બંગાળની ચૂંટણી
(બંગાળની ચૂંટણીના બ્યુગલો વાગવા ટાણે)
આવતો અવરોધ તું વળોટી જજે મોદી
લોકસભા જીતનાર તું બંગાળ ના હારજે મોદી.
આત્મ છલનાએ વહ્યું જીવન તારું ઓ મોદી
ધૂર્તો દગલબાજો રાખીને સાથે તેં તારું નાવડું હાંક્યું.
મિત્ર-શત્રુ જે કોઈ નડ્યા તે સર્વ તણા ઢીમ ઢાળી
તારું ખપ્પર તેં સુખ્ખેથી ભરવા માંડ્યું ઓ મોદી
આ આખરી બંગાળને પણ તારાજવું ઓ મોદી
હોમવી પડે ભલે જનતાને ભઠ્ઠીએ મહામારી
હોમજે એને તુચ્છ પર્ણો સમ ધારી
આવતો અવરોધ તું વળોટી જજે મોદી
લોકસભા જીતનાર તું બંગાળ ના હારજે મોદી.
સર્વનો વિકાસ સઘળે સ્વચ્છતા ને વળી સંપૂર્ણ આત્મનિર્ભરતા
નામના આ નવયુગી છદ્મ આયુધો સજાવી
ચૂંટણી મેદાને ધસી જજે ઓ મોદી
શી છે ગતાગમ આ દેશના રાંક બાપડા સામાન્યજનોને
તુજ વિના એમને મીઠાં ઝેર કોણ પાશે ઓ મોદી
હૈયા લગી બાળવા ઝટ જાઓ રે મોદી
ઓ મન રંજક નીત નવા વેશ સજી જાઓ રે મોદી
આવતો અવરોધ તું વળોટી જજે મોદી
લોકસભા જીતનાર તું બંગાળ ના હારજે મોદી.
પારોઠના પગલાં જો તું આજ ભરશે ઓ મોદી
જગ મુંઝાશે મનમાં શીદ ન ફાવી અમ તારણહાર મોદી
કે નાઠો ગુમાની પોતાની પોલ જાણી પિછાની
જગતાત દીઠો અમે તો માત્ર દીઠો તો જગ-તાત
આજાર માનવજાત આકુળ થઈ જાશે મોદી
તારી તરકીબ કાજ એ તલખી રહી મોદી
આવતો અવરોધ તું વળોટી જજે મોદી
લોકસભા જીતનાર તું બંગાળ ના હારજે મોદી.
જા બાપ મમતાને ધૂળ ચટાડવાને
ને વળી અન્ય સર્વ વિરોધીઓથી મુક્ત કરવા ભારતમાતને
જા વિશ્વવિજયી થવા હત્યાઓ પરે જળ છાંટવાને
જા રામ-મંદિર ને વળી રામ-સેતુ બાંધવાને
આશના ટમટમતા દીપને ફૂંક મારવા કાજે
વિકરાળ કેસરિયાને અતિ વિકરાળ કરવા કાજે
ચાલ્યો જજે તુજ ભોમિયો છે શયતાન ઓ મોદી
આવતો અવરોધ તું વળોટી જજે મોદી
લોકસભા જીતનાર તું બંગાળ ના હારજે મોદી.
(સ્વ. ઝવેરચંદ મેઘાણીની ક્ષમાયાચના સાથે)
••••••••
છેલ્લો કટોરો ઝેરનો / ઝવેરચંદ મેઘાણી
(ગોળમેજી પરિષદમાં જતી વખતે)
છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ !
સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ!
અણખૂટ વિશ્વાસે વહ્યું જીવન તમારું :
ધૂર્તો દગલબાજો થકી પડિયું પનારું :
શત્રુ તણે ખોળે ઢળી સુખથી સૂનારું :
આ આખરી ઓશીકડે શિર સોંપવું બાપુ!
કાપે ગર્દન ! રિપુ-મન માપવું બાપુ !
છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો, બાપુ !
સાગર પીનારા અંજલિ નવ ઢોળજો, બાપુ !
સુર-અસુરના આ નવયુગી ઉદધિ વલોણે,
શી છે ગતાગમ રત્નના કામી જનોને ?
તું વિના, શંભુ! કોણ પીશે ઝેર દોણે !
હૈયા લગી ગળવા ગરલ ઝટ જાઓ, રે બાપુ!
ઓ સૌમ્ય-રૌદ્ર! કરાલ-કોમલ! જાઓ રે બાપુ!
છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો, બાપુ !
સાગર પીનારા અંજલિ નવ ઢોળજો, બાપુ !
… … …
જગ મારશે મેંણાં : ન આવ્યો આત્મજ્ઞાની !
ના’વ્યો ગુમાની − પોલ પોતાની પિછાની !
જગપ્રેમી જોયો ! દાઝ દુનિયાની ન જાણી !
આજાર માનવજાત આકુળ થઈ રહી, બાપુ !
તારી તબીબી કાજ એ તલખી રહી, બાપુ !
છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો, બાપુ !
સાગર પીનારા અંજલિ નવ ઢોળજો, બાપુ !
જા, બાપ ! માતા આખલાને નાથવાને,
જા વિશ્વહત્યા ઉપરે જળ છાંટવાને,
જા સાત સાગર પાર સેતુ બાંધવાને −
ઘનઘોર વનની વાટને અજવાળતો, બાપુ !
વિકરાળ કેસરિયાળને પંપાળતો, બાપુ !
ચાલ્યો જજે ! તુજ ભોમિયો ભગવાન છે, બાપુ !
છેલ્લો કટોરો ઝેરનો પી આવજે, બાપુ !
સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2021; પૃ. 15