Opinion Magazine
Number of visits: 9677577
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિસ્ત અને વ્યવસ્થાઃ રોગચાળાને નાથવામાં સફળ રહેલા રાષ્ટ્રોની ગુરુ ચાવી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|23 May 2021

ગ્રીસ જેવા આર્થિક રીતે પાયમાલ થઇ ગયેલા દેશે પણ રોગચાળા પર કાબૂ મેળવ્યો, ટુરિઝમ પર અર્થતંત્ર ટક્યું હોવા છતાં ય લૉકડાઉનનું કડક પાલન કરાયું.  વાત ઇરાદાની છે, તેમની પાસે હતું એટલે એ કરી શક્યા એવી દલીલ કરનારાઓને સાંભળવાની તસ્દી ન લેવી

અમેરિકાના પ્રમુખ જો બાઇડનને એવી ઇચ્છા પ્રગટ કરી કે યુ.એસ.એ.ના સ્વતંત્રતા દિવસ ૪ જુલાઈ સુધીમાં ત્યાંના ૭૦ ટકા વયસ્કોને ઓછામાં ઓછો એક શોટ તો મળવો જ જોઇએ.  ઘણાં લોકો વેક્સિન લેવાને મામલે કચવાતા હોય છે, આપણે ત્યાં ય ગૌમૂત્રનું ચિયર્સ કરીને વિજ્ઞાનનો છેદ ઉડાડનારાઓની ખોટ નથી. પણ યુ.એસ.એ.માં લોકો વેક્સિન લેવા માટે તૈયાર થાય, પાછા ન પડે તે માટે જાતભાતના નુસખા અપનાવાઇ રહ્યા છે. ન્યૂ જર્સીમાં વેક્સિનેશન ડ્રાઇવમાં વધુને વધુ લોકો જોડાય તે માટે ‘શોટ એન્ડ બિયર’ની જાહેરાત થઇ. પહેલો વેક્સિન ડોઝ મેળવનારા તમામને એક બિયર ફ્રી આપવાની જાહેરાત કરવામાં આવી. કનેક્ટિકટમાં અને વોશિંગ્ટનમાં પણ આવી જ જાહેરાત થઇ . વેસ્ટ વર્જિનિયામાં ૧૬થી ૩૫ની ઉંમર વચ્ચેના જે લોકો વેક્સિન લેશે તેમને ૧૦૦ ડૉલરના સેવિંગ બોન્ડ્ઝ આપવાની જાહેરાત કરાઇ. વળી ત્યાં અમૂક ડોનટ ચેઇન્સે એવી જાહેરાત કરી છે કે ત્યાં આવનાર વ્યક્તિ વેક્સિનેશન લીધું હોવાનો પુરાવો બતાડશે તો તેને ફ્રી ડોનટ મળશે.

એક તરફ વેક્સિનેશન માટે આ પગલાં લેવાય છે તો રશિયા જેવા દેશની વેક્સિન સ્પૂટનિક તો બીજા દેશના લોકોને મળે તેવી વ્યવસ્થા ખડી થઇ છે. જો કે આ એક બિઝનેસ મોડલ છે જે દુબઇની એક ટ્રાવેલ એજન્સીએ ખડું કર્યું છે, ટ્રાવેલ એજન્સીને સૌથી વધુ ફટકો પડ્યો છે ત્યારે તેમણે વેક્સિન ટૂરીઝમમાં તક જોઇ છે. આ એજન્સીએ ૧.૩૦ લાખની ૨૪ દિવસની દિલ્હીથી મોસ્કોની પૅકેજ ટૂર ઑફર કરી છે અને આ પૅકેજમાં રશિયા જનારા મુસાફરોને સ્પૂટનિક વી વેક્સિનના બે શોટ્સ પણ અપાશે. ‘રશિયા દર્શન’નું આ પૅકેજ લોકોને આકર્ષી રહ્યું છે તેવો આ ટ્રાવેલ એજન્સીનો દાવો છે. વળી રશિયા અને ભારત વચ્ચેની સરહદો બંધ પણ નથી. આ કીમિયાની કામયાબી નાણવાની વાત નથી થઇ રહી બલકે કઇ રીતે વેક્સિનેશનની અગત્યતા લોકો સમજે તે માટે પ્રયત્ન થઇ રહ્યો છે તે જોવાનું છે. વિશ્વના જે દેશોએ રોગચાળા પર પોતાની રીતે લગામ મૂકી છે, અર્થતંત્ર સાવ ખાડે નથી જવા દીધું, વ્યવસ્થાઓ સાચવી છે તે રાષ્ટ્રોએ શું અલગ કર્યું તે આપણે જાણવું રહ્યું.

તાઇવાનમાં ગયા વર્ષે જૂન સુધીમાં ૭ મોત થયા હતા અને આ વર્ષે ફેબ્રુઆરી સુધીમાં ૯ મોત થયા. આ સાબિત કરે છે કે તાઇવાનની અગમચેતી કેટલી લેખે લાગી, વળી ત્યાં રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન પણ હજી સુધી નથી થયું. વાઇરસ જ્યાંથી પેદા થયો ત્યાંથી તાઇવાન દૂર નથી. અહીં સૌથી પહેલાં બોર્ડર્સ સીલ કરાઇ, સર્જિકલ માસ્કની નિકાસ બંધ કરાઇ, સંક્રમિત લાકોને ટ્રેક કરીને તે ક્વૉરેન્ટાઇનના નિયમો ભંગ ન કરે તેની પર ચાંપતી નજર રખાઇ. અહીં બિઝનેસ બંધ ન કરાયા પણ સેનિટાઇઝર અને ટેમ્પરેચર ચેકિંગ જેવા કડક નિયમોનું પાલન કરાયું. તાઇવાનથી થઇ શકી તેટલી મદદ તેણે બીજા રાષ્ટ્રોને પણ કરી. સિંગાપોરમાં જુલાઇ ૨૦૨૦ સુધીમાં ૨૫ મોત થયા હતા અને ફેબ્રુઆરી ૨૦૨૧માં આ આંકડો ૨૯ હતો. તાઇવાનની માફક શરૂઆતમાં જ કડક પગલાં લેનાર સિંગાપોરમાં વાઇરસ ફેલાય નહીં તેનું ધ્યાન રખાયું. સિંગાપોર વાઇરસ નાથવાને મામલે પહેલાં જ વિજેતા જાહેર કરાયો હતો. જો કે અહીં માઇગ્રન્ટ્સ એરિયાઝમાં કેસિઝની સંખ્યા ઘણી વધારે હતી, નાગરિકો અને માઇગ્રન્ટ્સ પ્રત્યે સરકારના અસમાન અભિગમની ટીકા પણ થઇ પણ સરકારે ઇકોનોમીના કાંગરા ન ખરવા દીધા. સિંગાપોર અને તાઇવાનમાં વેક્સિન લેવાને મામલે લોકોએ ઢીલું મુક્યું છે એ પણ એક વાસ્તવિકતા છે.

સાઉથ કોરિયાએ નાનામાં નાના ડેન્જર ઝોનને કાબૂમાં કરીને વાઇરસને ફેલાતા અટકાવ્યો. ત્યાં ગયા વર્ષે જૂન સુધીમાં ૨૭૬ મૃત્યુ થયા તો આ વર્ષે ફેબ્રુઆરી સુધીમાં ૧૫૪૪ જેટલા મોત થયા. સરકારે લાદેલી બધી જ મર્યાદાઓનું અહીં લોકોએ સ્વેચ્છાએ પાલન કર્યું. દેશની વસ્તી ધ્યાનમાં રાખી સરકારે એડવાન્સમાં વેક્સિનનો જથ્થો ખરીદી પણ લીધો પણ એક ગફલત એ થઇ કે કયા વેરિયન્ટ સામે કઇ વેક્સિન સારું કામ કરે છે તે જોવામાં સમય ખાસ્સો બગાડ્યો. કોરિયાને ૨૦૧૫નો MERS રોગચાળો હેન્ડલ કરવાનો અનુભવ પણ કામ લાગ્યો. સાઉથ કોરિયાએ જે રીતે ટેસ્ટિંગ, આઇસોલેશન, સારવાર વગેરેને મામલે અગ્રેસર કામગીરી કરી તે કોઇ પણ રાષ્ટ્ર્ માટે ઉદાહરણરૂપ છે. વળી તેમણે પોતાના અર્થતંત્રની મજબુતાઇ પણ જાળવી.

ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ પણ રોગચાળાને નાથવામાં સફળ રહ્યા છે. જૂન ૨૦૨૦ સુધીમાં ન્યૂઝીલેન્ડમાં મૃત્યુ આંક ૨૨ હતો અને ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીમાં ૨૬ હતો. રોગચાળા સામે સૌથી સારી રીતે કામ કરનારા દેશોમાં ન્યૂઝીલેન્ડ મોખરે રહ્યો છે. ત્યાં બહુ જલદી જ કડક લૉકડાઉન જાહેર કરાયું.  ત્યાં વડા પ્રધાને લોકોને ખાતરી આપી કે નોકરી જશે પણ ઘર નહીં જાય અને ટેક્સ રિફોર્મથી નાના બિઝનેસિઝને મદદ કરાઇ, મંત્રીઓએ પોતાના પગારમાં ૨૦ ટકા કાપ લીધો.

ઑસ્ટ્રેલિયામાં જૂન ૨૦૨૦ સુધીમાં ૧૦૨નાં મોત થયા અને ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીમાં ૯૦૯ જણનાં મોત થયા. અહીં પણ લૉકડાઉનને મામલે ત્વરિત પગલાં લેવાયાં અને સરકારે રાજકરાણીઓએ મળીને વિજ્ઞાનીઓ અને હેલ્થ એક્સપર્ટ્સને કેન્દ્રમાં રાખી બધાં નિર્ણયો લીધા.

આ દેશો ઉપરાંત કેનેડા, જર્મની, આઇસલેન્ડ, યુ.એ.ઇ., ગ્રીસ, આર્જેન્ટિના જેવા દેશો પાસેથી પણ શીખવા જેવું છે. રોગચાળાનું જોર ઓછું કરી શકનારા તમામ રાષ્ટ્રોની શરૂઆતી તબક્કાની સતર્કતા તેમને લેખે લાગી ગઇ. આજે લગભગ વાઇરસ ફ્રી થઇ ચૂકેલા અથવા તો જ્યાં કેસિઝ નહીંવત છે તેવા આ રાષ્ટ્રોમાં વેક્સિનેશન જેટલું ઝડપથી થવું જોઇએ તેટલું ઝડપથી નથી થઇ રહ્યું કારણ કે લોકોમાં હાશકારો છે કે આપણે સચવાઇ ગયા, જો કે ત્યાંની સરકારો પોતાની ફરજમાં કાચી નથી પડી રહી.

બાય ધી વેઃ

આપણે ત્યાં વેક્સિનેશનથી માંડીને વાઇરસમાં મોતને ભેટેલાઓના અંતિમ સંસ્કારની વાત આવે ત્યાં વ્યવસ્થાનું અસ્થિ વિસર્જન આપણે લગભગ રોજ જોઇએ છીએ. હાંફળા ફાંફળા થવાને બદલે અથવા તો વધુ પડતા આત્મવિશ્વાસમાં રાચવાને બદલે, રાજકીય મુત્સદ્દીપણાને નેવે મૂકીને માણસાઇ અને બૌદ્ધિક વિશ્લેષણનો આધાર લીધો હોત તો આપણી પર વાઇરસે જે કમરતોડ હુમલો કર્યો છે તેમાંથી કળ વળવાના આસાર આપણને પણ દેખાયા હોત. બધા જ દેશ હેલ્થ કૅરની ક્ષમતા, રાજકીય તંત્ર, આર્થિક સ્રોતને મામલે એક સમાન નહોતા. ગ્રીસ જેવા આર્થિક રીતે પાયમાલ થઇ ગયેલા દેશે પણ રોગચાળા પર કાબૂ મેળવ્યો, ટુરિઝમ પર અર્થતંત્ર ટક્યું હોવા છતાં ય લૉકડાઉનનું કડક પાલન કરાયું. આ પરથી આપણે સમજવું રહ્યું કે વાત ઇરાદાની છે, તેમની પાસે હતું એટલે એ કરી શક્યા એવી દલીલ કરનારાઓને સાંભળવાની તસ્દી ન લેવી.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  23 મે 2021 

Loading

ઓળખ

ભરત શાહ|Opinion - Opinion|23 May 2021

સાલી, મારી પોતાની કોઈ ઓળખ જ નહીં !

આખી ય જિંદગી.

નાનો હતો ત્યારે બધા કહે, “હા .. હા .. ઓળખ્યો, આ તો રમણ વલ્લભનો, કાય્યમ પહેલ્લા નંબરે આવે છે તે .."

મંદિર, પ્રસાદ ખાતર ડોકુ નમાવવા જઉં તો બૈરાં પૂછે, "તું તો ભગવતીનો ભોણિયો ને? બોઉં હારું કે'વાય રોજ દર્શન કરવા આઉ છું તે !"

અરે, ભાઈબંધની ઘેર જાઉં ને રસોડામાંથી એની બા પૂછે " એ .. કોણ છે ?"

તો એની ટીણકી બહેન કહે, "કોઈ નહિ બા, એ તો વિનુભાઈનો ભાઈબંધ છે."  કોઈ નહિ … કોઈ નહિ?

વાડીના નોકરો ય "નોના શેઠ, નોના શેઠ" કરે. ઘરની કામવાળી સૌથી નાનો એટલે "બાબાભઈ બાબાભઈ" કરે. અરે, દાદાનો હજામ, જેને દાદા ગાંયજા સિવાય બીજા કોઇ નામે બોલાવે નહીં એ પણ મને “શું નામ તારું?” એમ પૂછી અસ્ત્રો ફેરવે.

નિશાળમાં ય બધા માટે હું "ડીડી"નો નાનો ભાઈ !

કોલેજમાં બધા મને “સન ઓફ એ.ટી. કે.ટી.” કહે. ઈલેક્શનમાં ઊભો રહું તો બોર્ડ પર "વોટ ફોર સન ઓફ એ.ટી. કે.ટી. …… " ચિતરાય. મને જીતાડનારને ખબર પણ ન હોય હું કોણ છું?

ઓછું હતું તે કોલેજમાં પ્રેમમાં પડવાનું પરાક્રમ કર્યું. મને અને એને એમ કે અમારા બે સિવાય આ ભેદની બાતમી ગામમાં કોઇને નથી. થયું એવું કે એક દી’ બસમાં ઊભા થઇ, કાકીને સીટ આપી. તો કહે, “ઓહ, ઓળખ્યો, તું તો પેલી કાળી કંચનની છોરી પાછળ ગોંડો થયો છે તે ને? ભલું કરે ભગવોન તારું”

ખેર, કોલેજ પછી તરત જ અમેરિકા આવવાનો વાવડ વાયો. બીજું કઈ નહિ તો પરદેશમાં મારા નામથી તો લોકો મને ઓળખશે એ લાલચે અહીં આવ્યો. થોડોક વખત લાગ્યું કે અહીં આપડા નામનું પત્તું ફાટશે પણ નસીબ ફૂટતા અહીં પણ વાર ન લાગી.

કાળી કંચનની કોકિલા અહીં આવી. મધુર રાગે ભજન મસ્ત ગાય અને બધાને ભોજન મસ્ત કરાવે. બસ પછી તો સમાજમાં કોઇ પણ મળે, "કોકિલા બહેનના હસબંડ ને?” એ સવાલથી વાત શરૂ કરે. ને પછી, “બહુ ઓછા આ રીતે પોતાની વાઈફને સોલીડ સપોર્ટ આપે" એવા ડહાપણથી પૂરી કરે.

થઇ રહ્યું. સંતોષ ક્ષણ ભંગુર છે એવું જ્ઞાન લાધ્યું. બાકી હતું તે બે ટેલેન્ટેડ છોકરીઓને મોટી કરી મારી “નાઉ ફેમસ” વાઈફ કોકિલાએ!

દીકરીઓની બહેનપણીઓ ય પૂછે, "અંકલ, તમે તો કીંજલના ડેડ ને ? શું કહું હું એ ડેડની દીકરીને?

આખરે તો "ડેડ" થઇને ય મારા નામ ખાતર જીવી લેવાની મારી જીવિષા હતી, એ આશા પર પાણી ફરી વળ્યું.

મારી મોટી દીકરી ફેસ ટાઇમ કરતાં એના નાના દીકરાને પૂછે, "ડીકુ, દાદાનું નામ શું છે?"

"દાદા મિશીગન" ટેણિયો એક સેકંડનો વિચાર કર્યા વગર કહે!

નાની, એની દીકરીને એ જ સવાલ પૂછે.

ત્રણ વરસની છે. જીગરનો ટુકડો. તરત બોલે,

“નો હેર દાદા.”

મારા નામની તક્તિ પણ મારે કપાળે લગાવું ને તો લોકો મને તક્તિવાલા કહેશે. મારી ખરી અટકથી પણ મને કોઇ નહીં ઓળખે.

https://www.facebook.com/bdshah810/posts/10218538910374911

Loading

ખારાશ

હિતેશ પાટડિયા|Opinion - Opinion|23 May 2021

કાવ્ય અને લખાણ બંને ગુજરાતના અગરિયાઓની સ્થિતિ સમાજ સમક્ષ રજૂ કરે છે. … સાથે એક પોસ્ટર પણ છે જે માત્ર ધ્યાનાકર્ષક પોસ્ટ બનાવવાના હેતુથી બનાવેલ છે. જેમાં સામેલ ફોટોગ્રાફ્સ ગુગલ પરથી કોઈ જ મંજૂરી વિના જ્યાંથી મળ્યા ત્યાંથી લીધેલ છે. મતલબ મેં પાડેલાં ફોટાં નથી.

•••

ફોટા પાડીને જ ઉમંગ – શું છો બતાવો !
તપતી ધરાએ ચાલી – થોડું તો બતાવો.
મીઠું મીઠું બોલીને – વહેતા પડો છો,
મીઠાનો સ્વાદ પગથી – ચાખી તો બતાવો.

 શહેરમાં તો પકવાન – રોજે પચાવો,
રોટલો ને ડુંગળી – ગળી તો બતાવો.
વાનગી સ્પર્ધાઓ – ઘણી છો બનાવો,
ખારી રોટીની ઉજાણી – કરી તો બતાવો.
 
વૃક્ષોની ચિંતા – ઘણી છો કરતાં,
ખારા માનવની ગણતરી – કરી તો બતાવો.
ધનવાનોનો ઘસરકો ય – ગામને બતાવો,
ખારી ત્વચા હેઠ રક્ત – શોધી તો બતાવો.
 
ભોજન લાગે મીઠું – ખારા ગાંગડાથી,
ગાંગડાની જુબાની – લઈ તો બતાવો.
શોખ કરતા ફરો – સોનાના તાબૂતના,
ખારા પગની રાખ – કરી તો બતાવો.
 
લેંટ લૂછવાના લાખ – લેતાં ફરો છો,
અહીં જ્ઞાનયજ્ઞ ક્યારેક – કરી તો બતાવો.
ચળવળો પશુની – સુષ્ઠુ કરો છો,
ખારા તનની આગ – ઠારી તો બતાવો.
 
લીસા રોડે ફોટા – ઘણાં છો પડાવતા,
ખારા ઢગલે ચળવળ – કરી તો બતાવો.
મીઠાની ખારાશ – તો લોહીમાં સમાણી,
દરકાર આશ – "ખારાશ" થતી – રોકી તો બતાવો.

ગાંધીનગર, ડિસેમ્બર 2020

માહિતી :

અગરિયાના શરીરના અંતિમસંસ્કાર બે રીતે કરાય છે. પહેલાં અગ્નિસંસ્કાર – પછી દફનવિધિ. કારણ કે તેમના પગ સળગતા નથી.

મીઠાના અગરમાં કામ કરતા અગરિયાના ખાલી ફોટા જ છપાય છે. એમની દરકાર માટે જાગૃત, પ્રવૃત્ત કે સમર્પિત કેટલાં ?

ગ્લોસી પેમ્ફલેટ છપાવીને બાલ મંદિરની પણ લાખ રૂપિયાની ફી ઉઘરાવવાની ને એમાં પણ પાછું ઇન્ટર્વ્યુ રાખવાનું ! આ શિક્ષણ ભેખધારીઓ (!) ખારાપાટમાં ડોકાશે ?

પશુઓની સાચી-ખોટી ચિંતા કરનારા – આ જીવતી માનવ પ્રજાતિની નોંધ લેશે ?

છાશવારે જાતજાતના તકલાદી આંદોલનો કરનારા થનગનભૂષણોથી ખારી સમસ્યા મપાશે?

હજુ ઘણી અજાણી વિગતો છે જેનો કવિતામાં સમાવેશ કરેલ નથી. જેમ કે, અગરિયાઓ અફાટ રણમાં છેટે છેટે કામ કરતા હોય અને મોબાઇલ નેટવર્ક ના હોય તો એકબીજાને બોલાવવામાં તકલીફ પડે. અવાજ પણ ના પહોંચે. એટલે સૂરજના તડકાના રિફ્લેક્શન માટે અરીસો વાપરે છે.

ખુલ્લામાં એમની પાસે ટોઇલેટની એકાદ આડશ જેવું હોય. એ પણ જો બીઝી હોય અને અન્ય કોઈને પ્રેશર આવે તો ખાટલો અને ટુવાલ કે સાડી લઈને દોડવાનું. છેટે જઈને ખાટલા પર ટુવાલ કે સાડી લટકાવીને આડશ ઊભી કરીને બેસવાનું. નજીકમાં ઝાડી ઝાંખરું પણ ના હોય ત્યારે આ મજબૂરી.

e.mail : hiteshpatadiya2@gmail.com

Loading

...102030...1,9181,9191,9201,921...1,9301,9401,950...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved