Opinion Magazine
Number of visits: 9746917
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લૂઝ કનેક્શન (14) : સૌન્દર્ય

સુમન શાહ|Opinion - Opinion|11 June 2021

સ્તનોના ભારને લીધે થોડુંક નમેલી – સ્તોકનમ્રા સ્તનાભ્યામ્. કવિ કાલિદાસે શકુન્તલા માટે કહ્યું છે. કવિ કાલિદાસે દુષ્યન્ત પાસે બોલાવરાવ્યું છે – વયમ્ તત્ત્વાન્વેષી, અમે (આપણે) તત્ત્વના અન્વેષક છીએ.

સંદર્ભથી તો એમ સૂચવાય છે કે – નારીરૂપ શકુન્તલાના દેહતત્ત્વના અમે અન્વેષક છીએ – એને ઢૂંઢનારા છીએ. રાજાઓ પોતાને માટે વટભેર ‘અમે’ બોલતા હોય છે. જો કે ‘અમે’ કહીને દુષ્યન્તે આમાં માઢવ્યને પણ સંડોવ્યો લાગે છે. માઢવ્ય વિદૂષક છે – લિટરરી આર્કિટાઇપ – પણ આ નાટકમાં એ એક પાત્ર છે. શકુન્તલા માટે દુષ્યન્તને સલાહસૂચનો કરે છે, વ્યવહારુ ધોરણે શું કરી શકાય વગેરે બાબતોનું માર્ગદર્શન આપે છે.

હું ભણતો’તો ત્યારે થતું કે પ્રેમના મામલામાં એકાદ માઢવ્ય જેવો જોડે હોય તો સારું થાય …

કાલિદાસ ક્યારેક ન લખવાનું લખે છે, અતિશયોક્તિ કરે છે. તેમ છતાં, કાલિદાસ મને કામલક્ષી સૌન્દર્યના મોટા સર્જક લાગ્યા છે.

પરન્તુ સૌન્દર્યને હું હ્યુમન કનેક્શનનું મહા રસાયન લેખું છું. એના કારણે અને પ્રતાપે લૂઝ કશું પણ લૂઝ નથી રહેતું. કેમ કે સૌન્દર્ય ઇનૉર્મસ કનેક્ટિવિટી ધરાવે છે – વિપુલ સંયોજનક્ષમતા. કેમ કે સૌન્દર્યમાં ઇન્ક્રૅડિબલ ઍટ્રેક્શન હોય છે – અપ્રતિમ આકર્ષણ. બે શરીરોને ખેંચે જોડે ઇન્દ્રિયગ્રામને હચમચાવે અને તેમનાં મન-હૃદયને એક કરી દે. મારી ધારણા છે કે અર્ધનારીનટેશ્વરની કલ્પનાનું મૂળ રસાયન સૌન્દર્ય હશે. સોશ્યલ મીડિઆને ગમે એટલું ઇનકારો, કનેક્ટવિટી એનો પ્રાણ છે.

Kaine Cruz -South African singer-song writer

Picture courtesy : Connectmedia.biz

દેહની સુન્દરતાનો સર્વસામાન્ય ખયાલ આવો છે : ગોરો રંગ; વ્યક્તિ ન ઊંચી, ન ઠીંગણી; ન જાડી, ન પાતળી. ઘઉંવર્ણ ચાલે, કાળો વર્ણ ન ચાલે. આંખો બહુ મોટી નહીં, બહુ ઝીણી પણ નહીં. નાક ચીબું ન ચાલે, અણિયાળું બરાબર પણ લાંબું ન ચાલે. એક જમાનામાં, વાંકડિયા વાળ સારા ગણાતા હતા, છોકરીઓ હવે તો સ્ટ્રેઇટ કરાવી લે છે. પણ વાળ હોવા જોઈએ, ટાલ ન ચાલે.

મને એક વાત યાદ આવે છે : અમે વડોદરામાં ગાંધીનગર ટાઉનહૉલની પાછળ રહેતાં હતાં, અમારી પડોશમાં એક છોકરી રહેતી હતી, ૨૩-૨૪ની. એના વાળ એના પગની પાનીએ પ્હૉંચતા હતા. રશ્મીતાએ એક વાર પૂછ્યું એને : મૅનેજ કેવી રીતે કરે છે? : આન્ટિ, બહુ મુસીબત છે, મમ્મી મદદ કરે ત્યારે શૅમ્પૂ થઈ શકે છે : તને આટલા લાંબા વાળ ખુલ્લા રાખવા ગમે છે? : બહુ જ, બ્હાર નીકળું ત્યારે બધા જોઈ રહે છે : તે વખતે તું શું કરે? આંખો કાઢે? ગુસ્સે થાય? : ના, હું સ્મિત કરું છું. કેમ કે એથી મને સારું લાગ્યું હોય છે : એનું નામ હતું, ગંગા.

આમ, સૌન્દર્ય એકથી બીજાંઓને અને પછી ઘણાંઓને જોડે છે, રસી દે છે. સુન્દર પુરુષોની અને ખાસ તો સુન્દરીઓની વારતાઓ સદીઓ લગી ચાલ્યા કરતી હોય છે. જાણો કે સોશ્યલ મીડિયા સૌથી વધુ આગળ કરે છે, ફૅમિનાઇન બ્યુટિને. એક મોજણી અનુસાર, વીસમી સદીના ઉત્તરાર્ધમાં જન્મેલી વિશ્વની જીવન્ત બાવન સુન્દરીઓની વારતાઓ હાલ સોશ્યલ મીડિયા પર ચાલુ છે. એમાં, ઍન્જેલિના જૉલિ, માહિરા ખાન, જૅનિફર લૉરેન્સથી માંડીને દીપિકા, ઐશ્વર્યા અને પ્રિયંકા પણ છે.

આપણો અનુભવ છે કે સુન્દર સ્ત્રીને, સુન્દર પુરુષને તેમ જ સુન્દર કલાકૃતિને જાણીમાણીને માણસ ઝૂમી ઊઠે છે, નાચવા લાગે છે. ચિત્ર શિલ્પ અને સ્થાપત્ય નજરને સ્થિર કરી દે છે, સ્તબ્ધ થઈ જવાય. સંગીત ડોલાવે છે અને સાહિત્ય આપણા ચિત્ત-બુદ્ધિકોષને સંતર્પે છે, માણસ આનન્દમાં આવી જાય છે.

હું કલાસૌન્દર્યની વાત મારા વિદ્યાર્થીઓને શીખવતો, ત્યારે ક્હૅતો – કલાકૃતિ સુડોળ હોય છે, એટલે કે, એમાં સૌષ્ઠવ હોય છે, ચોફેરની નમણાશ, સિમેટ્રી. કોઈ એક ભાતમાં ગોઠવેલી દીવાસળીઓનું દૃષ્ટાન્ત આપીને સમજાવતો કે એમાં, સુરેખતા સમાનતા સુસંરચના સુલય અને આકાર કે ઘાટ હોય છે. ચિત્રકૃતિમાં રંગ આગન્તુક છે, રુચિપૂર્ણ રંગ ભળ્યા હોય તો સારી વાત છે. કલાસૌન્દર્ય હમેશાં સ્વયંસમ્પૂર્ણ હોય છે, સ્વકેન્દ્રિત હોય છે. પણ એ સમ્પૂર્ણતા છલકાતી રહેતી હોય છે. એ કેન્દ્રની ત્રિજ્યાઓ હમેશાં વિસ્તરતી રહેતી હોય છે. એ વિસ્તૃતિ ભેદોનો નાશ કરી દે છે. કલાકૃતિમાં સર્વ ભેદોનો વિલય હોય છે, ભેદો જો ગૂંથ્યા હોય, તો તેની પણ એક રમણીય ભાત હોય છે.

કેટલીક સામા છેડાની સમજદારી સ્થિર થયેલી છે : એ તો જાડિયો છે, નહીં ચાલે : જવા દો, એ તો પાતળી સપાટ છે : પરન્તુ પાતળા દેહ માટેનો પ્રેફરન્સ પણ જોવા મળે છે – પાતળી પરમાર : જ્યોતીન્દ્ર દવેએ ક્યાંક આવા મતલબનું લખ્યું છે : જાડલિયા જોરવશ નહીં, પ્રેમવશ થઈશ : એ તો કાળિયો છે, શું કરવાનું. પણ ઘણી વાર વાંધો નથી આવતો, મન માની જાય છે – શામળિયો છે પણ કામણગારો છે – શામળી છે પણ સરસ છે.

દેહલક્ષી પછીનો એ ગુણલક્ષી ખયાલ છે. પુષ્પની ગન્ધ તેનો ગુણ છે. પુષ્પોના તો કુદરતે અગણિત રંગો સરજ્યા છે. અમેરિકામાં જોવા મળતાંનાં તો ક્યારેક નામ પણ ન આવડે, કલ્પનાઓ કરવી પડે. લાગે કે કેટલાંયે અમેરિકન ફૂલો છે રંગરંગીન, પણ સુવાસ? હોય, પણ એવી હળવી કે નાક નજીક લઈ જવું પડે. સુવાસ, સુગન્ધ, ઉપરાન્ત આપણે ફૉરમ, પીમળ, જેવી અર્થચ્છાયાઓ વાપરી શકીએ. કવિ પ્રહ્લાદ પારેખે એક જ કાવ્યમાં ન-છૂટકે પ્રયોજેલી ખુશબો, પમરાટ, ગન્ધ, સુરભિ વગેરે અર્થચ્છાયાઓ વાપરી શકીએ. પણ કયા ફૂલ માટે કઇ અર્થચ્છાયા બંધબેસતી છે, તે ન સૂઝે. ગુણલક્ષીતા સંદર્ભે – ગોરાં તો ગધેડાં પણ હોય છે અને – નગરવધૂ છે, ગણિકા ભલે છે, ગુણિયલ છે જેવી ઉક્તિઓ પણ સ્થિર થયેલી છે. દારૂડિયાને, જુગારીને, પરસ્ત્રીગામીને, એ ગમે તેટલો ગોરો ને રૂપાળો કેમ નથી, કોઇ પસંદ નથી કરતું. એના દુર્ગુણ એના દેહસૌન્દર્યને ખાઈ જાય છે, ભૂંસી નાખે છે.

જેમ કે, કેટલીયે વ્હાઈટ અમેરિકન છોકરીઓ જાડિયા બ્લૅક છોકરાને પસંદ કરતી હોય છે, પ્રેમમાં પડે છે ને લગ્ન પણ કરે છે. કુદરત તો રંગભેદમાં માનતી જ નથી. નહિતર એણે વ્હાઇટ, બ્લૅક, બ્રાઉન, યલો રંગની જાતિઓ ન સરજી હોત. સસલાં સફેદ ખરાં, બ્રાઉન પણ હોય છે. કબૂતર ગ્રે ખરાં, સફેદ પણ હોય છે, સફેદમાં કાળાં ટપકાંવાળાં પણ હોય છે. કહેવાય છે કે હાથી સફેદ પણ હોય છે, કાગડા સફેદ પણ હોય છે, મેં એકેયને નથી જોયા.

બાકી, બધા ભેદ માણસે સરજ્યા છે. અસ્પૃશ્યતા જેવું જ માણસજાતને માથે બીજું કલંક, રંગભેદ છે. અંગ્રેજી શબ્દ છે, ઍપરથાઇડ. આફ્રિકી ભાષાઓમાં એનો અર્થ છે, ભેદકતા – ઍપાર્ટનેસ. ગાંધીજી અને માર્ટિન લ્યુથર કિન્ગ – સીનિયર અને જુનિયર, નેલ્સન મંડેલા અને સાહિત્યકાર જેમ્સ બાલ્ડવિન સહિતનું આખુંયે બ્લૅક લિટરેચર, ભારતીય / ગુજરાતી દલિત લિટરેચરની જેમ જ, એ મનુષ્યસરજિત દૂષણો સામે ઝઝૂમ્યાં છે, લડ્યાં છે.

નીગ્રો કૉઝ માટે જીવનભર જુદ્ધે ચડેલા જેમ્સ બાલ્ડવિન માટે એક વાત કહેવાય છે – એ કે અન્યાય અને શોષણ સામે શાસન અને સિસ્ટમ્સને તતડાવતાં જલદ વાક્યો બાલ્ડવિને લખ્યાં છે એવાં કોઈ બીજાએ નથી લખ્યાં; કોઈ બીજો નથી લખી શકયો. નૉંધવું જોઈએ કે બાલ્ડવિન નવલકથાકાર નિબન્ધકાર નાટ્યકાર એટલે કે સાહિત્યકાર હતા અને એમનું હૈયું કરુણાળુ હતું. ’ધ ફાયર નૅક્સ્ટ ટાઇમ’-માં બાલ્ડવિન પોતાના શૈશવને સંભારે છે ત્યારે એક સ્થળે હૃદયદ્રાવક શબ્દોમાં કહે છે; એ ફકરો, વિદ્વાનોએ બહુ વાર ટાંક્યો છે. હું એનો કામચલાઉ અનુવાદ આપું છું :

“મારાથી ઉમ્મરમાં થોડીક જ મોટી છોકરીઓ દેવળનાં વૃન્દગાન કે સન્ડે સ્કૂલમાં શીખવાડાયેલાં ગીત ગાતી હતી, કુલીન મા-બાપની દીકરીઓ, ત્યારે, મને, એમના વિકસી રહેલા સ્તનના કે એમનાં કૂલાંના ગોળાવો નહીં, પણ એમની આંખો, એમની ઉષ્મા, એમની સુગન્ધી અને એમના બેસી ગયેલા અવાજ – એ બધાં એટલાં બદલાયેલાં લાગેલાં કે હું મૂંઝાઈ ગયેલો. એ એમનું માન્યામાં ન આવે એવું, અતુલનીય, સ્વરૂપાન્તર હતું.”

આપણે ત્યાંના પીડિત શોષિત વર્ગોની ઋજુ વયની છોકરીઓ વિશે આવી અનુકમ્પા પ્રેરનારી વાણી ભાગ્યે જ સાંભળવા મળે છે. મુમ્બઇના ધારાવીની બાળાઓને સિદ્ધિવિનાયક મન્દિર જોવા પણ મળ્યું હશે ખરું? પૂજાઅર્ચન તો દૂરની વાત ! સ્માર્ટ સિટી અમદાવાદના ગરીબ પછાત વિસ્તારોની બાળાઓ કયા મન્દિરોમાં જઈ શકી છે? એ વિશે આપણે શું જાણીએ છીએ? ‘ધર્મ-જાતિના ભેદ નથી, અહીં સૌ કોઈ પ્રવેશી શકે છે’ – એવાં પાટિયાં જરૂર લટકાવ્યાં હોય છે !

પરન્તુ મનુષ્ય કલાકૃતિ જેટલો સુન્દર નથી હોતો. કોઈ કોઈ બાળક હોય છે, પણ ભાગ્યે જ. તે છતાં સંસાર કેમ ચાલે છે? એટલા માટે કે સૌન્દર્ય છેવટે તો એક સંવાદ છે, સમવિષમ સૂરોનું સંયોજન છે. આપણો અનુભવ છે કે સુન્દર સ્ત્રીને સુન્દર પુરુષને તેમ જ સુન્દર કલાકૃતિને જાણીમાણીને આપણે ઝૂમી ઊઠીએ છીએ, નાચવા લાગીએ છીએ. ચિત્ર, શિલ્પ અને સ્થાપત્ય આપણી નજરને સ્થિર કરી દે છે. સંગીત આપણને ડોલાવે છે અને સાહિત્ય આપણા ઇન્દ્રિયગ્રામને તેમ જ મન-હૃદયને સંતર્પે છે. સર્વ અવયવો કદ-માપથી સંવાદી હોય એવા સમ્પન્ન સંયોજનને કારણે જ જીવ પ્રગટે છે – શું ગર્ભમાં કે શું કલાકૃતિમાં.

વિશ્વની બાવન સુન્દરીઓની મોજણી કરનારા પેલા નિષ્ણાતો કહે છે કે આ સ્ત્રીઓનું સૌન્દર્ય તો ખરું જ પણ એમાં અમે સૌન્દર્યથી કશુંક વિશિષ્ટ પણ અનુભવીએ છીએ.

પણ મારે એમ કહેવું છે કે એ વિશિષ્ટ કશુંક તો સુન્દર પુરુષોમાં, સુન્દર કલાકૃતિઓમાં, સુન્દર સાહિત્યકૃતિઓમાં, કહો કે સૌન્દર્ય જ્યાં જ્યાં અનુભવાય ત્યાં ત્યાં હોય છે, એટલું જ કે આપણે એ વિશિષ્ટ તત્ત્વનું નામ નથી પાડી શકતા.

બીજું મારે એ કહેવું છે કે સુરૂપતા જેવો જ બીજો શબ્દ છે, કુરૂપતા. સૌન્દર્ય જેવો જ બીજો શબ્દ છે, કદર્ય. વિદ્યાર્થીઓને ક્હૅતો – ઉપર લખ્યા મુજબ – કે કલાકૃતિમાં સર્વ ભેદોનો વિલય હોય છે, ભેદો જો ગૂંથ્યા હોય, તો તેની પણ એક રમણીય ભાત હોય છે. એ માટે હું દીવાસળીઓનું દૃષ્ટાન્ત વિસ્તારતો : સફેદની સાથે ઊભી કાળી કે ત્રાંસી ભૂરી અથવા બધી જ આડી ગુલાબીની સાથે સૂતેલી સફેદ તેમ જ લીલી જો એક સરખી-અણસરખી ભાતમાં ભળી હોય, તો એ સર્જન પણ સુન્દર જ લાગે છે. તાત્પર્ય, સુરૂપ જોડે કુરૂપ, સૌન્દર્ય જોડે કદર્ય, એવી જે ત્રીજી કૃતિ સરજાય છે, એ પણ એટલી જ રસપ્રદ હોય છે.

‘અભિજ્ઞાનશાકુન્તલમ્’-ના કાલિદાસની જોડે ‘ધ ફાયર નૅક્સ્ટ ટાઇમ’-ના બાલ્ડવિનને મૂકી જુઓ. ત્રીજા જ વિચારો પ્રભવશે અને એ એટલા જ આહ્લાદક અને પ્રેરક હશે.

વિચારો કે સંસાર ચાલે છે તે કેમ ચાલે છે. એટલા માટે કે સૌન્દર્ય છેવટે તો કાળાં-ગોરાંના અથવા સુરૂપ-કુરૂપના સંયોજનથી રચાતો સંવાદ છે. રાગ પણ સંવાદી-વાદી સૂરોથી હોય છે. આધુનિક ચિત્રકારોએ બતાવી દીધું કે રાજા કે રાજકુમારી મૉડેલ હોય, એ કશી અનિવાર્યતા નથી. બૉદ્લેરે દર્શાવ્યું કે દુરિતનાં પણ પુષ્પો હોય છે – ધ ફ્લાવર્સ ઑફ ઇવિલ. નિત્શેએ, કામૂએ, અને તમામ અસ્તિત્વાદી ચિન્તકોએ એવા મતલબનું કહ્યું કે જીવનના હારમોનિયમની એકાદ કી બસૂરી છે, એટલે જ જીવન સુન્દર છે.

આ લેખનો સાર એટલો જ છે કે દરેક મનુષ્યે કાળાં-ગોરાંના, સુરૂપ-કુરૂપના, સંવાદી-વાદીના, સર્વ ભેદ ભૂલીને એથી રચાતી સુન્દર જીવનભાતને જ વશ રહી જીવવું – કેમ કે ભેદોનો પાર નથી. એક ભેદ બહુ આસાનીથી બીજા ભેદો સરજી લે છે. જીવનનું વાજું બસૂરા સૂર સાથે વગાડવાની મજા કંઈક ઑર છે.

આ લેખનો મારે લેવા જેવો સાર એ છે કે જાણવા કરતાં માણવાની ચીજ સૌન્દર્ય વિશે મારે ઝાઝું ન લખવું જોઈએ. પણ સૌન્દર્યની આ ઇનૉર્મસ કનેક્ટિવિટી વિશે તો મારે મારાથી જેટલું લખાય એટલું લખવું જોઈશે …

= = =

(June 10, 2021: USA)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઈસબૂક દિવાલેથી સાભાર

Loading

હાન્સ ક્રિશ્ચન એન્ડરસન ૨૦૨૧

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|11 June 2021

પ્રમુખીય

વરસોનાં વહાણાં વાયાં એ વાતને. એક હતો રાજા. એને દિવસરાત એક જ હોંશ ને એક જ ધખના. નવાં કપડાં. નિત નવાં નવાં કપડાં. રાજની તિજોરી છે શેને વાસ્તે, મારા ભૈ ! ન એને લાવલશ્કરની ફિકર, ન કશાની કાળજી. કપડાં. નવાં કપડાં. કલાકે કલાકે વાઘા બદલે. બદલે અને મહાલે. હાસ્તો ભૈ, રાજ જેનું નામ એ તો એમ જ ચાલે ને! આમ તો, રાજા ક્યાં એવું પુછાય તો સત્તાવાર જાણે કે મંત્રાલયમાં કહેવાય. પણ ખરેખાત ક્યાં, તો કહે વસ્ત્રાલયમાં.

એક દિવસની વાત. ગામમાં બે ધુતારા આવ્યા ને કહે કે અમે સાળવી ને વળી વાણવી છીએ; ને મજાના પોષાકે પાછા બનાવીએ છીએ. એમાં પણ જાદુઈ વસ્ત્રમાં તો અમારો કોઈ જોટો નથી. તમે એ પહેરો તો માત્ર એમને જ દેખાય જે પોતાનાં કામને ને પાયરીને લાયક હોય, બાકીનાને નહીં.

વસ્ત્રવરણાગી રાજાજીને થયું, કમાલની વાત ! હું પણ જાદુઈ વસ્ત્રોમાં ઢબૂરાઉં તો જે એને ન જોઈ શકે તે બધાં ઉઘાડાં પડી જાય કે એ ધકેલપંચા દોઢસો છે. હવે હું રોક્યો રોકાઉં શાનો. મારે તો આ વસ્ત્રો જોઈએ જ, તુરતોતુરત. આજે ને અબઘડી. બેઉ ભાઈઓને મસમોટો દલ્લો ને દરમાયો દઈ કીધું કે અબીહાલ મચી પડો.

તરત બેઉ કળાકેસરીઓએ સરખું સ્થાનક શોધી બબ્બે સાળ ખોડી દીધી. લગારે નવરા ન હોય એમ મચી પણ પડ્યા પાછા. ભલે સાળ ખાલી દેખાતી હોય પણ એ બેઉ તો મોડી રાત લગી મંડી પડેલા તે મંડી પડેલા જ માલૂમ પડે.

થોડે દા’ડે રાજાને થયું, કેટલે પહોંચ્યું હશે જાદુઈ પોષાકનું. લાવ, મારી પડખેના માણસોમાંથી એક શાણા જણને રૂબરૂ મોકલું. જે એને સૂઝશે તે બીજાને નહીં સૂઝે. રાજાએ બરક્યા એક શાણા બુઝુર્ગ, આપણે એમને ડાહ્યાભાઈ પહેલા કહીશું, પુગ્યા સાળવીઓની સૃષ્ટિમાં … ને રહી ગયા દંગ. વસ્ત્ર વણાતું દેખાતું નહોતું, પણ બેઉ ભાઈઓ હતા બરાબરના મંડી પડેલા, મચી પડેલા.

પેલા બેઉએ કહ્યું, જરી ઓરા આવો, મોટા. વણાટ તો જુઓ ધ્યાનથી, ને વળી રંગ ને ભાત પણ ! કેવાં રૂડાં સોહે છે. બુઝુર્ગ, ડાહ્યાભાઈ પહેલા સ્તો, જોયા કરે, જોયા જ કરે, પણ કશું દેખાય નહીં (કેમ કે હતું જ નહીં). ‘હાય રામ !’ એમણે વિચાર્યું, મનોમન – હું કૈં મૂરખ થોડો છું કે વસ્ત્રો ન દેખાયાંનું કહી ગેરલાયક ખપું, એમને’મ શાણા કહેવાતા હોઈશું ?

‘વારુ, સાહેબ !’ સાળ જોડે સજડબમ મચી પડેલા એક વણકરે પૂછ્યું : ‘બોલતા કેમ નથી ? આપને ગમ્યું કે નહીં ?’

‘અરે વાહ, બડું સોજ્જું ભાળું ને !’ ડાહ્યાભાઈ પહેલા નાક પર ચશ્મો સરખો કરી, આંખો લગરીક ઝીણી કરી બોલ્યા : ‘મજેના રંગ ને રઢિયાળી ભાત. આંગણેચીતરી ઓકળી જાણે વસ્ત્રે ચઢી. ઝટ જાઉં, રાજાજી કને ને કહું કે આહા …’

‘પાડ તમારો’, બેઉ વસ્ત્રવીરોએ બુઝુર્ગને કહ્યું ને ઉમેર્યું કે કયા કયા રંગ વાપર્યા છે ને કેવી ભાત પાડી છે. ડાહ્યાભાઈ પહેલાએ કાન માંડીને સાંભળ્યું ને મનોમન મુખપાઠે કીધું જેથી રાજાજીને તંતોતંત નિવેદિત કરી શકાય. પેલા બેઉ કળાકેસરીઓએ એમની પાસેથી ઓર ચીનાંશુક ને સોનાદોર માગી લીધાં ને પોતાની પીઠ પરના થેલામાં ઠુંસ્યા … અને વળી ખાલી ખાલી સાળ પર કામની ધૂમ મચાવી.

આટલું સાંભળ્યે ધરવ ન થયો તે રાજાએ બીજું શાણું જણ મોકલી આપ્યું. ડાહ્યાભાઈ બીજા જોડે ય આપણા વસ્ત્રવીરો વણાટના વાગ્વ્યાપાર સાથે મંડી પડ્યા ને પૂછવા લાગ્યા : ‘કેમ પેલા વડીલને ગમ્યું’તું તેમ તમને પણ અમારું કામ ગમ્યું ને.’ ડાહ્યાભાઈ બીજા પણ મૂળે ડાહ્યા એટલે એમને થયું કે હું શાનો મૂરખમાં ખપું : ‘વાહ રે, મારા વસ્ત્રવીરો, આવું વસ્ત્ર થયું નથી ને થાવું નથી.’

નહીં દેખાતું દેખીને, બાવનબહારના તાનમાં, એ ય પુગ્યા રાજાજી રૂબરૂ. વસ્ત્રપટ વણાતું જોઈ આવ્યો છું. અતુલ ને અનન્ય.

છેવટે રાજોજી પંડે પધાર્યા, ડાહ્યાભાઈ પહેલાબીજા સહિત સૌ દરબારીઓ સાથે. એમને આવતા જાણી બેઉ વણાટબહાદુરો નકોનકો તાણે ચડી સાળકામમાં પ્રોવાઈ ગયા, નિજમાં નિમગ્ન ! અહા, શું એમના હાથનાં ઊંચકનીચક ને વળી પગની થીરક.

‘જુઓ, કામ કેવું આલા દરજ્જાનું છે ને !’ બેઉ ડાહ્યાભાઈઓએ ઠાવકાઈથી રાજાજીને કહ્યું, ‘વખાણને વળોટી જતા રંગો ને બેનમૂન ભાત !’ વાત કરતે કરતે લળી લળી સાળ ભણી આંગળી ચીંધીને બતાવે – જેમ અમને તેમ બાકીનાને પણ દેખાતું હશે એવી ખાતરીથી – છે ને સુંદર, અતિસુંદર …

‘ભારે કહેવાય માળું !’ રાજાજીને મનોમન થયું, ‘મને કશું દેખાતું નથી … શું હું મૂરખ છું ? રાજપદને લાયક નથી? ના, ના, એવું કદાપિ ન હોય.’ પદગૌરવને શોભીતો ખોંખારો ખાઈ મોંના ઘેરાની બહાર નીકળી જતા સ્મિતભેર બોલ્યા : ‘આવું સુંદર વસ્ત્રપટ, શું કહું એને વિશે ? અનન્યસુંદર ને અદૃષ્ટપૂર્વ !’ સૌ દરબારીઓ આ સાંભળીને ઉત્સાહી પ્રતિસાદ આપવા લાગ્યા, ગળું ને નજર બેઉ તાણીતાણીને … અહાહા, કળા તારો શો ચમત્કાર, જે ન દીઠું તે દીઠું કીધું!

રાજાએ તત્કાળ વણનારાઓને ઇલકાબની નવાજેશ કરી ને કીધું કે હવે રાજસવારીનો દિવસ તરતમાં આવશે ત્યારે મને આ વસ્ત્રપટનો પોષાક તૈયાર જોઈએ. સવારીની આગલી રાતે તો બેઉ વીરલા જે મંડ્યા છે જે મંડ્યા છે. સોળ સોળ મોટા દીવા ગોઠવ્યા છે. નાજુક ટાંકાભરત સારુ રાતે ઉજાસ તો જોઈએ ને. કલાકે કલાકે રાજનોકર વારાફરતી આવે ને જુએ તો એક પા સાળ પરથી અદૃશ્ય વસ્ત્રપટ ઉતરે તો બીજી પા હવામાં કાતર ચાલે ને ટાંકા લેવાય, ટેભા લાગતા જાય …

સવાર પડ્યે શુભ ચોઘડિયે દરબારીઓ સાથે રાજાજી સાળમુકામે પ્રગટ્યા તો એક વણાટવીરે નહીં દેખાતો પોષાક હાથમાં સાહી કહ્યું – જુઓ, આપસાહેબ સારુ આ અનેરી ઇજાર. બીજાએ પૂર્તિ કરી, અને આ રહ્યાં ખેસ, ઝભ્ભો વ. – ને હા, ઝુલ જોઈ ને. હાથમાં ઝાલી જુઓ. છે ને બિલકુલ હળવાં ફૂલ, જાણે છે જ નહીં એવાં હળવાં.

‘બિલકુલ !’ દરબારીઓએ એકી અવાજે જાદુઈ વસ્ત્રોને વધાવી લીધાં ! જો કે એમને એ દેખાતાં નહોતાં પણ આ વસ્ત્રો જાદુઈ હોઈ નહીં દેખાય એ વિશે હવે એમના મનમાં લગીરે શંકા નહોતી એટલે ઉત્સાહ અપરંપાર હતો.

સેવકોએ રાજાએ પહેરેલાં વસ્ત્રો ઉતારવા માંડ્યાં અને પેલા બેઉ કળાકારો એમને નવાં પહેરાવવા લાગ્યાં. બીજી પાસ, સેવકોએ એમને સવારીમાં શોભે એવા અલંકારો પણ પહેરાવવા માંડ્યા. જરા નવાઈ લાગે એવો ઘાટ તો હતો કે અલંકારો ઝળહળે અને વસ્ત્ર દીઠાં ન જડે. પણ હવે સર્વત્ર વાયક ફરી વળ્યું હતું કે વસ્ત્રો જાદુઈ હોઈ નરી આંખે એમનાં દર્શન થવાનાં નથી. વસ્ત્રો ન દેખાવાનું કારણ આપણી ગેરલાયકાત છે એ પૂર્વમાહિતીનું હવે કોઈ મહત્ત્વ જ નહોતું રહ્યું. જે પણ મહિમા ને જે પણ મહત્ત્વ તે સઘળું વસ્ત્રોના જાદુઈપણા વિશે જામી ગયેલું હતું જે.

ને એઈ સવારી જે નીકળી છે ! રસ્તાની બેઉ બાજુએ ને મહાલયોના ઝરુખે હકડેઠઠ સૌ રાજાજીને ફૂલડે વધાવતાં માંહોમાંહે વાત કરે છે, કહેવું પડે … કેવો અનોખો પોષાક. આપણા જેવા સામાન્ય માણસનું તો શું બીજા રાજાઓનુંયે આવું નસીબ ક્યાંથી ! જાદુઈ વસ્ત્રોનો જયજયકાર એ એક જ વાત જાણે કે આ છેડેથી પેલે છેડે ચાલતી હતી.

એવામાં એક બાળક બચાડું, એને દુનિયાદારીનું ભાન નહીં ને વસ્ત્રોની જાદુઈ અનવસ્થાનો અહેસાસ નહીં, તે નહીં રહેવાયેથી બોલી ઊઠ્યું : ‘પણ રાજાજીના અંગ પર તો કશું નથી…’ ને વળી કહેવા લાગ્યું, ‘રાજા નાગો !’ ભરી ભીડમાં આ છેડેથી પેલે છેડે લાકડિયો તાર પુગી ગયો : ‘રાજા નાગો !’

પલટાતા માહોલ વચ્ચે રાજસવારી પળવાર અટકી ગઈ. રાજાને ય સહેજસાજ ખટકો થયો કેમ કે એ જાણતો’તો કે બાળક સાચો છે. જો કે ખટકો થયો ન થયો અને એને સમજાઈ રહ્યું કે હવે તો સવારી આગળ ચાલે એમાં જ સાર છે, કેમ કે વસ્ત્રો જાદુઈ હોવાની વાત તો પહેલી પળથી જ સર્વસ્વીકૃત બનેલી છે. સવારી આગળ વધી, રાજાના સેવકો નીચા લળી લળી નકો નકો લેબાસની નકો નકો ઝુલને ભોંય પરથી ઊચકવા લાગ્યા ને જાદુઈ વસ્ત્રોનો જયજયકાર થઈ રહ્યો …

* * *

હવે દસવીસ વરસ, અને હાન્સ ક્રિશ્ચન એન્ડરસને આ પરીકથા લખ્યાને બસો વરસ થશે. જો કે એનાં મૂળિયાં તો સૈકાઓ પુરાણાં છે, પણ વિશ્વવિશ્રુત તો હાન્સે લખી તે જ છે. આ દિવસોમાં તે સંભારવાનું કારણ અલબત્ત રાજાની જે વિશિષ્ટ વસ્ત્રાવસ્થા એમાં નિરૂપાઈ છે એ છે. નિર્દોષ બાળક, કેમ કે તે આ લખનાર અને આપ વાંચનાર પેઠે ડિગ્રીફુલવેલ ખાસું ભણેલ ને વળી ઊંચી પાયરીએ બેઠેલ નથી એથી વિશિષ્ટ વસ્ત્રાવસ્થાને સરળતાથી બોલી બતાવે છે.

તો થઈ વાર્તા કે પરીકથા પૂરી, તમે પૂછશો. ના, ભાઈ, છેક ૧૮૩૭થી એટલે કે આ પરીકથા પ્રગટ થઈ તે દી’થી દેશ દેશના સુજ્ઞ વિવેચકો કહેતા આવ્યા છે કે એ પૂરી થાય છે ત્યાંથી જ ખરેખર શરૂ થાય છે. કારણ, એ કોઈ રસમી પરીકથા નથી. રૂપાળી રાજકુંવરી, એની ખોવાયેલી સોનેરી મોજડી, વનવગડેથી તે શોધતો ને વળી ખાબકતો સાહસસોહામણો રાજકુમાર, અને મહીં ડખો કરતી વંતરી, એવા એવા જાથુકી પરીકથાલાયક પ્રોપ્સ કરતાં અહીં કાંક જુદું જરૂર છે.

અલબત્ત, પૂરી થાય છે ત્યાંથી જ શરૂ થાય છે એ તો કહેવાની એક રીત છે. વાતનો માયનો એટલો જ છે કે એમાંથી કશુંક વિશેષ વંચાય છે અગર વાંચવાપણું છે. અહીં આપવો જ હોય તો જ્યોર્જ ઓરવેલનો હવાલો આપી શકાય કે એણે ‘એનિમલ ફાર્મ’ લખી ત્યારે શરૂશરૂમાં જોડેલું ઉપશીર્ષક ‘અ ફેરી ટેઇલ’ (‘એક પરીકથા’) એવું હતું. ‘એનિમલ ફાર્મ’ કહેતાં પશુરાજ્ય કે જનાવરવાડીની આખી દાસ્તાંમાં હું અહીં નથી જતો. પણ પશુઓ એકત્ર મળીને રાજકીય સંરચના નિપજાવવા જાય છે અને તેમ કરતાં એક ભુંડ સર્વેસર્વા બની જાય છે એવી વાત એમાં છે. રૂસી ક્રાન્તિ સ્તાલિનશાહીમાં પરિણમી એની એ ઓરવેલઝીલી ભારઝલ્લી છબી છે. પોતે એને ક્યારેક પરીકથા કહેવાની ચેષ્ટા કરી હશે, પણ ઓરવેલની સાહેદી છે કે રાજકીય ને કળાકીય બેઉ હેતુ જેમાં એકીકૃત પેશ આવે એવી વાર્તા લખવાની મારી કોશિશ હતી.

રાજાનાં નવાં (જાદુઈ) વસ્ત્રો અને ‘એનિમલ ફાર્મ’ (‘અ ફેરી ટેઇલ’) બેઉ અનાયાસ એક સાથે સંભારવાનું બન્યું એટલે એટલું તો સહજ સમજાય છે કે આપણે ઓરવેલની પેઠે એન્ડરસનની રાજકીય સભાનતા બાબતે ભલે જાણતા ન હોઈએ પણ જેમ ‘એનિમલ ફાર્મ’માં તેમ આ પરીકથામાં પણ રાજ્યકર્તાઓ, રાજ્યતંત્ર અને નાગરિકો વિશે ચોક્કસ ટિપ્પણી વાંચવાને અવકાશ છે.

આ ટિપ્પણી વાંચવામાં ઉપયોગી થાય એવી એક વિગત એન્ડરસનની જીવનરેખામાંથી ટાંકું ? નાનપણમાં એણે રાજા વિશે ખાસું સાંભળેલું. પણ એક દિવસ રાજાની સવારી જોવાનું બન્યું ત્યારે કોઈ એવી મોટી છાપ ના પડી. ‘ઓય મા’, એને થયું : ‘આ તો માણસ જેવો જ માણસ છે !’ રાજા તે જાણે અધ્ધરથી આવેલ કોઈ દેવદીકરો એવું જે ચિત્ર ત્યારે ભુંસાઈ ગયું તે આ પરીકથામાં ઝિલાયેલું છે. જેનાથી તમારે દબાયેલા ચંપાયેલા, આંખમીંચેલા જીવનભર હીંડવાનું છે એવી કોઈ મહાઘટના એ નથી. રાજાના નકો નકો વસ્ત્રની જે કથા પુખ્ત એન્ડરસને માંડી એમાં બાલ્યકાળની આ કેમ જાણે સાક્ષાત્કારક પ્રતીતિ પડેલી હશે.

તરણા ઓથે રહેલો ડુંગર સહસા પ્રત્યક્ષ થવાની, કહો કે મોહભંગની આ કથા છે. પ્રશાસનને બદલે પરિધાનમાં રત ને રમમાણ રાજાને જાદુઈ વસ્ત્રોનું વાસ્તવ સમજાય છે તે પછી પણ રાખવાપણું લાગે છે. લોક ને દરબારીઓ પણ એ જ લોલે લોલમાં સામેલ થઈ જાય છે. રાજ ચાલુ રહે છે, પેલા બે વસ્ત્રવીરો કળાનું ધુપ્પલ ચલાવી તગડા બની શકે છે, દરબારીઓ ને પદવીધારીઓ જેમના તેમ, બિલકુલ રાબેતો ! બાળક સાચું બોલ્યો તો બોલ્યો, સરકાર જેમની તેમ જારી છે. આખી આ જે અનવસ્થા, એ બીજી રીતે મૂકીએ તો કેવી છે ? રાજાના અંગ પર વસ્ત્રો છે કે કેમ તે બાબતે સૌ અજ્ઞાન છે, પણ સૌ પાછું માને છે કે મને ભલે ખબર નથી પડતી, પણ બાકી સૌ અજ્ઞાન નથી.

વિશ્વસંદર્ભમાં છેલ્લા ગાળામાં અહીં થતું સ્મરણ પર્યાવરણસિપાહી, સોળ વરસની ગ્રેટા થુનબર્ગનું છે જેણે રાજકારણીઓને અને રાજકારભારીઓને સરાજાહેર કહ્યું હતું કે તમે વિજ્ઞાન અને વિજ્ઞાનીઓને સાંભળતા નથી કેમ કે તમને તો જાણે કશું બન્યું નથી એ રીતે તમારો ધંધોધાપો જેમનો તેમ ચાલુ રહે એવા ગોઠવી રાખેલા જવાબોમાં જ રસ છે.

આપણે ન્યૂ નૉર્મલ કહીશું આને ? ગમે તેમ પણ, હાન્સદાદાની સાખે આ થોડા સ્ફુટ વિચાર, રાજાની વિશિષ્ટ વસ્ત્રાવસ્થા અંગે વિશ્વવાઇરલ પદ્ય નિમિત્તે.

* *

પ્રગટ : ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નું મુખપત્ર – “પરબ”, જૂન 2021; પૃ. 07-11

સહૃદય આભાર : કેતન રુપેરા – યુનિકોડ ફોન્ટમાં ફેરવવાની સહાય 

Loading

દેશનો વારસો સાચવતા ‘નેશનલ આર્કાઇવ્ઝ ઑફ ઇન્ડિયા’ પર તોળાતું જોખમ ..

કિરણ કાપુરે|Opinion - Opinion|11 June 2021

નેશનલ આર્કાઇવ્ઝ ઑફ ઇન્ડિયા [એન.એ.આઈ.] પર જોખમ ઊભું થયું છે. દેશના ઐતિહાસિક દસ્તાવેજને સુરક્ષિત રાખતું ‘એન.એ.આઈ.’ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના ભાગરૂપે જોખમમાં મૂકાયું છે. જો આમ થાય તો દેશના પ્રમાણિત દસ્તાવેજને નુકસાન પહોંચે અને ઇતિહાસની અનેક કડીઓ નામોનિશાન નહીં રહે. આ કારણે દેશ-વિશ્વની નામી 3,800 જેટલી હસ્તીઓએ તેનો વિરોધ દર્શાવતી ઓનલાઈન પિટીશન દાખલ કરી છે. આ પિટીશનમાં ‘એન.એ.આઈ.’ની ઇમારતને તોડી પાડવા અને તેની દેખરેખના હસ્તાંતરણ અર્થે ચિંતા જતાવવામાં આવી છે. 17 મેના રોજ થયેલી પિટીશનમાં ‘એન.એ.આઈ.’ સંદર્ભે સરકાર વતી આવેલાં જુદા જુદા નિવેદનોથી અસ્પષ્ટતા નિર્માઈ છે તેને દૂર કરવા અંગે માંગણી કરવામાં આવી છે.

નેશનલ આર્કાઇવ્ઝ ઑફ ઇન્ડિયાને બચાવવા કેમ દુનિયાભરથી લોકો આગળ આવી રહ્યાં છે? શું છે તેનું મૂલ્ય? ‘એન.એ.આઈ.’ને જો નુકસાન થશે તો તેની ભરપાઈ કેમ નહીં થઈ શકે? આ સંસ્થાના સુરક્ષા પર કેમ એકાએક જોખમ આવી ગયું? ‘એન.એ.આઈ.’ના નવનિર્માણથી શું દેશનો ઇતિહાસ અલગ દૃષ્ટિથી બતાવી શકાય? … આવી અનેક શક્યતાઓ દર્શાવીને ‘એન.એ.આઈ.’નું મહત્ત્વ લોકોને સમજાય તે અર્થે પ્રયાસ થઈ રહ્યા છે. આ પ્રયાસની પૃષ્ઠભૂમિકામાં જે તથ્ય છે તે હવે સમજીએ. એક અંદાજ મુજબ દેશની અનેક સદીઓનો ઇતિહાસ અહીં સચવાયેલો છે. આમાં 45 લાખ જેટલી ફાઈલો સંગ્રહિત છે; 25,000 અલભ્ય હસ્તલિખિત દસ્તાવેજ છે; એક લાખ નકશાઓ છે; કરારો છે; ત્રણેક લાખ અનુઆધુનિક દસ્તાવેજ છે અને હજારોની સંખ્યામાં ખાનગી દસ્તાવેજો અહીં છે. અહીં સુરક્ષિત દસ્તાવેજો વર્ષોથી, દાયકાઓથી અને સદીઓ જૂનાં છે. આવાં દસ્તાવેજોને લાંબા સમય સુધી સાચવવા અર્થે નિષ્ણાંતોની દેખરેખ જરૂરી છે. આ બધામાં એક કાગળની પણ હેરફેર થાય તો તે નુકસાન ભરપાઈ થઈ શકે એમ નથી.

નેશનલ આર્કાઇવ્ઝ ઑફ ઇન્ડિયામાં દસ્તાવેજોની સંખ્યાથી સંભવત્ તેના મહત્ત્વને સ્થાપિત ન કરી શકાય; પણ આ સંસ્થાનો ઇતિહાસ જાણીએ-સમજીએ તો ખ્યાલ આવી શકે કે આ સંસ્થા દ્વારા દેશ માટે કેટલી અગત્યતા ધરાવે છે. જેમ કે, અહીં ઇ.સ. 1748થી વર્ષવાર રેકોર્ડ સચવાયેલા છે. અંગ્રેજી, અરેબિક, હિન્દી, પર્સીયન, સંસ્કૃત અને ઉર્દૂ જેવી વિવિધ ભાષાના અહીં દસ્તાવેજો છે. આ રેકોર્ડના ચાર વિભાગ પાડવામાં આવ્યા છે. આ વિભાગમાં પબ્લિક રેકોર્ડ્સ, ઓરિએન્ટ રેકોર્ડ્સ, મેનુસ્ક્રિપ્ટ્સ અને પ્રાઇવેટ પેપર્સ છે. 1998માં રાષ્ટ્રપતિ કે.આર. નારાયણ દ્વારા ‘એન.એ.આઈ.’ના મ્યુઝિયમ વિભાગને લોકો માટે ખુલ્લુ મૂક્યું અને તે પછી જ લોકો તેની મુલાકાત લઈ શક્યા. આ સંસ્થા નિર્માણ પામી તેમાં અંગ્રેજોનું જ યોગદાન રહ્યું છે. અંગ્રેજો કોઈ પણ બાબતનું દસ્તાવેજીકરણ કરવામાં પાવરધા રહ્યા છે. બધું જ પદ્ધતિસર લખવું, સાચવવું તેમના લોહીમાં છે અને એટલે જ આજે પણ અંગ્રેજો દ્વારા તૈયાર થયેલાં અલભ્ય દસ્તાવેજ ઉપલબ્ધ છે, પરંતુ તે પછીના અનેક મહત્ત્વના દસ્તાવેજ આપણે સાચવી શક્યા નથી. અંગ્રેજો માનતા કે દરેક બાબત લખવી જોઈએ. તેમના માટે દરેક હૂકમ, યોજના, નીતિગત નિર્ણયો, સહમતિ, તપાસને સ્પષ્ટ શબ્દોમાં લખવાનું ખૂબ જરૂરી ગણાતું. આમ કરવાથી જ કોઈ પણ મુદ્દાનો અભ્યાસ થઈ શકે અને તે પછી તેના વિશે તર્ક-વિતર્ક પણ થઈ શકે. આ જ કારણે સમજદારીપૂર્વક માહિતી એકઠી કરવાની, તે સંદર્ભે ટિકા-ટિપ્પણી કરવાની એક સંસ્કૃતિ જન્મી. તેઓના શાસનમાં આર્કાઇવ્ઝ ઑફ ઇન્ડિયાનો જન્મ થયો. પહેલાં આ સંસ્થાનું ઠેકાણું કલકત્તા હતું અને 1891માં તેની સ્થાપના થઈ. પછીથી વીસ વર્ષે નેશનલ આર્કાઇવ્ઝને દિલ્હી લાવવામાં આવી અને 1926માં તેને નવી ઇમારત મળી. અંગ્રેજોના પ્રતાપે ભારતનો પણ અગાઉનો ગુમનામીભર્યો ઇતિહાસ તેમાં સચવાતો ચાલ્યો ગયો અને જ્યારે અંગ્રેજો અહીંથી વિદાય થયા ત્યારે તો નેશનલ આર્કાઇવ્ઝ ઑફ ઇન્ડિયા વિશ્વની સૌથી સમૃદ્ધ દસ્તાવેજીત સાચવતી સંસ્થા તરીકે ખ્યાતિ પામી ચૂકી હતી.

દેશના દસ્તાવેજોને સાચવતી આ પ્રકારની આર્કાઇવ્ઝ એ રાજ્ય અને નાગરિકોનો સંબંધ પણ દર્શાવે છે. નાગરિકોની માહિતી નોંધવી, તેને સાચવવી અને સમય આવે તેનો ઉપયોગ કરવો તે વહિવટીકાર્ય માટે અત્યંત ઉપયોગી પ્રેક્ટિસ છે. અને જ્યારે નેશનલ આર્કાઇવ્ઝમાં કશુંક બદલાવ લાવવાની વાત આવે ત્યારે તે ચર્ચાનો વિષય બને છે. અમેરિકામાં જ હાલમાં જ્યારે ત્યાંની નેશનલ આર્કાઇવ્ઝ અન્ય શહેરમાં ખસેડવાની વાત આવી ત્યારે તે અંગે પૂરતો સંવાદ થાય તે માટે લોકોએ સરકાર પાસેથી ખાતરી માંગી હતી. સરકારે લોકોની આ માંગણીનો સ્વીકાર પણ કર્યો હતો.

નેશનલ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયા કેવી રીતે ઇતિહાસને આપણી સમક્ષ મૂકી આપે છે તે હાલમાં આવેલા એક ન્યૂઝ પરથી સમજી શકાય. કોરોનાની મહામારીમાં ગંગા અને અન્ય ઉત્તર ભારતની નદીમાં મૃતદેહ વહાવી દેવાની ઘટના બની હતી. હવે આ ઘટનાનો એક સંદર્ભ 1918ના ઇન્ફ્લુએન્ઝાની મહામારી દરમિયાન પણ મળે છે. તે વખતે અંગ્રેજ અધિકારીઓ વચ્ચે થયેલાં એક પત્રવ્યવહારમાં નર્મદા નદીમાં આ જ રીતે લોકો પોતાના સ્વજનોને વહાવી દેતાં તેવો ઉલ્લેખ છે. જો નેશનલ આર્કાઇવ્ઝ જેવી કોઈ વ્યવસ્થા ન હોય તો ભૂતકાળમાં આપણાં જ દેશમાં આવી ઘટના બની હતી તે આપણે જાણી ન શકીએ. નર્મદામાં મૃતદેહ વહાવાની વાત તત્કાલિન અંગ્રેજ અધિકારીઓએ ખૂબ જ વિસ્તૃત રીતે લખી છે અને તેમાં ક્યાં ક્યાં મુશ્કેલી આવી રહી છે તે પણ તેમણે રિપોર્ટમાં દર્શાવી છે.

નેશનલ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયાના સુરક્ષિતતાને લઈને હાલમાં જ પ્રશ્ન ખડા થયા છે તેવું પણ નથી. અગાઉ પણ ‘એન.એ.આઈ.’ને દેખરેખને લઈને નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે. જેમ કે ‘વ્હાઇટ મુઘલ’ પુસ્તક લખનારા વિલિયમ ડાર્લીમ્પલ જ્યારે ‘એન.એ.આઈ.’ની મુલાકાત લીધી ત્યારે તેમણે જોયું કે હૈદરાબાદ રેસિડન્સી રેકોર્ડના છસ્સો જેટલાં ગ્રંથો અસ્તવ્યસ્ત પડ્યા હતા. વરસાદની સિઝનમાં પુસ્તકોની આ સ્થિતિ જોઈ વિલિયમે તેની સાચવણી થાય તે માટે અરજ કરી. યોગ્ય રીતે સાચવણી થાય તે માટે આ ગ્રંથો મોકલી આપવામાં આવ્યાં. જો કે વિલિયમનું કહેવું છે કે પછી તેમણે આ ગ્રંથોને ક્યારે ય જોયા નથી. આ ઉપરાંત પણ ‘એન.એ.આઈ.’માં ઉપલબ્ધ દસ્તાવેજના ટ્રેકિંગના પ્રશ્ન છે. ‘એન.એ.આઈ.’ની અરાજક વ્યવસ્થા વિશે ‘ધિ વાયર’ ન્યૂઝ પોર્ટલમાં વિસ્તૃત અહેવાલ આપ્યો છે.

નેશનલ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયાનાં દસ્તાવેજોને હવે ઓનલાઈન કરવાનો એક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. ‘અભિલેખ પાતાલ’ નામની વેબસાઇટ પર ‘એન.એ.આઈ.’ના ઓનલાઈન ડોક્યુમેન્ટશનની વિગત મેળવી શકાય છે. આ પહેલ થઈ છતાં તેનું કામ ખૂબ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. આ ઉપરાંત રાજ્યવાર પણ આ રીતે ડોક્યુમેન્ટેશન સુરક્ષિત રહે તે માટે પ્રયાસ થઈ રહ્યા છે. અત્યાર સુધી જે માત્ર દિલ્હીના નેશનલ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયામાં જ સચવાય છે તે અન્ય રાજ્યોમાં પણ સુરક્ષિત રહી શકે તેવી વિકેન્દ્રીત વ્યવસ્થા ઊભી થાય તે માટે પ્રયાસ થઈ રહ્યા છે. જો કે ડોક્યુમેન્ટશનની બાબતમાં આપણા દેશની માનસિકતા નબળી રહી છે. વિશેષ પ્રયાસ કરીને આ પ્રકારના દસ્તાવેજોને સુરક્ષિત રાખવાની આપણી પ્રેક્ટિસ દેખાતી નથી. અંગ્રેજોના કારણે ડોક્યુમેન્ટેશન સાચવવાની પ્રથા આપણે ત્યાં આરંભાઈ.

ઇતિહાસ વિતેલા સમયને જોઈ શકવાનું દર્પણ છે જે આગળનો માર્ગ દર્શાવે છે. ભારતની સંસ્કૃતિનાં મૂળિયાં ઊંડાં છે અને વિશ્વની આરંભિક સંસ્કૃતિઓમાં ભારતનો સમાવેશ થાય છે. ભારતીય ઐતિહાસિક વારસો એટલો સમૃદ્ધ છે કે નેશનલ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયા જેવી અનેક સંસ્થાઓની આપણે ત્યાં આવશ્યકતા નિર્માય. અને આમ થવું એટલાં માટે જોઈએ કારણ કે ઇતિહાસનું મહત્ત્વ જે સમજ્યા છે તેઓ જ કાળક્રમ પૂર્વે થયેલી ભૂલોનું પ્રમાણ ઘટાડતા થયા છે. નેશનલ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયા ભારતીય વારસાનું પૂરું ચિત્ર ભલે ન આપી શકે પણ પાછલી ચાર સદીનું અલભ્ય કહી શકાય તેવી અનેક બાબતો તેમાં સંઘરાયેલી પડી છે. આ સંગ્રહ સચવાય તેની જવાબદારી માત્ર સ્કોલરોની નથી, બલકે સામાન્ય જને પણ તેના અસ્તિત્વ ટકાવવા અવાજ બુલંદ કરવો જોઈએ. તેમ ન થાય તો આપણી આસપાસના જ કેટલાંક સત્યો ક્યારે ય આપણી સમક્ષ આવી નહીં શકે.

e.mail : kirankapure@gmail.com

Loading

...102030...1,9231,9241,9251,926...1,9301,9401,950...

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved