Opinion Magazine
Number of visits: 9746894
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સબ કુછ ચંગા-ચંગા

પારુલ ખખ્ખર|Poetry|11 May 2021

એક અવાજે મડદા બોલ્યાં ‘સબ કુછ ચંગા-ચંગા’

રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

 

રાજ, તમારા મસાણ ખૂટયા, ખૂટયા લક્કડભારા,

રાજ, અમારા ડાઘૂ ખૂટયા, ખૂટયા રોવણહારા,

ઘરેઘરે જઈ જમડાંટોળી કરતી નાચ કઢંગા

રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

 

રાજ, તમારી ધગધગ ધૂણતી ચીમની પોરો માંગે,

રાજ, અમારી ચૂડલી ફૂટે, ધડધડ છાતી ભાંગે

બળતું જોઈ ફીડલ વગાડે ‘વાહ રે બિલ્લા-રંગા’!

રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

 

રાજ, તમારા દિવ્ય વસ્ત્ર ને દિવ્ય તમારી જ્યોતિ

રાજ, તમોને અસલી રૂપે આખી નગરી જોતી

હોય મરદ તે આવી બોલો ‘રાજા મેરા નંગા’

રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

સૌજન્ય : કવયિત્રીની ફેઈસબૂલ દિવાલેથી સાભાર

Loading

‘મ’ ધ્વનિ નૈર્સગિક રીતે બાળકના મોંમાંથી સૌથી પહેલાં નીકળે છે.

રાજ ગોસ્વામી|Opinion - Opinion|11 May 2021

દુનિયાની તમામ ભાષાઓમાં માતા માટેનો શબ્દ 'મ'થી શરૂ થાય છે. જેમ કે, અંગ્રેજીમાં મધર, મમ્મી અને મોમ, હિન્દીમાં મા અને માતા, સંસ્કૃતમાં માતૃ, ઉર્દૂમાં અમ્મી અને અમ્મા (મ્મ પર વજન વધુ હોય છે), પર્શિયનમાં મદ્ર, લેટિનમાં માતર, ગ્રીકમાં માના, ઇટાલિયનમાં માદ્રે અને મમ્મા, ફ્રેંચમાં મેરે, જર્મનીમાં મટર, આફ્રિકાનામાં મોઇયેડર અને મા, કંબોડિયાઈમાં માએ, મદાઈ અને માક, ડેનિશમાં મોર, ડચમાં મોઈડર અને મોએર, આઈરીશમાં માથેર, ચાઇનીઝમાં મામા, વગેરે.

'મ' કેમ? સાઈકોલિંગગ્વિસ્ટિક સંશોધન પ્રમાણે, બાળક જન્મથી શરૂ કરીને ૬૦ મહિના (પાંચ વર્ષ) સુધીમાં અલગ-અલગ પ્રકારના અવાજો કાઢવાની પ્રક્રિયામાંથી પસાર થાય છે, જેને લેંગ્વેજ એક્વિજિશન એટલે કે ભાષાનું અર્જન કહે છે. ૧૯૬૨માં, રશિયન-અમેરિકન ભાષાશાસ્ત્રી આર. જેકોબ્સને લેંગ્વેજ એક્વિજિશનની આ થિયરી વિકસાવી હતી. એમાં કોગળા કરતા હોઈએ તેવો ખળખળ અવાજ, બડબડાટ, એકાક્ષર અને એક શબ્દના ઉચ્ચારનો સમાવેશ થાય છે.

આમાં બડબડાટ અથવા બકબક(બેબલિંગ)નો જે બીજો તબક્કો છે, તે ૧૦થી ૧૮ અથવા ૨૦ મહિના વચ્ચે આવે છે. આ એ સમય છે, જ્યાં બાળકે તેના પોષણ માટે માતા પર આધાર રાખવાનું છોડી દીધું હોય છે. તે થોડો સોલિડ આહાર લેતું થયું હોય છે, તેના મોઢામાં સલિવા એટલે કે લાળ પેદા થવાનું ઘટે છે, દાંત ફૂટવા પર હોય છે, તે બેસતું, ઊભું થતું, ચાલતું થાય છે.

આ જ સમયગાળામાં, બાળક તેના ગળામાંથી નીકળતી હવાને આળીઅવળી રીતે નિયંત્રિત કરતું થાય છે, અને વયસ્ક જેવા અમુક અવાજ કાઢે છે. એમાં જે પહેલો અવાજ નીકળે છે તે 'મ' હોય છે (એ પહેલાં 'ર' અવાજ પણ તે કાઢતું હોય છે, પણ પછી તે ગાયબ જાય છે), જે કાયમ માટે રહી જાય છે. તે સમયે બાળકની સૌથી નજીક તેની માતા હોય છે, એટલે તે આ અવાજને પોતાના નામ સાથે જોડે છે ('મને બોલાવે છે'). બાળકને પણ ધીમે-ધીમે એ સમજાતું જાય છે કે એક ચોક્કસ અવાજથી તેની માતા તેના તરફ આકર્ષિત થાય છે, એટલે તે એ અવાજનો પ્રયોગ વધારતું જાય છે.

લેંગ્વેજ એક્વિજિશનની આ પ્રક્રિયા દુનિયામાં લગભગ એક સરખી હોય છે, એટલે દુનિયાની તમામ (આશરે ૬,૦૦૦) ભાષાઓમાં માતા માટેનો શબ્દ 'મ'થી શરૂ થાય છે. બાળક ‘મંમં’ ઉદ્દગાર કરે છે, ત્યારે ઘણી ગુજરાતી મમ્મીઓ બોલે છે, ‘તારે મંમં ખાવું છે?’ ‘મંમં’ નામનો કોઈ ખોરાક નથી, પરંતુ એવું બોલીને મમ્મીનું ધ્યાન ખેંચવાનો મતલબ એ થાય છે કે બાળક ભૂખ્યું થયું છે. આ ભૂખ્યા બાળકને મા સ્તને વળગાળે. એના પરથી સ્તન માટે મૈમલ શબ્દ આવ્યો છે. જેને સ્તન હોય તેવાં પ્રાણીઓ માટે ‘મમ્મલ’ (સ્તનધારી) શબ્દ છે. મમ્મલ શબ્દ આધુનિક છે, જે વૈજ્ઞાનિક શબ્દ ‘મમ્માલિયા’ પરથી આવ્યો છે અને ‘મમ્માલિયા’ શબ્દ લેટિન ‘મમ્મા’ પરથી આવ્યો છે, જેનો અર્થ ‘સ્તન’ થાય છે. મા અથવા માતા અથવા મધર શબ્દનું મૂળ અહીં પણ છે.

અરેબિક, ચાઇનીઝ અને જાપાનીઝ જેવી અમુક ભાષાઓને બાદ કરતાં, દુનિયાની મોટા ભાગની ભાષાઓ ઇન્ડો-યુરોપિયન પરિવારમાંથી આવે છે અને તેમાં માતા માટે ‘મેટર’ શબ્દ છે. તમે અંગ્રેજીમાં અલ્મા-મેટર શબ્દ સાંભળ્યો હશે, જે સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટી માટે વપરાય છે. એ મૂળ લેટિન શબ્દ છે, અને અર્થ થાય છે ‘પોષણ આપી રહેલી માતા.’ કેટલાક ભાષાશાસ્ત્રીઓ ‘મેટર’ના મૂળમાં સંસ્કૃત ‘માતૃ’ને જુવે છે. આ ‘મેટર’ શબ્દ અલગ-અલગ રીતે બીજી ભાષાઓમાં ગયો છે. જેમ કે અંગ્રેજીમાં એ મધર બન્યો અને ફારસીમાં માધર બન્યો. તેના પરથી મેટ્રિયાર્ચી (માતૃસત્તાક), મેટરનિટી અને મેટરનલ શબ્દો આવ્યા છે. આપણે કોઈકને કશું પૂછવું હોય, તો કહીએ છીએ, ‘મેટર શું છે?’ એના મૂળમાં પણ ‘મૂળ’(માતા)ની વાત છે. ફારસીમાં ગાળ તરીકે માધર-બ-ખત શબ્દ વપરાય છે; જેની માતા કલંક (ખતા) વાળી છે.

તેવી જ રીતે, સંસ્કૃત પિતર પરથી લેટિન-ગ્રીકમાં પતેર અને ફારસીમાં પીદર છે. જૂની અંગ્રેજીમાં ફેઇદર, જૂની નોર્સ(ઉત્તર જર્મનિક ભાષા)માં ફધીર અને આધુનિક અંગ્રેજીમાં ફાધર શબ્દ આવ્યો હોવાનું ઘણા માને છે. આ યોગાનુયોગ પણ હોઇ શકે. સંસ્કૃતનો ‘પ’ ધ્વનિ યુરોપિયનમાં ‘ફ’ હોઇ શકે. જર્મન ભાષાશાસ્ત્રી જેકોબ ગ્રીમે કહેલું કે ઇન્ડો યુરોપિયન ભાષાઓના જનક મનાતા પ્રોટો-ઇન્ડો-યુરોપિયન બંધારણમાં ‘પ’ ‘ફ’માં તબદીલ થયો હોવો જોઇએ.

‘મ’ ધ્વનિ નૈર્સગિક રીતે બાળકના મોંમાંથી નીકળતો હોવો જોઇએ. એ ધ્વનિને વધુ એક ક્ષણ સુધી અવલંબિત કરવાના અને પછી ફૂંક સાથે છોડવાના પ્રયાસમાં ‘પ’ ધ્વનિ નીકળે છે. તર્ક એવો છે કે બાળક એના પ્રથમ ઉચ્ચારણોમાં ઘણા પ્રયોગો કરે છે અને એ પ્રયાસોમાં ‘મ’ અને ‘પ’ ધ્વનિ સહજ રીતે પ્રથમ આવે છે. પશુ-પક્ષીઓના પ્રથમ ધ્વનિમાં પણ આવું જ છે. મા અને પા, આવી રીતે આવ્યા હોવા જોઈએ.

બાય ધ વે, આપણે  કોરોનાની મહામારી વચ્ચે મધર્સ-ડે ઉજવી રહ્યા છીએ. તમને એ જાણવું દિલચસ્પ લાગશે કે મધર્સ-ડેની ઉજવણીનું મૂળ પણ મહામારીમાં જ છે. અમેરિકામાં મધર્સ-ડેની સ્થાપના કરવાનું શ્રેય અન્ના મારિયા જાર્વિસ નામની સમાજસેવિકાને જાય છે. અન્નાને આ પ્રેરણા તેની માતા અન્ના જાર્વિસ તરફથી મળી હતી. વર્જીનિયા રાજ્યની આ સિનિયર જાર્વિસ, અમેરિકન ગૃહયુદ્ધમાં સમાજ સેવિકા હતી. તેને ૧૩ બાળકો થયાં હતાં, પણ તેમાંથી ચાર જ જીવતાં રહ્યાં હતાં. તે વખતે તેના પ્રદેશમાં ટાઈફોડની મહામારી ફેલાયેલી હતી અને ૧૯મી તેમ જ ૨૦મી સદીના પ્રારંભ સુધી ૧૫થી ૨૦ ટકા નવજાત બાળકો જન્મના એક વર્ષની અંદર મરી જતાં હતાં.

૧૮૫૮માં, અન્ના છઠ્ઠીવાર પ્રેગ્નન્ટ હતી, ત્યારે સગર્ભા માતાઓની સ્થિતિ સુધારવા માટે, મહામારીમાં દરદીઓની સારવાર કરતા તેના ભાઈ ડો. જેમ્સ જાર્વિસની તેણે મદદ માગી હતી. તેમણે ડોકટરોના કેમ્પ શરૂ કર્યા હતા, જેમાં નવજાત શિશુઓની માતાઓને સ્વસ્થ્ય બાબતે માર્ગદર્શન આપવામાં આવતું હતું. આ કેમ્પને તેમણે ‘મધર્સ ડે વર્ક કલબ’ નામ આપ્યું હતું. સિનિયર જાર્વિસની નવમી દીકરી અન્ના જાર્વિસ મોટી થઇ, ત્યારે તેણે તેની માતા પાસેથી આ કલબની વાત સાંભળી હતી, અને તેણે ૧૮૬૮માં ગૃહયુદ્ધમાં વિભાજીત પરિવારોને ભેગા કરવા માટે ‘મધર્સ ફ્રેન્ડશીપ ડે’ની ઉજવણી ચાલુ કરી હતી.

૧૦ મે, ૧૯૧૩ના રોજ પ્રેસીડેન્ટ વૂડ્રો વિલ્સને ‘મધર્સ ડે’નું સત્તાવાર ઘોષણાપત્ર જારી કર્યું હતું. ત્યારથી મે મહીનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવાય છે.

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 09 મે 2021

Loading

ફર્સ્ટ ક્લાસ દેશની થર્ડ ક્લાસ સ્વાસ્થ્ય વ્યવસ્થા

રાજ ગોસ્વામી|Opinion - Opinion|10 May 2021

કોલમ લેખનની દુનિયામાં જનહિતના ઘણા વિષયો અને મુદ્દાઓ એવા હોય છે, જે દાયકો સુધી પ્રસંગોપાત ચર્ચાતા રહેતા હોય છે, કારણ કે એ મુદ્દાઓ સામાજિક હોય છે, અને સામાજિક બાબતો બદલાતાં વર્ષો લાગે છે, પરંતુ એવું જવ્વલેજ બને કે એક જ વિષયને એક જ વર્ષમાં ફરીથી ચર્ચવો પડે, જેથી લોકોમાં તેનો દ્રષ્ટિકોણ તાજો થાય. એક વર્ષ પહેલાં, ફેબ્રુઆરી ૨૦૨૦માં, જ્યારે ભારતમાં કોરોના વાઈરસના ગણ્યાંગાંઠ્યા કેસો હતા (અને તેનું નામ હજુ કોવિડ-૧૯ પડ્યું ન હતું), ત્યારે અમેરિકન ગુપ્તચર સંસ્થાઓએ ખતરાની ઘંટી વગાડી હતી કે વિશ્વમાં ફેલાઈ રહેલી મહામારીમાં સૌથી મોટી ચિંતા ભારતની છે. તે વખતે પ્રગટ થયેલા સમાચારો પ્રમાણે, સંસ્થાઓને એ ફિકર હતી કે મહામારીના સંકટને પહોંચી વળવાના ટાંચા સંશાધનોને જોતાં ભારત જેવા ગીચ દેશમાં મહામારી ફેલાઈ જશે તો દેશની અને કોરોના સામે દુનિયાની લડાઈની શી હાલત થશે?

લગભગ તે જ અરસામાં આપણે આ સ્થાનેથી લંડન, ન્યૂયોર્ક અને બેજિંગથી પ્રગટ થતા પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલ ‘ધ લાન્સેટ’નો હવાલો આપીને લખ્યું હતું કે ભારતની સાર્વજનિક સ્વાસ્થ્ય વ્યવસ્થા કાયમ ચિંતાનો વિષય રહી છે. ભારતને વસ્તી જે સ્ફોટક રીતે વધી છે, તેની સરખામણીમાં તેના સ્વાસ્થ્ય માળખામાં સુધારો નથી આવ્યો. સામાન્ય સંજોગોમાં પણ આ વિશાળ દેશના કરોડો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ગુણવત્તાભરી સ્વાસ્થ્ય સારવાર મળતી નથી, તો કોરોના જેવો મહાકાય રોગચાળો અહી ત્રાટકે, તો દરદીઓ, ડોકટરો અને દવાઓની શી વલે થાય?

એક વર્ષ પછી, એ ચિંતા સાચી પડી. ભારતે રોજ નોંધાતા કોરોનાના કેસોના વિશ્વના તમામ રેકોર્ડ તોડી નાખ્યા. અસંખ્ય લોકો સારવાર વગર મરી ગયા. હજારો દરદીઓ હોસ્પિટલોમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતાં થઇ ગયાં. દુનિયામાં ક્યાં ય ન હોય તેવું દવાઓનું, હોસ્પિટલ બેડ્સનું, વેન્ટીલેટર્સનું, ઓક્સિજનનું અભૂતપૂર્વ સંકટ સરજાયું. કોઈએ કોઈ વાર્તા કે ફિલ્મમાં પણ જોયું નહીં હોય કે સ્મશાનમાં ચિતાઓ સળગાવવા માટે જગ્યા અને લાકડાં ખૂટી પડ્યાં હોય. ‘નિવાર્ય ટ્રેજેડી,’ ‘ભારતનો ખોટો આત્મવિશ્વાસ,’ ‘ગાફેલિયત અને ગલતીઓ,’ ‘માફ ન કરી શકાય તેવી ગફલતો’ જેવા શબ્દો ભારત માટે આંતરરાષ્ટ્રીય મીડિયામાં લખાયા હતા.

કોરોનાની મહામારી પૂરી દુનિયામાં યથાવત છે, એટલે એવું નથી કે ભારતમાં તેનો નવો પ્રકોપ આવ્યો છે. આખી દુનિયા તેનાં આંખ-કાન-નાક ખુલ્લાં રાખીને વાઈરસ સામે સાવધાની રાખી રહી હતી, ત્યારે ભારતે તેની ઢાલ હેઠે મૂકી દીધી હતી અને કોરોનાને હરાવી દીધાનો વિજયોત્સવ મનાવવાનો શરૂ કરી દીધો હતો. એ બેદરકારીમાં કોરોનાના વાઇરસે એવો ભરડો લીધો કે દેશની આખી સ્વાસ્થ્ય વ્યવસ્થા તૂટી પડી.

‘ધ લાન્સેટ’ જર્નલે એક વર્ષ પહેલાં લખ્યું હતું, “ભારતમાં તેની નબળી સાર્વજનિક સ્વાસ્થ્ય વ્યવસ્થાને મજબૂત કરવા માટે પૂરતા પૈસા ખર્ચાતા નથી. દેશનાં અલગ-અલગ રાજ્યો વચ્ચે એટલી ભિન્નતા છે કે રોગચાળાને કાબૂમાં લેવાની દેશની વ્યૂહરચના માટે એ એક પડકાર છે. એવા ઘણા કિસ્સાઓ બહાર આવ્યા છે, જેમાં દરદીઓ સરકારી હોસ્પિટલોના વિશેષ અઈસોલેશન વોર્ડમાંથી ભાગી છૂટ્યા હોય અથવા તેમની વિદેશ યાત્રાની માહિતી છુપાવી હોય.”

વોર્ડમાંથી ભાગી છૂટવું કે માહિતી છુપાવવી એ તો પાશેરામાં પહેલી પૂણી હતી. એક વર્ષ પછી તો રેમડેસિવિર ઈન્જેકશનોની ચોરી, સંગ્રહખોરી અને કાળાબજારી થતી હતી, ઓક્સિજન સિલીન્ડર માટે મારામારી થતી હતી, રાજ્યોએ ઓક્સિજન બનાવતી ફેકટરીઓ પર પોલીસ બેસાડી હતી, દિલ્હીની ૮ હોસ્પિટલો દરદીઓનાં જીવ બચાવવા માટે ઓક્સિજનની માંગણી લઈને હાઇકોર્ટ પહોંચી હતી.

લેટ્સ ફેસ ઈટ. ભારત કોવિડ-૧૯ જેવા સાર્વજનિક સ્વાસ્થ્ય સંકટનો સામનો કરવા તૈયાર ન હતું. એમાં તો બીજા કોઈ દેશની તૈયારી ન હતી, પણ બીજા લોકો આપણી જેમ કસમયે આત્મવિશ્વાસથી છલકાઈ ગયા ન હતા. આપણને ઘર ઠીક કરવા માટે એક વર્ષનો સમય મળ્યો હતો, પરંતુ આપણી પ્રાથમિકતાઓ બદલાઈ ગઈ, અને મહામારીની બીજી લહેર ઊઠી, ત્યારે આપણે હોસ્પિટલોમાં ઓકિસજન, વેન્ટીલેટર્સ, ઈન્જેકશન્સ અને પથારીઓ માટે આમતેમ દોડતા હતા.

આંતરરાષ્ટ્રીય આર્થિક મીડિયા બ્લૂમબર્ગનો અહેવાલ કહે છે કે ભારત તેના જી.ડી.પી.નો એક ટકો સાર્વજનિક સ્વાસ્થ્ય પાછળ ખર્ચે છે. સરકારી બજેટમાં સ્વાસ્થ્ય સેવાઓની જોગવાઈ કરતા ૧૮૯ દેશોમાં ભારતનો નંબર ૧૭૯ છે. વિદેશી ડોનેશન પર જીવતું સિયેરા લેઓને જેવું પછાત રાષ્ટ્રનું સ્વાસ્થ્ય બજેટ ભારત જેટલું છે. ભારતની સ્વાસ્થ્ય સેવા આંશિક રીતે જ સરકારના નિયંત્રણમાં છે. તેનો ૭૫ ટકા હિસ્સો ખાનગી કંપનીઓ અને પ્રેક્ટીસનર્સના હાથમાં છે, જે અતિ ખર્ચાળ છે, કારણ કે તે નફો કમાવા માટે કામ કરે છે, સ્વાસ્થ્ય કલ્યાણ માટે નહીં. મૂળભૂત રીતે, ભારતની સ્વાસ્થ્ય વ્યવસ્થા સાધારણ જનતા વિરોધી છે, અને એનું જ પરિણામ છે કે આખી દુનિયા કરતાં ભારતમાં જ કોરોના આટલાં જીવ લઇ રહ્યો છે.

ગયાં વર્ષે આ જ સ્થાનેથી લખ્યું હતું, “૨૦૧૯ના વૈશ્વિક સ્વાસ્થ્ય સુરક્ષા ઇન્ડેક્સ મુજબ, ભારત સહિતનાં મોટા ભાગના એશિયન દેશો મોટી મહામારીનો સામનો કરવા સક્ષમ નથી. બ્રિટિશ રાજની સમાપ્તિ પછી, સ્વતંત્ર ભારતની દરેક સરકારે સાર્વજનિક સ્વાસ્થ્યની ઉપેક્ષા કરી છે, અને ચેપી રોગો સામે સંરક્ષણને ક્યારે ય પ્રાથમિકતા આપી નથી. મેલેરિયા, ટી.બી., એઇડ્સ જેવા છૂટાછવાયા રોગો માટે આપણે પગલાં ભર્યાં છે, પણ એ તો આગ લાગે ત્યારે ખાડો ખોદવા જેવું છે. જ્યાં સુધી સર્વસમાવેશી, લાંબા ગાળાના સાર્વજનિક સ્વાસ્થ્ય માળખાનો સવાલ છે ત્યાં સુધી, આપણે હજુ ય ‘થર્ડ વર્લ્ડ’ (અથવા થર્ડ ક્લાસ) જ છીએ.”

ઉત્તમ સ્વાસ્થ્ય વ્યવસ્થા એને કહેવાય જે રોગનિરોધી હોય, રોગનિવારક નહીં. ચાઇનીઝ ઉપચાર પદ્ધતિમાં એક પ્રાચીન પરંપરા છે જેમાં ડોક્ટરને તમને તંદુરસ્ત રાખે તેના પૈસા મળે છે. તમે જો બીમાર પડો, તો ડોકટરને પૈસા ન મળે, કારણ કે તેણે તેનું કામ બરાબર નથી કર્યું. આધુનિક પદ્ધતિમાં તમે બીમાર પડો તેના પૈસા મળે છે, એટલે એ તો ડોક્ટરને ‘ભાવતું હતું ને વૈધે કહ્યું’ જેવો ઘાટ થયો! પાણી પહેલાં પાળ બાંધો તેને રોગનિરોધી વ્યવસ્થા કહેવાય, અને આગ લાગે ત્યારે ખાડો ખોદવો એ રોગનિવારક રીત છે. અત્યારે દેશ ખાડો જ ખોદી રહ્યો છે.

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 02 મે 2021

Loading

...102030...1,9691,9701,9711,972...1,9801,9902,000...

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved