Opinion Magazine
Number of visits: 9572319
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લૂઝ કનેક્શન (7) : સુસંગતતા

સુમન શાહ|Opinion - Opinion|13 April 2021

= = = = ઈન્ટરનેટયુગમાં બ્રોકન કૉમ્યુનિકેશન ફુવડવેડા ગણાય. બાકી, કેટલું આસાન છે ! ક્લિક્ વારમાં ‘ઓકે’ ‘લાઇક’ કે ‘સ્માઇલિ’ મોકલીને સામાને તમે તરત જ કમ્ફર્ટેબલ કરી શકો છો = = = =

= = = = માનવસમ્બન્ધોમાં મહામૂલો સમ્બન્ધ પ્રેમસમ્બન્ધ છે. એ વિધાનમાં મારે એમ ઉમેરવું રહે છે કે પ્રેમી જોડે બેવફાઈ સૂક્ષ્મ સ્વરૂપનું પાપ છે = = = =

સ્વિચ ઑન કરીએ ને લાઇટ થાય એ ક્ષણ લગીનો વીજપ્રવાહ એકદમ સુસંગત હતો એમ કહી શકાય. કેમ કે એ પ્રવાહને રૂંધે એવો ક્યાં ય કશો અવરોધ કે અન્તરાય ન્હૉતો.

સુસંગતતા, અંગ્રેજીમાં, કન્સિસ્ટન્સી.

સમ્બન્ધોમાં પણ સુસંગતતા વીજપ્રવાહ જેવી હોવી જોઈશે, અસ્ખલિત. નહિતર સમ્બન્ધ અને સમ્બન્ધથી રચાયેલું આખું બધું ખોરવાઈ જશે.

અમારો દૂધવાળો, વતનમાં, આગળના વરસોની વાત છે, એ જમાનામાં જેને ‘ખડી જેવું’ ક્હૅતા એ દૂધ, પાછું ખૂબ સફેદ – કેમ કે પાણી પધરાવ્યા વિનાનું હોય – રોજ સવારે નિયત સમયે અચૂક આપી જતો. કોઈ વાર એની વહુને મોકલતો. પોતાના ઘરેથી ઘરાકોને ત્યાં ઝડપી ચાલે ચાલતા પ્હૉંચવાની એની તડામારી અને જે તે ઘરાકની તપેલીમાં લગવા પ્રમાણેનું, માપસરનું, ન ઓછું, ન વત્તું, રેડવાની એની કુનેહ આકર્ષક હતી. અને એ બધાં પાછળ એની એક નક્કી નીતિરીતિ હતી. મતલબ, પોતાના ધંધામાં એ સુસંગત હતો.

અમારી કામવાળી છોકરી બહુ ઉતાવળથી કચરાપોતાં કરતી. મેં એક વાર કહ્યું, સાવરણી તું બહુ ઝડપમાં ન ચલાવે તો કેવું? તો કહે, એ મારી સ્ટાઈલ છે, સાહેબ. હું હસી પડેલો.

સમ્બન્ધિત વ્યક્તિ જોડે સ્ટાઈલ બની જાય, હળવા-મળવાની ટેવ પડી જાય, હૅબિટ, ઘરેડ, રૂટિન, એ સુસંગતતા છે. એથી ઘડી-બે-ઘડી સાથે સરળ જીવ્યાનો અહેસાસ રહે છે. બાકી, ટેવથી જડ જીવન સારું નહીં પણ સમ્બન્ધોમાં ટેવો સારી કહેવાય.

બ્રોકન કૉમ્યુનિકેશન : Picture Courtesy : GeneSix Balance Counselling, PLLC

એટલા માટે કે એમ કરતાં કરતાં સમ્બન્ધને માટેની નિસબત ઊભી થાય છે, અને એ નિસબત છેવટે તો માનવીય લાગવા માંડે છે …

પણ સુસંગતતા કેટલાયે લોકોમાં નથી જોવા મળતી.

મિસ્ટર રામે ગઈ કાલે પ્રૉમિસ કર્યું હોય ને આજે મિસ રમાને કહે કે રમા, મારાથી એ કામ નહીં થાય, એટલું તો ઠીક, પણ મૂંગામન્તર થઈ જાય ! કેમ કે, રામ ખરા, પણ વચન માટે પ્રાણ ગુમાવે એવા થોડા? આજકાલ લોકો ફિલ્મો જોઈને, ‘પ્રૉમિસ, માય ડીયર, પ્રૉમિસ’ બોલતા થઈ ગયા છે. ફિલ્મમાં નાયિકાને નાયક જરૂર એમ ક્હૅતો હોય, કેમ કે એમના ડાયલોગમાં આવતું હોય.

કેટલાક માણસો વાયદાબાજ હોય છે – એ અર્થમાં કહું છું કે વાયદો કરે પણ પાળે નહીં. પ્રેમીઓમાં વાયદાનું બહુ મૂલ્ય હોય છે. વફાદારીની કસોટી સમજો. યુવકે કહ્યું હોય – સિક્સપીઍમ. એ ઘડીથી યુવતીનું વૉચ એ વાયદા પર પ્હૉંચી ગયું હોય છે. જ્યારે જુએ ત્યારે એમાં એને સિક્સપીઍમ દેખાય. મનથી તો કેટલીયે વાર કાયમના સ્થળે – લૉ ગાર્ડનના એ ઝાડ નીચે – બેસી આવી હોય. આથી વધારે સુસંગત શું હોઈ શકે? માણસો વાયદાબાજ હોય, પણ પ્રેમીઓ નહીં. કોઈ મળી આવે, તો એને પ્રેમી ન ગણવો.

માનવસમ્બન્ધોમાં મહામૂલો સમ્બન્ધ પ્રેમસમ્બન્ધ છે. એ વિધાનમાં મારે એમ ઉમેરવું રહે છે કે પ્રેમી જોડે બેવફાઈ સૂક્ષ્મ સ્વરૂપનું પાપ છે.

બૌદ્ધિકોમાંના અમુક બહુ સુંસગત લાગતા હોય છે. કારણ એ કે બીજાઓ સાથેના એમના વ્યવહારો મોટે ભાગે ગિવ ઍન્ડ ટેકના હોય છે. જોઈતું મળી જાય, ટેક થઈ જાય, એટલે સમ્બન્ધિતને એટલા પૂરતો ગિવ અપ કરી દે. એઓ બિલકુલ સુસંગત અનુભવાય ! સવારથી માંડીને રાતે પથારીમાં સૂવા પડે વગેરે લગીની પ્રાયોરિટી પણ નક્કી રાખતા હોય છે ને એ ટાઈમટેબલને અનુસરીને જીવતા હોય છે. એટલે પત્નીને તેમ જ સન્તાનોને પણ સુખદ ને સુસંગત અનુભવાતા હોય છે.

તમે એ અમુકોને નાનકડી ફરિયાદ કરો તો ભૉંઠા પડો કેમ કે એમની પાસે આર્ગ્યુમૅન્ટ્સ બહુ હોય. તમારી પાસે સામા આર્ગ્યુમૅન્ટ્સ કરવાની ત્રેવડ જોઈએ. ઘણી વાર તો તમારે પણ એમના જેવા થવું પડે. જેમ કે, કેટલીક વાર તેઓ પૂરા સૅલ્ફિશ કે સૅલ્ફસૅન્ટર્ડ લાગે તો પણ તમારે એમના જેવા સૉફિસ્ટિકેટેડ થઈને ‘યુ આર રાઇટ, યુ આર ડુઇન્ગ ગ્રેટ’ જેવું બોલ્યા કરવું જરૂરી બની જાય છે.

વાત એમ છે કે એમની આ સુસંગતતાની નીચે એમની અંગતતાનો દોરીસંચાર હોય છે. એમની અંગતતા કુણ્ડળી માંડીને બેઠી હોય છે. અંગત નુક્સાન થતું જણાય કે ફાયદો થતો જણાય, તરત બદલાઈ જતા હોય છે. સામાન્ય દાખલો – તમારી સાથેનો ચાલુ ફોન કાપી નાખે કેમ કે ફાયદાકારક બીજાનો આવ્યો હોય. તમે કર્યો હોય પણ ઉપાડે નહીં કેમ કે નુક્સાન થવાનું હોય. તમારા ચૅટિન્ગને અનુત્તર રાખે, મીન્સ, પડી રહેવા દે. વગેરે.

કેટલાયે, કહેવાતા બૌદ્ધિકો કૉમ્યુનિકેશનને કમ્પ્લિટ કરતા જ નથી. તમે લખ્યું હોય – ઓકે, ફૉર ધૅટ, સી યુ નૅક્સ્ટ – પણ તમારું એ વાક્ય સૂકાઈ જાય ને દિવસો લગી લબડ્યા કરે. ઈન્ટરનેટયુગમાં એવું બ્રોકન કૉમ્યુનિકેશન ફુવડવેડા ગણાય. બાકી, કેટલું આસાન છે ! ક્લિક્ વારમાં ‘ઓકે’ ‘લાઇક’ કે ‘સ્માઇલિ’ મોકલીને સામાને તમે તરત જ કમ્ફર્ટેબલ કરી શકો છો ! ‘ઇમોજી’ની સગવડ તો બન્ને છેડે અસરકારક નીવડે છે. કશો ફોડ પાડ્યા વિના ઍક્સપ્રેસ થવાય ને સામાવાળો ઝાઝી તકલીફ વિના કૉમ્યુનિકેટ થઈ જાય. એ ખરું કે ઍક્સ્પ્રેસ થનારો ચતુર હોય છે, સામાવાળો લાચાર ઝીલણહાર …

એવાઓ પાસે કાયમી જવાબ હોય છે – ટૂ મચ બિઝી, ભૂલી ગયો’તો, શું કરું … એમની પાસે ‘સૉરિ’ અને ‘થૅન્ક્સ’-ની સુવિકસિત સૂઝબૂઝ હોય છે. સુવિકસિત એ રીતે કે બધા પાસેથી ‘થૅન્ક્સ’ સાંભળવાનું એમને ગમતું હોય છે, પણ કોઈને ‘સૉરિ’ કહેવાનું નથી ગમતું. આ પરત્વે તેઓ હમેશાં સુસંગત અનુભવાય છે. એ લોકો જૂઠું અને સાચું બન્ને કરે છે પણ સામેના સમ્બન્ધિતને જૂઠું સાચું લાગે છે અને સાચું જૂઠું. જાતરક્ષણ માટેનું એ લોકો પાસે એક હથિયાર હાથવગું હોય છે – આઈ ડોન્ટ કૅઅર ! સમ્બન્ધિતને આમે ય કનેક્શન લૂઝ અનુભવાતું હોય છે, એ હથિયારથી તો એ બાપડો હતપ્રભ થઈને ઢળી પડે છે.

સવાલ સમ્બન્ધને માટેની માનવીય નિસબતનો છે.

હું હમેશાં પ્રયત્ન કરીને નિસબતની સુસંગતતા સચવાય એમ જીવું છું. તેમ છતાં, બૌદ્ધિક લાગતો હોઉં અને ક્યારે ય કિંચિત્ પણ ‘આવો સુસંગત’ અનુભવાયો હોઉં, તો માફ કરવા વિનન્તી. એ પ્રકારે કનેક્શન બે ઘડી માટે પણ લૂઝ થઈ જાય એ મને પાલવતું નથી …

= = =

(April 12, 2021: USA)

Loading

વિચારવા જેવું છે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|13 April 2021

માનનીય મુખ્યમંત્રીશ્રીનાં ગઈ કાલનાં ને છેલ્લાં નિવેદન મુજબ છેલ્લા દસ દિવસમાં હોસ્પિટલોને સવા લાખ રેમડેસિવર ઇન્જેક્શનો પહોંચાડાયાં છે ને એપ્રિલની વાત કરીએ તો અત્યાર સુધીમાં બે લાખ દસ હજાર ઇન્જેક્શનોનો જથ્થો પહોંચાડાયો છે. અત્યાર સુધીમાં આખા રાજ્યમાં આટલા દિવસો દરમિયાન બે લાખ દસ હજાર વ્યક્તિઓ સંક્રમિત નથી થઈ ને જેમને જરૂર છે એની સંખ્યા તો બે લાખ દસ હજારની નથી જ નથી, તો આ બધાં ઇન્જેક્શનો ગયા ક્યાં? આંકડાઓ જોઈએ તો બધાંને ઇન્જેક્શન અપાય તો પણ ઇન્જેક્શનો વધે. છતાં ઇન્જેક્શનોની તંગી વર્તાય છે. ક્યાં તો સરકાર ટાઢા પહોરની હાંકે છે અથવા તો હોસ્પિટલો કે અન્ય કોઈ શક્તિ જથ્થો દબાવીને તંગી ઊભી કરી રહી છે ને આ બધાં પછી પણ ઇન્જેક્શનોના કાળાબજાર તો ચાલુ જ છે. એમાં નકલી ઇન્જેક્શનો નહીં પધરાવાય તેવી પ્રાર્થના કરવાની રહે.

જરૂર કરતાં વધારે ઇન્જેક્શનો પહોંચાડાયા હોય તો લોકોને કલાકો સુધી લાઈનમાં ઊભા રાખવામાં કે તડકામાં આમથી તેમ દોડાવવામાં કઈ માનવતા કામ કરે છે તે નથી ખબર. જે ચિંતામાં ને તકલીફમાં સંબંધીઓ ઇન્જેક્શનો માટે લોહીનું પાણી કરી રહ્યા છે એમની દયા ખાવા જેવી છે. માણસાઈ મરી ન પરવારી હોય તો તમામ ક્ષેત્રો તરફથી માનવતાનો હાથ લંબાવીએ ને લોકોને લોહીના આંસુ ન પડાવીએ. જીવીએ ને જીવવા દઈએ.

આભાર.

Loading

અક્કલ બડી કે ભેંસ? : હવે તો ભેંસ જ બડી છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|12 April 2021

અક્કલ બડી કે ભેંસ? આવું પૂછાતું હોય ત્યારે સૂચવવું એ હોય છે કે બળ કરતાં બુદ્ધિ ચડે, પણ હવે અક્કલ કરતાં ભેંસ બડી હોય એવું લાગી રહ્યું છે. એનો અર્થ એવો પણ નથી કે અક્કલ બહેર મારી ગઈ છે. અક્કલ છે, પણ તેનો ઉપયોગ સ્વાર્થ કે બળ પુરવાર કરવા જ થાય છે. સરકાર પોતાના ઈરાદાઓ પાર પાડવામાં વધુ ને વધુ સફળ થાય તો એમ માનવું પડે કે તે પ્રજાને મૂરખ માને છે. પ્રજા મૂરખ છે તે તેણે 2020ના માર્ચથી આજ સુધીમાં ભીડભાડ કરીને વારંવાર સિદ્ધ કરી આપ્યું છે. એ સાચું છે કે કોરોના જેવી મહામારી સામે પ્રજા રઘવાઈ કે ભયભીત બને અને કોઈ પણ આદેશને આંખ મીંચીને સ્વીકારી લે, પણ એકથી વધુ વખત પ્રજાને ઉલ્લુ બનાવવામાં આવે ને તે બનતી પણ રહે તો અક્કલ તેણે ગીરવે મૂકી છે એમ માનવું પડે.

આ જ પ્રજાએ થાળી વગાડીને અને રાતના દીવા પ્રગટાવીને પુરવાર કર્યું કે પ્રજાને નેતૃત્વમાં વિશ્વાસ છે. પ્રજા થાળી ઠોકતી વખતે જાણતી હતી કે કોરોના જવાનો નથી, એને એ પણ ખબર હતી કે દીવાનું અજવાળું પકડીને કોરોના ઘરો સુધી પહોંચવાનો છે, પણ પ્રજાએ એ વિશ્વાસથી કર્યું ને સરકારનો વિશ્વાસ વધાર્યો. પછી તો એ વિશ્વાસ ન ટકે એવું બંને પક્ષે વર્ષ દરમિયાન ઘણું બન્યું. તાજેતરમાં જ વડા પ્રધાને રસીકરણનો મહિમા કરવા તેને ઉત્સવ તરીકે ઉજવવાની હાકલ કરી ને કરફ્યુને કોરોના કરફ્યુ તરીકે ઓળખાવવાનું કહ્યું. આ તેમણે રાજયોના મુખ્ય મંત્રીઓને વીડિયો કોન્ફરન્સમાં કહ્યું ને સૌએ તે સાંભળ્યું પણ ખરું. એ જ દિવસે દેશમાં 1.31 લાખ નવા કેસ આવ્યા હતા અને 802 લોકોનાં મૃત્યુ થયાં હતાં. ગુજરાતની વાત કરીએ તો એ દિવસે 4,021 કેસ નવા ઉમેરાયા હતા ને 35 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો. દેશમાં હજારો મૃત્યુ થયાં હોય ત્યાં ઉત્સવની માનસિકતા કોઈ સાધુસંતની પણ ભાગ્યે જ હોય, વળી આ સ્થિતિમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ ને રસીકરણ એ જ એક માત્ર ઉપાય હોય તો પણ, કોઈ રીતે ટીકાકરણને ઉત્સવ તરીકે લઈ શકાય નહીં. ટીકા મૂકવામાં એવું કૈં નથી જે આનંદ કે ઉત્સવની લાગણી જન્માવે.

વડા પ્રધાને 11 એપ્રિલથી 14 તારીખ સુધી ટીકા ઉત્સવની શરૂઆત કરી છે. આનાથી ટીકાકરણમાં કેટલો વેગ આવશે તે તો ખબર નથી, પણ વડા પ્રધાને પોતાની ટીકા કરાવવાનો ઉત્સવ માંડ્યો હોય એવું ચોક્કસ લાગે છે.  સાચું તો એ છે કે ઉત્સવ શબ્દ જ ભીડનો સંકેત આપે છે. ટીકા ઉત્સવને નામે ભીડને આમંત્રણ આપવા જેવું જ થશે ને એનું પરિણામ વધુ સંક્રમણમાં આવશે. આ અત્યારના સંજોગોમાં કરવા જેવું છે? લોકોમાં તારીખો જાહેર થવાને કારણે એવી ગેરસમજ પણ ફેલાઈ છે કે ટીકાકારણ 14મી સુધી જ ચાલશે. દેખીતું છે કે આ દિવસોમાં ભીડ વધે ને રસી ખૂટી પડે એમ બને. રસી અને ઇન્જેકશન માટે સરકાર દ્વારા એવું કહેવાય છે કેપૂરતો જથ્થો છે ને જે તે કેન્દ્રો પર તે ખૂટી પડ્યાની વાત પણ છે જ ! આમાં સાચું ચિત્ર હાથમાં આવતું નથી.

બીજી તરફ કરફ્યુનું પણ એવું જ છે. એ વકરતી સ્થિતિને કાબૂ કરવા તંત્રો દ્વારા લેવાતું કડક પગલું છે. આમે ય તે યાદ રાખવા જેવું હોતું નથી, ત્યાં તેને કોરોનાનું નામકરણ કરાવીને યાદ રખાવવાનું કોઈ રીતે ઉપકારક નથી. એક વિચાર તરીકે વડા પ્રધાન આવી વાતો મંત્રીઓ સામે મૂકે તે સમજી શકાય, પણ કોઈ માઈનો લાલ પૂછે નહીં કે સાહેબ, આવું કરવાથી સ્થિતિ કેવી રીતે સુધરે એમ છે, તે પણ અક્કલની બલિહારી જ ને ! એટલે જ માનવું પડે કે હવે અક્કલ નહીં, ભેંસ જ બડી છે.

મહારાષ્ટ્ર લોકડાઉનની ધારે આવીને ઊભું છે, એ ભયે અનેક લોકોની વતન તરફ હિજરત શરૂ થઈ છે. વારંવાર આમ વતન તરફ દોડવાનું કોઈને ગમતું નથી, પણ કામ વગર પારકાં શહેરમાં રોટલા ય કોણ આલે ને આલે તો ક્યાં સુધી? અનેક રાજ્યો, શહેરો નાનાંમોટાં લોકડાઉન કરીને બેઠાં છે, નાઇટ કરફ્યુ ઘણાં શહેરોમાં લાગુ થયો છે, આવામાં ઉત્સવ શબ્દ મશ્કરી જેવો નથી લાગતો? થાળી વગાડતાં વગાડતાં લોકો લોકડાઉનમાં પણ સડક પર ઊતરી આવેલાં તે યાદ છેને ! ને ઉત્સવનો ચસકો લાગશેને તો ટીકા બતાવવા પણ લોકો સડક ભરી દે એમ બને. ટૂંકમાં મધપૂડાને છંછેડવા જેવો નથી.

અક્કલ કરતાં ભેંસ બડી-નો બીજો દાખલો ચૂંટણી પંચે પૂરો પાડ્યો છે. ચૂંટણી પંચનો છેલ્લો પંચ એ છે કે હવે કોઈ ભીડ કરશે તો સભા-રેલી પર પ્રતિબંધ મૂકાશે. ચૂંટણી પંચને લાગ્યું છે કે નેતાઓ, ઉમેદવારો દ્વારા ગાઈડલાઇનનું પાલન થતું નથી. પંચે બધા રાજકીય પક્ષોને ચેતવણી આપી છે કે પશ્ચિમ બંગાળમાં બાકી રહેલા ચૂંટણીના તબક્કાઓમાં ગાઈડલાઇનનું પાલન નહીં થાય તો સભા રેલીઓ પર તે પ્રતિબંધ મૂકતાં અચકાશે નહીં. બધું પૂરું થવા આવ્યું ત્યારે ચૂંટણી પંચની ઊંઘ ઊડી છે. પશ્ચિમ બંગાળમાં આટલી સભાઓ-રેલીઓ થઈ, આટલા નેતાઓ ત્યાં ઊતરી પડ્યા, હિંસા થઈ, તોડફોડ થઈ, એક મહિનામાં કેસોમાં પંદર ગણો વધારો થયો ને આની પંચને ખબર જ ન પડી ને છેક હવે પંચ સફાળું બેઠું થયું છે ને પ્રતિબંધ મૂકવાની ચેતવણી આપે છે ત્યારે હસવું આવે છે. પંચ પ્રજાને નાદાન સમજે છે તે દુ:ખદ છે. હવે તો લાગે જ છે કે આ દેશમાં મૂરખાઓ જ વસે છે નહિતર પ્રતિબંધ મૂકવાની બાલિશ વાત પંચ કરે ને લોકો તે સંદર્ભે હરફ પણ ન કાઢે એવું તો બને જ કેમ?

આવામાં જ રણમાં મીઠી વીરડીઓ પણ ફૂટે ત્યારે આશ્વસ્ત થવાય કે બધું જ ખાડે ગયું નથી. આ જ ચૂંટણી પંચે કૉન્ગ્રેસ, આપ અને મુખ્ય મંત્રીની અરજીને ધ્યાને લઈને 18 એપ્રિલે યોજાનારી ગાંધીનગરની ચૂંટણી મુલતવી રાખી છે. આ બાબતે પંચને અભિનંદનો આપી શકાય ને વિનંતી પણ કરી શકાય કે પશ્ચિમ બંગાળમાં પણ બાકીની ચૂંટણી મુલતવી રખાય અથવા તો કમસે કમ લશ્કરી ઢબે ગાઈડલાઈનનું પાલન થાય એટલું જોવાય. એવું જ અભિનંદનીય કાર્ય મંદિરોએ કર્યું છે. સોમનાથ, શામળાજી, અક્ષરધામ જેવાં મહત્ત્વનાં મંદિરો દર્શન માટે બંધ કરવામાં આવ્યાં છે. એનાં ઓનલાઈન દર્શન થઈ શકશે, પણ મંદિરોમાં થતી ભીડ અટકાવીને મંદિરના સંચાલકોએ અનુકરણીય પગલું ભર્યું છે. આ ઉપરાંત કેટલાંક શહેરોમાં લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન સ્વીકાર્યું છે ને ધંધા રોજગાર મર્યાદિત કર્યા છે. સુરત જેવામાં પાનના ગલ્લા ને ચાની લારીઓ અચોક્કસ મુદ્દત માટે બંધ કરાવાઈ છે, એ જ સ્થિતિ શાકભાજીની લારીઓની પણ થાય એમ છે. એ ખરું કે રોજ કમાઈને રોજ ખાનારાઓની હાલત આવામાં કફોડી થઈ જાય છે, પણ એના વિના છૂટકો નથી. કાપડ, હોટેલ, હીરા ઉદ્યોગ, ટુરિઝમ વગેરે પર ફરી તવાઈ આવી છે.

સ્કૂલો મહિનાઓ પછી ખૂલેલી એ ફરી બંધ છે. બોર્ડની પરીક્ષાઓ ઓનલાઈન થવાની વાત છે, તે સિવાય બીજા વર્ગોમાં માસ પ્રમોશન સિવાય છૂટકો નથી. ઓનલાઈન શિક્ષણ કેવું ચાલે છે તે સૌ જાણે છે. કોલેજ અને યુનિવર્સિટીની પરીક્ષાઓનું શું થશે તે નથી ખબર, પણ એમાં પણ સમાધાન પર જ વાત આવે એમ બને. આમાં પ્રાથમિક શિક્ષકોની હાલત દયનીય છે. રાષ્ટ્રીય કામગીરીને નામે એમની પાસે કોઈ પણ કામગીરી કરાવી શકાય છે. ધંધાદારી સ્ત્રીને પસંદગી હોય છે, પણ પ્રાથમિક શિક્ષકને નથી. તેને કોવીડ-19ને નામે કોઈ પણ કામગીરી સોંપવામાં આવે છે અને એવા શિક્ષકો તેમના કોઈ વાંક વગર સંક્રમિત પણ થાય છે. શિક્ષક હોવાને નાતે જ તેણે જોખમ ઉઠાવવાનાં થાય છે, તાજેતરમાં જ સ્મશાનમાં ફરજ બજાવવાની કામગીરી શિક્ષકોને સોંપાઈ હતી, પછી વિરોધ થયો એટલે વાત અટકી. અહીં સવાલ એ થાય કે શિક્ષકને આટલા સસ્તા કેમ ધારી લેવાય છે? દેશમાં આટલા શિક્ષિત બેકારો છે, એમને વસતિ ગણતરીની કે ચૂંટણીની કે બીજી કામગીરી સોંપાય તો ટેકો થાય ને શિક્ષક ભણાવવાનું પણ કરી શકે, પણ શિક્ષણ વિભાગને શિક્ષકનાં શોષણ સિવાય બીજું કૈં સૂઝતું જ નથી.

અત્યારનો સમય કદાચ અરાજકતાનો છે. મૃત્યુ કે લગ્નમાં વ્યક્તિની સંખ્યા નક્કી કરવામાં આવી છે, પણ ચૂંટણી પ્રચારની રેલી માટે કોઈ નીતિ નક્કી કરવામાં આવી નથી. પશ્ચિમ બંગાળમાં રેલી કે સભાઓમાં એકઠી થયેલી ભીડને નેતાઓ દ્વારા સ્ટેટસમાં ખપાવાતી હોય તો દેખીતું છે કે ત્યાં કોઈ ગાઈડલાઇન લાગુ નહીં જ હોય ! એનું પરિણામ એ આવ્યું છે કે કોરોના વકર્યો છે. એક તરફ રસીનું રાજકારણ ચાલે છે ને બીજી તરફ રસી કે ઇન્જેકશન ન મળતાં લોકો કલાકોના કલાકો આમથી તેમ અટવાય છે. જે માંદા છે તેમની તો દયા ખાવાની જ છે, પણ જે તેમની સેવામાં છે એમની વધારે દયા ખાવા જેવી છે.

સ્મશાનમાં ને હોસ્પિટલોમાં વેઇટિંગ ચાલે છે. મૃતદેહની વિધિ માટે 2,000ની લાંચ આપવી પડે છે, એ સ્થિતિ હોસ્પિટલમાં આવે તો નવાઈ નહીં. શબવાહિની કે એમ્યુલન્સ ન મળતાં દરદીને કે શબને લારીમાં લઈ જવાં પડે એ કરુણતા છે. આવામાં જાત જાળવવા સિવાય બધું જ ગૌણ બની રહેવું જોઈએ. રસી મૂકાવ્યા પછી પણ છેડો આવતો નથી, બીજી કાળજી લેવાની જ હોય છે. અત્યારે તો એટલી યાતના રાહ જુએ છે કે આંસુ ખૂટી પડે ! સાચવીએ.

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 12 ઍપ્રિલ 2021

Loading

...102030...1,9371,9381,9391,940...1,9501,9601,970...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved