કેન્દ્ર સરકાર એટલે કે વડા પ્રધાન; દિલ્હીના સી.એમ. કેજરીવાલને ચૂંટણીમાં પરાસ્ત ન કરી શક્યા અને ભવિષ્યમાં પરાસ્ત કરી શકાશે નહીં એવી ગળા સુધી ખાતરી થવાથી વડા પ્રધાન હવે એલ.જી. મારફતે કેજરીવાલની પાંખો કાપી લેવા આતુર બની ગયા છે ! દિલ્હીના બોસ કોણ : સી.એમ. કે એલ.જી. ? દેશની રાજધાની દિલ્હીમાં હવે મુખ્ય મંત્રીને શહેરના ‘મેયર’ જેટલી જ સત્તા રહેશે; એટલે કે નામની જ સત્તા રહેશે ! હવે બધા આખરી નિર્ણયો સી.એમ. નહીં પણ એલ.જી. – લેફ્ટનન્ટ ગવર્નર – ઉપરાજ્યપાલ લેશે ! ૧૫ માર્ચ ૨૦૨૧ના રોજ સંસદમાં ‘દિલ્હી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર શાસન સંશોધન વિધેયક-૨૦૨૧’ કેન્દ્ર સરકારે રજૂ કર્યું છે! આ બિલ મંજૂર થતાં ‘નોમિનેટેડ’ એલ.જી. પાવરફૂલ બનશે; અને ઈલેકટેડ સી.એમ. સત્તાહીન બનશે !
સવાલ એ છે કે લોકશાહીમાં સર્વોચ્ચ કોણ; નોમિનેટેડ કે ઇલેકટેડ? કેજરીવાલને પોતાની ભૂલ નડી રહી છે. જ્યારે કેન્દ્ર સરકારે ૨૦૧૯માં, જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ-૩૭૦ હટાવી બે રાજ્યોનું સર્જન કર્યું ત્યારે કેન્દ્ર સરકારના તે નિર્ણયને કેજરીવાલે સમર્થન આપ્યું હતું. કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીર રાજ્ય સાથે જે કર્યું હતું તે હવે કેજરીવાલ સાથે થઈ રહ્યું છે ! તેમની સત્તા નિયંત્રિત થઈ રહી છે ! બિલની જોગવાઈ મુજબ ‘સરકાર એટલે એલ.જી.’ ! કેજરીવાલ કહે છે કે તો પછી ચુંટાયેલી સરકારની જરૂર શું છે? વડા પ્રધાને દિલ્હી વિધાનસભાની ચૂંટણી વેળાએ પોતાના ઘોષણાપત્રમાં કહ્યું હતું કે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. પરંતુ વડા પ્રધાનને, દિલ્હી વિધાનસભામાં માત્ર ૮ બેઠકો મળી એટલે વડા પ્રધાનનું મન ખાટું થઈ ગયું છે !
આ બિલની મુખ્ય જોગવાઈઓ શું છે?
[1] મંત્રીમંડળ જે નિર્ણય કરે તે પૂર્વે / કોઈ નિર્ણય લાગુ પાડતા પૂર્વે એલ.જી.ની ‘સલાહ’ લેવી પડશે !
[2] એલ.જી. એ બાબતો નક્કી કરશે કે કઈ કઈ બાબતોમાં પોતાની સલાહ લેવી!
[3] દિલ્હી વિધાનસભાએ બનાવેલ કોઈ પણ કાયદામાં ‘સરકાર એટલે એલ.જી.’ માનવાનું રહેશે !
[4] દિલ્હી વિધાનસભા કે તેની કોઈ સમિતિ વહીવટી નિર્ણયોની તપાસ કરી શકશે નહીં; આવા નિયમો બનાવેલ હોય તે બધા રદ્દ થઈ જશે !
[5] દરેક ફાઈલ એલ.જી. પાસે જશે. દિલ્હી વિધાનસભા એલ.જી.ને પૂછ્યા વિના કોઈ કાયદો કે નિયમો બનાવી શકશે નહીં !
[6] દિલ્હી વિધાનસભાએ પસાર કરેલ બિલને એલ.જી. મંજૂરી નહી આપે જે વિધાનસભાના ક્ષેત્ર બહારનું હોય ! આવા બિલને એલ.જી. રાષ્ટ્રપતિની વિચારણા માટે રીઝર્વ રાખી શકશે !
[7] દિલ્હી વિધાનસભાનું કામકાજ લોકસભાના નિયમો મુજબ ચાલશે. વિધાનસભામાં જે વ્યક્તિ હાજર ન હોય; તેની આલોચના કરી શકાશે નહીં !
ટૂંકમાં, દિલ્હીમાં વિધાનસભા / મંત્રીમંડળ / સી.એમ. હોવા છતાં તે કેન્દ્રશાસિત પ્રદેશ બની જશે ! કેજરીવાલને અપંગ બનાવવા માટેનું જ આ બિલ છે તેમ સ્પષ્ટ થાય છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે ૪ જુલાઈ ૨૦૧૮ના રોજ પોતાના ચુકાદામાં કહ્યું હતું :
[1] એલ.જી. મંત્રીમંડળની સલાહથી કામ કરશે. જો કોઈ અપવાદ હોય તો તે બાબત રાષ્ટ્રપતિને મોકલશે; અને જે નિર્ણય રાષ્ટ્રપતિ લે તેનો અમલ કરશે. એટલે કે એલ.જી. પોતે કોઈ નિર્ણય સ્વતંત્રપણે નહીં લે.
[2] બંધારણના આર્ટિકલ-૨૩૯ એએ મુજબ મંત્રીમંડળ પાસે એક્ઝિક્યુટિવ પાવર્સ છે.
[3] મંત્રીમંડળ ‘સ્ટેટ સૂચિ’ અને ‘સંયુક્ત સૂચિ’માં જે વિષય છે તેમાં ત્રણ અપવાદ છોડીને બાકીની બાબતોમાં સ્વતંત્ર રીતે નિર્ણય કરી શકશે.
[4] કાયદો-વ્યવસ્થા / પોલીસ / જમીન આ ત્રણ બાબતો સિવાય ‘રાજ્ય સૂચિ’માં જે વિષયો છે તે અંગે રાજ્ય સરકાર કાયદો બનાવી શકે છે.
[5] રાજ્ય સરકાર જે કંઈ નિર્ણય કરે તે અંગે એલ.જી.ને માહિતગાર કરશે; પરંતુ એલ.જી.ની સહમતી જરૂરી નથી.
[6] અપવાદ તરીકે કોઈ બાબતને એલ.જી. રાષ્ટ્રપતિને મોકલી શકે; પરંતુ દરેક બાબતને નહીં ! આર્ટિકલ-૨૩૯ એએ ક્લોઝ-૪ માં અપવાદની વ્યાખ્યા આપેલ છે; તે મુજબ એલ.જી. કામ કરશે.
૧૯૯૧માં બંધારણમાં ૬૯મો સુધારો કરી આર્ટિકલ – ૨૩૯ એએની જોગવાઈ કરી હતી; જેમાં દિલ્હીને પોતાના એમ.એલ.એ. ચૂંટવાનો અધિકાર મળ્યો હતો. દિલ્હી માટે વિધાનસભાની વ્યવસ્થા કરવામાં આવી, અને જાહેર વ્યવસ્થા / પોલીસ /જમીન એ ત્રણ બાબતો સિવાય ‘રાજ્ય સૂચિ’માં જે વિષયો છે તે અંગે કાયદા ઘડવાની સત્તા આપવામાં આવી હતી.
કેન્દ્ર સરકારે; સુપ્રીમકોર્ટની બંધારણીય બેંચના જજમેન્ટને રદ્દ કરવા આ બિલ રજૂ કર્યું છે. વડા પ્રધાનનું આ પગલું; સમવાયતંત્રની ભાવના / લોકશાહી વ્યવસ્થા / બંધારણ વિરુદ્ધનું છે. વડા પ્રધાન એલ.જી. મારફતે દિલ્હી સરકાર ચલાવવા ઈચ્છે છે; એટલે કે વાંકી આંગળીએ સત્તાનું ઘી કાઢવા ઈચ્છે છે ! વડા પ્રધાન પોતે સંસદના પગથિયે ભલે માથું ઝુકાવે; વાસ્તવમાં લોકશાહી મૂલ્યો અને બંધારણને કચડી નાખવાની એક પણ તક છોડતા નથી !
(લેખક નિવૃત્ત આઈ.જી.પી. છે.)
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2021; પૃ. 04
![]()


ગવર્નર વજુભાઈ વાળાએ “કર્ણાટક પશુવધ અટકાવ અને સંરક્ષણ વિધેયક,૨૦૨૦”ને મંજૂરી આપતાં ગોહત્યા પ્રતિબંધનો કાયદો ઘડનારાં રાજ્યોમાં એક વધુનો ઉમેરો થયો છે. કર્ણાટક હવે દેશના ગો અને ગોવંશ હત્યા પર પૂર્ણ કે અંશતઃ પ્રતિબંધના કાયદા ઘડનારાં રાજ્યોમાં સામેલ થઈ ગયું છે. કેરળ, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તરનાં થોડાં રાજ્યોમાં હજુ ગોહત્યા પ્રતિબંધિત નથી. ૨૦૧૯માં રચાયેલા “રાષ્ટ્રીય કામધેનુ આયોગ”નું મુખ્ય કાર્ય તો “ગાયોના સંરક્ષણ અને સંવર્ધન”નું છે. પરંતુ તેણે કામધેનુ ગૌવિજ્ઞાન પ્રચાર પ્રસાર માટે ઑનલાઈન પરીક્ષાનું આયોજન કર્યું હતું. આ માટે દેશભરમાંથી આશરે પાંચ લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આયોગે પરીક્ષા માટે જાહેર કરેલ મટીરિયલ ગાય અંગે અવૈજ્ઞાનિક માહિતી અને અંધવિશ્વાસ ફેલાવનારું હોવાના જાહેર ઊહાપોહ પછી હવે તે પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. ગરીબડી ગણાતી ગાયના કામધેનુકરણ અને સંકીર્ણ રાજકીય ઉપયોગના આ તાજેતરનાં ઉદાહરણો છે.
બોલિવૂડના પ્રખ્યાત લેખક સાગર સરહદીનું તારીખ ૨૨ માર્ચ ૨૦૨૧એ મુંબઈમાં નિધન થયું. તેઓ ૮૮ વર્ષના હતા. સાગર સરહદીને હાર્ટ પ્રોબ્લેમના કારણે મુંબઈની એક હોસ્પિટલમાં આઈ.સી.યુ. વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમિતાભ બચ્ચનની હિટ રોમેન્ટિક ફિલ્મ ‘કભી કભી’ અને ‘સિલસિલા’, શાહરૂખ ખાનની ‘દીવાના’, ઋષિ કપૂરની ‘ચાંદની’ અને રિતિક રોશનની સુપરહિટ રોમેન્ટિક ફિલ્મ ‘કહો ના … પ્યાર હે’ના લેખક સાગર સરહદીને કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે. ફિલ્મમેકર યશ ચોપરાની મહત્ત્વની રોમેન્ટિક ફિલ્મો ‘કભી કભી’, ‘સિલસિલા’ અને ‘ચાંદની’, સાગર સરહદી લખી ચૂક્યા છે. આ સિવાય તેમણે ફિલ્મમેકર રાકેશ રોશનની કેટલીક ફિલ્મોના સંવાદ પણ લખ્યા છે. સાગર સરહદીએ બોલિવૂડમાં ઓછું પણ યાદગાર લેખનકાર્ય કર્યું છે, તેમણે નસીરુદ્દીન શાહ અને સ્મિતા પાટિલને લઈને ‘બાઝાર’ (૧૯૮૨) નામની ફિલ્મ બનાવી હતી કે જે હિટ રહી હતી અને વિવેચકોએ પણ તેની પ્રશંસા કરી હતી.