Opinion Magazine
Number of visits: 9747015
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મત ન હોત તો અનામત પણ ન હોત …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|10 May 2021

અનામતનું શૂળ ફરી એક વખત ઉપડ્યું છે. સુપ્રીમ કોર્ટે મરાઠા સમુદાયને આપવામાં આવેલ અનામત રદ્દ કરી છે. શિક્ષણ અને નોકરી ક્ષેત્રે મરાઠા અનામતને સુપ્રીમે ગેરબંધારણીય ઠેરવી છે. જો કે, જેમને એનો લાભ મળ્યો છે એમનાં પ્રવેશ કે નિમણૂક રદ્દ નહીં થાય, પણ મરાઠા અનામતના આધાર પર નવી વ્યક્તિને હવે કોલેજમાં પ્રવેશ કે નોકરીમાં નિમણૂક નહીં મળે. સુપ્રીમની પાંચ જજોની બેન્ચે ઠરાવ્યું છે કે મરાઠા સમુદાયને આરક્ષણ આપી ન શકાય. અનામત નકારવાનાં કારણો આપતાં સુપ્રીમે જણાવ્યું છે કે મરાઠા અનામત 2018ના મહારાષ્ટ્ર રાજ્ય કાયદા સમાનતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. બીજા શબ્દોમાં, અનામત 50 ટકાથી વધવી ન જોઈએ એ કાયદાનું પાલન થતું નથી. એ જ કારણે સુપ્રીમે 1992ના નિર્ણયની સમીક્ષામાં જવાનું પણ સ્વીકાર્યું નથી. મહારાષ્ટ્ર સરકારે ઈમરજન્સી ક્લોઝ હેઠળ આરક્ષણ આપ્યું હતું, પણ સુપ્રીમને એવી કોઈ ઈમરજન્સી જણાઈ નથી. સુપ્રીમને એમ પણ લાગ્યું છે કે મરાઠા આરક્ષણને લીધે ટકાવારી લગભગ 75 ટકા જેટલી થઈ ગઈ છે. આમ તો 2001ના રાજ્ય આરક્ષણ અધિનિયમ પછી આરક્ષણની ટકાવારી 52 ટકા થઈ ગઈ હતી, તેમાં 16 ટકા મરાઠાઓ માટેનું આરક્ષણ ઉમેરાતાં અનામતનો આંકડો નક્કી કરેલા 50 ટકાને વળોટી ગયો હોય તો તે બંધારણ મુજબ નથી એ નક્કી છે.

આ ચુકાદો ઘણી રીતે મહત્ત્વનો છે. રાજ્ય સરકારો કેટલાક વર્ગને રાજી રાખવા અનામતને મનસ્વી રીતે દાખલ કરી દે છે તે વાતને આ ચુકાદો નકારે છે. રાજ્ય સરકારોને આવી રીતે અનામત દાખલ કરવાનો કે ટકાવારીમાં જ્ઞાતિ કે વર્ગને ઉમેરવાનો અધિકાર નથી. જો કોઈ રાજ્યે તેમ કરવું હોય તો તેણે કેન્દ્ર સરકારને સૂચન કરવું પડે ને રાષ્ટ્રપતિની ભલામણથી જ તેમ થઈ શકે. મહારાષ્ટ્રમાં 2018માં દેવેન્દ્ર ફડનવીસની સરકારે મરાઠાઓ માટે 16 ટકા અનામતની જોગવાઈ કરી તો તેને હાઇકોર્ટમાં પડકારવામાં આવી. હાઈકોર્ટે આ અનામતને યોગ્ય ઠેરવી અને સુપ્રીમે, હાઇકોર્ટના એ ચુકાદાને રદ્દબાતલ કરી દીધો. સાધારણ રીતે હાઇકોર્ટનો નિર્ણય સુપ્રીમમાં ઉલટાવાતો નથી, પણ મરાઠાઓની અનામતનો બોમ્બે હાઇકોર્ટનો ચુકાદો સુપ્રીમે આઉટ એન્ડ આઉટ નકાર્યો છે. બોમ્બે હાઇકોર્ટને, 16 ટકા અનામતનો નિર્ણય બંધારણીય લાગ્યો છે જ્યારે સુપ્રીમ કોર્ટને એ ગેરબંધારણીય લાગ્યો છે. એક જ કાયદો, એક કોર્ટને બંધારણીય લાગે ને બીજીને ગેરબંધારણીય લાગે એ પણ કમાલ જ છેને ! બંધારણમાં અનામત 50 ટકાથી વધવી ના જોઈએ એવું સ્પષ્ટ કરી દેવાયું હોય ને 16 ટકા મરાઠાઓની અનામત ઉમેરાવાથી આંકડો 50 ટકાને પાર કરી જતો હોય તો તે સાધારણ વ્યક્તિને પણ ગેરબંધારણીય લાગે ને હાઇકોર્ટને એ ન જ લાગે એ કેવું? સારું થયું કે સુપ્રીમે મરાઠાઓને અનામતનો કાયદો રદ્દ કર્યો. જો કે મહારાષ્ટ્ર સરકાર આ ચુકાદાથી દેખીતી રીતે જ ખુશ નથી ને તે કેન્દ્ર સરકારને રજૂઆત કરવાના મૂડમાં છે. જોઈએ કેન્દ્ર એનો કેવોક પડઘો પાડે છે તે ! કેન્દ્ર સરકાર પણ સુપ્રીમના આ ચુકાદાથી રાજી નહીં જ હોય, કારણ તેણે સવર્ણોમાં આર્થિક રીતે નબળા વર્ગ (ઇકોનોમિકલી વીકર સેક્શન – ઇ.ડબલ્યુ.એસ.) માટે 10 ટકા અનામતની જોગવાઈ કરેલી જ છે ને એ ટકાવારી પણ 50 ટકા ઉપરાંતની છે. આ ચુકાદો આવતા એ પણ રદ્દ થાય તો સરકારે આર્થિક રીતે નબળા સવર્ણોનો રોષ વહોરવાનો આવે એમ બને.

આમ જોવા જઈએ તો અનામત રાજકીય સ્વાર્થ સાધવાનો કીમિયો માત્ર છે. અનામતની શરૂઆત 1951માં બંધારણમાં સુધારો કરીને કરવામાં આવી. તે વખતે ઓ.બી.સી. માટે અનામતની વ્યવસ્થા કરાઈ. અનામત અંગે આંબેડકર માનતા હતા કે અલ્પસંખ્યકોનો નકાર જેમ યોગ્ય નથી, એમ જ અલ્પસંખ્યકો, અલ્પસંખ્યક જ બની રહે એ પણ યોગ્ય નથી. આંબેડકર દ્રઢપણે માનતા હતા કે શિક્ષણ સંસ્થાઓ અને નોકરીઓમાં માત્ર 30-40 વર્ષ સુધી જ અનામત અપાય ને એ અવધિ કોઈ પણ સંજોગોમાં વધારવામાં ન આવે. તેમનું એમ પણ કહેવું હતું કે પોતાનો વિકાસ કર્યા બાદ વિશેષ સમુદાયે બાકી સમાજમાં ભળી જવું ને વિશેષ દરજ્જો જતો કરવો. કમનસીબે એવું થયું નથી. અનામત અટકી નથી ને વિકાસ થયા પછી પણ લાભ લેવાનું ચાલુ જ છે.

અનામત સંદર્ભે કાલેલકર પંચ, મંડલ કમિશન, બક્ષી કમિશનની રચના થઈ અને વખતોવખત જુદી જુદી જ્ઞાતિનો સમાવેશ અનામતની યાદીમાં થતો ગયો, મંડલ કમિશને 3,743 જ્ઞાતિઓને ઓ.બી.સી.માં સમાવવાની ભલામણ કરી, પણ કાલેલકર પંચની જેમ જ મંડલ પંચની ભલામણોનો સંસદમાં સ્વીકાર ન થયો, છતાં 1990માં વી.પી. સિંહની સરકારે મંડલ પંચનો અમલ કર્યો. 2006 સુધીમાં 5,013 જ્ઞાતિઓનો ઓ.બી.સી.માં સમાવેશ થયો ને એ પછી પણ રાજ્ય સ્તરે જ્ઞાતિઓ ઉમેરાતી જ ગઈ છે. 1996માં દેવેગૌડા વડા પ્રધાન હતા ત્યારે સંસદમાં મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું. બિલમાં એમ કહેવાયું હતું કે અમલમાં આવ્યા પછી તેની અવધિ 15 વર્ષની જ હશે, પણ ગમ્મત એ થઈ કે 15થી વધુ વર્ષો વીતવાં છતાં એ બિલ પસાર જ ન થયું. 1998, 1999, 2002, 2003, 2008માં બિલ રજૂ થતું રહ્યું, પણ પસાર ન થયું. આમ અનામતની ટકાવારી વધતી રહે તો વાંધો નથી, પણ મહિલા અનામત બિલ પસાર કરવાનું હોય તો વાંધો પડે છે. છેને કમાલ !

મૂળ વાત દાનતની છે. અનામત લાગુ કરવામાં મૂળ હેતુ તો ગરીબ વર્ગને અનામતનો લાભ આપીને મુખ્ય પ્રવાહમાં લાવવાનો હતો, તે ન થયું, પણ જ્ઞાતિ, જાતિ, ધર્મના ભેદ સપાટી પર આવ્યા, પરિણામે સમાનતાનો મૂળ હેતુ જ બદલાઈ ગયો.

અનામત, મત મેળવવાનું સાધન બનતાં, રાજકીયપક્ષોએ લાભ અપાવવાની લાલચો આપી અમુક જ્ઞાતિઓને પાંખમાં લીધી ને એમ અનામતનો સરવાળો વધતો ગયો. એમાં સવર્ણો રહી જતા હતા એટલે મોદી સરકારે ઇકોનોમિકલી વીકર સેકશનને પાંખમાં લઈ વધુ 10 ટકાની લહાણી કરી. આ સગવડ 50 ટકા અનામત ઉપરાંત કરવામાં આવી. એમ લાગે કે હજી ક્યાંકથી મત મળે એમ છે તો કોઈ પણ પક્ષ કે સરકાર 100 ટકા અનામતની ઉપર જવામાં ય સંકોચ અનુભવે એમ નથી.

ખરેખર તો અનામત પૂરેપૂરી નાબૂદ કરવાની જરૂર છે. આમ પણ જે અવધિ માટે તે લાગુ કરવામાં આવી હતી તે પૂરી થઈ ગઈ છે ને જેમણે એનો લાભ લીધો તેમણે એને આજીવન અધિકાર માની લીધો છે એટલે એમને વિકાસ ઓછો જ લાગવાનો ને એ કદી કહેવાના નથી કે અનામત પાછી લઈ લો. ચોક્કસ જ્ઞાતિએ અનામતનો લાભ લઈને પોતાના જ બંધુઓને મદદ કરવાની આવી ત્યારે હાથ પાછળ ખેંચ્યો ને એમ એમાં ય એક જ જ્ઞાતિમાં વર્ગભેદ ઊભા કરવાનું પણ થયું.

અહીં એ પણ નોંધવા જેવું છે કે આંબેડકરે અનામતનો લાભ લીધો નથી. ઇન્દિરા ગાંધી, સુષમા સ્વરાજ, અબ્દુલ કલામ, રામનાથ કોવિંદ … જેવી વ્યક્તિઓએ અનામતનો લાભ લીધા વગર જ પોતાને સ્વબળે સિદ્ધ કરી છે. એની સામે અનામતનો લાભ ખાટીને કોણ રાષ્ટ્રપતિ કે વડા પ્રધાન થવા સુધી પહોંચ્યું છે તે જોઈશું તો સમજાશે કે અનામતે મદદ કરવાને બદલે વ્યક્તિને પાંગળી ને લોભી વધુ બનાવી છે.

એટલું છે કે મોટો રોગ ગરીબીનો છે ને તે કોઈ પણ જ્ઞાતિ, જાતિ કે ધર્મમાં હોઈ શકે છે. ગરીબ દલિત હોય તેમ બ્રાહ્મણ પણ હોય. એ ખરું કે દલિત વધુ શોષિત છે, બહિષ્કૃત છે, પણ એક કાળે એ હતું, હવે એમાં ફેર પડ્યો છે. વળી જે બહિષ્કૃત કે શોષિત છે તેમાં મૂળ કારણ તો ગરીબી જ છે ને એ જ ગરીબી સવર્ણને પણ છે. એટલે અનામતનું મુખ્ય કારણ આજે તો ગરીબી જ છે. એ ગરીબને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે આર્થિક મદદ જરૂરી થઈ પડે, તો ભલેને એ થાય, એનો વાંધો જ નથી. આર્થિક રીતે જે નબળા છે તે સૌને માટે અનામતની એક જ કેટેગરી હોવી જોઈએ ને બાકીની કેટેગરીઓ નાબૂદ કરવી જોઈએ. એટલું થશે તો જ્ઞાતિ, જાતિ, ધર્મ, વર્ગને નામે આખો દેશ વહેંચાયેલો ને ખેંચાયેલો છે તે સ્થિતિ દૂર થશે. રાજકીય પક્ષો અમુકતમુકને સાથે રાખીને જે ભેદભાવો વધારે છે તેમાં ફેર પડશે. એક વાત છે કે એકને આપો ને બીજાને ન આપો તો એક જ વર્ગમાં ભેદભાવ ને ઈર્ષા વધે, એને બદલે સમાન તક મળે તો સાથે રહીને બંને આગળ વધશે. આર્થિક રીતે નબળા વર્ગોની એક જ કેટેગરી નક્કી થશે તો રાજકીય પક્ષોએ મતોનું રાજકારણ ભૂલવું પડશે અને સરવાળે તેનો લાભ દેશને થશે. એટલું થશે તો જ્ઞાતિ, જાતિ, ધર્મ, વર્ગથી ઉપર ઊઠીને દેશ સાચા અર્થમાં એક થશે. આવી એકતા માટે પ્રાર્થના કરીએ …

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 મે 2021

Loading

બની જાય છે:

મૂકેશ પરીખ|Opinion - Opinion|10 May 2021

ખળખળ વહેતું ઝરણું રણ બની જાય છે,
મઘમઘતું જીવન આમ મરણ બની જાય છે.

બેદરકાર પ્રજા જવાબદારી સમજતી નથી,
સરકાર જ નુકસાનીનું કારણ બની જાય છે.

ભૂલો શોધવા તો નીકળ્યા છે દૂરબીન લઈને,
સ્વયં કરવાનું આવે ત્યાં કાયર બની જાય છે.

ખૂબ જોખમી છે મહામારી સામે દુર્લક્ષ સેવવું,
તમારી સમજણ જ તમારું તારણ બની જાય છે.

દોષારોપણની હવે આદત પડી ગઈ છે ‘મૂકેશ’
રામ પણ પ્રજાની નજરમાં રાવણ બની જાય છે.

e.mail : mparikh@usa.com

Loading

સત્યજીત રેઃ ઉઘાડી લાગણીઓને કચકડે કંડારી દુનિયાને ભારતની વાસ્તવિક્તા પીરસી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|9 May 2021

સત્યજીત રેની ફિલ્મોને કારણે ભારતીય સિનેમામાં સત્વ છે તે પરદેશી ફિલ્મમેકર્સને પણ સમજાયું

સરળ રહેવું અને સત્યની લગોલગ હોવું આ બન્ને કરવું આસાન નથી. સત્યજીત રેને માટે આ બન્ને બાબતો જાણે શ્વાચ્છોશ્વાસ સમાન હતી, અને માટે જ તે જે છે એ છે. ફિલ્મોના ઇતિહાસમાં સત્યજીત રેને માઇલ સ્ટોન કહેવા, યુગ કહેવા, સંસ્થાન કહેવા કે પછી એવી દંતકથા સાથે સરખાવવા જેના પુરાવા આખી દુનિયાએ જોયા છે તે કળવું મુશ્કેલ છે. સત્યજીત રેનું જન્મ શતાબ્દી વર્ષ ઉજવાઇ રહ્યું છે, તેમનાં સર્જનો વિશે વાંચ્યુ હોય છતાં ય આ એક એવો જામ છે જે અક્ષય પાત્રમાં પિરસાય તો કદાચ ધરવ થાય.

અન્યો કરતાં અલગ, ઊંચા, ઊંડા ફિલ્મમેકર, રસપ્રદ લેખક, એક ઊંડી સૂઝ ધરાવતા આર્ટિસ્ટ, સંગીતની તરજમાં પણ દ્રશ્ય પૂરી શકે તેવી તેમની સંગીતની સમજ અને બાળકો માટેનાં તેમનાં સર્જનો આ બધાનો અનંત સરવાળો એટલે સત્યજીત રે.

ઊંચા પૂરા, ઘેરો અવાજ, આંખોમાં કંઇક અતલ જેને વ્યાખ્યાઇત ન કરી શકાય, મ્હોમાં પાઇપ, પછવાડે કાં તો પુસ્તકો અથવા તો આંખ સામે ફિલ્મ કૅમેરા આ બધું તેમની છબીને ગોઠવવામાં મદદ કરી શકે તેવી થોડી કડીઓ છે. જેમને કારણે ભારતીય સિનેમાને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી તેવા સત્યજીત રે પોતે શરમાળ અને શાંત હતા, તેમણે ક્યારે ય કલ્પના પણ નહોતી કરી તે ફિલ્મો બનાવશે. એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે તેમને માટે કોઇ ઇનામ સ્વીકારવા જવું પણ બેચેનીમાં અને વ્યાકુળતામાં રૂંવાડા ખડા કરી દેનારી ઘટના રહેતી. આ એ માણસ કહે છે જેના એવોર્ડ્ઝ, માન, અકરામની ગણતરી કરવાની કે તેની યાદી બનાવવાની જરૂર નથી. ચાર્લી ચેપ્લીન પછી જો કોઇ બીજી વ્યક્તિને ઑક્સફર્ડ યુનિવર્સિટીનું માનદ્દ ડૉક્ટરેટ મળ્યું હોય તો તે સત્યજીત રે છે.

તેમની પહેલી ફિલ્મ ‘પાથેર પાંચાલી’ બન્યા પછી, તેમને ધીરે ધીરે પોતાની જ ક્ષમતાઓ સમજાઇ, તે કળી શક્યા કે તે પોતે પરિસ્થિતિ હાથમાં લઇને, લોકો પાસેથી કામ કરાવી શકે તેમ છે અને પછી તેમને માટે બધું સરળ થતું ગયું, દર્શકો સામે બોલવું પણ. સાધારણની સુંદરતાને જોઇ શકવાની ભેટ સત્યજીત રેને રબીન્દ્રનાથ ટાગોર તરફથી મળી. સંદર્ભ વગરની સુંદરતા સ્ક્રીન પર નકામી છે તે તેમને સમજાયું જ્યારે તેમણે ફિલ્મ મેકિંગ શરૂ કર્યું. ત્યારે તેમણે જાણ્યું કે કોઇ પણ શોટ ત્યારે જ સુંદર હોય જ્યારે તેનો સંદર્ભ સાચો હોય, આંખોને ગમી જાય એટલે તે સારો શોટ નથી થઇ જતો. કોઇ પણ થીમ કે વાર્તામાં એક યુનિવર્સાલિટી – જે બધાંને સ્પર્શી શકે તેવું કંઇક હોય તે જરૂરી છે, તે સિનેમા થકી કહેવાય ત્યારે તેની સાદગી લોકોને તો જ સ્પર્શે જો તે વાસ્તવિક રીતે કહેવાયું હોય.

સત્યજીત રેને કારણે ભારતીય સિનેમાની આંતરરાષ્ટ્રીય સ્તરે માત્ર નોંધ લેવાઇ એમ કહીએ તો અયોગ્ય છે, ખરેખર તો તેમની ફિલ્મોને કારણે ભારતીય સિનેમામાં સત્વ છે તે પરદેશી ફિલ્મમેકર્સને પણ સમજાયું. આમ તો સત્યજીત રેને ડિ-કોડ કરવા હોય તો એક વારમાં ન જ કરી શકાય છતાં ય તેમના સિનેમાને કારણે ભારતીય ફિલ્મ મેકિંગ પ્રત્યે વિદેશી ફિલ્મ મેકર્સની દ્રષ્ટિ કેમ બદલાઇ તે સમજવાનો એક પ્રયાસ કરીએ.

એક વખતો હતો જ્યારે વિદેશની ફિલ્મોમાં ભારતીયો વિદેશી કલાકારો-એક્સ્ટ્રાઝ-ત્રીજા વિશ્વના લોકો, બેકગ્રાઉન્ડની વિગતો માટે કે લોકાલ્સ દર્શાવવા માટે કામ લાગે તેવી ટોળાંમાં ખપી જતા. તેમને માટે ભારત – ભારત હતું, આપણાં દેશની વિવિધતા, સંસ્કૃતિ, મિજાજ કશું ય તેમને માટે અગત્યનું નહોતું. ગુજરાત, મહારાષ્ટ્ર અને બંગાળ કે પછી કેરળ, કાશ્મીર અને બિહારમાં તફાવત છે તેની તેમને ખબર પણ નહોતી અને તે જાણવાની તે તસ્દી ય ન લેતા. સત્યજીત રેની ફિલ્મોએ વિદેશી ફિલ્મમેકરના આ સામ્રાજ્યવાદી વલણ સામે એક નવું જ ચિત્ર મૂક્યું. તેને કારણે વિદેશી ફિલ્મ મેકર્સની આંખો ખૂલી. બેકગ્રાઉન્ડમાં દેખાતા લોકોનાં ટોળાં પાત્ર બને ત્યારે તેમની શું વાર્તા હોય છે, તેમની શું બૅક સ્ટોરી હોઇ શકે છે, તેમની સંસ્કૃતિ, સમજ બધું જ હવે તેમની આંખો રજિસ્ટર કરવા માંડી.

સત્યજીત રેની ફિલ્મો પૉલિટીકલ હતી પણ તે બધાં જ સર્જનોનો સ્થાયી ભાવ ન હતો. તેમના સ્ત્રી પાત્રો હંમેશાં મજબૂત રહેતાં, કારણ કે તે માનતા કે સંવેદનાની દ્રષ્ટિએ સ્ત્રીઓ પુરુષો કરતાં સ્ટ્રોંગ જ હોય છે, પછી તે ક્યાં ય પણ હોય. તે સ્ક્રિપ્ટ લખતા તો સાથે તે જ પાનાંઓ પર ઇલ્સ્ટ્રેશન પર કરતા. તેમણે પોતે તેમની ફિલ્મોમાં સંગીત આપ્યું, જરૂર પડ્યે ગીતો પણ લખ્યાં અને આ વાતોથી કોઇ અજાણ નથી.

આજે પણ સત્યજીત રેની ફિલ્મો કે લખાણો પણ પ્રાસંગિક અને પ્રસ્તુત છે કારણ કે તેમણે જે પણ સર્જન કર્યાં તેનો અર્ક વાસ્તવિકતા હતી, જે ચલણમાં હોય તે અથવા તો કોઇ ફિક્સ ફોર્મ્યુલા નહીં. સત્યજીત રે પોતે જ એક રેનસાં હતા તેમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. તેમનાં સર્જનોનો અનુભવ એટલે મુક્તિની મોકળાશને શ્વાસમાં ભરવી, સાદગીના સૌંદર્યને આંખોમાં ભરવું.

તે કહેતા કે રસ્તે ચાલતો સાધારણ માણસ મને હંમેશાં પેચીદો વિષય લાગ્યો છે, હંમેશાં નાયક હોય તેવા માણસોમાં વધુ ખાંખાખોળા કરવાની સંભાવનાઓ નથી હોતી. સત્યજીત રેએ માણસની ઉઘાડી સંવેદનાઓને સ્ક્રીન પર ઊગાડી, સમાજ જેવો છે તેવો જ બતાડ્યો અને માટે જ તેની સાથે આજે પણ લોકો જાતને સાંકળી શકે છે. પેલું કહેવાય છે ને કે સપાટી ખોતરો તો અંતે તો બધાં સરખાં જ હોય છે અને માટે જ સત્યજીત રેનાં સર્જનો ભારતને, ભારતીય ફિલ્મ મેકિંગને એક જૂદા સ્તરે મૂકી શક્યા.

બાય ધી વેઃ

સત્યજીત રેના સર્જનોને ડિ-કોડ કરવા જરૂરી છે પણ ત્યાં જ અટકી જવું પણ યોગ્ય નથી. તેમનું યોગદાન દીવાદંડી જેવું છે તેમાંથી આપણે દિશા મેળવવી જ રહી. રબીન્દ્રનાથ ટાગોરને જ્યારે તે નાનપણમાં પહેલીવાર મળ્યા, અને તેમનો ઑટોગ્રાફ લીધો ત્યારે કવિએ જ પંક્તિઓ ટાંકી હતી તેનો અર્થ કંઇક આવો થાય છે, ‘બહુ લાંબો સમય સુધી હું એક જગ્યાએથી બીજે ભટક્યો છું, પહાડો અને દરિયાઓની વિશાળતાઓ જોઇ છે, હું કેમ મારા ઘરથી બે યાર્ડ દૂર ન ગયો, મારી આંખો ખોલીને ડાંગર પરના ઝાકળનાં બિંદુને એકદમ ધારી ધારીને કેમ ન જોયું?’ આ પંક્તિઓને મમળાવી, પચાવી, વાગોળીને ઉછરેલા સત્યજીત રેએ માણસની આંખનાં બિંદુ, કપાળે જામેલા પરસેવાનાં ટીપાં અને લાગણીઓને સ્નિગ્ધતાને પિરસતાં શીખી લીધું અને આખી દુનિયાને પણ સામ્રાજ્યવાદનો ભોગ બનેલા ભારતમાં જીવાતી જિંદગીઓનું ચિત્ર ધર્યું.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  09 મે 2021 

Loading

...102030...1,9701,9711,9721,973...1,9801,9902,000...

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved