘શુદ્ધ ગુજરાતી’ નાટક પણ ભજવ્યું. પારસી એક્ટરોને શુદ્ધ ભાષા અને હિંદુ વિધિઓ શીખવવા માટે નાઝરે ખાસ બ્રાહ્મણોને રોક્યા. તેમાં કરણ રાજાનું પાત્ર ફરામજી દાદાભાઈ અપૂ અને રૂપસુંદરીનું પાત્ર કાવસજી માણેકજી કોન્ટ્રેક્ટર ભજવતા. પણ આ નાટકને ધારી સફળતા મળી નહિ. પારસીઓ કહે તેમ નાઝરના ભેજામાં હવે એક નવો કીડો ચવડી આયો, અંગ્રેજી નાટકોનો. બોમ્બે ગ્રીનમાં આવેલું થિયેટર બંધ થયા પછી અંગ્રેજી નાટકો ભજવવા માટે મુંબઈમાં એક બી થિયેટર નહિ હતું. શંકરશેઠનું થિયેટર શરૂ થયું ત્યારે શરૂઆતમાં ત્યાં કેટલાંક અંગ્રેજી નાટક ભજવાયાં. પણ કોટ વિસ્તારમાં રહેતા અંગ્રેજોને એ થિયેટર બહુ દૂર પડતું હતું. એટલે પછી ત્યાં મરાઠી, ગુજરાતી, ઊર્દૂ વગેરે નાટકો ભજવાતાં થયાં. જે અંગ્રેજી નાટક મંડળીઓ હિન્દુસ્તાન આવતી તે કલકત્તામાં નાટકો ભજવીને પાછી જતી, મુંબઈ આવતી જ નહિ. એટલે નાઝરે ફક્ત યુરપથી આવેલી નાટક મંડળીઓ અંગ્રેજી નાટકો ભજવી શકે તે માટે વિક્ટોરિયા ટર્મિનસની સામે નવું થિયેટર બંધાવ્યું, ગેઈટી. તેનું વિશાળ સ્ટેજ ૭૦ x ૪૦ ફૂટનું હતું, અને પડદાની ઊંચાઈ ૨૨ ફૂટ હતી. તેના બાંધકામમાં ગવર્નર સર રીચર્ડ ટેમ્પલે અંગત રસ લઈને માર્ગદર્શન આપ્યું હતું.

બ્રિટનની નાટક મંડળીઓને મુંબઈ લાવવા માટે નાઝરે લંડનમાં પોતાના એજન્ટની નિમણૂંક કરી. પહેલી મંડળી આવી, અને કેટલાંક નાટક ભજવ્યાં. પણ તેનાથી ન તો અંગ્રેજ પ્રેક્ષકો ખુશ થયા ન તો નાઝર ખુશ થયા. વકરો પણ ધાર્યા પ્રમાણે થયો નહિ. એટલે નાઝરે આ કંપનીના રિહર્લસરમાં હાજર રહેવાનું અને ભજવણી અંગે સૂચનાઓ આપવાનું શરૂ કર્યું. એક પારસી પોતાને અભિનય અંગે સૂચનાઓ આપે એ અંગ્રેજ એક્ટરોને ગમ્યું તો નહિ, પણ કરારથી બંધાયેલા હતા એટલે મને-કમને ગાડું ગબડાવ્યું. પછી નાઝરે ‘હનીમૂન’ નામનું એક નાટક ભજવવા એ કંપનીને જણાવ્યું. તેની નાયિકાનો પાઠ ભજવવાનું એ કંપનીની એક એક્ટ્રેસ મિસ બર્ચનફને કહ્યું અને તેના માટીડાનો પાઠ પોતે ભજવશે એમ નાઝરે ઠરાવ્યું. ફરી, કચવાતે મને નાટક કંપનીએ આ વાત પણ માની લીધી. આ નાટકમાં ધણી-ધણિયાણીના પાઠ પોતે અને એક અંગ્રેજ સ્ત્રી ભજવવાનાં છે એ વાતને નાઝરે જાહેર ખબરોમાં ખૂબ ચગાવી. પરિણામે આ ખેલ જોવા લોકો પડાપડી કરવા લાગ્યા. પણ પહેલા ખેલ વખતે જ પેલી અંગ્રેજ એક્ટરેસે કૈંક કાચું કાપ્યું. નાઝર પહેલેથી જ આખાબોલા અને કડવાબોલા. જેવું નાટક પૂરું થયું કે પડદાની બહાર આવી ફૂટ લાઈટના પ્રકાશમાં ઊભા રહીને અંગ્રેજ એક્ટરો અને એક્ટ્રેસની પ્રેક્ષકો સામે આકરી ટીકા કરી! આથી નાટક મંડળીવાળા તો ખીજાયા જ, પણ અંગ્રેજ પ્રેક્ષકો પણ નારાજ થયા અને તેમણે ગેઈટી થિયેટરનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું! મુંબઈનાં અંગેજી છાપાં પણ નાઝર પર તૂટી પડ્યાં. છેવટે નાઝરે જાહેરમાં માફી માગીને પોતાના શબ્દો પાછા ખેંચી લેવા પડ્યા. નાઝરનું આ ગેઇટી થિયેટર તે આજનું છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સામે આવેલું કેપિટલ સિનેમા.

પછીથી ખાસ મુંબઈ બહાર ઊર્દૂ નાટકો ભજવવા માટે નાઝરે ધ જ્યુબીલી થિયેટ્રીકલ ક્લબ શરૂ કરી અને બહાર ગામ જઈ ઊર્દૂ નાટકો ભજવ્યાં અને તેમાં પોતે નટ તરીકે ભાગ પણ લીધો. આવી એક મુસાફરી દરમ્યાન રાજસ્થાનની અસહ્ય ગરમીમાં ટોંક નામના નાનકડા દેશી રજવાડામાં નાઝર બેહસ્તનશીન થયા. તેમના રુવાનને જયપુર લાવી ત્યાંની જરથોસ્તી આરામગાહમાં દફનાવવામાં આવ્યું.

૧૮૫૩માં જ્યારે પહેલવહેલું ગુજરાતી નાટક ભજવાયું ત્યારે તેમાં ભાગ લેનારાઓમાંનાં એક હતા નાનાભાઈ રૂસ્તમજી રાણીના. એ પછી બીજા કોઈ નાટકમાં તેમણે ભાગ લીધો હોય તેવું જાણવા મળતું નથી. પણ નાટક અને રંગભૂમિ સાથેનો તેમનો સંબંધ છેવટ સુધી જળવાઈ રહ્યો હતો. નાનાભાઈનો જન્મ ૧૮૩૨ના મે મહિનાની ૩૧મી તરીખે. તેમણે ૧૮૫૭માં શરૂ કરેલું યુનિયન પ્રેસ હજી આજે પણ ચાલે છે. નર્મદ, કરસનદાસ મૂળજી, વગેરે સમાજ સુધારકોના મિત્ર અને ટેકેદાર. નર્મદનું ‘ડાંડિયો’ શરૂઆતથી ઘણા વખત સુધી તેમના પ્રેસમાં છપાતું. કરસનદાસ મૂળજીનું ‘સત્ય-પ્રકાશ’ પણ ત્યાં જ છપાતું.

આવા નાનાભાઈએ નાટકો પણ લખ્યાં અને એ જમાનામાં ભજવાયાં પણ ખરાં. શેકસપિયરના ‘ટેમિંગ ઓફ ધ શ્રૂ’ પરથી બનાવેલું ‘ફેરાવન ફરન્ગીઝ’ તેમનું પહેલું નાટક. ‘પાક દામન ગુલજાર’ નાટક એલ્ફિન્સ્ટન નાટક મંડળીએ ૧૮૭૦-૭૧માં ભજવેલું. એ મંડળી શરૂ કરવામાં નાનાભાઈનો સૌથી મોટો ફાળો. ૧૮૮૧માં ‘કાળાં મેંઢા’, ૧૮૮૭માં ‘હોમલો હાઉ’, ૧૮૯૩માં ‘વેહમાયલી નજર’ વગેરે તેમનાં લખેલાં નાટકો ભજવાયેલાં. તેમનાં ઘણાંખરાં નાટકો છપાયેલાં પણ ખરાં.

પહેલી અભિનેત્રી મેરી ફેન્ટન ઉર્ફે મહેરબાઈ

પણ ૧૮૮૦માં ભજવાયેલા તેમના ‘નાજાં-શીરીન’ નાટકે તો ઇતિહાસ સર્જ્યો હતો જે કમનસીબે આજે ભુલાઈ ગયો છે. ૧૮૫૩થી જે નાટકો ભજવાયાં તે બધાં જ નાટકોમાં પુરુષો જ સ્ત્રી પાત્રો ભજવતા. મુંબઈના ધોબી તળાવ પાસે આવેલા ફરામજી કાવસજી હોલમાં કામચલાઉ બાંધેલા સ્ટેજ પર ૧૮૮૦માં આલ્ફ્રેડ નાટક મંડળીએ આ નાટક ભજવ્યું ત્યારે તેમાં ‘શીરીન’નો પાઠ મિસ મેરી ફેન્ટન ઉર્ફે મહેરબાઈએ ભજવ્યો હતો. આયરિશ કૂળનાં મહેરબાઈનો જન્મ મસુરી નજીકના લેન્ડોર ખાતે ૧૮૫૪ના અરસામાં. અવસાન ૧૮૯૬ના અરસામાં. કાવસજી પાલનજી ખટાઉ ૧૮૭૮માં દિલ્હીમાં ‘ઇન્દ્રસભા’ નાટકના રિહર્લસર કરી રહ્યા હતા. પોતાના એક શો માટે એ જ થિયેટર બુક કરાવવા એક દિવસ મેરી ફેન્ટન ત્યાં ગયાં. બંને પ્રેમમાં પડ્યાં, પરણ્યાં. મેરીનું નામ બદલાયું. બંને મળ્યાં તે પહેલાંથી જ મેરી હિન્દી અને ઉર્દૂ જાણતાં હતાં. કાવસજીએ ગુજરાતી ભાષા શીખવી અને સંગીતની તાલીમ અપાવી. નાનાભાઈના ‘નાજાં-શીરીન’માં તેઓ પહેલી વાર તખ્તા પર આવ્યાં. ગુજરાતી નાટકમાં સ્ત્રીનો પાઠ સ્ત્રી ભજવે એવું આ પહેલી વાર થયું. એ પછી તો બીજાં ઘણાં નાટકોમાં કામ કર્યું. કવિ કાલિદાસના ‘શાકુન્તલ’માં શકુંતલાનો રોલ પણ કર્યો. પણ પછી મેરી અને કાવસજી વચ્ચે ઝગડો થતાં તેમણે છૂટા છેડા લીધા. તે પછી મેરીએ જુદી જુદી નાટક કંપનીઓમાં કામ કર્યું પણ ક્યાં ય પહેલાં જેવી સફળતા મળી નહિ.

નાટ્યમહર્ષિ ચંદ્રવદન મહેતા

આજના વિશ્વ રંગભૂમિ દિવસે મુંબઈનાં કેટલાક નામશેષ થિયેટરોને તો સંભાર્યાં. પણ આ વિશ્વ રંગભૂમિ દિવસની ૧૯૬૨થી ઉજવણી શરૂ થઈ તેની પાછળ આપણા એક ગુજરાતીનો હાથ છે એ વાતની બહુ ઓછાને ખબર છે. એ ગુજરાતી તે આપણા એક માત્ર નાટ્યમહર્ષિ ચંદ્રવદન ચીમનલાલ મહેતા, ઉર્ફે ચં.ચી. ઉર્ફે C.C. જીવનનાં કેટલાંક ઉત્તમ વર્ષો તેમણે મુંબઈમાં ગાળ્યાં. ઇન્ટરનેશનલ વર્લ્ડ થિયેટર ડેની ઉજવણી જેના નેજા નીચે ૧૯૬૨થી થતી આવી છે તે ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટમાં આવો દિવસ ઉજવવાની દરખાસ્ત રજૂ કરનાર હતા ચંદ્રવદનભાઈ. એટલે કે, આ ઉજવણીના પાયામાં આપણા એક ગુજરાતી માંધાતા રહેલા છે. પણ આપણને તો ‘ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ બચાવો’ એવી બૂમો પાડવામાં રસ છે. આવા પાયાના પથ્થરોને પૂજવામાં નહિ. ચંદ્રવદનભાઈએ અનેક નાટકો લખ્યાં, ભજવ્યાં, ભજવાવ્યાં. કોઈ બે નાટક સરખાં નહિ. દરેકમાં જૂદો ખેલ. વધુ નહિ તો એક, પણ બધી વાતે સંપૂર્ણ એવું થિયેટર બાંધવાનું સપનું ઉઘાડી આંખે જોયું. તેમની કલ્પનાનું થિયેટર તેમની હયાતીમાં તો ઊભું ન જ થયું, આજ સુધી ઊભું થયું નથી. તેમનું એ સપનું હવે પછીનાં વર્ષોમાં સાકાર થાય એમ વિશ્વ રંગભૂમિ દિવસે ઈચ્છીએ.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 27 માર્ચ 2021

Loading

...102030...1,9921,9931,9941,995...2,0002,0102,020...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved